અભ્યસ્ત Pravin Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભ્યસ્ત

અભ્યસ્ત

ગુજરાતી ગઝલ સંગ્રહ- 1

પ્રવીણ શાહ

વર્ણાનામર્થસંધાનાં રસાનાં છન્દસામપિ |

મંગલાનાં ચ કર્તારૌ વન્દે વાણીવિનાયકૌ ||

ઋણ સ્વીકાર...

ડૉ. રશીદ મીર, ડૉ. કિશોર મોદી, ધૃતિ મોદી,

કીર્તિકાંત પુરોહિત, અશોક જાની,

અર્પણ......

જયવદન વશીને,

જેમણે મને ગઝલનો પથ બતાવ્યો....

***

આપ સૌ ભાવકમિત્રોને મારો આ પ્રયાસ ગમશે,

તો મને ખૂબ આનંદ થશે.

-પ્રવીણ શાહ

પ્રકાશિત થાય છે

સત્ય જેને હર પળે સમજાય છે,જિન્દગી એની પ્રકાશિત થાય છે.

અંત શું, આરંભ શું કહેવાય છે ?જિન્દગી બસ સ્વપ્નવત્ જીવાય છે.

ના રહ્યું કોઈ સગું કહેવા સમું,દ્વાર પર કોના ટકોરા થાય છે ?

ઓળખી લીધા બધા ચહેરા અમે,ભેદ ભીતરના હવે પરખાય છે.

આંગણે જે આવતા પ્રાતઃ થતાં,રાત સપનોમાં હવે ડોકાય છે.

ઓલવાતી શગ વિશે તો શું કહું,એક ઝબકારો અને બુઝાય છે.

***

ચર્ચામાં રહ્યો

રાત આખી વ્યસ્ત સપનામાં રહ્યો,

ને દિવસભર એ જ ચર્ચામાં રહ્યો.

આપવાની વાત આવી દિલ તને,એ પળે આ હાથ ખિસ્સામાં રહ્યો.

કાફલા સૌ નીકળી આગળ ગયા,એકલો હું ક્યાંક રસ્તામાં રહ્યો.

ટોચ પર જઇને ધજા પણ ફરફરે,ખાસ મોકો જોઇ પાયામાં રહ્યો.

મોકળાશ તો બહુ હતી હર શેરમાં,થઇ તખલ્લુસ છેક મક્તામાં રહ્યો.

***

કોણ પોકારતું...

કોણ હળવેથી મને પોકારતું ?કોણ તારી યાદ લઇને આવતું ?

એક વત્તા એક સરવાળો કરી,કોણ મીઠી ઝંખના મન બાંધતું ?

ખુશનુમા આબોહવા આલંબીને,કોણ વ્હાલપથી મને બોલાવતું ?

જ્યાં નજર નાખું મને દેખાય તું,કોણ દિલને આટલું તરસાવતું ?

ચાંદનીની પાંપણો પર બેસીને,કોણ આવી સ્વપ્નને શણગારતું ?

કોડિયે ઝબકાર અદબદ આંજતું,કોણ આ અખિલાઇને અજવાળતું ?

***

સૌ સમાતા જશે...

સમયના પ્રવાહે તણાતા જશે,સમષ્ટિ મહીં સૌ સમાતા જશે.

પ્રસંગો અહીં જે જે બનતા રહે,સમયની કિતાબે લખાતા જશે.

ઉઠાવે જે સર એ જગતમાં ટકે,ઝુકાવે જે સર એ કપાતા જશે.

જીવનને સંવારે વચન બોધના,કબીરાની સાળે વણાતા જશે.

રમ્યા રાસ જે ક્હાન-રાધા અહીં,હજારો વરસ એ રમાતા જશે.

દીવાના હશે જે પરમ ઇશ્કના,ખુશી એ ખુદાની કમાતા જશે.

***

કહાણી હોય છે

એક સરખી સૌ કહાણી હોય છે,એક રાજા એક રાણી હોય છે.

શાંત છે તો ક્યાંક ધસમસતા મળે,સ્થાન જૂદા, એ જ પાણી હોય છે.

પંખ સૌ જંપ્યા હશે માળા મહીં,એ જ વૃક્ષોની કમાણી હોય છે.

એમની ઇર્ષ્યા કરે સૌ, જેમણેજિન્દગી ભરપૂર માણી હોય છે.

છંદ, લય ને પ્રાસ, મત્લા, મિસરા;શબ્દને મન અહીં ઉજાણી હોય છે.

શબ્દ એના શ્વાસ ને ધડકન ગઝલ,એ જ શાયરની કહાણી હોય છે.

***

ડોલવાની ટેવ છે

નિત ખુશીમાં ડોલવાની ટેવ છે,યાદ જૂની ખોલવાની ટેવ છે.

મૌન ભારોભાર એવું અવતર્યું,કે સ્વયંને તોલવાની ટેવ છે.

દોરડા પર ચાલવા જેવી જ છે,શબ્દ તોલી બોલવાની ટેવ છે.

આ પવન જેવું જીવું છું એટલે,ખુશ્બૂ કાયમ ખોળવાની ટેવ છે.

કૈં વિદુષક જેવું જીવન સાંપડ્યું,પ્રહસનોમાં કોળવાની ટેવ છે.

કોઈ બેસે એકલો એ ના ગમે,

દિલથી દિલને જોડવાની ટેવ છે.

***

નમન થઇ જાય છે

આપના ચરણે નમન થઇ જાય છે,મન અમારું ત્યાં મગન થઇ જાય છે.

જે તરફ ખેંચાણ હો બસ એ તરફ,ઢાળ પર જળનું વહન થઇ જાય છે.

ઓળખે ના એક-બીજાને છતાં,બે મળે જો દિલ સ્વજન થઇ જાય છે.

નામ રમતું આપનું મનમાં સતત,શબ્દ અલગારી ભજન થઇ જાય છે.

દર્દ ભીતર એટલું ઘૂંટાય છે,જ્યાં કલમ પકડું કવન થઇ જાય છે.

એક ઈશારો મળે છે આપનો,

મસ્ત-મોજીલું જીવન થઇ જાય છે.

***

રંગને પકડી

મોસમી રંગ-ઢંગને પકડી,રાખ સાતેય રંગને પકડી.

ઊડવું તો સ્વભાવ છે એનો,રાખજે મન-પતંગને પકડી.

લક્ષ્યને સાધવું થશે સ્હેલું,રાખજે બસ ઉમંગને પકડી.

એમ ટુકડે બધું વિખેરાશે,રાખજે તું સળંગને પકડી.

કે વીતી જાય જિન્દગી સ્હેજેરાખ એવા પ્રસંગને પકડી.

ધન્ય થઇ જાશે આ જીવન તારું,

ચાલ કોઈ મલંગને પકડી.

***

સમજાય છે

એટલું મનને હવે સમજાય છે,રાત તારી યાદમાં લંબાય છે.

સૂર્યને સત્કારવાના મોહમાં,રાતની કાયમ ઉપેક્ષા થાય છે.

કે સમય પર રાત પણ વીતી જશે,

એ જ સધિયારે હવે જીવાય છે.

મૃગજળી માયા જ એવી દોસ્તો,સૌ સમયની જાળમાં સપડાય છે.

કંઇ થવાનો છે અભરખો એટલો,એક માણસ રોજ તૂટી જાય છે.

જિંદગી નાટક અને નટ આપણે,

સાચું-ખોટું હર ઘડી ભજવાય છે.

***

પડછાયા છે.

આ માયાના પડછાયા છે,મૃગજળ પીવા લલચાયા છે.

ફુરસદ મળશે ક્યાંથી અમને,રસ્તા અહીંના રઘવાયા છે.

ક્યાંય હવે ના મંજિલ દેખાય,સપના આંખે અટવાયા છે.

ખાલી ઘરને ખૂણે ખૂણે,એકાંત ઘણાં સચવાયા છે.

માણસ ઘડવો બહુ અઘરો છે,પથ્થર ક્ષણમાં ટંકાયા છે.

પ્રશ્નો છે ઇશ્વર વિશેના,ઉત્તર કોને સમજાયા છે !

***

નમતી માગી

સાંજ સલૂણી નમતી માગી,રાત અમે ઝળહળતી માગી.

સૂર-સરિતા સરતી માગી,રેત સમયની ખરતી માગી.

શાંત કિનારા રાસ ન આવ્યા,અમે ઓટ ને ભરતી માગી.

ગમતી ખુશ્બૂ મનભર માણી,ડાળ ડાળ મઘમઘતી માગી.

ગ્રીષ્મ-વર્ષા કે હેમંત-શિશિર, હર મોસમ રસઝરતી માગી.

લીલાછમ ઉપવન લહેરાયે,

સુંદર દિલની ધરતી માંગી.

***

તોય પણ

કામ જેવું કામ ક્યાં છે તોય પણ,બે ઘડી નવરાશ ક્યાં છે તોય પણ.

સાંજ પડતા આ જગત જંપી જશે,રાતને વિશ્રામ ક્યાં છે તોય પણ.

આયના ચારે તરફ છે સાબદા,ખાસ કંઇ પહેચાન ક્યાં છે તોય પણ.

કેટલી વિહવળ બની છે ચાંદની,સ્વપ્નનો ઉપચાર ક્યાં છે તોય પણ.

જે મળ્યું, જ્યારે મળ્યું, સાપેક્ષ છે,

ખાસ એવું સ્થાન ક્યાં છે તોય પણ.

અસ્ત નક્કી છે ઉદય જેનો થશે,કોઇને વિશ્વાસ ક્યાં છે તોય પણ.

***

સફરમાં છે

આ જગત આખું સફરમાં છે,સૌ, સમયની કંઇ અસરમાં છે.

મનની નિર્મળતા ઉજાગર હો,રાત આ છેલ્લા પ્રહરમાં છે.

સર્વદા લીલાશથી શોભેવિશ્વ ટહુકાનું જિગરમાં છે.

ભીંત વિનાનું છે મન મારું,આયના જેવી નજરમાં છે.

છે નિરંતર શ્રાવણી ઝરમર,લાગણી નામે નગરમાં છે.

ગાલગાગાના નશામાં છું,ને ગઝલ એની અસરમાં છે

***

જળમાં છે

કંઇક એવી વાત જળમાં છે,દિવ્યતા તેથી કમળમાં છે.

આપણા કરમાં કશું ક્યાં છે ?છે બધો આધાર પળમાં છે.

કેટલા કંઇ ભેદ જીવનના,બારણે વાસેલ કળમાં છે.

મન સદા એવું મુંઝાતું રહે,જાણે કે કોઈ વમળમાં છે.

આમ સઘળું શાંત લાગે પણ,છે હજી તોફાન તળમાં છે.

પ્હાડ, સાગર, સૂર્ય, તારકગણ,ભવ્યતા સૃષ્ટિ સકળમાં છે.

***

હોવી જોઇએ

કૂંપળો શી આંખ હોવી જોઇએ,લીલી લીલી આંખ હોવી જોઇએ,

હું ભલે શંકર સમો ના થઇ શકું,એક ત્રીજી આંખ હોવી જોઇએ.

રુક્ષતા વિશે કશું જાણું નહીં,સ્હેજ ભીની આંખ હોવી જોઇએ.

છે સમયની દેન સૌને એટલી,સ્મિત ઘેલી આંખ હોવી જોઇએ.

જાતની ઓળખ જરૂરી છે અહીં,આયના શી આંખ હોવી જોઇએ.

પ્યારથી મુજને નિહાળે હર પળે એ સનમની આંખ હોવી જોઇએ

***

સજલ થઇ છે

ફરી આંખો સજલ થઇ છે,કલમ મારી ગઝલ થઇ છે.

પહાડો ચૂમતી આવે, નદી ચંચલ ચપલ થઇ છે.

વરસતી ચાંદની વચ્ચે, ધરા ઉજળી ધવલ થઇ છે.

સમયની રમ્ય ધારા પર,જીવન નૈયા તરલ થઇ છે.

દુઆ સૌની ફળી આજે,બધી વાતો સરલ થઇ છે.

સતત મનને જગાડે છે,

વિચારોની ફસલ થઇ છે.

***

કવિતા.. તું, આવ

મને સદૈવ તારી પ્રતિક્ષા

એમાં જ હું રત અને

એ જ મારું તપ,

એમાં જ મને આનંદ

અને એ જ મારી કવિતા

-પ્રવીણ શાહ