ચારેક એકરના ખેતરમાં પવન આમતેમ ઉડા ઉડ કરતો હતો. ઊંચા વ્રુક્ષો પવન સાથે રમત રમતા હતા. ખેતરમાં વાવેલો પાક પવન સાથે ઘડીક ઉત્તર તો ઘડીક દક્ષિણ એમ ઝૂલતો હતો એ દ્રશ્ય મનમોહક હતું. ઘોડાના તબેલા તરફથી ઘોડાની હણહણાટી, વરસાદને ટહુકો કરતા મોરના સુંદર અવાજ ખેતરના વચ્ચેના ભાગેથી આવીને ચારેય તરફ ફેલાતા હતા, ટ્યુબવેલના ધોરામાં પડતા પાણીનો અવાજ અને નીકમાં ખળખળ વહેતા પાણીના અવાજથી એક માધુર્ય છવાયું હતું. કોઈ કલ્પના પણ ન કરી શકે કે આવા મનમોહક વાતાવરણમાં આવી સુંદર પ્રાકૃતિક જગ્યાએ કુદરતે રચેલા એક માનવીને હાથ પગ બાંધીને અંધારી રૂમમાં પૂરેલો હશે...!
જમવાની વ્યવસ્થા કરીને લખુભાનો ખાસ માણસ જોરાવર ખબરી ફાલતુંને મુકવા નીકળી ગયો. એ પછી ત્રણેય જમવા બેઠા.
ટેબલ ફરતે મનું (જિમી), પૃથ્વી (જેક) અને લખુંભા ગોઠવાયા. પૃથ્વીને આ બધું શુ થાય છે એ કઈ ખબર ન હતી એ તો માત્ર મનુંએ કહ્યું એટલે વેન લઈને આવી ગયો હતો. જોકે આ ખેતરમાં આવા જ અહલાદ્ક વાતાવરણમાં ઘણા ક્રિમીનલને પૃથ્વીએ સીધા કર્યા હતા. પણ એ બધાને પ્લાનિંગથી ઉઠાવ્યા હતા જયારે આ માણસ જે કોઈ પણ હતો એને તત્કાળ ઉઠાવી કોઈ પ્લાન વગર જ અહી લાવ્યો એ પૃથ્વીને પણ સમજાયું નહી.
"જિમી..." રૂમમાં પૂરેલો સમીર એ સાંભળવાનો ન હતો છતાય પૃથ્વી અસમંજસમાં પણ મનુને મનું કહેવાની ભૂલ કરે એવો માણસ ન હતો. એમાય જયારે કોઈને ઉઠાવ્યો હોય ત્યારે તો નહી જ.
"હવે મને કહીશ આ બધું શુ છે?" ટેબલ ઉપર ગોઠવેલ લખુંભાના માણસે બનાવેલા રોટલા અને રીગણનું તીખું શાક ખાતા ખાતા પૃથ્વીએ પૂછ્યું.
"સમજાવું છું બધું." બરફ નાખેલા છાસના ગ્લાસમાંથી મોટો ઘૂંટડો ભરીને તીખાશ દૂર કરી મનુએ કહ્યું, "આ લોકો નિધિ રાવળ પાછળ પડ્યા છે. કોઈ ખતરનાક ક્રિમિનલ છે."
"આ લોકો એટલે? મને તો અહીં કોઈ દેખાતું નથી આ રૂપાળા છોકરા સિવાય." સમીર દેખાવડો હતો એટલે પૃથ્વી એને રૂપાળો છોકરો કહ્યો.
"એ રૂપાળો છોકરો જોઈને તને એમ જ થતું હશે જેક કે આ ભોળો માણસ છે. પણ એ ભયંકર ગુનેગાર છે. એની ટોળકી ભયાનક છે." મનુએ પૃથ્વીને નિધિ રાવળ સાથે એ લોકોએ શુ ખેલ ખેલ્યો એ કહેવા માંડ્યું. પણ મનું બધું જાણતો ન હતો. એ જેટલું જાણતો હતો જેટલા અંદાજ એણે લગાવ્યા હતા એ બધા જ પૃથ્વીને કહી સંભળાવ્યા.
"નિધિના ઘરે એ લોકોએ એવા ફૂલ મુક્યા જે એન્જીને ગમતા હતા."
"આ એન્જી કોણ છે?"
"છે નહીં હતી. એની ખાસ મિત્ર. એણીએ આત્મહત્યા કરી હતી."
"ઓહ ગોડ આ આત્મહત્યાના કિસ્સા હમણાં બહુ વધ્યા છે. એક તરફ પેલી બ્લુ વ્હેલ ગેમ બાળકોના જીવ લે છે અને એક તરફ પ્રેમમાં આંધળા લોકો બ્રેક અપ થતા જ બસ ગળે ફાંસો લગાવી લે છે." વાતથી કે પછી રીંગણના સ્વાદથી પૃથ્વીના અવાજમાં અણગમો ભળ્યો.
"એ પછી એ લોકોએ નિધીના ગાડીના કાચ ફોડી નાખ્યા. ઘર આગળ મુકેલા કુંડા તોડી નાખ્યા. બીજા દિવસે એના ઘર આગળ રેડ કલરનું ફ્રોક લગાવીને જતા રહ્યા. એ ફ્રોક પણ એન્જી નાનપણમાં પહેરતી એવું જ હતું." મનુએ આગળ કહ્યું.
"તો નિધીએ શુ કર્યું?"
"એ બિચારી એની સેક્રેટરીના ઘરે ચાલી ગઈ. પછી ત્યાં એની સાથે કઈ બનાવ બન્યો નહિ એટલે ઘરે પાછી આવી. બધી ઘટનાઓ બનવાનું બંધ થઈ ગયું."
"મને હજુ કઈ સમજાયું નહિં."
"સમજાવું છું." હાથ ધોઈને રૂમાલથી લૂછતાં મનુએ આગળ કહ્યું, "સેક્રેટરીના ઘરે રહેવા ગઈ ત્યાં એ લોકોએ એને ડરાવી નહિ એટલે નિધીને લાગ્યું કે આ બધો મારો ભ્રમ છે. એન્જીના મા બાપે એને મોટી કરી હતી. એન્જીની મા એન્જીના સમાચાર સાંભળીને આઘાતથી જ ગુજરી ગઈ અને એના પિતાએ સન્યાસ લઈ લીધો. આ બધા આઘાતથી મને આઘાત લાગ્યો છે એટલે આવી ભ્રમણાઓ થાય છે એવું નિધીએ માની લીધું." મનુએ આ બધું કહ્યું ત્યારે મનુંને ખબર ન હતી કે જ્યારે નિધિ જુહીના ઘરે ગઈ ત્યારે પણ એને જુહીના ઘરમાં કોઈ માણસ છે એવો ભરમ થયો હતો. કેમ કે એ વાત નિધીને જરૂરી ન લાગી એટલે મનુને કહી ન હતી.
"પણ પેલા ફૂલ અને ફ્રોક કઈ ગાયબ તો ન થઇ જાય ને યાર? નજર સામે ફૂલ અને ફ્રોક હોય પછી કોઈ એને ભરમ કઈ રીતે માની શકે?"
"ધીરે બોલ. તે કહ્યું એમ જ થયું હતું. ફૂલ તો કઈ રહે નહીં પણ ફ્રોક ઘરમાંથી ગાયબ થઈ ગયું. જ્યારે નિધિ એની સેક્રેટરીના ઘરે ગઈ ત્યારે એ લોકો એ કોઈ સાતીર ચોરને મૂકીને ફ્રોક ઘરમાંથી ઉઠાવી લીધું. એટલે નિધીએ આવીને એ ચેક કર્યું ત્યારે ઘરમાં કોઈ ફ્રોક હતું જ નહીં." મનુએ પૃથ્વીને બધું સમજાવી દીધું. ઘરમાં કોઈ કઈ રીતે ઘુસી શકે અને ફ્રોક ચોરી શકે એ વાત સમજાવવાની પૃથ્વીને જરૂર ન હતી. પૃથ્વી એવા હજારો ચોર સાથે નિપટેલો હતો.
"ધત્ત તેરી... એટલે જિમી કોઈ ખતરનાક ગેંગ છે? જે નિધીને પાગલ બનાવી દેવા માંગે છે?" આખીયે વાત સાંભળીને પૃથ્વી જેવા મર્દ માણસને પણ પસીનો છૂટી ગયો. એ મનું સામે તાકી રહ્યો.
"ખતરનાક જ નહીં પણ કુશળ કારીગરોવાળી કોઈ ગેંગ છે. બધા માસ્ટર માઈન્ડ છે.”
“પણ એમના નસીબ ખરાબ હતા કે નિધીએ કેસ નોંધાવ્યો ત્યાંથી તારી પાસે આવી ગયો." પૃથ્વીએ પણ હાથ ધોઈને લૂછ્યા. ટેબલ પર બધું એમ જ મુકીને બંને જણ ખુરશી થોડી દુર લઇ ગયા એટલે મનુએ અનુસંધાન જોડ્યું.
"યસ એ દિવસે તારો મૂડ સારો નહોતો એટલે મેં કઈ કહ્યું નહિ. પણ ત્યારથી જ મેં માણસો લગાવી દીધા હતા. એમાં આ માણસ એ ટોળકીમાં સૌથી ભયાનક માસ્ટર માઈન્ડ હોવો જોઈએ કેમ કે નિધિ સાથે એટલુ બધુ કર્યું ત્યાં સુધી આ માણસ (સમીર) વડોદરામાં આવ્યો ન હતો. એટલે કદાચ એ લોકોનું જે પણ પ્લાનિંગ હોય એનો અંજામ આપવા માટે આ માણસ આવ્યો હોવો જોઈએ. પણ સદનસીબે એ જ દિવસે મેં એને ઝડપી લીધો."
"અને તારી પાસે કોઈ પ્રુફ નથી એટલે તે એને પોલીસ તરીકે નહિ પણ ગુંડા તરીકે ઝડપયો. રાઈટ?"
"યસ જેક હવે તને બધું સમજાઈ ગયું ને?"
લખુંભા બિચારો હુક્કો ગગડાવતો આ વાત સાંભળીને દૂર જઈને ખુરશી ઢાળીને બેસી રહ્યો. આ વાતમાં એ માણસને કઈ ગતાગમ પડતી નહિ. મનું અને પૃથ્વી અહીં ઘણી વાર ઇલીગલ ધુલાઈ કરવા માટે માણસોને લાવતા. ચાર ચાર કે છ છ દિવસો સુધી અહીં ટેપના મોટા અવાજમાં ગુનેગારોની ચીસો કોઈને સંભળાતી પણ નહીં... એ બધું લખુંભાએ ઘણીવાર સાંભળ્યું અને જોયું હતું.
સમીરના પણ એ જ હાલ થવાના હતા.
*
થર્ડ ફ્લોર ઉપર ચહલપહલ થઇ. આછો અવાજ આવતા દીપ સફાળો પથારીમાં બેઠો થઈ ગયો. સામેના બેડમાં ઊંઘેલી શિલાને હળવેથી જગાડવા પ્રયત્ન કર્યો પણ એ ઊંઘખોર જાગી નહિ. એનું કામ જાસૂસીનું ન હતું એ એકટર હતી.
દીપે ઝડપથી પાણીની બોટલ લઈને થોડું પાણી શીલાના મોઢા ઉપર છાંટ્યું.
ઝબકીને શીલા જાગી કે તરત હોઠ ઉપર આંગળી દબાવી એને ચૂપનો ઈશારો કર્યો. તરત જ શીલા સમજી ગઈ. ઈશારામાં જ બધું સમજી લેવા ટેવાયેલી શીલાને એક પણ શબ્દ કહ્યા વિના જ દીપ રૂમ બહાર નીકળી ગયો. અનુપ એન્ડ ટીમ્સ જ્યાં હતી એ રૂમમાંથી જ દબાયેલા અવાજ સંભળાયા પણ એ તરફ નજર શુદ્ધા કર્યા વગર એ નીચે કેન્ટીનમાં જઈને કોફી પીવા લાગ્યો.
થોડીવારે મોટી બેગો ભરીને અનુપ સરફરાઝ લંકેશ અને બીજા બે માણસો નીચે આવ્યા. હોટલમાંથી ચેક આઉટ કરીને બિલ ચૂકવી એ રવાના થયા.
એ લોકો ગયા એટલે થોડીવારે એકાએક ઊંઘ ઉડી ગઈ હોય અને નીચે ચા માટે આવ્યો હોય એવા ડોળ કરતો આંખો ચોળતો દીપ ચા પુરી કરીને મેનેજર પાસે આવ્યો. હજુ એ જ મેનેજર ત્યાં હતો. કદાચ અહી એક જ મેનેજર હશે અને નાઈટમાં મોડે એ અહી જ સુઈ જતો હશે એવી ગણતરી કાઉન્ટર સુધી જતા જ એણે કરી લીધી. ગમે તેમ પણ મેનેજર બદલાયો હોત તો એને વાતચીતમાં થોડી તકલીફ પડોત જે હવે પડવાની નહોતી.
"કેમ તમારા શેઠ તો ગયા..." બગાસું ખાતા એણે મેનેજરને પૂછ્યું.
"હા આમ તો મહિનો રહેવાનું હતું પણ શેઠ છે ક્યા નીકળ્યા હોય ક્યારે આવે ક્યારે જાય શુ ખબર?" મેનેજરે કરચલીવાળો ચહેરો હલાવીને એનો કાયમનો ડાયલોગ બોલ્યો, “પણ આપણે શું?"
"હા આપણે શું?" દીપે પણ એ જ ડાયલોગ માર્યો અને ચા નાસ્તાનું કહીને રૂમમાં ગયો.
"એ લોકો રવાના થયા."
"અત્યારે તાત્કાલિક?"
"હા શીલા એ લોકો રવાના થઈ ગયા છે."
"આપણા ઉપર કોઈ શક ગયો હશે?" ગભરાઈને શીલા બોલી.
"નહિ... નો ચાન્સ. મેં હજુ એકેય કામ હાથ ધર્યું જ નથી. નથી તો સમીરનો કોન્ટેકટ કર્યો. શકનો સવાલ જ નથી. કારણ કઈક જુદું જ છે." દીપ પણ મૂંઝાયો.
"એજન્ટ એ’ને મેસેજ આપ દીપ. મને કઈક ઠીક નથી લાગતું." શીલાએ કહ્યું એ સાથે જ બોય આવીને ચા નાસ્તો મૂકી ગયો.
"ઠીક તો મનેય નથી લાગતું. એજન્ટને હવે રૂબરૂ જ મેસેજ આપવો પડશે પણ તારું અહીં રહેવું ઠીક નથી. એ લોકો અહીંથી કદાચ કોઈ ખતરાને લીધે રવાના થયા હોય એ પણ શક્ય છે. તો કદાચ તારા ઉપર જોખમ આવી શકે." પફની એક ડીશ અને એક કપ ઉઠાવી એણે બેઠક લીધી.
"ઓહ તને મારી ફિકર ક્યારથી થવા લાગી?" શીલાએ એકાએક મજાક છેડી અને કપ ઉઠાવ્યો.
"તને જ્યારથી જોઈ ત્યારથી.”
દીપે કહ્યું પણ સામેથી કોઈ જવાબ આવ્યો નહી. શીલા નાસ્તો લેવામાં વ્યસ્ત થઇ ગઈ હોય તેમ એને ઇગ્નોર કર્યો. એટલે એક ટુકડો પફ ખાઈને એણે જ કહ્યું, “પણ શું કરું એજન્ટ કહે એ તો કરવું જ પડે ને."
"અને એજન્ટને પૂછ્યા વગર તું મને અહીંથી લઈ જાય છે તો એજન્ટ છંછેડાઈ નહિ જાય?"
"એજન્ટ બેવકૂફ નથી. એક એક માણસને દાદુ એ ટ્રેઇન કર્યા છે સમજી. વાત સાંભળીને જ એ બધું સમજી જશે."
"અને એજન્ટ એસ (સમીર)નું શુ?"
"સમીર એ લોકો સાથે નહોતો. ક્યાંક બીજે હશે. અથવા આપણે ઊંઘયા ત્યારે નીકળી ગયો હશે."
"શીટ યાર.... આપણે બંનેએ એક સાથે આમ ઊંઘવું ન જોઈએ. ધેટ્સ રોંગ."
"એ બધું છોડ અત્યારે તો સામાન પેક કર." ખાલી ડીશો અને કપ સ્ટુલ ઉપર મુકતા એણે શીલાને ઝડપથી પેકિંગ કરવા કહ્યું અને તાત્કાલિક પ્લાન ઘડવા લાગ્યો.
*
દીપે કપડા ચેન્જ કર્યા. શીલા પણ સાડીમાંથી જીન્સ ટીશર્ટમાં તૈયાર થઇ. સાડી કરતા તે જીન્સમાં નાની લાગતી. દીપ તેને ઘડીભર જોઈ રહ્યો પછી બંને સામાન લઇ નીચે ગયા.
સીડીઓ ઉતરીને નીચે આવતા જ દીપે ગાળો ભાંડવાનું શરૂ કર્યું.
"સાલી તમે ઓરતો કઈ જાતની હોવ છો એ જ નથી સમજાતું."
"તો જખ મારવા પરણ્યો હતો મને? મારા બાપના ઘરે તો એસ હતી એસ." સામે શીલાએ બમણા જોરથી સીડીઓ ઉપર નાટક આદર્યું. એ જોઈ મેનેજર દોડી આવ્યો.
"એટલે તું શું કહેવા માંગે છે? તારા બાપના ઘરે એસ હતી શુ મારા ઘરે ધૂળ ઉડે છે? હું ભિખારી છું?" લાલચોળ થતો દીપ શીલા નજીક ધસી ગયો અને કસીને એના ગાલ ઉપર એક લાફો ઝીંકી દીધો. કેન્ટીનમાંથી બધી જ આંખો એ બે ઉપર મંડાઈ ગઈ.
"આ શું કરો છે બેટા?" મેનેજરે દોડીને દીપને પકડ્યો.
"આ તો બિચારી કોઈની દીકરી છે. એના બાપના ઘરે લાડમાં રહી હશે એટલે નવા નવા લગન પછી થોડા ઝઘડા તો કરે ને. ઘર, મા, બાપ છોડીને કોઈના ભરોસે જાય એને બિચારીને તું આમ મારે?"
"તો શું કામ આ સિસ્ટમ કાઢી છે પણ? બનાવી લે ઘર જમાઈ મને....” દીપે જાટકા સાથે હાથ છોડાવીને ખભા ઉછાળ્યા, “હું રોટલા કરી આપીશ એ ભલે કામ ધંધો કરીને પૈસા લાવે અને જ્યાં ફરવું હોય ત્યાં ફરે... બાકી મારાથી હવે ખર્ચ થાય એમ નથી."
"પણ હમણાં તો તમે હસતા હસતા ગયા હતા એટલામાં શુ થયું?" મેનેજરને બિચારાને સમજાયું નહી કે માત્ર પાંચ સાત મીનીટમાં આ બંનેને થયું શું છે.
"થાય શુ? હવે કહે છે આ પ્રવાસ પતે એટલે મારા માટે ગાડી લાવો તો પિયર મારે બસમાં ન જવું પડે." મેનેજરને એટલું કહી એ શીલા તરફ ફરીને મોટેથી બરાડયો, "તારો બાપ અહીં મૂકીને ગયો છે ગાડી?"
શીલા ઉભી ઉભી રડવા લાગી. એક તો એ એકટર હતી અને ઉપરથી કોમળ ગાલ ઉપર દીપે જડબે સલાક લાફો માર્યો એટલે એના આંખમાંથી આપમેળે દડદડ આંસુ સરવા લાગ્યા. મેનેજર ઘડીક રડતી શીલાને અને ઘડીક લાલચોળ થયેલા દીપને જોઈ રહ્યો. હોટેલમાં તાયફો ન થાય એ માટે સમજાવવા લાગ્યો.
"બેટા ઘરે જઈને ઝઘડજો. હમણાં શાંત થઈ જા. ઘરની વાત ઘરમાં સારી."
"અરે પણ કાકા શોખ તો મનેય થાય તે શું જીદ કરવાની? આપણી પરિસ્થિતિ જોયા વગર જ? એક તો કારખાનું નુક્શાનમાં ચાલે છે." તેણે લમણે હાથ ફૂટયો પછી કઈક યાદ આવ્યું હોય એમ મેનેજર પાસે જઈને બંને ખભા પકડી ઉમેર્યું, "તમે જ કહો કાકા શુ મને બુલેટ લાવવાનો શોખ નથી?"
"છે બેટા... તું સમજુ છે પણ ઘરે જઈને વાત કરજો."
"ના હવે ઘરે ફરે નહિ આને સીધી જ એના બાપના ઘરે પટકું....!" કહીને બેગ લઈને કાઉન્ટર ઉપર ગયો.
મેનેજરે ઝટપટ આ બલાય કાઢવા માટે બિલ આપ્યું. ડિપોજીટમાંથી 900 રૂપિયા પરત કરવાના થતા હતા. પણ આ ઉશ્કેરાયેલા જુવાનિયા પાસે છુટ્ટાનો ડખો કરવાને બદલે પાંચસોની બે નોટો આપીને સો રુપીયાનું નુકશાન વેઠી લીધું.
દીપે બેગ ઉઠાવી અને આંખો લુછતી શીલાને બાવડેથી પકડીને ધકેલી. કેન્ટીનમાં બેઠા ઘણા આ નાટક જોઇને હસ્યા. કોઈએ બિચારા કપલ્સ જેવી ટીપ્પણી પણ કરી....
બહાર આવીને દીપે ટેક્સી રોકી. બંને ટેક્સીમાં ગોઠવાયા અને રવાના થયા ત્યાં સુધી તેમની માથાકૂટ ચાલુ જ રહી.
***
ક્રમશ:
લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :
ફેસબુક : Vicky Trivedi
Instagram : author_vicky