ખોફનાક ગેમ - 11 - 2 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 11 - 2

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ટાપુનો અંત

ભાગ - 2

“વિનય...આદિત્ય મળી જાય એટલે જહન્નુમમાં ગયો મોરીસ અને આ મોતનું ટાપુ.” કંટાળાભર્યા ચહેરે કદમ બોલ્યો.

“તું ખરેખર કંટાળી ગયો છે. કદમ...તને જલદી તાનીયા પાસે લઇ જવો પડશે...” ફિક્કુ હસતાં પ્રલય બોલ્યો.

તાનીયાની યાદથી કદમના હ્રદયનના ઊંડાણમાં ટીશ ઉપડી. “કોણ જાણે હવે તાનીયાને મળી શકશે કે કેમ...” વિચારતા તે તાનીયામાં ખોવાઇ ગયો.

ચાલતાં ચાલતાં અચાનક તેઓ ઊભા રહી ગયા. તેઓ જે કડી પર ચાલતા અહીં આવ્યા હતા તે નાની કેડી સાપના લિસોટાની જેમ ટર્ન ખાતી સામે ઊભી ગગનચુંબી ચટ્ટાનો વચ્ચે આવેલી એક મોટી તિરાડની અંદર પ્રવેશીને અર્દશ્ય થઇ જતી હતી.

“મને લાગે છે આપણે સાચા રસ્તે જ પહોંચ્યા છીએ. જુઓ, સામેની ચટ્ટાન વચ્ચે મોટી તિરાડ છે. આ રસ્તો તેમાં જાય છે. આપણે અદંર પ્રવેશીને તપાસ કરી લઇએ....” તે ચટ્ટાન તરફ આગળ વધતાં પ્રલય બોલ્યો.

“હવે, આપણે એકદમ સાવચેતી રાખવાની છે. જરાય અવાજ પણ ન થાય તેનો ખ્યાલ રાખી ચૂપકીથી આગળ વધીશું.”

ઇશારો કરી કદમે બતાવ્યું પછી ત્રણે જણ ખૂબ જ સાવધાની પૂર્વક તે ચટ્ટાની વચ્ચે આવેલી તિરાડમાં પ્રવેશી ગયા.

એ લોકો હવે સાંકળી દીવાલો જેવી ચટ્ટાનો વચ્ચેથી પસાર થતા હતા. બંને તરફ ચટ્ટાનો ઊંચી દીવાલની જેમ દેખાતી હતી. ક્યાંક ક્યાંક તો તે દીવાલો તરફ રૂપી ચટ્ટાનો એટલી સાંકડી થઇ જતી હતી કે તેઓને દીવાલ સરસા થઇને ચાલવું પડતું હતું.

અહીંના પર્વતો લાવાથી બનેલા લાગતા હતા. ચટ્ટાનો પીળા-ભૂખરા કલરની હતી અને ગંધકની વાસ પણ સતત આવી હતી. વળી, અહીંની ચટ્ટાનોનો આકાર પણ અલગ જ તરી આવતો હતો.

થોડા આગળ વધતાં તે તિરાડ એક મોટી ટનલની અંદર પૂરી થઇ. અંદર ખોફનાક અંધકાર છવાયેલો હતો અને એકદમ નીરવ શાંતિ ફેલાયેલી હતી. પ્રલયે ખિસ્સામાંથી ટોર્ચ કાઢી અને ચાલુ કરવાની કોશિશ કરી પણ ટોર્ચના શેલના પાવર ખતમ થઇ ગયા હતા. હાથેથી આમ તેમ પછાડ્યા પછી પણ ટોર્ચ ચાલુ ન થઇ. “કદમ તારી પાસે ખિસ્સામાં મીણબત્તીઓ પડી છે તે કાઢ આ ટોર્ચ હવે કામની નથી.” ટોર્ચને એક તરફ ફેંકતા એકદમ ધીમા અવાજે પ્રલયે કહ્યું.

કદમે ખિસ્સામાંથી મીણબત્તીઓ કાઢી અને વિનયને આપી પછી માચીસથી તેને સળગાવી. તેણે પ્રલય અને વિનયી સામે જોયું અને ઇશારો કર્યો પછી તેઓ તે ટનલ જેવા રસ્તામાં આગળ વધ્યા.

એક હાથમાં મીણબત્તી પકડી બીજા હાથમાં પકડેલી રિર્વોલ્વર વળે ટનલમાં ઝૂલતા કરોળિયાનાં જાળાં અને દીવાલોમાં ફૂટી નીકળેલાં ઝાડી ઝાંખરાંને ખસેડાતાં તિરાજ જેવી ટનલમાં તેઓ આગળ વધ્યા.

સળગતી મીણબત્તીની ધ્રૂજતી જ્યોતમાં તેઓના પડછાયા તેઓની પાછળ પડેલી નાચતી ભૂતાવળ જેવા લાગતા હતા. થોડી-થોડી વારે ચામાચિડિયાં તેઓના માથા પરથી પાંખો ફફડાવતાં ઊડી જતાં હતા. ભેજ અને અવાવરુ ટનલમાં વસતાં નિશાચર પક્ષીઓની ભઠ્ઠની દુર્ગધ હવામાં ફેલાયેલી હતી. તેઓની ચાલવાની આહટ પણ કંપન પેદા કરતી હતી. સાંકડો માર્ગ આગળ જતાં ટર્ન વળીને ધીરે-ધીરે પહોળો થવા લાગ્યો. તે આગળ બીજી પણ એક ટનલ તે માર્ગમાં જોડાતી હતી.

તેઓ લગભગ થોડું જ ચાલ્યા હતા. ત્યાં અચાનક સરરર...ના અવાજ સાથે તેઓના રસ્તા પર આગળ એક ચટ્ટાન દીવાલ બનીને ઊભી રહી. ત્રણે જણા આશ્ચર્યમાંથી બહાર આવે તે પહેલા તેઓની પાછળ પણ સરરર...અવાજ સાથે દીવાલ ઊભી થઇ ગઇ.

“પ્રલય...આપણે ફસાઇ ગયા છીએ. આપણને ચાર દીવાલ વચ્ચે કેદ કરી લેવામાં આવ્યા છે...” બંને તરફ બનેલી દીવાલોને થપથપાવી ચેક કરતાં ફાટેલા સ્વરે વિનય બોલ્યો.

વિનયની વાતનો પ્રલય જવાબ આપે તે પહેલાં અચાનક ફરીથી સરરર...અવાજ આવવા લાગ્યો અને ત્રણે દીવાલવાળા ટનલના જે ભાગમાં ઊભા હતા. તે ભાગ એકાએક લિફ્ટની જેમ નીચેની તરફ સરકવા લાગ્યો.

“અરે, આ તો લિફ્ટ બની ગઇ...આ જગ્યાએ લિફ્ટ હતી અને હવે તે લિફ્ટ આપણને ધરતીના ઉંડાણમાં લઇ જઇ રહી છે...” બેચેન ચિંતાતુર સ્વેરે કદમ બોલ્યો.

“અરે...આ તો વગર તકલીફે આપણે મોરીસના ગુપ્ત સ્થળે પહોંચી રહ્યા છીએ.”

“એનો અર્થ એવો થયો કે આપણે અહીં આવ્યા છીએ તે મોરીસને ખબર છે અને...”

અચાનક ઠક...ના અવાજ સાથે લિફ્ટ ઊભી રહી હોય તેમ તે જગ્યા સ્થિર થઇ ગઇ તેથી તે ત્રણે જણા ચૂપ થઇ ગયા.

સરરર...અવાજ સાથે આગળની દિવાલ એક તરફ સરી જતાં બહાર જવા માટે રસ્તો બની ગયો. ત્રણે તે રસ્તા દ્વારા બહાર આવ્યા કે તરત તેઓ જે રસ્તે આવ્યા હતા જે ખરેખર લિફ્ટ જ હતી તે ફરીથી ઉપર સરી ગઇ.

ત્યાં ક્યારેય રસ્તો જ ન હતો તેમ દીવાલ બની ગઇ.

ત્રણે એક મોટા રૂમમાં ઊભા હતા. રૂમમાં ક્યાંય કોઇ દરવાજો કે બારી દેખાતી ન હતી. એર સરક્યુલેશન માટે ક્યાંય બાકોરાં પણ દેખાતાં ન હતાં. રૂમમાં ચાંદની જેવો પ્રકાશ, ફેલાયેલો હતો. પણ પ્રકાશ ક્યાંયથી આવતો દેખાતો ન હતો. રૂમમાં એરકંડિશનર ચાલુ હોય તેવી શીતળતા છવાયેલી હતી. કોઇ કેદી માટે જેલનો રૂમ હોય, તેવો નહિ પણ મહેલના રૂમ જેવો સરસ તે હોલ હતો.

અચાનક ટપ...ટપ...ટપ જેવો કોઇના ચાલવાનો અવાજ આવ્યો તે અવાજ સાથે રૂમની એક દીવાલમાં નાનો દરવાજો ખૂલી ગયો અને તેમાંથી ચાર આર્મીના જુવાન જેવા ડ્રેસ પહેરેલા સિપાહીઓ બહાર આવ્યા.

“સર...આપ કાલથી ભૂખ્યા છો...આપના માટે આગળના રૂમમાં ભોજનના થાળ તૈયાર છે. મારી સાથે આવો પ્લીઝ...આદર સાથે માથું ઝુકાવી એક સિપાઇ અંગ્રેજીમાં બોલ્યો.

ત્રણે જણા નવાઇ પામ્યા. “ઓલા...વનેચંદ અમે ભૂખ્યા છીએ તેની તને કેમ ખબર પડી...?” આશ્ચર્ય સાથે કદમ બોલ્યો.

સર... “પહેલા તો મારું નામ વનેચંદ નથી કોલર વુડ છે...અને રહી તમારા ભૂખ્યા રહેવાની વાત તો અમારા સર પાસે ત્રીજું નેત્ર છે.”

“પ્લીઝ, પહેલાં આપ ભોજન કરી લ્યો. પછી પ્રશ્નોત્તરી કરજો.”તે બોલ્યો અને તેણે તેની સાથે આવેલા સિપાહીઓને ઇશારો કર્યો. એટલે સાથેના સિપાહીઓ ચાલવા લાગ્યા. તેઓની પાછળ પ્રલય, કદમ અને વિનય પણ ચાલતા બીજા રૂમમાં આવ્યા. સિપાહીઓ તેઓને ત્યાં મૂકી ચાલ્યા ગયા.

એ સુંદર ડાયનિંગ હોલ હતો અને સરસ ગ્રેનાઇટનાં પથ્થરનાં ડાઇનિંગ ટેબલ પર ભોજનના થાળ પીરસેલા પડ્યા હતા. બાજુમાં જ હેન્ડવોશ માટે વોશ-બેસ બનેલો હતો. ત્યાં એક સફેદ એકદમ ચોખ્ખો નેપકીન પણ લટકતો હતો. ત્રણે જણ હાથ ધોઇને જમવા બેઠા. કેટલાય દિવસથી તેઓએ ફળાહાર પર જ દિવસો કાઢયા હતા. તેઓ ભોજન પર તૂટી પડ્યા. ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન હતું. ભોજન પૂરું થતાં જ જાણે તેમના ભોનજ પૂરા થવાની રાહ જોઇને ઊભા હોય તેમ બે સિપાહીઓ અંદર આવ્યા.

“સર...બાજુમાં આપના માટે બેડરૂમ તૈયાર છે. તમે નાહી-ધોઇ થોડી નીંદર કરી લ્યો.પછી તમને સર બોલાવશે. ત્યારે અમે તમને બોલાવવા માટે આવશું...” સિપાહીઓ બોલ્યા અને ત્રણેને તે સુઘડ સુંદર બેડરૂમમાં છોડીને ચાલ્યા ગયા. ત્રણે આશ્ચર્યથી બાઘાચકની જેમ જોઇ જ રહ્યા.

“સાલ્લુ...આપણે મોરીસના મહેમાન છીએ કે દુશ્મન તે જ ખબર નથી પડતી.” કદમ બોલ્યો.

“કદમ...બિલ્લી ઉંદરને મારતાં પહેલા રમાડે છે. તેમ આ સાલ્લો આપણને રમાડે છે.” પ્રલય હસ્યો.

બેડરૂમમાં એરકંડિશનની ઠંડી પ્રસરેલી હતી. સરસ પલંગ પર ડનલોપનાં ગાદલાં બિછાવેલાં હતા. થોડીવારમાં જ ત્રણે ઘસઘસાટ રીતે ઊંઘી ગયા.

કેટલો સમય વીત્યો હશે તેની તેઓને ખબર ન હતી પણ અચાનક ઠક...ઠકના અવાજોથી તેઓની નીંદર ઊડી ગઇ.

તેઓની સામે ચાર સિપાહીઓ ઊભા હતા. ચારેના હાથમાં મશીનગન હતી. તેઓના બૂટના અવાજથી ત્રણે જણા જાગી ગયા.

“ચાલો...ઘણી મહેમાનગતિ માણી...હવે તમારે બોસની અદાલતમાં રજૂ થવાનું છે...” ગંભીર અવાજે એક બોલ્યો. ત્રણે ઊભા થયા એટલે તેઓનો લાઇનસર ઊભા રહેવાનું જણાવ્યું. પછી ત્રણેના હાથને પાછળના ભાગમાં બાંધી દેવામાં આવ્યા.

“ચાલો આગળ વધો.” મશીનગનના કૂદાથી ધક્કો મારતાં એક સિપાહી બોલ્યો.

“અરે...પણ...અમને આમ બાંધીને ધક્કા શા માટે મારો છો ? એણે થોડા નાસી જવાના હતા. પહેલા મહેમાન ગતિ પછી મહેમાનોની આ હાલત કરવાની...?” ઊંચા અવાજે વિનયે કહ્યું.

“અમારો નિયમ છે. દોસ્ત હોય કે દુશ્મનને પહેલાં ખખડાવવાનો આરામ કરવા દેવાનો જેથી તેનું પેટ ભરેલ હોય પૂરતી નીંદર કરેલ હોય તો તે સરખું વિચારી શકે અને રહી વાત નાસી જવાની તો આ મિ. મોરીસનું સામ્રાજ્ય છે. અહીંથી તમને કોઇ છોડાવી શકે તો તે ફક્ત તમારું મોત જ...” ચાલો આગળ ચાલ્યો.

પહેલાં તેઓને લિફ્ટ દ્વારા થોડા ઉપર લઇ જવામાં આવ્યા. ત્યારબાદ અંડરગ્રાઉન્ડ ટ્રોમ જેમ સુવિધાથી તેઓ અંદરના ભાગમાં જ એક તરફ આગળ વધી ગયા. ટ્રામ જેવી તે ગાડી એક જગ્યાએ સરતી ઊભી રહી પણ તેઓને તેમાંથી ઉપાડીને એક ગલી જેવા રસ્તે સિપાહીઓ આગળ વધ્યા. ત્યારે તેઓની પાછળ બાજની આંખો જેવી ચમકીલો બે આંખો તાકી રહી હતી.

ગલી જેવો માર્ગ પૂરો થતાં જ તેઓ એક મોટી વિશાળ ગુફા જેવા એક હોલમાં પ્રવેશ્યા. ગુફા જેવા તે હોલનો નઝારો અનેરો હતો.

તે ખરેખર કોઇ મોટી વિશાળ ગુફા જેવું હતું. તે ગુફા લાવામાં બની હોય તેવું લાગતું હતું. તેની દીવાલો પીળા-ભૂખરા રંગના ખરબચડા પથ્થરોની બનેલી હતી. તેની ઊંચાઇ લગભગ ચાલીસ ફૂટ જેટલી હતી. ઉપરના ભાગમાં સળગતી મીણબત્તીના પીગળેલા મીણ જેવું કાંઇક ચારે તરફ લટકતું હતું. જે કદાચ પીગળેલા લાવા ઠંડો થતાં તેવો આકાર બની ગયો હશે. ખૂબ જ વિચિત્ર દેખાવ હતો. ગુફાની છત પર મોટા માનવ કદ જેટલા આકારના બે-ત્રણ કરોળિયા ચોંટ્યા હતા. લગભગ સાત ફૂટની ઊંચાઇ પર બનેલા તે સ્ટેજ પર હાથીદાંતની બનેલી મોટી રાજાશાહી સિંહાસન પર એક લાંબો પાતળો માણસ બેઠો હતો. તેના લંબોતર ચહેરા પર સ્મિત ફરકતું હતું.

હાથીદાંતના તે સિંહાસન પર બેઠેલા તે માનવીનો જમણો હાથ સિંહાસનના હાથા પર મૂકેલો હતો. અદ્દભૂત ર્દશ્ય હતું. તે...તેના હાથ પર એક બાજ હતું અને તે બાઝનો કલર સોનેરી હતો. પ્રલય, કદમ કે વિનયે આટલું સુંદર અને સોનેરી બાજ પક્ષી ક્યારેય જોયું ન હતું. તે પક્ષીના પાંખોમાંથી જાણે પ્રકાશ પુંજ નીકળતો હોય તેવું દેખાઇ રહ્યું હતું. ધરતીના પડ પર આવું સુંદર ગોલ્ડન બાજ પણ હશે તે કોઇનં માનવામાં ન આવે. મોરીસના સિંહાસનના આગળના ભાગમાં એક ટેબલ ગોઠવેલું હતું તે ટેબલ પર કમ્પ્યૂટરના કિ બોર્ડ જેવા બટનો અને ઇલેક્ટ્રિક સર્કિટ ગોઠવેલી હતી. ત્યાં ઊભેલાં ગોરીલા-માનવો, સળગતી મીણબત્તીના પીગળેલા મીણ જેવા છજ્જાવાળી તે ગુફા, ખતરનાક આદમ કદના કરોળિયા, મોરીસ...તેનું સોનેરી બાજ ત્યાંનુ વાતાવરણ ખરેખર કોઇ પરગ્રહ વાસીનો બેઝ કેમ્પ હોય તેવું લાગતું હતું.

ગુફામાં ચારે તરફ મોટા-મોટા ગોરીલા જેવા માનવ ઊભા હતા. જાણે વાલી અને સુગ્રીવની સેનાન સૈનિકો હોય તેમ જંગલી ગોરીલાઓ પર ઓપરેશનથી વાઢકાપ કરીને ગોરીલા માનવ બનાવામાં આવ્યા હતા. ગુફાના એક તરફના એક ખૂણામાં એક મોટા કરોળિયાનું જાળું ગૂંથેલું હતું.

ફળની થેલી જેમ તે જાળું વચ્ચેથી નીચેની તરફ લટકતું હતું અને તે લટકતા જાળામાં એક માનવી લટકતો હતો. તે માનવીના પગની ગરદન સુધી કરોળિયાએ પોતાની લાળથી ગૂંથી લીધો હતો. તે કરોળિયાના જાળા પર એક વિશાળકાય કરોળિયો ખુન્નસ ભરી મોટી-મોટી આંખોથી તેના ઝાળામાં ફસાયેલા શિકારને નીરખી રહ્યો હતો.

ગોરીલા-માનવોએ રાજાશાહી વખતના સિપાહીઓ જેવાં કપડાં પહેર્યા હતા. તેઓની પીઠ પાછળ ઢાલો બાંધેલી હતી અને હાથમાં મોટા તેજધારવાળા ભાલા પકડેલા હતા.

ગુફામાં પ્રવેશતાં જ અંદરનો નજારો જોઇને પ્રલય, કદમ અને વિનય દિગમઢ થઇ ગયા. પછી તેઓની નજર પહેલા મોટા કરોળિયાઓ પર પછી ગોરીલા-માનવો પર પછી ત્યાં સિંહાસન પર બેઠેલા માનવી પર અને છેલ્લે કરોળિયાના ઝાળામાં ફસાયેલા તેના શિકાર પર પડી.

“અરે… આદિત્ય… આદિત્ય...”

“અરે, આ તો..આ...તો મોરીસ નહીં...આ ડેનિયલ...અરે આ બધું શું છે...? આદિત્ય...” આશ્ચર્ય મિશ્રિત ક્રોધભર્યા ચહેરે પ્રલય ચિલ્લાયો.

મોરીસની જગ્યાએ ડેનિયલ તથા કરોળિયાના જાળામાં ફસાયેલા આદિત્યને જોઇને ત્રણે જણાની હાલત ખરાબ થઇ ગઇ હતી.

મિ.ડેનિયલ આ બધું શું છે...? અને ખરેખર તમે જ મિ. મોરીસ છો કે તેના વફાદાર ચમચા છો ? અને આ...આ...આદિત્યને કરોળિયાના ઝાળા પર શા માટે લટકાવવામાં આવ્યો છે ? જવાબ આપો.મિ. ડેનિયલ...અને મિ. ડેનિયલ તમે જીવતા કેવી રીતે રહી ગયા ? અમે તો તમારી લાશ પણ જોઇ હતી !’’ ચિલ્લાતો કદમ બોલતો જ ગયો. તેના મનમાં આશ્ચર્ય સાથે ગુસ્સાના ગુબ્બારા ફૂટી રહ્યા હતા.

“મિ.ડેનિયલ આદિત્યને છોડી દ્યો. આ આટલો મોટો કરોળિયો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયો. જુઓ તે આદિત્ય સામે ખુન્નસભરી નજરે તાકી રહ્યો છે...પ્રલય...કદમ...આદિત્યને બચાવો...જુઓ, જુઓ કરોળિયો તેના તરફ ધીરે ધીરે આગળ વધે છે.” દહેશત સાથે વિનય ચિલ્લાતો હતો.

મિ.ડેનિયલ...તમે સાંભળ્યું નહીં...આદિત્યને જલદી છોડાવો નહિ તો તમારો આ રાક્ષસી કરોળિયો તેને હમણાં જ ગળી જશે.’ ક્રોધથી પ્રલય ચિલ્લાયો અને ડેનિયલ તરફ આગળ વધ્યો.

પ્રલય જેવો આગળ વધ્યો કે તરત બે ગોરીલા માનવ આગળ આવીને પ્રલયને બાવડાથી પકડયો અને પાછળ ખેંચી ગયા.

“હરામખોરો...મારા હાથ ખોલી નાખો પછી જોઉં છું કે કેમ મને હાથ પણ અડાડી શકો છો અને હરામખોર સાલ્લા સુવર અમે તને અમારા જીવના જોખમે દરિયામાંથી ખજાનો કાઢી આપ્યો. તેનો તે આ બદલો દીધો. હાક થૂં” ગુસ્સાથી રાતોપીળો થતો પ્રલય થૂંક્યો.

“ડેનિયલ મિ.ડેનિયસ...તમારો કરોળિયો આદિત્ય તરફ આગળ વધી રહ્યો છે. પ્લીઝ એને અટકાવો.” કદમ ચિલ્લાયો ખોફથી તેનાં રૂંવાટાં ઊભાં થઇ ગયાં હતા.

“મિ.કદમ...ચિંતા ન કરો. આ કરોળિયો મારી આજ્ઞા વગર આદિત્યને હાથ પણ નહીં લગાડે પણ...”

“પણ...પણ...શું મિ. ડેનિયલ...?”

“પણ...મિ. કદમ હકીકત તો એ છે કે તમારે બધાએ મરવું પડશે. આ ટાપુ પર આવવાની ભૂલ તમે કરી છે. તેની સજા તમને મોતથી મળશે. આ કરોળિયો તમે આદિત્યને ગળી જતાં જોશો પછી તમારો વારો.”

“પણ...આ ટાપુ પર અમને લાવનારા પણ તમે જ છો”

“હા...આ ટાપુ પર તમને હું જ લાવ્યો, મારે દરિયામાં પડેલા તે ખજાનાની જરૂર હતી. તે ખજાનો કાઢવાની મેં પહેલાં ઘણી વખત કોશિશ કરી પણ હતી પણ હું નિષ્ફળ રહ્યો હતો. આફ્રિકામાં તમે કોઇ અજ્ઞાત ટાપુ પર જવાની વાત કરતા હતા. એટલે મને સૂઝી આવ્યું કે તમે હિંમતવાન લાગો છો. જો મને તે ખજાનો મળી જતો હોય તો ભલે તેમ તે ટાપુ પાસે પહોંચો. ટાપુ પર પહોંચતાં ટાપુના કરંટમાં તમારી નાવ તૂટી જશે અને તમે મૃત્યુ પામશો. તેમાંથી બચી જશો તો માનવભક્ષી તે આદિવાસીઓ તમને ખાઇ જશે. તમે ઇન્ડિયાથી આવ્યા છો અને ‘રો’ ના એજન્ટ છો. તે મને મારા ઇન્ટરનેશનલ એજન્ટો મારફત ખબર પડી ગઇ હતી. આમેય મને ‘રો’ ના ચીફ મિ.સામોદત્ત તથા તમે મને ઘણુંય નુકસાન પહોંચાડ્યુ છે. નેપાલમાં મારો શરૂ કરેલો પ્લાન તમે છિન્નભિન્ન કરી નાખ્યો હતો...”

***