રોહન, નિયતિ, અનંત, કૌશલ અને કૌશલની રેવા બધાની જીંદગી ગૂંચવાઈ ગઈ હતી..
હવે તો રોહનને નિયતિને મળવું વધું જરૂરી બની ગયું હતું. તે અનંત સાથે થોડીવાર વાતો કરી નિયતિને મળવાં નિકળી ગયો. પણ તેને નહતી ખબર કે જે નિયતિને મળવાં તે જાય છે તે રેવા છે. એ રેવા જેને પોતાની પાછલી જીંદગી યાદ નથી. રોહન દાદીમાંને ઘેર તો પહોંચ્યો પણ તેનાં પગ હજું અચકાતાં હતાં. નિયતિનો સામનો તેનાં માટે કઠણ હતો. તેણે થોડીવાર બહાર ઉભો રહી નિયતિની રાહ જોઈ. પણ તે દેખાય નહીં. એટલે તેણે બૂમ પાડવાનું વિચાર્યું. જેવું જ તેનાં મોં માથી નિયતિ નીકળવા લાગ્યું કે તે ફરી અટકાયો. સામેથી તેણે નિયતિને બહાર જ આવતાં જોઈ. રેવા બનેલી નિયતિએ ફરીથી રોહનને જોયો અને ફરીથી તેને અસ્પષ્ટ દ્રશ્યો દેખાવા લાગ્યાં. એ પહેલાં કે તે ચક્કર ખાય ભોંય ભેગી થાય રોહન તેનો હાથ પકડી જોરથી ખેંચી ચાલવા લાગ્યો. રોહન આગળ આગળ ઝડપથી પગલાં ભરતો ચાલ્યો જતો અને પાછળ રેવા ઢસળાય રહી હતી. રોહનનો ગુસ્સો એટલી હદ્દ સુધી વધી ગયો હતો કે તેને ના રેવાની તકલીફ દેખાયી કે ના તેની બુમો. રેવાનો હાથ પીડાથી ઉભરાય રહ્યો હતો. તેની આંખો અસહ્ય વેદનાથી ભરાય રહી હતી અને તેનું મન અજાણ્યા આભાસથી ગભરાય રહ્યું હતું. છતાં રોહનને કોઈ ફર્ક નહતો પડી રહ્યો. તે એક ક્ષણ માટે પણ થંભ્યો નહીં ચાલતો જ ગયો. રેવાને સમજાતું નહતું કે શું થઈ રહ્યું છે.
એક સુમસામ જગ્યા જઈ રોહને રેવાનો હાથ છટકારી દીધો અને રેવા જમીન પર પટકાય પડી. તેની માટે ઉભું થવું પણ મુશ્કેલ બની રહ્યું હતું. છતાં રોહન તેને જોતો રહ્યો. મદદ કરવાની વાત દૂર રહી પણ તેણે રેવા પર ગુસ્સો કરવાનું અને પ્રશ્નો કરવાનું શરું કરતાં કહ્યું " નિયતિ.... આટલાં લાંબા ગાળે મને મળીને કેવું લાગી રહ્યું છે?!... ખુશી તો નહીં થયી હોય તને!... " રેવાને પોતાને નિયતિ બોલાવતાં આ છોકરાં પર આશ્ચર્ય થયું " કોણ નિયતિ?... તમને જરૂર સમજફેર થઈ છે. હું રેવા છું. રેવા. " " કેટલાં નાટકો કરીશ?.. અને કોની સામે? અહીં આપણે બે જ છે. તને કોઈ સાંભળવા માટે નથી. " રોહને તરત ત્રાટક્યું. " હ...હું સાચું કહું છું. હું રેવા છું. મને નથી ખબર તમેં શું બોલો છો! " રેવા રડી પડી. ભોંય ભેગી બનેલી રેવા ઉઠવાનો પ્રયત્ન કરતી રહી પણ તેનો પગ મચકોડાય ગયો હતો જેથી તે ઉઠી નહતી શકતી. રોહને તેની પાસે જઈ નીચે નમી કહ્યું " તને કશું યાદ નથી?..!... તો ચાલ આજે હું તને બધું જ યાદ કરાવીને રહીશ. "
અને રોહને બધી વાત શરુ કરી. તેમના પહેલાં દિવસે મળવું, રોહનનું લાલ બાઈક, નિયતિનું તેની સાથે ડાયરીમાં વાતો, નિયતિની લાગણીઓ અને તે બધું જ જે રોહને કર્યું હતું. સાક્ષી સાથે લગ્નની વાત અને નિયતિને નદીમાં આપેલો ધક્કો!.. દરેક વાત ચિવટતાથી રોહને જણાવી. રેવા દરેક વાત ધ્યાનથી સાંભળી રહી. માનો તેનો ચહેરો જણાવી રહ્યો હતો કે તે રોહનની દરેક વાતને જીવી રહી હતી. જાણે નિયતિની જીંદગી ફરી જીવી રહી હતી. હવે તેનાં અસ્પષ્ટ દ્રશ્યો ધીમે ધીમે ચોખ્ખા દેખાવા લાગ્યાં હતાં. તેને સમજાય રહ્યું હતું કે કેમ તે નદીમાં તણાય રહી હતી, કેમ તેનાં માથામાં ઉંડો ઘા હતો, કેમ તેને બાઈક પર બેસવામાં બીક લાગતી હતી અને કેમ તે દીદી દીદી કરી ઉંઘમાં પણ બબડતી હતી. બધી જ વાત આંખો સામે હતી. હવે તો માથું દુખવાનું શરૂ થઈ ચુક્યું હતું. આજુબાજુનાં અવાજો ધીમાં પડવાં લાગ્યાં. રોહનની વાતો જ મગજમાં ગુંજવા લાગી. તેનો અવાજ કોઈ કારણ વગર જ રોહનનો અવાજ મનને હચમચાવી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. રેવાની ભીની આંખો બંધ થઈ અને બસ એક ઉંડો શ્વાસ ભરી પોતાની સ્થિતિ પર અફસોસ કરતી રેવા સ્તબ્ધ બની. કેટલાય સમયથી જે વાત જાણવાં રેવાને આટલી તાલાવેલી થતી હતી તેટલો જ અફસોસ આજે તેને બધી વાત જાણીને થઈ રહ્યો હતો. તેનું મન ભગવાનને પોકારી બસ એક વાતની જ ઈચ્છા બતાવી રહ્યું હતું કે કાશ... કાશ તેણે સાંભળેલી દરેક વાત ખોટી હોય. પણ બીજી જ ક્ષણે તેને અહેસાસ હતો કે એ દરેક વાત સાચી છે. બંધ આંખે પણ આંસુઓની ધાર ચાલું જ હતી.
