વિષાદ યોગ - પ્રકરણ-3

પ્રસ્તાવના:-

જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદુ બની રહી જાય છે. જિંદગી ક્યારેક રંગમંચ કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતી સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઉચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવીજ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમા સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવુ થ્રીલ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ.

‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________

દરવાજે ટકોરા પડતા બધાની નજર દરવાજા તરફ ગઇ. દરવાજામાં નિશિથનાં મમ્મી સુનંદાબેન ઊભા હતા. તેને જોઇને બધા ઊભા થઇ ગયા.

“ થોડીવાર તમને ડીસ્ટર્બ કરવા આવી છું?” સુનંદાબહેને હસતા હસતા કહ્યું અને પછી રૂમમાં દાખલ થયા. નિશિથે તેની પાસેથી ટિફિન લઇને ટેબલ પર મૂક્યાં. સુનંદાબહેન કશિશ પાસે ગયા અને તેના માથા પર હાથ ફેરવીને બોલ્યાં. “ કેમ છે બેટા? હવે કેવું લાગે છે?”

“ હવે ઘણું સારું લાગે છે? તમને ખોટી તકલીફ આપી આજે.” કશિશે કહ્યું.

“અરે ના એમા તકલીફ શું? નિશિથ માટે બનાવું તેમાં થોડું વધારે બનાવી નાખ્યું.”

“થેંક્યુ આંટી.”

“ અને આજે રાતે તું અમારા ઘરેજ આવી જા. કાલે તારા મમ્મી પપ્પા આવે પછીજ ઘરે જજો.”

“ના આંટી તેની કોઇ જરૂર નથી. આ નૈના અને હું બંને મારા ઘરે રહીશું, ત્યાં કાલે તો મમ્મી- પપ્પા આવી જશે.”  કશિશે કહ્યું.

“ઓકે પણ સાંજે હું તમારા માટે ટિફિન મોકલી આપીશ એટલે બીજી કોઇ માથાકૂટ કરતા નહીં.” સુનંદાબહેને કહ્યું

“ના આંટી અત્યારે તો તમને હેરાન કર્યા છે, પણ રાત્રે તો અમે કંઇક બનાવી લઇશું.” નૈનાએ કહ્યું

“ના, એમાં શું હેરાન થાય. મે કહ્યું તે ફાઇનલ. હવે તમે જમીલો હું જઉં છું.” એમ કહી સુનંદાબેન જતા રહ્યા. નિશિથ પણ સુનંદાબેન સાથે બહાર નીકળ્યો અને બોલ્યો “ચાલ મમ્મી હું તને ઘરે મૂકી જાવ.”  આ સાંભળી સુનંદાબેન ઊભા રહી ગયા અને બોલ્યા “ના તું અહીંજ રહે. હું સ્કુટી લઇને આવી છું.” પછી નિશિથની પાસે આવીને ધીમેથી બોલ્યા “છોકરી સરસ છે. તું કહે તો તે સારી થઇ જાય પછી તેના પપ્પાને વાત કરું.”

“શું મમ્મી તું પણ આજે પપ્પા જેવી વાત કરે છે?” નિશિથે હસતા હસતા કહ્યું.

“હવે દિકરા મારા, તું એ ભૂલે છે કે હું તારી મમ્મી છું. તમારા બંનેની આંખો ઘણું બધું કહી જાય છે. તમે બંને ગમે તેટલું છુપાવવાની કોશિશ કરો પણ આંખો તો સાચું કહીજ દે છે.” સુનંદાબેને હસતા હસતા કહ્યું “એવું કંઇ અત્યારે તો નથી અને પછી થશે તો હું તને કહીશ. આમ પણ હું ક્યાં તારાથી કંઇ છુપાવુ છું.”

“એ તો તું ધારે તો પણ તારી આ આંખો મારાથી કંઇ છુપાવી શકે એમ નથી દિકરા મારા.” આટલુ કહી સુનંદાબેન જતા રહ્યાં. નિશિથ તેને જતા જોઇ રહ્યો “શું મમ્મી કહે છે તે સાચું હશે? શું કશિશ પણ મને પસંદ કરતી હશે? પણ અત્યાર સુધી મને તો ક્યારેય એવું કંઇ લાગ્યું નથી. મમ્મીની વાત ક્યારેય ખોટી હોતી નથી તો શું હું જ કશિશની લાગણી સમજવામાં કાચો પડું છું?” આમનેઆમ વિચાર કરતો તે રૂમમાં ગયો. તેને જોઇને પ્રશાંતે ટિફિન ખોલતા બોલ્યો “ચાલ જલદીથી બેસ ભાઇ, બહું ભૂખ લાગી છે.”

પછી બધા મિત્રો વાતો કરતા કરતા જમવા લાગ્યા. જમી લીધા પછી નિશિથ ડૉ.વ્યાસ પાસે ગયો અને ડિસ્ચાર્જ આપવા કહ્યું તો ડૉ. વ્યાસે કહ્યું “ એલા, તું એવો પહેલો જુવાનીયો છે જે આટલી સરસ છોકરી સાથે હોવા છતા ડીસ્ચાર્જની ઉતાવળ કરે છે. તારામાં તારા બાપના એક પણ લક્ષણ નથી. ” ડૉ.વ્યાસે હસતા હસતા કહ્યું.

“અરે અંકલ તમે આવું નહી બોલો કશિશ સાંભળી જશે તો તેને એમ થશે કે હું તેના વિશે આવુજ વિચારુ છું” નિશિથે કહ્યું.

“તો તેમા તને શું વાંધો છે. છોકરી તો બહું સરસ છે. અને તારો બાપ તો કંઇ ના પાડે તેમ નથી. એ સાલો ના પાડે તો મને કહેજે. એણે કૉલેજમાં જે ધંધા કર્યા છે તેના બધા જ સિક્રેટ મારી પાસે છે. હું તેને મનાવી લઇશ.” બોલી ડૉ.વ્યાસ જોરથી હસી પડ્યા.આ સાંભળી નિશિથ ચીડથી બોલ્યો “ આજે તમને બધાને શું થઇ ગયું છે? મમ્મી પણ હમણાં આવીજ વાત કરીને ગઇ છે.”

“ દિકરા, અમે બધાએ આ વાળ એમને એમ ધોળા નથી કર્યા. તમારું મોઢું જોઇને અમને ખબર પડી જાય કે આ ભાઇ ક્યાં અટવાયા છે? દિકરા, છોકરી સારી છે આગળ વિચારજે.” એમ કહી ડૉ.વ્યાસ ડીસ્ચાર્જની પ્રોસેસ કરવા લાગ્યાં.

“ એવું તો મે શું કર્યુ કે જેથી મમ્મીને અને અંકલને બંનેને એવું લાગ્યું કે હું કશિશને પસંદ કરું છું? આમ પણ આ બધા સાચાજ છે ને, હું ક્યા સુધી મારી જાતને છેતરી શકીશ? આ બધાજ જે કહે તેજ સાચું છે કે મને કશિશ ગમે છે અને તે મારે સ્વીકારવુંજ પડશે. પણ આ બધા સાચા હોય તો કશિશ પણ મને પસંદ કરે છે, પણ મને તો તેના તરફથી એવો કોઇ સંકેત મળ્યો નથી કે પછી હું જ ડફોળ છું કે તેના સંકેત સમજી શકતો નથી.” ડૉક્ટરે ફાઇલ તેના તરફ લંબાવી એટલે નિશિથ  વિચારમાંથી બહાર આવી ગયો.

“લે આ દવા લઇલે અને એક અઠવાડિયું આરામ કરશે એટલે પાછો બાઇક પર બેસાડી શકીશ તેવી થઇ જશે.” ડૉ.વ્યાસે મજાક કરતા કહ્યું.

“ અંકલ તમારી ફી કેટલી થઇ?” નિશિથે કહ્યું.

“એ હું તારા બાપ પાસેથી લઇ લઇશ. અને આમ પણ અમારે બંનેને દિકરી નથી એટલે એકાદ છોકરીની ફી અમે ભોગવીએ તો કંઇક સારું કામ કર્યુ હોય એવું લાગે.”

ત્યારબાદ નિશિથ ડૉ.વ્યાસનો આભાર માની ત્યાંથી નીકળી કશિશના રૂમ તરફ ગયો.

--------------------***************---------------------------**************‌‌‌‌‌‌‌‌‌‌‌--------------------------

“એલા નિશિથ, આંટીએ ઊંધિયું તો બહું મસ્ત બનાવ્યું છે.” નૈનાએ જમતા-જમતાં કહ્યું

“હા, મમ્મીનાં હાથનું ઊંધિયું અને બાજરાનો રોટલો મારી ફેવરીટ ડીશ છે.” નિશિથે પણ ઊંધીયુ ખાતા-ખાતા કહ્યું.

“હા યાર, હમણાં ઘણાં સમયથી આંન્ટીના હાથનું ઊંધિયું નહોતું ખાધુ. મજા પડી ગઇ.” પ્રશાંતે પણ જમતા-જમતા વખાણ કર્યા.

સાંજે નૈના સમીર, પ્રશાંત કશિશ અને નિશિથ સુનંદાબેને બનાવેલું ટિફિન કશિશને ઘરે જમતાં હતાં અને વાતો કરતાં હતાં.

વચ્ચે વચ્ચે નિશિથ અને કશિશની આંખો મળતી અને બંને હસીને મોં ફેરવી લેતા. ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવી રહ્યા હતા પણ, હજુ બંને વચ્ચે એક દીવાલ હતી. બંને જાણતા હતા કે તેમને એકબીજા માટે લાગણી છે પણ તે કયાં પ્રકારની છે? તે નહોતા જાણતાં. જમી લીધા પછી નિશિથે કશિશને કહ્યું “તને દુખે છે? તો પેઇન કિલર આપી છે તે લઇલે.”

“હા થોડું દુઃખે છે.”

નિશિથે કશિશને પેઇન કિલર આપી અને પાણી આપ્યું. આ જોઇ પ્રશાંતે મજાક કરતા કહ્યું “કશિશ તને રાત્રે દુઃખાવો તો તું નિશિથને ફોન કરજે તે આવીને તને દવા પિવડાવી જશે.”

આ સાંભળી બધા હસી પડ્યા.

“હવે દોઢડાહ્યો નહીં થા અને ચાલ.” એમ કહી નિશિથે પ્રશાંતનો હાથ પકડી દરવાજા તરફ લઇ ગયો.

“ થેંક્યુ નિશિથ, પ્રશાંત, સમીર.” કશિશનું પાછળથી આ વાક્ય સાંભળતાં ત્રણેય રોકાઇ ગયાં.

“આ બધુ થેંક્યુ તારે નિશિથનેજ કહેવાનુ છે. અમે તો તેના ફરમાનથીજ હાજર થયા છીએ” સમીરે બોલતા-બોલતા નિશિથ સામે જોયું એટલે નિશિથે કહ્યું.

“ અરે કોઇને પણ થેંક્યુ કહેવાની જરૂર નથી. ખરા સમયે જે મદદ કરે તેનેજ સાચા મિત્રો કહેવાય? એમા કઇ આભાર ન માનવાનો હોય.”

આ કહેતી વખતે નિશિથ કશિશની આંખમાં જોઇ રહ્યો. બંનેની આંખ મળી અને તારામૈત્રક રચાયું. આ વખતે બંનેને એકબીજાની આંખમાં કંઇક અલગજ લાગણી દેખાઇ. આ જોઇ સમીરે કહ્યું “ નિશિથ તારે દવા પીવડાવવા માટે અહીંજ રોકાવુ હોય તો અમે જઇએ હવે.” આ સાંભળી બધા હસી પડ્યા અને પછી ત્રણેય મિત્રો ત્યાંથી નીકળી ગયાં.

 ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-----------------------*****************---------------------*****************-----

“હવે તો તને ઘણું સારું થઇ ગયું લાગે છે. હવે પગમાં દુ:ખાવો થાય છે?” નિશિથે કશિશના ચહેરા પર તાજગી જોઇને કહ્યું.

“હા આમતો સારું છે પણ, હજુ ચાલવામાં દુઃખે છે.” કશિશે કહ્યું

બીજા દિવસે કશિશના મમ્મી પપ્પા આવી ગયા હતા. નિશિથ કૉલેજથી છુટીને કશિશને મળવા તેના ઘરે ગયો હતો અને કશિશ પાસે બેસી વાત કરી રહ્યો હતો.

“તો તો તું એકાદ અઠવાડિયા પછી કૉલેજ આવી શકીશ.” નિશિથે ખુશ થતા કહ્યું.

“ હા, મને પણ એવુંજ લાગે છે. અને આમપણ ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે.”

બંને વાતો કરતા હતા ત્યાં કશિશના મમ્મી ચા નાસ્તો લઇને આવ્યા. એ જોઇને નિશિથે કહ્યું

“અરે આન્ટી આ બધું શું કામ કર્યુ? હું તો નાસ્તો કરીનેજ આવ્યો છું.”

“ અરે દિકરા, તે તો કશિશ માટે કેટલું બધું કર્યુ છે. તું ન હોત તો કશિશ એકલી શું કરી શકી હોત?”કશિશના મમ્મીએ કહ્યું.

“ આન્ટી, કશિશ મારી મિત્ર છે એટલે તેમાં મે કંઇ ઉપકાર નથી કર્યો.” નિશિથે નાસ્તાની પ્લેટ લેતા કહ્યું. “એતો દિકરા તુ સારો માણસ છે. બાકી અત્યારે મિત્રો પણ બહાના બનાવી છટકી જાય છે. સારું તમે વાતો કરો. હું થોડું કામ પતાવી લઉં.” એમ કહી કશિશના મમ્મી જતા રહ્યાં.

કશિશના પપ્પા કિશોરભાઇ દેસાઇ બેંક ઓફ બરોડામાં જોબ કરતા હતા.કશિશના મમ્મી બિનાબેન ગૃહિણી હતા. બિનાબેન અને કિશોરભાઇને બે સંતાન હતા જેમા બંને દીકરી હતી. મોટી દીકરી દિશા અને નાની કશિશ. મોટી દીકરી અમદાવાદ સાસરે હતી.

શિશે નિશિથને પોતાના પરીવાર વિશે વાત કરી અને પછી નિશિથે પણ તેને પોતાના પરીવારનો પરીચય આપ્યો.નિશિથે તેના પપ્પાન બિજનેશની કોઇ વાત ન કરી એટલે કશિશે કહ્યુ

“તારા પપ્પા તો મોટા બિજનેસમેન છે.તે તેના વિશે તો કોઇ વાત જ ના કરી.”

“હા એ તો છે પણ પપ્પાના પૈસાનો પાવર કરવાની મને આદત નથી. મારી પોતાની ઓળખાણમાં પપ્પાનો બિજનેશ ના આવે.તે તો પપ્પાની મહેનતનું ફળ છે. હું જ્યારે મારી રીતે કંઇ કરીશ ત્યારે તે મારી ઓળખાણનો ભાગ બનશે.” નિશિથે નાસ્તો પુરો કરી પ્લેટ મુકતા કહ્યું.

કશિશને નિશિથની આ વાત ગમી ગઇ. કશિશને વાત વાતમાં પપ્પાના પૈસાનો પાવર બતાવતા નબિરા પસંદ નહોતા. નિશિથની વાતથી કશિશને સમજાઇ ગયુ કે નિશિથ એકદમ સામાન્ય છોકરાની જેમ જ વર્તે છે અને તેના પૈસાનું તેને કોઇ અભિમાન નથી. તે બંને ક્યાય સુધી એકબિજાને જોતા બેસી રહ્યા પછી કશિશે કહ્યુ “શું કોલેજમાં શુ ચાલે છે?”

“ બસ એજ રાબેતા મુજબ લેક્ચર ચાલે છે.હવે પ્રશાંત, સમીર અને નૈના સાથે આપણુ ગૃપ બની ગયુ છે.બધા તારી રાહ જોવે છે” નિશિથે પાણી પીતા પીતા કહ્યું.

“ હા, કાલે નૈના મળવા આવી હતી તે પણ એજ કહેતી હતી કે હવે ગૃપ મસ્ત બની ગયુ છે.” કશિશે કહ્યું.

“હા, તારા પડવાનો આ એક ફાયદો થયો.” નિશિથે હસતા હસતા કહ્યું.

“હ, એ વાત સાચી નહીતર આપણે બધા આટલી ઝડપથી મિત્રો ન બની શક્યા હોત.” કશિશે પણ હસતા હસતા કહ્યું.

નિશિથ અને કશિશ વાત કરતા હતા ત્યાં કશિશના પપ્પા રૂમમાં આવ્યા એટલે નિશિથે ઊભા થઇ તેની સાથે હાથ મિલાવ્યા.

“ નિશિથ, મને કશિશે બધીજ વાત કરી છે.તે કશિશને ખરા સમયે મદદ કરી છે.થેંક્યુ.” કિશોરભાઇએ કહ્યું.

“ અરે સર તમે આન્ટી ખોટો મારો આભાર માનો છો. કશિશ ખુબ હિમતવાળી છોકરી છે. મે તો ખાલી તેને થોડી હેલ્પ કરી હતી.” નિશિથે કહ્યું.

“ હા એ તો છે, કશિશ તો મારા દિકરા સમાન છે.તે તારા ખુબ વખાણ કરતી હતી.” કિશોરભાઇએ કહ્યું

આ સાંભળી નિશિથે કશિશ સામે જોયુ અને પહેલીવાર તેને કશિશની આંખમાં થોડી લાગણી દેખાઇ.બંનેની આંખ મળી અને કશિશે નજર જુકાવી લીધી.આ એવી રીતે બન્યુ કે નિશિથની દિલમાં અલગજ પ્રકારની હલચલ થઇ ગઇ.

“સારુ તમે બંને બેસો હું ફ્રેસ થઇ આવુ.” કિશોરભાઇએ કહ્યું.

“અરે ના હવે હું પણ નિકળુ છું.” નિશિથે ઊભા થતા કહ્યું.

“ અરે એમ કંઇ જવાય.રાત્રે જમીનેજ જજે.” કિશોરભાઇએ કહ્યું

“ના અંકલ આજે નહી.ફરી કોઇ વાર આવિશ ત્યારે.” નિશિથે કહ્યુ.

“અરે એમ થોડુ જવાય હું હમણાજ રસોઇ બનાવુ છુ જમીનેજ જજે.” બિનાબેન રૂમમાં દાખલ થતા બોલ્યા.

“અરે ના આન્ટી, આજે નહી.કશિશને સારૂ થઇ જશે પછી એક દિવસ તેના હાથનુ જમવા આવિશ.” એમ કહી નિશિથ રજા લઇ ત્યાથી નીકળી ગયો.

------------------------***********--------------------------*********-----------------------------

“હાય.” કશિશે નિશિથ,પ્રશાંત, નૈના અને સમીર ઊભા હતા ત્યાં આવીને કહ્યું.

એક અઠવાડીયાના આરામ પછી કશિશ આજે કૉલેજ આવી હતી.આ એક અઠવાડીયા દરમીયાન નિશિથ રોજ કૉલેજથી છુટીને કશિશને મળવા જતો અને કોલેજમાં ચાલેલા લેક્ચરની નોટબુક્સ કશિશને આપતો અને કોલેજની વાતો કરતો.આમ તે બંનેની મિત્રતા ધીમે ધીમે ખુબજ ઘનીષ્ઠ થઇ ગઇ હતી.

“હાય, તારી તબિયત કેમ છે હવે?” સમીરે પુછ્યું.

“એકદમ સારી.” કશિશે કહ્યું.

“જોને ઘોડા જેવી તો થઇ ગઇ છે.”નૈનાએ હસતા હસતા કહ્યું.

“ ચાલ સારૂ થયુ. નિશિથને રોજના ધક્કા તો મટ્યા.” પ્રશાંતે કહ્યું અને પછી નિશિથ તરફ જોઇને હસતા હસતા બોલ્યો “ભાઇ હવે કોલેજથી ઘરેજ જવાનું છે વળી ક્યાંક ધુનમાંને ધુનમાં કશિશની ઘરે ના જતો રહેતો.” 

“તને નિશિથની બહું ચિંતા થાય છે ને.” નૈના એ કહ્યું.

“હા, આ અમારો ભાઇ અત્યાર સુધી છોકરી સામે જોતો નહોતો અને હવે રોજ છોકરીની ઘરે આંટા મારવા લાગ્યો છે તો ચિંતા તો થાય જ ને.” સમીરે પણ નિશિથની ટાંગ ખેંચતા કહ્યું.

“ તો તુ શુ કામ જેલસી કરે છે? તુ પણ કોઇની પાછળ આંટા મારને તને કોણે રોક્યો છે?” નૈનાએ સામે કહ્યું.

“ અરે ભાઇ, આ તો અમારો કાનુડો છે.તેની પાછળ તો પહેલેથીજ છોકરીઓ મરે છે પણ આ ભાઇ જ કોઇને ભાવ નહોતો આપતો.તકલીફતો અમારે છે કે કોઇ સામેજ નથી જોતુ.” પશાંતે હસતા હસતા કહ્યું.

“હા ખરેખર ઘોર કળીયુગ છે એક ને જોઇ એટલી મળે છે અને એકને કોઇ નથી મળતુ.” સમીરે પણ મજાક ચાલુ રાખતા કહ્યુ. આ સાંભળી બધા હસતા હતા. નિશિથને લાગ્યુ કે હવે આ બંને વધારે બોલશે તો ક્યાંક કશિશને ખોટુ લાગશે એટલે તેણે વાત ને બદલતા કહ્યું

“ બસ ભાઇઓ હવે તમે તમારી આપવીતી બંધ કરો તો કોલેજ તરફ જઇએ.પહેલોજ લેક્ચર હિટલરનો છે તે ખબર છે ને?”

આ સાંભળી બધા હસી પડ્યા અને કૉલેજ તરફ જવા આગળ ચાલ્યા.કોલેજના પ્રિન્સિપાલ પ્રો.ઘોડાસરા ખુબજ સ્ટીક્ટ હોવાથી કોલેજના છોકરા તેને છુપી રીતે હિટલર કહેતા.નિશિથના ક્લાસમાં તેનો પહેલોજ લેક્ચર આવતો એટલે બધા ક્લાસમાં જઇને બેસી ગયા.લેક્ચર્સ ચાલવા લાગ્યા અને નિશિથ અને કશિશની આંખમિચોલી પણ ચાલતી રહેતી.હવે બંનેની એકબીજા તરફ જોવાની દ્રષ્ટી બદલાઇ ગઇ હતી.બન્ને એકબિજા સામે જોઇ લેતા અને નજર મળતા સ્માઇલની આપલે થતી. આમને આમ દિવસો પસાર થવા લાગ્યા.

 પ્રશાંત, સમીર અને નૈના નિશિથને ઘણીવાર પ્રપોઝ કરી દેવા સમજાવતા પણ નિશિથ કહેતો કે

“ ના હમણા નહી. જો હું અત્યારે પ્રપોઝ કરીશ તો કશિશને લાગશે કે મે તેને મદદ કરી તેના બદલામાં હું તેની પાસેથી સંબંધની માગણી કરી રહ્યો છું. હું એવુ નથી ઇચ્છતો કે તે મારા ઉપકારને કારણે મને હા પાડે. હું ઇચ્છુ છું કે તે તેની જે પણ મારા માટે લાગણી હોય તે ખુલીને કહી શકે.તેના માટે હજુ થોડી રાહ જોવી પડશે.જ્યાં કશિશના મગજમાં મે કરેલી મદદનો ભાર કશિશના મગજ પર છે ત્યાં સુધી તે તટસ્થતાથી નહી નિર્ણય લઇ શકે. આવા સંબંધના નિર્ણય કોઇ પણ લાગણીના દબાણમાં લેવાય તો તે લાંબા ટકતા નથી.”

નિશિથની આ વાત સાંભળી પછી બધાએ તેને ફોર્સ કરવાનુ બંધ કરી દીધુ. આમને આમ કૉલેજના દિવસો પસાર થતા ગયા.એક દિવસ નિશિથ કૉલેજથી ઘરે ગયો તો તેના મમ્મીએ તેને કહ્યુ “જા પહેલા ઉપર જઇ ફ્રેસ થઇ જા પછી મારે તારી સાથે થોડી અગત્યની વાતો કરવી છે.” આ સાંભળી નિશિથ ઉપર તેના રૂમમાં ગયો અને ફ્રેસ થઇ નીચે આવ્યો.સુનંદાબેન ડાયનીંગ ટેબલ પર ચા નાસ્તો મુકી નિશિથની રાહ જોઇ બેઠા હતા.નિશિથ તેની મમ્મી પાસે બેઠો અને ચા પીવા લાગ્યો એટલે સુનંદાબેને કહ્યું “શું ચાલે છે કૉલેજમાં?”

“કઇ નહીં બસ રેગ્યુલર કૉલેજ ચાલ્યા કરે છે. તારે મારી સાથે શું વાત કરવી હતી?” નિશિથે  સીધુજ પુછ્યું.

“મારે તારી પાસેથી થોડુ જાણવું છે?” સુનંદાબેને પૂર્વભૂમિકા બાંધતા કહ્યું.

નિશિથને લાગ્યું કે વાત કંઇક ખાસ છે એટલે ચાનો કપ નીચે મૂકતા બોલ્યો “હા, બોલને શું પુછવું છે?”

પછી સુનંદાબેને જે પુછ્યું એ સાંભળી નિશિથ ગુંચવાઇ ગયો કે શું જવાબ આપવો?

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.
 

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

***

રેટ કરો અને રિવ્યુ આપો

Verified icon

Sandip Dudani 3 અઠવાડિયા પહેલા

Verified icon

Manish Kuwadiya 1 માસ પહેલા

Verified icon

Jayesh Satasiya 1 માસ પહેલા

Verified icon

Nila Soni 1 માસ પહેલા

Verified icon

Chandubhai Panchal 1 માસ પહેલા