શિકાર : પ્રકરણ 27 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર : પ્રકરણ 27

ઓડી આશ્રમના ગેટ આગળ ધીમી પડી એમ નિધિના મનમાં પણ વિચારો ધીમા પડ્યા. આશ્રમમાં દેખાતા ઊંચા ઘટાટોપ વૃક્ષો, મહેંદીની વાડ, હરિયાળું ઘાસ, ઘાસ ઉપર ગોઠવેલા ફુવારા, સુંદર ઝૂંપડીઓ, ઓરડાઓની હારમાળ ઉપર દેખાતા લાલ દેશી અને વિલાયતી નળિયા ઉપર પથરાયેલી વેલ અને એમાં ઉઘડેલા ફૂલો અને સફેદ વસ્ત્રોમાં ફરતા સ્ત્રી પુરુષો. બધું વાતાવરણ જાણે સ્વર્ગીય લાગ્યું.

પાર્કિંગ લખેલા પાટિયા પાસે ગાડી પાર્ક કરીને નિધિ ઉતરી. એને હવે સમજાવા લાગ્યું કેમ લોકો સન્યાસ લેતા હશે, કેમ વિલી અંકલ જેટલા સમજદાર જ્ઞાની માણસે પાદરી બનીને જીવન વિતાવવાનું નક્કી કર્યું હશે, કેમ જૈન લોકો દીક્ષા લેતા હશે. અરે નિધીએ એવા કિસ્સા જોયા હતા જેમાં અબજો રૂપિયાના માલિક જૈન લોકોના દીકરા દીકરીઓએ દીક્ષા લીધી હોય.

ગાડીમાંથી ઉતરીને ઘડીભર નિધિ એ બધું જોતી રહી. ખજૂર અને તાડના ઊંચા વૃક્ષો સામે એ ઘડીભર જોઈ રહી. અને જાણે આશ્રમમાં આવવાથી જ એના વિચાર બદલાઈ ગયા હોય એમ એના મનમાં આવ્યું. આવડું મોટું આ ખજૂરીનું વૃક્ષ ઊંચાઈ તો જાણે વાદળોને સ્પર્શે એટલી છે પણ શું કામનું? એનો ક્યાંય છાંયડો પડતો નથી. બસ એમ જ આ ગાડી બંગલા પૈસા બધું વ્યર્થ છે. એન્જી પાસે ક્યાં પૈસાનો તોટો હતો? પણ શું કામ આવ્યા એને પૈસા?

એણીએ પગ ઉપડ્યા. મુખ્ય મકાન તરફ ગઇ. પેલા ધોતી પહેરણ અને માથા પર ફાંટાવાળા પુરુષો એમ જ ખાટલામાં સુતા હતા. એક પુરુષની ઓરત રોટલા ઘડતી હતી. ચૂલા ઉપર શાકનું તપેલું ચડાવેલું હતુ. બીજા ચૂલા ઉપર માટીનો તવો આગમાં તપીને રોટલાને એનું ખાદ્ય સ્વરૂપ આપતો હતો. નિધીને એમાં એ તવો કોઈ સંત પુરુષ જેવો દેખાયો. એ ખુદ આગમાં તપીને રોટલાને સ્વરૂપ આપે છે. આજે જાણે એ પુરી સાધ્વી બની ગઈ હોય એમ દરેક વસ્તુ ઝીણવટથી જોતી હતી.

"કોનું કામ છે?" અવાજ આવ્યો એટલે નિધીએ સીડીઓ તરફ જોયું. એક સાધ્વી હસમુખ ચહેરો લઈને સ્મિત આપતી ઉભી હતી. એ ચંદ્રા દેવી હતી.

નિધીએ માથું ઝુકાવીને એને પ્રણામ કર્યા. ગઈ વખતે આવી ત્યારે એ અહીંના રીત ભાત શીખી ચુકી હતી.

"હું સાધ્વી બનવા આવી છું." નિધીએ માથું ઊંચકીને સસ્મિત કહ્યું.

"આવો મારી પાછળ." ફરીને એ અંદર જવા લાગી. નિધિ એની પાછળ સીડીઓ ચડવા લાગી. અહીં જો એને જૂની એક વાત યાદ આવી હોત તો એ જ સમયે કહાની પુરી થઈ જાઓત પણ નિધિના મન ઉપર અત્યારે સન્યાસ નામક ચિજે કબજો લઈ લીધો હતો. એ ભૂતકાળ ખંખેરી નાખીને અહીં આવી હતી. બાકી જો એને યાદ આવ્યું હોત કે ગઈ વખતે પોતે અહીં આવી ત્યારે આવી જ એક સાધ્વી સસ્મિત એને અંદર લઈ ગઈ હતી. જેનું નામ વિમલા દેવી હતું. અને જેનો ફોટો નિધીએ છાપામાં જોયો હતો. અંબાજીની પહાડીઓમાંથી એક અજાણ મહિલાની લાશ મળી આવી એ સમાચાર અને નીચે આપેલો વિમલા દેવીનો ફોટો નિધીને યાદ આવ્યો હોત તો એ સીડીઓ ચડી જ ન હોત...

*

સરફરાઝ પહેલા તો સીધો જ ફ્લેટ ઉપર ગયો. એ સમીર વિશે કોઈ હકીકત જાણતો ન હતો. પછી સમીરના ફ્લેટ પર જઈને એનું લોક જોયું. લોક કોઈએ તોડ્યું નહોતું. મતલબ અહીં કોઈ આવ્યું નથી. જેણે પણ સમીરને ઉઠાવ્યો છે એ લોકો હજુ અહીં સુધી આવ્યા નથી.

ફરી પોતાના ફ્લેટ ઉપર જઈને સરફરાઝે એક બેગ લીધી. બેગમાં જરૂરી સામાન મુક્યો. નીચે ઉતર્યો. રોડ ઉપર જઈને કેન્ટીનમાં ચા પીધી. બાજુના પાર્લર પરથી સિગારેટ લીધી અને એક સળગાવી.

એને અફસોસ થવા લાગ્યો. આ મેં શુ કર્યું? સમીર એની લાઈફમાં ખુશ હતો. એ રંગ રેલીયા કરતો અને જીવતો હતો. મેં એને અનુપ સાથે જોડ્યો અને પહેલા જ દિવસે એને કોઈએ ઉઠાવ્યો. રઘુના બાઇકને લીધે ઉઠાવ્યો.

સિગારેટ પીતા એણે વિચારવાનું શરૂ કર્યું. સમીર હોટલમાંથી પહેલી જ વાર બહાર નીકળ્યો ત્યારે એ નિધિના ઘર આગળ ગયો. ત્યાંથી એ હાઇવે ગયો અને ત્યાંથી ગાયબ! એટલે જરૂર નિધિના ઘર ઉપર જ ઉઠાવગીરોએ નજર રાખી હશે. કદાચ કોઈ અનુપનો અંગત દુશ્મન હોય. અથવા કોઈ બીજી ટિમ હોય. શકયતા એ પણ છે કે અનુપની હકીકત કોઈને ખબર પડી ગઈ હોય તો કોઈએ બદલો લેવા પણ એના માણસને ઉઠાવ્યો હોય.

નહિ નહિ એ બરાબર નથી. અનુપનું કામ બહાર પડે એ બેહૂદી વાત છે. એ ચાલાક છે. એના પ્લાન આબાદ હોય છે. તો પછી કોણ હોઈ શકે?

જે હોય તે પણ એક વાત ચોક્કસ છે કે સમીરને જેણે પણ ઉઠાવ્યો છે એણે બુલેટના લીધે ઉઠાવ્યો છે. કારણ એ બુલેટ રઘુનું હતું. એટલે રઘુને એ માણસ ઓળખતો હતો. અરે કદાચ મને પણ ઓળખતો હોય. બીજું એ કે સમીર નિધિના ઘર તરફ ગયો હતો.

હવે જો વાત માત્ર અનુપ કે રઘુની દુશ્મની પૂરતી હોય તો એ માણસ કે માણસો અનુપ કે રઘુને જ ઉઠાવે. સમીરને નહિ. એટલે ચોક્કસ વાત દુશ્મનીની નથી જ. બે માણસો અને બ્લેક વેન. બ્લેક વેન કોણ રાખે? જેનો ધંધો જ કિડનેપીંગનો હોય એ માણસો જ બ્લેક વેન રાખે. બીજું કે માત્ર બે જ માણસોએ સમીરને ઝબ્બે કર્યો હતો. એટલે એ લોકોને આવી રીતે કિડનેપીંગનો અનુભવ હોવો જ જોઈએ. એટલે બીજી વાત એ કે એ લોકો અનુભવી છે. કદાચ બે કે ચાર માણસોની ટુકડી હશે અથવા ગેંગ હશે દસેક માણસોની.

પણ સમીરને જ કેમ? સમીર તો હમણાં જ જોડાયો એને કોઈ શુ કામ ઉઠાવે?

પોતાના જ સવાલોથી સરફરાઝ અટવાતો રહ્યો. તેણે બંને હાથે માથું પકડીને ભીંસ્યું. સમીર જ કેમ? એ લોકો અનુપના બીજા કોઈ માણસને ઉઠાવે તો એમ સમજી શકાય કે કદાચ એ લોકો અનુપ વિશે જાણવા માંગતા હોય. એ બધું જાણી લઈને અનુપને બ્લેક મેઈલ કરીને વગર મહેનતે કોઈ પણ પોલીસ કેસ વગર રૂપિયા ઉતારી શકાય.