" હે ભગવાન,... આજે મને કેવી સ્થિતિમાં મુકી છે!... આજે મારું અસ્તિત્વ જ મને ઓળખાતું નથી. નિયતિ બની જેટલી સહનશક્તિ હતી તેટલું સહન કર્યું. અને છેવટે નિયતિનું જીવન છોડીને પણ હું છૂટી ના શકી. રેવા બનવાં છતાં નિયતિનાં પડછાયા મારાં સામેં આવી ઉભાં રહ્યાં. એક મોટો પ્રશ્નાર્થ ચિહ્ન બની મારી સામેં ઉભાં છે. રેવાનું જીવન પણ સરળ નહતું પણ છતાં જ્યારે આટલી મુશ્કેલી પછી તે સુધરવા લાગ્યું હતું ત્યારે ફરી બધું છુટવા લાગ્યું. એક ઝટકામાં બધું વેર વિખેર થઈ ગયું. બસ મારી એક જ ભૂલ હતી "રોહન".... પણ શું એ ભૂલ એટલી મોટી હતી કે મારું આખું જીવન જ પલટાય જાય!.... અ..અને કૌશલ...?... એનું...." જોરથી ઝટકો વાગ્યો અને રેવા હોંશમાં આવી. રોહનને ફરી પોતાની સામે જોતાં તેને દુઃખ થવાં સિવાય કશું નહતું મળી રહ્યું. " હવે બોલ!... આવી ગયું ને બધું યાદ!.... શું હજું કહીશ કે તું રેવા છે, નિયતિ નહીં? " રોહને ગુસ્સામાં પુછ્યું. રેવા કશું બોલવાં તૈયાર નહતી. છેવટે એક વાક્ય નીકળ્યું " મને સાક્ષીદીદી ને મળવું છે...." રેવાનાં નિસ્વાર્થ શબ્દો અને ધીમો અવાજ રોહનને કમજોર કરી રહ્યાં. થોડી આનાકાની પછી રોહનથી વધારે રોકાયું નહીં અને તેણે સાક્ષીને મળવા લાવવાની હા કરી દીધી. પણ બદલામાં એક શર્ત રાખી . જે સાંભળી રેવાનાં હાથ પગ ઠંડાં પડવાં લાગ્યાં. શર્ત એમ હતી કે રેવાને સાક્ષી સાથે મળવા દેવામાં આવશે પણ એનાં બદલામાં રેવાએ અનંતને મળવું પડશે. અનંતની દરેક વાત સાંભળવી પડશે .
રેવાને પ્રકૃતિ વિશે વિચારી ગભરામણ થઈ રહી હતી. અનંતને મળવું એટલે પ્રકૃતિનાં સપનાઓને જાણી જોઈને કચડી નાંખવા. શું કરે રેવા?.. તેને કશું સમજાતું નહતું. થોડું વિચારવા પછી તેણે રોહનની શર્ત માની લીધી. અને રોહન ત્યાથી ચાલ્યો ગયો. હવે રાહ જોવાય રહી હતી તો માત્ર સાક્ષીની... રેવા ધીમેથી ઉભી થઈ અને લથડતા - અથડાતા પગે ધીમે ધીમે ઘર તરફ આવવાં લાગી. પણ આજે ના તેનું શરીર કામ આપી રહ્યું હતું કે ના તેનું મન. હચમચી ગયેલાં મન સાથે તે સીધી રીતે ચાલી પણ નહતી શકતી. શું થવાનું છે સાક્ષીને મળીને!... શું થવાનું છે જ્યારે કૌશલને આ વાતની જાણ થશે?... શું થશે જ્યારે દાદીમાં ને જાણ થશે કે નિર્દોષતા ભરેલી રેવાની પાછળ નિયતિની કેટલી મુશ્કેલીઓ છે!... ગૂંચવણ સિવાય કશું હતું નહીં. ઘેર જવા જેટલી હીંમત પણ નહતી. આજે રેવાને કોઈ એવા વ્યક્તિની જરૂર હતી જે તેને સહારો આપી શકે. તેને કૌશલની જરૂર હતી. પણ કૌશલની સામે આવવાં પર શું વાત કરશે તે વિચારી તે કૌશલ પાસે પણ નહતી જઈ શકતી. પણ રેવા એ નહતી જાણતી કે તે ભલે કૌશલ પાસે ના જાય, કૌશલ તેનો દરેક તકલીફમાં તેની પાસે આવી જશે. અને તે જ બન્યું. ખબર નહીં ક્યાંથી પણ કૌશલ રેવા પાસે પહોંચી ગયો. પણ રેવાની વિખરાયેલી હાલત જોઈ તે અચંબામાં પડી ગયો અને તરત પુછ્યું " રેવા..... શું થયું આ બધું?... તું ક્યાં ગઈ હતી?... પગમાં શું થયું?..." રેવા કૌશલને જોઈ પોતાની જાતને રોકી ના શકી અને તેનાં મનનું બધું દુઃખ આંસુ રુપે બહાર આવી ગયું. રેવા કૌશલને જોઈ એકદમ વળગી પડી અને ચોધાર આંસુએ રડી પડી. જેટલી શક્તિ હતી તે બધી જોડી રેવાએ કૌશલને પકડી લીધો. કૌશલ હવે ગભરાવા લાગ્યો હતો. કેમકે આજથી પહેલાં રેવાએ પોતાનાં કોઈ વાતનું દુઃખ આવી રીતે કોઈની સામે નહતું મુક્યુ. કૌશલે રેવાને શાંત કરવાનાં બધાં પ્રયત્ન કર્યાં. પણ રેવા ના તો રડવાનું બંધ કરી રહી હતી કે ના કૌશલને પોતાનાથી છુટો પડવા દેતી હતી. હવે કૌશલને માત્ર એક રસ્તો દેખાતો હતો. શાંતિથી રેવાને સમય આપવાનો. એટલે કૌશલ કશું વધારે બોલ્યો નહીં અને રેવાને વળગી ઉભો જ રહ્યો. ધીમે ધીમે રેવાનાં પીઠને થપથપાવતાં અને માથેંથી વાળ સુધી ફરતાં કૌશલનાં હાથથી રેવાને હીંમત મળવાં લાગી અને થોડીવારમાં જ તે શાંત થવાં લાગી. આ જોઈ કૌશલ ધીમેથી બોલ્યો " કોઈ ઉતાવળ નથી. હું અને મારો સમય બંને પર તારો હક્ક છે. જ્યાં અને જ્યારે તને મારાં ખભાની જરૂર પડે હું ત્યારે ત્યાં પહોંચી જઈશ. મારી હૂંફ તારી મુશ્કેલી હલકી પાડી દેશે. " કૌશલની વાતો રેવાનાં મનને શાંત અને ચિંતામુક્ત કરી રહી હતી. એક વિશ્વાસ આપી રહી હતી કે કૌશલ છે જેને રેવા પોતાનો કહી શકે છે. કોઈક તો છે જેને રેવાનાં હસવા - રડવાથી ફર્ક પડે છે.
ધીમેથી રેવાનાં હાથ ઢીલાં પડ્યાં અને રેવાએ ડોકીયું કરી સહેજ ઉપર કૌશલ તરફ નજર કરી અને કૌશલે ચુંમેલું રેવાનાં કપાળે બાકી રહેતી બધી શંકા દૂર કરી દીધી. આજે રેવાને સમજાય રહ્યું હતું કે બાથમાં ભરીને કરેલું એક ચુંબન માત્ર પ્રેમ બતાવવાનું કારણ નથી હોતું, પણ હિંમત પણ આપી શકે છે. જે આજે રેવાને ભરપુર પ્રમાણે મળી રહી હતી. કૌશલને પોતાનાં કર્યાની કોઈ શરમ નહતી. કેમકે તે પોતાનો હક્ક સમજતો હતો રેવા પર અને તેની મુશ્કેલી પર પણ...
પણ બીજી તરફ રેવાનાં મનને ગભરાટ હતી કે શું તે સાક્ષીને ઓળખી શકશે?... તે સાક્ષીને નિયતિ બની મળી શકશે?... અને અનંત!... શું અનંતને મળવું પ્રકૃતિ માટે સારું હશે?... પ્રકૃતિને ખબર પડશે તો કેવી પ્રતિક્રિયા હશે રેવા તરફ?... અને સૌથી મોટી વાત કૌશલ રેવાના ભૂતકાળમાં બનેલી ઘટનાઓથી કેવી રીતે વ્યવહાર કરશે?... શું તે રેવા પર આજ જેટલો જ હક્ક બતાવશે કે દુર થઈ જશે?.... રેવાનું મન કોઈ જવાબ શોધવા યોગ્ય રહ્યું નહીં.... અને બસ આમ જ કૌશલને વીંટળાઈને કલાકો પસાર થવાં લાગ્યાં...
કેવી વાતોનો સામનો કરશે રેવા?....