અર્ધ અસત્ય. - 10 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અર્ધ અસત્ય. - 10

અર્ધ અસત્ય.

પ્રકરણ-૧૦

પ્રવિણ પીઠડીયા

“એ માટે તો કેસની વિગત શું છે એ જાણવું પડે કારણ કે દરેક વીમા કંપનીની પોતાની અલગ પોલિસી હોય છે. ઉપરાંત અકસ્માત ક્યા કારણોસર સર્જાયો હતો, અકસ્માત સમયે ડ્રાઇવર પાસે લાયસન્સ હતું કે નહીં, અકસ્માતથી સામે વાળી પાર્ટીને કેટલુ નુંકશાન થયું છે, આવી ઘણી બાબતો ધ્યાનમાં લેવામાં આવતી હોય છે અને એ તપાસનાં આધારે વીમો પાસ થાય છે.“ બંસરી પોતાના મનમાં આવે એ બોલ્યે જતી હતી કારણ કે તેને સમજાઇ ચૂકયું હતું કે રઘુભાને આવી બાબતો વિશે વધુ કોઇ જ્ઞાન નથી. “મને એક વાત જણાવો રઘુભા, શું તમારી સાથે આવુ કંઇ બન્યું છે, મતલબ કે તમારી કોઇ ટ્રક અકસ્માત ગ્રસ્ત થઇ છે? તમે જે રીતે પૂછયું તેના પરથી હું અનુમાન લગાવી શકું છું કે ચોક્કસ કઇંક બન્યું હોવું જોઇએ અને એ બાબત તમને મુંઝવી રહી છે.” બંસરી હવે ફુલ ફોર્મમાં આવી ગઇ હતી. શરૂઆતમાં તેને રઘુભાનો ડર જરૂર લાગ્યો હતો પરંતુ અહી તો રઘુભા ખુદ ડરેલો જણાતો હતો એટલે આ પરિસ્થિતિને પોતાના ફાયદામાં તબદીલ કરવાની ફિરાકમાં તે પડી હતી.

બંસરીની વાત સાંભળી રઘુભા અસમંજસમાં પડયો. એકાએક ટપકી પડેલી આ સાવ અજાણી છોકરી સાથે પેટ છૂટી વાત કરવી જોઇએ કે નહીં એ દુવિધા તેના મનમાં ઉદભવી હતી. પરંતુ એક નજરમાં તે કળી ગયો હતો કે છોકરીમાં દમ છે. ઉપરાંત કહેશે નહી તો તેની સમસ્યાનું સમાધાન કેવી રીતે નીકળશે, એ પણ વિચારવાનું હતું. રઘુભા બરાબરનો મુંઝાયો હતો. આવી પરિસ્થિતિ તેના માટે અસહ્ય હતી કારણ કે તે એક ઘા ને બે કટકા કરવામાં માનનારો વ્યક્તિ હતો. વાતને વધુ લંબાવવામાં તેને આફરો ચડતો.

બરાબર એ સમયે જ સુરો ચા લઇને આવતો દેખાયો એટલે થોડો સમય વાતોને વિરામ મળ્યો. સુરાએ પહેલા રઘુભાને મસાલો આપ્યો અને પછી પ્લાસ્ટિકની થેલીમાં લાવેલી ચા ને ખુરશી ઉપર કાગળનાં કપ ગોઠવીને તેમાં ભરી.

“લ્યો, ચા પીઓ.” એક કપ ઉઠાવીને સુરાએ બંસરી તરફ લંબાવ્યો. બંસરીએ કપ લીધો એ દરમ્યાન રઘુભાને પણ તેણે ચા આપી. પછી તે પણ એક ખુરશીમાં ગોઠવાયો. ચા ને ન્યાય અપાયો પછી રઘુભાએ તમાકુવાળો મસાલો ચોળીને મોં ના ગલોફામાં જમાવ્યો હતો. મસાલો મોઢામાં જતા જ રઘુભાને કેફ ચડયો અને તે અસલી રંગમાં આવી ગયો.

“જો છોકરી, વાત એમ છે કે મારા એક ટ્રકનો અકસ્માત થયો હતો અને એમાં ત્રણ માણસો ઉકલી ગયા હતા. એ ટ્રકનો વીમો તો છે પરંતુ એના પૈસા મળે ખરા? અને જે લોકો ઉકલી ગયા છે એને વીમા કંપની કેટલું વળતર ચૂકવે?”

“હે ભગવાન, ત્રણ-ત્રણ માણસો મરી ગયા! હે પ્રભુ..” બંસરીને ખબર હતી છતાં તેના મનમાં અરેરાટી ઉપજી. તે ઘડીક ખામોશ રહી અને પછી ગળું ખંખેર્યું. “તમે જ્યાં વીમો ઉતરાવ્યો હતો એ કંપનીમાં વાત કરી? શું કહે છે એ લોકો? જો બધા કાગળીયા બરાબર હોય અને ટ્રકના ડ્રાઇવર પાસે લાઇસન્સ હોય તો મારા ખ્યાલથી કોઇ પ્રોબ્લમ થવો જોઇએ નહી.”

“એ જ તો સૌથી મોટી મોંકાણ છે, ટ્રકનો ડ્રાઇવર બીકનો માર્યો ભાગી ગયો છે અને અહીં હું ઉપાધીમાં ફસાઇ ગયો છું. સાલ્લું... પોલીસવાળાને આટ-આટલાં પૈસા ખવરાવવા છતાં હેરાનગતી ભોગવવાની એ ક્યાંનો ન્યાય ગણાય હેં..!” રઘુભા એકાએક જોશમાં આવી ગયા હતાં. બંસરી એ સાંભળીને ટટ્ટાર થઇ. હવે પછીનો તબક્કો નાજૂક હતો. ઉશ્કેરાટમાં આવેલા રઘુભા શું બોલે છે એની ઉપર અભયનાં કેસનું ભવિષ્ય નિર્ભર હતું. તેણે સાવધાનીથી આગળ વધવાનું હતું.

“પોલીસ આમાં શું કરે? અકસ્માત તો તમારા ટ્રકથી થયો હતો. અને શહેરમાં આવા અકસ્માતો તો રોજ થતાં રહેતા હોય છે. હાં, તમારી ઘટના ઘણી ગંભીર છે એટલે વીમા કંપની તળીયા-ઝાટક તપાસ પછી જ ક્લેઇમ ચૂકવશે. આખરે એમને પણ કંપની ચલાવવાની હોય ને. મારા ખ્યાલથી ડ્રાઇવરને ગમે ત્યાંથી શોધીને તમારે પોલીસ સમક્ષ હાજર કરી દેવો પડે. તેની જૂબાની આ કેસમાં મહત્વની ગણાય. ટ્રકનાં કાગળીયા, ડ્રાઇવરનું લાઇસન્સ, અકસ્માતનો સમય, ઉપરાંત ઘટના સ્થળે હાજર લોકોની ગવાહી... જો આ બધું તમારી ફેવરમાં હોય તો વીમા કંપનીએ તમારો વીમો પાસ કરવો જ પડે. આ બધું છે તમારી પાસે?” બંસરીએ હળવે રહીને મમરો મુકી દીધો અને અધ્ધર જીવે રઘુભાનો જવાબ સાંભળવા કાન સરવા કર્યા. ખુબ જ ધીરજથી તે કામ લઇ રહી હતી. તે જે પ્રોફેશનમા હતી એમાં ધીરજ બહું મોટો ગુણ હતો.

પરંતુ બંસરીનો પ્રશ્ન સાંભળીને રઘુભાનાં મોઢામાં ચગળાતો માવો કડવો ઝેર બની ગયો. બસ... વાત ત્યાં આવીને જ અટકતી હતી. તેના મગજમાં ફરી પાછો ધમધમાટ વ્યાપ્યો. અકસ્માતનો સમય જ સૌથી નબળો પોઇન્ટ હતો. એ એક જ મુદ્દે તે હારી જતો હતો. જે સમયે અકસ્માત સર્જાયો હતો એ સમય સમગ્ર શહેરમાં ટ્રકો માટે પ્રવેશબંધીનો સમય હતો. છતાં તેનો ટ્રક બે-રોકટોક શહેરનાં ભીડભાડવાળા રસ્તા ઉપર દોડી રહ્યો હતો કારણ કે વર્ષોથી તે પોલીસ ઓફિસરોને તગડી રકમનાં હપ્તાઓ આપી રહ્યો હતો. પોલીસખાતાની રહેમ નજરો તળે જ તેણે પોતાનો કારોબાર વિકસાવ્યો હતો અને તે માલામાલ બન્યો હતો. હવે એ વ્યવસ્થા જ તેને ભારે પડી રહી હતી. પોલીસ ઓફિસરો ક્યારેય સ્વીકારવાના નહોતા કે તેમણે લાંચ લઇને રઘુભાનાં ટ્રકોને ગેરકાયદેસર પ્રવેશવાની પરવાનગી આપી છે. એવું તો કોઇ ઓફિસર ક્યારેય સ્વીકારતો હશે! અને અકસ્માતનો સમય જોઇને વીમા કંપની પણ તરત હાથ અધ્ધર કરી દે કારણ કે વીમો નકારવાનું સ્ટ્રોંગ કારણ તેમને મળી રહે. રઘુભા મોઢામાં છવાયેલી કડવાહટને થૂંકવા માંગતો હોય એમ ખુરશી પર અધૂકડો થયો અને જમીન ઉપર મસાલાની પીચકારી મારી, પછી હાથ વડે જ હોઠોને લુંછયાં.

“આમાનું કંઇ ન હોય તો?” રઘુભાએ પુંછયું.

“તો બહુ અઘરું પડે.” બંસરીએ કહ્યું અને પછી આંખો ઝિણી કરીને કંઇક યાદ આવ્યું હોય એમ રઘુભાનાં ચહેરા સામું જોયું. “એક મીનીટ, તમે હમણાં ચાર દિવસ પહેલાં થયેલા ગંભીર અકસ્માતની વાત તો નથી કરતા ને! એમાં પણ ત્રણ વ્યક્તિઓના મોત થયા હતા. બાપ રે.. કેટલો ભયંકર અકસ્માત હતો. પણ તમને ખબર છે, એ કેસમાં પોલીસખાતાએ કેટલું ઝડપી કામ લીધું હતું! અકસ્માત માટે જવાબદાર પોતાનાં જ એક લાંચીયા ઓફિસરને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરીને હાંકી કાઢવામાં આવ્યો હતો. તમારા કેસમાં પણ જો આવી પોલીસ તપાસ થઇ હોય તો ચોક્કસ તમને એનો લાભ મળે કારણ કે વીમા કંપની પોલીસ રિપોર્ટ પણ ધ્યાનમાં લેતી હોય છે.” વાતને વાળીને બંસરી ફરી પાછી ત્યાં જ લઇ આવી હતી. કોઇપણ ભોગે હવે તે ઢીલું મુકવા માંગતી નહોતી.

“શું ખાખ પોલીસ તપાસ થઇ હતી! મારું મોઢું ન ખોલાવ છોકરી. જે ખરેખર દોષી છે એ તો હજું ય પોલીસ ચોકીમાં બેસીને જલસા કરે છે અને એક નિર્દોષ ઓફિસરને સસ્પેન્ડ કરીને તેણે પોતાની ચામડી બચાવી લીધી છે.” રઘુભા ઉતાવળમાં જ બોલી ગયો અને એ સાંભળીને બંસરી પોતાની જાતને ખુરશી પરથી ઉછળી પડતા માંડ સંભાળી શકી. તેની શંકાને રઘુભાનાં આ એક વાક્યે સચ્ચાઇની મહોર લગાવી દીધી હતી. સ્વયં રઘુભાએ પોતાની જાતે સ્વિકાર્યું હતું કે અકસ્માત વાળા કેસમાં અભય બેગુનાહ હતો અને તેને ફસાવવામાં આવ્યો હતો. ન ચાહવા છતાં બંસરીથી રાહતનો દમ ભરાઇ ગયો. ગનીમત હતું કે રઘુભાએ એ જોયું નહોતું.

“શું વાત કરો છો! મને એમ કે પોલીસખાતાએ જબરો સપાટો બોલાવી દીધો.”

“હરામખોરો છે સાલાઓ બધા, અહી મારી ફાટી પડી છે ને એ લોકો હજું ય મને કેસમાંથી બચાવી લેવા તગડી રકમ માંગી રહ્યાં છે. મારો તો અત્યારે બન્ને તરફથી મરો છે. તારી વીમા વાળી વાત સાંભળીને થોડી આશા જાગી હતી કે જો વીમા કંપની રૂપિયા આપતી હોય તો મને થોડી રાહત થાય, પરંતુ હવે લાગે છે કે એ પણ નકામું છે. તું જા બેન, બીજા કોઇની પાસેથી માહિતી ભેગી કર.” રઘુભાનો મુડ એકાએક જ ચાલ્યો ગયો હતો અને ખુરશી પરથી ઉભા થતા બંસરીને પણ વિદાય થવાનું કહ્યું.

બંસરીને અપાર નીરાશા ઉપજી. અભયને ફસાવનાર વ્યક્તિ કોણ હતો એ નામ ઉપરથી પરદો ઉઠવાનો જ હતો કે રઘુભાની કમાન છટકી હતી. થોડો વધું સમય મળ્યો હોત તો ગમેતેમ કરીને એ નામ જાણી શકાયું હોત, પણ હવે વધારે ખણખોદ કરવામાં પકડાઇ જવાનું જોખમ હતું એટલે તેણે ત્યાંથી રુખસદ લેવામાં જ ભલાઇ માની. તેણે રઘુભાનો આભાર માન્યો અને પોતાની એકટીવા જે તરફ પડી હતી એ દિશામાં ચાલતી પકડી. ખેતર જેવું મેદાન વટાવીને હજું તે રોડ ઉપર પહોંચી જ હતી કે અચાનક પાછળથી કોઇકે બુમ પાડી.

“મેડમ, એક મિનિટ.”

બંસરીએ પાછળ ફરીને જોયું અને.. એકાએક તેની ધડકનો તેજ થઇ ઉઠી.

( ક્રમશઃ )

રેટ કરો અને રિવ્યુ આપો

Jignisha

Jignisha 7 માસ પહેલા

Jaynaben Patel

Jaynaben Patel 7 માસ પહેલા

Tejal

Tejal 1 વર્ષ પહેલા

sandip dudani

sandip dudani 2 વર્ષ પહેલા

Hiren Patel

Hiren Patel 2 વર્ષ પહેલા