Ardh Asatya - 4 books and stories free download online pdf in Gujarati

અર્ધ અસત્ય. - 4

અર્ધ અસત્ય.

પ્રકરણ-૪

પ્રવીણ પીઠડીયા

અનંતસિંહ અધીરાઈભેર રાજપીપળા આવ્યા હતા. તેમને ખાતરી હતી કે પોલીસ સ્ટેશનમાં તેમના દાદા પૃથ્વીસિંહ વિશે જરૂર કંઇક જાણવા મળશે. કોઈક એવો “ક્લ્યૂ” ચોક્કસ મળશે જે તેમને દાદાજી સુધી પહોંચાડી શકશે અથવા તો તેમના ગુમ થવાનું સાચુ કારણ જણાવી શકશે. પરંતુ અહીં ઈન્સ્પેકટર પ્રતાપ બારૈયાને મળ્યા ત્યારે કંઈક અલગ જ જાણવા મળ્યું હતું. બારૈયાના કથન પ્રમાણે પૃથ્વીસિંહજીના ગાયબ થયા પછી તેમને શોધવાની ભરપુર કોશિશ કરવામાં આવી જ હતી. રાજગઢ જેવા રાજ-પરિવારની મોભી વ્યક્તિ આવી રીતે અચાનક ક્યાંક ગુમ થઈ જાય ત્યારે ખળભળાટ મચે એ તો સ્વાભાવિક જ હતું. એ સમયમાં જે કોઇપણ ઓફિસર આ કેસને હેન્ડલ કરતા હતા તેમણે ગંભીરતાથી તપાસ કરી હતી પરંતુ લાખ કોશિશો છતાં પૃથ્વીસિંહની કોઈ ભાળ મળી નહોતી. લગભગ એક મહિના સુધી સમગ્ર રાજગઢ અને તેની આસપાસનાં તમામ ઇલાકાઓની તસુએતસુ ભૂમીની ખાક છાનવામાં આવી હતી. આટલી મહેનત છતાં જ્યારે કોઇ સુરાગ ન મળ્યો ત્યારે એવુ માનીને ફાઈલ બંધ કરી દેવામાં આવી હતી કે તેઓ સ્વેચ્છાએ જ ક્યાંક ચાલ્યાં ગયા હશે અને પોતે જ નહીં ઇચ્છતા હોય કે તેમની કોઇ ભાળ મળે!

અનંતસિંહને ભારે નિરાશા ઘેરી વળી. અહીં આવવાનો કોઇ અર્થ સરતો દેખાતો નહોતો.

“અચ્છા ઇન્સ્પેકટર, મને એ ફાઈલ જોવા મળી શકે?” એક છેલ્લી આશા તરીકે તેમણે પુછયું અને મીટ માંડીને બારૈયાનાં ચહેરા સામું જોયું.

“ચોક્કસ, કેમ નહી! પણ માફ કરશો, એ માટે આપે ભરૂચ જવું પડશે.”

“ભરૂચ!” અનંતસિંહના ભવા સંકોચાયા. વળી એક નવો ફણગો ફૂટયો હતો.

“વાત એમ છે કે અહીંના પોલીસ સ્ટેશનમાં જે રેકોર્ડરૂમ હતો તેમાં બે વર્ષ પહેલાં આગ લાગી ગઈ હતી. એ સમયે ઘણાંખરા રેકોર્ડ્સ બળીને નષ્ટ પામ્યાં હતા અને જે કંઈ બચ્યું હતું તેને ભરૂચ હેડક્વાર્ટરથી ઓર્ડર આવતા ત્યાં ખસેડી લેવામાં આવ્યું હતું જેથી તેને રિ-સ્ટોર કરી શકાય.” બારૈયાએ વિસ્તારથી અનંતસિંહને જણાવ્યું. તે રાજગઢના રાજવીને સહેજપણ નારાજ કરવા માંગતો નહોતો.

“ઓહ, ઓકે! હું ભરૂચ જઈશ, તમે મને ત્યાંનું સરનામું અને ત્યાં કોને મળવાનું છે એ જણાવો.” લગભગ વાત ખતમ કરવાના ઇરાદાથી અનંતસિંહ બોલ્યાં અને ખુરશી પરથી ઉભા થઇ ગયાં. બારૈયા પણ ઉભો થયો હતો અને તેણે એક કાગળમાં ભરૂચ પોલીસ સ્ટેશનનું સરનામું અને એક નામ લખી આપ્યું. અનંતસિંહે કાગળમાં નામ વાંચ્યું. “કરણ પટેલ” અને કાગળ કોટના ખીસ્સામાં સરકાવ્યો.

“એક સમયે તે મારાં હાથ નીચે કામ કરતો હતો. પછી તેની બદલી ભરૂચ થઇ ગઇ. કામનો માણસ છે એટલે ભલામણ કરું છું.” ઇન્સ્પકટર બારૈયાએ સામે ચાલીને હસ્તધનૂન કરતા કહ્યું. અનંતસિંહે તેમનો આભાર માન્યો અને બહાર નિકળી આવ્યાં. દેવજી તેમની પાછળ જ હતો. હવે તેને સમજ પડી હતી કે અનંતસિંહે તેની પાસે પોલીસ સ્ટેશનનું સરનામુ શું કામ માંગ્યું હતું! અનંતસિંહ પ્રત્યે એકાએક તેને માન ઉદભવ્યું.

પરંતુ હકીકત એ હતી કે પહેલા જ પ્રયાસમાં તેમને નિષ્ફળતા મળી હતી. જે આશાએ તેઓ અહીં આવ્યા હતાં એ ફળીભૂત થઇ નહોતી. અનંતસિંહ હાર માની લે એવું વ્યક્તિત્વ ધરાવતો નહોતો છતાં તેમના મનમાં એક દુવીધા ઉદભવી હતી કે તે જે કરી રહ્યો છે એ યોગ્ય છે કે નહીં! વર્ષો પહેલા ગુમ થયેલા દાદાની એ સમયે તપાસ થઈ જ હતી એવું તેને બારૈયાની વાતો ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવ્યો હતો. જો પોલીસવાળા દાદાને શોધી ન શક્યાં હોય તો આટલા વર્ષોના અંતરાળ પછી તે શું કામ આ ખોટી માથાકૂટમાં પડી રહ્યો છે! અમેરિકાથી અહીં તે થોડા દિવસો આરામ કરવા આવ્યો છે ત્યારે હાથે કરીને આ ઝંઝાળ શું કામ પેદા કરવી જોઇએ. અનંતસિંહ ખુદ પોતાના વિચારોમાં જ અટવાઈ પડયા. એ જ સ્થિતીમાં તેમણે બીએમડબલ્યૂને પોલીસ સ્ટેશનનાં કંપાઉન્ડની બહાર કાઢી અને રાજગઢની દિશામાં હંકારી મુકી. આ બાબતે થોડું વિચારવું પડશે એવુ તેમને લાગતું હતું. થોડા કલાક પહેલા દાદાનુ ચિત્ર જોઇને જે ઉત્તેજનાં તેમના મનમાં વ્યાપી હતી તેમાં એકાએક ઓટ આવી હોય એવું મહેસુસ થયું.

***

એક કડાકો થયો અને વિજળીના ચમકારા સાથે વરસાદ તૂટી પડયો. અભય રાજગઢની સીમથી હજુ ત્રણેક કિલોમીટર દુર હતો. વરસાદ એકાએક જ જોરદાર રીતે ખાબકવા માંડયો હતો અને ઘડીભરમાં તો તે સંપૂર્ણપણે ભિંજાઈ ગયો હતો. તેના મનમાં ચાલતા ગ્લાનીભર્યા વિચારો ચહેરા પરથી રગડતી પાણીની ધાર સાથે ધોવાતા ગયા હતા અને તે સાવ હળવાફુલ બની ગયો હતો. સસ્પેન્શનની પીડાદાયક યાદો એકાએક ગાયબ થઇ ગઇ હોય એમ તેના જીગરમાં હળવાશ ફેલાતી ગઇ. બુલેટની રફતાર થોડી ધીમી કરીને વરસાદની મજા માણતો તે રાજગઢની ભાગોળે આવી પહોચ્યોં. રાજગઢ મુખ્ય રસ્તાથી થોડું અંદર હતુ અને ત્યાં પહોંચવા ડાબી બાજુ વળાંક લેવો પડતો હતો. અભયે જોયું તો મુખ્ય રસ્તા પર સામેની તરફથી એક કાર આવી રહી હતી. તેને એમ લાગ્યું કે કાર સીધી જ પસાર થઈ જશે. એ તરફ એક નજર કરીને તેણે સાવધાની પૂર્વક બુલેટને મુખ્ય રસ્તા પરથી રાજગઢ તરફ વાળ્યું. માથે હેલ્મેટ પહેર્યું હોવા છતાં વરસાદનું તેજ ધારે વરસતું પાણી તેની આંખોમાં આવતુ હતુ એટલે અનાયાસે જ તેની આંખો ઉઘાડ-બંધ થતી હતી. તે હજુ રાજગઢના રસ્તે ઉતરે એ પહેલા તેની આંખોએ ઝબકારો માર્યો હતો અને ચંદ સેકન્ડો માટે આંખો બંધ થઇ હતી. બરાબર એ સમયે જ સામેથી આવતી કારે પણ રાજગઢ તરફ ટર્ન લીધો હતો અને અભય કંઈ વિચારે એ પહેલા તો ભારે વેગથી ધસી આવેલી કાર તેના બુલેટ સાથે ધડાકાભેર ટકરાઇ પડી હતી અને એક જોરદાર ધમાકાનો અવાજ વાતાવરણમાં ગુંજી ઉઠયો હતો. આકાશમાંથી ધોધમાર વરસતું પાણી પણ એ ધમાકાનાં અવાજમાં ઘડીભર માટે તો હવામાં જ સ્થિર થઇ ગયુ હતું.

ક્ષણનાં ચોથા ભાગમાં એ અકસ્માત સર્જાયો હતો. બુલેટના પાછલા ભાગ સાથે કારનું બોનેટ ટકરાયું હતું અને અભય કંઇ વિચારે, પોતાની જાતને સંભાળવાની કોશિશ કરે એ પહેલા તો તેના હાથમાંથી બુલેટનું હેન્ડલ છટકયું હતું અને રીતસરનો તે હવામાં ઉછળીને આગળ રોડ ઉપર છાતીભેર ખાબક્યો હતો. તેનું બુલેટ ભયંકર રીતે “રેસ” થયું હતું. બુલેટના એક્ઝોસ્ટ પાઈપમાંથી ધૂમાડના ગોટ નીકળ્યાં અને ડ્રાઈવર વગર જ ભાગતું બુલેટ રોડની બાજુમાં પાણી ભરાયેલા ખાળીયામાં ઉતરી ગયુ હતું અને એક સાઈડે નમીને આડું પડયું. કોઈ કંઇ સમજે એ પહેલા તો આ અકસ્માત સર્જાઈ ગયો હતો.

આમાં વાંક ચોક્કસ કારવાળાનો જ હતો. તેણે અચાનક જ રાજગઢ તરફ ટર્ન લીધો હતો. વરસાદનાં કારણે ધૂંધળા બનેલા વાતાવરણ અને કારના કાચ પર ખાબકતા પાણીને કારણે બુલેટવાળો શખ્શ કદાચ તેને દેખાયો નહી હોય કે પછી બીજું ગમે એ કારણ હોય, પરંતુ તેણે એક ભયંકર અકસ્માત સર્જયો હતો. કારનો ચાલક પણ આ અકસ્માત જોઈને ધ્રૂજી ઉઠયો હતો. ફટાફટ કારનો દરવાજો ખોલીને તે બહાર નિકળ્યો અને અભય તરફ દોડી ગયો. એ દરમ્યાન અભય બેઠો થઇ ચૂક્યો હતો. તેનું હેલ્મેટ ઉછળીને દુર પડયું હતું. રોડ સાથે તેના હાથની હથેળીઓ, કોણી અને છાતીનો ભાગ ઘસાયા હતાં. ગનીમત એ થયું કે ત્યાં પાણી ભરાયેલું હતુ એટલે વધુ ઇજાઓ નહોતી થઈ. અભયે બેઠા થઇને છોલાયેલી કોણીનો ભાગ તપાસ્યો. કોણીની ચામડી ઘસાઈ હતી અને તેમાથી લોહી નીકળી વરસાદનાં પાણી સાથે નીચે ટપકતું હતું. એ દરમ્યાન કારવાળો શખ્સ તેની નજીક પહોંચ્યો હતો.

“આઇ એમ વેરી સોરી, તમને વધુ ઈજા તો નથી થઈને?” ગભરાયેલા શ્વરે તેણે અભયને પુંછયું. અભય કંઈક બોલવા ગયો પરંતુ આ અવાજ તેને જાણીતો લાગ્યો. આંખો ઉઠાવીને તેણે એ શખ્શ ભણી તાકયું. અને... તે સ્તબ્ધ બની ગયો. પેલા શખ્સે પણ અભયને ઓળખ્યો.

“ ઓહ ભગવાન, અભય તું?” તેમના ગળામાંથી અપાર આશ્વર્યભર્યો ઉદગાર નીકળ્યો.

“અનંત” અભય એટલું જ બોલી શકયો અને તે બેભાન થઈને ત્યાં જ ઢળી પડયો.

( ક્રમશઃ )

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED