Ardh Asatya - 9 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 9

અર્ધ અસત્ય.

પ્રકરણ-૯

પ્રવિણ પીઠડીયા

એ બુઢ્ઢા આદમીએ આંખો ઉપર હાથનું નેજવું કરીને આકાશ તરફ જોયું. હજું બે ગાઉ જેટલું અંતર કાપવાનું બાકી હતું અને વરસાદ રોકાવાનું નામ લેતો નહોતો. જો આ જ રીતે વરસાદ ખાબકતો રહ્યો તો નદીમાં પુર આવવાની પુરેપુરી સંભાવના હતી અને એવુ થાય તો તેણે અહીંથી જ પાછા ફરી જવુ પડે કારણ કે ગાંડીતૂર બનેલી નદીને પાર કરવાનું સાહસ તેનામાં નહોતું. માથે ઓઢેલા શણનાં કોથળાને તેણે સંકોર્યો અને સાથે ચાલતાં પંદરેક વર્ષના પૌત્રનો હાથ મજબુતાઈથી પકડીને ચાલવાની ઝડપ થોડી વધારી. જાંબુઘોડાનાં અતી ગીચ ગણાતા જંગલોમાં આડબીડ રસ્તે ચાલતા જતા એ દાદા-દિકરાને કોઇક સ્થળે પહોંચવાની ભારે ઉતાવળ હતી. તેમના ઉઘાડા- કાળા કૃશ દેહ ઉપર વસ્ત્રોનાં નામે માત્ર ફાટેલા ધોતીયા જ વિટેલાં હતા અને વરસાદથી બચવા માથે શણનાં કોથળા ઓઢેલાં હતા.

“દાદુ, આપણે ક્યાં જઇ રહ્યાં છીએ?” છોકરાએ નિચી મુંડી રાખીને આગળ વધતા પૂછયું. આજે પહેલીવાર તે દાદા સાથે જંગલ ખુંદવા નિકળ્યો હતો એટલે તેના મનમાં અપાર જીજ્ઞાષા છવાયેલી હતી. પરંતુ, છોકરાનો પ્રશ્ન સાંભળીને દાદા એકાએક જ અટકી ગયા હતા અને આદ્ર નજરે તેમણે છોકરાની ફિક્કી આંખોમાં ઝાંકયું હતું.

“સાત દેવીઓનાં દર્શને!” દાદા બોલ્યાં. એ અવાજમાં ન સમજાય એવી ગમગીની ભળેલી હતી. છોકરાને વિસ્મય ઉપજયું.

“આ સાત દેવીઓ કોણ છે દાદુ!”

“એ હું તને ત્યાં પહોંચીશુંને, ત્યારે જણાવીશ.” વાતને ત્યાં જ સંકેલી લેવાના ઇરાદાથી દાદા બોલ્યા અને ફરીથી ચાલવા લાગ્યાં એટલે છોકરાએ પણ તેમની પાછળ કદમ ઉઠાવ્યાં.

આ સમયે કોઇ નહોતું જાણતું કે આદીવાસી જેવા દેખાતા આ દાદા-દિકરો કોણ હતા અને આવા મુશળધાર વરસાદમાં જાંબુઘોડાનાં ગાઢ જંગલોમાં કઈ સાત દેવીઓનાં દર્શને જઇ રહ્યાં હતા!

@@@

બંસરીનો શ્વાસ તેના જ ગળામાં અટવાઈ પડયો. પહેલા ધડાકે જ તેનો સામનો રઘુભા સાથે થયો હતો એમાં ઘડીક તો એ ધરબાઇ ગઇ હતી. પરંતુ બહુ જલ્દી પોતાની જાતને તેણે સંભાળી હતી. આ સમય ગભરાવાનો નહોતો કારણ કે જો રઘુભાને તેની અસલીયતની ખબર પડી ગઇ તો પછી અભયનો કેસ અહીં જ સમાપ્ત થઇ જવાનો હતો. તેણે એક ઉંડો શ્વાસ છાતીમાં ભર્યો અને કટોકટી ભરેલી પરિસ્થિતિનો સામનો કરવા સજ્જ બની. એ દરમ્યાન રઘુભા સતત આ ફૂલ-ફટાકડી જેવી દેખાતી યુવતીને તાકતો રહ્યો હતો.

“હું ન્યુ નેશનલ વીમા કંપની તરફથી આવુ છું. અમારી કંપની એક સર્વે કરી રહી છે કે અકસ્માત કેસોમાં વીમા પોલીસી ધારકોને, ઉપરાંત ખાસ તો થર્ડ પાર્ટીને વળતર મળે છે કે નહીં! અને જો મળે છે તો કેટલા સમયમાં અને કેટલુ વળતર આપવામાં આવે છે? આ એક જનરલ સર્વે છે જેથી અમારી કંપની અન્ય કંપનીઓ કરતા બહેતર પોલીસી ઘડી શકે અને ગ્રાહકોને વધુ વળતર આપી શકે. મેં અહીં એક વ્યક્તિને પૂછયું તો તેણે તમારુ નામ સજેસ્ટ કર્યું કે રઘુભાને પૂછો, એની પાસે ઘણાં ટ્રકો છે.” બંસરીને જે સૂઝયું એ તેણે બોલી નાખ્યું. આ ઘણી કમજોર કહાની હતી પરંતુ તેને લાગ્યું કે રઘુભાની લાલઘૂમ આંખોમાં એકાએક ચમકારો ઉદભવ્યો હતો.

“હંમમમ્... તમે યોગ્ય ઠેકાણે આવ્યાં છો. આવોને, આપણે નિરાંતે ચર્ચા કરીએ.” તેણે દુર એક ઝાડનાં છાંયે પડેલી બે-ત્રણ ખુરશીઓ તરફ ઇશારો કર્યો અને સાથે ઉભેલા શખ્સને સંબોધ્યો. “સુરા. તું મેડમ માટે એક કડક ચા લેતો આવ અને સાથે મારો મસાલો પણ બંધાવતો આવજે.”

“હમણાં લાવું ભા.” કહીને સુરો ત્યાંથી રવાના થયો એટલે રઘુભાએ તેમની કાયમી બેઠક તરફ ચાલવા માંડયું. બંસરીની તો કાપો તો પણ લોહી ન નીકળે એવી હાલત થઇ હતી. તેને એમ જ લાગ્યું કે રઘુભાએ તેની ચાલાકી પકડી પાડી છે અને તે આબાદ રીતે પોતાની જ ચાલમાં ફસાઇ ચૂકી છે. આવા સમયે શું કરવું જોઇએ એનો કોઇ અનુભવ નહોતો એટલે પછી જે થશે એ જોયું જશે એમ વિચારીને તે રઘુભા પાછળ ચાલી નીકળી.

રોડ કાંઠાથી થોડે અંદર ખુલ્લા ખેતર જેવી જગ્યાં ફાજલ પડી હતી. ત્યાં લીમડાનું એક ઘેઘૂર વૃક્ષ હતું જેની નીચે ખુરશીઓ પડી હતી. રઘુભા ત્યાં પહોંચ્યો અને તેણે એક ખુરશીમાં બેઠક લીધી. બંસરીએ મનોમન નોંધ્યું હતું કે આ જગ્યા ચોક્કસ રઘુભાની માલિકીની જ હોવી જોઇએ કારણ કે ત્યાં પતરાનો એક શેડ પણ બનાવામાં આવ્યો હતો અને તેની આસપાસ ઘણી ટ્રકો ઉભી હતી. રઘુભાની ટ્રકો જરૂર આ ગેરેજ જેવા દેખાતાં પતરાના શેડમાં જ રીપેર થતી હોવી જોઇએ.

“બેસોને મેડમ. ચા આવે ત્યાં સુધી આપણે તમારી કંપની વિશે જાણી લઇએ.” રઘુભાએ એક ખુરશી તરફ ઇશારો કરીને બંસરીને બેસવા કહ્યું. બંસરી એ ખુરશીમાં ગોઠવાઇ. તે ડરેલી તો હતી જ છતાં અહીં આસપાસ કોઇ માણસો દેખાતા નહોતાં એટલે જો કોઇ મુશ્કેલી સર્જાય તો ભાગવામાં ઘણી સરળતા રહેશે એ વિચારે તેના મનમાં રાહત સર્જી હતી.

“હવે બોલો, તમે શું કહેતા હતા?” સાવ સાહજીક લહેજામાં રઘુભાએ પૂછયું. હજુ સુધી બંસરીને તેણે માનપૂર્વક જ બોલાવી હતી એટલે બંસરીને ભારે આશ્વર્ય ઉદભવતું હતું. તેને સમજ પડતી નહોતી કે રઘુભા તેની સાથે રમત રમી રહ્યો છે કે પછી સાચ્ચે જ તેને વીમા વાળી વાતમાં રસ પડયો છે!

“મારે જાણવું છે કે જો કોઇ અકસ્માત થાય તો તેમાં તમારી કંપની કેટલા સમયમાં વીમો પાસ કરે છે? ઉપરાંત થર્ડ પાર્ટીનું જોખમ કવર કરે છે કે નહી?” બંસરીએ તેનો સવાલ દોહરાવ્યો હતો અને રઘુભાના કઠોર ચહેરા ભણી મીટ માંડી હતી.

“એ બધા લફડા આપણને ફાવતા નથી. આ તો સરકાર કહે છે એટલે વીમો ઉતરાવીએ છીએ બાકી કોઇ અકસ્માત થાય તો અમારી રીતે જ બધું પતાવી લઇએ છીએ.” રઘુભા બોલ્યો અને પછી કઇંક વિચારતો હોય એમ ખામોશ થયો. તેનો જવાબ સાંભળીને બંસરીને રાહત ઉપજી કે રઘુભા કોઇ ચાલાકી અજમાવતો નહોતો. તો પછી તેણે એક અજનબી છોકરીને આટલો ભાવ શું કામ આપ્યો? વળી એક નવી શંકા જન્મી જેનું સમાધાન ખુદ રઘુભાએ જ કરી દીધું. “એક સવાલ હું તમને પુંછું? મારે જાણવું છે કે જો સામેવાળી પાર્ટી આપણી ઉપર કેસ કરે તો વીમા કંપની કઇ રીતે પૈસા આપે છે?”

ઓહ, તો એમ વાત છે. બંસરી મનોમન મુસ્કુરાઈ ઉઠી. તેનું તીર યોગ્ય ઠેકાણે લાગ્યું હતું. મતલબ કે રઘુભાની પછેડી ક્યાંક સલવાઇ હતી. ક્યાંક શું કામ, ચોક્કસ અભય વાળા અકસ્માત કેસમાં જ સલવાઇ હશે.

અને... ખરેખર એવુ જ હતું. રઘુભા આમ પુરેપુરો ભરાડી આદમી ખરો પરંતુ એ તો ફક્ત કોઠા-કબાડા કરીને રૂપિયા કમાવાની બાબતમાં જ. પણ જ્યાં કાયદેસર ચાલવાનું આવતું ત્યાં એની બકરી ડબે પૂરાઇ જતી. અભયનાં કેસમાં પણ એમ જ થયું હતું. તેના ટ્રકે અકસ્માત સર્જયો હતો અને ડ્રાઇવર કનું ઉર્ફે કાળીયો અકસ્માત પછી અંતર્ધાન થઇ ગયો હતો. પોલીસખાતામાં તેની લાગવગ હતી એટલે ડ્રાઇવરને કે તેને પોતાને કંઇ થશે એવી ઉપાધી તો નહોતી પરંતુ રિક્ષામાં બેસેલા પેસેન્જરોમાંથી એકનાં ઓળખીતાએ તેની ઉપર અલગથી કેસ દાખલ કરી દીધો હતો.

હવે વાત એમ થઇ કે રઘુભાને જો એ કેસ રદ્દેફદ્દે કરવો હોય તો અકસ્માતમાં મૃત્યું પામનાર વ્યક્તિના પરિવાર સાથે સમાધાન કરવું પડે અને એ માટે મોટી રકમ ચૂકવવી પડે. હવે એક વ્યક્તિને રકમ ચૂકવે એટલે બીજા મૃતકોના પરિવારજનો પણ પાછળ રહે નહી અને તેઓ પણ રઘુભા ઉપર કેસ ઠોકી દે તો ઘણી તગડી રકમ તેણે ચૂકવવાની થાય.

એક તરફ પોલીસનો વહીવટ અને બીજી તરફ કેસ-કબાડાથી બચવા આપવાના થતાં રૂપિયા, બન્ને તરફથી ભીંસ આવતા આમે ય તે મુંઝાયેલો હતો તેમાં આ છોકરીએ વીમા વાળી વાત કરીને તેને એક રસ્તો સુઝાડયો હતો. એ ટ્રકનો વીમો હતો જેનાથી એક્સિડન્ટ સર્જાયું હતું. જો થર્ડ પાર્ટી વીમો મંજૂર થઇ જાય તો એટલી રકમનો જૂગાડ ઓછો કરવાનો થાય. આમ પોતાના ફાયદા માટે સામે ચાલીને બંસરીની ચાલાકીમાં ફસાઈ રહ્યો છે એ તે નહોતો જાણતો.

બંસરી આવું કંઇક થાય એની જ રાહ જોતી હતી. તેના દિલકશ હોઠોનાં ખૂણે એક રહસ્યમય હાસ્ય ઉદભવ્યું જેનો મતલબ રઘુભા જેવો રુક્ષ આદમી ક્યારેય સમજી શકવાનો નહોતો.

( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો