વીષાદ યોગ- પ્રકરણ - 5 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વીષાદ યોગ- પ્રકરણ - 5

કશિશ કૉલેજના ગેટની બહાર રાહ જોઇને ઊભી હતી. આજે રવિવાર હોવાથી કૉલેજ બંધ હતી. કશિશ ઊભી ઊભી વિચારતી હતી કે નિશિથને તેનું શું કામ હશે? કેમ તેને આજે અહીં મળવા બોલાવી હશે?

શનિવારે કૉલેજથી છુટીને કશિશ સ્કુટી લઇને જવાની તૈયારી કરતી હતી ત્યાં નિશિથ તેની પાસે આવીને બોલ્યો “કશિશ મારે તારું થોડું કામ છે. તું મને કાલે મળી શકીશ?”

“હા કેમ નહીં? ક્યારે મળવું છે બોલ?” કશિશને આ સાંભળી નવાઇ તો લાગી કેમકે તે લોકો તો ખૂબ સારા મિત્રો હતા. ગૃપમાં બધી જ વાતો થતી તો પછી એવું શું કામ છે કે નિશિથ તેને રવિવારે એકલો મળવા માગે છે?

“એ તો તું કાલે મળીશ ત્યારે જ કહીશ. કાલે અહીં કૉલેજનાં ગેટ પરજ 11 વાગે મળજે.” નિશિથે કહ્યું.

“ઓકે.” કહીને કશિશ સ્કુટી લઇને જતી રહી. કશિશ વિચારતી કૉલેજના ગેટ પાસે ઊભી હતી, ત્યાં દૂરથી નિશિથ તેનું બાઇક લઇને આવતો દેખાયો. નિશિથે તેની પાસે આવીને બાઇક ઊભુ રાખ્યું અને કશિશને બેસી જવા કહ્યું. કશિશે તેને કંઇ બાજુ જવુ છે તે પુછ્યું તો નિશિથે કહ્યું કે એ હું તને પછી કહું છું પહેલા તું અત્યારે બાઇક પર બેસીજા. કશિશ બાઇક પર બેઠી એટલે નિશિથે બાઇકને કાલાવડ રોડ તરફ જવા દીધી. બાઇક ફૂલ સ્પીડમાં જતું હતુ. બંને પોત-પોતાના વિચારમાં ખોવાયેલા હતા. થોડીવાર બાદ એક હોટલ પાસે નિશિથે બાઇકને ધીમું પાડ્યું અને હોટલના પાર્કિંગમાં બાઇક પાર્ક કર્યુ. બંને હોટલમાં ગયા અને કોર્નર ટેબલ પર જઇને બેઠા. વેઇટર પાણી લઇને આવ્યો એટલે નિશિથે બે કૉફીનો ઓર્ડર આપ્યો. વેઇટર ગયો એટલે કશિશે પુછ્યું “બોલ હવે શું કામ હતુ?”

“ મારે તારી પાસેથી થોડી સલાહ લેવાની હતી.”

“ કઇ બાબતમાં મારી સલાહની જરૂર પડી?” કશિશે પુછ્યું

“ જો મારી વાત ધ્યાનથી સાંભળજે અને પછી તારો જે પણ અભિપ્રાય હોય તે મને કહેજે.” એમ કહી નિશિથે વાત કહેવાની શરૂઆત કરી “ જો એમાં એવું છે કે એક છોકરી છે. જે મારી સાથે 12મા ધોરણમાં ભણતી હતી. તેનું નામ શિખા છે. મને તે પસંદ છે, પણ તે મને ભાવજ નથી આપતી. અમારી વચ્ચે ઘણા સમયથી ખૂબ સારી મિત્રતા છે પણ તેનાથી વાત આગળજ વધતી નથી. તે ગમેતે કારણસર મારાથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. મે કારણ જાણવા પ્રયત્ન કર્યો તો મને ખબર પડીકે કોઇક કારણ છે જેને લીધે તેને પૈસાદાર છોકરાથી નફરત છે.” આ વાત આવી એ સાથેજ કશિશ ચોંકી ગઇ જે નિશિથના ધ્યાનમાં આવી ગયું. નિશિથે આગળ વાત કરતા કહ્યું “એટલે મારે તને એજ પુછવું છે કે એવુ શું કરું કે જેથી તે મને પસંદ કરે.”

આ વાત સાંભળી કશિશની દિલમાં કઇંક અલગ જ લાગણી થઇ આ લાગણી કશિશ માટે પણ નવી હતી. તેને શિખા પ્રત્યે થોડી જેલસી થવા લાગી. કશિશ મનોમન વિચારવા લાગી કે આવું કેમ થાય છે? મને શું ફેર પડે છે? મને કેમ જેલસી થાય છે? પણ નિશિથ તેને જોઇ રહ્યો હતો એટલે સાવધ થઇ ગઇ અને બોલી “એમા હું શું કહી શકું . તારે તેની સાથે ચર્ચા કરવી જોઇએ” કશિશે કહ્યું

“પણ શું વાત કરવી? તેને મારા પૈસાદાર હોવા માટે જ નફરત છે. હું શું કરી શકુ એમાં?” નિશિથે કહ્યું.

કશિશ થોડીવાર વિચારીને કહ્યું “ પૈસાદાર હોવુ એ કંઇ ગુનો નથી. તે છોકરીએ તને માત્ર પૈસાદાર હોવાના લીધે દૂર નહી રાખ્યો હોય. જરૂર કોઇ કારણ હશે તેની પાછળ. તુ તે જાણવાનો પ્રયત્ન કર. તેને એવો અનુભવ કરાવ કે માત્ર પૈસાદાર હોવું એજ તારી ઓળખ નથી. તુ એક સારો વ્યક્તિ છે. જે કોઇપણ સંજોગોમાં તેનો સાથ નિભાવીશ”

“પણ કઇ રીતે જાણું? મે તો તેનો વિશ્વાસ જીતવા માટે ઘણું કર્યુ પણ તે છોકરી એક કોચલામાં પુરાઇને બેઠી છે. કોઇને કશી વાત કરતી નથી. હું ઇચ્છુ છું કે તે આ કોચલામાંથી બહાર નીકળે. હું દોસ્તી ખોઇ બેસવાના ડરથી વધુ કંઇ પુછી શકતો નથી. અને મારાથી બનતા બધાજ પ્રયત્ન મે કરેલા છે.” આ સાંભળી કશિશ નિશિથ સામે વેધક નજરે જોઇ રહી અને વિચારવા લાગી નિશિથતો મારીજ વાત કરતો હોય તેવુ લાગે છે પણ મે તો ક્યારેય તેને એવી વાત કરી નથી. કે પછી તે સાચેજ કોઇને પસંદ કરતો હશે? તો તેમાં હું શું કામ ટેન્સન લઉં છું? અચાનક તેનુ ધ્યાન ગયુ કે નિશિથ તેની સામે જોઇ રહ્યો છે એટલે તેણે વિચારવાનું બંધ કરી કહ્યું “હવે આમા તો વધારે હું શું કહી શકું? તારે તેની સાથેજ વ્યવસ્થિત વાત કરવી જોઈએ. એકવાર ખુલ્લા દિલથી વાત કરીલે મને લાગે છે તે તારી વાત સમજશે. તારા જેવા સારા અને ભલા છોકરા સાથે એ વધુ વાર આવુ નહી કરી શકે.” આ સાંભળી નિશિથના ચહેરા પર વિજયના ભાવ આવી ગયા અને બોલ્યો “ઓકે તો સાંભળ આ આખી વાતમાં શિખાની જગ્યાએ તું છે. શિખા નામની કોઇ છોકરીને હું ઓળખતો જ નથી. મારે તો તારી સાથે વાત કરવી હતી પણ સીધી વાત કરવાની હું હિમ્મત ના કરી શક્યો એટલે આ રીતે કરી.” એટલું કહી નિશિથ પોતાની જગ્યા પરથી ઊભો થઇ ગયો અને ખીસ્સામાંથી ગુલાબ કાઢી બોલ્યો “ કશિશ, આઇ લવ યુ? હું ખરા દિલથી તને પ્રેમ કરું છું. શું તું મને પસંદ કરીશ?” આ સાંભળી કશિશ થોડીવાર તો કંઇ બોલી નહીં પછી ગુલાબ હાથમાં લઇને કહ્યું “નિશિથ હું તને પસંદ તો કેટલા સમયથી કરું છું, પણ.” આટલુ બોલી ત્યાં તેની આંખમાંથી આંસુ નિકળવા લાગ્યા. આ જોઇ નિશિથ તેની પાસે બેસી ગયો અને બોલ્યો “સોરી કશિશ આ બધું કરી મારો તને દુઃખ પહોંચાડવાનો સહેજ પણ ઇરાદો નહોતો. હું તો માત્ર તારા સુધી મારા દિલની વાત પહોચાડવા માગતો હતો. પૈસાદાર પિતાનો પુત્ર એજ મારી ઓળખ નથી. હું માત્ર પૈસાદાર નથી પણ એક સારો વ્યક્તિ, એક સારો મિત્ર છું અને એક સારો પ્રેમી પણ બનીશ. માત્ર સારા કપડામાં હાઇફાઇ લાઇફ જ હું જીવી શકુ એવુ નથી. હું એક સામન્ય કે તેનાથી નીચેના માણસ તરીકે પણ જીવી શકુ છું. જિંદગીમાં પૈસા કરતા માણસના સ્વભાવ સંબંધ અને લાગણીનું વધારે મહત્વ છે. બસ મારે તો આજ તને કહેવું હતુ.”

આ સાંભળી નિશિથ સામે જોઇને કશિશ બોલી “નિશિથ આમા તારો કોઇ પ્રોબ્લેમ નથી. મને ખબર છે કે તું સારો માણસ છે. મને ખબર છે કે હું તારી લાગણીને સમજીને પણ તારી સાથે અજાણ્યા જેવું વર્તન કરું છું. આમા તારી કોઇ ભુલ નથી. આ તો મારોજ પ્રોબ્લેમ છે કે હું એ ઘટના ભૂલી શકતી નથી.”

“કશિશ, મને ખબર છે કે તારી સાથે ભૂતકાળમાં કંઇક એવુ થયું છે, જેને લીધે તને પૈસાદાર લોકોથી નફરત થઇ ગઇ છે. તું મને વાત કર એવું તો શું બન્યું કે તુ બધાજ પૈસાદાર લોકોને નફરત કરવા લાગી. તુ મને કહીદે, જેથી તારા દિલ પરનો ભાર હળવો થઇ જશે.” નિશિથે કશિશનો હાથ પકડી કહ્યું.

કશિશે નિશિથની સામે જોયું તો નિશિથની આંખમાં તેને પોતાના માટે પ્રેમનો દરીયો હિલોળા લેતો દેખાયો. આ લાગણીના પ્રવાહને હું ક્યાં સુધી રોકી શકીશ? હું મારી જાતને પણ ક્યાં સુધી છેતરી શકીશ? મારે કબૂલવુ જ પડશે કે હું ધીમે ધીમે નિશિથ તરફ ખેંચાતી જાવ છું. કશિશને આમ વિચારતી જોઇ નિશિથ બોલ્યો “મને કહી દે કશિશ. તને સારું લાગશે. એકવાર એ તડફડાટ એ નફરત બહાર કાઢી નાખ. તારું દિલ હળવું થઇ જશે. વાત ગમે તે હશે, તો પણ તારા પ્રત્યેની મારી લાગણીમાં કોઇ ફેર નહીં પડે. તેનુ હું પ્રોમીશ આપુ છું.”

કશિશે કહ્યું “નિશિથ હું તને આ વાત કહેવાની જ હતી. તને સાચું કહું તો મને પણ તારા પ્રત્યે લાગણી હતી જ પણ આ એક બનાવ મારા દિલમાં ફાસ બનીને ખુચી રહ્યો છે. જેને લીધે હું તારી સાથે ખુલ્લા દિલથી જોડાતા અચકાઇ રહી છું. તારાથી હું પણ વધુ સમય આ રીતે અળગી ન રહી શકી હોત. એક તુંજ છો જેના ઉપર હું આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકુ છું.” આ સાંભળી નિશિથ તેનો હાથ દબાવ્યો બંને એ રીતે હાથને પકડી રાખ્યા જાણે હાથ છુટતાજ તેનો સંબંધ છુટી જવાનો હોય. બંનેના હાથ વડે લાગણી વહેવા લાગી. કશિશે નિશિથના ખભા પર માથું મૂકી દીધું અને આંખમાંથી અશ્રુધારા વહી નીકળી. કશિશે વાત કરવાની શરૂઆત કરી “આજથી લગભગ દોઢ વર્ષ પહેલાની વાત છે. હું 11માં ધોરણના વેકેશનમાં સુરત મારા માસીને ત્યાં રોકાવા ગઇ હતી. મારા માસીની દીકરી ખુશી મારા કરતા ત્રણ વર્ષ મોટી હતી. તે કૉલેજના બીજા વર્ષમાં ભણતી હતી. અમને બંનેને એકબીજા સાથે ખૂબ ફાવતું. હું આ પહેલા પણ એક બે વાર ત્યાં રોકાવા જઇ આવી હતી. આ વખતે હું ગઇ ત્યારથીજ ખુશી મને ખૂબ ઉદાસ લાગતી હતી. તે બહારથી તો ખુશ દેખાવા પ્રયત્ન કરતી પણ તેની પાછળની ઉદાસી મને દેખાતી હતી. એક બે દિવસ પછી એક રાતે મારા માસી અને માસા બહાર ગયા હતા અને અમે બંને ઘરમા એકલા હતા ત્યારે મે તેને પુછ્યુ કે “તુ કેમ ઉદાસ ઉદાસ રહે છે તને કોઇ પ્રોબ્લેમ છે?” પહેલા તો તેણે મારી વાત ઉડાવી દીધી પણ મે તેને આગ્રહ કર્યો તો તે મને વળગીને રડી પડી. તે થોડી શાંત પડી એટલે મે તેને પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પી લીધા પછી તે કંઇ બોલી નહી એટલે મે તેને કહ્યું “ ખુશી, જે હોય તે મને કહીદે તેનાથી તને પણ સારું લાગશે. અંદરને અંદર ગુંગળાયા કરવા કરતા મને કહીને હલકી થઇ જા. જે પણ પ્રોબ્લેમ હશે તેનો આપણે મળીને ઉકેલ શોધીશુ.”

આ સાંભળી તે બોલી “આ પ્રોબ્લેમનો કોઇ ઉકેલ નથી.”

“તુ એમ નાસીપાસ ન થઇ જા. તું મને વાત તો કર કદાચ હું તને કંઇક મદદ કરી શકુ.” મે કહ્યું.

આ વાત સાંભળી તેણે મને કહ્યું “જો કશિશ આ હું તને કહું છું, પણ પહેલા તારે મને પ્રોમિસ આપવું પડશે કે આ વાત તું કોઇને કહીશ નહી.”

મે તેના હાથમાં હાથ મૂકી પ્રોમિસ આપી એટલે ખુશીએ વાત કરવાની શરૂઆત કરી.

“ હું કૉલેજથી છુટીને અહીં પ્રાઇમ માર્કેટમાં કોમ્પ્યુટર ક્લાસીસમાં જાવ છું. આજથી લગભગ છ સાત મહિના પહેલાની વાત છે. મારું કલાસીસ ત્રીજા માળ પર છે. એક દિવસ હું લિફ્ટમાં ઉપર જતી હતી ત્યાં પાવર જતો રહેતા લિફ્ટ અચાનક પહેલા માળ પર પહોંચી ઊભી રહી ગઇ. લિફ્ટમાં પણ પાવર જતા અંધારું થઇ ગયું. હું તો આ જોઇ ગભરાઇ ગઇ અને બૂમો પાડવા લાગી. આ બૂમો સાંભળી એક યુવાન ત્યાં આવ્યો અને બોલ્યો તમે ગભરાવ નહીં. હું દરવાજો ખોલુ છું. તે યુવાને મહેનત કરી થોડીવાર બાદ દરવાજો ખોલ્યો. દરવાજો ખુલતાજ તે યુવાન સામે આવ્યો. તે એકદમ સુંદર અને હેન્ડસમ હતો. લિફ્ટ પહેલા માળથી થોડી ઉંચાઇ પર અટકી ગઇ હતી એટલે તે યુવાન મારો હાથ પકડી મને નીચે ઉતારવા લાગ્યો પણ ગભરાટમાં મારું બેલેન્સ ન રહ્યું અને હું લપસી ગઇ. તે યુવાને મને પકડી લીધી પણ ડરને લીધે હું તેને ચોંટી ગઇ. તરતજ હું શરમને લીધે તેનાથી દૂર થઇ ગઇ અને થેંક્યુ કહીને જતી રહી. તેના શરીરમાંથી આવતી ખૂબસૂરત સુગંધ મને વારે વારે યાદ આવતી હતી. બીજા દિવસે પણ તે મને લિફ્ટમાં મળ્યો અને અમે એકબીજા સામે હસ્યા. પછી તો તે મને રોજ મળતો ઘીમે ધીમે અમારી ઓળખાણ થઇ. તેનું નામ ધ્રુવ પટેલ હતુ. તેના પપ્પા સુરતના ખૂબ પ્રખ્યાત બિલ્ડર હતા. તેની કંપની “પટેલ ડેવલપર્સની” ઓફિસ અમારા ક્લાસીસના નીચેના માળે હતી. થોડા દિવસોમાં અમે મિત્રો બની ગયા. એક દિવસ તેણે મને કૉફી પીવાનુ આમંત્રણ આપ્યુ. અમે ત્યાં નજીકમાં આવેલા કૉફી શોપમાં જઇને બેઠા. શરૂઆતમાં તો બંનેએ એકબીજાનો પરિચય આપ્યો. ધ્રુવ સિવિલ એન્જિનિયર હતો અને તેના પપ્પાનો બિઝનેશ સંભાળતો હતો. અમે ઘણા સમય સુધી બેસીને વાતો કરી. ત્યારબાદ તો અમે લગભગ અઠવાડિયામાં ત્રણ ચાર વાર કૉફી શોપમાં મળવા લાગ્યા. એક દિવસ તેણે મને પ્રપોઝ કર્યું અને મે તે સ્વીકારી લીધું. તે ખૂબ સારી રીતે મને રાખતો. મને ધ્રુવમાં મારા સપનાનો રાજકુમાર દેખાવા લાગ્યો હતો અને તેના સાનિધ્યમાં હું ખૂબ ખુશ હતી. અમે બંને તેની કારમાં લોંગ ડ્રાઇવ પર જતા. વચ્ચે મે બે ત્રણ વાર તેને લગ્ન વિશે વાત કરી તો તેણે કહ્યું મને થોડો સેટ થઇ જવા દે અને તું પણ કૉલેજ પુરી કરીલે પછી આપણે ઘરે વાત કરીશું. ત્યારબાદ એક દિવસ અમે બંને સેલવાસ લોંગ ડ્રાઇવ પર ગયા. અમે સેલવાસ પહોંચ્યા ત્યાં અચાનક જોરદાર વરસાદ તૂટી પડ્યો. આ જોઇ ધ્રુવે કહ્યું ખુશી એક કામ કરીએ આપણે અહીં હોટલમાં થોડીવાર આરામ કરીએ પછી વરસાદ બંધ થઇ જાય એટલે ગાર્ડનમાં ફરવા જઇશુ. મે તેને હા પાડી અને અમે બંને ત્યાં આવેલી એક હોટલના રૂમમાં ગયા. રૂમમાં જઇ બેડ પર લાંબા થઇ વાતો કરવા લાગ્યા. અચાનક તે મારી નજીક આવ્યો અને એક જોરદાર કિસ કરી. ધીમે ધીમે તે આગળ વધવા લાગ્યો. મે તેને રોકવાનો પ્રયત્ન કર્યો પણ તેણે ફરીથી મારા હોઠ પર કિસ કરી અને મને બોલતી બંધ કરી દીધી. અમારી સંયમની પાળ તૂટી ગઇ અને અમે એકમેકમાં સમાઇ ગયા. અમે બંને બધીજ સીમા ઓળંગી ગયા. ત્યારબાદ તો અમે ઘણીવાર આજ રીતે ફરવા ગયા. એક દિવસ મને ખબર પડીકે હું પ્રેગ્નન્ટ છું. આ ખબર પડતાજ હું ગભરાઇ ગઇ. મે બીજા દિવસે ધ્રુવને આ વાત કરી તો તે મારા પર ગુસ્સે થઇ ગયો અને મને એબોર્સન કરાવવાનું કહ્યું. મે તેનો વિરોધ કર્યો અને તેને લગ્ન કરવાની વાત કરી. તેમાથી અમારી બંને વચ્ચે જોરદાર ઝગડો થયો. તે દિવસથી તેણે મારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ. છેલ્લે એક અઠવાડિયા પછી હું હિમ્મત કરીને તેની ઑફિસમાં ગઇ. તે તો ઑફિસમાં નહોતો પણ તેના ક્લાર્કે જે કહ્યું એ સાંભળી મારા પગ નીચેથી ઘરતી ખસી ગઇ. ક્લાર્કે કહ્યું કે આજે ધ્રુવની સગાઇ છે. આ સાંભળીને મને તો બધુંજ ગોળ ગોળ ફરતું હોય તેવું લાગ્યું. મે માંડ માંડ કરીને સંતુલન જાળવ્યું અને પછી થોડી પૂછપરછ કરીતો ખબર પડીકે કોઇ અમેરિકાની છોકરી સાથે તેની સગાઇ થઇ છે. ત્યારબાદ હું ત્યાંથી નીકળી ગઇ. બીજા દિવસે મે તેને તેની ઑફિસ પર જ પકડ્યો અને તેની સગાઇ વિશે પુછ્યુ તો તેણે એકદમજ નફટાઇથી કહ્યું ‘હા મારી સગાઇ થઇ ગઇ છે જો તારે એબોર્સન કરાવવું હોય તો હું વ્યવસ્થા કરાવી આપું, બાકી મને તારામાં કોઇ રસ નથી. આ સાંભળી મને એવો ગુસ્સો આવ્યો કે મે તેને એક તમાચો મારી દીધો અને ત્યાંથી નીકળી ગઇ પાછળથી તે મને બોલતા સંભળાયો “સાલી *** હવે મને મળી તો મારી નાખીશ.” તે વાતને આજે મહિનો થઇ ગયો. હું તેને મળીજ નથી. હવે મારે શું કરવું એજ મને સમજાતું નથી. આમ કહી ખુશી મને ભેટીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. આટલી વાત કહી કશિશ થોડીવાર રોકાઇ અને પાણી પીને આગળ બોલી “બીજા દિવસે હું તેને મનાવીને ડૉક્ટર પાસે લઇ ગઇ પણ ડૉક્ટરે કહ્યું કે હવે તો ગર્ભ ચાર મહિના ઉપરનો થઇ ગયો છે અને ગર્ભપાત કરીએ તો તમારા પર પણ જોખમ રહે એટલે અમે તમારા મમ્મી પપ્પાની મંજૂરી વગર આ ગર્ભપાત ન કરી શકીએ. આ સાંભળી અમારી રહી સહી આશા પણ જતી રહી. ત્યાંથી અમે ઘરે આવ્યા ત્યાં ખુશી પર એક કોલ આવ્યો એ કોલ પુરો કરી ખુશી આવી ત્યારે તેની આંખોમાં જે ભાવ હતા તે જોઇ હું ધ્રુજી ગઇ. મે તેને બે ત્રણ વાર પુછ્યું ત્યારે તે જાણે પોતાની જાતને કહેતી હોય તેમ બોલી “તે લગ્ન કરી અમેરીકા જતો રહ્યો. બધુજ ખતમ થઇ ગયું.” આ સાંભળી મને પણ જોરદાર ઝટકો લાગ્યો પણ મે તેને દિલાસો આપતા કહ્યું આપણે કંઇક રસ્તો કાઢીશું. તું થોડી શાંતી રાખ પણ, મને તેની આંખમા જાણે એક ભાવ આવીને થ્રીજી ગયો હોય તેવું લાગ્યું. જાણે તે પુતળું હોય તેવી તેની આંખો હતી. તે દિવસે મે ટી.વી જોવાનું બહાનું કાઢી હોલમાં સુતા સુતા ઘણુ વિચાર્યુ કે શું કરવું જોઇએ. આમ વિચાર કરતા કરતાજ મને ઊંઘ આવી ગઇ. અચાનક જોર જોરથી અવાજ આવતા મારી ઊંઘ ઉડી ગઇ. મે જોયું તો સવાર થઇ ગઇ હતી. માસા અને માસી ખુશીના રૂમનો દરવાજો જોરથી ખખડાવતા હતા પણ અંદરથી કોઇ હિલચાલ થતી નહોતી. આ જોઇ મને તો ધ્રાસકો પડી ગયો. થોડીવાર બાદ આજુબાજુવાળા આવી ગયા અને દરવાજો તોડી નાખ્યો. દરવાજો ખુલતાજ મે જોયું તો ખુશી રૂમની વચ્ચે જ પડી હતી અને તેના એક હાથમાં ચાકું હતુ અને તેના બીજા હાથમાંથી લોહી નીકળી બાજુમાં ખાબોચિયું ભરાઇ ગયું હતું. તેણે તેના કાંડાની નસ કાપી આત્મહત્યા કરી હતી. આ દ્રશ્ય જોઇ માસીતો બેભાન થઇ ગયા અને માસા પણ માંડ સંતુલન જાળવી શક્યા. તરતજ કોઇએ ફોન કરી એમ્બ્યુલન્સ બોલાવી પણ ડૉક્ટરે આવ્યા અને તપાસીને કહી દીધુકે “આઇ એમ સોરી. સી ઇઝ નો મોર. “

આટલી લાંબી વાત કરી કશિશના આંખમાં આંસુ આવી ગયા. આ જોઇ નિશિથે કશિશના ખભે હાથ મૂક્યો એ સાથે જ કશિશનો બંધ તૂટી ગયો. અત્યાર સુધી જાળવી રાખેલો સં‌યમ છુટી ગયો અને તે નિશિથને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી. નિશિથે તેને રડી લેવા દીધી. તે ક્યાંય સુધી રડતી રહી. થોડી શાંત પડી એટલે નિશિથે તેને પાણી આપ્યું.

----------------------------------------------------------------------------------------------

મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો.મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM