Abhyrchan books and stories free download online pdf in Gujarati

અભ્યર્ચન

દિલ જ્યારે પોતાની વાત કહેવા બેસે છે ત્યારે કવિતા તેની મદદે આવે છે, કલમ થકી એ વાતો શબ્દ રૂપે કાગળ પર ઉતરે છે. ભાવક જ્યારે આ શબ્દો સાથે જોડાય છે ત્યારે એક નવું જ ભાવ વિશ્વ આકાર પામે છે અને ભાવક આ વિશ્વમાં એક અલૌકિકતાનો અનુભવ કરે છે. એક આવા જ અનુભવની આશાએ મારી આ રચનાઓ આપની સમક્ષ રજુ કરું છું, આપ સૌને જરૂર પસંદ પડશે....

લાખના મકાન

લાખના છે મકાન આજે પણ,

છે વિદુર સાવધાન આજે પણ.

જીવને પિંજરું ગમે છે બહુ,

મોત છે દરમિયાન આજે પણ.

જો ઉગે છે કમળ કીચડમાંથી,

કોણ છે મહેરબાન આજે પણ !

જોઈ પર્યાવરણની આ હાલત,

સ્તબ્ધ છે આસમાન આજે પણ.

મિત્ર, દુશ્મન બની ઊભો રણમાં,

હું ચૂક્યો છું નિશાન આજે પણ.

રાજ-રાજા રહ્યા નહીં તોયે,

સૌ મને કહે દીવાન આજે પણ.

મીઠો પ્રહાર

એક મીઠો પ્રહાર આવે છે,

દિલને ત્યારે કરાર આવે છે.

ત્યાગશે મન વિચારવું ક્યારે,

એક એવો વિચાર આવે છે.

એક સુખની હવે પ્રતિક્ષા છે,

દર્દ જ્યાં બેસુમાર આવે છે.

ના સ્થિતિ, ના સ્વભાવ કાયમ છે,

રોજ એમાં વિકાર આવે છે.

એમનો હણહણાટ જબરો છે,

સાત ઘોડે સવાર આવે છે.

એ તરફથી જે કંઇ પણ આવે છે,

રોકડે, ના ઉધાર આવે છે

જોઈ લઉં

પ્રેમ તારો હર પ્રકારે જોઈ લઉં,

ચમકીલું ઝાકળ સવારે જોઈ લઉં.

હેમખેમ પાછી ફરે કે ના ફરે,

નાવ એક નજર કિનારે જોઈ લઉં.

પહોંચવું મૂશ્કેલ તારા ઘર સુધી,

દૂરથી બસ એ વિચારે જોઈ લઉં.

તેં બનાવ્યો છે મને મહેમાન, પણ

શું વ્યવસ્થા છે ઉતારે જોઈ લઉં.

કોઈ બેઠું વેચવા સપના મફત,

ભાવ શું ચાલે બજારે જોઈ લઉં.

કોનામાં અહીં કેટલી તાકાત છે,

એક સીધા પ્રહારે જોઈ લઉં.

તો આવું

હદ બધીયે મિટાવ તો આવું,

તું ઇજન મોકલાવ તો આવું.

ભૂલી જા દર્દ છે, ઉદાસી છે,

સ્વપ્ન આંખે સજાવ તો આવું.

રોજ તડકો હશે ને છાંયો પણ,

રોજ ઉત્સવ મનાવ તો આવું.

કોઈ દરકાર કે નહીં પરવા

આશ હૈયે જગાવ તો આવું.

તાપણું પણ ઠરી ગયું તારું,

આગ થોડી લગાવ તો આવું.

રેડ કાર્પેટ બિછાવ તોયે શું,

ભાવ થોડો બતાવ તો આવું.

આ શહેરમાં

છે મનોહર સૌમ્યતા આ શહેરમાં,

ને ઘણીયે યોગ્યતા આ શહેરમાં.

ચોતરફથી લાખ આવે લોક અહીં,

આસમાની ભવ્યતા આ શહેરમાં.

ડર, મુસીબત ને સમયનો માર છે,

તો ય જોશો નમ્રતા આ શહેરમાં.

હર ધરમના લોક રહે હળીમળી,

પાંગરી છે શિષ્ટતા આ શહેરમાં.

બાળકોને જ્યારે રમતાં જોઉં છું,

થોડી લાગે મુગ્ધતા આ શહેરમાં.

થઇ શકે છે એ અયોધ્યા, દ્વારિકા,

થોડી ખીલે દિવ્યતા આ શહેરમાં.

પહેલો વરસાદ

મોસમનો પહેલો વરસાદ ગમે છે,

ઝીણેરી ઝરમરનો સાદ ગમે છે.

વાછટ આવે મસ્ત પવનની ચાલે,

કુદરતના સાદ-પ્રતિસાદ ગમે છે.

તડકો, વાદળ, પંખી ડાળ ડાળ પર,

કલશોર બની તારી યાદ ગમે છે.

તું હો તો રાજી વીજ અને વાદળ,

તારા વિશેની ફરિયાદ ગમે છે.

ખેતર લહેરાયા, વનરાજી ખીલી,

આજે ધરતી થઇ આબાદ, ગમે છે.

સુખ-ચેન મળે સૌને અહીં બેસુમાર,

પહેલો વહેલો આ વરસાદ ગમે છે.

ફોરે ફોરે

વીજ-વાદળના જોરે જોરે,

જળ વરસે છે ફોરે ફોરે,

આજ ઋતુએ કામણ કીધા,

ફૂલ ખીલ્યાં કંઇ થોરે થોરે.

આજ ઊભા છે વાદળ નીચે,

ફરતા’તા જે કોરે કોરે.

મેઘ-મલ્હારની વાતો કરશું,

ઘડીક બેસો ઓરે ઓરે.

માટીની સુગંધ લઇ આવે,

પવન કહે છે લો રે લો રે.

રાત આખી વરસે છે તોયે,

વરસાદ પડે ભોરે ભોરે.

ધરાર માગે છે

રોજ આવી ધરાર માગે છે,

શબ્દ સાથે વિચાર માગે છે.

માંગવાની એને સમજ ક્યાં છે,

સાંજ આપો, સવાર માગે છે.

જિંદગી તો સીધી-સરળ ક્યાં છે,

એ ચઢાવ ને ઉતાર માગે છે.

શું મિલન, શું વિરહ, કસમ શું છે,

પ્યાર તો એતબાર માગે છે.

ના ગમે બંધિયાર થઇ રહેવું,

ગુર્જરી તો પ્રસાર માગે છે.

દિલ છે કે માનતું નથી ક્યારેય,

રોજ મીઠો પ્રહાર માગે છે.

પાછા વળો

રાહ જોતી મા તરફ પાછા વળો,

પ્રેમની દુનિયા તરફ પાછા વળો.

સાદ તમને કોણ દે વારે ઘડી !

ગુંજતા પડઘા તરફ પાછા વળો.

કેદ રહેશો વાદળોમાં ક્યાં સુધી,

જળ બની ઝરણા તરફ પાછા વળો.

એ પછી વિસ્મયભરી ઉગશે સવાર,

ઓસ થઇ તરણા તરફ પાછા વળો.

જિંદગી શું જીવશો બેસૂર થઇ,

આ મધુરા ‘સા’ તરફ પાછા વળો.

દિલ કહે તે ધ્યાન પર લેજો, પછી

હા તરફ કે ના તરફ પાછા વળો.

આશા જોઈએ

સો નિરાશા, એક આશા જોઈએ,

દીલને ક્યાં કોઈ ખુલાસા જોઈએ.

મન હવે દરરોજના કામે વળે,

એક બે એવા દિલાસા જોઈએ.

પ્રાંત પ્રાંતે હોય છે બોલી અલગ,

ને અમારે મૌન ભાષા જોઈએ.

એક અફવા શહેરમાં ફેલાવી છે,

લોકને જોવા તમાશા જોઈએ.

કોઇએ વહાલી કરી છે વાંસળી,

કોઈને શતરંજ પાસા જોઈએ.

આમ, ઉત્સવ એકલા ઉજવો નહીં,

આજ તો સૌને પતાશા જોઈએ.

તપાસમાં આવે

કોઈ સાથે ન રાસમાં આવે,

સ્હેજ વાતે મીજાસમાં આવે.

રાતને અંધકાર ફાવે છે,

સાંજ થોડા ઉજાસમાં આવે.

જાત મારી તો સાવ અલગારી,

કોણ સાથે પ્રવાસમાં આવે !

કાશ, બે આંખની શરમ લાગે,

સત્ય સાચ્ચે પ્રકાશમાં આવે.

એક બે વૃક્ષ શહેરમાં મળશે,

વાદળાં જો તપાસમાં આવે.

શહેર જેવા થઈને કેવાં ઝગમગે,

ગામ થોડા વિકાસમાં આવે !

આકાશમાં

જોઈ, અચરજ થાય છે આકાશમાં,

શૂન્યતા છલકાય છે આકાશમાં.

મન તો અમને ક્યારનું ઉડવા કહે,

ક્યાં કશે પહોંચાય છે આકાશમાં.

થઇ રૂપાંતર એકનું બીજું બને,

ક્યાં નવું સર્જાય છે આકાશમાં.

તારકો દેખાય જ્યાં નાખો નજર,,

ખોટ ક્યાં વરતાય છે આકાશમાં.

ક્યાંથી આવે જીવ ને ક્યાં જાય છે,

ક્યાં કશું સમજાય છે આકાશમાં.

અહીં બધુ અડધું અધૂરું લાગશે,,

પૂર્ણતા વરતાય છે આકાશમાં.

અજવાસ માગ્યો છે

દિવ્યતમ અજવાસ માગ્યો છે અમે,

ને અવિરત શ્વાસ માગ્યો છે અમે.

છે સમય ઓછો ને મંજિલ દૂર છે,

જાત પર વિશ્વાસ માગ્યો છે અમે.

મનની બારી ખોલીને બેઠા છીએ,

કૃષ્ણ-રાધા-રાસ માગ્યો છે અમે.

પદ્યના તો જીવ આદિથી હતા,

શબ્દનો સહવાસ માગ્યો છે અમે.

જન્મના ફેરા હશે કંઇ કેટલા !

એક ફેરો ખાસ માગ્યો છે અમે.

શિવ રહે છે જ્યાં અને ગંગા વહે,

એક ત્યાં આવાસ માંગ્યો છે અમે,

કેવો જવાબ

જોયું કેવો જવાબ આપે છે ?

લઈને પાછું ગુલાબ આપે છે.

પ્રીત કરતા ના આવડી એને,

પ્રીતના પણ હિસાબ આપે છે.

હોશ ના જાય છે ના આવે છે,

આ તે કેવો શરાબ આપે છે !

કોઈ તરસે બસ એક નજર એની,

કોઈને બેહિસાબ આપે છે.

આપી આપીને એ શું આપે છે ?

એ દિવસ-રાત ખ્વાબ આપે છે.

માનવીને એ ઓળખે તેથી,

એને ગમતા નકાબ આપે છે.

ખ્યાલ આવે છે

એક એનો જ ખ્યાલ આવે છે,

કોઈ જ્યારે ટપાલ આવે છે.

એ હવે તો સપનું જ કહેવાશે,

એક રેશમી રૂમાલ આવે છે.

રાખીએ જો જવાબની આશા,

એક સામો સવાલ આવે છે.

આમ તો આરપાર છે રસ્તો,

વચમાં મોટી દીવાલ આવે છે.

જંગ-ઝઘડા પુરા થશે ક્યારે,

દૂરથી એક મશાલ આવે છે.

કોઈ ઇચ્છા રહી નથી જેને,

સ્વચ્છ-સુંદર નિહાલ આવે છે.

સમજી ગયો

સમજી ગયો હું સાનમાં જોગી,

છે મારું હિત પ્રસ્થાનમાં જોગી.

મારા જ ઘરમાં છું અજાણ્યો, હું

યજમાન, ના મહેમાનમાં જોગી.

ક્યારેક ભીડ, ક્યારેક એકલતા,

વિક્ષેપ નાખે ધ્યાનમાં જોગી.

દારૂણ દૃશ્યો જોઈ રણક્ષેત્રે,

તલવાર મૂકી મ્યાનમાં જોગી.

ક્યારેક કહેજો કે લખ્યું છે શું ?

ગીતા અને કુરાનમાં જોગી.

આજ શું પીવડાવી દીધું કે,

હું ના રહ્યો કંઇ ભાનમાં જોગી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED