થોડાં સમય પછી જેમતેમ કરી દાદીમાં રેવાને ઘરની અંદર લાવ્યાં. બેભાન રેવાને જોતાં તેમણે ગભરાતાં ગભરાતાં અનંતને પોતાને ઘેર બોલાવ્યો. ઘણાં દિવસો પછી અનંત રેવાને ત્યાં આવ્યો હતો. રેવાને આટલાં લાંબા સમયે જોતાં તેની મનની ખુશીનો પાર જ ના રહ્યો. અનંતનાં મનની લાગણીઓ આજે તેની આંખોમાં ચોખ્ખી દેખાતી હતી. દાદીમાં પણ તે લાગણીઓ જોઈ શક્તાં હતાં. જે ચમક અને ચિંતા દાદીમાં એ કૌશલની આંખોમાં જોઈ હતી તેવી જ ચમક અને ચિંતા આજે અનંતની આંખોમાં જોતાં દાદીમાંને કોઈ અસામાન્ય સ્થિતિનો અનુભવ થઈ રહ્યો હતો. પણ સમય અને સ્થાનની મર્યાદા સમજતાં તે કશું બોલ્યાં નહીં.
રાત્રી લાંબી હતી પણ તેનાથી મોટી સંભાળ હતી જે દાદીમાં અને અનંત તરફથી મળી હતી એટલે ગાઢ રાત પછી એક ઉજાસ ભરેલી સવાર પડી અને રેવાને હોંશ આવ્યો. તેની આંખો સામે દાદીમાં ઉભાં હતાં. રેવા થોડી મહેનત કરી ધીમેથી ઉભી થઈ. દાદીમાં ના પુછવાં પર રેવા કશું બોલી ના શકી. પોતાને જ ખબર નહતી કે કેમ તે પેલાં ચહેરાંને જોઈ બેહોશ બની ચૂકી હતી!...
એટલે દાદીમાંને જવાબ આપવાનું ટાળી દીધું. છેવટે દાદીમાં એ પણ પૂછવાનું છોડી દીધું. પણ રોહનનું શું?... તેનાં માટે પણ આ એક મોટો ઝટકો હતો. તે આટલાં સમયથી વિચારતો હતો કે નિયતિ મરી ચુકી છે. અને અચાનક તેની સામે તે ચહેરો પણ નામ જુદા!... શું થઈ રહ્યું છે તે સમજવા યોગ્ય તે હતો નહીં અને સમજ્યા અને જાણ્યાં વગર રહી શકાય તેમ નહતું. "આજે માત્ર મને ખબર છે કે આ નિયતિ છે?.. શું સાક્ષીને આ વિશેનું ભાન હશે?.... ના ના.. જો ખબર હોત તો અત્યાર સુધી તેણે મને જણાવ્યું હોત. પણ નિયતિ?..... તેણે પોતાની પહેચાન છુપાવીને બેઠી છે?... પણ કેમ?... એમ પણ એ ગામમાં તેને કોઈ નહતું ઓળખતું.. તો પોતાનું નામ અને પરિવાર સંતાડવાની શું જરુર હતી?...
અને જો તે જીવતી હતી તો તેણે મને બધાં સામે ખુલ્લેઆમ ખોટો સાબિત કેમ ના કર્યો?... "
ઘણાં પ્રશ્નો પણ જવાબ એકપણ નહીં. આ દરેક વાતનાં જવાબ માત્ર નિયતિ પાસેથી મળી શકે તેમ હતાં. એટલે રોહને સાક્ષી પહેલાં નિયતિને મળવાનું વિચાર્યું. અને તે ફરીથી એ ગામનાં ગેટ પર આવી ઉભો રહ્યો. મન ગભરાતું હતું, પણ વાત કરવી જરૂરી હતી. છતાં પગ ઉપડતાં નહતાં. રસ્તામાં ઉભો કશુંક વિચારતો હતો કે પાછળથી એક અવાજ આવ્યો. કોનું કામ છે?...
ચિંતાથી ભરાયેલો રોહનનો ચહેરો એકદમ પાછળ ફર્યો અને ફરી એક મોટો ઝટકો રોહનને પડ્યો. " મોટાભાઈ!!...." બસ એક શબ્દ અને બોલતી બંધ. આશ્ચર્યથી જોતો એ ચહેરો અનંતનો હતો. " ભાઈ?... કોણ?..." અનંતે તરત પુછ્યું. રોહનની આંખો ઝળહળી ઉઠી અને તે દુઃખનાં બોજ સાથે જમીન પર ઢસળાય પડ્યો. જોરથી ચીસ પાડી અને રડી પડ્યો. અનંતે તેને જેમતેમ કરી શાંત પાડ્યો. પણ અનંત હજું સમજી નહતો શકતો કે રોહન તેને પોતાનો ભાઈ કેમ ગણાવે છે?...
" તારું નામ શું છે?." અનંતે પુછ્યું. રોહને હસતા અને પાણી ભરેલી આંખે કહ્યું " ભાઈ તમેં મને ભૂલી ગયાં?... હા વર્ષો વધું થયાં છે પણ છતાં તમેં મને યાદ છો... હું...હું રોહન...."
અનંતનાં ચહેરાના ભાવ ઝપાટાભેર બદલાય ગયાં અને તેની આંખો પહોળી થઈ ગઈ. " આ..અ..આ કેમનું શક્ય છે?.. ર..રોહ.. રોહન?" પોતે કેવું વર્તન કરે, હસે કે રડે?... ખુશ થાય કે દુઃખી તે સમજાતું નહતું. અનંત પરિસ્થતિને સંભાળવા અસમર્થ હતો. " હા, હું છું ભાઈ.... તમને કેટલાં વર્ષોથી શોધતો હતો. તમેં તો મારાં જીવનમાંથી એમ ગાયબ થયાં જેમ કે હું કોઈ મહત્વ જ નહતો ધરાવતો તમારી લાઈફમાં!..." રોહને વાત વધારવાની કોશિશ કરી. "પ..પણ તું અહીંયા કેમનો અને ક્યારે ખબર પડી કે હું અહીં મળીશ? " અનંતને બધી વાત જાણવાની ઉતાવળ હતી.
રોહને પુરી વાત સમજાવતાં કહ્યું " તમને યાદ છે તમેં કેમ ઘર છોડી ગયા હતા?... હું જ જણાવું આખી વાત...
જે દિવસથી તમને સાક્ષી ગમવા લાગી હતી ત્યારથી મેં તમારાંમાં બદલાવ જોયો હતો. અને તે સારો હતો પોઝીટીવ... એટલે હું ખુશ હતો. પણ જ્યારે તમારી અને સાક્ષીની વાત થઈ હતી અને તમેં મુર્જાયા પાછા ઘેર આવ્યાં હતાં ત્યારથી જ વાત બગડી. હા મને ખબર છે એ સમયે હું નાનો હતો પણ સમજણ હતી મારાંમાં. તમને એ હાલતમાં જોવું મારાં માટે સરળ નહતું. અને એ પછી તો તમેં ક્યાં ગાયબ થઈ ગયાં મને ભાન જ ના રહ્યું. થોડાં સમય સુધી બધાએ તમને શોધ્યા પણ પછી તેમની આશા પણ હારી ગઈ અને તમારાં વિશે હવે ઘરમાં કોઈ વાત નથી કરતું. દરેકને મનમાં ખબર છે કે જો વાત નિકળશે તો દુઃખ સિવાય કશું નહીં મળે. પણ હું તમને આજ સુધી શોધતો રહ્યો અને જોવો મને તમેં મળી ગયાં. " રોહન અનંતને ભેટી પડ્યો.
અનંત તેની વાતો માત્ર સાંભળતો જ રહ્યો. પછી રોહનનાં પુછવાં પર તેણે તે પછીની વાત જણાવી. " હા... હું વધારે ત્રાસી ગયો હતો મારી જાતથી. એટલે મેં ઘર છોડી દીધું. અને બસ એમ જ જંગલોમાં ભટકવા લાગ્યો. એક દિવસ પછી આ ગામનાં વૈદ મને મળ્યાં. તે પોતાની કોઈ નવી વનસ્પતિ શોધતાં હતાં. અને વાતચીત થતાં તે મને પોતાની સાથે અહીં લઈ આવ્યાં. કમનસીબે તેમનો પુત્ર એ સમયની આસપાસ જ મૃત્યું પામ્યો હતો એટલે તેમણે મને પોતાનો પુત્ર બનાવી પોતાનાં ઘરમાં જગ્યા આપી. અને તે મારાં પિતા બની ચુક્યાં. પહેલાં થોડી તકલીફ પડી પણ પછી અમારી વચ્ચે સારો સંબંધ સ્થપાઈ ગયો અને આજે ખરેખર તે મારી પિતાની જગ્યા ધરાવે છે. જે પુત્રને તેમણે ગુમાવ્યો હતો તેનું નામ અનંત હતું અને નાનપણથી તેને દૂર ભણવા મુકેલો એટલે કોઈને તેનો ચહેરો યાદ નહતો. અને મેં તેની જગ્યા લઈ લીધી. આજે તારી સામે સલામત ઉભો છું. " " પણ... તમેં હજું સાક્ષીને..?" રોહને અચકાતા કહ્યું. " ના...ના... જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ મને મારી ભૂલ સમજાવા લાગી. ખરેખર હું માત્ર સાક્ષીનાં રૂપથી આકર્ષાય ગયો હતો. જ્યારે તેનાથી દૂર થયો ત્યારે મને સમજાયું કે તેની મારાં જીવનમાં એટલી મહત્વતા નહતી જેટલી મેં વિચાર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી હું મારામાં ખુશ છું. પણ...." " પણ શું ભાઈ?..." રોહન ફરી ગભરાયો.
" પણ હવે મને એક છોકરી મળી છે. મેં તેને કશું કહ્યું નથી પણ તેણે થોડાં સમયમાં જ મારાં મનમાં ઘર કરી દીધું છે. થોડી પાગલ, થોડી પોતાનાંમાં મસ્ત રહેતી, દરેકને હસાવતી , હિમ્મતથી ભરપુર છતાં કેટલી માસુમ એવી છે એ... રૂપ ઘણું છે પણ ઘમંડ જરાં પણ નહીં. પણ સૌથી ગમતી વાત તો એ છે કે તેને પોતાનાં હક્ક માટે લડતાં આવડે છે અને સમજાવતાં પણ આવડે છે.
તને ખબર છે રોહન!... મને ખરેખર તેનાં માટે જે ફિલિંગ છે તે આજસુધી કોઈ માટે નથી આવી. અને જો મને તેનાથી દૂર થવું પડશે તો હું મારી જાતને સમજાવી નહી શકું! " અનંતે પોતાની મનની બધી વાત કરી.
" તમેં ચિંતા ના કરો.. હું છું ને!... તેને તમારી સાથે લાવીને રહીશ. બસ એકવાર તેની સાથે મુલાકાત કરાવી દો.
પણ એ પહેલાં તેનું નામ તો કહો જેણે મારાં ભાઈ ને ફરીથી હસવાની કિંમત સમજાવી છે!... " રોહન ખુશીથી બોલ્યો.
અનંતે જવાબ આપ્યો " રેવા.... રેવા નામ છે તેનું. દાદીમાંની દિકરી... રેવા "
રોહનને ફરીથી એક મોટો ઝપાટો વાગી ગયો. રેવા એટલે તે જ નિયતિ જેને મારવાની કોશિશ તેણે કરી હતી. જેનાં મન સાથે રમત કરી હતી. તે રેવા.... અને સરળ થયેલી બધી વાતો ફરીથી ગૂચવાતી ગઈ.... રોહન સામે નિરાશા ના વાદળો ઘેરાય ગયા. થોડીવાર પહેલાં જ મનોમન વિચાર્યું હતું કે હવે જે વ્યક્તિ ને તેનો ભાઈ પસંદ કરશે તેને પોતાની ભાભી બનાવીને રહેશે. અને બીજી જ ક્ષણે જાણવાં મળ્યું કે તે બીજું કોઈ નહીં પણ નિયતિ છે!...
રોહન, નિયતિ, અનંત, કૌશલ અને કૌશલની રેવા બધાની જીંદગી ગૂંચવાઈ ગઈ. હવે કોનો કયો નિર્ણય કોની પર ભારી પડશે તે નિર્ણય તેમની જીંદગીનાં નિર્ણય સાથે સંકળાયેલો હતો.
અને સૌથી પહેલી શરૂઆત તો ત્યારે થશે જ્યારે રોહન અને નિયતિ એટલે કે રેવા સામસામે આવશે!... શું રેવાને નિયતિ યાદ આવશે કે પછી રોહન ફરી કશું કરી જાણશે!...?...
ક્રમશઃ