બીજા કોઈ માણસને બદલે સમીરને ઉઠાવ્યો એ વાત સરફરાઝને જરાય સમજાતી ન હતી. કોઈ સમીરના જ દુશ્મને એને ઉઠાવ્યો હોય તો છેક વડોદરા સુધી શુ કામ જાય? અહીં અમદાવાદમાં જ એ કામ થઈ શકે ને? સમીર ઘણીવાર ડોગ હાઉસ સુધી રાત્રે એકલો જાય છે ત્યારે જ એને ઉઠાવી શકાય ને?

સોનિયાએ તો આત્મહત્યા કરી લીધી છે. એટલે એને પણ સમીરના કોઈ દુશ્મન છે કે કેમ એ પૂછી શકાય નહીં. એકાએક એને નિમિ યાદ આવી.

યસ નિમિ કદાચ કઈક જાણતી હોય. એ તરત ઓટો પકડીને નિમિ જ્યાં રહેતી હતી ત્યાં ગયો પણ ત્યાં હવે કોઈ નિમિ રહેતી ન હતી. નિમિ હોય જ ક્યાંથી. નિમિ નામે રહેતી એ છોકરી તો એજન્ટ હતી. જે થોડાક સમય માટે સમીરના પ્લાન માટે અહીં આવી હતી.

નિમિ રૂમ ખાલી કરીને ક્યાં ગઈ છે એ કોઈ જાણતું ન હતું. હવે સરફરાઝને સમીર માટે ઓર ચિંતા થવા લાગી. ઉઠાવવા વાળાએ કોઈ માંગણી પણ કરી ન હતી એટલે એને વધુને વધુ તાજ્જુબી થતી રહી. આખરે એણે ડોગ હાઉસ ઉપર જવાનું નક્કી કર્યું.

ટેક્સી રોકી એ ડોગ હાઉસ ગયો. ટેક્સી વાળાને ભાડું આપીને ઉતાવળા પગલે એ દરવાજો ખોલી બિલ્ડીંગ તરફ ભાગ્યો.

*

સાંજ સુધીમાં નિધિ જાણે પુરી સાધ્વી બની ગઈ હતી. સફેદ વસ્ત્રોમાં ખુલ્લાવાળને માત્ર એક રબર બેન્ડથી બાંધીને રાખ્યા હતા. પગમાંથી સૂઝ કાઢીને મૂકી દીધા હતા.

ચંદ્રા દેવીએ એના માપના વસ્ત્રો લાવી દીધા હતા. સફેદ સાડી, સફેદ બ્લાઉઝ. બધું જ સફેદ. વસ્ત્રો બદલીને આયનામાં પોતાની જાતને જોઈ ત્યારે નિધીને હવે જાણે જીવનને દૂધથી ધોઈને પવિત્ર કરી દીધું હોય એવી ભાવના થઈ હતી. પોતે પોતાનો આત્મા હવે નિર્મળ બન્યો છે. કોઈ મોહ માયા નથી રહી એવી અનુભૂતિ એને થઈ હતી.

આખો દિવસ ચંદ્રા દેવીએ એને આશ્રમનું રૂટિન સમજાવ્યું. અને નિધીને એમાં રસ પડતો રહ્યો. નિધીનું નામ હવે નિધિ દેવી હતું. અહીં વૃદ્ધ સાધ્વીઓને માતા અને યુવાન સાધ્વીઓને દેવી શબ્દથી માન અપાતું. યુવાન પુરુષને નામ લઈને જ બોલાવતા અને વૃદ્ધ સાધુઓ માટે આચાર્ય કે મહારાજ એવા માન વાંચક શબ્દો બોલાતાં.

સાંજે બગીચામાં ફૂલોના કુંડામાંથી અને ઘાસમાંથી વૃક્ષોના સૂકા ખરેલા પાંદડા જાતે જ વીણી લેવાનું રૂટિન હતું.

નિધિ પણ એમાં જોડાઈ.

"ચંદ્રાદેવી તમે કેટલા સમયથી અહીં છો?" આખો દિવસ એની સાથે રહી છતાં રૂટિનમાં પ્રવચનમાં, જમવામાં, સેવા કર્યમાં એને વાતચીતનો ખાસ સમય મળ્યો ન હતો એટલે અહીં વાત શરૂ થઈ.

"સમય ક્યારે નીકળી જાય છે એ સમજાતું જ નથી. અહીં આવ્યા પછી કેટલા દિવસો મહિનાઓ કે વર્ષો ગયા એ યાદ નથી રહેતું. છતાં અંદાજે દોઢેક વર્ષ થયું હશે." ચંદ્રાએ વ્રુક્ષો, ફૂલો અને મહેંદીની વાડ તરફ નજર ફેરવીને કહ્યું. તેના ચહેરા ઉપર ગજબની પ્રસન્નતા રહેતી.

"તો તો તમે બધાને ઓળખતા હશો ને?"

"હા તમે પણ ટૂંક સમયમાં ઓળખતા થઈ જશો." ચંદ્રાએ કહ્યું ત્યારે એની નજર સામે હાથમાં સૂકા પાંદડા ભેગા કરીને ઉભેલા એક અનુયાયી ઉપર પડી. એ અનુયાયી નિધીને જોઈ રહ્યો હતો.

"દર્શન..." ચંદ્રા રોષે ભરાઈને બોલી ઉઠી. એટલે તરત એ સનુયાયીએ નજર ફેરવીને કામે લાગી ગયો.

પણ નિધીએ એ નામ બરાબર સાંભળ્યું હતું. દર્શન નામ સાંભળીને આખો દિવસ ભૂતકાળ ભૂલેલી નિધિના મનમાં ફરી ઉથલપાથલ થઈ.

"કોણ દર્શન?" કોણ છે એ? મને શું કામ આમ દેખતો હતો?" નીધીએ સવાલ શરુ કર્યા.

"એ કોઈ ખોટી નજરે દેખતો નથી. તમે નાહક ગભરાશો નહિ. એનું મન હજુ અસ્થિર છે. ભૂતકાળને એ છોડી શક્યો નથી." ચંદ્રાએ વાત વાળી લીધી જોકે એ સત્ય હતું પણ નિધિના મનમાં તો એના લીધે વધારે સવાલો થયા.

“અસ્થિર એટલે?”

“અસ્થિર એટલે, નિધિદેવી એ દર્શન છે. આશ્રમમાં આવીને રહે છે પણ તેનું મન હજુ શાંત થયું નથી. તે રાત્રે જાગતો રહે છે. ઘણીવાર તે રાત્રે પેલા બાથરૂમની પાસે, પેલી ઓરડી પાછળ અંધારામાં કે પછી આ બિલ્ડીંગની પાછળ વ્રુક્ષોમાં આખી રાત બેસી રહે છે.”

“ઈશ્વર તેને મદદ કરે..” નીધીએ નીશાસો નાખીને કહ્યું પણ તેના મનમાં જુદા જ સવાલો ઉભા થયા. છતાં અત્યારે ચંદ્રાદેવી સામે કોઈ વાત કરવી કે ન કરવી એ નક્કી કરી ન શકી એટલે એણીએ એ અનુયાયીને મળીને જ ખાતરી કરવાનું વિચાર્યું.

હજુ નિધિ વિચારમાં હતી ત્યાં જ એક કાર પુરપાટ ઝડપે આવીને આશ્રમના દરવાજે બ્રેકના કિચુડાટા બોલાવતી ઉભી રહી. ગેટમાં પ્રવેશી અને પાર્કિંગ આગળ ઉભા રહેવાને બદલે સીધી જ મુખ્ય બિલ્ડીંગ પાસે ગઈ. એમાંથી એક માણસ ઉતર્યો અને સીધો જ આચાર્યને તત્કાળ મળવું છે એમ કહીને અંદર ગયો. એ સમયે આચાર્ય કોઈ પ્રવચનમાં હતા નહિ એટલે સીધો જ એને અંદર જવા દીધો. એ ટોમ હતો. એજન્ટ ટોમ.

ટોમે અંદર જઈને આચાર્યના હાથમાં એક પરબીડિયું આપ્યું અને વિદાય લીધી. ગાડીમાં ગોઠવાઈ ફરી ગાડી હંકારી અને આશ્રમ બહાર નીકળી ગયો. ચંદ્રા આ જોઈને હેબતાઈ ગઈ. આજ સુધી કોઈ ગાડી પાર્કિંગને બદલે સીધી જ બિલ્ડીંગ સુધી ગઈ ન હતી. આટલું જલ્દી આચાર્યને મળીને કોઈ કદી બહાર પણ આવ્યું ન હતું. આ બધું શુ હશે એ એને સમજાયુ નહિ. ઉંચો, પાતળો, ગોરો, વિખેરાયેલા ભૂખરા વાળ વાળો એ માણસ કોણ હશે તે ચંદ્રાદેવીને સમજાયું નહિ.

નિધિ એના ચહેરાની આ અકળામણ જોઈને ‘કશુંક અજુગતું બન્યું છે’નો અણસાર પામી ગઈ. પણ એને અત્યારે તો રાતના અંધારામાં પેલા દર્શન નામના અનુયાયીને મળવાની ચિંતા થઈ રહી હતી.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky