શિકાર : પ્રકરણ 13 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર : પ્રકરણ 13

ડાયરીના દસેક પાના વાંચ્યા જેમાં એન્જીએ પરિવાર અને નિધિ વિશે જ લખ્યું હતું. અગિયારમું પાનું એ ફેરવવા જતી હતી ત્યાં જ ડોરબેલ વાગી. ઉપરા ઉપર બેલ વાગતી રહી એટલે ડાયરી મૂકી એ ઉભી થઇ અને રૂમ બહાર નીકળી. ફોયર વટાવીને મુખ્ય દરવાજે આવી. કડી ખોલવા હાથ લંબાવ્યો એટલે એકાએક પેલો વિચિત્ર માણસ યાદ આવ્યો.

એ માણસ તો નહિ હોય ને?

એ સવાલનો જવાબ તો દરવાજા પાછળ હતો પણ સવાલનો જવાબ મેળવ્યા પછી એનો અર્થ રહેશે કે કેમ એ શી ખાતરી?

નહિ કડી નથી ખોલવી. પહેલા સ્ટોપર ખોલીને જોઈ લઉં. ધ્રુજતા હાથે ધોળા દિવસે ભયભીત થયેલી નિધીએ સ્ટોપર ખોલી. દરવાજો થોડોક ખુલ્યો. અને એને રાહત થઈ. સામે હાફ સ્લીવ સફેદ શર્ટ અને સફેદ પેન્ટ ઉપર એવી જ સફેદ ટોપી પહેરેલો એક યુવાન છોકરો ઉભો હતો.

"ગુડ નૂન મેડમ." પેલાએ હસીને કહ્યું.

નિધિ માંડ સ્વસ્થ થઈ અને હસીને પૂછ્યું , "ગુડ નૂન, બોલો શુ હતું?"

"કુરિયર છે મેડમ." પેલાએ બેગમાંથી એક પાર્સલ કાઢ્યું એટલે નિધીને યાદ આવ્યું કે પોતે હવે સાંકળની કડી ખોલવી જોઈએ. સાંકળ ખોલીને દરવાજો પૂરો ખોલ્યો. અને પેલાના હાથમાંથી પાર્સલ લીધું. કાગળમાં સહી કરી અને કુરિયર બોય રવાના થઈ ગયો. નિધીએ ફરી સ્ટોપર લગાવી અને પાર્સલ લઈને રૂમમાં ગઈ.

બેડમાં ગોઠવાઈ એણીએ પાર્સલ ઉપર પુરી વિગતો વાંચવા માંડી. પણ ‘to’ સિવાય ‘from’નું કોઈ એડ્રેસ હતું નહીં. એને નવાઈ લાગી. મોકલનાર પોતાનું નામ સરનામું ન લખે એવું શક્ય જ ન હતું સિવાય કે એ પોતાની ઓળખ છુપાવવા માંગતો હોય.

છતાં તેણીએ પાર્સલ ખોલ્યું.

વોટ? તે બોલી ઉઠી.

અંદર માત્ર રેડ રોઝ હતા. બે લાલ ગુલાબ. એ પણ કરમાયેલા.

તેનું મગજ ચકડોળે ચડ્યું. એન્જીની આત્મહત્યા... મેરીનું આઘાતથી મૃત્યુ... વિલીનો સન્યાસ... કોઈ વિચિત્ર માણસ પીછો કરે... અને રેડ મુરઝાયેલા ફૂલ...

તેની છાતીમાં થડકાર થવા લાગ્યો અને ઘડિયાળમાં સાંજના ચારનો ટકોરો ગુંજી ઉઠ્યો.

*

એ જ દિવસે સવારે...

સોનિયા ઝડપભેર તૈયાર થઈ. અર્ધા કલાકમાં તો એ બધું કામ પતાવી પોતાનું પર્સ લઈને એક્ટિવા હાઇવે તરફ મારી મૂકી. ટ્રાફિક રુલની પણ ચિંતા કર્યા વગર એ અમદાવાદના ભરચક રસ્તાઓ ઉપર ધુની રીક્ષા વાળાઓની અડફેટે આવતા આવતા બે ત્રણ વાર બચી હતી.

હાઇવે પર અનુપની ગાડી જોઇને એને રાહત થઈ. એક્ટિવા ધીરે કરી એણીએ ગાડી પાસે થોભાવી. નીચે ઉતરી. અનુપ પણ એને જોઈને ગાડીમાંથી બહાર આવ્યો.

"સારું કર્યું તું જલ્દી આવી." ઘડિયાળમાં સમય જોઈને એ બોલ્યો.

"હવે નિકળીશું?" સોનિયાના શબ્દે શબ્દ સમીરને રંગે હાથ પકડવાના ઉત્સાહમાં વધારો કરતા હોય એમ અનુપને લાગ્યું.

"નહિ આપણે અહીં થોડીવાર રાહ જોવી પડશે. એ છોકરી અહીંથી જ નીકળશે પછી આપણે એની પાછળ જઈશું અને ત્યાં તું એને રંગે હાથ પકડી શકીશ."

"અનુપ હું તારો અને લંકેશનું ઋણ ક્યારેય નહીં ભૂલું." લાગણીવશ થઈને સોનિયા બોલી અને એકાએક યાદ આવતા ઉમેર્યું, "લંકેશ કેમ દેખાતો નથી?"

અણધાર્યો સવાલ પુછાઇ ગયો એટલે અનુપ થોથવાઈ ગયો. જવાબ વિચારી લેવા એણે ગાડીની ડ્રાઈવર સીટ પાસે જઈને સિગારેટનું બોક્સ લીધું. એક સિગારેટ સળગાવી અને એક્ટિવા પાસે આવ્યો. એક બે ઊંડા કસ લીધા અને ગાડીના પાછળના ભાગે ટેકો લઈને એક પગ વાળીને ઉભો રહ્યો. આ આખીયે એક્ટિવિટી જવાબ શોધવા માટે હોય એમ જરાય કોઈનેય લાગે નહિ તેવો એણે અભિનય કર્યો.

"લંકેશ વતનમાં ગયો છે. બાપુજી બીમાર છે."

"ઓહ ગોડ, બ્લેસ હિઝ ફાધર." પવનમાં ઉડતા ખુલ્લા વાળ ચહેરા પરથી કાન પાછળ લઈ જતા તે બોલી.

"હમમ ગોડ ઓલવેઝ બ્લેસ હિઝ ફાધર, અવર ફાધર."

"અવર ફાધર?" સોનીયાએ શબ્દ પકડી લીધો અને અનુપ ચોકયો. ફરી એ ભૂલ કરી બેઠો પણ સોનિયાએ જ વાત વાળી લીધી.

"એટલે તમે બે સગા ભાઈ છો?"

"હ... હા નહી તો શુ? તને શું લાગ્યું?" અનુપને આજે કુદરતી રીતે જ બચાવ મળતા હતા.

"વેલ મને એમ કે કઝીન હશો."

"હા ઘણાને એવું લાગે છે."

થોડીક આવી વાતો થઈ. એમની દોસ્તી વધે એવી વાતો થઈ. અને પછી દૂરથી એક મોપેડ આવતી દેખાઈ એટલે સોનિયા અને અનુપ જાણે લવ બર્ડ્સ હોય એમ હાથમાં હાથ પકડીને ગોઠવાઈ ગયા. જેથી પેલી આવનાર નિમિને શક ન પડે.

નિમિની એક્ટિવા નજીક આવી. એણીએ આ બંનેને જોયા અને પ્રેમી પંખીડા છે એમ સમજીને મલકી હોય એવું અનુપે આડી નજરે જોઈ લીધું.

નિમિની એક્ટિવા થોડી આગળ નીકળી એટલે તરત અનુપે કહ્યું, "લેટ્સ ગો." અને ગાડીમાં ગોઠવાયો. પછી વિન્ડોમાંથી માથું બહાર કાઢી પાછળ એક્ટિવા સ્ટાર્ટ કરતી સોનિયાને સૂચના આપી, "અને હા સાંભળ હું સીધો જ રવાના થઈશ."

સોનિયાએ માથું હલાવ્યું. સંમતિ દર્શાવવા જમણા હાથનો અંગુઠો બતાવ્યો અને એક્ટિવા ઉપાડી. અનુપ રેસ આપે એ પહેલા તો એણીએ એકટીવા ભગાવી.

સૂરજ ઊંચો ચડવા લાગ્યો. ખેતરોમાંથી ઠંડો પવન આવતો હતો. સોનિયાની એક્ટિવા પાછળ કોઈ હરણની પાછળ ખૂંખાર સિંહ દોડતો હોય એમ અનુપની કાળી ગાડી દોડતી રહી.....!

*

ડોગ હાઉસના ફાર્મ આગળ એક્ટિવા મૂકીને સોનિયા અંદર ગઈ ત્યાં સુધી ધીમી ગતિએ ગાડી હંકારી અનુપે એના પર ધ્યાન રાખ્યું પછી પુરપાટ ઝડપે ગાડી ભગાવીને પાંચસો મીટર છેટે એણે ગાડીને સોલિડ બ્રેક મારીને ઉભી રાખી.

ઝડપથી બેગ લઈને એ દોડ્યો. પેલા દિવસે જ્યાંથી બાયનોક્યુલર તાકીને સોનિયા અને સમીરને જોયા હતા એ જગ્યાએ પહોંચતાં એની છાતી ફુલાવા લાગી. પણ આજે ઝડપથી કામ કરવાનું હતું. દોડતા દોડતા જ એણે બેગમાંથી બાયનોક્યુલર કાઢ્યું.

બાયનોક્યુલરમાંથી એણે જોવાનું શરૂ કર્યું. શ્વાસ ફૂલી ગયા હતા એટલે બાયનોક્યુલર બરાબર આંખ ઉપર મંડાતી ન હતી પણ એને જે દ્રશ્ય દેખાયું એ જોઈને એને પારાવાર આનંદ થયો. પોતાનો બધો જ થાક ભૂલીને એ દ્રશ્ય જોવામાં ખોવાઈ ગયો.

સોનિયાએ સમીરને કસીને લાફો ઝીંક્યો. અને પછી નિમિને પણ કોલરથી પકડીને એને બે તમાચા ખેંચી દીધા. સમીરે એને માંડ છોડાવી. ખેતરમાંથી સુલેમાન અને કિસ્મત દોડી આવ્યા. થોડીવાર રોષ નિકાળીને ગાળો ભાંડીને પછી બધી છોકરીઓની જેમ એ રડવા લાગી અને ખેતરના દરવાજા તરફ ડુસકા ભરતી દોડી ગઈ.

જે જોવાનું હતું એ જોઈ લીધું હવે અહીં રોકાવાનો અર્થ ન હતો. અનુપે બાયનોક્યુલર હટાવ્યુ અને બેગમાં ભર્યું. પછી આનંદથી જંગ જીત્યો હોય એમ ગાડી તરફ જવા લાગ્યો. પણ તેને ખબર ન હતી કે સુલેમાનનો એક માણસ ઓરડીના પતરા ઉપર ચત્તો સુઈને બાયનોક્યુલર માંડીને અનુપની હરકત જોતો હતો.

*

ગાડીમાં ગોઠવાઈને એણે પાણી પીધુ. ગોગલ્સ ચડાવ્યા અને ગાડી ટર્ન કરીને ઘર તરફ લીધી. સોનિયાએ પુરપાટ ઝડપે એક્ટિવા મારી મૂક્યું હશે એની ખાતરી હતી જ. આવી તો કઈક છોકરીઓના બ્રેકઅપ એણે જોયા હતા – કરાવ્યા હતા! એટલે એ રસ્તામાં મળે એવી કોઈ શકયતા ન હતી. સમીર કે નિમિ પણ ત્યાંથી અત્યારે ખસવાના ન હતા એટલે એ પણ સમસ્યા ન હતી.

ઘરે જતા પહેલા એણે કેન્ટીનમાં ગરમ ગરમ ચા પીધી. આ સમાચાર લંકેશને આપવાની ચટપટી જાગી હોય એમ ફોન કરવા મન થઇ આવ્યું પણ કદાચ લંકેશ કોઈ જરૂરી કામમાં હોય તો? એ સવાલ ઉપર એણે ફોન કરવાનું માંડી વળ્યું અને ચા અને સિગારેટ પીવા લાગ્યો.

કેન્ટીનનું બિલ ચૂકવી એ ફરી ગાડીમાં ગોઠવાયો. ફરી ફોન રણક્યો અને નવાઈ વચ્ચે લંકેશનું નામ જબૂકવા લાગ્યું.

"હેલો..." આનંદમાં નાચી ઉઠતો હોય એમ એ બોલી ઉઠ્યો.

"સાંભળ મેં કામ શરૂ કરી દીધું છે અહીં. સવારે એક કામ થઈ ગયું છે હમણાં બીજું કામ પણ કરીને આવ્યો. સાંજ સુધી તો ધડાકો થશે." લંકેશ પણ એવા જ ઉત્સાહમાં બોલ્યો.

"અહીં પણ ધડાકો થઈ ગયો છે." સોનિયા અને સમીર વચ્ચે શું થયું એ બધું કહી સંભળાવ્યું પછી ઉમેર્યું, "તમે કોઈ ઉતાવળ ન કરતા, અહીં કામ પૂરું કરીને હું ત્યાં આવીશ જલ્દી મળીએ છીએ પછી ત્યાં આગળના પગલાં લઈશું. અને મને રિપોર્ટ આપતો રહેજે."

"ઓકે બાય.."

"સી યુ સુન..." કહી એણે ફોન મુક્યો. અને ગાડી ઘર તરફ લીધી. હવે એને એકાદ દિવસ ક્યાંય દોડધામ કરવાની ન હતી. ઘરમાં જ આરામ કરવાનો હતો.

*

સમીર નિમિને મૂકીને ફ્લેટ પર પરત ફર્યો. થાક્યો હતો. થાક્યો જ નહીં કંટાળ્યો હતો એટલે બાથરૂમ જઈને ઠંડા પાણીએ સ્નાન કરી લીધું.

સ્નાન કરીને એ બહાર આવ્યો ત્યારે ઇશાનો સમય થઇ ગયો હતો. એણે ધાર્મિક કામ પહેલા કરી લીધું. પછી પેકીંગ કરીને લાવેલ જમવાનું પતાવી દીધું.

એ રોજ બહારથી જ જમવાનું લઈ આવતો અથવા ખાઈ આવતો. એ દિવસે માત્ર સરફરાઝ માટે જ એણે ઘરે જમવાનું બનાવ્યું હતું. અલબત્ત આ ઘર એનું હતું જ નહીં. એ બોસના દરેક સિટીના ઘણા ઘરમાંથી એક ઘર હતું.

સોફામાં આડો પડ્યો ત્યારે તેને બે વિચાર આવ્યા. એક લંકેશ ક્યાં ગયો? આવા આખરી સમયે અનુપ એકલો જ કેમ રહ્યો હશે? બે સરફરાઝ હવે દોસ્તીનો હાથ ક્યારે લંબાવશે?

પણ અત્યારે તો બોસને રિપોર્ટ આપવાનું મહત્વનું કામ હતું. એણે નવા સીમમાંથી ફોન કર્યો.

"હેલો બોસ..." સામેથી ફોન ઉપડતા જ એ બોલ્યો.

"યસ ખાન વહેર ધ બ્લડી પ્રે? શિકાર કેટલે છે?"

"હાથવેંતમાં સમજો બોસ. બસ હવે કામ થઈ જ ગયું છે સમજો પણ એક સમસ્યા છે."

"કેવી સમસ્યા?" સામેથી વૃદ્ધ અવાજ કંઈક ગંભીર થઈ ગયો.

"બેમાંથી એક ગાયબ છે, વન ઈઝ મિસિંગ!"

"વોટ?"

"હા બોસ."

"અને તને એ ખબર નથી કે એ ક્યાં છે. રાઈટ?"

"જી બોસ." પોતે કોઈ ચૂક કરી હોય એમ એ મંદ અવાજે બોલ્યો.

"ડોન્ટ વરી તું અત્યારે આ કામ પર ધ્યાન આપ."

"પણ એ ક્યાં ગયો હશે? મને નથી લાગતું કે એ માણસ ક્યાંય જરૂર વગર જાય. મને લાગે છે કોઈ ઇમરજન્સી હશે. અથવા કોઈ બીજો શિકાર હશે."

"પણ એનું હવે શું થઈ શકે? અને આમ પણ એ એકલો જ તો કઈ કરવાનો નથી ને? તારા કહેવા મુજબ જો અનુપ જ બધું કરતો હોય તો લંકેશ એકલો ત્યાં કોઈ શિકાર કરી નથી લેવાનો. આખરે તો અનુપે એની પાસે જવું પડશે ને?"

"નહિ બોસ. બેઅદબી માફ કરજો પણ લંકેશ બુદ્ધિનો લઠ્ઠ છે. એ અનુપ આગળ પોતાની જાતને સાબિત કરવા કોઈ પગલું ભરી લે તો કોઈનો જીવ જાય એવું પણ બની શકે છે."

"સમીર." સામેના અવાજમાં રોષ ઉછળ્યો, "ભૂલી ન જા કે આપણે એ દેશમાં જીવીએ છીએ જ્યાં દર સેકન્ડે હજારો રેપ થાય છે, હજારો મર્ડર થાય છે અને નાના મોટા ગુનાઓ તો ઈશ્વરને ચોપડે પણ નોંધવા મુશ્કેલ થઈ પડતા હશે. વાત જ્યારે આખી પલટનનું કાશળ કાઢવાની હોય ત્યારે એકાદ બે માણસો ઉપર આપણે વધારે ધ્યાન આપીને હજારોના જીવ જોખમમાં મુકવાના ન હોય. કન્ટ્રોલ યોર ઇમોશન ખાન."

"યસ બોસ." બોસની આ વાત વ્યાજબી હતી અને હિંમત આપે એવી પણ હતી.

"અને હા તું હવે સાવધાન રહેજે."

"બિલકુલ. મારી તમે ફિકર નહિ કરતા હું પહેલા જ કેસમાં સફળ બની બતાવીશ.

"વિજયી ભવ..." પ્રતિભાશાળી અવાજ આવ્યો અને ફોન કટ થઈ ગયો.

તેણે છાપું ઉઠાવ્યું. છેલ્લા ત્રણેક મહિનાથી જે ત્રાસ વધ્યો હતો તેવા જ સમાચાર હતા. એક પોલીસ ઇન્સ્પેકટરને પેટ્રોલિંગ દરમિયાન બુટલેગરોએ ટ્રકથી કચડી દીધો. જોકે એ બધા રાજસ્થાન બોર્ડરે ઝડપાઈ ગયા હતા. બીજા સમાચારમાં અમદાવાદના કાળુંપુર અને ગાંધીનગરના સેક્ટર 24માંથી એક જ દિવસે બે બાળકો ગાયબ થયા હતા. તેણે ઉદાસ થઈને છાપું વાળીને ફેક્યું. તેનો ચહેરો ઉતરી ગયો.

“યા અલ્લાહ.... રહેમ....” આંખો બંધ કરીને એ ક્યાય સુધી પડ્યો રહ્યો.

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky