Abhi Abhinav books and stories free download online pdf in Gujarati

અભિ અભિનવ

જેમ પંખીના ગાન વગર ગગન સૂનું લાગે તેમ કવિતાના કલરવ વિના આ પૃથ્વી શૂન્ય લાગશે. કવિ, કવિતા સાથે સભાનતાથી વર્તે છે, અને કવિતામાં વાતાવરણ અને સંજોગોને ઓળંગી પોતાની લાગણીઓ પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. મારા આ ગઝલ સંગ્રહ- “અભિ અભિનવ” ની રચનાઓમાં આવી સભાનતાનો ભાવકને ખ્યાલ આવે, તો મને આનંદ થશે. – પ્રવીણ શાહગઝલ સંગ્રહ- “અભિ અભિનવ”- પ્રવીણ શાહ

અર્પણ- મારા પરિવાર જનોને

1.

માગીએ

સૂરજ પાસે શીતળતા માગીએ,

એને ગરમીનો આંક બતાવીએ.

વાદળને કહો કે પૂરતું જળ આપે,

માગે તો થોડું પાછું આપીએ.

આ લાંબી ચાદર પણ ટૂંકી લાગે,

ફરી ફરી આપણે ભલે માપીએ.

કાષ્ઠ બળ્યા છે, એની ચિન્તા ના કર,

રાખ હશે ઊની, થોડું તાપીએ.

સૌને વ્હાલી છે આ ગાઢી નિદ્રા,

પણ આંખ ખુલે ત્યારે તો જાગીએ.

કાલે બાકીના સૌ કામ કરીશું, પ્રવીણ

આજે મંજિલની પાછળ લાગીએ.

2.

સમાસ જોયો છે

સુખ ને દુખનો સમાસ જોયો છે,

એક ભગવો લિબાસ જોયો છે.

રહેવું ના રહેવું સરખું એને મન,

સંત જગથી ઉદાસ જોયો છે.

ત્યારે જીવનની ખુશ્બૂ આવે છે,

સંતને આસપાસ જોયો છે.

ગામ, ગિરા, નદી કિનારો પણ,

સંતનો અહીં નિવાસ જોયો છે.

દર્દ પર એ દવા લગાવી દે,

સંત આંખે ઉજાસ જોયો છે.

સંત વાણી-વિલાસમાં ડૂબે, પ્રવીણ

પદ્યનો ત્યાં વિકાસ જોયો છે.

3.

વિચારનું છાપું

કોણ વાંચે બજારનું છાપું,

વાચું હું તો વિચારનું છાપું.

રોજ હું સાંભળું છું ટહુકાઓ,

કોણ નાખે બહારનું છાપું.

લોક માગે છે ન્યૂઝ નેગેટીવ,

કોણ છાપે હકારનું છાપું.

રોગથી દૂર જાતને રાખો,

વાંચવું નહીં વિકારનું છાપું.

સૌને રસ કે બીજા કરે છે શું?

ગુજ્જુ વાંચે બિહારનું છાપું.

ખૂબ આનંદ આવશે તમને, પ્રવીણ

વાંચવું લઇ ઉધારનું છાપું.

4.

ખાલી છે

આમ તો આ બજાર ખાલી છે,

ભાવની ચઢ-ઉતાર ખાલી છે.

ના ઊગ્યો ચાંદ, ના ખર્યો તારો,

રાત જેવી સવાર ખાલી છે.

કંઇ જ સૂઝતું નથી હવે મનને,

એક તારો વિચાર ખાલી છે.

લાગણી કે ના પ્રેમ છે એમાં,

આ નજરના પ્રહાર ખાલી છે.

પ્રેમનો વ્હેમ તો ગયો ઉતરી,

એ તો આજે બિમાર ખાલી છે.

લાશ થઈને પડ્યો છે દેહ એમાં, પ્રવીણ

સમજોને કે મઝાર ખાલી છે.

5.

વિવાદ કરીએ

હળવા હળવા વાદ વિવાદ કરીએ,

મીઠા વણબોલ્યા સંવાદ કરીએ.

કંઇક અમે, કંઇક તમે પણ ભૂલ્યા છો,

આવો સાથે બેસી યાદ કરીએ.

આ મામલો આપણી વચ્ચેનો છે,

ત્યાં બીજાને શું ફરિયાદ કરીએ?

આવો બે ડગલાં સાથે ચાલીએ,

એક પહેલ, છોડી વિખવાદ, કરીએ.

દ્વારે આવીને જો દસ્તક આપો,

તો તો ફૂલોનો વરસાદ કરીએ.

મીઠું, ઝેર બની પજવે ક્યારેક, પ્રવીણ

આજે કડવાનો પણ સ્વાદ કરીએ.

6.

આ રસ્તે

આવે સો અંતરાય આ રસ્તે,

ક્યાંથી સરખું ચલાય આ રસ્તે.

માર્ગ છે ભીડભાડનો આખો,

પગરવ ના સંભળાય આ રસ્તે.

સાથી કે સંગ કોઈ ના હો તો,

રાહ ધીમે કપાય આ રસ્તે.

કાળજીથી બસ ચાલજો આગળ,

ભૂલથી જો વળાય આ રસ્તે.

આપણે તો જવું નથી ક્યાંયે,

કોઈ આપે વિદાય આ રસ્તે.

રાહબર કોઈ જો મળી જાયે, પ્રવીણ

સાચી દિશા જવાય આ રસ્તે.

7.

આ રસ્તે

કોઈનું છે મકાન આ રસ્તે,

કોઈના ‘દો જહાન’ આ રસ્તે.

કોઈ આવી જુએ છે સપનાઓ,

કોઈનું આસમાન આ રસ્તે.

કોઈને છે શરાબની આદત,

કોઈ ચાવે છે પાન આ રસ્તે.

ચાલશે કોઈ સાવ મૂંગા થઈ,

કોઈ ખોલે જુબાન આ રસ્તે.

કોઈ પોતાની મસ્તીમાં જીવે,

કોઈ રાખે ગુમાન આ રસ્તે.

કોઇએ જિંદગી બનાવી છે, પ્રવીણ

કોઈ છે મહેરબાન આ રસ્તે.

8.

ઊભો છું

વ્યોમસરના કિનારે ઊભો છું,

શૂન્યતાના ઉતારે ઊભો છું.

સૃષ્ટિને રોશની જે આપે છે,

આભના એ સિતારે ઊભો છું.

કોઈ નિસ્બત નથી આ દુનિયાથી,

એક તારા ઈશારે ઊભો છું.

કેટલાયે યુગો વીતી ચાલ્યા,

એક પળના સહારે ઊભો છું.

કોઈને લઈ જવાય નહીં સાથે,

એકલો જઈ મજારે ઊભો છું.

સૌ મને વિસ્મયથી જોયા કરશે, પ્રવીણ

એક ઢળતા મિનારે ઊભો છું.

9.

જવું છે

કર મન એક વિચાર જવું છે,

ખોલી સઘળા દ્વાર જવું છે.

ના બોલાવે કોઈ છતાં પણ,

મારે વારંવાર જવું છે.

કોઈ કશું ના પૂછે ગાછે,

તેથી બારોબાર જવું છે.

કોણ પછી તો રોકી શકશે?

એક વાર તું ધાર જવું છે.

ગામ મને બહુ યાદ કરે છે,

આજે છે ઇતવાર જવું છે.

દ્રશ્યોને પણ ઓળંગીને, પ્રવીણ

તેજ-તિમિરની પાર જવું છે.

10.

મન અકળાય છે

હાલ છે બિસ્માર, મન અકળાય છે,

વેગિલા ધબકાર, મન અકળાય છે.

એક દીવો ગોખમાં પ્રગટાવજો,

ભીતરે અંધાર, મન અકળાય છે.

ઘૂઘવે વાદળ, કહો ક્યારે જશે,

વીજને ઝબકાર મન અકળાય છે.

કોઇ ના આવે, ના અહીંથી જાય છે,

અધખૂલા છે દ્વાર, મન અકળાય છે.

સાવ સીધા ચડાવો પણ આવશે,

ને ટૂંકી પગથાર, મન અકળાય છે.

કોઇના પગલાં અહીં ક્યારે થશે? પ્રવીણ

છે ગહન સંચાર, મન અકળાય છે.

11.

બહાર ઊભો છું

હું અમસ્તો બહાર ઊભો છું,

લઇને સારા વિચાર ઊભો છું.

જીભ તો ફાવે તેમ બોલે છે,

મનમાં રાખી હકાર ઊભો છું.

રાત કેવી ઉતાવળે ચાલી,

હાથમાં લઇ સવાર ઊભો છું.

એ જ કાયમના સાથી રહેવાના,

હું લખાવી કરાર ઊભો છું.

બારી ખૂલવાની રાહ જોતો હું,

એ ગલીની બહાર ઊભો છું.

લો લખી આપું તમને પણ હૂંડી, પ્રવીણ

હાથ રાખી ઉદાર ઊભો છું.

12.

તપાસી જો

છેક તળિયે જઇને તપાસી જો,

એ જ મોતી હશે, ચકાસી જો.

તું ધરા ને પંખી ગગન માગે,

આવે સાગર તરી ખલાસી જો.

ફૂલ ખીલ્યાં કંઇ બાગમાં એવા,

આજ પાછી ફરી ઉદાસી જો.

કોણ બીજું એનું કહ્યું માને,

હું જ એના ઘરનો નિવાસી જો.

અહીં મળ્યો કુદરતી લિબાસ મને,

નહીં મળે મુજ સમો વિલાસી જો.

કેવું ધુમ્મસ રહ્યું હશે દિવસે? પ્રવીણ

રાત આવી પછી અમાસી જો.

13.

વિરામે જવાના

જરૂરી હશે તો નિકામે જવાના,

અમે તો ખુદાની લગામે જવાના.

નથી કંઈ જ પરવા, હશે ઝેર તો પણ,

અમે ટેવ વશ જામ-જામે જવાના.

પછી કાફલાને ભટકતો મૂકીને,

અમે બે-ઘડી જાત સામે જવાના.

જુઓ સૂર્ય પશ્ચિમ દિશામાં ડૂબે છે,

અમે પણ અમારા મુકામે જવાના.

ઘણું ચાલી-દોડીને થાકી ગયા છે,

હવે શ્વાસ લાંબા વિરામે જવાના.

વળાવી નનામીને અંતિમ સફરે, પ્રવીણ

બધા પોતપોતાને કામે જવાના.

14.

અજાણી કહેશે

મૌન વિશે શું વાણી કહેશે,

ખુદને સાવ અજાણી કહેશે.

દુઃખ ભૂલવા સૌ અહીં આવે છે,

સાકી એજ કહાણી કહેશે.

સૌના મન પર રાજ કરે જે,

એને તો સૌ શાણી કહેશે.

રાતે રાતે મહેકે એને,

સૌ રાતોની રાણી કહેશે.

હું આવું પર્વતને કોરી,

એમ નદીના પાણી કહેશે.

ઘરના, મનના ગોરસ લૂંટે, પ્રવીણ

એને મીઠો દાણી કહેશે.

15.

મૂકી જશે

દિલથી જીવ્યા, ખાતરી મૂકી જશે,

કવિ છે, થોડી શાયરી મૂકી જશે.

સ્નેહના આંબા ઉગાડ્યા છે ઘણા,

ફળ જેવા કે પાયરી મૂકી જશે.

ક્યાંય કંઇ પણ ખાનગી રાખ્યું નથી,

મેજ પર એ ડાયરી મૂકી જશે.

એક ફોટો ભીંત પર લટકાવશે,

એમ ખુદની હાજરી મૂકી જશે.

યાદ સૌને આવવાની એમની,

રાત ભીની સાવરી મૂકી જશે.

એય જાણે છે જવાનું છે હવે, પ્રવીણ

શ્વાસ છેલ્લે, આખરી મૂકી જશે.

16.

અટવાય છે

સો ઉપાયે કોઈ ક્યાં વિસરાય છે,

આ હવા ક્યાં હાથમાં પકડાય છે?

છું નશામાં કે હજુ છું હોશમાં,

ના કશું દેખાય ના સમજાય છે.

શબ્દ જે ના હોઠ પર આવ્યા કદી,

કેમ સૌને આજ એ સંભળાય છે?

જાતને કેવી રીતે છુપાવવી,

આયનો જોઉં કે એ દેખાય છે.

કોઈ બોલે ના ઈશારો પણ કરે,

મૌનની નીરવ ક્ષણો અકળાય છે.

બંધ થઈ આંખો ને અટકી ધડકનો, પ્રવીણ

શ્વાસ મારો ક્યાં હજુ અટવાય છે.

17.

પાણી જોઈએ

કહે છે કે જિગરમાં પાણી જોઈએ,

જોઈ અરીસામાં પ્રમાણી જોઈએ.

રંગ રૂપે તો એ લાગે મેઘધનુ,

આજ એની મહેક માણી જોઈએ.

વાત જોકે આવી છે અફવા રૂપે,

તથ્ય એમાં શું છે જાણી જોઈએ.

કાચી દોરીથી એ બાંધ્યા તો નથી !

આ સંબંધો સહેજ તાણી જોઈએ.

ઘાવ, પીડા, હોય ઇંતેજાર પણ,

પ્રેમની એવી કહાણી જોઈએ.

વાદળો ઘેરાય કે મહેકી ઊઠે, પ્રવીણ

એક એવી રાતરાણી જોઈએ.

-- પ્રવીણ શાહ

મો. 9428761846

www.aasvad.wordpress.com

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED