ગણી છે આપણે...
કેટલી ઓછી ગણી છે આપણે,
જિંદગીને ખુદ હણી છે આપણે.
મોતને બસ દુરથી જોયા કર્યું,
જિંદગીને અવગણી છે આપણે.
છે હૃદય, પણ લાગણી એમાં નથી,
જિંદગી, ફોગટ ગણી છે આપણે.
ના ઝરૂખો, ગોખ કે ના ઓસરી,
જિંદગી કેવળ ચણી છે આપણે.
બીજ રોપ્યું, નીર સીંચ્યું કોઈએ,
જિંદગી કેવળ લણી છે આપણે.
સાવ બરછટ પોત કહેવાયું પછી,
જિંદગી કેવી વણી છે આપણે.
000
તડકો બોલે...
તડાક કરતો તડકો બોલે,
પડછાયાને લઈને ખોળે.
પહેલા ફરશે ખેતર ખેતર,
જાય પછી એ પોળે પોળે.
દોડી દોડી થાકે તો, એ
સરવરમાં જઈ જાત ઝબોળે.
સામો આવે, પાછળ આવે,
છત્તરમાં એ કાણાં ખોળે.
વૃક્ષોમાં છુપાતો ફરશે,
વા’ આવે- મલકાતો ડોલે.
માનવ એનો પાક્કો દુશ્મન,
એને તો પરસેવે તોળે.
000
બનાવમાં આવે...
નિત્ય બનતા બનાવમાં આવે,
સ્હેજ વાતે તણાવમાં આવે.
સત્ય એણે છુપાવવું પડશે,
કોઇના જો દબાવમાં આવે.
કોઇને મળવું ના ગમે એને,
કોણ એના પડાવમાં આવે.
સૂર્યનો ભાવ કોણ પૂછવાનું,
આગિયા જો પ્રભાવમાં આવે.
ફેરવાશે પછી સિકલ એની,
જળ નદીના તળાવમાં આવે.
સૌની સાથે હળી મળી રહીએ,
એટલું જો સ્વભાવમાં આવે.
000
એ કારણ હશે...
મુખ ઉપર પ્રસ્વેદ, એ કારણ હશે,
નાવ તળિયે છેદ, એ કારણ હશે.
દેહ ને મન, બેઉની હાલત જુઓ,
રોજ વધતો મેદ, એ કારણ હશે.
યુદ્ધ, સ્પર્ધા, દુઃખ અને અન્યાય પણ,
મન તણા છળભેદ, એ કારણ હશે.
જંગ એ જીતી ગયા અંતિમ પળે,
વાપરી’તી બેદ, એ કારણ હશે.
જિન્દગીને ખુદ અમે પ્યારી કહી,
ઉમ્રભરની કેદ, એ કારણ હશે.
પદ્યનો મહિમા થવાનો આજ પણ,
પૂર્વના ઋગ્વેદ, એ કારણ હશે.
000
ચાલે નહીં...
જેવું તેવું તું લખે, ચાલે નહીં,
ડાયરી આખી ભરે, ચાલે નહીં,
બે ઘડી પણ માણજે આકાશને,
તારલા ગણતો રહે, ચાલે નહીં.
અંતમાં ધીરજ ફળે- કહેવાય છે,
આમ ઉતાવળ કરે, ચાલે નહીં.
ફૂલ ખીલે આંગણે ક્યારેક, ને
તોય નજરે ના ચડે, ચાલે નહીં.
જે થશે સારું થશે આગળ ઉપર,
એટલું મનને કહે, ચાલે નહીં.
000
માગવું નથી...
બે હાથ જોડીશું પરંતુ માગવું નથી,
જે જોઈએ છે એ તમારે આપવું નથી.
ખોટા કરો ના વાયદા, બસ સ્વપ્નમાં રહો,
કારણ અમારે રાત આખી જાગવું નથી.
કુદરતની નીલી આંખમાં વાંચી લીધું અમે,
એથી વધુ કંઈ આપ વિષે જાણવું નથી.
ભક્તોને પાયું એ જ અમને પીવડાવજો,
આ વિષ દુનિયાનું અમારે ચાખવું નથી.
હો સારથી જો આપ તો વિચારવું પડે,
બાકી અમારે યુદ્ધ કોઈ માંડવું નથી.
000
રમતો રહું...
પ્રેમ વશ તનહાઈમાં રમતો રહું,
ગુંજતી વનરાઈમાં રમતો રહું.
કેટલી યાદો સમાવી છે અહીં,
દિલ તણી ગહેરાઈમાં રમતો રહું.
તારલા સમ ટમટમું ધરતી ઉપર,
ઓસની અંગડાઈમાં રમતો રહું.
એક મીઠી થાય છે ગોષ્ઠી અહીં,
નિત્ય મુજ પરછાંઈમાં રમતો રહું.
રોમ રોમે સર્વદા તારું રટણ,
પ્રીતની અખિલાઈમાં રમતો રહું.
શૂન્યતા પણ શબ્દ થઇ વહેતી રહે,
વાઙ્મમયી પુરવાઈમાં રમતો રહું.
000
દર્પણ વિશે...
ટીખળ કરતા દર્પણ વિશે, જોગી.
શું કહેવું આ ઘડપણ વિશે, જોગી.
સમય જ કહેશે સઘળું એના વિશે,
પ્રેમ તણા આ પ્રકરણ વિશે, જોગી.
જે કંઇ થાય એ બસ જોયા કરવાનું,
સમજી લેવું કારણ વિશે, જોગી.
વાત કરી લે છે ભોળું મન ક્યારેક,
ભુલાઇ જતા પગરણ વિશે, જોગી.
રોજ નવા રૂપ ધરી આવે છે એ,
શું કહેવું આ સગપણ વિશે, જોગી.
000
કોઇ આપણું...
હૂંફ આપે, જેમ કોઇ આપણું,
શબ્દ પાસે હોય ધીમું તાપણું.
પ્રેમ આજે કોણ ખુલ્લે મન કરે,
હોય દિલના કોઈ ખૂણે માપણું.
આમ તો કાયમ અલગ રૂપે મળે,
આગનું પણ હોય છે કદ વામણું.
શુષ્ક આંખો રોજ એ ભીની કરે,
હોય મીઠું કોઈનું સંભારણું.
હાથમાં તંબુર લઇ બેસી જવું,
એટલું સહેલું નથી મીરાંપણું !
000
સથવારે જીવ્યો...
શબ્દોને સથવારે જીવ્યો,
ભાષાને સધિયારે જીવ્યો.
જીવનની હર પળ ઉજવી છે,
મોસમને દરબારે જીવ્યો.
ઉંચેરા મોજાં આલંબી,
ખળભળતી મઝધારે જીવ્યો.
કંઇક અકળ આ તનહાઈમાં,
યાદોને ગુંજારે જીવ્યો.
મન કહેવા ચાહે દુનિયાને,
એક હળવા ધબકારે જીવ્યો.
000
અભાવ રાખ્યો છે...
દિલમાં થોડો અભાવ રાખ્યો છે,
સૌથી જૂદો સ્વભાવ રાખ્યો છે.
નાવને લાંગરી અમે બેઠા,
પણ નદીએ બહાવ રાખ્યો છે.
મન ફરે આમતેમ બેપરવા,
ક્યાં અમે કંઇ દબાવ રાખ્યો છે !
જિંદગી જાણે એક ઉપવન છે,
હર ઋતુએ પ્રભાવ રાખ્યો છે.
એમના દિલની વાત એ જાણે,
હા, અમે તો લગાવ રાખ્યો છે.
000
રમતમાં રસ નથી...
ધૂપ-છાયાની રમતમાં રસ નથી.
આ જ તારી આવડતમાં રસ નથી.
દૂરથી એને અમે કરશું સલામ,
સાવ વ્યવહારુ જગતમાં રસ નથી.
કોઇ ઝાકળ, કોઇ પામે ઝાંઝવા,
તું કરે જે માવજત- માં રસ નથી.
જન્મ સાથે મૃત્યુની લખશે ઘડી,
લેખની એકે વિગતમાં રસ નથી.
સાચું શું ને ખોટું શું ? ના જાણીએ,
જિંદગી છે યંત્રવત- માં રસ નથી.
000
છુપાવી જાય છે...
આંખમાં આંસુ છુપાવી જાય છે,
બે ઘડી સૌને હસાવી જાય છે.
એક ખાલી જામ રાખી હાથમાં,
રોજ એ મહેફિલ જમાવી જાય છે.
હોય જો અંધારનું વાતાવરણ,
તેજની જાજમ બિછાવી જાય છે.
પાણી પીવે રોજ જુદા ઘાટનું,
સૌની સાથે દિલ મિલાવી જાય છે.
જાય જો એ નફરતોના દેશમાં,
પ્રેમની હૂંડી લખાવી જાય છે.
દાદ મળશે કે નહીં પરવા નથી,
પ્રેમથી ગઝલો સુણાવી જાય છે.
000
વલણ સારું નથી…
કોણ કહે છે કે વલણ સારું નથી,
તારું આવું આચરણ સારું નથી.
દર્દમાં પણ તું સદા હસતો રહે,
કેમ કહું આ શાણપણ સારું નથી.
કોઈનું સુખ જોઈ તું નાચી ઉઠે,
કહે બધા તો- ગાંડપણ સારું નથી.
મન તને લખવા કહે તારા વિષે,
તું કહે વાતાવરણ સારું નથી.
આમ તારું સાધુ બનવું યોગ્ય છે !
કહે છે કે આ અતિક્રમણ સારું નથી.
000
હેરત પામ્યા…
લોકો ત્યારે હેરત પામ્યા,
દાનત એવી બરકત પામ્યા.
લાખ નિરાશા વળગી ત્યારે,
એક અનોખી હસરત પામ્યા.
ઉપર આભ ને નીચે ધરતી,
કેવી મોટી સવલત પામ્યા.
ભગવા પહેર્યા માળા લીધી,
પ્રણામ સૌના દંડવત પામ્યા.
લખી અમે જ્યાં બે-ત્રણ ઝલો,
ઘરમાં થોડી ઈજ્જત પામ્યા.
000
આદત રાખી છે…
તંદુરસ્તીને સલામત રાખી છે,
ચાલવાની એક આદત રાખી છે.
ઘર સજાવ્યું છે વફા ને પ્યારથી,
દોસ્તોએ આજ દાવત રાખી છે
લક્ષ્ય પર પહોચું, ઇરાદો એ જ છે,
કોઇ પણ હો રાહ, નિસ્બત રાખી છે.
સર્વદા અખિલાઇ રમતી આંગણે,
છાંવ-ધૂપની ભવ્ય રંગત રાખી છે.
લોક એને જોઇ હેરત પામશે,
એટલે ઢળતી ઇમારત રાખી છે.
000