Ardh Asatya - 5 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 5

અર્ધ અસત્ય.

પ્રકરણ-૫

પ્રવિણ પીઠડીયા

અપાર વિસ્મયથી અનંતસિંહ તેની સામે બેહોશ પડેલા અભયને જોઈ રહ્યાં. તેમને હજુંપણ વિશ્વાસ નહોતો થતો કે એ અભય જ છે! ઘણા લાંબા સમયના અંતરાલ બાદ એકાએક કોઈ તમને અચાનક મળી જાય તો આશ્વર્ય ઉદભવવું સ્વાભાવિક હતું, જ્યારે આ તો તેનો નાનપણનો જીગરી યાર હતો. વળી સંગોજો પણ કેવા વિચિત્ર સર્જાયા હતાં! એક ભયાનક અકસ્માતમાં તે બન્નેની મુલાકાત થઇ રહી હતી એનો ધ્રાસ્કો પણ અનંતસિંહને હતો.

રાજપીપળા પોલીસ સ્ટેશનની હદ વટાવ્યા બાદ અચાનક તેમનું મન બદલાયુ હતું અને તેમણે ભરૂચ જવાનુ માંડી વાળ્યુ હતું. ખબર નહી કેમ પણ દાદાને શોધવાનો જૂસ્સો એકાએક ઓસરવા માંડયો હતો અને મૂડ બદલી ગયો હતો. આ સાવ અન-અપેક્ષીત બાબત હતી પરંતુ દાદા વિશે જાણવાની જેમ અચાનક જીજ્ઞાસા ઉદભવી હતી એમ જ કદાચ એ જીજ્ઞાસા ઓસરી પણ ગઇ હતી અને તેઓ ભરૂચ જવાને બદલે રાજગઢ પાછા આવવા નીકળી પડયા હતા. રાજગઢ પરત આવતી વખતે રસ્તામાં જોરદાર વરસાદ પડવો શરૂ થયો હતો. એવા સમયે રાજગઢ તરફ વળવાનાં રસ્તે તેમનાથી ગફલત થઇ ગઇ. મનમાં એકધારા ચાલતાં વિચારોએ તેમને બે-ધ્યાન બનાવ્યાં હતા અને કારનાં કાચ ઉપર ધોધમાર પડતા વરસાદનાં લીધે સામેનું દ્રશ્ય પણ ધુંધળુ દેખાતુ હતું તેમાં આ અકસ્માત સર્જાઈ ગયો હતો. એ વખતે તો સ્વપ્નેય ખ્યાલ નહોતો કે તેઓ પોતાના નાનપણનાં જીગરી યાર અભય સાથે અકસ્માત સર્જી બેઠા છે!

અકસ્માત બાદ અભયે તેને ઓળખ્યાં હતા અને પછી તે બેહોશ થઇ ગયો હતો એટલે તેઓ વધુ મુંઝાયા હતા કારણ કે અભયને કોઇ ગહેરી ચોટ વાગી હોય એવુ જણાતું નહોતું. છતા એક વાત બરાબર સમજાઈ હતી કે અભયને અત્યારે ડોકટરની જરૂર પડશે એટલે સૌથી પહેલા દેવજી સાથે મળીને તેમણે અભયને ઉંચકયો હતો અને કારની પાછલી સીટ ઉપર સુવરાવ્યો હતો. એવુ કરવામાં તે બન્ને સંપૂર્ણપણે પલળી ગયા હતા પણ અનંતસિંહને એ ફિકર નહોતી. ફટાફટ તેઓ કારની ડ્રાઇવિંગ સીટ ઉપર ગોઠવાયા અને કાર હવેલી તરફ ભગાવી મુકી.

“દેવજી, તું કોઇ સારા ડોકટરને ઓળખતો હોય તો તાત્કાલીક હવેલીએ બોલાવી લે.” અનંતસિંહે દેવજીને સૂચના આપી.

“જી માલિક.” દેવજીએ તુરંત પોતાનો ફોન કાઢયો અને એક નંબર ડાયલ કર્યો. સામેની બાજુથી ફોન ઉઠાવાયો.

“હેલ્લો ડોકટર સાહેબ, હું દેવજી કોન્ટ્રેકટર બોલુ છું. આપ જલદી હવેલીએ આવી શકશો?” તેણે પુંછયું અને સામેથી કંઇક કહેવાયુ એ દરમ્યાન દેવજી ખામોશ રહ્યો હતો. “બીજા નંબરની ઠાકોર ભૈરવસિંહની હવેલીએ. જી, આપ તુરંત સામાન લઇને પહોંચો.” કહીને તેણે ફોન મુકયો.

“ડોકટર સાહેબ આવે જ છે.” દેવજીએ અનંતસિંહને ઉદ્દેશીને કહ્યું અને પછી ખચકાતાં શ્વરે બોલ્યો “આપ આ યુવાનને ઓળખતા લાગો છો.”

“અરે.. તેં આને ન ઓળખ્યો? આ માવજીકાકાનો દિકરો અભય છે. આપણાં ગામમાં ભારદ્વાજ કુટુંબનુ એક જ ખોરડું છે. આ એ માવજીકાકાનો છોકરો અભય છે. મારો નાનપણનો પાક્કો મિત્ર. રાજગઢની નિશાળમાં અમે સાથે જ ભણતા હતાં અને હવેલીઓની પાછળ જે જંગલ વિસ્તાર છે ને, એમાં અમે સાથે રખડતાં.” અનંતસિંહને એકાએક એ દિવસો આંખો સમક્ષ તાદ્રશ્ય થયા.

દેવજીને હવે આખો માજરો સમજમાં આવ્યો હતો કે કેમ આ યુવકને જોઇને અનંતસિંહ ભાવુક થઈ ઉઠયા હતા. તે માવજી ભારદ્વાજને પણ સારી રીતે ઓળખતો હતો. રાજગઢની મુખ્ય બજારમાં ભારદ્વાજ મેન્શન આવેલુ હતું. ખેતીકામ સાથે માવજીકાકા ગોરપદું પણ કરી લેતાં હતા એટલે નગરમાં ભાગ્યે જ કોઇ એવુ હશે જે તેમને ઓળખતું ન હોય! તેને એ પણ ખબર હતી કે માવજીકાકાનો છોકરો પોલીસમાં ભરતી થયો છે, પરંતુ તે આમ અચાનક ભટકાઇ પડશે એવો તો ક્યાંથી ખ્યાલ હોય!

એ દરમ્યાન તેઓ હવેલીએ આવી પહોંચ્યા અને અનંતસિંહે કારને સીધી જ પોર્ચમાં લાવીને ઉભી રાખી. હવેલીમાં તો કોઇ હતું નહી એટલે તે બન્નેએ ભેગા મળીને ફરીથી અભયને ઉંચકયો અને હવેલીના દિવાનખંડની બાજુમાં આવેલા મહેમાનો માટેના કમરામાં પલંગ ઉપર સુવરાવ્યો. એ દરમ્યાન ચાલું વરસાદે પણ ડોકટર આવી પહોંચ્યા હતા. રાજગઢની હવેલીએથી ફોન આવ્યો હોય ત્યારે ગમે તેવી વિકટ પરિસ્થિતીમાં પણ તેઓ મના કરી શકે નહી. આવીને તુરંત તેમણે અભયને તપાસ્યો અને એક ઇન્જેકશન આપ્યું હતું.

“આ યુવકને શાયદ કોઈ માનસિક પરેશાની હશે. તેમાં આ એક્સિડન્ટનો આઘાત ભળ્યો હશે એટલે તે બેહોશ થઇ ગયો છે. બાકી બીજી કોઇ મોટી ઇન્જરી થઇ નથી. મેં ઇન્જેકશન આપી દીધુ છે એટલે હમણાં થોડીવાર પછી તે ભાનમાં આવી જશે. જરૂર જણાય તો આ થોડીક દવાઓ આપતો જાઉં છું એ આપી દેજો.” ડોકટર બોલ્યાં અને દવાની પડિકીઓ દેવજીનાં હાથમાં થમાવી. પછી તેઓ પોતાની બેગ પેક કરીને રવાના થયાં.

“માલિક, વિષ્ણુસિંહ બાપુને બોલાવી લાવું? તેઓ ઘરે જ હશે.” દેવજીએ એકાએક પુંછયું. તેને એમ કે આવા મામલામાં વિષ્ણુસિંહ બાપુ હાજર હોય તો થોડી સરળતા રહેશે કારણ કે આ બીજા નંબરની હવેલી ભૈરવસિંહ બાપુના મુંબઈ વસવાટથી થોડા સમયથી ખાલી જ પડી રહેતી હતી. અહીંની દેખભાળ માટે પણ વિષ્ણુસિંહની હવેલીએથી દરરોજ કોઇક આવતું અને સાફસફાઇ કરી જતું. અનંતસિંહ અહી આવ્યાં ત્યારે તેઓ વિષ્ણુસિંહના ઘરે જ ઉતર્યા હતા અને પછી બે દિવસથી અહીં રહેતા થયા હતા. હજુંપણ જમવાનું તો તેમનું વિષ્ણુસિંહ બાપુના ઘરે જ હતું.

“નાં, આ વરસાદમાં એમને તકલીફ આપવાની જરૂર નથી. તું એક કામ કર, ત્યાંથી કોઈક નોકરને બોલાવી લાવ જેથી આના ભીના કપડા બદલી શકાય. પછી તું પણ ઘરે નિકળજે, ત્યાં સુધીમાં હું મારાં કપડા ચેન્જ કરતો આવુ છું.” અનંતસિંહે દેવજીને સૂચના આપી એટલે દેવજી તરત વિષ્ણુસિંહજીને ત્યાં જવા રવાના થયો.

***

અભય સળવળ્યો અને પછી તેની આંખો ખુલી. તે કોઇ અજાણ્યાં કમરામાં, અજાણી પથારી ઉપર સૂતો હતો. ઘડીક તો સમજમાં આવ્યું નહીં કે આ કઈ જગ્યાં છે! પછી એકાએક તે બેઠો થઇ ગયો અને તેણે આસપાસ નજર ઘુમાવી. તેના બેડની બાજુમાં ગોઠવાયેલી ખુરશીમાં એક યુવાન બેઠો હતો. યુવાનનાં મોઢામાં સિગારેટ સળગતી હતી જેનો ઘુમાડો તેની જ આસપાસ ઘુમરાઇને કોઇ અજીબ દ્રશ્ય સર્જતો હતો. અભય સ્તબ્ધ બનીને જોઇ રહ્યો. તે એ યુવકનાં ચહેરાને બહું સારી રીતે ઓળખતો હતો. તેને પોતાની જ આંખો ઉપર વિશ્વાસ ન આવ્યો કે એ અનંત હોઈ શકે, તેનો નાનપણનો જીગરી દોસ્ત અનંત! હમણાં થોડીવાર પહેલા તેમની મુલાકાત થઇ હતી. કદાચ અનંતની જ કારે તેના બુલેટને ટક્કર મારી હતી અને તે પછડાયો હતો. પછી શું થયું એ કશું તેને યાદ આવતુ નહોતું. તેને બેઠો થતા જોઇ અનંતના ચહેરા ઉપર હાસ્ય વેરાયું. તેણે સિગારેટને બાજુમાં પડેલી એશ-ટ્રેમાં બુઝાવી અને ઉભો થયો.

“આમ બાઘાની જેમ બેસી જ રહીશ કે શું?” અભયનાં પલંગની નજદીક આવતા તે બોલ્યાં. મ આંખોમાં અપાર હર્ષની હેલી ઉમડતી હતી. જીગરમાં આનંદ સમાતો નહોતો. ભલે તે પોતે એક રાજ-પરિવારનો સભ્ય હોય, છતાં આજે ફક્ત એક મિત્ર તરીકેની લાગણીઓ તેને બહાવરો બનાવી રહી હતી. અમેરિકાના વસવાટ દરમ્યાન કેટલીય વખત તેણે અભયને યાદ કર્યો હશે. ઘણી વખત ફોન કરવાની ઇચ્છા પણ ઉદભવી હતી છતાં સંજોગો એવા સર્જાતા કે એ શક્ય બન્યું નહોતું. અત્યારે એ જ મિત્ર સામે બેઠો હતો ત્યારે શબ્દોમાં વર્ણવી ન શકાય એટલી ખુશી તેને ઉદભવતી હતી.

અભય પણ અપાર વિસ્મયથી પથારીમાં બેસીને અનંતસિંહને જોઇ રહ્યો હતો. સ્તબ્ધતાની ક્ષણો વિતતા તે ઉભો થયો અને અનંતની સન્મુખ ઉભો રહ્યો. બન્નેની આંખોમાં બેસુમાર હર્ષ છલકાતો હતો અને... બન્ને મિત્રો એકબીજાની બાંહોમાં સમાઈ ગયા. વર્ષોનો વિરહ જાણે ક્ષણભરમાં ઓગળી ગયા હોય એમ તે બન્ને ફરી પાછા નાના બાળક બની ગયા હતાં. ખબર નહીં કેટલો અમય તેઓ એકબીજાની હુંફ અનુભવતા એ જ સ્થિતિમાં ઉભા રહ્યાં. તેમનાં મન ભૂતકાળની સ્મૃતિઓથી ઉભરાઇ પડયા હતાં.

“ક્યાં હતો યાર તું?” અનંતસિંહે અભયથી છૂટા પડતા પુંછયું. અભય ખાલી મલકાયો અને એ પછી વાતચીતનો એક લાંબો દૌર ચાલુ થયો. બન્ને મિત્રો એકબીજાનાં ખબર-અંતર પુંછતા રહ્યાં અને સમય તેની રફતારમાં સડસડાટ પસાર થતો રહ્યો.

***

“તું પોલીસ સ્ટેશનેથી આવતો હતો? તારે વળી ત્યાં જવાની શું જરૂર પડી?” અભયે હેરાનીભર્યા શ્વરમાં અનંતને પુંછયું. અનંતે અભય સાથે તેનું એક્સિડન્ટ કેવા સંજોગોમાં થયુ હતું એ જણાવ્યું ત્યારે અભયના મનમાં અપાર જીજ્ઞાસા ઉદભવી હતી.

એ સમયે તે બન્નેમાંથી કોઇ નહોતુ જાણતું કે અભયની જીજ્ઞાસા આવનારા અમતમાં કેવી ઉથલ-પાથલો સર્જશે!

( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED