VISHAD YOG- CHAPTER- 6 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ- પ્રકરણ - 6

વિષાદયોગ-6

‌‌___________________________________________________________________‌‌‌‌‌‌

પ્રસ્તાવના:-

જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદું બની રહી જાય છે. જિંદગી ક્યારેક રંગમંચ કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતિ સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઉંચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવી જ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમાં સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવું થ્રીલ પણ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ.

‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________

કશિશે બધી વાત કરી પછી નિશિથને કહ્યું “આ ઘટના મારા મગજ પર એટલી હદે અસર કરી ગઇ છે કે ત્યારથી હું બધાજ પૈસાદાર છોકરાને નફરત કરવા લાગી છું. હું કોઇ પણ પૈસાદાર છોકરાને જોઉં એટલે મને તેમાં પેલો ધ્રુવ પટેલજ દેખાય છે, પણ પહેલીવાર એક તને જોઇને મને નફરત ના થઇ. તને પહેલીવાર જોયો અને મારી આ માન્યતામાં ફેરફાર થવા લાગ્યો, પણ એથી તો હું વધુ સાવચેત થઇ ગઇ કે આ મને શું થઇ રહ્યું છે. આવું ન થવું જોઇએ. મારા મગજ અને હ્રદય વચ્ચે જંગ છેડાઇ ગઇ. મગજ મને સતત તારાથી દૂર રહેવા માટે ચેતવણી આપતું રહ્યું, જ્યારે હ્રદય કહેતું હતુ કે આ છોકરો કંઇક અલગ છે. આ છોકરો બીજા બધા પૈસાવાળા છોકરા જેવો નથી. અને પછી તો પેલો અકસ્માત થયો અને મગજ પર હ્રદયનો વિજય થયો. આ છતા પણ મારા મગજમાંથી પેલી ઘટના જતીજ નથી. હું જેમ જેમ તારા તરફ ખેંચાઉ છું તેમ તેમ મારું મન મને તારાથી દૂર રહેવા માટે સતર્ક કરે છે. આ કસમકસમાં હું અટવાઇ છું. તું જ કહે હવે આમાં હું તને શું જવાબ આપું.”

આટલુ બોલી કશિશ થોડીવાર રોકાઇને આગળ બોલી “મને ખબર છે કે તું બધા જેવો નથી. મને એ પણ ખબર છે કે તું મને સાચા દિલથી પ્રેમ કરે છે. પણ જ્યાં સુધી હું આ ગડમથલમાંથી બહાર નહીં નીકળું ત્યાં સુધી હું તને દિલથી કેમ ચાહી શકીશ? તારા દરેક પગલાને હું શંકાની નજરથી જોઇશ. મને ખબર છે કે આ બધુ કહી હું તને દૂઃખ પહોંચાડી રહી છું. પણ તુ મારી મજબૂરી સમજશે તો તને દૂઃખ નહીં થાય.”
નિશિથ આ સાંભળી થોડું વિચારી પછી બોલ્યો “ ઓકે, હું તારી લાગણી સમજુ છું પણ હું મારી પ્રપોઝલ તો પાછી લઇશજ નહીં. તે તો હંમેશા તારી સામે હશે. તને જ્યારે પણ લાગણી થાય તું સ્વીકારી લે જે. તું સામેથી મારી પાસે આવે ત્યાં સુધી હું રાહ જોઇશ. પણ તારે કોઇ પણ જાતના દબાણમાં આવીને સ્વિકારવાની જરૂર નથી. તું મારી આ પ્રપોઝલ સ્વીકારે કે ન સ્વીકારે આપણે સારા મિત્રો તો રહીશું જ.” ત્યારબાદ નિશિથ થોડું રોકાઇને બોલ્યો “ આ વાત તું હમણા ગૃપમાં કોઇને કહેતી નહીં. નહીંતર બધા તને સમજાવવાનો પ્રયત્ન કરશે. હું નથી ઇચ્છતો કે તું કોઇ પણ જાતના દબાવથી મારી સાથે સંબંધ રાખે.” આ સાંભળી કશિશ વિચારવા લાગી આ છોકરો પણ જબરો છે. મે તેની પ્રપોઝલ રીઝેક્ટ કરી તો પણ તે મારા માટે કેટલું વિચારે છે.

“તો તે લોકો તારા પર પ્રપોઝ કરવા માટે પ્રેસર કરશે.” કશિશે કહ્યું.

“ તું એ ચિંતા છોડી દે, તે લોકો તો આમપણ મને ડરપોક સમજે છે. થોડો વધુ ડરપોક સમજશે બીજું શું? એક વાત તું યાદ રાખજે કે આપણે સારા મિત્રો છીએ અને મિત્રો એકબીજાથી કોઇ વાત છુપાવતા નથી. તારો કોઇ પણ પ્રોબ્લેમ તું મારાથી છુપાવીશ નહીં.” આ સાંભળી કશિશે આખોથી જ સંમતિ આપી. ત્યારબાદ બંને ત્યાંથી નીકળી ગયા.

---------------------------------------------------------------------------------------------

આ ઘટના બાદ કશિશ અને નિશિથ ઘણાં નજીક આવી ગયા. તે બંને હવે એકબીજા સાથે વધુ સમય પસાર કરવા લાગ્યા. ગૃપમાં હોય ત્યારે પણ તે બંને સાથે જ હોય. તે બંનેની નજદીકી જોઇને નૈના, સમીર અને પ્રશાંત નિશિથને પ્રપોઝ કરવા માટે પ્રેસર કરતા પણ નિશિથ કોઇને કોઇ બહાનું બનાવી તે લોકોને સમજાવી દેતો. આમને આમ ચાલતું હતું ત્યાં એક દિવસ બધા કૉલેજ છૂટ્યા પછી કેમ્પસમાં ઊભા હતાં ત્યાં કશિશે કહ્યું “ ચાલો મિત્રો હવે હું ત્રણ દિવસ પછી મળીશ.” આ સાંભળી બધાજ એકી સાથે બોલી ઊઠ્યા “કેમ?”

“મારી દીદી આવેલી છે અને કાલે જીજાજી પણ આવશે. અમે બધા સોમનાથ અને ગીરમાં ફરવા જવાના છીએ.” કશિસે કારણ જણાવતાં કહ્યું.

“પણ આમ અચાનકજ કઇ રીતે નક્કી થયું?” નિશિથે પુછ્યું.

“ જીજાજી પોલીસમાં છે અને તને તો ખબર છે કે, પોલીસની નોકરીમાં રજા માંડ મળે છે. આ વખતે જીજાજીની ચાર દિવસની રજા મંજુર થઇ ગઇ છે એટલે એ લોકોએજ પ્લાન બનાવ્યો છે. મે તો ના પાડી પણ દીદીએ ખૂબ જ આગ્રહ કર્યો એટલે જવું પડશે.” કશિસે નિશિથને કહ્યું અને આંખથીજ મંજૂરી માગી. પણ આ ચાર દિવસ કશિસ વગર કાઢવાના નિશિથ માટે અઘરા હતા. નિશિથના ચહેરા પર ઉદાસી છવાઇ ગઇ. કોઇ કાંઇ બોલ્યું નહીં પણ બધાનેજ ખબર હતી કે હવે કશિસ અને નિશિથ વાત કરવા રોકાશે એટલે બધા એક પછી એક ત્યાંથી નીકળી ગયા. બધા ગયા એટલે નિશિથે કહ્યું “ તું મને આમ અચાનક આજે કહે છે કે તું ચાર દિવસ નથી.”

“અરે પણ આજે નક્કી થયું તો તને આજેજ કહું ને. ખરેખર તો મારે જવુ નહોતુ પણ દીદી અને જીજાજીના આગ્રહને લીધે જવું પડે છે.” કશિસે નિશિથને સમજાવતાં કહ્યું

“ ઓકે સારુ તો જઇ આવ બીજું શું? આમ” નિશિથના આ વાક્યથી બંને વચ્ચે ખામોશી છવાઇ ગઇ. થોડીવાર બાદ બંને ત્યાંથી છુટા પડ્યાં.

સંબંધની એક ખાસીયત હોય છે કે જ્યાં સુધી તેને નામ નથી આપતા ત્યાં સુધી તે કોઇ બંધન નથી આપતો પણ સાથે કોઇ અધિકાર પણ નથી આપતો. સંબંધમાં એક વ્યક્તિનો અધીકાર એ બીજી વ્યક્તિ માટે બંધન હોઇ શકે. જ્યાં સુધી ફરજ નથી ત્યાં સુધી અધિકાર પણ નથી. તમે જેવા સંબંધને નામ આપો છો એ સાથેજ બંધારણની જેમ ફરજો અને હકો લાગું પડે છે. સંબંધ જેમ આગળ વધતો જાય છે તેમ વ્યક્તિની સ્વતંત્રતા ઘટતી જાય છે. કોઇ પણ સંબંધ બંને સ્વતંત્ર રહીને બાંધી સકાતો નથી. સંબંધ ત્યારે જ જોડાઇ શકે જો બંને થોડી સ્વતંત્રતા જતી કરવા તૈયાર હોય. સૌથી વધુ સ્વતંત્રતા મિત્રતામાં રહેલી છે પણ જ્યારે મિત્રતા એક છોકરા અને છોકરીની હોય ત્યારે તે મિત્રતા ક્યારે પ્રેમમાં ફેરવાઇ જાય છે તે ખબર પડતી નથી. નિશિથ અને કશિશ પણ સંબંધના આજ મુકામ પર હતા જ્યાં હજુ સુધી કોઇ હક નહોતો અને ફરજ પણ નહોતી.

નિશિથ ઘરે પહોંચી ફ્રેસ થઇ બેઠો હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી. નિશિથે ફોન ઉચક્યો તો સામે કશિશ હતી તેણે કહ્યું “તું ક્રીસ્ટલ મોલ આવી જા. હું અને દીદી ત્યાં આવીએ છીએ. દીદી તને મળવા માગે છે.”

“ઓહો, સાયદ મેરી સાદીકા ખયાલ દિલમે આયા હૈ. ઇસીલીયે દીદીને તેરી મુજે ક્રીસ્ટલ મોલપે બુલાયા હૈ.” નિશિથે મજાક કરતા ફોન પર ગીત ગાયું.

“ઓય સ્ટોપ ઇટ. હજુ મારા એટલા ખરાબ દિવસો શરુ નથી થયા કે તારી સાથે સાદી કરવી પડે. અને હવે ફોન મૂક અને જલદી પહોંચ.”

“ ઓકે, હું 10 મિનિટમાં ત્યાં પહોંચુ છું” એમ કહી કિશને ફોન કટ કરી નાખ્યો.

નિશિથ કપડા બદલી તેના ચેતક પર ક્રીસ્ટલ મોલ જવા નીકળ્યો. ક્રિસ્ટલ મોલ નિશિથની કૉલેજની સામે આવેલો હતો. નિથિથે ક્રિસ્ટલ મોલ પહોંચી બાઇક પાર્ક કરીને જોયું તો કશિશ અને તેની દીદી ગેટ પાસે ઊભીને તેની રાહ જોઇ રહ્યા હતા. નિશિથ તેની પાસે પહોંચ્યો અને હાય કર્યુ એટલે કશિસે કહ્યું “નિશિથ આ મારી દીદી છે દિશા.” નિશિથે દિશા સાથે હાથ મિલાવ્યા.

“અરે વાહ તું તો મે સાંભળેલુ તેના કરતા પણ વધારે સ્માર્ટ અને હેન્ડસમ છો. મને લાગે છે તારા વખાણ કરવામાં અમુક માણસો એ કંજુસાઇ કરેલી છે.” દિશાએ મજાક કરતા કહ્યું

“ શું દીદી તું સીધીજ મજાક પર ઉતરી ગઇ. જો નિશિથ મારી આ દીદીને મજાક કરવાની આદત છે એટલે તે કહે તે કાંઇ સીરીયસલી નહીં લેતો.” કશિશે નિશિથ કોઇ ઉલટો અર્થ ના લઇલે એ માટે ચોખવટ કરતા કહ્યું.

“ ના પણ દિશા દીદી તમારી એ વાત તો સાચીજ છે કે અમુક માણસોને સારી વસ્તુ કે વ્યક્તિની કદરજ નથી હોતી. અમુક માણસોનો ટેસ્ટ જ એટલો બકવાસ હોય છે ને કે સારા માણસોને તે જોઇજ નથી શકતી.” નિશિથે પણ મજાક ચાલુ રાખતા કહ્યું.

“ બસ હવે આ દીદીની વાતો થી બહું હવામાં ઉડવાની જરૂર નથી. એને તો આદતજ છે બધાને ખોટા મસ્કા મારવાની. અને હવે અંદર જવું છે કે અહીંજ ઊભા રહેવાનું છે.” એમ કહી કશિશ મોલની અંદર દાખલ થઇ તેની પાછળ નિશિથ અને દિશા પણ મોલમાં દાખલ થયા. ક્રિસ્ટલ મોલમાં ત્રણેય એક પછી એક દુકાનમાં ફરવા લાગ્યા. એકાદ કલાક પછી નિશિથે કંટાળીને કહ્યું “આ તમને છોકરીઓને શોપીંગનો આટલો બધો નશો કેમ હોય છે કે ભૂખ પણ નથી લાગતી? મને તો હવે ભૂખ લાગી છે ચાલો ત્રિજા માળ પર ફૂડ કોર્ટમાં જઇને કંઇક ખાઇએ.” આ સાંભળીને બંને બહેનો હસી પડી. ત્યારબાદ ત્રણેય એસ્કેલેટર પરથી ત્રીજા માળે ગયા. ત્રણેય જઇને બેઠા એટલે નિશિથે કહ્યું “મારે તો કૉફી અને સેન્ડવિચ ચાલશે. બોલો તમે શું લેશો?”

“ અમારા માટે પણ એજ મંગાવી લે.” કશિશે કહ્યું. એટલે નિશિથે કાઉન્ટર પર જઇને ઓર્ડર આપ્યો. થોડીવારમાં નાસ્તો આવી જતા ત્રણેય નાસ્તો કરતા કરતા વાતો કરવા લાગ્યા.

“ નિશિથ, તું ખરેખર ખુબ સારો છોકરો છે. મને મમ્મી પપ્પા અને કશિસે બધી વાત કરી છે. તે કશિશને મદદ કરી તે માટે તારો ખૂબ આભાર.”

“ જો અંકલ આંટી અને કશિશે મારો આભાર માની લીધો છે. જો હવે તું પણ તેજ વાત ચાલુ કરવાની હોય તો હું હવે જાઉં.” નિશિથે હસતા હસતા કહ્યું અને પછી આગળ બોલ્યો “ એક મિત્ર બીજા મિત્રની મદદ કરે તેમા કોઇ અહેસાન નથી હોતું.”
તે વાત કરતા હતા ત્યાં કશિશે કહ્યું “હું હમણા આવુ છું” એમ કહીને જતી રહી.

કશિશના જતાજ દિશાએ કહ્યું “ જો નિશિથ હું અને કશિશ બધીજ વાતો એકબીજાને કહીએ છીએ. તેણે મને તારી બધીજ વાત કહી હતી. મારે તને એટલા માટેજ મળવું હતુ. એક વાત તને કહું તે ખરેખર મને ઇમ્પ્રેસ કરી છે.”

“પણ હું કશિશને ઇમ્પ્રેસ નથી કરી શકતો તેનું શું?” નિશિથે થોડી ખિન્નતાથી કહ્યું.

“ જો તને તો ખબર છે કે ભૂતકાળમાં તેની સાથે કેવી ઘટના બની છે, જેને લીધે તે કોઇ પણ સંબંધ બાંધવાથી ડરે છે. જો મને કશિશે કંઇ કહ્યું નથી પણ હું તેને સારી રીતે ઓળખુ છું અને તેના દિલમાં તારા માટે એજ લાગણી છે, જે તારા દિલમાં કશિશ માટે છે. પણ તે આ વાતને બહાર લાવતા ગભરાય છે. તું તેને થોડો સમય આપ. અને હું તો કહું છું કે તુ તેનો પીછો છોડતોજ નહીં” દિશાએ નિશિથને સમજાવતા કહ્યું.

“ હું તો તેની આખી જિંદગી રાહ જોવા તૈયાર છું.” નિશિથે કહ્યું. દિશાને નિશિથની આંખમા કશિશ માટેનો પ્રેમ દેખાયો અને તેનાથી બોલાઇ ગયું “ કશિશ ખરેખર નસીબદાર છે કે તેને તારા જેવો પ્રેમ કરવાવાળો યુવાન મળ્યો છે. જો મારો તને પુરો સપોર્ટ છે. તારે કોઇ પણ જરૂર હોય તો મને કહેજે. પણ ગમે તેમ કરીને તારે કશિશને પટાવવાનીજ છે” કશિશને સામેથી આવતી જોઇને બંને ચુપ થઇ ગયા. કશિશ આવીને બેઠી એટલે દિશાએ કહ્યું “ નિશિથ તું સાવ લબાડ છે તને જોઇએ એટલી છોકરી મળી જાય એમ છે અને તું આ કશિશ જેવી મુરજાયેલી છોકરી પાછળ પડ્યો છે.”

“જો દીદી હવે તું પાછી એકેનેએક વાત ચાલુ ના કરતી આ વાત આપણે બહું ડીસ્કસ કરી લીધી છે. ચાલ આપણે હવે જઇએ.” એમ કહી કશિશ ઊભી થઇ એટલે નિશિથે બિલ ચુકવી દીધુ અને ત્રણેય બહાર નીકળ્યાં. ચાલતા-ચાલતા દિશાએ ફરીથી કહ્યું “મારા મેરેજ થઇ ગયા બાકી મે તો તને ક્યારનીય હા પાડી દીધી હોત.” આ સાંભળીને નિશિથ હસી પડ્યો. “ જો પેલા હવાલદારને ખબર પડશે તો તારી સાથે આ નિશિથનો પણ વારો નીકળી જશે.” કશિશે દિશાને ચાલતા ચાલતા કહ્યું.

“ઓય તે હવાલદાર નથી, પી.એસ.આઇ છે. પોલીશ ઇંસ્પેક્ટર શું?” દિશાએ તેના પતિ વિશેની કશિશની મજાકનો જવાબ આપતા કહ્યું. ત્યારબાદ ત્રણેય છુટા પડ્યા.

ત્યારબાદ બીજા દિવસે કશિશ તેની દીદી અને જીજાજી સાથે ફરવા જતી રહી.એટલે નિશિથને પણ કૉલેજમાં રસ પડતો નહોતો. બીજા દિવસે નિશિથ કૉલેજ ગયો ત્યારે નૈના, પ્રશાંત અને સમીર ત્રણેય પાર્કિંગમાં વાતો કરતા ઊભા હતા. નિશિથે જઇને કહ્યું “ હાય શું ચાલે છે?”

“અમારે તો એવુજ ચાલે છે પણ તારે જલસા છે. કાલે એકસાથે બે છોકરીઓને ફેરવતો હતો ભાઇ.” પ્રશાંતે મજાક કરતા કહ્યું.

“ પણ હવે તો આ ભાઇ એકલો થઇ ગયો. પેલી તો જતી રહી ત્રણ દિવસ માટે ફરવા.” નૈનાએ પણ નિશિથની ટાંગ ખેંચતા કહ્યું.

“ હા યાર, તારી વાત સાચી છે. કશિશ વિના કૉલેજની મજા તો નથીજ આવતી.” નિશિથે ગંભીર થઇ કહ્યું.

“ એલા તને કેટલીવાર કહ્યું કે પેલી વાત મને કશિશને કહેવા દે પણ તુંજ નથી માનતો. મને તો એજ નથી સમજાતુ કે તે વાત તારી ફેવરમાં હોવા છતાં તું તેનાથી શું કામ છુંપાવે છે.” નૈનાએ નિશિથને કહ્યું

“ જો નૈના મારે કશિશને કોઇ જાતનો દેખાડો કરી ને ઇમ્પ્રેસ નથી કરવી. હું જેવો છું તેવોજ તે મને સ્વિકારે તેવુ હું ઇચ્છુ છું. જો તે મને આજ રીતે સ્વિકારશે તોજ તેને અમારા સંબંધની કદર થશે. ” નિશિથે સમજાવતા કહ્યું. અને પછી ત્યાંથી નીકળી ગયો.

“આ તમારો મિત્ર ખોટા યુગમાં પેદા થઇ ગયો છે. અત્યારે તો છોકરીને પટાવવા બધા ના હોય તેવુ બતાવે છે. જ્યારે આને જે સાચું છે તે પણ છુપાવવું છે.” નૈનાએ ગુસ્સે થતા કહ્યું.

“ એ ગમે તે હોય પણ અમારો મિત્ર દિલનો સાચો છે. તે અમારા અને તારા માટે ક્યારેય ખોટું નહી થવાદે એની ગેરંટી છે. અને નૈના આ કરવા માટે પણ હિમ્મત જોઇએ. જેને પ્રેમ કરીએ છીએ તેને કોઇપણ દેખાડા વગર મેળવવાની તૈયારી કેટલામાં હોય છે?” પ્રશાંતે નિશિથનો પક્ષ લેતા કહ્યું.

“ યાર, આ કશિશ પણ કેટલી નસીબદાર છે કે તેને નિશિથ જેવો પ્રેમી મળ્યો, પણ સાલીને આની કદર નથી. આતો નિશિથ મને રોકી રાખે છે બાકી મે તો કશિશને ખખડાવીને બધુજ કહી દીધુ હોત.” નૈનાએ કહ્યુ અને પછી લેક્ચરનો સમય થઇ જતા બધા ક્લાસ તરફ ગયા.

આમને આમ બે ત્રણ દિવસ જતા રહ્યાં.

ચોથા દિવસે નિશિથ ઉઠ્યો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી એટલે નિશિથે ફોન ઉપાડ્યો અને થોડી વાત કરી અને પછી ફોન મુકી દીધો. તે હજુ ઊભો થાય ત્યાંજ તેના મોબાઇલમાં કશિશનો ફોન આવ્યો. નિશિથે ફોન ઉચકતા કશિશે કહ્યુ “ હાય, ડિઅર હેપી બર્થ ડે.”

આ સાંભળી નિશિથ એકદમ ખુશ થઇ ગયો અને બોલ્યો “ થેંક્યુ વેરી મચ, તને યાદ છે એમ. મને તો લાગ્યું કે તને યાદ નહીં હોય.”

“અરે હોતુ હશે તારો બર્થ ડે મને યાદ ન હોય તેવું બને કોઇ દિવસ? તુ મને એટલી ખરાબ સમજે છે?” કશિશે છણકો કરતા કહ્યું.

“ સારું ચાલ એ બહાને સવારમાં તારો અવાજ સાંભળી મારી સવાર સુધરી ગઇ.”

“ પાર્ટી કયારે આપે છે એ કહે? એમ કાંઇ તને છોડીશું નહીં.”

“ હા રાત્રે આપણે બધા મળીએ અને પાર્ટી કરીએ. બોલ શું ખાવું છે?” નિશિથે કહ્યું.

“ રાતની વાત પછી પણ પહેલા કૉલેજ પર મળીએ. આપણે ત્રણેક દિવસથી મળ્યા નથી તો મને તમને બધાને મળવાનું બહું મન છે.” કશિશે ઉત્સાહમાં કહ્યું

આ સાંભળી નિશિથ થોડો અચકાયો અને પછી બોલ્યો “સોરી યાર આજે હું કૉલેજ નથી આવવાનો થોડું કામ છે. આપણે સાંજેજ મળશું. હું તને ફોન કરને કહીશ કે ક્યાં મળવું છે.”

આ સાંભળી કશિશને થોડી નવાઇ લાગી. નિશિથ હંમેશા તેને મળવા ઉત્સુક રહેતો તો આજે કેમ તે આમ કહે છે. થોડી મજાક કરતા તેણે કહ્યું “અત્યારે પેલી શિખાને મળવા જવાનો લાગે છે. એટલે બહાના બનાવે છે.”

“ના યાર દિશા બિશા કોઇ છેજ નહીં. મારે થોડું કામ છે એટલે સાંજેજ મળીશું. ઓકે?” અને પછી નિશિથે ફોન કટ કરી નાખ્યો.

ફોન મૂકી કશિશ ઘણીવાર સુધી બેઠી બેઠી વિચારતી રહી. આજે નિશિથ કેમ મારાથી કંઇક છુપાવતો હોય એવુ લાગે છે. તેના બર્થડે પર તેને મારી સાથે શું કામ નહી રહેવું હોય. આમ તો તે કહે છે કે તે મને પ્રેમ કરે છે. તો પછી તે શું કામ તેનો સ્પેશિયલ દિવસ મારી સાથે ગાળવા નથી માંગતો. આ ત્રણ દિવસ નિશિથથી જુદા રહી તેને નિશિથ પ્રત્યેની લાગણીનો અહેસાસ થયો હતો. એટલેજ તે નિશિથને મળવા માંગતી હતી પણ, નિશિથની આ વાતથી તેને થોડી નિરાશા થઇ હતી. તેને તો એમજ હતું કે તે કહેશે એટલે નિશિથ તેને મળવા દોડી આવશે પણ, નિશિથની વાત સાંભળી તેના ઉત્સાહ પર પાણી ફરી ગયું હતું. તે જેમ વિચારતી ગઇ તેમ તેને નિશિથ પર ગુસ્સો આવવા લાગ્યો. જો તે મને સાચેજ પ્રેમ કરતો હોય તો તેને મારાથી શું કામ કંઇ છુપાવવું જોઇએ. આ પૈસાદાર છોકરાનું કંઇજ નક્કી ના કહેવાય તે શુ કરે? અને પછી તેની અંદર રહેલી પેલી નફરત ફરીથી જાગી ગઇ. તેને નહોતી ખબર કે નિશિથ પણ તેના માટે એટલોજ તરસતો હતો પણ આજે તે તેને મળી શકે તેમ નહોતો. કશિશ ક્યાંય સુધી નિશિથ વિશે વિચારતી બેઠી રહી. અચાનક તેને ખ્યાલ આવ્યો કે તેને કૉલેજ જવામાં લેટ થાય છે. એટલે છેવટે હવેથી નિશિથ સાથે થોડુ અંતર રાખવાનું મનમાં નક્કી કરી તે ઊભી થઇ અને બાથરૂમમાં જતી રહી. પણ કશિશને ખબર નહોતી કે અત્યારે તે ભલે નિશિથથી દૂર રહેવાનું નક્કી કરે પણ આજે રાતેજ નિશિથની સામે તે પોતાની ભુલ અને પ્રેમનો સ્વિકાર કરવાની છે.

---------------------------------*****--------------

નિશિથને એવુ શુ કામ છે કે તેણે કશિશને ત્યારે મળવાની ના પાડી? એવું શું બનશે કે જેથી કશિશ સામેથી નિશિથ સમક્ષ પોતાના પ્રમનો સ્વિકાર કરશે? નિશિથને આવતા સપનાનું રહસ્ય શું છે? આ બધાજ પ્રશ્નોના જવાબ માટે આ નવલકથા વિષાદ યોગ વાંચતા રહો.
----------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.


HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED