શિકાર : પ્રકરણ 6 Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિકાર : પ્રકરણ 6

નવી કોલોનીના સાર્થક ફ્લેટના ત્રીજા માળે પોતાના મકાનમાંથી તૈયાર થઈને સમીર ખાન નીકળ્યો અને સીધો જ આશ્રમ રોડ પાસેના સીટી ગોલ્ડ પહોંચ્યો હતો. ત્યાં નીમી હાજર જ હતી.

થોડીક હાય હેલો પ્રેમભરી વાતો કરીને બંને ટીકીટ લઈને થ્રીયેટરમાં ગયા હતા.

સમીર અને નિમિષા ઉર્ફ નિમિ ઉર્ફ મોહિની વાજા થ્રિએટરના અંધારા ખૂણામાં ફિલ્મ જોઈ રહ્યા હતા. ખરેખર તો સમીર થ્રિએટરના પરદા ઉપર નહિ પણ એના મોબાઈલના સ્ક્રીનમાં જોઈ રહ્યો હતો. કોઈ એક્શન થ્રિલર ફિલ્મ હોત તો કદાચ સમીરની આંખો પરદા ઉપરથી હટી ન હોત પણ એના પ્લાન મુજબ એને નિમિને લઈને રોમાન્ટિક ફિલ્મ જોવા આવવું પડ્યું હતું, જે એને જરાય પસંદ ન હતું.

"બોસ આઈ એમ ગોઇંગ ટુ ડુ એ બ્લાસ્ટ..." એણે મેસેજ ટાઈપ કર્યો અને સેન્ડ બટન પૂસ કર્યું. થોડી જ વારમાં રીપ્લાય આવ્યો.

"ઓકે બટ બી કેરફુલ. યોર બ્લાસ્ટ ઇઝ ઈમ્પોર્ટન્ટ ફોર અવર પ્લાન."

"આઈ વિલ."

"ગુડ લક."

ને એ જ સમયે ફિલ્મમાં અંતે નાયક નાયિકાના લગન લેવાયા અને દ્રશ્ય સ્થિર થઈ ગયું. થ્રિએટરમાં લાઈટો ઓન થઈ ગઈ. બારણાં ખુલી ગયા.

નિમિ અને સમીર બહાર નીકળ્યા. થોડાક ચાલીને એ બાઈક પાસે આવ્યા.

"સી યુ ડાર્લિંગ."

"નિમિ વોન્ટ યુ હગ મી?" નિમિ સામે અસલ આશિક જેમ જોઈને સમીર બોલ્યો. તેણે નીમીનો ચહેરો જોતો હોય તેમ નીમીના ખભા પરથી પાછળના ભાગે કશુંક ખાતરી કરવા જોઈ લીધું.

"ઓહ વ્હાય નોટ." નિમિ એને ભેંટી.

"સો સ્વીટ ડાર્લિંગ." મોટેથી એટલું બોલી પછી નિમિના કાનમાં ધીમેથી ઉમેર્યું, "યુ આર સો બ્યુટીફૂલ."

"જુઠ્ઠો..." કહી પેલી એને કોણી મારી અલગ થઈ. આંગળીમાં સ્ફુટીની ચાવી ઘુમાવતી એની મોપેડ તરફ જવા લાગી.

સમીર માસુકાને જોતો હોય તેમ એને જતા જોઈ રહ્યો પણ ખરેખર તો એની નજર કોઈ નવલકથાના પાત્રની જેમ નિમિના શરીર ઉપર નહોતી, થ્રિએટર આસપાસ દેખાતા લોકો ઉપર હતી. એકાએક સમીર મલકયો. જાણે કઈક જીત મળી હોય એમ હસ્યો અને બાઈક લઈને એની રૂમ તરફ રવાના થઈ ગયો.

*

"વાહ અનુપ વાહ..." સીટી ગોલ્ડના પાર્કિંગ પાસે ઉભો લંકેશ ખુશ થઈને બોલી ઉઠ્યો. તેના કડક ચહેરા ઉપર આનંદ જાણે પહેલીવાર આવ્યો હોય તેમ તેનો ચહેરો ખીલી ઉઠ્યો.

"આટલો ખુશ કેમ છે?" અનુપે કઈક ખંધાઈથી હસીને પૂછ્યું.

"અરે તે તો કમાલ કરી દીધી યાર. આવા પાક્કા સબૂત આવા ફોટા જોશે તો બ્રેક અપ થવાના એક હજાર ટકા ચાન્સીસ છે."

"અને વધારામાં એ બિચારી પાછી એકલી છે." હાથમાં મોબાઈલ ફેરવતો અનુપ ખડખડાટ હસ્યો.

"આમ વિલન જેમ હસ નહિ, આ ક્લીન સેવ ચહેરા અને તારા કપડાં જોતા તને કોઈ વિલનની પદવી નહિ મળે."

"ઓહ તો તું વળી ક્યાં વિલન જેવો લાગે છે?"

"હું તો દેખાવે જ વિલન છું... પણ સાલો આ સમીર તો લાગે છે વિલન અને છે પણ ખરો વિલન."

"લાવ મને જોવા તો દે યાર." લંકેશે ઉત્સાહમાં એના હાથમાંથી મોબાઈલ લીધો અને લોક ખોલી જોવા લાગ્યો.

ગેલેરી ખોલી એણે રિસન્ટ ફોટોઝ ખોલ્યા. નિમિ અને સમીર ભેટતા હોય એવા ફોટા એક પછી એક જોવા લાગ્યો. સમીરનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો.

"વાહ તો તે એ ધ્યાન પણ રાખ્યું છે?"

"શુ?"

"બધા ફોટામાં માત્ર સમીર જ દેખાય છે. પેલી એની બગલબચ્ચીનો ચહેરો નથી દેખાતો એટલે પેલી બિચારી આ કોણ છે? એનું નામ શું હશે? એ બધા સવાલ કરશે જ નહીં."

"ખાસ તો બોયફ્રેન્ડની બીજી ગર્લફ્રેન્ડને મળીને ઝઘડવા નહિ જાય એ જ ફાયદો છે આપણને."

"હા યાર કમાલ થઈ ગઈ."

"તે છતાં મેં નિમિના ચહેરા દેખાય એવા ફોટા લીધા છે ક્યારે જરૂર પડે કોને ખબર?"

"તું જબરો ચાલાક છે."

"તું પણ ક્યાં ઓછો છે?"

બંને એક બીજાના વખાણ કરતા હતા ત્યારે બેયની આંખોમાં એક શેતાની ચમક ધસી આવી. બંને સામેની કેન્ટીનમાં ગયા થોડો નાસ્તો કર્યો અને અનુપની ગાડીમાં ઘર તરફ રવાના થયા.

*

વિલીએ આંખ ખોલી એ સાથે જ પથારીમાંથી ઉભા થઇ ગયા. આખી રાત જે વિચાર કર્યા હતા એનો ફેંસલો હવે નિધીને સંભળાવવાનો હતો. તેમણે બાથરૂમમાંથી બહાર આવી કપડાં બદલ્યા અને સીધા જ નિધિ જે રૂમમાં ઊંઘી હતી ત્યાં ગયા.

"નિધિ."

પણ દરવાજો ઉઘડયો નહિ કે ન કોઈ અવાજ આવ્યો.

"નિધિ બેટા ક્યાં છે?" ફરી એક વાર મોટા અવાજે બૂમ લગાવી, “ની.....”

"જી અંકલ હું અહી છું કિચનમાં, કોફી બનાવું છુ."

વિલી કિચનમાં ગયા. રેડ શર્ટ અને બ્લેક જીન્સમાં સુંદર એક સેરમાં બાંધેલા વાળમાં નિધિ જાણે એન્જી જેવી લાગતી હતી. તેના થોડાક વાળ આંખો પર ઝૂલતા તે એન્જીને ખુબ ગમતા. નાનપણમાં મોટી જાડી નિધી અત્યારે ચરબી વગરની થઇ હતી. નિધિ અને એન્જી બાળપણમાં હતા તેવા જરાય નહોતા રહ્યા. નિધિ જાડી હતી તેમાંથી પાતળી બની હતી એન્જી જાડી નહોતી પણ મોટી થઈને તે સ્વસ્થ યુવતી બની હતી. તેની ચરબી વધી હતી અને આંખોમાં નંબર આવ્યા હતા. પણ તે ખુબ સુંદર અને માસુમ લાગતી.

"બેટા હું જાઉં છું." એક નિશાસો નાખીને વિલીએ કહ્યું.

કોફીનો એક મગ વિલીને આપતા નિધીએ પૂછ્યું, "જાઉં છું એટલે? ક્યાં?"

"ત્યાં જ્યાં સવાલોના જવાબ મેળવવા છે." એક ઘૂંટ લઈને જાણે ગરમ કોફીની વરાળ નીકળતી હોય એવો ગરમ નિસાસો નાખી એ ફરી બોલ્યા.

"એટલે? તમે... તમે આજે આમ કેમ બોલો છો? કેવા સવાલો?" નિધીને કઈ સમજાયું નહી.

"બાકીની જિંદગી હવે હું ચર્ચમાં વીતાવીશ નિધિ. મારે જીસસને પૂછવું છે કે કયો ગુનો મેં કર્યો એની આ સજા મળી?"

"અંકલ તમે આમ...." નિધિ ગળગળી થઈ ગઈ, "તમે આમ વર્તશો તો મારું શું?"

"તને હું ઓળખું છું બેટા, તું મજબૂત છે. તે તો નાની ઉંમરે તારી માને અગ્નિસંસ્કાર આપ્યા હતા, હવે તો મોટી થઈ ગઈ છે."

"અને તમે મજબૂત નથી શુ?"

"હતો પણ માણસની શક્તિઓની એક હદ હોય, હવે મારી પાસે કઈ નથી."

"એટલે હું તમારી દીકરી નથી શુ?"

"છે જ, તું તો મારી ડાહ્યી દીકરી છે પણ......" આગળ શું બોલવું એ સુજ્યું નહિ એટલે વિલી અટકી ગયા.

"પણ શું?"

છતાં વિલી કઈ બોલ્યા નહિ. નિધિ આતુરતાથી જવાબ સાંભળવા નજર વૃદ્ધ વિલી ઉપર માંડી રહી. કોફી પુરી કરીને એ બોલ્યા, "હવે હું જાઉં છું નિધિ, એન્જીએ જે કામ સોંપ્યું છે એ તું કરી દેજે આ મિલકત હવે મારે કોઈ કામની નથી."

"એટલે અંકલ તમે મને એક મોકો નહિ આપો તમારા ઋણ ચૂકવવાનો? જેમ તમે મને રાખી હતી મા બાપ કે કોઈ વસ્તુની ખોટ સાલવા ન દીધી એમ મને એક મોકો નહિ આપો તમારી દીકરી બનીને તમારા ઋણ ચૂકવવાનો?" નિધીએ આખરી એક મજબૂત દલીલ કરી પણ વિલીએ એ દલીલને એક જ ઝટકે ઉડાવી દીધી.

"દીકરા ઋણ ચૂકવીને તું શું મારી બીજી દીકરી મટી જવા માંગે છે? એન્જી તો ચાલી ગઈ એમ શુ તું પણ હવે ઋણ ચૂકવીને પરાઈ થઈ જવા માંગે છે?"

નિધિ પાસે હવે શબ્દો હતા જ નહીં. આખરે એને માથું ઝુકાવી દેવું પડ્યું.

"ભલે તમને ચર્ચમાં રહેવું હોય તો જાઓ પણ તમારી એક દીકરી જીવે છે એ ભૂલી ન જતા..." કહેતા તો ગળામાંથી ડુસકા અને આંખમાંથી પાણી ધસી આવ્યા.

વિલી પણ ભીની આંખે નિધીને ભેટ્યા. મિનિટો સુધી આ લોહીના સબંધ વગરની પિતા પુત્રીના મિલનની પળો ચાલી. પછી વિલીએ આંખો લૂછી, "તારું ધ્યાન રાખજે બેટા."

બસ એ છેલ્લા શબ્દો કહી વિલી પહેરેલા કપડે જ કોલ્ડ મૂનમાં એક છેલ્લી નજર કરીને ચાલ્યા ગયા. નિધિ ક્યાંય સુધી જડ બનીને એ લાચાર વૃદ્ધને જતી જોઈ રહી.

*

કોલ્ડ મુનના પગથિયે કલાકો સુધી સુનમુન બેસી રહી પણ હૃદય એટલું હચમચી ગયું હતું કે વિલીના એ ફેસલા ઉપર એક આંસુ એ સારી ન શકી. હૃદય થીજી ગયું હોય એમ મેરી કે એન્જીની યાદો હવે રડાવી શકતી નહોતી.

"મેડમ." જુહીએ બે એક કલાક પછી એને વિચારોમાંથી જગાડી.

"હા જુહી."

"શુ વિચારો છો મેડમ?"

"કઈ નહિ. જુહી તું એક કામ કર માર્કેટમાં જા અને મોટી બ્રિફકેસ, બે ત્રણ થેલા લઈ આવ."

"જી મેડમ." જુહી ગાડી લઈને નીકળી અને નિધિ ઘરમાં ગઈ. એન્જીના રીડિંગ રૂમમાં જઈને થોડાક પુસ્તકો એણીએ એક તરફ કર્યા. બધા જ ડ્રોઅર વગેરે જોયું. કેટલાક ગ્રીટિંગ કાર્ડસ કેટલાક વિજીટિંગ કાર્ડસ મળ્યા. પણ એ બધા કોઈ કામના ન હતા. રાઇટિંગ ટેબલ પાસેથી નિધિની ડાયરી મળી. એ લઈને પેલા પુસ્તકો સાથે મૂકી.

પછી એના બોર્ડરોબવાળા રૂમમાં જઈને એના કપડાં જોઈ લીધા. એક એક કપડાં પર આંગળી ફેરવતા અલગ અલગ કપડામાં એન્જીની છબી દેખાવા લાગી. ધરમપુરના એ મકાનમાં સાથે રમતા ઝઘડતા બાળ ‘ની’ અને ‘એન્જી’ના દ્રશ્યો એને વોર્ડરોબમાં જ દેખાયા.

આખરે એનું ફોટો અલબમ્બ લઈને રીડિંગ રૂમમાં આવી અને પેલી ડાયરી સાથે મૂક્યું. એ બધી વસ્તુઓ એક બેગમાં ભરી.

થોડી જ વારમાં જુહી બ્રિફકેસ અને થેલા લઈ આવી. એ બધામાં એન્જીના કપડાં ચોપડા વગેરે વસ્તુઓ પેક કરીને બ્રિફકેસ અને થેલા ઘરમાં વ્યવસ્થિત મૂકી દીધા.

વિલીએ આપેલી ચાવીઓ લઈને નિધિ અને જુહી ઓડીમાં ગોઠવાયા. નિધિની સ્વસ્થતા હજુ બરાબર લાગી નહિ. એના ચહેરા ઉપર હજુ આઘાતના નિશાન દેખાતા હતા એટલે જુહીએ જ ડ્રાઈવ કર્યું.

કોલ્ડ મુનમાંથી ઓડી નીકળી ત્યાંથી છેક સાણંદ સુધી બંને વચ્ચે કોઈ વાત થઇ નહિ. સાણંદ સ્ટેશન પર નીધીએ ગાડી રોકાવી અને ચા પીધી. ફરી બંને ગાડીમાં ગોઠવાયા. ડ્રાઈવિંગ જુહીએ જ કર્યું. મુસાફરી સાવ સુનમુન ચાલી. આછો આછો વરસાદ શરુ થયો. નિધિના માનસ પટલ ઉપરથી દ્રશ્યો વહેવા લાગ્યા.

એ દિવસે પણ આવો જ આછો આછો હળવો વરસાદ પડતો હતો. આગળના ચાર દિવસ ભયાનક વરસાદ તૂટી પડ્યો હતો. એ દિવસે મેરી વિલી એન્જી અને નિધિ કોરડા તળાવ જોવા ગયા હતા. ત્યારે વિલી પાસે જીપ હતી. તળાવ છલોછલ હતું. નિધિ પાળ ઉપરથી લપસી હતી અને વિલીએ માંડ એને પકડી હતી.

તળાવ જોઇને એ લોકો જીપમાં ગોઠવાયા ત્યારે ફરી વરસાદનું જોર વધ્યું હતું. જીપમાંથી બહાર હાથ અને માથું નીકાળી નિધિ વરસાદમાં પલળતી હતી. એના ગોળ મટોળ ચહેરા પર વરસાદના ટીપા પડતા હતા.

નીધીએ ઓડીનો કાચ ખોલ્યો અને હાથ બહાર કરીને વરસાદના થોડાક ટીપા હાથ ઉપર પડવા દીધા. પણ કશુંક ખૂટતું હતું.

જુહી એની આ ક્રિયાઓ જોતી રહી અને ડ્રાઈવ કરતી રહી.

ધરમપુરમાં પ્રવેશતા જ નિધિને ફરી ચાર મહિના પહેલાનો એક દિવસ યાદ આવ્યો. આ જ ઓડી નવી લીધી ત્યારે વડોદરાથી સીધી જ અમદાવાદ જઈને એન્જીને સરપ્રાઈઝ આપી એને લઈને સીધી ધરમપુર આવી હતી. આ જ રસ્તે પહેલીવાર ઓડીના ટાયર ચાલ્યા ત્યારે પોતે મેરી અને વિલીને સરપ્રાઈઝ આપવા કેટલી અધીરી થઇ હતી!

“એન્જી કમોન ક્વિક ક્વિક...” એ બોલી ઉઠી હતી.

“અરે ની પણ અહી સ્પીડ ન થાય ઘર ક્યાં દુર છે.”

છતાં ઘરે પહોંચીને ઉપરા ઉપર હોર્ન વગાડ્યા હતા.

હોર્ન વાગ્યું એટલે એની તંદ્રા તૂટી. મકાનના દરવાજે બેઠેલી ગાયો અવાજ સાંભળીને ઉભી થઇ.

“મેડમ ઘર આવી ગયું...” જુહીએ કહ્યું.

નિધિ ઉતરી. બંને દરવાજો ખોલી મકાનમાં દાખલ થયા અને એક એક યાદો એને ઘેરી વળી...

***

ક્રમશ:

લેખકની વાર્તાઓ અને લેખ વાંચવા અહી ફોલો કરો :

ફેસબુક : Vicky Trivedi

Instagram : author_vicky