Ardh Asatya - 19 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 19

અર્ધ અસત્ય.

પ્રકરણ-૧૯

પ્રવીણ પીઠડીયા

“દેવા, એક પંખીએ જૂની હવેલી ભણી ઉડાન ભરી છે. એ ત્યાંથી પાછું ન આવવું જોઈએ.” દેવા નામનાં શખ્શને એક ફોન આવ્યો તેમાં કહેવાયું હતું. દેવો પહાડી કદ-કાઠીનો આદમી હતો. છ, સવા-છ ફૂટ ઉંચો અને વજન લગભગ એકસો વીસ કિલોની આસપાસ હશે. તેના બાવડામાં રાક્ષસી તાકત જણાતી હતી. કોઇને એક તે પોતાના હાથ વચ્ચે વખત ભિંસી લે પછી એ વ્યક્તિનું જ્યાં સુધી મોત ન થાય ત્યાં સુધી તેને છૂટકારો ન મળે.

“શું કરવાનું છે? ડોકું મરડવાનું છે કે ફક્ત પાંખો જ કાપવાની છે?” દેવો ખતરનાક અંદાજમાં બોલ્યો. તેનો પહાડી અવાજ ફોનનાં વાયર સુધ્ધાને ધ્રૂજાવી ગયો.

“તને ઠીક લાગે એ કર પરંતુ ફરીથી એ પંખી આ બાજું આવવું ન જોઇએ, સમજ્યો!” સામે છેડેથી તેને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી.

“સમજાઇ ગયું.” કહીને દેવાએ વધારે પૂછયાં વગર ફોન મૂક્યો. તેના માટે આટલો ઈશારો પણ કાફી હતો. તે કોઇ ખેતરનાં શેઢે બનેલા એક ખખડધજ મકાનમાં બેઠો હતો. કાથીના ભરેલા ખાટલાને એક બાજું હડસેલીને તે બહાર નીકળ્યો અને પૃથ્વીસિંહની હવેલીની દિશામાં ચાલતો થયો. તેની મંઝિલ એ હવેલી હતી.

@@@

સવાર ખુશનુમા ઉગી હતી. સારી વાત એ હતી કે વરસાદ રાત્રે જ બંધ થઇ ગયો હતો. રાજગઢનાં આકાશમાં વાદળો વિખેરાયા હતા છતાં હજું વરસાદ આવવાનાં એંધાણ જરૂર વર્તાતા હતા. છૂટાછવાયા વાદળો વચ્ચે સંતાકૂકડી રમતો પરોઢનો સૂર્ય રાજગઢની શેરીઓમાં ધૂપ-છાંવની જૂગલબંધી ખેલી રહ્યો હતો.

અભય તૈયાર થઇને ઘરની બહાર નીકળ્યો ત્યારે સવારના નવનો સમય થયો હતો. તેનું બુલેટ હજું આજે રિપેર થઇને આવવાનું હતું. ગઇ સાંજે જ તેણે પૃથ્વીસિંહજીની હવેલીએ જવાની પોતાની મંશા અનંતને જણાવી હતી એટલે અનંતે વિષ્ણુસિંહ બાપુને ત્યાથી એક કારની વ્યવસ્થા કરાવી આપી હતી. આમ તો એ હવેલી વધું દૂર નહોતી. તે ચાલીને પણ જઈ શકે તેમ હતો પરંતુ અનંતનો આગ્રહ હતો એટલે તેણે કારની હાં પાડી હતી. વિષ્ણુસિંહ બાપુને ત્યાંથી ડ્રાઇવર હમણાં આવવો જ જોઇતો હતો.

તે વિચારતો જ હતો અને બરાબર એ સમયે જ શેરીમાં એક વૈભવી કાર દાખલ થઇ. અભયે હાથનો ઇશારો કર્યો એટલે કારનો ડ્રાઇવર છેક તેના ઘરનાં પગથિયા સુધી કાર લઇ આવ્યો અને દરવાજો ખોલીને નીચે ઉતર્યો. અભય તેને જોઇ રહ્યો. લગભગ ચાલીસે પહોંચવા આવેલો એ શખ્સ ડ્રાઇવર કમ કોઇ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાંથી તાજો જ ચાલ્યો આવતો હોય એવું વધું જણાતું હતું. તે એટલો પાતળો અને કૃશકાય હતો કે તેણે પહેરેલી ડ્રાઇવરની વર્દી પણ જાણે કોઇ ખીલીએ ટિંગાડી હોય એવું લાગતું હતું. નીચે ઉતરીને તેણે અભયને નમન કર્યા અને પછી કારનો બીજી તરફનો દરવાજો ખોલ્યો હતો. અભય કારમાં ગોઠવાયો એટલે ઝડપથી ગોળ ફરીને તે ડ્રાઇવર સીટે બેઠો અને કાર સ્ટાર્ટ કરી. ટોયોટાની લેટેસ્ટ મોડેલની એકદમ નવી નક્કોર કાર હતી. તેની અંદરનું ઈન્ટિરિયર અફલાતૂન હતું. લાગતું હતું કે કાર હાલમાં જ ખરીદાઇ છે. ડ્રાઇવરે કારને હવેલીઓ તરફ વાળી. પૃથ્વીસિંહજીની હવેલી સુધી પહોંચવાનો રસ્તો એ હારબંધ બનેલી હવેલીઓની પાછળનાં ભાગે આવેલા જંગલમાં થઇને પસાર થતો હતો. રસ્તા ઉપર ભરેલા ખાબોચિયામાં પાણી ઉડાડતી કાર જંગલના રસ્તે આગળ વધી ત્યારે... અભય કે પેલા ડ્રાઇવર, બન્નેમાંથી કોઇને સહેજે અંદેશો નહોતો કે સામે ચાલીને તેઓ મોતનાં મુખમાં હોમાવા જઈ રહ્યાં છે. હવેલીમાં પહેલેથી કોઇક હતું જે તેમનો બેસબ્રીથી ઈંતજાર કરી રહ્યું હતું.

@@@

“કોણ હતું એ?” છોકરાએ પ્રશ્ન કર્યો ત્યારે દાદા ધ્રૂજી ઉઠયા હતાં. આ સવાલનો જવાબ એક નવી આફત નોતરે એમ હતો.

“એ ન જાણવામાં જ આપણી બધાની ભલાઈ છૂપાયેલી છે. છતાં... હું મરીશ એ પહેલાં તને એ નામ જણાવતો જઈશ. ત્યાં સુધી આ વાત આપણાં બે વચ્ચે જ રાખવાની છે. જો કોઇને ખબર પડશે તો આપણાં કબિલા ઉપર ભયંકર આફત ઉતરી આવશે. હું મારા જીવતે-જીવ એવું થવા દઈશ નહી એટલે તારે પણ હવે ખામોશ રહેવાનું છે.” દાદાએ સ્પષ્ટ શબ્દોમાં છોકરાને વધું જણાવવાની મનાઇ ફરમાવી દીધી હતી.

પંદર વર્ષનો છોકરો તેના દાદાનાં મુખેથી કહેવાતી દાસ્તાં સાંભળીને સહેમી ગયો હતો. હજું દુનિયાદારી વિશે તેની સમજ બહું વિકસી નહોતી છતાં જે કહાની દાદાએ સંભળાવી હતી એ ભયાનકતાની ચરમસિમા સમી હતી. કહાની સંભળતા તે કેટલીય વખત રડયો હશે. હવે તેને હકીકત સમજાઇ હતી કે કેમ સાત દેવીઓની વાત કહેતી વખતે દાદા ભાવુક બની જતાં હતા. તેના હદયમાં પણ સામે દેખાતા ઝરણાંઓ જોઇને તૂફાન ઉઠતું રહ્યું હતું. ક્રોધ, ઉત્તેજના, ઉશ્કેરાટથી તેનું અંગે-અંગ ધ્રૂજતું હતું. તેનાં દાંત ભિંસાતા રહ્યાં અને હાથની મુઠ્ઠીઓ ઉઘાડ-બંધ થતી હતી. કેટલો સમય તે એ અવસ્થામાં જ બેસી રહ્યો હતો. પછી... એકાએક ઉભા થઇને તેણે એ ઝરણાંઓ તરફ અમી દ્રષ્ટિ નાંખી અને અંતઃકરણ પૂર્વક નમન કર્યાં. ખરેખર એ સાત દેવીઓ જ હતી અને હવેથી તે દર વર્ષે અહીં આવશે એવી પ્રતિજ્ઞા તેણે લીધી હતી.

એ જોઇને દાદાનાં જીગરમાં અનહદ આનંદ છવાઇ ગયો. હવે તેમને પોતાના મૃત્યુનો પણ ભય નહોતો રહ્યો. તેમનો પૌત્ર વર્ષોની ચાલી આવતી પરંપરા સંભાળવા તૈયાર હતો એ હૈયા ધરપતે તેના બુઢ્ઢા જીસ્મમાં જોશ ભરી દીધું હતું. લગભગ બે કલાક પછી એ દાદા-દિકરાએ ફરીથી કબિલા તરફ પ્રસ્થાન કર્યું ત્યારે એ ઝરણાંઓમાં જાણે ઉફાણ સર્જાયું હોય એમ તેનું પાણી ભારે વેગથી નીચે ઝિંકાવા લાગ્યું હતું.

@@@

છેક હવેલી સુધી કાર જઇ શકે તેમ નહોતી. હવેલીના કંમ્પાઉન્ડમાં આડેધડ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરાઓએ આખો રસ્તો બ્લોક કરી દીધો હતો એટલે ડ્રાઇવરે કારને બહાર જ રોકી દીધી.

“તું અહીં ગાડી પાસે જ રહેજે, હું અંદર જાઉં છું. મને આવતાં થોડો સમય લાગશે એ દરમ્યાન તું ક્યાંય જતો નહી.” અભયે ડ્રાઇવરને સૂચના આપી.

“એક મિનિટ ઉભા રહો.” ડ્રાઇવર એકાએક બોલ્યો અને તેણે ઝડપથી કારની ડિક્કી ખોલી. ડિક્કીમાં એક ખૂણે બેઝબોલનો ધોકો પડયો હતો એ ઉઠાવીને તેણે અભયને આપ્યો. “આ સાથે લઈ જાઓ. હવેલી કેટલાય સમયથી અવાવરૂ પડી છે. અંદર કોઇ જાનવરે પોતાનું ઘર બનાવ્યું હશે તો આ કામ લાગશે.” તે બોલ્યો. તેને આશ્વર્ય તો ક્યારનું ઉદભવતું હતું કે આ ખંડેર હવેલીમાં કોઇને વળી શું કામ હોઇ શકે! પણ, મોટા માણસોનાં મોટા ધતિંગો હોય એ તે સારી રીતે જાણતો હતો એટલે વધું કંઇ બોલ્યો નહી.

“થેંક્યું.” અભયે તેનો આભાર માન્યો અને હવેલીના કંમ્પાઉન્ડ તરફ આગળ વધ્યો. દૂરથી જ જણાઇ આવતું હતું કે હવેલી ખાસ્સી મોટી અને વિશાળ એરિયામાં પથરાયેલી છે. અભયને ખુદ પોતાની ઉપર જ આશ્વર્ય ઉદભવતું હતું કે કેવી રીતે આ હવેલીને તે ભૂલી ગયો હતો? નાનપણમાં કેટલીય વખત તે અહીં રમવા આવ્યો હતો. ત્યારે પણ હવેલી ખાલી હતી છતાં તેની હાલત થોડી બહેતર હતી. અત્યારે તો જાણી-જાઈને તરછોડાયેલી કોઇ ભૂતિયા હવેલી જેવી તેની દૂર્દશા થઇ હતી. મુખ્ય હવેલીઓથી આ હવેલી ખાસ્સી ત્રણેક કિલોમિટર જેટલી અંદરની તરફ હતી અને આ તરફ ગાઢ કહી શકાય એવો જંગલ વિસ્તાર હતો. વળી સમય વિતતા જંગલે પોતાનો વ્યાપ વધાર્યો હોય એમ સમગ્ર હવેલી આ જંગલનો જ એક હિસ્સો બની ગઇ હતી. ખંડહર બનેલી હવેલીમાં ધોળે દિવસે પણ ભયાનક સૂનકાર વ્યાપેલો હતો.

પૃથ્વીસિંહજીની હવેલી અને તેની સામે હાથમાં બેઝબોલનું બેટ પકડીને ઉભેલો અભય, એક ગજબનાક દ્રશ્ય રચાયું હતુ. અભયને ખુદને ખબર નહોતી કે તેને અહીં શું મળશે? પણ પૃથ્વીસિંહજીનાં ગાયબ થવાનું રહસ્ય જાણવું હોય તો ક્યાંકથી શરૂઆત કરવાની જ હતી. એ માટે તેઓ જ્યાં રહેતા હતા એ સ્થળની તપાસથી બહેતર શરૂઆત શું હોઇ શકે! કંઈક તો મળશે જ, એવી આશાએ તે હવેલીનાં પ્રાંગણમાં આવીને ઉભો રહ્યો અને અપલક દ્રષ્ટિએ હવેલીનાં તૂટેલા પ્રવેશદ્વારને તાકી રહ્યો. શું હશે હવેલીમાં, શું મળશે તેને? એ તો જ્યારે તે અંદર પ્રવેશે પછી જ ખબર પડવાની હતી. મન મક્કમ કરીને આખરે તેણે હવેલીનાં વિશાળ દરવાજાને ધક્કો માર્યો. ક્યાંક કશુંક તૂટવાનો.. કશુંક છટકવાનો અવાજ આવ્યો અને હવેલીનો દરવાજો ભયાનક કિચૂડાટનાં અવાજ સાથે ખૂલ્યો.

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED