Mane laija ne tari sangath, Tara vina gamtu nathi books and stories free download online pdf in Gujarati

મને લઈ જા ને તારી સંગાથ, તારા વિના ગમતું નથી

કુંજલ ની હાલત દિવસે દિવસે વધુ બગડતી જતી હતી. કેટલાય દિવસના હોસ્પિટલાઇઝ પછી ડોક્ટરે રજા આપી દીધી હતી. થાય તેટલી ઘરે સેવા કરવાનું કહ્યું હતું. આમ તો કુંજલ ની ઉંમર બાવન આજુબાજુ થવા આવી છે.સેવા ચાકરી માં એકનો એક છોકરો ને તેની વહુ ખડા પગે રહે છે. સાથે ખબર પૂછવા વાળા મહેમાનો પણ રોજ કોઇને કોઇ આવ્યા કરે છે.

૩૨ વર્ષ પહેલા કુંજલે કાનજી સાથે લવ મેરેજ કર્યા હતા. એ સમયમાં તો આખા મલકમાં હો... હા.... થઈ ગઈ હતી. પોણા પાંચ ફૂટના કાનજી પર પાંચ ફૂટ 1 ઈંચ ની કુંજલ નું દિલ ફિદા થઇ ગયું. કાનજી એસ.ટી બસમાં કન્ડકટર હતો. કુંજલ રોજ કોલેજ આ બસમાં અપડાઉન કરતી હતી. અપડાઉન કરતા કરતા કુંજલે કાનજીની જિંદગીની ગાડી માં લિફ્ટ લઈ લીધી. થોડા મહિના બધુ ડામાડોળ થયું. પરંતુ આખરે બંને પરિવારે તેઓની સ્વીકારી લીધા.

કુંજલ ને કાનજી પ્રેમથી કુંજ કહેતો. કાનજી ને કુંજલ પ્રેમથી કાનું કહેતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા. આજથી પચીસ-ત્રીસ વર્ષ પહેલા પતિ પત્ની સાથે બહાર જતા તો પણ પોતાના ગામમાં બંને આગળ પાછળ ચાલતા એટલો વડીલોનો મલાજો રાખતા. પરંતુ કુંજને કાનુ તો એ સમયમાં પણ ઘરેથી હાથમાં હાથ પકડીને બહાર નીકળતા. આખા ગામમાં લોકો આ સારસ ને સારસી ની જોડી ની જ વાતો કરતા. આ જોડું નીકળે ત્યારે વડીલો તો ઉભા થઇ પોતાના ઘરે જતા રહેતા.

કુંજલ ને પશુ પક્ષી અને કુદરત સાથે ખૂબ લગાવ હતો. તે સારી પેન્ટર પણ હતી. પોતાના ઘરમાં અવનવા ચિત્રો દોરી તે ઘરને શણગારતી. દિવાળીની રોશની તો તે દર વર્ષે કંઈક નવું જ કરતી. ગામલોકો તે ખાસ જોવા આવતા. હવે તો ગામ લોકોને પણ આ બંને નો પ્રેમ કોઠે પડી ગયો હતો.

કુંજલ કાનજીને, "કાનુ તું અહીં આવ તો જરા" કહે તેમાં પણ હવે ગામલોકોને કઈ અજુગતું નહોતું લાગતું.

કાનજી પણ જ્યારે તેને ઓફ ડ્યુટી હોય ત્યારે કુંજલ ને બાજુમાં આવેલા શહેરમાં ફરવા લઈ જતો. નહીંતર એ જમાનામાં શહેર માં ફરવા જવાનો રિવાજ તો મોટા શેઠલોકો કે ઓફિસરના કુટુંબ પૂરતો જ હતો. એસટીની નોકરીને લીધે બંનેને ક્યાંય પણ જવું હોય ટીકીટ તો લાગતી જ ન હતી. કુંજલ ને ઘર શણગારવા નો બહુ શોખ હતો. એક વખત તે શહેરમાં માછલીઘર જોઈ ગઈ. બસ ! તેના ઘરે માછલીઘર લાગી ગયું. કાનજી પણ તેના બધા શોખ પૂરા કરતો.

કાનજી સાંજે ડ્યુટી થી થાકીને આવે ત્યારે કુંજલ તેના માટે નાસ્તો તૈયાર રાખે. માછલીઘર સામે બેસી બંને નાસ્તો કરે. માછલીઘરમાં ગોલ્ડફીશ પ્રકારની ઓરેન્જ ગોલ્ડ કલરની એક જોડી માછલી હતી. કુંજલ એ બંનેના નામ પણ પાડેલા હતા. મોટી નર માછલી નું નામ કાનુ ને તેના કરતાં થોડી કદમાં નાની માદા નુ નામ કુંજ પાડેલું હતુ.

તે કાનજી ની મસ્તી કરતા કહેતી, "જો કાનુ પેલો કાનુ પણ તારી જેમ જ કુંજની ફરતે.. ફરતે... ફર્યા કરે છે. પણ એ કાનુ તેની કુંજ કરતા મોટો છે ને આ કાનુ તેની કુંજ કરતા બાઠીયો છે."

આમ કહી તે કાનજી ને ચીડવતી. પરંતુ કાનજી તેની વાતો સાંભળી હસી પડતો.

બંનેનું દામ્પત્ય જીવન ખૂબ સારી રીતે ચાલતું હતું. ભગવાને બંનેના પ્રેમ ના ફળસ્વરૂપે એક પુત્ર પણ આપી દીધો હતો. તેના પણ લગ્ન કરી દીધા હતા. કાનજી રિટાયર્ડ થઈ ગયો હતો. બધી વાતનું સુખ હતું. એવામાં આ બીમારી આવી પડી. હવે તો કાનજી ને એક જ કામ હતું. તે આખો દિવસ કુંજલના બેડ પાસે બેસી રહેતો. તેને મદદ કર્યા કરતો. ઘડીક આઘોપાછો થાય ત્યાં કુંજલ નાના બાળકની માફક,

"કાનુ ક્યાં ગયો? જલ્દી આવ. મારે બેઠું થવું છે. મને ટેકો કર." આમ બૂમાબૂમ કરી મૂકતી.

પથારીમાં તકિયાના ટેકે બેઠી બેઠી તે માછલીઘર જોયા કરતી. લાંબી માંદગીને લીધે કુંજલ નુ શરીર એકદમ સૂકાઈ ગયું છે. આંખો નીચે કાળા કુંડાળા પડી ગયા છે. કિમો થેરાપીની સારવારની અસરને લીધે વાળ પણ ઘણા ઓછા થઈ ગયા છે. બેઠા બેઠા તેને કાનજી ની મશ્કરી સુજી.

તે કેહવા લાગી, "જો પેલો કાનુ, પહેલા કુંજની ફરતે બહુ ફર્યા કરતો પણ તારી જેમ એ પણ હવે ખાઈ ખાઈને તગડો થયો છે. જો તો ! કેવો છાનોમાનો બેસી રહે છે"

આમ કહી તે ફિક્કું હસી. કાનજીના ચિંતાતુર ચહેરા પર પણ હાસ્ય આવી ગયું.

આજે કુંજલ વધારે ઈમોશનલ હતી. તેનો પુત્ર અને પુત્રવધુ પ્રસંગમાં બહાર ગયેલા હતા. કુંજલ એ કાનજી નો હાથ પોતાના હાથમાં લઈ લીધો. કુંજલ નો હાથ ધગધગતો હતો.

તે કાનજી ને કહેવા લાગી, " કાનુ મને ખબર છે હું હવે વધારે જીવવાની નથી, પણ મને તારા વગર નહીં ગમે. સાચું કહું છું. હું એકલી કેમ જઈશ? આખી જિંદગી સાથે રહ્યા ને છેલ્લે તું મને એકલી મોકલી દઈશ?"

એમ કહી કુંજલ રડવા લાગી. કાનજી ખુરશીમાંથી ઉભો થઇ બેડ પર આવી કુંજલ ને બાથ મા લઇ માથે હાથ ફેરવવા લાગ્યો.

કુંજલ વધુ ને વધુ રડવા લાગી. ફરી તે જીદ કરવા લાગી,

"કાનુ હું એકલી નથી જવાની. તું મારી સાથે આવ, બસ મારી સાથે આવ."

એમ કહેતી જાય છે ને રડતી જાય છે. કાનજીએ તેને પથારીમા સુવડાવી દીધી. આજે તેને વધારે પડતી તકલીફ હોય તેવું લાગે છે. તે જોરથી ખાંસી ખાવા લાગી, શ્વાસ અડધા જ ચાલતા હોય તેમ હાફવા લાગી. કાનજી તેનો હાથ પકડીને માથા પર હાથ ફેરવી તેને સુવરાવવા મહેનત કરી રહ્યો છે.

કાનજી દવા લેવા ઉભો થયો તો પણ કુંજલે તેને બેસાડી દીધો ને એક જ વાત ચાલુ રાખી,

"હું એકલી નહિ જાવ, મારો હાથ પકડી રાખ, મારી બાજુ માં સુઈ જા, મારી સાથે ચાલ."

કુંજલે આ રટણ પકડી લીધું. કાનજીએ તેને રાજી રાખવા કુંજલને સુવરાવી તેની બાજુમાં સુઈ ગયો. તેનો જમણો હાથ પોતાના બંને હાથ માં દબાવી દીધો.

કુંજલ શાંત થઈ ગઈ. શરીર તોડા પણ શાંત થઈ ગયા. શ્વાસ પણ શાંતિથી ચાલવા લાગ્યા. બંધ આંખો માંથી આંસુ નીકળવા લાગ્યા. દસેક મિનિટ બંને શાંતિથી પડ્યા રહ્યા.

અચાનક કુંજલ ની આંખ ખુલ્લી. તેની નજર સામે માછલીઘર પર પડી. નર માછલી જેનું નામ કુંજલે કાનુ પાડેલું હતું. એનું મોઢું ને આખો ખુલ્લા રહી ગયા હતા. કાયમી મીનપક્ષ ફફડાવતો તે મીનપક્ષ પણ લબડી પડ્યા હતા. પાણીની ઉપરની સપાટી પર ઊંધા માથે પડયો હતો. માછલી તેની ફરતે ફરતે તરીને એને જગાડવા વ્યર્થ મહેનત કરતી હતી.

કુંજલ ની રાડ ફાટી ગઈ, "અરે જો તો ખરો આપણો કાનુ મરી ગયો લાગે છે. તે ઊંધો કેેમ પડ્યો છે?"

કુંજલે માછલીઘર પરથી નજર હટાવી કાનજી તરફ જોયું. કાનજી નીરાતે સૂતો છે. હંમેશા ફફડતી મોટી અણીયાળી પાપણો શાંત થઈ બિડાયેલી છે. કુંજલ ની ફરીવાર રાડ ફાટી ગઈ.......

લેખક: અશોકસિંહ ટાંક (૧૧/૧૨/૧૯)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED