Khoufnak Game - 9 - 5 books and stories free download online pdf in Gujarati

ખોફનાક ગેમ - 9 - 5

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

“માણસ કે જાનવર”

ભાગ - 5

“હેન્ડઝ અપ...” કદમે રાડ નાખી.

બંનેએ પોતાની રાયફલ નીચે મૂકી દઇને હાથ ઉપર ઉઠાવ્યાં. થિયેટરવાળા ખંડમાં બંધ કરેલા કદમને પોતાની સામે જોતા તેઓને આશ્ચર્ચ થયું.

“આમ બાઘાની જેમ મારી સામે જોઇ રહ્યા છો...? જીવવા માંગતા હોવ તો ચૂપા-ચૂપ હું કહું તેમ કરો, નહીંતર આ રિર્વોલ્વર તમારી સગી નહીં થાય...” કદમે ચેતવણીભર્યા સ્વરે કહ્યું.

“મિ....તમે અહીંથી છટકી નહીં શકો...મુરારીબાબુ હમણાં જ આવી પહોંચશે...પછી તમારી ખૈર નથી...” એક સિપાઇ ગજર્યો.

“ચૂપ...સાલ્લા લબાડ...તારા મુરારીબાબુની ઐસી કી તૈસી...ચાલ જલદી ઓપરેશન થિયેટરનો દરવાજો ખોલ નહીંતર મફતની ટિકિટ પર તમને બંનેને ખુદાગંજ એક્સપ્રેસમાં રવાના કરી દઇશ...ચાલો” રિર્વોલ્વર પકડેલા હાથથી થિયેટર તરફ કદમ ઇશારો કર્યો.

બંને ચોકીદારને લઇને કદમ થિયેટરના દરવાજા પાસે આવ્યો. તેની રિર્વોલ્વર ચોકીદારના સીના પર તકાયેલી હતી. એક ચોકીદારે થિયેટરની દરવાજા પાસેની દીવાલ પર કોઇ કળ દબાવી તરત જ દરવાજો ખૂલી ગયો.

કદમ બંને ચોકીદારને ધકેલતાં અંદર લઇ આવ્યો. ત્યારબાદ પ્રલય, વિનય મળીને બંને ચોકીદારને ટેબલ પર પટ્ટાથી બાંધીને સુવડાવી દીધા અને તેમની રાયફલો પોતાના કબજામાં લઇ લીધી. પછી તેઓ ત્રણે થિયેટરનો દરવાજો ફરીથી લોક કરીને પ્રયોગશાળાની બહાર નીકળી ગયા.

મુરારીબાબુ પ્રયોગશાળાની બહાર નીકળ્યા. તેના હાથમાં પાંચ ફૂંટ લાબું હન્ટર હતુ. ગુફાની બહાર નીકળી તેઓ ઝડપથી જંગલ તરફ આગળ વધ્યાં.

થોડે દૂર જતા એક ટેકરી પાસે તેને વાનર-માનવ મળી ગયો. જે પ્રલય, કદમ અને વિનય સાથે ગુફા તરફ આવ્યો હતો. મુરારીબાબુને જોતાં જ તે ટેકરી પાસેથી બે પગે ચાલતો-ચાલતો મુરારીબાબુ પાસે આવ્યો.

“તે રીંછ, ચિત્તા, વાઘ માનવોને ક્યાંય જોયા છે...?” કડક શબ્દમાં મુરારીબાબુએ પૂછ્યું.

“હા...મારા ભગવાન થોડીવાર પહેલાં તેઓ આ તરફ ભાગ્યા છે, મને મારી નાખવાની ધમકી આપી. તેઓએ કહ્યું છે કે અમે ક્યાં છીએ તે કોઇને બતાવજે નહીં, નહીંતર તને જીવતો નહીં મૂકીએ...તેઓ મને મારી નાખશે...” બંને હાથ જોડી વાનર-માનવ બોલ્યો. તે પૂરો ધ્રુજી ઊઠ્યો.

“તું ચિંતા ન કર તને કોઇ નહીં મારી નાખે...” કહેતાં મુરારીબાબુ વાનર-માનવે બતાવેલી દિશા તરફ ઝડપથી આગળ વધી ગયા.

કાળા ડીબાંગ વાદળોથી આકાશ છવાયેલું હતું, વરસાદ હમણાં જ તૂટી પડશે તેવું લાગતું હતું. ટેકરી તરફ નમતા સૂર્યના લાલચોળ ગોળાને લીધે ધરતી પર ચારે તરફ લાલિમા છવાઇ ગઇ હતી. પડતા સૂર્યના લાલ પ્રકાશને લીધે મુરારીબાબુનો ચહેરો ત્રાંબાવર્ણો દેખાઇ રહ્યો હતો. ચારે તરફ છવાયેલી ટેકરીઓને પાર કરતાં ક્રોધિત મુરારીબાબુ આગળ વધતા જ રહ્યા ખબર નહીં. કેટલોય સમય વીતી ગયો. ધીરે-ધીરે ચારે તરફ અંધકાર છવાતો જતો હતો. પવનના સુસવાટા સાથે નિશાચર જંગલી પ્રાણીઓની ચીસોથી જંગલ ડરામણું લાગતું હતું.

અચાનક આકાશમા વીજળીના જોરદાર લિસોટા ચારે તરફ વેરાયા અને પછી ગુડડડુડુ...ધમુડના ભયાનક ગર્જણ સાથે વરસાદ તૂટી પડ્યો. મુરારીબાબુ પલળતા-પલળતા આગળ વધતા રહ્યા. માનસિક તણાવ અને થાકને લીધે તેનો ચહેરો પીળો પડી ગયો હતો. છતાં મન તેમનું મક્કમ હતું. જે પ્રાણીઓ પર પ્રયોગ કરી તેને માણસ બનાવવાની કોશિશ કરી. તેવાં પ્રાણીઓ તેની આજ્ઞાનું ઉલંઘન કરી જ કેમ શકે...ના...તે ચાલે જ નહીં...જડબાને સખત રીતે ભીંસાતા તેઓ આગળ વધ્યા.

અચાનક તેઓ ચોંક્યા.

સામે દેખાતી ટેકરીઓ પાસે આઠ-દસ લાલ અંગારા ચમકી રહ્યા હતા.

તે જ વખતે આકાશમાં વીજળીના તેજ લિસોટા વેરાયા, વીજળીના પ્રકાશમાં મોરારીબાબુએ તે લાલ અંગારા તરફ નજર માંડી, તે લાલ અંગારાની આસપાસનું ચિત્ર ઉજાગર થયું. તે પ્રાણીઓ માનવો હતો. ચિત્તા માનવ, વાઘ માનવ, રીંછ માનવ સાથે મળીને બેઠા હતા.

તેઓને જોતાં જ મુરારીબાબુ ક્રોધથી સળગી ઊઠ્યા. તેઓએ જોરથી હવામાં હન્ટર ગુમાવ્યું. સ્પાર્ક...ના અવાજ સાથે થયેલા ગર્જણના અવાજથી પ્રાણી માનવો ચોંક્યા. તેઓની નજર પણ મુરારીબાબુ પર પડી પણ ભાગવા જાય તે પહેલાં ઝડપથી મુરારીબાબુ તેઓની પાસે પહોંચી ગયા. ક્રોધથી મુરારીબાબુનો ચહેરો વિકરાળ બની ગયો.

સ્પાર્ક...સ્પાર્ક...અવાજ સાથે મુરારીબાબુના હાથનું હન્ટર વાઘમાનવ, ચિત્તા માનવ, રીંછ માનવના શરીર પર કોરડાના રૂપમાં વીંઝાવા લાગ્યું. તેઓની ચીસોથી વાતાવરણ ગુંજી ઊઠ્યું. મુરારીબાબુ ગુસ્સાથી પાગલ બની જઇ હન્ટર વીંઝતા રહ્યા.

અને પછી પ્રાણી માનવો માર ખાતા-ખાતા ભાગવા માંડ્યા, હવે તેઓ જંગલની અંદર ઘૂસી ગયા.

પ્રાણી માનવો તો ભાગી ગયા પણ મુરારીબાબુનો ગુસ્સો હજુ શમ્યો ન હતો. અનરાધાર વરસતા વરસાદમાં તેઓ પલળીને તરબોળ થઇ ગયા હતા. વરસાદને લીધે થયેલ કીચડથી તેઓનાં કપડાં ભરાઇ ગયા હતાં. ‘સન્નાટા ભર્યા’ ભેંકાર વાતાવરણ સાથે ગાઢ અંધકારમાં તેઓ ખોફનાક જંગલમાં આગળ વધી રહ્યા હતા. તેઓ ક્રોધથી પાગલ જેવા બનીને પ્રાણી માનવોન શોધતા હતા.

અચાનક ગીચ ઝાડીમાં ખખડાટનો અવાજ થયો.

મુરારીબાબુ ચમકીને ઊભા રહી ગયા અને ચારે તરફ ડોક ઘુમાવીને નજર ફેરવી. શાંત...એકદમ. શાંત...ક્યાંય કોઇ જ અવાજ આવતો ન હતો. હતો તો બસ વરસતા વરસાદનો અવાજ સન્નાટામાં ગુંજતો હતો. ક્યાંય કાંઇ જ દેખાયું નહીં, ખભા ઉછાળી મુરારીબાબુ કીચડમાં ધીરે-ધીરે પગ મૂકતા આગળ વધ્યા.

ફરીથી ઝાડીમાં ખખડાટનો અવાજ આવ્યો.

એકાએક મુરારીબાબુ ઊભી રહી ગયા અને ઝડપથી નજર ફેરવી.

ગાઢ અંધકારમાં ગીચ ઝાડીના ઝુંડમાં તેઓએ તગતગતાં અંગારા જેવી લાલ-ચોળ આંખોને નિહાળી.

તે જ ક્ષણે ઝાળીમાં ખખડાટ થયો અને મુરારીબાબુ કાંઇ પણ સમજે વિચારે તે પહેલાં એક વાઘ માનવ તેના પર તૂટી પડ્યો.

અચાનક થયેલા હુમલાથી મુરારીબાબુ પડી ગયા. તેના હાથમાંથી હંટર છૂટી ગયું. વરસાદના પાણીથી ભરેલા ખાબોચિયામાં “છપાક” ના અવાજ સાથે તેઓ પટકાયા અને તે જ ક્ષણે વાઘમાનવ તેના પર કૂદ્યો અને તેમની છાતી પર ચડી બેઠો. ત્યારબાદ તે આગળના હાથના નહોરભર્યા પંજાથી મારવા લાગ્યો. મુરારીબાબુ તેનો વિરોધ કરવાની કોશિશ કરતા હતા પણ તેઓ કાદવમાં પડ્યા હોવાથી શરીરનું બેલેન્સ જાળવી શકતા ન હતા.

ગાઢ અંધકારમાં શેતાન જેવો દેખાતો વાઘમાનવ, પંજાથી તેઓને મારી રહ્યો હતો. તે જ સમયે ચિતામાનવ, રીંછ માનવ અને બીજા વાઘ માનવ પણ ત્યાં પહોંચી આવ્યા અને સાથે મળીને મુરારીબાબુ પર તૂટી પડ્યા. એક-એક પ્રાણી માનવના દસ-દસ માણસ જેટલી તાકાત હતી અને આજ તેઓને મુરારીબાબુની બીક ઊઠી ગઇ હતી. મુરારીબાબુ આજ તેઓને દુશ્મન જેવા લાગતા હતા. તેથી તેઓ મુરારીબાબુને મારી નાખવા માટે તૂટી પડ્યા.

પ્રલય, કદમ અને વિનય જંગલમાં દોડતા દોડતા જઇ રહ્યા હતા. વરસાદથી તેઓ આખા પલળી ગયા હતા, અને તેમના કપડાં કાદવથી ગારાથી ભરાઇ ગયા હતાં. તેઓનો શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યો હતો.

વરસાદ પર અનરાધાર રીતે વરસી રહ્યો હતો. રાત્રીના ગાઢ અંધકારમાં ગીચ જંગલમાં માંડ-માંડ ઝાડીમાંથી પસાર થતો તેઓ ભાગતા હતા. આગળ વધતાં વચ્ચે અચાનક વાઘ માનવે તેમના પર હુમલો કર્યો હતો પણ કદમે રિર્વોલ્વરથી તેને ઠંડો કરી દીધો હતો.

જંગલ આખું ખળભળી ઊઠ્યું. ચારે તરફ પ્રાણીઓના ચિત્કાર અને રાડા-રાડના અવાજ સંભાળવવા લાગ્યા. દૂરદૂરથી આવતી ચીસો અને રાડા-રાડના અવાજ સમી જતાં ખૌફનાક સન્નાટો છવાઇ ગયો.

બે-ચાર ક્ષણના સન્નાટા પછી, ફરીથી ચીસોના અવાજ ગુંજી ઊઠ્યો.

દોડતા ત્રણેના પગમાં બ્રેક લાગી ગઇ.

“પ્રલય...તને ચીસોના અવાજ સંભળાય છે...” હાંફતા અવાજે કદમ બોલ્યો.

“હા...લાગે છે કે કોઇ ભયાનક આફતમાં સપડાયેલું છે...”

“આ તરફ કોઇ ગરબડ થઇ હોય તેવું લાગે છે, ચાલો.” વિનયે આંગળી ચીંધી દિશા બતાવી પછી તે તે તરફ દોડવા લાગ્યો.

ત્રણે અવાજથી દિશા તરફ દોડતા હતા.

અચાનક થયેલ વીજળીના આછા પ્રકાશમાં દૂર-દૂર તેઓએ જોયું તો એક માનવી જમીન પર તરફડતો હતો અને ચાર પ્રાણી માનવો તેના પર તૂટી પડ્યા હતા.

મુરારીબાબુ હિંમતથી પ્રાણી માનવોનો સામનો કરી રહ્યા હતા. તેઓ ખૂબ જ મજબૂત મનોબળ ધરાવતા હતા. પોતે લોહી-લુહાણ થઇ ગયા હતા, પણ તેઓએ ચિત્તા માનવને જડબામાંથી ચીરી નાખ્યો હતો.

દોડતા-દોડતા ફરીથી થયેલ વીજળીની પ્રકાશમાં કદમે રિર્વોલ્વર કાઢીને ફાયર કર્યો. બે પ્રાણી માનવને ગોળી લાગતાં તે ઊથલી પડ્યા અને બાકીના બે અચાનક થયેલા ગોળીબારથી જંગલમાં છલાંગો મારતા ગાયબ થઇ ગયા હતા. હવે તેઓ રીતસર પ્રાણીની જેમ ચાર પગે જ દોડતા હતા.

“અરે...આ તો મુરારીબાબુ છે...?” નજદીક પહોંચી આવેલા વિનય ચોંકી પડ્યો. વિનયના અવાજથી કદમ અને પ્રલય પણ ચોંકી પડ્યા નજદીક આવી તેઓએ મુરારીબાબુને પાણીના ખાબોચિયામાંતી બહાર કાઢ્યા અને બાજુમાં પડેલા એક તોતિંગ વૃક્ષના થડ પર સુવડાવ્યા.

વિનયે તેઓના પલ્ચ ચેક કર્યા. મુરારીબાબુની નાડી મંદ ગતિથી ચાલતી હતી.

“આને આપણે જલદી અહીંથી તેઓની પ્રયોગશાળા પર લઇ જવા પડશે. તેઓના શરીરમાંથી લોહી ઘણું વહી ગયું હોવાથી નાડી પણ મંદ પડી ગઇ છે...”

“પહેલાં તેઓને ભાનમાં લાવવાની કોશિશ કરીએ અને તેના જખ્મમાંથી વહેતું લોહી બંધ કરવાની કોશિશ કરીએ.” પોતાનો શર્ટ ઉતારીને ફાડતાં પ્રલય બોલ્યો, તે શર્ટના લીરા કરીને મુરારીબાબુના જખ્મ પર બાંધવા લાગ્યો. કદમ વરસાદનું પાણી લાવી-લાવી મુરારીબાબુના મોં પર છાંટવા લાગ્યો. વિનય સતત તેઓના ધબકારા ચેક કરતો હતો અને તેઓની હાથની હથેળી અને પગનાં તળિયાં ઘસતો જતો હતો.

તેઓની મહેનત રંગ લાવી. દસ મિનિટમાં જ મુરારીબાબુ ભાનમાં આવ્યા. હવે તેઓના ધબકારા નિયમિત ગતિથી ચાલતાં હતાં. તેઓએ આંખો ખોલી ચારે તરફ નજર ફેરવી.

અચાનક જંગલ ફાયરોના અવાજથી ખળભળી ઊઠ્યું.

ફાયરોના અવાજ નજદીક આવતા જતા હતા. મુરારીબાબુને શોધવા નીકળેલા સિપાઇઓએ કદમે છોડેલી ગોળીઓના ધમાકા સાંભળ્યા અને પછી તે દિશામાં દોડ્યા.

થોડીવારમાં જ સિપાઇઓ ત્યાં પહોંચી આવ્યા.

સિપાઇઓની રાયફલો તે ત્રણે તરફ તકાઇ, “જરાયે ચું...ચા...કર્યા વગર ઊભા રહેજો...” એક સિપાઇએ ભારે સ્વરે ચેતવણી આપી.

“અત્યારે લડવા-ઝઘડવાનો સમય નથી. પ્રાણી માનવોએ મુરારીબાબુને ઘાયલ કર્યો છે. તેમને જલદી સારવારની જરૂર છે. તમે લોકો પરિસ્થિતિ જુઓ અને સમજો...” પ્રલયે તેઓને સમજાવ્યા.

પરિસ્થિતિ જોઇ સિપાઇઓએ રાયફલો હટાવી તરત તેઓને મદદ કરી અને મુરારીબાબુને ઉઠાવ્યા.

“નીચ...કમજાત...હરામખોરો...તમારા કારણે જ આ બધી પરિસ્થિતિ ઊભી થઇ છે. તમારા કારણે આજ મારી વર્ષોની તપસ્યા પર પાણી ફરી વળ્યું છે. જાનવરમાંથી ઇન્સાન બનેલાં મારાં પ્રાણીઓ ફરીથી જાનવર બની રહ્યા છે...” મુરારીબાબુના હ્રદયમાં પીડાની વેદના ઊપડતી હતી. તેઓ હતાશ થઇ ગયા હતા.

“મુરારીબાબુ...કુદરતે જે નિર્માણ કર્યું છે, તેને કોઇ જ ફરાવી શકતું નથી, તમે કુદરતને પડકાર કર્યો છે...તમે કુદરતથી ક્યારેય આગળ જઇ શકશો નહીં...સમગ્ર સૃષ્ટિમાં માનવ, પશુ, પક્ષી આ વૃક્ષો...સર્વનું નિર્માણ કુદરત કરે છે. તેમનું કામ તેમને કરવા દ્યો. ઠીક છે તમારા કુટુંબ...તમારી માતા-પિતા પર ગુજારેલ જુલ્મનો બદલો લેવાની ભાવના રાખે જ પણ...પણ...મુરારીબાબુ આખી માનવ જાતે શું ગુનો કર્યો છે...આ જંગલમાં સ્વતંત્ર રીતે વિચરતાં પ્રાણીઓએ તમારો શું ગુનો કર્યો છે ?” ઝાડ ઉપર ઊગેલાં ફળોમાં એકાદ ફળ ખરાબ હોય તો તેનાથી આખા ઝાડને કાપી ન નખાય...તમે સમજો...તો હજુ પણ મોડું નથી થયું. આ જાનવરોને મુક્ત રીતે વિહરવા દ્યો. કુદરત ક્યારેય અન્યાય સહન નથી કરી લેતી...પ્રલય એકી શ્વાસે બોલતો હતો.’’

મુરારીબાબુ પોતાનું માથું બંને હાથે પકડીને બેસી ગયા.

વરસાદ મુશળધાર રીતે વરસી રહ્યો હતો. વરસતા વરસાદમાં તેના શરીરમાંથી નીકળતું લોહી વરસાદના પાણી સાથે ભળીને વહી રહ્યું હતું. તેની સાથે તેના મનના મેલ, પાપ, ગુસ્સો, ઝનૂન પણ ધોવાતું જતું હતું. પ્રલયના શબ્દો તેના મગજ પર હજુ હથોડાના ધણની જેમ વીંઝાઇ રહ્યા હતા. ધીરે-ધીરે તેમનું મન શાંત થતું જતું હતું. ત્યારબાદ તેઓ પર ફરીથી બેહોશી છવાઇ ગઇ.

સવારના સૌ જાગ્યા ત્યારે સૂર્યોદય થઇ ગયો. રાત્રે પડેલા વરસાદથી પ્રકૃત્તિ ખીલી ઊઠી હતી. ત્રણે જણા સવારના નિત્યક્રમ પતાવી ફટાફટ તૈયાર થયા. પછી મુરારીબાબુ પાસે આવ્યા, રાત્રીના સૈનિકોએ તેઓને રહેવા માટે મુરારીબાબુના કમરાના બાજુનો એક કમરો ખોલી આપ્યો હતો. તેઓ જ્યારે મુરારીબાબુના કમરામાં આવ્યા ત્યારે મુરારીબાબુ નાહી-ધોઇને ફ્રેશ થઇ ગયા હતા.

“સર...હવે આપની તબિયત કેમ છે...?” કદમે ખુરશી પર બેસતાં પૂછ્યું.

“સારી છે, બેટા...મને માફ કરજો. મેં તમને ઘણા હેરાન કર્યા છે. મેં મારી જિંદગી જાનવરોને માણસ બનાવવામાં કાઢી નાખી, પણ તેં મને જાનવરમાંથી માણસ બનાવ્યો....” પ્રલય સામે વાત્સલ્યથી જોતા તેઓ આગળ બોલ્યા, “મારા મનમાં માણસ જાત પર ક્રોધ અને વેર લેવાની ભાવના હતી તે બધી ધોવાઇ ગઇ... મને મારા કરેલાં કર્મોનો ઘણો જ અફસોસ થાય છે. મારે તેનું પ્રાયશ્ચિત કરવું છે...બેટા મને અહીંથી તમારી સાથે લઇ જજો, હું મારો ગુનો કબૂલી લઇશ...” તેઓની આંખોમાંથી પ્રાયશ્ચિતનાં આંસુઓ વહી નીકળ્યાં.

“સર...સાચા દિલથી પ્રાયશ્ચિત કરે છે તેને ભગવાન પણ માફ કરે છે. તમે અમારી સાથે ચાલજો...અમે તમારી સજા માફ કરાવી દેશું, સર...હવે તમારે ભારત દેશ માટે કામ કરવાનું છે...સર, ભારતને તમારી જરૂર છે.”

“થેંક્યુ...મિ.પ્રલય, મને ખાતરી હતી કે મારો દેશ મારી ભૂલો માફ કરીને મને અપાનાવી લેશે...”

“મુરારીબાબુ...અમે આ અજ્ઞાત ટાપુ પર બે મકસદ સાથે આવ્યા હતા. જેમાંનો એક મકસદ પૂરો થયો છે. પણ...સર...અમારો બીજો મકસદ અમારા સાથી જેનું નેપાળથી અપહરણ કરવામાં આવ્યું હતું. તેને શોધી કાઢી સાથે ભારત લઇ જવાનું છે. સર...તમે...”

“મિ. પ્રલય, હું એ જ વાત પર આવી રહ્યો હતો...” પ્રલયની વાત કાપી તેઓ તરત બોલ્યા.

તેઓ આગળ બોલે તે પહેલાં અચાનક તેમનો નોકર ઝડપથી કમરામાં ધસી આવ્યો.

“સર...આપણા બે સિપાહીઓ મૃત હાલતમાં પડ્યા છે...સર...તેઓની લાશ ઝાડ પર લટકે છે...” હાંફતા-હાંફતા બોલ્યો. તેનો ચહેરો ભયથી પીળો પડી ગયો હતો.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED