વિષાદ યોગ - પ્રકરણ - 51 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિષાદ યોગ - પ્રકરણ - 51

વિલી જે અંડરગ્રાઉન્ડ રુમમાં બેઠો હતો તે ખેતરની ચારે બાજુ મોટા ઝાડની વાળ હતી. આ વાડ એટલી ઘાટી અને ઊંચી હતી કે તેમાં ઉભેલી કાર કોઇને પણ દેખાઇ એમ નહોતી. આ કારમાં એક યુવાન બેઠો હતો. જે સામે પડેલા લેપટોપમાં જોઇ વાત કરી રહ્યો હતો. તેના લેપટોપમાં વિલીની રુમનું દૃશ્ય હતું. તેની બાજુમાં બીજા બે ત્રણ ફોન પડેલા હતા. આ યુવાન નિશીથ હતો. નિશીથના લેપટોપમાં વિલીના રુમમાં મુકેલા કેમેરાના દૃશ્યો જોઇ શકાતા હતા અને તેનો અવાજ પણ સાંભળી શકાતો હતો. નિશીથ તેના ઇયર ફોનમાં વિલી સાથે વાત કરી રહ્યો હતો. નિશીથના લેપટૉપની સ્ક્રીન વિલીની રુમના ટીવી સાથે ઇન્ટરનેટથી જોડેલી હતી, જેથી નીશીથ ધારે ત્યારે વિલીને ટીવી પર દૃશ્ય બતાવી શકે. આ લેપટોપ અને કાર બીજી ઘણી બધી ટેકનોલોજીથી સજ્જ હતા. નિશીથ અત્યારે વિલી સાથે વાત કરી રહ્યો હતો.

“વિલી, તું કેટલો પથ્થર દિલ છો. તારે લીધે તે છોકરી પીંખાઇ ગઇ. તે લોકોએ કામેશનો ગુસ્સો તે છોકરી પર ઉતાર્યો. ભુખ્યા વરુઓની જેમ તેના પર એક પછી એક બળાત્કાર કર્યા. જ્યારે કામેશને આ ખબર પડી ત્યારે ખૂબ મોડુ થઇ ગયું હતું. તે છોકરીએ આત્મહત્યા કરી લીધી હતી.” આ સાંભળી વિલી સ્તબ્ધ થઇ ગયો અને પછી બોલ્યો “મે જિંદગીમાં ક્યારેય પાછુ વળીને જોયું નથી, આજે પહેલીવાર તમે મને મારો ભુતકાળ દેખડ્યો છે. સાચેજ મને આજે પસ્તાવો થાય છે. મારા લીધે કેટલાય પરિવારો છીન્ન ભિન્ન થઇ ગયા છે. હું કબુલ કરુ છું કે મે ઘણા પાપ કર્યા છે પણ, તમે સમજો હું અત્યારે નહીં જઉં તો તે લોકો મારા આખા પરિવારને મારી નાખશે. શું તમે પણ મારા વાંકે મારા પરિવારને સજા મળે તેવુ કરવા માંગો છો? અને તો પછી મારા અને તમારામાં શું ફરક?”

આ સાંભળી નિશીથ જોરથી હસ્યો અને બોલ્યો “વાહ વિલી કેવુ પડે બાકી હો? કોઇ જેવો તેવો માણસ હોય તો તારા આ ઇમોશનલ ડ્રામામાં આવી જ જાય. પણ તને ખબર નથી કે મારી પાસે તારી આખી જન્મ કુંડળી છે અને તે જોયા પછી તારા ડ્રામાથી હું સહેજ પણ અંજાઉ એમ નથી. જો હું એકજ સિધ્ધાંત પર કામ કરનારો માણસ છું અને તે છે ‘જેવુ કામ તેવુ ઇનામ.’ તારા કામ જ એવા હોય કે ઇનામમાં તારા ફેમીલીને નુકશાન કરવુ પડે તો હું તે કરતા પણ અચકાઇશ નહીં. હવે તારા પર નિર્ભર છે કે તું કેટલો મને સહયોગ આપે છે. જો હું કહું છું તેમ તું કરીશ તો હું તને વહેલો મુક્ત કરી દઇશ.”

આ સાંભળ્યા પછી વિલીને સમજાઇ ગયું કે હવે કોઇ પણ ચાલાકી કરવી તે સમય બગાડ્યા જેવુ જ છે. આ માણસ તેનું ધાર્યુ કરવ્યાં વિના મને જવા દેશે નહીં. એટલે વિલીએ સીધુજ પુછ્યું “બોલો તમે શું ઇચ્છો છો?”

“હા, હવે તું મુખ્ય મુદા પર આવ્યો. તને અત્યારે તારા કર્મનો પસ્તાવો થાય છે?” નિશીથે પુછ્યું.

“હા, ખરેખર મને અત્યારે એવુ થાય છે કે જો મારી પાસે એવી કોઇ જાદુઇ લાકડી હોય તો હું મારા ભુતકાળના તમામ કૃત્ય બદલી નાખું પણ અફસોસ કે એવુ થઇ શકે એમ નથી. છતા હું વચન આપુ છું કે હું આ બધાની માફી માગીશ.”

વિલીની વાત સાંભળી નિશીથે કહ્યું “ઓકે, તારા આ કામની શરુઆત કરવામાં હું તને મદદ કરુ છું. ત્યાં પડેલા મોબાઇલમાંથી તારી વાઇફનો નંબર લગાવ અને તેની પાસે કબુલ કર કે તારે સુપ્રિયા નામની છોકરી સાથે અફેર છે અને તું તેને અત્યાર સુધી ચીટ કરી રહ્યો હતો.”

આ સાંભળતાજ વિલીની બોલતી બંધ થઇ ગઇ. પણ તેને ખબર હતી કે જવાબ આપ્યા વિના ચાલશે નહીં એટલે તેણે કહ્યું “જો તમે મારી વાત સાંભળો મારી પત્ની ખૂબ ઇમોશનલ છે. તેને અત્યારે હું કહીશ તો તે કંઇક ખોટુ પગલું ભરી લેશે. પણ હું તમને પ્રોમિશ આપુ છું કે હું ઘરે જઇને તેને બધીજ વાત કરી દઇશ અને તેની માફી માગી લઇશ.”

“વિલી નેતાની જેમ ખોટા વાયદા કરવાનું બંધ કર. તને માત્ર એક મિનિટનો સમય આપુ છું ત્યાં સુધીમાં તે જો ફોન નથી કર્યો તો તે જોયેલી પેલી વિડીઓ ક્લીપ હું તારી પત્નીને મોકલી આપુ છું.”

આ સાંભળતાજ વિલી ડરી ગયો અને બોલ્યો “પ્લીઝ યાર તમે મારી વાત સમજો, મારી પત્ની મને ખૂબજ પ્રેમ કરે છે હું તેને વાત કરીશ તો તે કોઇક ખોટુ પગલુ ભરી લેશે. હું તમને પ્રોમીશ આપુ છું કે ઘરે જઇને હું તેની માફી માગીશ. પ્લીઝ યાર તમે મારી વાત સમજો.”

આટલું બોલી વિલી જવાબ સાંભળવા રોકાયો પણ થોડીવાર સામેથી કઇ પણ પ્રત્યુતર ન આવ્યો પણ પછી “સામેથી ઉલટી ગણતરી શરુ થઇ 10, 9 ,8 ,7, 6,5,4,” ત્યાંતો વિલીએ ફોન હાથમાં લઇ તેની પત્નીનો નંબર ડાયલ કર્યો એટલે સામેથી ગણતરી રોકાઇ ગઇ. એકાદ રિંગ પછી તેની પત્નીએ ફોન ઉચક્યો એટલે વિલીએ કહ્યું “હાલો રિયા” આ સાંભળી તેની પત્ની એ કહ્યું “તમે ક્યાં છો હું ક્યારની તમારા ફોન પર રીંગ મારુ છું.”

“એ બધુ હું તને પછી કહીશ. અત્યારે મારે તને એક ખૂબ જરુરી વાત કરવી છે. હું તને જે કહેવા માંગુ છું તે સાંભળ્યા પછી તને દુઃખ થશે પણ મને માફ કરી દે જે.” વિલી આટલુ બોલ્યો ત્યાં રીયાએ સામેથી કહ્યું.

“તમે શું વાત કરો છો? અને તમે ક્યાં છો? જે કહેવું હોય તે ઘરે આવી કહેજો. તમે કેમ આટલા બધા અપશેટ દેખાવ છો?”

“તારા બધા પ્રશ્નોના જવાબ આપવાનો મારી પાસે સમય નથી. પહેલા હું જે કહું છું તે તું સાંભળ. મારે સુપ્રિયા નામની એક છોકરી સાથે અફેર છે. મારે તેની સાથે લગભગ ચારેક વર્ષથી સંબંધ છે. મને ખબર છે કે આનાથી તને ખૂબ દુઃખ થશે પણ તને સાચુ કહી હું ભાર મુક્ત થઇ જવા માગુ છું. તારા પ્રેમ અને સમર્પણ સામે મે જે કર્યુ છે તેને કોઇ દિવસ માફ કરી શકાય તેમ નથી. શક્ય હોય તો મને માફ કરી દે જે. “ વિલીનું આટલુ બોલતા જ સામે છેડે એકદમ સન્નાટો છવાઇ ગયો. વિલીની આંખ પણ ભીની થઇ ગઇ. આજે ઘણા સમય પછી વિલીના દિલમાં લાગણીની છાલક વાગી હતી. ઘણા સમય પછી સંવેદનાઓ ભિંજાઇ હતી. એક સુખી ધરતી પર પાણીનું ટીપુ પડે અને જેવી સ્થીતી થાય તેવીજ સ્થિતિ વિલીના દિલની હતી. પહેલીવાર લાગણીને લીધે આંશુ આવ્યાં હતા. વિલીએ ફોન કટ કરી નાખ્યો અને થોડીવાર એમજ બેઠો રહ્યો. નિશીથને પણ લેપટોપમાં આ દૃશ્ય જોઇ કશિશની યાદ આવી ગઇ. ગમે તેવા ક્રુર અને નાલાયક માણસની દિલમાં પણ એકાદ ખુણો મુલાયમ હોય છે. એકવાર તો નિશીથને વિલી પર દયા આવી ગઇ પણ તરતજ તેણે પોતાની લાગણી પર કાબુ કરી લીધો. આ ખેલ હજુ તો ખૂબ આગળ લઇ જવાનો છે તે યાદ આવતાજ નિશીથે ફોન પર કહ્યું “ઓકે, હજું તારે એક સ્ત્રીની માફી માંગવાની છે. તારી જિંદગીમાં બદલાવની શરુઆત થઇ છે. હવે હજુ એક સ્ત્રીને તું સચ્ચાઇ બતાવી માફી માગ પછી આપણે આગળ વાત કરીશું. ચાલ સુપ્રિયાને ફોન લગાવ પણ એક વાત યાદ રાખજે તારા મોબાઇલની સ્ક્રીન અને તેની વાતચીત અહી હું જોઇ અને સાંભળી શકુ છું એટલે કોઇ પણ ચાલાકી કરી તો તું તારી કાર અને રુપીયાથી હાથ ધોઇ બેસીસ.”

“જો બોસ તમે જેમ કહ્યું તેમ મે મારી વાઇફને વાત કરી દીધી. હવે તમે આ બીજી શરત કરીને ખોટુ કરી રહ્યા છો.” વિલીએ ગુસ્સે થઇ કહ્યું.

“તુ મને નિયમો ન શિખવાડ. તે તારી જિદગીમાં જેટલા વાયદા ફોક કર્યા છે તેટલા તો કોઇ નેતાએ પણ નહી કર્યા હોય. ચાલ જલદી ફોન લગાવ નહીંતર હું પેલી ક્લીપ સુપ્રિયાને મોકલી દઇશ. જો મારી પાસે છે તેમાંથી માત્ર બે ક્લીપ સુપ્રિયાને મોકલીશ તો તેજ તારુ ખુન કરી નાખશે. એના કરતા એજ સારુ રહેશે કે તું તેને તારી સાચી ઓળખ આપ અને માફી માગ.”

“તમે કોણ છો આ મારા વિશે બધુ કંઇ રીતે જાણો છો?” વિલીએ આખરે તેના મનમાં પહેલીથીજ ઉઠેલો સવાલ પુછી નાખ્યો.

આ સાંભળી નિશીથ જોરથી હસી પડ્યો “વિલી, તું ખોટી દિશામાં મગજ બગાડી રહ્યો છે કેમકે તારી જિંદગીમાં તે એટલા દુશ્મન બનાવી રાખ્યા છે કે હું કોણ છું કે કોના માટે કામ કરુ છું તે તને ક્યારેય નહીં સમજાઇ. હું તારો દુશ્મન નથી તારો શુભ ચિંતક છું. તારી બધી બુરાઇઓ અને પાપોને ધોવડાવી તને ચોખ્ખો કરી રહ્યો છું. તારા પાપ તો ગંગા પણ ચોખ્ખા કરી શકે એમ નથી એટલે મે આ બીજો રસ્તો અપનાવ્યો છે. તું અહીથી બહાર નિકળીશ ત્યારે એક સંત જેટલો સીધો બનીને નિકળીશ. હવે પછી તું કોઇ ગુનો કરવાનું સ્વપ્નમાં પણ નહીં વિચારે એ હું તને ગેરંટી આપુ છું” આ સાંભળી વિલી એકદમ ચુપ થઇ ગયો. નિશીથની એકવાત પર વિલી પણ મનોમન સંમત થયો હતો કે આ ખોટા કામ કરવામાં તેણે એટલા બધા લોકોને હેરાન કર્યા હતા કે તેમાંથી કોણ અત્યારે તેની સામે વેર વાળી રહ્યું છે તે નક્કી કરવુ સરળ નહોતું. પણ એક વાત નક્કી છે કે આ જે પણ છે તે બહું જુનો દુશ્મન છે કેમકે તેની પાસે જે વિડીઓ ક્લીપ અને માહિતી છે તે બહુ જુની છે. આ સાથેજ વિલીના મગજમાં તેના જુના ઘણા દુશ્મનના ચહેરા તરી આવ્યાં. તે હજુ આગળ કઇ વિચારે ત્યાં નિશીથે કહ્યું “ચાલ હવે મગજને ખોટુ બહું દોડાવ નહીં અને સુપ્રિયાને ફોન લગાવ.” વિલીએ કમને ફોન ઉચક્યો અને સુપ્રિયાને લગાવ્યો “પહેલી વાર વિલીને સુપ્રિયા સાથે વાત કરવાનો ડર લાગ્યો. સુપ્રિયા કંઇ અબળા નારી નહોતી તે તો એક મલ્ટીનેસનલ કંપનીમાં જોબ કરતી એક અત્યંત આધુનિક યુવતી હતી. વિલી જેટલી આસાનીથી તેની પત્નીને કહી શક્યો તેટલી આસાનીથી સુપ્રિયાને કહી શકશે નહીં તે જાણતો હતો. આજ પહેલી વાર વિલીનો હાથ ધ્રુજ્યો હતો.

વિલી જ્યારે સુપ્રિયાને ફોન લગાવી રહ્યો હતો તેજ સમયે ઇંસ્પેક્ટર રુદ્રપ્રતાપસિંહ જાડેજા ઉર્ફે બાપુ ભાવનગરના પી.આઇ મૌલીક દવે સાથે વાત કરી રહ્યા હતા. બાપુએ ટુંકમાંજ આખી વાત કરી અને કાર નંબર અને મોબાઇલનંબર તેને લખાવ્યા અને અત્યારે કાર ક્યાં છે તે જણાવ્યું. બાપુનું મુળ વતન ભાવનગરની બાજુમાં આવેલ રાજગઢ ગામ હતું. બાપુ તેના ગામ ઘણી વાર જતા હતા. ત્યારે ભાવનગર પૉલીસ સ્ટેશન પણ જતા તેને લીધે પી.આઇ દવે સાથે તેના સંબંધ ખૂબજ સારા હતા. આ પહેલા પણ બંને એક કેસ પર સાથે કામ કરી ચુક્યા હતા. બાપુએ પી.આઇ દવેને ફોન કરી બધી માહિતી આપી એ સાથેજ પી.આઇ દવેએ તેનું તંત્ર એકટીવ કરી દીધું. દવે સાહેબે તરતજ પાલીતાણા તરફ આવતા અને જતા બધા જ રસ્તા પર હાઇ લેવલ ચેકીંગ ગોઠવી દીધું. બધાજ ચેક પોસ્ટ પર વિલીની કારની ડીટેઇલ્સ મોકલી આપી. આ સાથે એક પેટ્રોલીંગ કારને ભાવનગરથી પાલીતાણા જતા હાઇવે પર મોકલી આપી અને પોતે પણ એક જિપમાં પાલીતાણા તરફ આગળ વધ્યા. બાપુ પણ અમદાવાદથી ભાવનગર જવા માટે બે કોંસ્ટેબલ સાથે રવાના થઇ ગયાં. હવે બાપુ, સુભાષ અને પી.આઇ દવે વચ્ચે સતત સંપર્કમાં રહી મોબાઇલનું લોકેશન ટ્રેક કરતા ભાવનગર તરફ આગળ વધી રહ્યા હતા. તેજ સમયે એક કાર અમદાવાદ તરફ દોડી રહી હતી. આ કારમાં પ્રશાંત કામત હતો. પ્રશાંત કામત હવે બધુજ બેકગ્રાઉંડ કામ સંભાળવાનો હતો. તે આજે ખૂબજ ખુશ હતો. વર્ષોની મહેનત પછી આજે તેનું લક્ષ્ય હવે હાથ વેતમાં દૂર હતું. હવે પછી બનનારી ઘટના અને તેને લીધે થનાર હાઇપના વિચારથી તે રોમાંચીત થઇ ગયો હતો. તે અત્યારે જે કરવા જઇ રહ્યો હતો તેનાથી પૉલીસનું અને સરકારી તંત્રનું સમગ્ર ધ્યાન તે ચલાવતો હતો તે કાર પર કેંદ્ર્રીત થઈ જવાનું હતું. હવે પછીના બ્રેકીંગ ન્યુઝની હેડલાઇન્સ શું હશે? તે વિચાર કરતો તે આગળ વધતો હતો. તે વટામણ ચોકડી પાસે પહોચ્યો ત્યાં તેને ફુલ સ્પીડમાં જતી બે પૉલીસ જિપ સામે મળી. આ એજ જિપ હતી જેમાં બાપુ ભાવનગર તરફ જતા હતા. આ જોઇ વિલીને થોડો ડર લાગ્યો અને તેની સિક્થ સેંસ કહેવા લાગી કે જરુર આ અમારા માટેજ જઇ રહી છે.

---------------------*********--------------------**********-------------------------*******------------

આ બાજુ વિલીએ સુપ્રિયાને ફોન કર્યો અને વાત ચાલુ કરતા કહ્યું “હાઇ પ્રિયા, હું સુમિત બોલુ છું.” વિલી સુપ્રિયાને પ્રેમથી પ્રિયા કહેતો અને સુપ્રિયા વિલીને મિત કહેતી. વિલીનો અવાજ સાંભળતાજ સુપ્રિયાએ ગુસ્સામાં કહ્યું “મિત તુ કેવો માણસ છે? જવાબદારી જેવી કોઇ વસ્તુ હોય કે નહીં? કાલે તે મને સવારે કોલ કરીશ તેવું કહ્યુ હતું. પણ આજે સવારથીજ તારો કોઇ કોલ ઉચકતો નથી. મે તને કેટલા કોલ કર્યા અત્યાર સુધી. મને તો તારી ચિંતા થતી હતી. અને આ કોનો નંબર છે?” પ્રિયા ગુસ્સામાં ઘણુ બોલી ગઇ પણ પછી તેને ખ્યાલ આવ્યો કે વિલી એકદમ શાંત છે એટલે તે રોકાઇ.

“પ્રિયા, મારે તને એક ખૂબ જરુરી વાત કરવી છે?” વિલીએ એકદમ ધીમા અવાજે કહ્યું.

વિલીનો એકદમ સપાટ સ્વર સાંભળી સુપ્રિયા સમજી ગઇ કે જરુર કંઇક પ્રોબ્લેમ છે. એટલે તેણે કહ્યું “શું થયું મિત?તારો અવાજ કેમ આટલો બધો ઢીલો પડી ગયો હોય એમ લાગે છે? કંઇ સિરીયસ મેટર છે? કે પછી તબિયત સારી નથી? હું તને ના પાડુ છું ને કે તું બહું દોડધામ કરતો નહીં.”

“ના, પ્રિયા મારી તબિયત એકદમ સારી છે. મારે તને ખૂબ અગત્યની વાત કરવી છે. મારે તારી પાસે થોડીક કબુલાત કરવી છે અને તારી માફી માગવી છે.”

“તુ શું વાત કરે છે? શેની કબુલાત કરવી છે? કઇ વાતની માફી માગવી છે? તું આમ ગોળ ગોળ વાતો ન કર. એક કામ કર તું મારા ફ્લેટ પર આવી જા બેસીને શાંતિથી જે કહેવુ હોય તે કહેજે.” પ્રિયાએ કહ્યું.

“નહીં, પ્રિયા હું ત્યાં આવી શકુ એમ નથી. તું મારી વાત શાંતીથી સાંભળજે. મે તને ઘણો ઘણો અન્યાય કર્યો છે.” આટલુ કહી વિલી થોડુ રોકાયો એટલે નિશીથે કહ્યું “ચાલ બોલ જલદી બહુ વાર નહી લગાડ. તે છોકરી બીચારી તારા પર મરે છે અને તે તેને સાચુ નામ પણ નથી બતાવ્યું. વિલી તને તો નર્કમાં પણ જગ્યા નહી મળે.”

વિલીને નિશીથના આ શબ્દો જાણે આકાશમાંથી થયેલી ભવિષ્યવાણી હોય તેમ સાચા લાગતા હતા.

-------------#######--------------------##########---------------#######‌‌‌‌-------- ---------

મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.

‌‌‌‌-----------------***********--------------------***********------------------************-----------------

HIREN K BHATT:- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM