VISHAD YOG- CHAPTER-7 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ- પ્રકરણ - 7

પ્રસ્તાવના:-

જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદું બની રહી જાય છે. જિંદગી ક્યારેક રંગમંચ કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતિ સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઉંચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવી જ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમાં સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવું થ્રીલ પણ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ.

‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________

કશિશ કૉલેજ પહોંચી ત્યારે પ્રશાંત, સમીર અને નૈના તેની રોજની જગ્યા પર ઊભા હતા. કશિશ સ્કુટી પાર્ક કરી અને તે લોકો પાસે ગઇ. નૈના કશિશને જોઇને બોલી “હાય, શું ચાલે છે? ફરી આવી?”

“હા, ફરી આવી.”

“હાય, કશિશ કેમ છે?” સમીરે પણ કશિશને જોઇ કહ્યં.

“બસ મજામાં, તમે બધા કેમ છો?” કશિશે કહ્યું.

“ અમે ત્રણ તો મજામાં છીએ પણ, ચોથો સભ્ય તું ગઇ ત્યારથી મુરઝાઇ ગયો છે.” પ્રશાંતે મજાક કરતા કહ્યું.

“ હા, એ બિચારો તો આને બહું યાદ કરતો હતો પણ આને ક્યાં તેની કદર છે?” નૈનાએ કશિશને ચીડવતા કહ્યું. કશિશ કંઇ બોલી નહીં, માત્ર હસી. નૈનાને તેના હસવામાં એક પ્રકારની ઉદાસી દેખાઇ. નૈનાને લાગ્યું કે જરૂર કંઇક વાત છે, જેથી કશિશ ઉદાસ છે. તે હજુ કશિશને પુછવાં જતી હતી, ત્યાં કૉલેજનો બેલ પડ્યો એટલે તે લોકો લેક્ચરમાં જવા લાગ્યા.

કશિશ સતત લેક્ચરમાં પણ ઉદાસ રહીને વિચારતી રહી. બે-ત્રણ વાર નૈનાએ કશિશને પુછવાની કોશિશ કરી પણ તે કંઇ બોલી નહી. આમને આમ લેક્ચર ચાલતા રહ્યા પણ આજે કશિશને એકપણ લેક્ચરમાં મન લાગ્યું. તેને સતત નિશિથનાજ વિચાર આવતા હતા કે નિશિથે કેમ મને મળવાની ના પાડી હશે? શું તેને મારી કોઇ વાતનું ખોટું લાગ્યું હશે? શું તે મારી સાથે માત્ર ફ્લર્ટ કરતો હશે? મને કેમ એવું લાગે છે કે તે મારાથી કંઇક છુપાવે છે? આમને આમ વિચાર કરતી બેસી રહી. રિશેષ પડી એટલે બંને કેન્ટિનમાં જઇને બેઠી. નાસ્તો કરતા-કરતા નૈનાએ કહ્યું

“કશિશ, કેમ ઉદાસ છે? હું ક્યારની જોઉં છું કે તું વિચારમાં ખોવાયેલી છે. શું કોઇ પ્રોબ્લેમ છે? કે પછી આજે નિશિથ નથી એટલે તને ક્યાંય ગમતુ નથી?”

નિશિથનું નામ સાંભળતા કશિશનો ઘુઘવાટ બહાર આવી ગયો અને તે બોલી “મને શું ફેર પડે છે તે હોય કે ના હોય?”

આ સાંભળી નૈના અચાનક ચમકી ગઇ કેમકે બધા મિત્રોમાં નિશિથ અને કશિશ એકદમ ક્લોઝ હતા. અને બંને એકબીજાને પસંદ કરતા હતા.

“ કેમ એવુ બોલે છે? કંઇ ઝગડો થયો છે તમારી વચ્ચે?” નૈનાએ સીધુજ પુછ્યું.

“ ના કંઇ ઝગડો નથી થયો પણ, હું કંઇ તેના પર આધારીત નથી. તે ન હોય તો મને શું ફેર પડે છે?” કશિશનો આ બોલવાનો ટોન સાંભળી નૈનાને અજુગતું લાગ્યું એટલે તેણે કહ્યું. “ કેમ એવું બોલે છે? નિશિથ આપણો મિત્ર છે અને તમે બને તો ખાસ મિત્રો છો. એથી પણ આગળ નિશિથતો તને ચાહે છે.”

આ સાંભળી કશિશે અત્યાર સુધી દબાવી રાખેલો બધોજ ગુસ્સો બહાર આવી ગયો અને બોલી

“આ પૈસાદાર લોકોને કોઇ સંબંધની ગંભીરતા ના હોય. તે કહે કંઇક અને કરે કંઇક. મને તો પહેલેથીજ આ લોકો પર વિશ્વાસ નથી. પણ મને એમ હતું કે નિશિથ આ બધાથી અલગ છે પણ છેલ્લે તે પણ ગમે તેમ અમીર બાપનો છોકરો છે ને? તેને આપણી લાગણીની ક્યાંથી પડી હોય?” આ સાંભળી નૈના સમજી ગઇ કે જરૂર કંઇક બન્યું છે પણ મે તો સવારેજ નિશિથને ફોન કરી બર્થડે વિશ કર્યુ હતું, ત્યારે તો નિશિથે કહ્યું હતું કે કશિશનો ફોન હતો, બર્થડે વિશ કરવા માટે. તો પછી એટલીવારમાં કશિશને શું થઇ ગયું કે તે આ રીતે બોલે છે?

“ જો કશિશ આપણે બે ઘણા સમયથી એકદમ ક્લોઝ ફ્રેન્ડ છીએ અને નિશિથને તો હમણાથીજ ઓળખીએ છીએ છતા હું એટલુ જરૂર કહીશ કે આ વાતમાં તું ખોટી છે. નિશિથ એકદમ જેન્ટલમેન છે. બાકી અત્યારના છોકરા તો છોકરીઓને પટાવવા કેટલા નખરા કરે છે અને છતા છોકરી ના માને તો પછી છોકરીની બદનામી કરે છે. જ્યારે નિશિથ તો તે ના પાડવા છતા પોતાનો ઇગો છોડી તારી સાથે સંબંધ રાખે છે. તું આ બધું કહી તારી જાત સાથે છેતરપિંડી કરી રહી છે. તને પણ ખબર છે કે નિશિથ તને કેટલો ચાહે છે તે છતા તું આ બોલી રહી છે.” નૈનાએ કશિશને ગુસ્સાથી કહ્યું. નૈના જાણતી હતીકે સાચી વાત જાણવી હશે તો કશિશને ઉશ્કેરવીજ પડશે. આ સાંભળી કશિશનો ગુસ્સો ઉછળ્યો અને તે બોલી “ હવે તું બહું તેની તરફદારી કરે છે પણ, તને ખબર છે કે અત્યારે નિશિથ કયાં છે? મે તેને ફોન કરી કૉલેજમાં મળવાનું કહ્યું તો તેણે ના પાડી દીધી, અને કહ્યું કે ‘હું તને સાંજે મળીશ અત્યારે મારે થોડું કામ છે.’ હું તો બે ત્રણ દિવસથી તેને મળી નહોતી એટલે મળવા માટે તરસતી હતી. પણ સામે તેને કોઇ ઉત્સાહ નહોતો. જો તે મને એટલો બધો પ્રેમ કરતો હોય તો આજનો તેનો આટલો ખાસ દિવસ તે મારી સાથે ગાળવાની શું કામ ના પાડે? જેમ મને ત્રણ દિવસ પછી તેને મળવાની ઉત્સુકતા હતી તેમ તેને મને મળવાની ઉત્સુકતા કેમ નહોતી? જો એટલીજ લાગણી હોય તો તે અત્યારે મારી સાથે ના હોત?”

આ સાંભળી નૈનાને આખી વાત સમજાઇ ગઇ કે કશિશને શું પ્રોબ્લેમ છે એટલે નૈનાએ કહ્યું “અરે યાર એવું નથી. તેને સાચેજ કોઇક કામ આવી ગયુ હશે? એમા આટલું ગુસ્સે ન થવાનું હોય. તે સાંજે તો તને મળવાનોજ છે તો પછી આટલો ગુસ્સો શું કામ કરે છે?”

“ જો વાત માત્ર મને ન મળવાની નથી. વાત એ છે કે તે મારાથી કંઇક છુપાવતો હોય એવું મને લાગે છે. તેને કોઇ એવું કામ હતુ તો તેણે મને કહી દેવુ જોઇએને. મને ન કહેવાય એવુ શું કામ હોઇ?” આટલું કહી તે રોકાઇ. નૈના જાણતી હતી કે કશિશ કહે છે તે વાત સાચી છે. નિશિથ તેનાથી એક વાત છુપાવતો હતો. નૈનાએ ઘણીવાર નિશિથને એ વાત જણાવી દેવા કહ્યું હતુ પણ નિશિથ માનતો નહોતો.

“ તુ આ બધા અમીર બાપના નબીરાને જાણતી નથી. તેને તો મારા જેવી ઘણી છોકરીઓ સાથે લફડા હશે. અત્યારે બીજીને ફેરવશે અને રાતે મને ફેરવશે. મને તો હવે તેનાથી નફરત થતી જાય છે. “ કશિશ આટલુ બોલી એટલે નૈનાનો ગુસ્સો કાબુ બહાર જતો રહ્યો અને બોલી “ બસ કશિશ, આ તારો અમીર અને પૈસાદાર પ્રત્યેનો પૂર્વગ્રહ કયારે છોડીશ. મને ખબર છે કે નિશિથ અત્યારે ક્યાં છે. તારે જાણવું છે ને કે તે અત્યારે ક્યાં છે? અને કોની સાથે ફરી રહ્યો છે? ચાલ મારી સાથે.” એમ કહી નૈનાએ કશિશનો હાથ પકડ્યો અને ઊભી કરી.

“પણ તુ મને અત્યારે ક્યાં લઇ જાય છે? મારે તેના વિશે કંઇ નથી જાણવું.” કશિશે કન્ફ્યુઝ થતા કહ્યું.

“જો તું તેના વિશે પુરી વાત જાણ્યા વગર નફરત કરી શકવાની હિમ્મત રાખતી હોય તો પછી તેની સચ્ચાઇ જાણવાની પણ હિંમ્મત પણ રાખ.” એમ કહી નૈના તેને ખેચીને બહાર લઇ ગઇ.

બહાર નીકળી નૈનાએ સમીરને ફોન કરી પાર્કિંગમાં આવવા કહ્યું. થોડીવારમાં સમીર અને પ્રશાંત આવતા નૈનાએ તેને બધી વાત કરીને કહ્યું “ચાલો કશિશને આપણે બતાવીએ કે નિશિથ અત્યારે કોની સાથે મજા કરી રહ્યો છે?”

“ પણ નૈના તને તો ખબર છે કે નિશિથે આપણને આ વાત કશિશને કરવાની ના પાડી છે. આપણે ત્યાં જઇશું તો તેને નહીં ગમે.” સમીરે નૈનાને સમજાવતાં કહ્યું.

“ એ ચિંતા તુ નહી કર. નિશિથ ભલે મારા પર ગુસ્સે થાય પણ તેના પર કોઇ ખોટા આરોપ મૂકે, અને નિશિથની સરાફતનો ફાયદો ઉઠાવ્યા કરે તે એક મિત્ર તરીકે મને નહીં ગમે.” નૈનાએ કશિશ સામે વેધક નજરે જોઇને કહ્યું.

ત્યારબાદ સમીર અને પ્રશાંતે બાઇક કાઢી અને ચારેય કૉલેજની બહાર નિકળ્યાં. કૉલેજની બહાર નીકળી બંને બાઇક જમણી તરફ વળી અને કેકેવી હોલ તરફ જવા લાગી. થોડીવારમાં કેકેવી હોલવાળું સર્કલ આવતા ત્યાથી બાઇક જમણી બાજુ રીંગરોડ પર દોડવા લાગી. રીગરોડ પર આવતા બાઇકની પુરપાટ વેગથી દોડવા લાગી, સાથે સાથે કશિશના વિચાર પણ દોડવા લાગ્યા. આ બધાને નિશિથ પર કેટલો વિશ્વાસ અને માન છે. હું તો નિશિથની સૌથી ક્લોઝ છું તો પણ મને કેમ નિશિથ પર વિશ્વાસ નથી. આ નૈનાતો છેલ્લા ચાર વર્ષથી મારી ક્લોઝ ફ્રેન્ડ છે તો પણ તે નિશિથનો પક્ષ લે છે. એવું શું છે નિશિથમાં? જે હું નથી જોઇ શકતી. કે પછી મારી આંખો એ જોઇને પણ સ્વિકારવા નથી માંગતી. કશિશ આમને આમ વિચારતી હતી ત્યાં માધાપર ચોકડી આવી જતા બાઇક જામનગર રોડ પર જામનગર તરફ વળી અને ફરીથી બાઇક ફુલ સ્પીડમાં દોડવા લાગી એટલે કશિશે સમીરને પુછ્યું “આપણે ક્યાં જઇએ છીએ.?” આ સાંભળી સમીરે કહ્યું “એતો હવે તું ત્યાં પહોંચીનેજ જોજે.” કશિશને ખબર હતીકે સમીર તેને અત્યારે કંઇ કહેવાનો નથી એટલે તેણે વધુ પુછ્યુ નહી અને વિચાર તંદ્રામાં ખોવાઇ ગઇ. એવું શું છે જે નિશિથ મારાથી છુપાવવા માગે છે? આ બધાને તેના વિશે ખબર છે, જ્યારે નિશિથ મને ચાહતો હોવા છતા મારાથી છુપાવે છે. આમને આમ કશિશ ઘણીવાર સુધી વિચારોમાં ખોવાયેલી રહી. ત્યાં બાઇક ગૌરીદડ ગામથી આગળ નીકળ્યું. થોડીવાર બાઇક ચાલ્યુ ત્યાં રતનપર ગામા આવતા બાઇક ધીમા પડ્યું. અને સેંટ્રલ બેંક ઓફ ઇંડીયાની સામેની ગલીમાં વળ્યું. અને થોડા આગળ જતા ગામની બહાર નીકળી અડધો કિલોમીટર ચાલ્યા ત્યાં એક વિશાળ મકાન દેખાયું એટલે પ્રશાંતે બાઇક સાઇડમાં પાર્ક કર્યુ એ જોઇ સમીરે પણ ત્યાં જઇ બાઇક પાર્ક કર્યુ.

બધા નીચે ઉતર્યા એટલે નૈનાએ કશિશને કહ્યું “તારે જોવુ છે ને કે નિશિથ કોની સાથે છે તો ચાલ આ બાજુથી તેને ખબર ન પડે તે રીતે તને બતાવું. એમ કહી નૈના કશિશનો હાથ પકડી બીલ્ડિંગની પાછળની બાજુ લઇ ગઇ. નજીક જતા કશિશે જોયુ કે આખા બિલ્ડીંગની ચારે બાજુ 6 ફુટ ઉંચી દિવાલ કરેલી છે. તે લોકો દિવાલ પાસે ગયા પણ દિવાલ ઉંચી હોવાથી અંદર જોઇ શકાતુ નહોતું. આ જોઇ સમીરે કહ્યું “એક કામ કરીએ બાઇક અહીં લઇ આવીએ એટલે તેના પર ઊભી અંદરનું બધુ જોઇ શકાશે.”

“પણ બાઇક આવશેતો અવાજથી અંદર ખબર પડી જશે.” નૈનાએ કહ્યું.

“ના એતો અમે દોરીને લેતા આવીશું અને પછી બંને બાઇક લઇ આવ્યાં એટલે કશિશ અને નૈના બાઇક પર ચડીને જોવા લાગ્યા. જેવી કશિશની નજર અંદર ગઇ એ સાથે જ તેની આંખો પહોળી થઇ ગઇ. બિલ્ડીંગની પાસે આવેલ મેદાનમાં નાના છોકરા અને વૃધ્ધો જમી રહ્યા હતા અને નિશિથ બધાને આગ્રહ કરી જમાડી રહ્યો હતો. નિશિથે કપડા પણ એકદમ સાદા પહેર્યા હતા. ઉપર સફેદ કુર્તો અને નીચે બ્લ્યુ જીન્સ. નિશિથ બધાજ છોકરાને આગ્રહ કરી જમાડતો હતો. વચ્ચે વચ્ચે કોઇકની થાળીમાંથી બટકુ લઇ તેને ખવડાવતો અને છોકરો પણ નિશિથને સામે ખવડાવતો. આમને આમ ઘણો સમય તેણે બધાને જમાડ્યા અને પછી બધા વૃધ્ધોને પગે લાગી ગીફ્ટ આપી.

અને છેલ્લે બધા છોકરાને પણ ગીફ્ટ આપી. છોકરાઓ ખુશ થઇને નિશિથને ગાલે પપ્પી કરતા હતા. આ જોઇ નૈનાએ કટાક્ષ કરતા કહ્યું “ જો નિશિથને તો કેટલી બધી ગર્લફ્રેન્ડ કિશ કરે છે. નિશિથ દર મહિને એક દિવસ આ બધી ગર્લફ્રેન્ડ સાથે ગાળે છે.” પણ આ બોલતી વખતે નૈનાએ કશિશનો ચહેરો જોયો એ સાથે તે બોલતી બંધ થઇ ગઇ. કશિશના આંખમાંથી અશ્રુધારા વહેતી હતી. અને તેના ચહેરા પર પસ્તાવો દેખાતો હતો. કશિશે અંદરનુ દ્રશ્ય જોયું એ સાથેજ તેને પોતાની જાત પર ગુસ્સો આવ્યો અને પોતે નૈનાને નિશિથ વિશે કહેલા વાક્યો યાદ આવતાજ તેની આખમાંથી આંસુ વહી નિકળ્યા. જે હજુ સુધી રોકાયા નહોતા. આ જોઇ નૈના બાઇક પરથી નીચે ઉતરી અને કશિશને પણ નીચે ઉતારી. કશિશ નીચે ઉતરતાજ નૈનાને વળગી પડી અને અત્યાર સુધી જાળવી રાખેલો સંયમ છુટી જતા ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા બોલી “ હું નિશિથને લાયક જ નથી. તમે બધા તેના પર કેટલો વિશ્વાસ મૂકો છો જ્યારે હું તેની આટલી નજીક હોવા છતા તેને સમજી ના શકી. તું સાચુંજ કહેતી હતી મે નિશિથની લાગણીનો ગેરલાભ લીધો છે. મને મારી જાત પર શરમ આવે છે. હવે હું ક્યાં મોઢે નિશિથ સામે જઇશ? અને નિશિથને ખબર પડશે તો તે મારા વિશે કેવું વિચારશે?.”

નૈનાએ થોડીવાર કશિશને રડીને હળવી થવા દીધી અને પછી કહ્યું “ જો કશિશ એમા તારો કોઇ વાંક નથી. આપણે જેને ખૂબ પ્રેમ કરતા હોઇએ તેના પ્રત્યે વધુ પડતા પઝેસીવ થઇએ છીએ. તેની નાની એવી ભુલ પણ આપણે સહન કરી શકતા નથી. અને નિશિથ તો તને અમારા કરતા પણ વધુ સારી રીતે સમજે છે એટલે હવે ચાલ આપણે અંદર જઇને નિશિથને સરપ્રાઇઝ આપીએ.”

કશિશે ના પાડી પણ પછી ત્રણેયે તેને સમજાવી એટલે અંદર જવા તૈયાર થઇ. ત્યારબાદ બધા આગળ ગયા અને મેઇન ગેટ પર આવ્યાં તો ત્યાં મોટું બોર્ડ મારેલું હતુ “પેરેડાઇઝ બાલાશ્રમ અને વૃધ્ધાશ્રમ” બધા ગેટમાં દાખલ થયા એ સાથેજ નિશિથનું ધ્યાન તેના પર ગયું. કશિશ પર નજર પડતાજ તેના દિલની ધડકન વધી ગઇ. કશિશની નજર નિશિથ સાથે મળી એ સાથેજ કશિશના દિલમાં લાગણી પૂર ઉમટયું. તે દોડીને નિશિથને ભેટી પડી અને આંખમાંથી અશ્રુધારા વહી નીકળી. નિશિથને શું થયું તે કંઇ સમજાયું નહી પણ તેણે કશિશને બાહુપાસમાં લઇ લીધી. એ સાથેજ નિશિથના દિલમાં એક અજબની ઠંડકનો અનુભવ થયો. થોડીવારબાદ કશિશ નિશિથથી છુટી પડી અને નિશિથનો હાથ પકડી અને બોલી નિશિથ આઇ લવ યુ સો મચ ડિઅર. હું તારે લાયક તો નથી છતા તુ મારો સ્વિકાર કરીશ.” આ સાંભળતાજ નિશિથે ફરીથી કશિશને ખેચીને બાહોમાં લઇ લીધી. આ જોઇ બધા છોકરાએ જોરથી તાળીઓ પાડી અને કીકીયારી પાડી. આ જોઇ બંને છુટા પડ્યા હવે તે બંનેને આજુબાજુની પરિસ્થિતિનું ભાન થયું. અત્યાર સુધી તો બંને જાણે બીજી દુનિયામાંજ હતા. ત્યારબાદ નિશિથે વૃધ્ધાશ્રમનાં ટ્રષ્ટિઓ સાથે બધાની ઓળખાણ કરાવી અને પછી બધા ત્યાં જમવા બેઠા. જમતા જમતા નૈનાએ કહ્યું “સોરી નિશિથ તારી ના છતા મે કશિશને બધી વાત કરી.” અને પછી નૈનાએ નિશિથને આખી ઘટના કહી સંભળાવી. આખી ઘટના સાંભળી નિશિથે કશિશને કહ્યું “ કશિશ તારા સામે મને કોઇ ફરીયાદ નથી. મે તારાથી વાત છુપાવી એટલે તને મારા પર શક થવો સ્વાભાવિક છે. પણ યાદ રાખજે જો તે આજે મને પ્રપોઝ કર્યુ તે વિચારીને કર્યુ હોય તો કબુલ છે પણ જો ગીલ્ટની ભાવનાથી કર્યુ હોય તો તેની કોઇ જરૂર નથી.”

“ના, આ ના બન્યુ હોત તો પણ આ ત્રણ દિવસ તારાથી દૂર રહી તેમા મને આપણા સંબંધનું મહત્વ સમજાઇ ગયું છે. હું તો સવારેજ તને મળી આ કહેવા માગતી હતી. તેમાં તે મને મળવાની ના પાડી તેના ગુસ્સામાંજ આ બધુ બન્યું. પણ તે મારાથી આ બધુ શુ કામ છુપાવ્યું? આ તો તારા માટે મારી સામે ઇમ્પ્રેશન પાડવાનો મોકો હતો.” કશિશે લાગણીશિલ થઇ કહ્યું.

“ બસ આ કારણેજ કે હું તને કોઇ પણ કારણસર ઇમ્પ્રેસ કરી તારી પાસેથી પ્રેમનો સ્વિકાર કરાવવા માગતો નહોતો. હું જેવો છું તેવો જો તું સ્વિકારી શકે તોજ આપણા સંબંધનું ભવિષ્ય છે બાકી તો આજની જેમજ તને મારા પર શંકા થયા કરે. અને જો હવે તે મારો સ્વિકાર કરેલો છે તો એક વાત યાદ રાખજે કે મને મારી મર્યાદા સાથે સ્વિકારજે. કોઇ પણ માણસ પરફેક્ટ નથી હોતો. દરેકને પોતાની ખાસીયતની સાથે સાથે મર્યાદા પણ હોય છે. જો તમે તે મર્યાદા સ્વિકારી લો તો પછી તમે તે માણસને સ્વિકારી શકો છો. પ્રેમ, સ્વિકાર, સમજણ અને વિશ્વાસ આ ચાર પાયા પર સંબંધ ઊભો હોય છે. જો આમાંથી એકપણ ન રહે તો સંબંધ વધુ સમય ટકી શકતો નથી.” નિશિથે કશિશનો હાથ પોતાના હાથમાં લઇ પ્રેમથી સમજાવતા કહ્યું. “ચાલ હવે મે બહું મોટુ લેક્ચર આપી દીધુ. ચાલ જમીલે.” આ જોઇ નૈનાએ કહ્યું “ એલા નિશિથ, આજે સાંજે તારે જોરદાર પાર્ટી આપવી પડશે એક તારા બર્થડેની પાર્ટી તો આપવાની છેજ પણ મે તને આજે આ જોરદાર ગીફ્ટ આપી તેની પણ પાર્ટી જોઇશે.”

“હા બોલોને તમારે બધાએ શું પાર્ટી જોઇએ છે? જે કહો તે મળી જશે બસ.” આ સાંભળી કશિશને અચાનક એક વિચાર આવ્યો અને તેણે આ વિચાર બધાને કહી સંભળાવ્યો. આ સાંભળતાજ બધા ખુશ થઇ ગયા અને એકસાથેજ બોલી ઉઠ્યા “ વાહ, આ મસ્ત આઇડીયા છે. ચાલો આજે સાંજે આજ ફાઇનલ કરીએ.”

“પણ તેના માટે તો અત્યારથીજ કામે વળગીશું તો સાંજે બધુ પુરુ થશે.” નિશિથે કહ્યું.

“ એ બધુ તો થઇ જશે પણ પહેલા તું આ આશ્રમનાં ટ્રષ્ટિઓને મળી વાત કરીજો. તે લોકો એગ્રી થશે તો બાકી બધુ તો થઇ જશે.” સમીરે નિશિથને સમજાવતા કહ્યું.

ત્યારબાદ જમીને નિશિથ ટ્રષ્ટિઓને મળવા ગયો અને આખો પ્લાન સમજાવ્યો. નિશિથની વાત સાંભળી બધા ખુશ થઇ ગયા અને તેમણે નિશિથને મંજુરી આપી દીધી. ત્યારબાદ બધા મિત્રોએ મળીને કામ વહેંચી લીધુ અને પછી બધા પોતપોતાના કામમાં લાગી ગયાં.

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌----‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌--------------------------------------***********----------------------

કશિશે બધા મિત્રોને શું પ્લાન કહ્યો? બધા મિત્રો આ પ્લાન સાંભળી કેમ ખુશ થઇ ગયા? બધા મિત્રો શુ કરવા માગે છે? શુ હજુ કોઇ એવી વાત છે જે નિશિથ કશિશથી છુપાવે છે? આ બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ નવલકથા “વિષાદ યોગ” વાંચતા રહો.

------------------------------------------------------------------------------------------મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.


HIREN K BHATT :- 9426429160

અEMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED