પ્રતિક્ષા - ૩૯ Darshita Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રતિક્ષા - ૩૯

“સ્વાતી મોમની રીંગ!!!” આંખ ખોલતા જ ઉર્વા બોલી પડી.
“યસ...”
“કહાન તને મતલબ ખબર છે ને આ વસ્તુનો? આર યુ ઇવન શ્યોર?” ઉર્વા અચંબામાં હતી.
“હું શ્યોર છું...” કહાનના અવાજમાં એક અજબ રણકો હતો. “મને બહુ સારી રીતે યાદ છે કે મેં જ કીધું હતું કે હું આ વીંટી ક્યારેય કોઈના હાથમાં નહી પહેરાવું. ક્યારેય કોઈ કમીટમેન્ટમાં નહિ બંધાઉં, કોઈને પ્રપોઝ નહિ કરું. અને ગમે તે થાય મોમને માફ નહિ કરું. એ શરદ પુનમની રાત મને આખે આખી યાદ છે ઉર્વા. અને હું તારી સામે ઉભો છું. મારી મોમની રીંગ તારી આંગળીમાં પહેરાવીને ઉભો છું. બોલ હવે... શું જવાબ છે તારો?”
ઉર્વા માટે અત્યારે થઇ રહેલી બધી જ ઘટના કલ્પના બહારની હતી. ઉર્વા બસ જોઈ રહી દુર દુર દેખાતી ક્ષિતિજ રેખાને અને તેને પણ ખબર ના પડી કે તે ક્યારે પોતાના મુંબઈ વાળા ફ્લેટની અગાશીએ પહોંચી ગઈ.
***
હવામાં ભળેલી ઠંડી લહેરખીઓને માણતી રૂપેરી ચોલી પહેરેલી યૌવનના પ્રાંગણમાં બેઠેલી ઉર્વા બેનમુન દેખાતી હતી. પૂરી અગાશી પર તે એકલી જ આંટા મારી રહી હતી ને ચાંદાને જોઈ રહી હતી. ત્યાંજ થોડો ગુસ્સામાં ને થોડો ચીડાયેલો કહાન અગાશી પર આવ્યો.
“ક્યારનો શોધું છું તને. કહી ને તો જવાય કે અગાશી પર છો! ઉપરથી ફોન પણ તારો નીચે પડ્યો છે!” કહાને સીધું જ ગુસ્સો કરવાનું ચાલુ કરી દીધું પણ ઉર્વા તો જાણે કંઈ સાંભળતી જ નહોતી. તે પાળી પર બેસી દુર દેખાતા ચાંદાને બસ જોઈ રહી.
“તને કહું છું!” કહાને તેના ખભાને પકડીને કહ્યું
“રેવાને કહી દીધું તું મેં! અને હું ક્યાં બીજે ક્યાંય જવાની હતી!” ઉર્વા ઉભડક જવાબ આપી ફરી ચાંદો જોવા લાગી.
“ઉર્વા... હું તારી સાથે વાત કરવા આવ્યો છું.” કહાને ના છૂટકે ઉર્વાને પોતાની તરફ ફેરવી.
“કેવી લાગુ છું?” ઉર્વાએ તેની તરફ ફરતા જ તેના ચેહરાની લગોલગ આવી પૂછ્યું.
“લગ્ન છે તારા? તો આટલી તૈયાર થઇ છે?” ઉર્વાને આટલી નજીક આવેલી જોઈ કહાન સહેજ અનકમ્ફર્ટેબલ થતા ખસીને બોલ્યો.
“શું વાત છે બોલ? શું થયું છે?” ઉર્વા એક ક્ષણ કહાનની સામે જોઈ રહી અને પછી એનો હાથ પકડી પ્રેમથી પૂછી રહી.
“પપ્પા યાર! બીજું શું?”
“કેમ શું થયું?” ઉર્વા બહુ ધીમેથી કહાનનો ઉકળાટ બહાર કાઢી રહી હતી
“ગમે તેવો તહેવાર હોય! નાનો કે મોટો, મારે પપ્પાના ચેહરા પર નરી ઉદાસી જ જોવાની! બહારથી બહુ જ ખુશ દેખાતો આ માણસ કેટલી ખરાબ રીતે તૂટી જાય છે યાર! નથી જોવાતું આ બધું... તહેવારો આવે ત્યારે મોમની બાંધણીને, એના ચણીયાચોલીને, એના ઘરેણાઓને એ જે માવજતથી અડકે છે ને યાર!! નથી જોવાતું.” કહાનની સામે દેવનો ચેહરો તરવરી રહ્યો હતો.
“હેય... અહીં જો!” ઉર્વાએ ધીમેથી કહાનનો ચેહરો હાથમાં લઇ નજીક લાવ્યો. “એ વાઈફ હતી એમની. એમનો પ્રેમ હતો. તું રેવાને જ જોઈ લે ને... એ પણ તો કેટલું યાદ કરે છે એ વ્યક્તિને જેને એની કંઇજ કદર નથી!!! પ્રેમ આવો જ હોય કહાન. સારા કે ખરાબ પ્રસંગે તમારી અંદર ધબકતું માણસ યાદ આવે તમને! ધેટ્સ ઈટ...”
“આને પ્રેમ કહેવાય! લાઈફ ટાઈમ કોઈને ઝંખતા રહેવું! ડેડ જેને યાદ કરે છે એ દુનિયામાં નથી અને રેવા જેને યાદ કરે છે એને તો રેવા વિષે કંઈ પડી જ નથી. આવા પ્રેમનો શું મતલબ!! સીરીયસલી આવો જ પ્રેમ હોય તો મારે નથી કરવો પ્રેમ. મારે નથી જોઈતા કોઈ કમીટમેન્ટ... અને આ જે કંઈપણ પરિસ્થિતિ છે ને એના માટે હું ક્યારેય માફ નહિ કરું મોમને... અને ઉર્વિલ ને... ” કહાનના શબ્દોમાં સ્વાતી અને ઉર્વિલ માટે ધ્રુણા ભળી રહી હતી.
“અચ્છા ચલ નહિ કરતો માફ. પણ પ્રેમ તો તું ય કરે જ છે ને!! નથી કરતો?” ઉર્વા તેની વધુ નજીક સરકતા હસીને પૂછી રહી
“ઉર્વા... યુ નો આઈ લવ યુ...” કહાન આ ચર્ચાના મૂડમાં નહોતો.
“ચલ એ કહે હું ક્યારેક થોડાક દિવસ પણ બહાર જઈશ તો તું મને યાદ નહિ કરે? આમજ મારી રાહ નહિ જોવે? શું કામ દરેક વસ્તુ તું ખરાબ રીતે જ જોવે છે?” ઉર્વા કહાનને શાંત કરવા કહી રહી હતી.
“સી... આઈ લવ યુ. બટ હું આવી રીતે તારી રાહ જોવામાં ક્યારેય લાઈફ વેસ્ટ ના કરું. એન્ડ આઈ એમ સોરી બટ હું ક્યારેય લાઈફ ટાઈમના કમીટમેન્ટ પણ ના આપું. આ બધું જ વ્યર્થ છે મારા માટે...” કહાન એકધારું બોલી રહ્યો હતો.
“મતલબ આ બધું, આ જે કંઈપણ આપણા વચ્ચે છે એ...” ઉર્વા સહેજ દુર હટી કહાનથી.
“બેબ, આ બધું આમજ રહેશે બટ હું પપ્પાના કે રેવાના રસ્તે નહિ ચાલુ ક્યારેય. હું મારી જાતને બરબાદ નહિ કરું ક્યારેય... તારા માટે પણ નહિ.” કહાને ઉર્વાનો હાથ પોતાના હાથમાં પકડી છોડી દીધો.
“કોઈ માટે બરબાદ થઇ જવાની ખ્વાહીશ થાય, કોઈ માટે દુનિયા લુંટાવી દેવાની ઈચ્છા થાય ને એને જ હું તો પ્રેમ કહું છું કહાન... તને પણ થશે એકદિવસ આવો પ્રેમ. આઈ એમ શ્યોર.” ઉર્વાના એકેએક શબ્દમાં વિશ્વાસનો રણકો હતો.
“એવું ક્યારેય નહિ થાય.” કહાન તેની જગ્યાએથી ઉભો થઇ ગયો.
“અને થયું તો?”
“તો...?” કહાન પાસે કોઈ જવાબ નહોતો આ વાતનો.
“તો તું સ્વાતી મોમને માફ કરીશ.”
***
ઉર્વા સામે એ ઘટનાક્રમ અત્યારે સામે જ બની રહ્યો હોય તેમ આંખો સામે આવી રહ્યો હતો. તેણે એકવખત આંખ બંધ કરી ફરીથી ખોલી કહાન સામે જોયું.
“કહાન...”
“ઉર્વા... મોમને માફ કરીને એની રીંગ તને પહેરાવું છું. પૂરી ઝીંદગી તારા નામે સોપીને બેઠો છું હવે. તારા નામે બરબાદ થવા સુધીની તૈયારી છે મારી. હવે તું બોલ...”
“ના કહેવાની કોઈ શક્યતા રાખી છે તે હવે?? આઈ લવ યુ યુ ઇડીયટ.” ઉર્વા ભીની આંખે કહાનને બાઝી પડી.
***
ઉર્વા પોણો કલાક ઉપરથી બગીચામાં હતી. રચિતે પણ અનુમાન લગાવી જ લીધું હતું કે કહાને અત્યાર સુધી ઉર્વાને મળી લીધું હશે અને તેને સમજાવી રહ્યો હશે. મનસ્વી પણ તેની સાથે પાંચ મિનીટ બેસીને પોતાના કામ આટોપવામાં લાગી ગઈ હતી. રચિત મોબાઈલમાં વોટ્સએપ એમજ બેઠો બેઠો સ્ક્રોલ કરી કંટાળી રહ્યો હતો. તેને ત્યાંજ રઘુ પાસેથી જાણકારી લેવા વાળી વાત યાદ આવી. તેને લાગ્યું કે રઘુભાઈ પાસે ડાયરેક્ટ જતા પહેલા તેની પાસે જે હાથવગી માહિતી છે તે ભેગી કરી લેવી જોઈએ. તેણે સીધું જ ડાયલર કાઢી ફોન જોડ્યો.
“હેય! ગુડ મોર્નિંગ!!” ફોન કાને ધરીને તે બોલ્યો.
“મોર્નિંગ સર.”
“ઓફિસે છે પારસ?”
“હા. બોલોને સર.”
“જો મારું ડેસ્ક છે ને એની ઉપરના કેબીનેટમાં બીજા શેલ્ફમાં એક રેડ પ્લાસ્ટિક બેગ છે. જોઈ જો તો...” રચિત ઉર્વાએ આપેલી ફાઈલનું એકઝેટ લોકેશન આપી રહ્યો.
“એક મિનીટ...” સામે છેડેથી ડોન હોલ્ડ પર મુકાયો. “હા મળી ગઈ બેગ સર...”
“હા એમાં ગ્રીન ફાઈલમાં થોડાક પેપર્સ પડ્યા છે. એ બધા જ પેપર્સના ફોટોઝ મને અત્યારે વોટ્સએપ કરી આપને!!”
“ઓકે કરું છું.”
ફોન કટ કરી રચિત તે ફોટોઝની રાહ જોતો બેસી જ રહ્યો હતો કે દરવાજાની ડોરબેલ જોરજોરથી વાગવા લાગી. મનસ્વી તરત જ ઉતાવળે દરવાજો ખોલવા આવી ને એક ક્ષણ માટે આભી જ રહી ગઈ.
“હેપ્પી બર્થડે ટુ યુ....” કહીને મનસ્વીને ગળે લગાવતા મયુરીબેન ઘરમાં દાખલ થયા.
“મમ્મી તમે!!!” મનસ્વી આ સરપ્રાઈઝથી ખુશ ઓછી અને શોક્ડ વધારે હતી. સતત આવતો અવાજ સાંભળી ઉર્વિલ પણ પગથીયા પાસે આવ્યો ને મયુરીબેનને આવેલા જોઈ વળતી જ પળે અંદર ચાલ્યો ગયો.
“મમ્મી તમે તો કાલે આવવાના હતા ને!” મનસ્વી ધીમેથી કહી રહી અને તરત જ વાંકી વળી પગે લાગી રહી.
“ખુશ રહો. ખુશ રહો. મારી લાડકી વહુનો બર્થડે હતો તો સરપ્રાઈઝ આપવા આવી ગઈ.” મયુરીબેનના ભરેલા ચેહરા પર અમદાવાદ આવવાની ખુશી સાફ દેખાતી હતી. તે ઠસ્સાભેર અંદર આવી આખા ઘરનું નિરીક્ષણ કરતા હતા ત્યાંજ રચિતને જોઈ તેમની આંખો રોકાઈ.
“મમ્મી આ મારી ફ્રેન્ડ આરતીનો સન છે, રચિત.” મનસ્વીએ ઓળખાણ કરાવી.
“નમસ્તે આંટી.” રચિત ત્યાં બેઠા બેઠા જ વિવેક કરી રહ્યો. મયુરીબેન ફક્ત ડોકું હલાવી ત્યાં બીજા સોફા પર બેસી ગયા.
“કોઈ કામથી આવ્યો હશે.” મયુરીબેન ઝીણવટથી જોઈ રહ્યા.
“અરે એ ગઈ વખતે આવ્યો ત્યારે એની કાર અહીં મૂકી ગયો હતો તે લેવા અને તેની ફ્રેન્ડને મળવા આવ્યો છે.” મનસ્વીએ ટૂંકમાં પરિસ્થિતિનો અણસાર આપ્યો અને યાદ આવ્યું હોય તેમ ઉમેર્યું,
“હું પાણી લઇ આવું...” મનસ્વી રસોડામાં જવા આગળ વધી પણ મયુરીબેને તેને રોકી દીધી.
“ચાલ હું પણ રસોડામાં જ આવું છું...” કહી મયુરીબેન પણ મનસ્વી સાથે રસોડામાં ચાલી ગયા.
***
“એની ફ્રેન્ડને મળવા... કંઈ સમજાયું નહિ.” રસોડામાં પાણીનો ગ્લાસ ભરતા મયુરીબેને પૂછ્યું
“અરે, રચિતની ફ્રેન્ડ છે ઉર્વા. એ ૨ દિવસ પહેલા આવ્યા તા બન્ને ને પછી અચાનક રચિતને પાછુ મુંબઈ જવાનું થયું તો ઉર્વાને અહીં મૂકી ગયો હતો. બહુ જ સીધી, શાંત અને સમજુ છોકરી છે.” મનસ્વી ફરી સમજાવી રહી.
“હં હં એટલે આજે કાર અને છોકરી બન્નેને લઇ જશે...”
“એટલે મમ્મી એમાં એવું છે કે છોકરીની મમ્મીની થોડા દિવસ પહેલા જ ડેથ થઇ છે અને એ મુંબઈમાં સાવ એકલી રહે એના કરતા મેં એને પૂછ્યું છે એને પી.જી તરીકે અહિયાં રહેવું ફાવે તો...” મનસ્વીએ મયુરીબેનના રીએક્શન માટે સામે જોયું પણ એમનો કંઇજ પ્રત્યુત્તર ના આવતા આગળ ચલાવ્યું, “મમ્મી હું ય આખો દિવસ ઘરમાં એકલી જ હોઉં છું. બીજો રૂમ પણ મોટા ભાગે ખાલી જ રહે છે. અને ઉર્વિલે પણ હા જ કીધી છે તો...” મનસ્વી પરવાનગી માંગતી હોય તેમ મયુરીબેન સામે એકીધારું જોઈ રહી.
“સારું તમને યોગ્ય લાગે એમ. તમારું ઘર છે.” મયુરીબેનના અવાજમાં ચોક્કસ અણગમો હતો. મનસ્વીએ વાત ત્યાંજ આટોપી લીધી અને રસોડાના બીજા કામમાં લાગી ગઈ.
***
સવા કલાક થવા આવ્યો હોવા છતાં ઉર્વા બગીચામાંથી પાછી નહોતી ફરી એટલે રચિત હવે કંટાળીને ત્યાં ગયો. ત્યાં બગીચામાં જ ઉર્વા અને કહાનને પ્રેમથી એકબીજાના હાથ પકડીને વાતો કરતા જોઈ રચિતને ઘણી જ ધરપત થઇ.
“તો, સોર્ટ આઉટ થઇ ગયું!!” રચિત તે બન્નેની નજીક આવતા પૂછી રહ્યો.
“હા, બિલકુલ સોર્ટ આઉટ થઇ ગયું. વી આર અગેન ટુગેધર...” કહાનના ખભાને હાથથી દબાવતા ઉર્વા કહી રહી અને રચિતની આંખમાં જોઈ તેણે એક ઈશારો કર્યો જેનો મતલબ ફક્ત તે બે જ સમજી શક્યા.
“સો બોલ તું કહે એ કરીએ હવે આપણે આજે...” કહાન ઉર્વાને લાડ કરાવવા ગયો.
“પહેલા તો તું બહારના રસ્તે થી ઘરની અંદર આવ. પછી તમે બન્ને ફ્રેશ થઇ જાઓ એટલે ક્યાંક સરસ લંચ લેવા જઈએ.” ઉર્વા હસીને કહી રહી.
“હું ફ્રેશ જ છું અત્યારે ઓલરેડી. અત્યારે જ ક્યાંક બહાર જઈને કંઇક ખાઈએ ને...” રચિતે તરત જ કહ્યું.
“સારું તો તમે મેઈન ગેટથી આવો ત્યાં હું મનસ્વીને કહી દઉં.” ઉર્વા પણ તરત સહમત થઇ ગઈ
“તમે કહો એમ સ્વીટહાર્ટ...” કહાન તેના ગળામાંથી હાથ કાઢી બગીચા વાળા રસ્તેથી જ બહાર નીકળી ગયો.
“એય...” ઉર્વાએ અવાજ કરી કહાનને રોક્યો, “અત્યારે ઉર્વિલ કે મનસ્વીને આપણા વિષે નથી કહેવાનું ઓકે? અને રચિત તું સાથે લઈને આવ મેઈન દરવાજાથી.”
ઉર્વાના કહેતા જ રચિત અને કહાન બગીચાના દરવાજાની બહાર નીકળી ગયા અને ઉર્વા ત્યાંથી હોલમાં આવી. હોલ આખો ખાલી જોઈ મનસ્વીને શોધતી તે રસોડામાં ગઈ.
“મનસ્વી...” તેના અવાજમાં ખુશીનો રણકો સાફ છલકાતો હતો પણ રસોડામાં મનસ્વીની સાથે બીજી સ્ત્રી જોઈ તે ત્યાં જ અટકી ગઈ.
“અરે, ઉર્વા આવ આવ. આ ઉર્વિલના મમ્મી છે.” મનસ્વીએ કહ્યું.
“નમસ્તે.” ઉર્વા એ ફક્ત હાથ જોડ્યા. રેવાની ડાયરીના વર્ણનથી ઉર્વા બહુ સારી રીતે જાણતી હતી કે રેવા સાથે જે કંઈ થયું તેમાં મયુરીબેનની જીદનો પણ કેટલો વાંક હતો એ. પણ તેણે પોતાના ચેહરા પર અણસાર સુધ્ધા ના આવવા દીધો.
“અમદાવાદ કોઈ કામથી આવી છે?” મયુરીબેને વાત શરુ કરી.
“એમ તો કામ થી જ આવી હતી. પણ જોઈએ હવે!” ઉર્વા પણ તેમનો કહેવાનો મતલબ સમજતી હતી એટલે જાણીજોઈને તેણે ઉડાઉ જવાબ આપ્યો.
“હં હં”
“મનસ્વી, હું રચિત અને એના ફ્રેન્ડ સાથે બહાર જાઉં છું. ઘરે નથી જમવાની હા...” ઉર્વા મનસ્વી સામે જોઈ કહી રહી.
“સારું. તું ય ફરી આવ...” મનસ્વી હસીને બોલી અને તરત જ ઉર્વા બહાર નીકળી ગઈ.
“બહુ સંસ્કાર સારા આપ્યા હોય એવું લાગતું નથી.” મયુરીબેન કહી રહ્યા.
“અરે ના ના. બહુ સરસ અને ડાહી છોકરી છે.”
“સારું. ઉર્વિલ ક્યાં છે?” મયુરીબેનને મનસ્વી સાથે વાત કરવું વ્યર્થ લાગ્યું એટલે તેણે જાતે જ વાત ટૂંકાવી દીધી.
“એ ઉપર છે. રૂમમાં... બોલાવું નીચે?”
“સારું હું ઉપર જ મળી આવું છું એને. તું આજે શીખંડ તો લઇ આવજે...” મયુરીબેન એટલું કહી ઉર્વિલના રૂમ તરફ જવા લાગ્યા.
***
“હા શું કામ હતું?” રૂમનો દરવાજો ખોલી અંદર આવતા મયુરીબેનને જોઈ ઉર્વિલે ચિડાઈને કહ્યું.
“લે, તને મળવા આવી છું. કેમ છે?” માયુરીબેને પ્રેમથી કહ્યું.
“હું બિલકુલ મજામાં છું. તમારી વહુ નીચે છે. તમે એની સાથે વાતો કરો હા.” ઉર્વિલે તોછડાઈથી કહ્યું.
“માં છું તારી. તારા ઘરે પણ ના આવી શકું?” મયુરીબેનથી આ તોછડાઈ નહોતી સહન થઇ રહી.
“ઘરે આવો પણ મને ના વતાવો...” ઉર્વિલ આટલું કહી પોતાની બાજુમાં પડેલું પુસ્તક ઉઠાવી વાંચવા લાગ્યો. મયુરીબેન થોડીવાર એની સામે જોઈ રહ્યા પણ ઉર્વિલે કોઈ જ પ્રતિક્રિયા આપી નહિ.
“આ તારી બૈરીને શું ધતિંગ સુજ્યા છે ફરીથી? કોઈકને પીજી તરીકે રાખવાનું કહે છે!!” મયુરીબેને નવી વાત ઉપાડી.
“એની ફ્રેન્ડના દીકરાની દોસ્ત છે. અહિયાં રહે તો વાંધો શું છે?” ઉર્વાની વાત આવતા ઉર્વિલે જવાબ આપ્યો.
“એવી સંસ્કાર વગરની છોકરીને પીજી તરીકે રાખવાની?”
“એટલે?” ઉર્વા વિષે આવું બોલાતું સાંભળી ઉર્વિલનું લોહી ઉકળ્યું.
“એટલે મનસ્વી એના કરતા આટલી મોટી છે તો ય નામથી બોલાવે છે. એના ફ્રેન્ડ જોડે છેક મુંબઈથી કારમાં આવી તી. અત્યારે એની ભેગી બહાર રખડવા ગઈ છે. માં મરી ગઈ છે. બાપની ખબર નથી. આવા લોકોને રાખીને કામ શું છે?” મયુરીબેન ઉર્વા વિષે જે મનમાં હતું તે બધું જ બોલી ગયા.
“ખબરદાર જો ઉર્વા વિષે આમ બોલ્યા છો તો!!!” ઉર્વિલનું મગજ છટક્યું. તેની આંખો આગ વરસાવી રહી.
“તને આટલું શું બળે છે!!” મયુરીબેનને આવા રીએક્શનની કલ્પના પણ નહોતી. તે પણ ઉર્વિલને આટલો ગુસ્સામાં જોઈ ડઘાઈ ગયા.
“મારી પોતાની દીકરી છે એ. મારી અને રેવાની દીકરી છે એ...”
***
(ક્રમશઃ)