અર્ધ અસત્ય. - 20 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 20

અર્ધ અસત્ય.

પ્રકરણ-૨૦

પ્રવીણ પીઠડીયા

હવેલીનો દરવાજો ભયાનક કિચૂડાંટના અવાજ સાથે ખૂલ્યો અને વર્ષોથી જામેલી ધૂળનો એક ભભકો હવામાં ફેલાયો. એ સાથે જ વર્ષોથી બંધિયાર રહેલી અંદરની કોહવાટ ભરેલી વાસ અભયનાં નાકમાં ઘૂસી. અનાયાસે જ તેનો હાથ પોતાના નાક તરફ વળ્યો હતો અને ધૂળ તથા દુર્ગંધને હટાવવા તેણે હાથને હવામાં વિંઝયો હતો. થોડો સમય ત્યાં દરવાજામાં જ તે ઉભો રહ્યો અને બહારથી જ અંદરનો જાયજો લીધો. હવેલીનો દિવાનખંડ વિશાળ જણાતો હતો. કોઇ રાજા-મહારાજાનાં દરબારમાં હોય એવો. દરવાજાની અંદર પેસતાં જ લાંબી પરસાળ હતી જે દિવાનખંડને સમાંતરે ગોળ ફરતી બનેલી હતી. પરસાળનાં છેડે એક લાઇનમાં ગોળ ઉંચા થાંભલા હતા જે દિવાનખંડની છતને ટેકો આપતાં હતા. કોઇક જમાનામાં આ દિવાનખંડ ખુબ જ વૈભવશાળી હોવો જોઇએ પરંતુ અત્યારે તે સંપૂર્ણપણે ખાલી અને ભેંકાર ભાસતો હતો. તેની વચાળેથી દાદર નીકળતો હતો જે ઉપરનાં મઝલા તરફ જતો હતો. અભય સાવધાનીથી દિવાનખંડમાં પ્રવેશ્યો અને તેણે ચારેકોર નજર ઘુમાવી. ધોળે દિવસે પણ અંદર ફેલાયેલી અંધકાર ભરી ખામોશી દિલ ધડકાવી જતી હતી. ચારે બાજું લટકતાં કરોળીયાનાં ઝાળા, ફર્શ ઉપર પથરાયેલી ઝિણી ધૂળનાં થર, હવામાં ભળેલી બંધીયાર વાસ અને હવેલીના કોઇક ખૂણેથી એક લયમાં આવતો તમરાઓનો અવાજ... ખરેખર વર્ષોથી અહીં કોઇનાં પગલાં પડયા જ નહોતાં. અભય કદાચ એ પહેલો વ્યક્તિ હશે જે વર્ષોના અંતરાળ બાદ આ હવેલીમાં પ્રવેશ્યો હશે.

તે જાણતો હતો કે આ હવેલીમાંથી તેના મતલબનું લગભગ તો કંઇ મળશે નહી. તેને ઉમ્મિદ પણ ઓછી હતી છતાં તે અહીં આવ્યો હતો કારણ કે ક્યાંકથી તો શરૂઆત કરવી જરૂરી હતી તો પૃથ્વીસિંહજી જ્યાં રહેતા હોય એથી ઉત્તમ સ્થળ બીજું ક્યુ હોઇ શકે! તેણે ઝડપથી હવેલીમાં તલાશ આરંભી. ગાડીમાંથી સાથે લીધેલી ટોર્ચનાં અજવાળમાં તેણે ચારેકોર ઘુમવાનું શરૂ કર્યું. રાજગઢના એક સમયના રાજાની હવેલી કંઈ નાની-સુની તો હોય નહીં! હવેલીના ગ્રાઉન્ડ ફ્લોરનો વિસ્તાર જ ઘણાં વિશાળ એરીયામાં પથરાયેલો હતો. ભવ્ય પરંતુ સુમસાન દિવાનખંડ, તેની બાજુમાં ડાઇનિંગ એરીયા, પાછળના ભાગે મોટું રસોડું, અગણિત ખાલી કમરાઓ... અને એવા તો કેટલાય ઠેકાણે તે લગભગ કલાકમાં ફરી વળ્યો હતો. કોઇ ચોક્કસ ધ્યેય વગર તેણે હવેલીના ખૂણાં-ખૂણાંની તલાશ આરંભી હતી. અહીથી શું મળશે અને તેને શેની તલાશ હતી એ તો તે ખુદ પણ નહોતો જાણતો છતાં મનમાં એક ઉમ્મિદ હતી કે પૃથ્વીસિંહજીની હવેલીમાંથી જરૂર એવું કઇંક તેના હાથ લાગશે જે આગળની રાહ દેખાડશે.

કલાકની મશક્કત બાદ તે થોડોક થાકયો હતો. અવાવરૂ પડી રહેલી હવેલામાં સખત ઘામ વર્તાતો હતો અને તેને તરસ પણ લાગી હતી. પાણી તો સાથે લીધું હતું પરંતુ એ માટે તેણે ફરીથી ગાડીએ જવું પડે તેમ હતું કારણ કે પાણીની બોતલ તેમાં રહી ગઇ હતી. એક વખત તો વિચાર આવી ગયો કે પાછો ફરી જાય, અહીથી કોઇ કડી મળશે એવી સંભાવના લગભગ ઝિરો બરાબર હતી. મનમાં એક ખ્વાહિશ જન્મી હતી કે પૃથ્વીસિંહજીની હવેલીને પણ જોઈ લેવી જોઇએ એટલે તે અહીં આવ્યો હતો પરંતુ હવે લાગતું હતું કે અહી વધું રોકાવાનો કોઇ મતલબ નથી. સાવ અવાવરૂં પડેલી હવેલીમાંથી તેને કંઇ મળવાનું નહોતું એ સમજાઇ ચૂકયું હતું અને સમય પણ તેજ ગતિમાં વિતતો જતો હતો. હજું તેણે આ કેસના સીલસીલામાં ભરૂચ પહોંચવાનું હતું એટલે હવેલીમાં એક છેલ્લી નજર નાંખીને તે બહાર નીકળી આવ્યો. હવેલીના કંમ્પાઉન્ડમાં પહેલા જેવી જ નિરવ શાંતી પથરાયેલી હતી. ધિમી ગતિથી વહેતો પવન, એ પવનની સાથે ઉડતા સૂકા પાંદડાઓ, વૃક્ષો ઉપરથી આવતો પક્ષીઓનાં કલબલાટનો અવાજ, ભિની માટીમાંથી ઉઠતી એક વિચિત્ર પ્રકારની વાસ અને ચો-તરફ પથરાયેલી અજીબ-સી ખામોશી. અભયને કોઇ હિન્દી હોરર ફિલ્મનાં ડરામણાં ’સીન’ની યાદ અપાવતી હતી.

ઝડપથી કમ્પાઉન્ડ વટાવવા હજું પગ ઉઠાવ્યાં જ હતા કે એકાએક તે અટકી ગયો. તેની નજર એક જગ્યાએ સ્થિર થઇ હતી. સામે, ઘણે દૂર કંમ્પાઉન્ડનાં એક છોર ઉપર કૂવો દેખાતો હતો. તેને આશ્વર્ય ઉદભવ્યું. સામાન્ય રીતે કોઇ હવેલીનાં કંમ્પાઉન્ડમાં ક્યારેય આ રીતની રચના હોતી નથી, પણ અહીં હતી. તેને કૂતૂહલ ઉપજ્યું અને અનાયાસે જ તેના પગ દૂર દેખાતા એ કૂવાની દિશામાં આગળ વધ્યાં.

ખરેખર તો એ તરફ જવાની અભયને બીલકુલ જરૂર નહોતી કારણ કે કૂવાની પાછળ કોઇક હતું જે તેના આવવાનો જ ઈંતજાર કરી રહ્યું હતું.

@@@

જંગલમાં આડેધડ આડબિડ ચાલતો દેવો હજું હમણાં જ હવેલીએ આવી પહોંચ્યો હતો. ધારવા કરતા તે થોડો મોડો પડયો હતો એટલે પોતાની જાત ઉપર જ તેને ખીજ ચડતી હતી. હવેલીની જમણી બાજુએ પહોંચીને તે અટકયો અને ચારેકોર નજર ઘુમાવી. એક જગ્યાએ આવીને તેની નજર અટકી અને અચાનક તે સતર્ક થયો કારણ કે હવેલીના કંમ્પાઉન્ડમાં કોઈક આવતું દેખાયું હતું. એ વ્યક્તિ હવેલીની અંદરથી બહાર આવી રહ્યો હતો. તેને જોઇને દેવાને ફોનમાં મળેલો આદેશ થાદ આવ્યો. ફોનમાં જે પંખીની વાત થઇ હતી, ચોક્કસ એ પંખી આ જ હોવું જોઇએ એ તરત સમજી ગયો. તેણે ધ્યાનથી એ વ્યક્તિને નિરખ્યો. મજબુત બાંધો અને ટટ્ટાર ચાલ ઉપરથી જ તેને ખ્યાલ આવ્યો હતો કે જેટલો ધારે છે એટલો આસાન શિકાર નહીં નીવડે. તે કંમ્પાઉન્ડની દિવાલને અઢેલીને ઉભો રહ્યો. જર્જરીત બનીને તૂટી પડવાની અણીએ આવેલી દિવાલમાં ઠેકઠેકાણે નાના-મોટા બાકોરા પડયાં હતા. એવા જ એક બાકોરામાંથી તે અંદર પ્રવેશ્યો હતો અને ત્યાં નજીકમાં જ દેખાતા એક કૂવાનાં થાળામાં પહોંચી કૂવાની દિવાલ પાછળ સતર્કતાથી ભરાયો હતો. એવું કરવાનું કારણ એ હતું કે આ તરફ ચાલ્યાં આવતા વ્યક્તિ ઉપર તે અચાનક જ હુમલો કરવા માંગતો હતો. જેથી સામેવાળા માણસને સતર્ક થવાનો સમય ન મળે. પંખી ધાર્યા કરતા બળૂંકુ જણાતું હતું એટલે તે કોઇ રિસ્ક લેવા માંગતો નહોતો.

દેવો જે વ્યક્તિને જોઇ રહ્યો હતો એ બીજું કોઇ નહીં પરંતુ અભય હતો. તેણે અનાયાસે જ કૂવો જોયો હતો અને કૂતૂહલવશ એ તરફ ચાલ્યો હતો. તેને સહેજે ખ્યાલ નહોતો કે કોઇક ભારે બેસબ્રિથી તેની રાહ જોઇ રહ્યું છે. તે માત્ર પ્રાણીસહજ કૂતૂહલતાથી એ તરફ આગળ વધ્યો હતો.

કૂવાની દિવાલ લગભગ ચારેક ફૂટ જેટલી ઉંચી હતી અને તેનું થાળું વિશાળ ત્રિજીયામાં ફેલાયેલું હતું. થાળાની બહારનાં વિસ્તારમાં જંગલી ઘાસ અને કાંટાળી બોરડીએ કબ્જો જમાવ્યો હતો. તેના હાથમાં પકડેલા બેટથી અભય એ કાંટાળી ઝાડીને હટાવતો કૂવાનાં તૂટેલા થાળાની અંદર પ્રવેશ્યો ને ઉભો રહ્યો. પહેલા તેણે એ સમગ્ર વિસ્તારને એક નજરમાં આવરી લીધો અને પછી કૂવાની દિવાલ સુધી આવીને સાવધાનીથી કૂવામાં ઝાંકયું. કૂવાની અંદરની દિવાલોમાં પણ અઢળક વનસ્પતીઓ અને વેલાઓનું સામ્રાજ્ય પથરાયેલું હતું. કોણ જાણે કેટલાય લાંબા સમયથી કૂવો અવાવરૂં પડયો હશે! અંદર પાણી હશે કે નહીં એ પણ દેખાતું નહોતું પરંતુ વનસ્પતીઓનાં પાંદડાઓ અને ડાળખીઓના કોહવાટની ગંધ ઉપર સુધી ઉઠતી હતી. અભયને એ ગંધથી અકળામણ થઇ આવી એટલે તેણે માથું હટાવી લીધું અને સીધો ઉભો થયો. કૂવાની પાળીએથી થોડો હટીને તે પાછળ ખસ્યો. બરાબર એ સમયે જ તેના જમણાં હાથ બાજું કશીક હલચલ થઇ હોય એવું તેને લાગ્યું. જમીન ઉપર પથરાયેલા સૂકા પાંદડાઓ કચડાતા હોય એવો અવાજ તેના કાને અફળાયો. તે સતર્ક થયો, કદાચ કોઇ જંગલી જાનવર હોઇ શકે. અવાજની દિશામાં તેણે ગરદન ઘૂમાવી અને એ તરફ હજું નજર નાંખી જ હતી કે એકાએક તેની આંખો પહોળી થઇ. હદયમાં ઘ્રાસ્કો ઉદભવ્યો અને ક્ષણનાં ચોથાભાગમાં તેના હાથમાં હતું એ બેટ હવામાં ઉંચકાયું.

આંખ ઝબકતાં થતા પલકારામાં એ બની ગયું. અભય હજું કઇક સમજે, થોડો સતર્ક થાય, અને કોઇ રિએકશન કરે એ પહેલાં તો કોઇક તેની ઉપર રીતસરનું ઝપટી પડયું હતું. એક ભારેખમ વજનદાર લઠ્ઠ તેના બેટ સાથે જોરથી ટકરાયો હતો. જો તેના હાથ ઉંચા થયા ન હોત અને એ હાથમાં બેટ પકડેલું ન હોત તો એ વાર સીધો જ તેના માથા ઉપર ઝિંકાયો હોત, અને તો તેની ખોપરી એ એક જ વારમાં ફાટી ગઇ હોત. વાર એટલી તાકાત અને ફોર્સથી થયો હતો કે તેના જેવા મજબૂત વ્યક્તિના પગ પણ પાછળ ધકેલાઇ ગયા હતા. તે કંઇ સમજે એ પહેલાં તેની ઉપર ભયાનક હુમલો થઇ ચૂકયો હતો.

ખરેખર બન્યું એવું હતું કે...

(ક્રમશઃ)