અર્ધ અસત્ય. - 7 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અર્ધ અસત્ય. - 7

અર્ધ અસત્ય.

પ્રકરણ-૭

પ્રવિણ પીઠડીયા

હવેલીએથી એક નોકર કાર લઇને આવ્યો હતો અને તેણે અભયને તેના ઘરે ઉતાર્યો. તેનું બુલેટ યોગ્ય મરમ્મત વગર શરૂ થવાનું નહોતું એટલે તેને ગેરેજમાં મોકલવાની વ્યવસ્થા પણ અનંતસિંહે કરાવી આપી હતી. વરસાદ હજું પણ અવિરતપણે એકધારો વરસતો હતો છતાં જોર થોડું ઘટયું જરૂર હતું.

અભય ઘરે પહોંચ્યો ત્યારે અચાનક તેને આવેલો જોઇને તેના બા નો ચહેરો અપાર ખુશીથી મલકાઇ ઉઠયો હતો અને બાપુજીની આંખોમાં પણ હરખ છવાયો હતો. આજે ઘણા સમય બાદ એમના ચહેરા મલકયા હતા અને બા એ અભયનું મનપસંદ ભોજન બનાવાની તૈયારીઓ આરંભી હતી. તેમને અભયની બરખાસ્તીનાં સમાચાર મળ્યા નહોતા એટલે તે બન્ને ખુશ હતા. અભયે પણ એ બાબતનો ઉલ્લેખ કરવાનું ફિલહાલ ટાળ્યું હતું કારણ કે તે એમને નાહકની ઉપાધીમાં મુકવાં માંગતો નહોતો.

“હવે થોડાક દિવસો આરામથી અહીં જ રોકાજે, ખોટી જવાની ઉતાવળ કરતો નહી. પહેલા તું નાહી લે, હું પાણી ગરમ મુકું છું.” કહીને બા રસોડામાં ચાલ્યાં ગયા અને બાપુજીએ ખેતરે જવાની તૈયારીઓ આરંભી હતી.

***

અભયનું માથું ધમધમતું હતું. તેને પણ નહાવાની સખત ઈચ્છા હતી. એ બહાને શરીર અને મન, બન્ને થોડા હળવા થાય તો આગળ કંઇક વિચારવાનું સુઝે એવું વિચારીને તે ઝડપથી બાથરૂમમાં ઘુસી ગયો. ગરમ પાણી માથાં ઉપર પડતા થોડો હાશકારો અનુભવાયો. નહાતા-નહાતા પણ તેનું દિમાગ અનંત વિશે જ વિચારતું હતું. શું તેણે અનંતની વાત માની લેવી જોઈએ! અનંતના દાદાની ભાળ મેળવવાનાં બદલામાં એ તેનાં કેસમાં મદદ કરશે એ મતલબની તેની ઓફર આમ તો યોગ્ય જ લાગતી હતી. જસ્ટ કહેવા ખાતર જ એ ઓફર હતી કારણ કે અનંતને તે સારી રીતે જાણતો હતો. પોતાના કોઈ સ્વાર્થ વગર પણ તેણે મદદ કરી જ હોત એમાં કોઇ બેમત ન હતો. અનંતની કહાની સાંભળીને થોડીક જીજ્ઞાસા તો તેને પણ ઉદભવી હતી કે એક માણસ સાવ અચાનક કેવી રીતે આ દુનીયામાંથી ગાયબ થઇ શકે! તેની પાછળ કંઇક તો રહસ્ય હોવું જોઈએ. તે ખુદ અત્યાર સુધી પોલીસખાતામાં કામ કરતો હતો એટલે આવા કેસમાં તેને દિલચસ્પી જાગવી સ્વાભાવીક હતી. જો તે પૃથ્વીસિંહની રહસ્યમય ગુમશુદગી વીશે તપાસ આરંભે તો ક્યા કારણોસર તેઓ ગુમ થયા હતા અને તેમને કોણે ગુમ કર્યા હતા એ ચોક્કસ જાણી શકાય. એવું થાય તો રાજગઢની હવાઓમાં વર્ષોથી ઘુમરાતું એક રહસ્ય આપોઆપ સૂલઝી જાય.

અભય વિચારતો હતો કે ગામમાં તેને કંઈ કામ તો હતું નહી. નિરાશ થઇને આમતેમ ભટકવું અને બરખાસ્તિની યાદો વાગોળતા દુઃખી થતા રહેવું એ કરતા પૃથ્વીસિંહનો કેસ ઉકેલવામાં મન પરોવવું બહેતર વિકલ્પ હતો. તેમાં ગુમાવવા જેવું કશું નહોતું. ઉપરાંત એ બહાને મન કોઇ અલગ બાબતમાં વિચારતું થશે તો થોડી હળવાશ અનુભવાશે. ખુદને સાંત્વના આપવા આનાથી બહેતર વિકલ્પ બીજો કોઇ જણાતો પણ નહોતો.

નહાઇને બહાર નિકળ્યો ત્યાં સુધીમાં એક અફર નિર્ણય લેવાઇ ચૂક્યો હતો અને એ નિર્ણયથી તેના પગમાં એક નવું જોમ ઉભર્યું હતું. શરૂઆત ક્યાંથી કરવી એ પણ વિચારી લીધું હતું. સૌથી પહેલા અનંતસિંહ પાસેથી રાજગઢના ઠાકોર ખાનદાનનો... અને ખાસ તો પૃથ્વીસિંહનો ભૂતકાળ જાણવો જરૂરી હતો. ભૂતકાળનો કોઇ કેસ ઉકેલવો હોય ભૂતકાળમાં જ ડૂબકી લગાવવી પડે કારણ કે જ્યાં ખોવાયું હોય ત્યાં જ જડે એવી તેની ફીલસૂફી હતી. સમયના એ કાળખંડમાં શું થયું હતું અને કેવા સંજોગોમાં થયું હતું એ જાણવા મળે તો કેસ આપોઆપ સોલ્વ થઇ જાય.

તૈયાર થઇને તે જમવા બેઠો. બા એ તેની મનપસંદ દાળઢોકળી, બટેકાનું શાક અને ભાત બનાવ્યા હતાં. આજે ઘણા લાંબા સમય બાદ તે પેટ ભરીને જમ્યો. જમતી વખતે બા વહાલપૂર્વક સતત તેને જ નિરખી રહ્યાં હતા. બા નો સ્નેહ અને ભાવથી બનાવેલી રસોઈ જમીને તે તૃપ્ત થઇ ગયો. મનનો સંપૂર્ણ બોજ તો એમ જ ઉતરી ગયો હતો.

જમીને બહાર આવ્યો ત્યારે પણ વરસાદ એકધારો ચાલું હતો. સમગ્ર આકાશમાં કાળા-ડીબાંગ ઘનઘોર વાદળો છવાયેલા હતા. બપોરનો સમય હતો છતાં વાતાવરણ એવું જામ્યું હતું કે જાણે સાંજ ઢળી ચૂકી હોય. તેમાં પણ ગામની ખૂલ્લી શેરીઓમાં અનરાધાર વરસતું પાણી અને શેરીમાંથી નીચાણવાળા ઢોળાવ તરફ વહેતી પાણીની નીક તેને પોતાના બાળપણની યાદો તાજી કરાવતી હતી. તેણે છત્રી સાથે લીધી અને અનંતસિંહની હવેલીની રૂખ કરી.

આ સમયે કોઇને જાણ નહોતી કે અભય સામે ચાલીને ભયાનક મધમાખીઓના મધપુડામાં હાથ નાંખવા જઈ રહ્યો છે.

***

બંસરી પોલીસ ચોકીએ આવી પહોંચી. રિપોર્ટર તરીકેની પોતાની ઓળખાણ છૂપાવીને તેણે આગળ વધવાનું હતું કારણ કે જો પોલીસખાતામાં સહેજ પણ ભનક લાગી જાય કે કોઇ અભયના મામલામાં ખણખોદ કરી રહ્યું છે તો એ લોકો સતર્ક થઇ જાય અને ધાર્યુ પરીણામ ન મળે, ઉપરાંત પોતાની ઉપર પણ જોખમ આવી પડે એટલે રિપોર્ટર તરીકેનો પોતાનો બેચ સાચવીને તેણે હેન્ડબેગના હવાલે કર્યો.

ચોકીનું કંપાઉન્ડ નાનકડું અમથું હતું. તેમાં ગોળાકારમાં કેબીનો બનેલી હતી અને એ કેબીનો વચ્ચેની જગ્યા ફાજલ છૂટતી હતી. બંસરીએ કંપાઉન્ડની અંદર પ્રવેશી એક નજરમાં આખી ચોકીને આવરી લીધી. એક કેબીનની દિવાલે “ફરીયાદ કક્ષ”નું પાટીયું જડેલું હતું અને ત્યાં થોડાક માણસોનો જમાવડો લાગેલો હતો. બંસરી એ તરફ ચાલી અને એ જમાવડા નજીક આવીને ઉભી રહી. તેમની અંદરો-અંદરની ચણભણ ઉપરથી લાગતું હતું કે એ લોકો કશીક ફરીયાદ લખાવવા આવ્યાં છે અને તેમાં સમય લાગી રહ્યો છે એટલે તેઓ અકળાઇ રહ્યાં છે. એક કોન્સ્ટેબલ કેબીનના દરવાજે ઉભો રહીને તેમને શાંત રહેવાનું જણાવતો હતો છતાં એ લોકોમાંથી બે વ્યક્તિઓ તેની સાથે પણ દલીલમાં ઉતરી આવ્યા હતા. બંસરી હળવેક રહીને ટોળામાં ઉભેલી એક સ્ત્રીની નજીક સરકી.

“શું વાત છે? કોન્સ્ટેબલ શેની માથાકૂટ કરે છે?” તેણે એ ઔરતને કાનમાં પુંછયું.

“અરે જુઓને બેન, મૂવાઓ અમારી ફરીયાદ લેતા જ નથી. મારાં છોકરાનું એક્સિડન્ટ થયું અને તેનું માથું ફૂટી ગયું તો પણ આ લોકો અમારું સાંભળતા નથી.” એ ઔરતનો અવાજ ઘણો ઉંચો અને જાડો હતો એટલે છેક પેલા કોન્સ્ટેબલ સુધી તેનો અવાજ પહોંચ્યો હતો.

“તમે તો ચૂપ જ રહેજો. હજું ગઈકાલે તમે લોકોએ આપસમાં સમાધાન કર્યું હતું ત્યાં આજે ફરી દોડી આવ્યાં! આ કોઇ શાકભાજી બજાર થોડું છે કે આવી માથાકૂટ કરો છો.” કોન્સ્ટેબલ અકળાઇને બોલ્યો. “સાહેબે એક વખત તમારા બન્ને પક્ષો વચ્ચે સમાધાન કરાવી દીધું પછી વારેવારે અહી આવશો તો અમારે તમારી વિરુધ્ધ જ કેસ ફાઈલ કરવો પડશે.”

બંસરીને થોડુઘણું સમજાયું હતું કે કોઈ અકસ્માતનો મામલો છે અને તેમાં સમાધાન થઇ જવા છતાં ઉહાપોહ મચ્યો છે. તેને આમાં એક તક દેખાઈ. ઔરત પાસેથી હટીને તે કેબીનના દરવાજે ઉભેલા કોન્સ્ટેબલ તરફ સરકી.

“પણ તમે એમને મોટા સાહેબ સાથે મળતા શું કામ રોકો છો? એક વખત અંદર જવા દો એટલે સાહેબ ખુદ તેમની સાથે વાત કરી લેશે.” બંસરી કોન્સ્ટેબલને ઉદ્દેશીને બોલી. કોન્સ્ટેબલે ગરદન ફેરવીને બંસરી સામું જોયું.

“તમે કોણ છો? આ લોકોની સાથે છો?” તેણે સીધું જ પુંછયું.

“અરે નહી ઇન્સ્પેકટર સાહેબ, હું તો એક સમાજસેવી સંસ્થામાંથી આવું છું. મારે પણ મોટા સાહેબને મળવું હતું.” બંસરીએ જાણી-જોઇને કોન્સ્ટેબલને ઇન્સ્પેકટર તરીકે સંબોધ્યો જેથી પેલાનો અહંમ્ સંતોષાયો હતો. તે થોડો ટટ્ટાર થયો અને અચાનક તેની ભાષામાં નરમાઇ આવી. એ દરમ્યાન પેલું ટોળું બંસરીની આસપાસ વિંટળાઇ વળ્યું હતું. પોતાના પક્ષમાં કોઇ બોલતું હોય એ કોને ન ગમે! ટોળાનું પણ એવું જ હતું.

“મેડમ, તમે આ લોકોને નથી જાણતાં, નાના અમથા એક્સિડન્ટનાં કેસને ખેંચીને ખોટો લાંબો કરી રહ્યા છે. મોટા સાહેબે બન્ને પાર્ટી વચ્ચે ગઇકાલે જ સુલેહ કરાવી દીધી હતી છતાં આજે ફરી દોડી આવ્યા છે બોલો! શું અમારે આ મસલામાં જ આખો દિવસ મગજ ખપાવવાનું?”

“પણ એ તો તમારી ફરજ છે કે નહી! નાનો કે મોટો, કેસ ગમે તેવો હોય એ પોલીસે જ સૂલઝાવવો પડે ને. આ જૂઓને, હમણાં થોડા દિવસો પહેલા જે ટ્રક અને રિક્ષાનું એક્સિડન્ટ થયું હતું એમા પોલીસખાતાએ કેવો સપાટો બોલાવ્યો હતો. પોતાના જ ખાતાના દોષી ઈન્સ્પેકટરને તરત સસ્પેન્ડ કરી દીધો કે નહીં!” બંસરીએ બહું સાવધાની પૂર્વક મમરો મુકી દીધો હતો અને પોતે સાવ બે-ધ્યાન છે એ જતાવવા ટોળા તરફ જોયું હતું, પરંતુ... તેના કાન એકદમ સરવા હતા. પેલો કોન્સ્ટેબલ શું બોલે છે એની ઉપર તેનું સંપૂર્ણ ફોકસ હતું.

( ક્રમશઃ )