આ ચલ કે તુજે મૈ લેકે ચલું Pallavi Jeetendra Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આ ચલ કે તુજે મૈ લેકે ચલું

આ ચલ કે તુજે મૈ લેકે ચલું. પલ્લવી જીતેન્દ્ર મિસ્ત્રી.

વેકેશન પડ્યું એટલે જીયા અને જહાન, બંને બાળકો બહારગામ ફરવા લઇ જવાની જીદ કરવા માંડ્યા. થોડા સમય પહેલાં જ લોન લઈને અતુલે આ બે બેડરૂમ - હોલનું ઘર ખરીદ્યું હતું, એના હપ્તા ચાલુ હતા. બાળકોને સ્કુલમાં જવા આવવા માટે તો સ્કૂલબસ આવતી હતી, પણ એમને ક્લાસમાં લેવા મુકવા જવા માટે વાહનની જરૂરીયાત હતી. રક્ષાબંધન, વર્ષગાંઠ અને કેટલાક પ્રસંગોમાં મળતી ભેટના તેમ જ ઘરખર્ચમાં કરકસર કરીને નિરાલીએ થોડા પૈસા બચાવ્યા હતા, બાકીના પૈસા અતુલે એક ફ્રેન્ડ પાસે ઉછીના લઈને નિરાલી માટે એક સ્કુટી ખરીદી લીધું. એટલે બાળકોને ક્લાસમાં લેવા મુકવા જવાની સગવડ તો થઇ ગઈ.

આવા સંજોગોમાં બાળકોની બહારગામ ફરવા લઇ જવાની જીદને લઈને અતુલ અને નિરાલીએ વિચારી જોયું, તો બંનેને લાગ્યું કે બહારગામ ફરવા જવા માટે તો પૈસાનો મેળ પડે એમ નથી. બાળકોને જ્યારે આ વાત કરી ત્યારે બંને બાળકો નિરાશ થઇ ગયા. એવામાં નિરાલીના ભાભીનો ફોન આવ્યો, ‘નીરાલીબહેન, તમારા ભાઈ તમને ખુબ યાદ કરે છે, અને તમારો લાડકો ભત્રીજો આર્જવ પણ જીયા અને જહાનને મિસ કરે છે. બાળકોને વેકેશનની રજા પણ છે, તો તમે ચારે જણ વેકેશન માણવા વડોદરા આવી જાવ, આપણે અહીંથી સરદાર સરોવર ફરવા જઈશું.’ જીયા – જહાન તો મામાના ઘરે જવાના વિચાર માત્રથી ઉત્સાહિત થઇ ગયા.

અતુલને ઓફિસમાં અગત્યનું કામ હોવાથી એને તો રજા મળે એમ નહોતું. એટલે નિરાલી એકલી જ બાળકોને લઈને થોડા દિવસ માટે પિયર ગઈ. હરવા ફરવામાં અને મોજ મસ્તી કરવામાં વેકેશન ક્યાં પૂરું થઈ ગયું તે ખબર પણ ન પડી. અતુલ એમને લેવા આવ્યો, એટલે બધા અમદાવાદ પાછા ફર્યા. બીજે દિવસે સવારે અતુલ ઓફીસ ગયો, બાળકો સ્કુલમાં ગયા, પછી નિરાલીએ બેગ ખાલી કરી, ફર્નીચર સાફ કર્યું, ઘરમાં થોડું ઠીકઠાક કર્યું. કામવાળી ઝાડુ – પોતું અને વાસણ કરીને ગઈ, પછી મેગેઝીન વાંચતા નિરાલી થોડી આડી પડી. ઉઠીને ફ્રેશ થઈને એ બજારમાં શાકભાજી લેવા ગઈ. પાછા વળતા સોસાયટીના પાર્કિંગમાં સ્કુટી પાર્ક કરતી વખતે એની નજર ગઈ, તો પાર્કિંગ એરીયામાં શેફાલીની રેડ મર્સિડીઝ કાર એને દેખાઈ નહીં, ‘ઉપડયા હશે મેડમ કોઈ મોલમાં શોપિંગ કરવા, મારે શું ?’ એમ મનોમન બબડીને નિરાલી લીફ્ટમાં દાખલ થઇ.

શાકભાજીની થેલીઓ ઘરમાં મુકીને નિરાલી પડોશમાં રહેતી શીલાને ત્યાં દહીં મેળવવા માટેનું મેળવણ લેવા ગઈ. પડોશીઓના હાલચાલ પૂછતાં શીલાએ કહ્યું,: ‘નિરાલી, તું તો અહીં હતી નહીં, એટલે તને કદાચ એ વાતની ખબર નહિ હોય’ ‘કઈ વાતની ખબર નહિ હોય ?’ નિરાલીએ પૂછ્યું. ‘અરે ! યાર, ચારપાંચ દિવસ પહેલાં જ શેફાલી અને એના હસબન્ડની વચ્ચે જોરદાર ઝઘડો થયેલો.’ ’અચ્છા ! કઈ બાબતમાં ઝઘડો થયો ?’ નિરાલીને શીલાની વાતમાં રસ પડ્યો. ‘ઝઘડો તો – સાચી ખોટી વાત તો ભગવાન જાણે, પણ એવું સાંભળવા મળ્યું કે - મુકેશભાઈની ઓફીસમાં ઇન્કમટેક્સ વાળાના દરોડા પડ્યા, ઇન્કમટેક્સવાળાએ મુકેશભાઈની ઓફીસ અને આખું ઘર ફેંદી નાખ્યું, ઘરમાં હતાં એટલા રોકડા રૂપિયા અને ઘરેણા કબજે લીધાં, બેંકના ખાતાઓ અને લોકર્સ સીલ કર્યા.’

‘ઓહ ! પછી શું થયું ? નિરાલીને વાત સાંભળીને ઉત્સુકતા થઇ.

‘પછી મુકેશભાઈએ શેફાલીને થોડા દિવસ સાવચેત રહેવા અને ખોટા ખર્ચાઓ બંધ કરવા સૂચનાઓ આપી, તો શેફાલીએ ગુસ્સે થઈને મુકેશભાઈને ઘણું એલફેલ સંભળાવ્યું.’ શીલાએ માહિતી આપી.

‘ઓહ ! મને તો આ બધી વાતની કંઈ ખબર જ નથી. અતુલે પણ આ બાબતમાં મને કંઈ વાત જ નહિ કરી.’ નિરાલીએ આશ્ચર્ય પામીને કહ્યું.

‘અતુલભાઈ તો આમ પણ કેટલા શાંત સ્વભાવના છે, કોઈના ઝઘડામાં ક્યારેય રસ લેતા નથી.’ શીલાએ કહ્યું. ‘

‘હા, એ વાત સાચી. એ ભલા અને એમનું કામ ભલું. પણ પછી શું થયું ?

‘શેફાલીના અણીયાળા શબ્દોથી મુકેશભાઈ છંછેડાયા અને બોલાચાલી દરમ્યાન એમણે શેફાલીને વાંઝણી કહ્યું. પછી તો શેફાલીની કમાન છટકી, અને એ બે જણ વચ્ચે ભયંકર ઝઘડો થયો. શેફાલી ઘર છોડીને પોતાના પિયર જતી રહી. અને એણે મુકેશભાઈની સામે માનહાનીનો દાવો કરીને, કોર્ટમાં છુટાછેડાની અરજી દાખલ કરી.’ શીલાએ કહ્યું.

‘આ તો બહુ ખરાબ થયું, મુકેશભાઈ તો બધી તરફથી મુશ્કેલીમાં મુકાઈ ગયા.’ શીલાની વાત સાંભળીને નિરાલી વિચારમાં પડી, એને પોતે વેકેશનમાં વડોદરા ગઈ તે પહેલાનો બનાવ યાદ આવ્યો. ‘બજારમાંથી શાકભાજી અને કરિયાણું ખરીદી લાવીને, પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગ એરીયામાં સ્કુટી પાર્ક કરતી વખતે નિરાલીએ જોયું તો, નવીનકોર, ચકચકિત લાલ રંગની મર્સિડીઝ કાર પાર્ક કરીને, બ્રાન્ડેડ કપડાના ચાર પાંચ બોક્ષ લઈને ઉંચી એડીના સેન્ડલ પહેરીને ગર્વીલી ચાલે શેફાલી કારમાંથી ઉતરી. લીફ્ટમાં પણ શેફાલીના કીમતી કપડામાંથી આવતી વિદેશી પરફ્યુમની તીવ્ર મીઠી સુગંધ શેફાલીના નાકમાં ઘુસી ગઈ.

થોડી ક્ષણ માટે બંનેની નજરો મળી, નિરાલીએ સ્માઈલ આપ્યું, પણ શેફાલીએ તે જોયું ન જોયું કરીને પોતાના આઈફોનમાં વ્યસ્ત થઇ ગઈ. આમ તો નિરાલીને બધી જ સુગંધ ખુબ જ પ્રિય હતી, પણ આજે એને શેફાલીના મોંઘામાંના ઈમ્પોર્ટેડ પરફ્યુમની સુગંધમાંથી શેફાલીના ઘમંડની બદબૂ આવી, એની હાજરીથી એક જાતનો અણગમો થઇ આવ્યો. એણે શેફાલી સામેથી નજર ખસેડી લીધી. ‘શેફાલીનું આઠમા માળે આવેલું ભવ્ય પેન્ટહાઉસ, એની પોતાની મર્સિડીઝ કાર, અને એના હસબન્ડ મુકેશભાઈની જગુઆર કાર, છોકરાઓની ઝંઝટ નહિ, બંને પતિપત્ની પોતપોતાની રીતે ફાવે ત્યાં જવા માટે છુટ્ટા. બંનેની વરસની ઓછામાં ઓછી એક વિદેશની ટુર તો ખરી જ. ભગવાન જાણે એનો હસબન્ડ શું ય ધંધો કરતો હશે તે પૈસાની રેલમછેલ. અને પોતાની પાસે ? એક નાનકડી સ્કુટી, અતુલ પાસે સેકન્ડહેન્ડ મારુતિકાર, બે બેડરૂમનું ઘર, એમાં સાધારણ એવું ફર્નીચર.’ શેફાલી વિષે વિચારતાં નિરાલીને શેફાલીના ભાગ્યની અદેખાઈ થઇ આવી.

‘તું શું વિચારમાં પડી નિરાલી ?’ શીલાએ પૂછ્યું. અને નિરાલી વિચારોમાંથી જાગૃત થઈને હસીને બોલી, ‘અરે ! કંઈ નહીં, આ શેફાલીની વાત સાંભળીને જરા નવાઈ લાગી. પણ એના વિષે પછી નિરાંતે વાત કરીશું. હમણાં તો તું મને મેળવણ આપી દે, એટલે હું જાઉં. હજી જમવાનું બનાવવાનું બાકી છે, છોકરાઓ અને અતુલ આવતાં જ હશે.’

મેળવણ લઈને આવેલી નિરાલીને પોતાના બે બેડરૂમના સાધારણ ઘરમાં પ્રવેશતાં જ એક અદભુત પ્રસન્નતાનો અહેસાસ થયો. અતુલનું પ્રિય ગીત ‘આ ચલકે તુજે મૈ લેકે ચલું એક ઐસે ગગનકે તલે, જહાં ગામ ભી ન હો આંસુ ભી ન હો બસ પ્યાર હી પ્યાર પલે, એક ઐસે ગગનકે તલે....’ ગીત ગણગણતા નિરાલીએ હળવાશભર્યા મૂડમાં આવીને સાંજની રસોઈની શરૂઆત કરી.