VISHAD YOG- CHAPTER- 4 books and stories free download online pdf in Gujarati

વિષાદ યોગ - પ્રકરણ- 4

પ્રસ્તાવના:-

જિંદગી ક્યારેક માણસ સાથે એવા ખેલ ખેલે છે કે માણસ માત્ર પ્યાદુ બની રહી જાય છે. જિંદગી ક્યારેક રંગમંચ કરતા પણ રોમાંચક મોડ પર આવી જાય છે અને માણસે સ્વપ્નમાં પણ ન ધારેલી પરિસ્થિતી સર્જાય છે. જિંદગીના રંગમંચ પર જ્યારે પડદો ઉચકાય છે ત્યારે તેની પાછળના ચહેરા જોઇને માણસ ચક્કર ખાય જાય છે. આવીજ એક જિંદગી જીવનાર યુવાન નિશિથની આ કથા છે જેમાં સસ્પેંસ છે, ક્રાઇમ છે અને દિલને ધડકાવી દે તેવું થ્રીલ છે. તો મિત્રો ચાલો આ રોમાંચક સફરમાં ફરીથી આગળ વધીએ.

‌‌‌‌‌‌‌‌‌_______________________________________________________________________

સુનંદા બહેને નિશિથને પુછ્યું “તારા અને કશિશ વચ્ચે કેવા સંબંધો છે?”

આ સાંભળતાજ નિશિથ ગૂંચવાઇ ગયો કે શું જવાબ આપવો? જોકે તેને ખબર હતી કે આ સવાલ ક્યારેક તો સામે આવવાનોજ છે પણ તેની મમ્મી આમ સીધુજ પુછી લેશે તેવી તેને આશા નહોતી.

થોડીવાર તે કંઇ બોલ્યો નહીં પછી તેણે નક્કી કર્યુ કે હું મમ્મીથી કોઇ વાત છુપાવતો નથી તો આ વાત શું કામ છુપાવવી જોઇએ એટલે તેણે કહ્યું

“ મમ્મી આ વાતમાં મને પોતાને જ કંઇ સમજાતુ નથી. બાકી મે ક્યાં આજ સુધી તારાથી કોઇ વાત છુપાવી છે?” નિશિથ સુનંદાબેનનો પ્રતિભાવ જાણવા રોકાયો પણ તે કંઇ બોલ્યા નહીં એટલે નિશિથે આગળ કહ્યું “ મારી અને કશિશ વચ્ચે ખૂબ સારી મિત્રતા છે અને આમ જોઇએ તો આ સંબંઘ મિત્રતાથી પણ કંઇક વધારે છે. હજુ સુધી અમે બંનેમાંથી કોઇએ આ વિશે સ્પષ્ટતા કરી નથી. કદાચ બંને સામસામે પહેલ કરવાની રાહ જોઇએ છીએ.” નિશિથને થયુ કે તે બહુ બોલી ગયો એટલે તે રોકાયો.

સુનંદાબેન થોડીવાર નિશિથ સામે જોઇ રહ્યા અને પછી બોલ્યા. “ દીકરા આજે પહેલીવાર તું મને આટલી લાંબી સફાઇ આપી રહ્યો છે. પણ મારો પ્રશ્ન તો હજુ ઊભોજ છે કે તને કશિશ પ્રત્યે કેવી લાગણી છે?”

નિશિથ સમજી ગયો કે હવે સ્પષ્ટ જવાબ આપ્યા વગર ચાલશે નહી. તે સુનંદાબેનને સારી રીતે જાણતો હતો. તેને ખબર હતી કે જ્યાં સુધી સંતોષકારક જવાબ નહી મળે ત્યાં સુધી મમ્મી વાત છોડશે નહી.નિશિથે થોડુ વિચારીને કહ્યું “મમ્મી કશિશને જોઇને મને જે ફિલીંગ થાય છે તે જિંદગીમાં પહેલીવાર થઇ છે. તને તો ખબર છે કે આ પહેલા પણ ઘણી છોકરીઓ મારી સાથે જોડાવા ઇચ્છતી હતી. તે બધી માટે મને ક્યારેય આવી લાગણી થઇ નથી. જો ચોખ્ખું કહું તો હું કશિશને પસંદ કરું છું. અમે બંને ધીમે-ધીમે નજીક આવી રહ્યા છીએ પણ હજુ કશિશને મારા પ્રત્યે કેવી લાગણી છે તેની મને ખબર નથી.”

આ સાંભળી સુનંદાબેન હસી પડ્યા અને બોલ્યાં “ચાલ સારું થયું. તને કોઇ છોકરી ગમી તો ખરી. અત્યાર સુધી તું જે રીતે છોકરીઓને રિજેક્ટ કરતો હતો તેનાથી મને તો એજ ટેન્સન હતું કે તને ગમે એવી છોકરી શોધીશ ક્યાંથી?”

આ સાંભળી નિશિથ હસી પડ્યો. સુનંદાબેને ગંભીર થઇ આગળ કહ્યું “ જો દિકરા મે કશિશની આંખમાં પણ તારા માટે એવીજ લાગણી જોઇ છે જે તારી આંખમાં કશિશ માટે છે. હવે તારી ઉમર એવી છે કે તું તારા નિર્ણયો જાતે લઇ શકે, પણ એક મા અને ખાસ તો એક સ્ત્રી તરીકે હું તારી પાસેથી અપેક્ષા રાખીશ કે, તું જે પણ સંબંઘમાં જોડાય તેને પુરી વફાદારીથી નિભાવે. અત્યારની તમારી જનરેશન માત્ર ટાઇમપાસ માટે સંબંધ બનાવે છે. તમે લોકો સંબંઘને ગંભીરતાથી લેતા નથી પણ હું ઇચ્છિશ કે તું જે પણ સંબંધ બનાવે તેને પૂરતી ઇમાનદારીથી નીભાવે.

“ મમ્મી પહેલા સંબંધ બંધાશે તો નિભાવીશ ને. મને તો એજ નથી સમજાતું કે તેની સાથે આ બાબતે કઇ રીતે વાત કરવી?” નિશિથે હિમ્મત કરી તેના દિલની વાત કહી દીધી.

“જો દિકરા એ તો તુજ જાણે કે તારે કઇ રીતે કશિશને કહેવુ પણ મે જે જોયું તેના પરથી હું એટલુ ચોક્કસ કહીશ કે કોઇક વસ્તુ છે, જે કશિશને તારી સાથેના સંબંઘમાં આગળ વધતા રોકી રહી છે. હવે એ તારેજ શોધવું પડશે કે એ શું છે અને તેનો ઇલાજ શું છે?” સુનંદાબેને નિશિથને સમજાવતાં કહ્યું

“પણ મમ્મી એ કેવી રીતે ખબર પડે કે તેને શું પ્રોબ્લેમ છે?” નિશિથે ગૂંચવાતા કહ્યું.

“ એ તો હવે તારે નક્કી કરવાનું છે કે કઇ રીતે ખબર પડે. છોકરીઓને એજ છોકરો ગમે છે જે તેના દિલની વાત કહ્યા વગર સમજી જાય. છોકરી માટે લાગણી મહત્વની હોય છે જ્યારે તમારા માટે દેખાવ મહત્વનો હોય છે. આ સામાન્ય ભેદ તમે નથી સમજી શકતા એટલેજ પ્રોબ્લેમ થાય છે. છોકરીને સમજવી જરૂરી છે. તું તેને સમજી શકીશ તો તેને મેળવતા તને કોઇ રોકી નહીં શકે.” સુનંદાબેને ઘણું લાંબુ બોલી ચુપ થઇ ગયા એટલે નિશિથે કહ્યું “મમ્મી શું હું કશિશ સાથે લાગણીથી જોડાઇશ તો તને ગમશે?”

“ તારા બધાજ નિર્ણયમાં હું તારી સાથે છું પણ હવે નિર્ણય તો તારે જાતેજ લેવો પડશે અને નિર્ણયના પરિણામ પણ તારેજ ભોગવવા પડશે. હવે તું મારા પર અવલંબિત રહે તે મને નહી ગમે. તારી જિંદગી તારે જ જીવવાની છે. હું તારા ભાગની જિંદગી નહી જીવી આપું. મે તને સંસ્કાર આપ્યા અને સમજદારી આપી, હવે તારે તેનો ઉપયોગ કરવાનો છે. જિંદગીમાં જવાબદારી લેવી અને તેને નિભાવવી એ ખૂબ મહત્વની બાબત છે. સફળતા તેનેજ મળે છે જે આ જવાબદારી લે છે અને ખૂબ સફળ રીતે નિભાવે છે.” આટલુ કહી સુનંદાબેન ઊભા થયા અને રસોડામાં જતા રહ્યા. નિશિથને હજુ ઘણા પ્રશ્ન પુછવાં હતા પણ તે જાણતો હતો કે તેની મમ્મી હવે કોઇ જવાબ નહી આપે. આ તેની એક આદત જ હતી કે વાત પુરી કરવી હોય અથવા ના કરવી હોય તો ઊભા થઇને જતા રહે.

નિશિથ ક્યાય સુધી તેની મમ્મીની વાત પર વિચાર કરતો બેસી રહ્યો. આજે નિશિથને તેના મમ્મીએ બીજીવાર દિલ ખોલીને એક મિત્ર તરીકે સલાહ આપી હતી. આ વિચારતાજ નિશિથને પહેલીવારનો કિસ્સો યાદ આવી ગયો.

નિશિથ જ્યારે 11માં ધોરણમાં ભણતો હતો ત્યારે તેને ફિઝીક્સ ખૂબજ અઘરું લાગતું તેથી તે કૃપેશ ભંડારી નામના એક ફિઝિક્સનાં શિક્ષકના ઘરે પર્સનલ ટ્યુશનમાં જતો. તે ટીચરની પત્ની સોનાલી બહુંજ સુંદર અને યુવાન હતી. સોનાલી હંમેશા નિશિથ સાથે હસી મજાક કરતી. એક દિવસ નિશિથ ટીચરના ઘરે ટ્યુશન માટે ગયો નિશિથે જોયું તો જે સોનાલી રોજ સાડીમાં હોય તેણે આજે એકદમ ટૂંકુ સ્કર્ટ અને ટીશર્ટ પહેરેલું હતુ. ટાઇટ ટીશર્ટમાંથી તેના શરીરના બધાજ વળાંકો દેખાતા હતા. નિશિથ સોફા પર બેઠો એટલે સોનાલીએ તેને પાણી આપ્યું અને નિશિથની એકદમ નજીક બેસી ગઇ.નિશિથે પુછ્યુ તો ખબર પડી કે સાહેબતો કોઇક કામથી બહાર ગયાં છે. આ સાંભળી નિશિથ જવા માટે ઊભો થતો હતો ત્યાં સોનાલીએ તેનો હાથ પકડી લીધો અને કહ્યું “કેમ તારા સાહેબ સિવાય અહીં કોઇ માણસજ નથી. મારી સાથે થોડી વાતો કર.” એમ કહી સોનાલીએ નિશિથને ધરારથી સોફા પર બેસાડી દીધો અને સોનાલી એકદમ નિશિથની પાસે બેસી ગઇ. આ જોઇ નિશિથને એકદમ અનકમ્ફર્ટેબલ ફીલ થવા લાગ્યું. નિશિથના ચહેરા પરના ભાવ જોઇ સોનાલી જોરથી હસી પડી અને નિશિથનો હાથ પકડતા બોલી “ કેમ આટલો નર્વસ છે? શું કોલેજમાં તારી કોઇ ગર્લફ્રેન્ડ નથી?”

આ પ્રશ્ન સાંભળીને નિશિથતો ડઘાઇ ગયો અને તેની સામે જ જોઇ રહ્યો આ જોઇ સોનાલી બોલી “એમા ગભરાય છે શું? બોલ તારે કોઇ ગર્લફ્રેન્ડ છે?”

નિશિથે અચકાતા અચકાતા કહ્યું “ના મારે કોઇ ગર્લફ્રેન્ડ નથી.”

આ જોઇ સોનાલી બોલી “ એલા તુ તો બહું શરમાળ છે એટલેજ તારી કોઇ ગર્લફ્રેન્ડ નથી. ચાલ આજથી હું તારી ગર્લફ્રેન્ડ છું એવુ સમજી લે.” એમ કહી સોનાલી નિશિથને ભેટી પડી.

નિશિથે ઝટકો મારી તેને દૂર કરી દીધી અને ઊભો થઇ બોલ્યો “મેડમ તમે આ શું કરો છો?”

આ સાંભળી સોનાલી ઊભી થઇ અને નિશિથની પાસે જતા બોલી “ નિશિથ મે તને જે દિવસથી જોયો છે ત્યારથી જ હું તને પામવા માટે તડપુ છું.પ્લીઝ મારી આ તડપ દૂર કરી દે.” એમ કહી સોનાલી નિશિથ તરફ આગળ વધી પણ નિશિથે તેને વચ્ચે જ રોકી દીધી અને બોલ્યો “સોરી, મેડમ હું એ ટાઇપનો છોકરો નથી. તમે ખોટો માણસ પકડ્યો છે.”

આ સાંભળી સોનાલીનો અહમ ઘવાયો અને તે છંછેડાઇ ગઇ અને તેનુ ટીશર્ટ કાઢતા બોલી “નિશિથ આ બધુ તારુંજ છે. મજા કર અને મને પણ મજા કરવા દે. તું એવી વસ્તુને તરછોડે છે જેના માટે ઘણા તરસે છે.આ વાત આપણા બે વચ્ચેજ રહેશે. કોઇને ખબર નહીં પડે.”

સોનાલીના ખુલ્લા શરીર સામે નિશિથે જોયું અને તરતજ નજર ફેરવી લીધી અને બોલ્યો “ સોરી મેડમ એ બીજા હશે જે આના માટે તરસે. હું એવો યુવક નથી. મને તમારા માટે ખૂબ આદર હતો પણ તમે આ કરી તે દૂર કરી નાખ્યો છે.” આમ કહીને નિશિથ દરવાજો ખોલીને જતો રહ્યો અને સોનાલી ગુસ્સાથી તેને જતો જોઇ રહી.

ત્યારબાદ બે દિવસ સુધી નિશિથ ટ્યુશન ન ગયો અને ઘરમા તે ઉદાસ રહેવા લાગ્યો. ત્રીજા દિવસે નિશિથ સ્કુલથી આવ્યો એટલે આજની જેમજ સુનંદાબેને તેને પાસે બેસાડ્યો અને કહ્યું “તારા ટ્યુશનના સરનો ફોન હતો કે તુ બે દિવસથી ટ્યુશન નથી જતો. મને બે દિવસથી તું કંઇક ઉદાસ હોય તેવું લાગે છે. બોલ શું પ્રોબ્લેમ છે? મને નહિ કહે?”

આ સાંભળી નિશિથ થોડીવાર વિચારમાં પડી ગયો અને પછી બોલ્યો “મમ્મી આ વાત જ એવી છે કે તને કેવી રીતે કહું તે જ સમજાતું નથી.”

આ સાંભળી સુનંદાબેન નિશિથના માથામાં હાથ ફેરવ્યો અને હસીને બોલ્યા “ અરે દિકરા, તુ તારા મનમા હોય તે કહી દે. જે રીતે તારા મિત્રો સાથે વાત કરે છે એજ રીતે મને કહી શકે. કોઇ પણ જાતના સંકોચ વિના જે હોય તે કહી દે.”

“મમ્મી મે ક્યાં અત્યાર સુધી કંઇ તારાથી છુપાવ્યુ છે? પણ આ વાત જ એવી છે કે મારી જીભ નથી ઊપડતી.” નિશિથ નીચે પગ તરફ જોઇ બોલ્યો.

સુનંદાબેન સાયકોલોજી વિષયમાં પી.એચ.ડી થયા હતા. નિશિથનાં જન્મ પહેલા થોડા સમય તેણે સાયકોલોજીનાં લેક્ચરર તરીકે જોબ કરી હતી. હજુ તે એન.જી.ઓ મારફતે કાઉન્સેલીંગની સેવા આપતા હતા. તે નિશિથની માનસિકતા સમજતા હતા. નિશિથને સમજાવતા સુનંદાબેને કહ્યું “ જો દીકરા તું અત્યારે તરુણાવસ્થામાં છે. આ ઉમર એવી છે કે તારા બધાજ હોર્મોંન્સ અત્યારે વિકાસ પામતા હોય એટલે તારામાં ઘણા શારીરીક અને માનસીક બદલાવ આવે. આ ઉમરે વિજાતીય આકર્ષણ પણ તીવ્ર થાય છે. તારો જે પણ પ્રોબ્લેમ હોય તે મને ખુલ્લા દિલથી કહી દે. આપણે બંને સાથે મળી તેનો ઉપાય શોધીશું.”

આ સાંભળી નિશિથનો સંકોચ ઓછો થયો અને તેણે સોનાલી સાથે બનેલી આખી વાત સુનંદાબેનને કહી. આ સાંભળી સુનંદાબેને નિશિથનો હાથ પોતાના હાથમાં લઇ એકદમ લાગણીથી કહ્યું “અરે દીકરા આમા તારો તો ક્યાં કંઈ વાંક છે તો પછી તું શું કામ ગભરાય છે?”

આ સાંભળી નિશિથને થોડી રાહત થતા તેણે કહ્યું “પણ આ સાંભળી તમે મારા વિશે કેવું વિચારો? તેનો જ મને તો ડર લાગતો હતો.”

“અરે દીકરા તારી આ વાતથી તો મારી છાતી ગજ ગજ ફૂલે છે. મને તારા પર ગર્વ છે કે તે અમારા સંસ્કારની ખરા સમયે લાજ રાખી. તે જે કર્યુ એ તારી ઉમરના તરુણો માટે ખૂબ મોટી બાબત છે. તમારી આ ઉંમર જ એવી છે કે તેમા વિજાતીય આકર્ષણ એકદમ પ્રબળ હોય છે તેમાં આતો તારી સામે ખુલ્લું આમંત્રણ હતું. આવા સંજોગોમાં ભલભલાનો સંયમ તૂટી જાય અને લપસી પડે. તે જે રીતે તારું મનોબળ મક્કમ રાખ્યું તે ખરેખર કાબીલેતારીફ છે. મને ગર્વ છે કે તું મારો દીકરો છે.”

આ સાંભળી નિશિથ સુનંદાબેનને વળગી પડ્યો. સુનંદાબેન પણ નિશિથના માથા પર હાથ ફેરવવા લાગ્યા અને તેની આંખ ભીની થઇ ગઇ. થોડીવાર બાદ નિશિથ અળગો થતા બોલ્યો “પણ મમ્મી તેણે આવુ કેમ કર્યુ? તે તો ઓલરેડી મેરિડ છે.”

આ સાંભળી સુનંદાબેને નિશિથને સમજાવતાં કહ્યું “દિકરા, માનવ સ્વભાવજ એવો છે કે પોતાની પાસે જે હોય તેના કરતા સારી વ્યક્તિ કે વસ્તુ સામે આવે એટલે પોતાની પાસે જે હોય તેની કિંમત ન રહે અને સામે રહેલ સારી વ્યક્તિ કે વસ્તુને મેળવી લેવા દોડ મૂકે. આ દોડમાં તે સમાજના નિયમો અને સંસ્કારને પણ છોડી દેતા વિચાર નથી કરતો. તારા કિસ્સામાં પણ એવુંજ છે. તારા જેવો સ્માર્ટ અને હેન્ડસમ યુવાન સામે દેખાતા તેને પોતાનો બનાવી લેવાની દોડમાં તેણે પોતાના પતિ પ્રત્યેની વફાદારી દાવ પર લગાવી દીધી. દીકરા જેમ ભુખ અને તરસ માણસને સાનભાન ભૂલાવી અને ઝનૂની બનાવી દે છે તેમ આ શરીરની ભુખ પણ માણસને બધીજ સાનભાન ભૂલાવી દે છે. આ કામ વાસનાનો ઉભરો ક્ષણિક હોય છે તે સમી ગયા પછી વ્યક્તિને ખુદને પસ્તાવો થાય છે પણ પછી તે બદલી શકાતું નથી. દરેક સ્ત્રી અને પુરુષની પાયાની ચાર જરૂરિયાત છે ખોરાક કપડા રહેઠાણ અને સેક્સ. સોનાલી માટે પહેલી ત્રણ જરૂરિયાત તો પુરી થઇ ગઇ પણ કોઇ પણ કારણોસર ચોથી જરૂરિયાત અધૂરી રહી હશે એટલે તેણે તારા તરફ હાથ લંબાવ્યો. કદાચ તેનું દામ્પત્ય જીવન સુખી નહી હોય પણ દામ્પત્ય જીવન માત્ર સેક્સ પર આધાર નથી રાખતું. દામ્પત્ય જીવન મુખ્ય ત્રણ પાયા છે. પ્રેમ, વિશ્વાસ અને સમજદારી. આ ત્રણ વિના દામ્પત્ય જીવન ટકતું નથી.”

સુનંદાબેને ખૂબ લાંબુ બોલી થાક્યા એટલે પાણીનો ગ્લાસ લઇ એકજ શ્વાસે આખો પી ગયા. પછી નિશિથ સામે જોઇને બોલ્યાં “બહુ મોટું લેક્ચર આપી દીધું તને કેમ?”

“પણ મમ્મી, જો સરને ખબર પડે તો તેને કેટલું દુઃખ થાય?” નિશિથે પુછ્યું

“ જો દિકરા તે સ્ત્રીએ આવું કર્યુ એટલે તે ખુબ ખરાબ છે કુલ્ટા છે એવું નથી. આવુજ જો કોઇ પુરુષે કર્યુ હોત તો તેને કોઇ ખરાબ ના કહેત અને તેના ચારિત્ર્ય પર કોઇ આંગળી ના ઉઠાવે. દીકરા સ્ત્રીના ચારિત્ર્યને બહું મોટું મહત્વ આપીને પુરુષે તેને પોતાની માલિકીની વસ્તું બનાવી દીધી છે. પુરુષ ગમે તે કરી શકે, પણ સ્ત્રી માટે બધા બંધન. હું ફેમિનિઝમમાં નથી માનતી પણ અમુક બાબતો નો હું સખત વિરોધ કરું છું. જેમાં આ બાબત મુખ્ય છે. સ્ત્રી અને પુરુષ બંને એ એકબીજા પ્રત્યે વફાદાર રહેવું જોઇએ તેમા કોઇને પણ છૂટછાટ ન મળી શકે.”

આટલુ કહી સુનંદાબેન હસી પડ્યા અને બોલ્યા “ચાલ આતો મારો સાયકોલોજીનો લેક્ચર તને આપી દીધો.”

“પણ મમ્મી હવે મને ટ્યુશનમાં જવાનું મન નથી થતું.” નિશિથે તેની મુંઝવણ કહી.

“જો દિકરા મે તને કહ્યુંને આ આવેશ ક્ષણિક હોય છે. તેને પણ હવે પસ્તાવો થતો હશે. તું ટ્યુશનમાં ચોક્કશ જજે. અને આમપણ આમાં તારો તો કોઇ વાંક જ નથી. જો મારું અનુમાન સાચું હોય તો તે હવે ક્યારેય તારી સાથે આવું વર્તન નહી કરે.”
ત્યારબાદ સુનંદાબેન ત્યાથી જતા રહ્યા. બીજા દિવસે સુનંદાબેને કહ્યું હતુ તેમજ થયુ સોનાલીએ નિશિથની માફી માગી. આ બનાવ પછી તેની મમ્મીની સલાહનું મહત્વ નિશિથના મનમાં ખૂબ વધી ગયું. આ બનાવ યાદ કરતો કરતો નિશિથ ક્યાંય સુધી બેઠો રહ્યો.

નિશિથે તે પછી બે ત્રણ દિવસ સુધી કશિશના તેની સાથેના વર્તનનું અવલોકન કર્યુ તો તેને સુનંદાબેનની વાત સાચી લાગી કે કશિશ કોઇ કારણસર નિશિથ સાથે એટલા ઉત્સાહથી સંબંધ નહોતી રાખતી. તેના સંબંધમાં કંઇક ખૂટતું હતુ. એવુ કંઇક હતુ જે કશિશને નિશિથ સાથે ખુલીને સંબંધ રાખતા રોકતું હતુ. નિશિથે ખૂબ વિચાર્યુ પણ તેને એવું કોઇ કારણ ન મળ્યું. નિશિથ વિચારવા લાગ્યો કે હવે કોને પુછવું તેના વિશે. અચાનક તેને નૈનાએ યાદ આવી એ સાથે જ તેના મગજમાં ચમકારો થયો નૈનાએ તેને એક વખત કહેલુ કે “કશિશને પૈસાદાર બાપના દિકરા પ્રત્યે એકજાતનો અણગમો છે.” આ યાદ આવતા જ નિશિથને કશિશનું તેના પ્રત્યેના એકદમ શુષ્ક વર્તનનું કારણ મળી ગયું. તેને હવે સમજાઇ ગયું કે તેની સાથે આટલો ગાઢ સંબંધ હોવા છતા કશિશ તેની સાથે સંબંધ આગળ વધારવામાં કેમ અચકાઇ છે. આ સાથે નિશિથને બીજા ઘણાબધા પ્રશ્નો એકસાથે ઉદભવ્યા. નિશિથ વિચારવા લાગ્યો કે “એવું તો શું થયું કે કશિશને બધાજ પૈસાદાર છોકરા માટે નફરત થઇ ગઇ? હવે શું કરવુ જેથી આ નફરત દૂર થાય?”

આમનેઆમ વિચારતા નિશિથ ક્યાંય સુધી બેસી રહ્યો. છેલ્લે કંટાળીને તે ઊભો થવા જતો હતો ત્યાં તેના મગજમાં એક વિચાર આવ્યો એ સાથેજ તેના ચહેરા પર સ્માઇલ આવી ગયું અને તે ઊભો થઇ બોલ્યો “યસ આ આઇડિયા ચોક્કસ કામ કરશે.”

-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------


મિત્રો આ મારી બીજી નોવેલ છે.મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલિપી ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા whattsapp number પર જરૂરથી આપજો.

HIREN K BHATT :- 9426429160

EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED