વિષાદ યોગ - પ્રકરણ - 50 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદ યોગ - પ્રકરણ - 50

વિલી માટે આજનો દિવસ ખૂબ ખરાબ ઉગ્યો હતો. તેની જિંદગીમાં કોઇએ અત્યાર સુધી તેને હાથ લગાવવાની હિંમત કરી નહોતી પણ આજે તેને એ રીતે જડપી લીધો હતો કે તે કંઇ કરી શકે એમ નહોતો. વિલીના પાવર અને પૈસાની અત્યારે કોઇ કિંમત નહોતી. તેને આ ક્ષણે એકદમ લાચારીનો અનુભવ થતો હતો. અત્યારે તેને તેના ભુતકાળમાં એવા ઘણા લોકો યાદ આવી રહ્યા હતા, જેની લાચારીનો પૂરો ફાયદો વિલીએ ઉઠાવ્યો હતો. માણસ ભલે બીજાને કહે કે હું તારી સ્થિતી અને દુઃખ સમજુ છું. પણ માણસ જ્યારે તે વ્યક્તિની સ્થિતી પર હોય ત્યારેજ તેને સાચા દુઃખની જાણ થાય છે. જ્યારે અનુભવ થાય ત્યારેજ ખબર પડે કે તે માણસની પરિસ્થિતિ કેવી હશે? આજે વિલીની હાલત પણ એવીજ હતી તેણે કરેલા અત્યાચારનો હિસાબ હવે તેની નજર સામે ખુલી રહ્યો હતો. વિલી મોબાઇલમાં વિડીઓ જોઇને એકદમ ચૂપ થઇ ગયો હતો. તેની પાસે હવે કોઇ દલીલ નહોતી. તે ચૂપ થઇ ગયો ત્યાંજ તેના ઇઅર ફોનમાં અવાજ આવ્યો “કેમ ચૂપ થઇ ગયો? તારી સામે અરીસો મુકતાજ તારો બદસુરત ચહેરો સામે આવી ગયો. બોલ હવે આ તુંજ છે ને?”

વિલી કંઇ બોલ્યો નહીં એટલે સામેથી કહેવાયું “ઓકે તારે વાત ન કરવી હોય તો મને કોઇ વાંધો નથી. તું તારો સમય બગાડી રહ્યો છે. અને તને તો ખબર છે કે તારા સાહેબ કેટલી આતુરતાથી તારી રાહ જોઇ રહ્યાં છે?” આ સાંભળતા જ વિલીને કૃપાલસિંહની યાદ આવી ગઇ. તેને સમજાઇ ગયું કે જ્યાં સુધી હું આ લોકોને સમજાવીશ નહીં ત્યાં સુધી મને જવા દેશે નહીં.

“જો બોસ હું કબુલ કરુ છું કે મારી ભૂલ થઇ ગઇ છે પણ તે છોકરીજ એવી હતી. તેણે આવા કામ માટે શું કામ આવવુ જોઇએ. તમે જ કહો કોઇ સારા ઘરની છોકરી આવા કામ માટે આવે? બાકી મે કોઇ દિવસ કોઇ શરીફ છોકરી સાથે આવું કર્યું નથી.” વિલીએ એકદમ ગળગળા અવાજે સામેના માણસને સમજાવતાં કહ્યું.

“એવું? તે કોઇ દિવસ શરીફ છોકરીને નુકસાન નથી કર્યું એમ?” આટલું બોલી પેલો માણસ થોડો રોકાયો અને પછી બોલ્યો. “ પ્રિયા યાદ છે તને?”

આ સાંભળી વિલી ધ્રુજી ગયો પણ તરતજ તેણે કહ્યું “કોણ પ્રિયા?”

“કોણ પ્રિયા એવું? જેના પૈસા પર તું મુંબઇમાં રહેતો હતો જેના રુમમાં તું રહેતો હતો તે પ્રિયાને પણ ભુલી ગયો? વિલી તું પણ મોટો હરામી છે જે છોકરીએ તારા માટે જીવ આપી દીધો તે તને યાદ પણ નથી.”

“અરે હા, યાદ આવ્યું પણ, તેનું અત્યારે શું છે? વિલીએ ગભરાતાં ગભરાતાં પુછ્યું?”

“ચાલ પેલો મોબાઇલ પાછો લઇલે. જો તેમા પ્રિયા નામની વીડિયો ક્લીપ છે તે ખોલ.” વિલીને જે ડર હતો તે સાચો પડ્યો અને તે બોલી ઉઠ્યો “નહીં મારે નથી જોવી ક્લીપ મને ખબર છે મે તેની સાથે ખૂબ અન્યાય કર્યો છે. પણ ત્યારે સાહેબને તે ખૂબ ગમી ગઇ હતી અને હું સાહેબને કોઇ પણ રીતે નારાજ કરવા નહોતો માંગતો. તે મારી મજબુરી હતી.”

આ સાંભળી સામેવાળો માણસ ગુસ્સે થઇ ગયો “મજબુરી એમ? ચાલ હું અત્યારે કહું છું કે તારી પત્ની સાથે મને સુવા દે તો હું તને જવા દઇશ.બોલ ક્યારે તુ મને સુવા દે છે?” આ સાંભળી વિલી પણ ગુસ્સે થઇ ગયો અને બોલ્યો “ઓય હરામી તારુ મોઢુ સંભાળીને વાત કર. હું સીધી રીતે વાત કરુ છું તો તું જેમ મન ફાવે તેમ બોલે છે. ચાલ હું જઉં છું. તારે જે કરવું હોય તે કર. એમ કહી વિલી ઉભો થયો ત્યાં પાછળ રહેલ ટીવી ચાલુ થયું અને તેમાં સ્ક્રીન પર કૃપાલસિંહના બેડરુમનું દૃશ્ય આવ્યું. કૃપાલસિંહ કોઇને ફોન લગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા પણ પછી ફોન ન લાગ્યો એટલે ગુસ્સે થઇ મોબાઇલ તેણે બેડ પર ફેંક્યો અને બોલ્યા “આ હરામી વીલી કેમ ફોન નથી ઉપાડતો. જો એક કલાકમાં રૂપિયા નથી આવ્યા તો તેને છોડીશ નહીં.” આ દૃશ્ય જોતાજ વિલી ઢીલો પડી ગયો અને પાછો ખુરશીમાં બેસતા બોલ્યો “આ બધુ કરવાનો શું મતલબ છે? હું સ્વીકારુ છું કે મે પ્રિયા સાથે ખોટું કર્યુ પણ મારી પાસે બીજો કોઇ વિકલ્પ નહોતો. હું કૃપાલસિંહને નારાજ કરવા નહોતો માંગતો.”

“વિલી તે માત્ર પ્રિયાનેજ નહીં એક આખા પરિવારને ખતમ કરી નાખ્યો. તને તો ખબરજ હતીને કે પ્રિયા તેના અપાહિજ પિતા અને પરિવારનું ભરણ પોષણ કરતી હતી. તે જે તેની સાથે કર્યુ તેને લીધે પ્રિયાએ આત્મહત્યા કરી લીધી અને તેનો પરિવાર પણ પાયમાલ થઇ ગયો.”

આ સાંભળી વીલીના હોંશ ઉડી ગયાં. પ્રિયા વિલીને પ્રેમ કરતી હતી પણ વિલીને તેના પ્રત્યે ખાસ કોઇ લગાવ નહોતો. કૃપાલસિંહ એક દિવસ વિલી અને પ્રિયાને સાથે જોઇ ગયો. પ્રિયાને જોઇને કૃપાલસિંહની આંખમાં ચમકારો થયો. કૃપાલસિંહે વિલીને બોલાવી પ્રિયાને બંગલે લઇ આવવા કહ્યું. આ સાંભળી વિલી ચોંકી ગયો પણ અત્યારે તેની હિંમત નહોતી કે કૃપાલસિંહને ના પાડે. તે સાંજે પ્રિયાને બહાનું બનાવી કૃપાલસિંહના બંગલા પર લઇ ગયો અને પછી ત્યાંથી છાનો માનો નીકળી ગયો. તે દિવસ પછી વિલી ક્યારેય પ્રિયાને મળ્યો નહોતો પણ આજે આ બધી વાત સાંભળીને વિલીને કૃપાલસિંહ પર ખૂબ ગુસ્સો આવ્યો અને સાથે તેને તેની જાત પર પણ ગુસ્સો આવ્યો. ત્યારે મે કૃપાલસિંહને ના પાડી દીધી હોત તો તે છોકરીની જિંદગી બચી ગઇ હોત. તે કેટલો પ્રેમ કરતી હતી મને! આ જે પહેલીવાર વિલીને પોતાના કરેલા કર્મ પર અફસોસ થતો હતો. આ અફસોસ જેવી કોઇ ચીજ અત્યાર સુધી વિલીની ડીક્ષનરીમાં હતી જ નહીં. વિલીની જાણ બહાર તેની અંદર મરી ગયેલી માનવતા સળવળી ઊઠી. પણ તે માનવતા ઉપર એટલી બધી ધુળ ચડી ગઇ હતી કે તેને આમ તરતજ જાગૃત થવા દે તેમ ન હતી. વિલીને વિચારમાં ખોવાયેલો જોઇને સામેથી પેલાએ કહ્યું “વિલી મે તને પહેલાજ કહ્યું હતું કે તારા કર્મોનો હિસાબ કરવાનો છે, અને આતો હજુ પહેલું પેજ છે.” આ સાંભળી વિલીએ કહયું “હા, તમારી વાત સાચી છે. મે ઘણાં ગુનાં કર્યા છે પણ તમે મને જવાદો નહીંતર મારા કર્મોના ફળની સજા મારા પરિવારને મળશે. પ્લીઝ.” આ સાંભળી પેલો માણસ ખડખડાટ હસી પડ્યો અને બોલ્યો “વિલી તુ કયાં મોઢે આ વાત કરે છે? તે કેટલા પરિવારને બરબાદ કર્યા છે?” આ સાંભળી વિલી બોલ્યો “જો યાર હવે આ ખોટો આરોપ છે મે કેટલા બધા લોકોની જિંદગી બગાડી છે તે કબુલ કરુ છું પણ, કોઇના પાપે તેના પરિવારને સજા નથી આપી.” આ સાંભળી સામેવાળા માણસે એકદમ આક્રોશથી કહ્યું “વિલી, જો હવે તું સાચુ નથી બોલ્યો તો તારી કાર એકજ મિનિટમાં ફુકી નાખીશ.” આ સાંભળી વિલી એકદમ ડરી ગયો અને બોલ્યો “અરે યાર એક મિનિટ મારી વાત તો સાંભળો. મને સાચેજ યાદ નથી આવતુ એવુ કશું. હું સાચેજ કહું છું કે મે કોઇના પણ પરિવારની જિંદગી બરબાદ નથી કરી.” આ સાંભળી પેલા માણસે કહ્યું “વિલી મને ખરેખર તારા પર દયા આવે છે અને સાથે ગુસ્સો પણ આવે છે. અત્યારે મને એમ થાય છે કે તારી કાર સાથેજ તને પણ ફુકી નાખવો જોઇએ. માણસે જિંદગીમાં એક પાપ કર્યુ હોય તો પણ તેનો ઓથાર માણસને જિંદગી આખી સતાવે છે અને તને તે કરેલા પાપ યાદ પણ નથી રહેતા. તું માણસ છે કે રાક્ષસ?” આ સાંભળી વિલી ચૂપ થઇ ગયો. વિલીને પેલા માણસની આ વાત સાચેજ સ્પર્શી ગઇ. તેને આજે હવે પાછળની જિંદગીનો પસ્તાવો થતો હતો. અત્યાર સુધી વિલીએ ક્યારેય ભુતકાળ વિશે વિચાર્યુજ નહોતું. હવે છેલ્લે છેલ્લે તેને ક્યારેક ભય લાગતો હતો પણ તે છતા વિલીએ ક્યારેય પોતાના ભુતકાળના પાપ વિશે વિચાર્યુ નહોતું. તેની સંવેદના ધીમે ધીમે બુઠ્ઠી થઇ ગઇ હતી. વિલીએ નાનપણથી જ અનાથ તરીકે જિંદગી જીવી હતી. વિલીને ખબર નહોતી કે તેના મા બાપ કોણ છે? જેમ તેને જિંદગીમાં ક્ડવા અનુભવ થતાં ગયાં તેમ તેમ તે આ સમાજ વ્યવસ્થાને ધીક્કારતો ગયો. તેના મનમાં સમાજ અને સામાજિક વ્યવસ્થા માટે એક ધીક્કાર જન્મતો ગયો. તેણે બાળપણથી જ મનમાં એક ગાંઠ વાળી હતી કે એક દિવસ આ સમાજ અને દુનિયાને મારી આંગળી પર નચાવીશ. આ જ લાગણી તે જ્યારે કોઇના અત્યાચાર કરતો ત્યારે તેને થતી. તે પોતાને ન મળેલા સુખ બદલ સામેવાળાને દોષી માનતો. અને પછી તે રિયા સાથે પરિચયમાં આવ્યો અને ધીમે ધીમે બંને એકબીજાને પ્રેમ કરવાં લાગ્યાં. વિલીની જિંદગીમાં છોકરીઓ તો ઘણી આવી હતી પણ રિયા પહેલી એવી છોકરી હતી જેને વિલી દિલથી પ્રેમ કરતો હતો. સામે રિયા પણ વિલીને પ્રેમ કરતી હતી. વિલી બાળપણમાં જે પ્રેમ, લાગણી અને સંભાળને તરસતો હતો તે બધુ જ તેને રિયા પાસેથી મળ્યું. આને લીધે તેની અંદર રહેલી કડવાશ ધીમે ધીમે દૂર થતી ગઇ. તે એક પ્રેમાળ પતિ અને જવાબદાર બાપ બન્યો. અને પછી તેની જિંદગીમાં સુપ્રિયા આવી ત્યારથી તો તે એકદમ બદલાઇ ગયો હતો. પણ હવે તે એવા કળણમાં ઉતરી ગયો હતો કે તેમાંથી છુટવું શક્ય નહોતું. વિલી પાસે જે માહિતી હતી તે જાહેર થાય તો રાજ્યનાં અને દેશનાં મોટા માથા કોઇને મો બતાવવા લાયક ન રહે. આ જ કારણે તે લોકો વિલીને કોઇ કાળે છોડે તેમ નહોતા. જેવો વિલી તે લોકોને છોડે એ સાથેજ વિલી અને તેના પરિવારનું નામો નિશાન મટી જાય. આ વાત વિલી સારી રીતે જાણતો હતો, એટલેજ તેને કૃપાલસિંહનો ડર હતો. વિલીને ચૂપ જોઇને સામેથી પેલો માણસ બોલ્યો “ઓકે ચાલ હું તને યાદ કરાવું. તું કામેશ ત્રિવેદીને ઓળખે છે?” આ નામ સાંભળતાજ વિલી ધ્રુજી ગયો. ભુતકાળમાં દાટી દીધેલા મડદા એકાએક જીવીત થઇ સામે આવતા હોય તેમજ ભુતકાળની ઘટના તેની સામે આવવા લાગી. આ માણસ વિલીના ભુતકાળનાં કાળા કામોનો કાચો ચિઠો ધીમે ધીમે ખોલી રહ્યો હતો. આ કામેશ ત્રિવેદી કૃપાલસિંહનો જ એક માણસ હતો. કામેશ પણ વિલીની જેમજ કૃપાલસિંહની નજીકનો માણસ હતો પણ કોઇક કારણ સર તે કૃપાલસિંહના પૈસા લઇને ભાગી ગયો. આ જાણ થતાજ કૃપાલસિંહે વિલીને આ કામેશને શોધવાનું કામ સોપ્યું. વિલીએ ખૂબ મહેનત કરી છતાં તે હાથ ન લાગ્યો પણ, વિલીને ખબર પડી કે તેની બહેન અમદાવાદમાં રહે છે. વિલીએ આ વાત કૃપાલસિંહને કરી તો કૃપાલસિંહે જે કહયું તે સાંભળી વિલીને અત્યારે પણ ધ્રુજારી છુટી ગઇ. કૃપાલસિંહે કહ્યું “લઇ આવો તે છોકરીને તેના ભાઇના પૈસા તેની સાથે મજા કરી વસુલ કરીશું.” અને પછી તે છોકરીની જે હાલત થઇ હતી તે વિલીને અત્યારે યાદ આવતાજ તે ભાંગી પડ્યો. તેને લાગ્યું કે આવા પાપની મને જેટલી પણ સજા મળે તે ઓછી છે પણ, તરતજ તેના મને દલીલ કરી કે જે પણ સજા મળે તે મને મળવી જોઇએ પણ મારા પરિવારને શું કામ? આ પ્રશ્નની સાથેજ તેના મનમાં છુપાયેલા બીજા વિલીએ તરતજ દલીલ કરતા જવાબ આપ્યો “તે ક્યાં કોઇના પરિવારને છોડ્યો છે કે કોઇ તારા પરિવારને છોડે. આ દલીલની સામે વિલી પાસે કોઇ જવાબ નહોતો. પણ તેણે મક્કમ નિર્ધાર કરી લીધો કે મારા પરિવારને તો કોઇ કાળે નુકશાન થવા નહીં દઉં. પછી ભલે તેના માટે મારે કૃપાલસિંહ સામેજ લડવુ પડે. પણ કૃપાલસિંહ સામે લડવું સહેલુ નથી, કામેશની ઘટના યાદ આવતાજ વિલી ફરી પાછો ઢીલો પડી ગયો. વિલી અંતે નિર્ણય પર આવ્યો કે ગમે તેમ કરી આ પૈસા કૃપાલસિંહને પહોંચાડી દેવા છે અને પછી ધીમે ધીમે આ ધંધો છોડી દેવો છે. જો જરુર પડે તો દેશ છોડી દેવો છે પણ હવે આ કામ કરવું નથી. પણ આ વિચાર કરતી વખતે તેને ક્યાં ખબર હતી કે આ જે ખેલ ચાલુ થયો છે તેમાં તેની કોઇ ચાલ કે મરજી કામ આવવાની નથી. વિલીને તો એ પણ ક્યાં ખબર હતી કે આ ફોન વાત કરનારો કોણ છે? અને તેને શુ જોઇએ છે. વિલી સાથે અત્યારે ફોન પર વાત કરનાર બીજુ કોઇ નહીં પણ નિશીથ હતો. વિલી વિરમના અંડર ગ્રાઉન્ડ રુમ સુધી પહોંચ્ય્યો ત્યાં સુધી પ્રશાંત કામત ફોન પર વિલીને સુચના આપતો હતો ત્યારબાદ તેણે આ મોરચો નિશીથને સોપી દીધો. હવે અહીંથી આખો મોરચો નિશીથ સંભાળવાનો હતો. જે કાર વિલી લઇને આવ્યો હતો તે અત્યારે ભાવનગર થી પાલીતાણા તરફ દોડી રહી હતી. સુરસિંહ અને વિરમ આ કાર ચલાવી રહ્યાં હતાં. તેમાં વિલીના બંને મોબાઇલ જે જાડીમાં નાખી દીધા હતા તે પડ્યાં હતાં. સુરસિંહ અને વિરમ એકદમ શાંતિથી ગાડી ચલાવતાં હતાં. તે લોકોને કહેવામાં આવ્યુ હતુ કે પાલીતાણા સુધી કાર ક્યાંય રોકવાની નથી. તે બંનેએ પણ કોઇ પ્રશ્ન પુછ્યો નહોતો હવે આખી જે ઘટના તેની સામે બની રહી હતી તે જોયાં પછી આ બંનેને ચૂપ રહેવામાંજ પોતાની ભલાઇ લાગી હતી. આ તો હજી તેણે વિલીને જોયો નહોતો અને આ કાર વિલીની છે એ વાત તે બંને જાણતા નહોતા નહીંતર તો તે બંને ક્યારેય આ કામ માટે તૈયાર ન થયા હોત. કેમકે તે બંને વિલી અને કૃપાલસિંહની પહોંચ અને તાકાત સારી રીતે જાણતાં હતાં.

-----------------------********-------------------*********---------------------*****-----------

કૃપાલસિંહ ફોન કરી કરીને થાકયાં એટલે તેણે અમદાવાદનાં કમિશ્નર એ.પી શર્માને ફોન જોડ્યો અને વિલી આ રીતે ગાયબ થઇ ગયો છે તે વાત કરી. આ એ.પી.શર્માને કૃપાલસિંહે જ આ પોસ્ટ પર મુકાવ્યો હતો એટલે શર્મા તેના માટે ગમે તે કામ કરવા તૈયાર હતો. કમિશ્નરે કૃપાલસિંહનો ફોન મુકી તરતજ ઇંસ્પેક્ટર રુદ્રપ્રતાપસિંહ જાડેજાને બોલાવ્યો. રુદ્રપ્રતાપસિંહ જાડેજા એક એવો ઇંસ્પેક્ટર હતો કે જેનાથી અમદાવાદ શહેરના મોટા મોટા ડૉન પણ ધ્રુજતાં. રુદ્રપ્રતાપસિંહને બધા બાપુ તરીકેજ ઓળખતા. ઇંસ્પેક્ટર આવ્યાં એટલે કમિશ્નરે કહ્યું “બેસો બાપુ. એક ઇમર્જન્સી કેસ આવ્યો છે જે તમારા સિવાય કોઇથી સોલ્વ થઇ શકે એમ નથી.” કમિશ્નરને આમ પણ બધાને મસ્કા મારી કામ કઢાવી લેવાની આદત હતી. બહું વધુ થાય તોજ તે પોતાની સતાના પાવરનો ઉપયોગ કરતા બાકી તે બધા સાથે મીઠાસથીજ વાત કરતા. બાપુ તેની આ ચાલ સારી રીતે જાણતો હતો એટલે તેણે કહ્યું “બોલો, એવુ શું કામ છે?” તમે આપણા કૃપાલસિંહને તો ઓળખોજ છો.”

“કોણ? મંત્રી, કૃપાલસિંહ?” બાપુએ ઝીણી આંખ કરી પુછ્યું.

“હા, તેનોજ હમણાં ફોન હતો. તેનો એક માણસ ગાયબ થઇ ગયો છે. તેને બને તેટલી જલદી પકડી લેવાનો છે.”

બાપુ પણ જમાનાનો ખાધેલ માણસ હતો તેમાં આ કૃપાલસિંહનું નામ આવતાજ તે સતેજ થઇ ગયો અને બોલ્યો

“ખાલી એક માણસના ગાયબ થવાનો મામલો હોય તો મંત્રી ફોન કરે એવુ હું નથી માનતો.” આ સાંભળી કમિશ્નર હસ્યા અને બોલ્યાં “હવે તમે સમજોને બાપુ. મિનિસ્ટર લોગોના સતર જાતનાં લફડાં હોય છે. એ બધું આપણાથી થોડુ પુછાય છે. આપણે તો બસ તેણે કિધુ એ કામ કરી દેવાનું.”

“આ કેસ મારે ઓન રેકોર્ડ સંભાળવાનો છે કે પછી...” બાપુએ વાક્ય અધુરુ જ છોડી દીધુ.

“હવે તમે તો જાણો જ છો કે મિનિસ્ટરના મોટા ભાગનાં કામ અનઓફીસિયલીજ હોય છે.” કમિશ્નરે ખંધાઇથી કહ્યું.

“ઓકે પણ આ કૃપાલસિંહ પર મને ભરોશો નથી. તમારા કહેવા પર જ હું કેસ લઉ છું. પણ ટોટલ ઓથોરીટી હોય તોજ. બાકી ઉપરથી ઓર્ડર લેવાના હોય તો તમે આ કેસ બીજાને સોપી દો.” કમિશ્નરને બાપુનો આ ટોન ગમ્યો નહીં પણ તે જાણતા હતા કે આ કેસમાં જો ખૂબ ઝડપથી રિઝલ્ટ જોઇતું હશે તો કેસ બાપુને જ સોપવો પડશે. એટલે તેણે કહ્યું “તમારે મારા સિવાય કોઇનો ઓર્ડર લેવાનો નથી. તમે હવે ઝડપથી આગળ વધો નહીંતર પેલો માણસ દૂર નીકળી જશે.” આ સાંભળી બાપુએ કહ્યું “ઓકે પણ મને કેસની ડીટેઇલ્સ, સેલ નંબર, ગાડી નંબર, વ્યકતિનો ફોટો અને બીજી કોઇ માહિતી હોય તો તે હમણાજ મિનિસ્ટરને કહો ફેક્સ કરે.” આટલું બોલી બાપુ તેની કેબીનમાં ગયો ત્યાં પાછળજ પટાવાળો એક ફાઇલ લઇને આવ્યો. બાપુએ ફાઇલ ખોલીને ડીટેઇલ જોઇ કે તરતજ તેના મોબાઇલ પરથી એક નંબર ડાયલ કર્યો અને બોલ્યો “ સુભાષ હું તને બે મોબાઇલ નંબર લખાવું છું તે લખીલે અને તેને ટ્રેક કર” આટલું કહી બાપુએ વિલીના મોબાઇલ નંબર લખાવ્યાં અને ફોન કટ કર્યો. બાપુ ફરીથી ફાઇલમાં વાંચવા લાગ્યા. હજુ તો બેજ મિનિટ થઇ ત્યાં તેના સેલમાં ફોન આવ્યો સામે સુભાસ જ હતો તેણે કહ્યું “બાપુ આ બંને નંબર એક જ લોકેશન બતાવે છે અને આ સેલ ભાવનગરથી પાલીતાણા હાઇવે પર પાલીતાણા તરફ આગળ વધી રહ્યા છે. આ સાંભળી બાપુ એ તરતજ પાલીતાણાનાં પી.આઇને ફોન લગાવ્યો.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM