અર્ધ અસત્ય. - 21 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 21

અર્ધ અસત્ય.

પ્રકરણ-૨૧

પ્રવીણ પીઠડીયા

દેવાએ અભયને કૂવાની પાળે ઝળૂંબતો જોયો હતો. તેની ઉપર હુમલો કરવાનો આ જ સોનેરી મોકો હતો. હાથમાં પકડેલા વજનદાર લઠ્ઠ ઉપર તેના આંગળા મજબુતીથી ભિંસાયા. અધૂકડા નીચા નમીને કૂવાની પાળી પાછળ સંતાતો તે અભય તરફ આગળ વધ્યો. સાવધાનીથી તે અભયની સાવ નજીક પહોંચ્યો અને બન્ને હાથે ભારેખમ લઠ્ઠ ઉઠાવી અત્યંત તાકતથી તેની ઉપર ઝિંકી દીધો. એ હુમલો સાવ અણ-ચિંતવ્યો હતો. અભય સહેજપણ ગફલતમાં રહ્યો હોત કે હજું પણ કૂવામાં ઝાંકતો હોત તો દેવા નાં ભારેખમ લઠ્ઠનો ઘા સિધો જ તેના માથા ઉપર ઝિંકાયો હોત અને તેની ખોપરી ત્યાં જ ફાટી ગઇ હોત. પરંતુ અભયે પોતાની બાજુમાં થતી હલચલ નોંધી હતી અને તેણે દેવા નો વાર પોતાના બેટ ઉપર ઝિલી લીધો હતો.

ગણતરીની ચંદ સેકન્ડોમાં એ ઘટના બની હતી અને દેવો છક થઈ ગયો હતો. આજ સુધી આવું ક્યારેય બન્યું નહોતું કે તેનો વાર ખાલી ગયો હોય! અત્યાર સુધીમાં તેના એક જ ઘાએ કેટલાય લોકો રામશરણ પામી ચૂકયા હતા. આ પહેલો એવો મોકો હતો જ્યાં તેની સામેવાળો વ્યક્તિ હજુંપણ અડિખમ ઉભો હતો અને તેના પ્રહારને ખાળી રહ્યો હતો. તેણે ફરીથી લઠ્ઠને હવામાં પૂરી તાકતથી ઘૂમાવ્યો અને આ વખતે અભયનાં પગ ઉપર વાર કર્યો. અભય સતર્ક જ હતો એટલે તેણે તરત બેટને પગ પાસે ઉભુ ધર્યું અને એ વાર પણ ચૂકવ્યો. દેવાનો બીજો વાર પણ ખાલી ગયો એનાથી તેના મસ્તિષ્કમાં ગુસ્સાનો જાણે વિસ્ફોટ સર્જાયો. કોઇ બરાબરની ચૂનોતી આપી રહ્યું હતું એ તેનાથી સહન થાય તેમ નહોતું. તે ઝનૂને ભરાયો અને આડેધડ લઠ્ઠને હવામાં વિંઝવા લાગ્યો. જેમ ફાવે તેમ, કોઇ જ પેંતરા કે ગણતરી વગર હવામાં લઠ્ઠ ઘૂમાવતો તે સામાવાળાને પરાસ્ત કરવાની જબરજસ્ત કોશિશમાં લાગી પડયો. પણ... સામે કોઇ સામાન્ય માણસ નહોતો. એક સશક્ત અને સ્ફૂર્તિલા પોલીસ અફસરને મ્હાત કરવો એટલો આસાન નહોતો. વળી અભય વેલ ટ્રેન્ડ હતો જ્યારે દેવાના દાવપેચ એકદમ દેહાતી હતા. તે બળપૂર્વક અને ઝનૂનથી લડતો હતો જ્યારે અભય તેના દરેક પેંતરાનો એકદમ શાંતીથી અને ટેકનિકથી જવાબ આપી રહ્યો હતો. કૂવાનાં વિશાળ થળામાં બે બળિયાઓ પૂરાતન કાળનાં કોઇ મરહટ્ટા યોધ્ધાઓની જેમ આપસમાં દ્વંદ યુધ્ધ ખેલી રહ્યાં હતા. એ ધમાચકડીમાં વર્ષોથી હવેલીનું શુષ્ક પડેલું વાતાવરણ એકાએક જીવંત થઇ ગયું હતું અને ત્યાંની હવામાં જબરજસ્ત ગરમી ભળી હતી.

અભય સમજી નહોતો શકતો કે અચાનક તેની ઉપર હુમલો કરનાર આ વ્યક્તિ છે કોણ, અને તેની એની સાથે શું દુશ્મનાવટ છે? તે હુમલાખોરને જાણતો નહોતો અને ક્યારેય મળ્યો હોય કે જોયો હોય એવું પણ યાદ આવતું નહોતું. જે ઝનૂનથી પેલો વ્યક્તિ તેની ઉપર લઠ્ઠથી વાર કરી રહ્યો હતો એ જોતા એમ જ જણાતું હતું કે એ તેને ખતમ કરીને જ જંપશે.

અભય વિચારમાં અટવાયેલો હતો એ દરમ્યાન જ તેનાથી દેવાનો એક વાર ચૂકાઈ ગયો અને ભારેખમ લઠ્ઠ સીધો જ તેની ડાબી બાહું ઉપર આવીને ટકરાયો. ’ધફ્ફ...’ કરતો અવાજ આવ્યો અને અભય ચીખી ઉઠયો. વાર એટલો જોરદાર હતો કે અભયને લાગ્યું જાણે તેના હાથનું હાડકું એ ક્ષણે જ ભાંગી ગયું હોય. જ્યાં વાર થયો હતો એટલો ભાગ ઘડીભર માટે તો સૂન્ન પડી ગયો હતો અને થોડીવાર પછી ત્યાં ભયાનક દર્દ ઉમટયું હતું. અનાયાસે જ અભયનો બીજો હાથ તેની બાહું તરફ વળ્યો અને ત્યાં ઉમડતા દર્દને ખાળવા તેણે મજબૂતાઈથી બાહું પકડી લીધી હતી.

એ દરમ્યાન દેવાએ ફરીથી લઠ્ઠ ઉગામ્યો હતો પણ આ વખતે અભય ભૂલ કરે તેમ નહોતો. તેનાં મનમાં પણ ક્રોધ છવાયો હતો. જેવો દેવાએ વાર કર્યો એ સાથે જ તે નીચો નમ્યો અને તેના પગ ઉપર જોરથી બેટ ફટકારી દીધું. દેવાને આવું કંઇ થશે એવી ઉમ્મીદ નહોતી. તેના મોઢામાંથી રાડ ફાટી પડી. તેના પગના નળાનાં હાડકામાં કશોક કડાકો બોલ્યો હતો. એ અવાજ કદાચ હાડકું ભાંગવાનો હતો. દેવાની આંખોમાં અસહ્ય દર્દથી આંસુ ધસી આવ્યાં અને આપોઆપ તેનાથી થોડું પાછું હટી જવાયું. અભયનાં એક જ વારે તેનો હોંસલો પસ્ત કરી નાંખ્યો હતો કારણ કે પાછળ હટવામાં એક પગે તેણે રીતસરની લંગડી લેવી પડી હતી. અભયને મારવા ઉગામેલા લઠ્ઠને જમીન ઉપર ટેકવીને તેણે સહારો લીધો અને ફાડી ખાતી નજરોથી અભય ભણી તાકયું. પણ હવે અભય રોકાય તેમ નહોતો. તેને સમજાઇ ગયું હતું કે જો તે સહેજપણ ગફલતમાં રહેશે તો આ વ્યક્તિ ચોક્કસ તેને મારી નાંખશે. તેને અહીં કોણે મોકલ્યો હતો અને તેની સાથે શું દુશ્મનાવટ હતી એ તો પછી જાણી લેવાશે પરંતુ એ પહેલાં તેને પરાસ્ત કરવો જરૂરી હતો. દેવો સહેજે સતર્ક થાય એ પહેલાં અભયે બેટને જોશભેર હવામાં ઘૂમાવ્યું હતું અને સીધું જ તેના કમરનાં ભાગે દઇ માર્યું હતું. વાર એટલો જબરજસ્ત હતો કે દેવો ફરીથી કરાહી ઉઠયો હતો. એવું જ લાગ્યું જાણે તેની કમરનાં બે કટકા થઇ ગયા છે. તેણે પણ બાકી બચી હતી એટલી હિંમત એકઠી કરીને અભય ઉપર લઠ્ઠ વિંઝી દીધો. તે બહું સારી રીતે સમજી ગયો હતો કે સામેવાળો કોઇ સામાન્ય વ્યક્તિ નથી. જો જીવતા રહેવું હશે તો તેનો સામનો કર્યા વગર છૂટકો નથી. તે અહીં હુમલો કરવા આવ્યો હતો પરંતુ ખુદ હવે રક્ષણાત્મક સ્થિતિમાં આવી પડયો હતો. સામેવાળો ભારે લોંઠકો નીકળ્યો હતો અને તેને બરાબરની ટક્કર આપી રહ્યો હતો. ઘડીભર માટે તો ત્યાંથી ભાગી છૂટવાનું મન થયું પરંતુ પછી પોતાની જ નાલોશીનાં ડરથી તે ઉભો રહ્યો હતો. થોડી ક્ષણો ખામોશીમાં વિતિ અને પછી એકાએક તે હરકતમાં આવ્યો.

તેનો લઠ્ઠ વજનમાં ઘણો ભારે હતો. દેવાએ રાત-દિવસ તેલ પાઇ-પાઇને તેને વધું મજબૂત બનાવ્યો હતો. જ્યારે અભય પાસે હતું એ બેઝબોલનું બેટ એટલું નક્કર નહોતું. આ વખતે દેવાએ લગભગ મરણિયા બનીને જ ભારે વેગ અને ઝનૂનભેર લઠ્ઠનો ઘા ઝિંકયો હતો. હવામાં સૂસવાટો બોલાવતો લઠ્ઠ બેટ સાથે ટકરાયો હતો અને એ પ્રહારથી બેટ વચ્ચેથી બટકીને, બે ટૂકડામાં વિભાજીત થઇને રીતસરનું હવામાં ઉડયું. અભયનાં હાથમાં બેટનું ખાલી ઠૂંઠૂં જ બચ્યું હતું. પણ એ સાથે જ દેવાનાં હાથમાં હતો એ લઠ્ઠ પણ છટકયો હતો અને તેનાથી ઘણે દૂર જઇને પડયો હતો. હવે બન્ને નિશઃસ્ત્ર હતા અને એકબીજાની સામે કોઇ જંગલી પશુંની જેમ ઘૂરકી રહ્યાં હતા.

અને... દેવો દોડયો હતો. તેનો એક પગ જમીન ઉપર સરખો મંડાતો પણ નહોતો છતાં તે દોડયો હતો અને અભય કંઇ સમજે એ પહેલા તો રીતસરનો તે હવામાં કૂદયો હતો. તેનું ભારેખમ શરીર અભય ઉપર પડયું હતું અને એ સાથે જ ઘડીકમાં તો તેઓ બન્ને બથ્થંબથ્થે આવી ગયાં હતા. એકબીજાને માત દેવા તેઓ મરણિયા થઇને લડવા લાગ્યાં હતા.

સૂનકાર ઓઢીને પડેલી પૃથ્વીસિંહજીની હવેલી એકાએક જાગી ઉઠી હતી. બહાર કમ્પાઉન્ડમાં આવેલા કૂવાનાં થાળામાં ભયાનક લડાઈ જામી પડી હતી. કોણ કોને માત દે અને કોનું પલડું ભારે થઇ જાય એ કોઇ નહોતું જાણતું. દેવો અભયની છાતીએ ચઢી બેઠો હતો અને પોતાના તાકતવર હાથોથી જ જાણે અભયનો ટોટો પીસી નાંખવાનો હોય એમ તેનું ગળું ભીંસી રહ્યો હતો. અભય બળ કરીને દેવાનાં હાથ પોતાના ગળા ઉપરથી હટાવવાની મથામણ કરવા લાગ્યો. ગળું ભિંસાવાથી તેની આંખોમાં લોહી ધસી આવ્યું હતું. જો થોડો વધું સમય એ જ હાલત રહી તો તેનું મૃત્યું નિશ્વિત હતું. એ નાગચૂડમાંથી છૂટવા તેણે એક પેંતરો અજમાવ્યો. તેણે અચાનક જ પોતાના બન્ને પગ ઉઠાવ્યાં અને દેવાની ગરદનમાં નાંખી દીધા હતા. પછી શરીરની સમગ્ર તાકતને પગમાં એકઠી કરીને એક ઝટકો આપ્યો. એ સાથે જ દેવો ઉલળીને પીઠભેર થાળામાં પડયો. તેના હાથ અભયની ગરદન ઉપરથી હટયા હતા અને અભયના તૂટતાં જતા શ્વાસોશ્વાસમાં ફરીથી તેજી આવી હતી. લાલઘૂમ આંખોએ જ ખાંસતો તે ઉભો થયો અને દેવાનાં ઢગરા ઉપર કસકસાવીને એક લાત ઠોકી. હવે તે એને બક્ષવાનાં સહેજે મૂડમાં નહોતો. તે કા પાગલ વ્યક્તિની જેમ દેવા ઉપર તૂટી પડયો અને મારી-મારીને તેને અધમૂવો કરી નાંખ્યો. અભયનાં એક-એક વારે દેવો રીતસરનો ઉછળી રહ્યો હતો. બાપ-જન્મારે તેણે આવો માર ક્યારેય નહી ખાધો હોય. તે ધરબાઇ ગયો હતો અને બેતહાશા હાંફી રહ્યો હતો. તેનાં મોં માંથી લોહી મિશ્રિત લાળ ટપકવા લાગી હતી અને આંખો વિસ્ફારીત બની હતી.

અભય રોકાયો ત્યારે તેની છાતી ધમણની જેમ ફૂલતી હતી. તેના આખા શરીરે પરસેવો ફૂટી નિકળ્યો હતો અને શ્વાસોશ્વાસ બેતહાશા તેજીથી ચાલતાં હતા. તે જાણવા માંગતો હતો કે આખરે તેની ઉપર હુમલો શું કામ થયો હતો અને આ વ્યક્તિ કોણ હતો?

(ક્રમશઃ)