જાણે-અજાણે (29) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (29)

સવારના નવાં કિરણો સાથે એક નવાં દિવસની શરૂઆત થઈ. અને નવાં દિવસ સાથે નવાં કામની શરૂઆત થઈ. ગામનાં મુખ્ય ચોકમાં. ગામની વચ્ચોવચ રચનાનાં લગ્નનો મંડપ બંધાવા માટે બધો સામાન આવી ગયો. કૌશલ પણ ત્યાં હતો પણ રેવાને આજે ફરી મોડું થઈ ગયું. રેવા દોડતા-ભાગતા વિચારતી આવતી હતી " આજે તો પેલો કૌશલ મને મારી જ નાખશે. કાલે પણ મોડી પડી હતી અને આજે પણ. હું શું કરું કાલે ઉંઘવામાં વાર થઈ એટલે સવારે ઉઠાયું જ નહીં. હવે સવાર સવારમાં તેની વાતો સાંભળવી પડશે.." રેવા ચોકમાં પહોચી. ત્યાં કૌશલ ની સાથે વંદિતા, અનંત અને પ્રકૃતિ પણ હાજર હતાં.

રેવા: સોરી.. મોડું થઇ ગયું.

કૌશલ: નવાઈ શું છે એમાં!

અનંત: વાંધો નહીં એમ પણ હજું હમણાં જ સામાન આવ્યો છે. અમેં બસ એ જ જોતાં હતાં.

એક કારીગર કૌશલ પાસે આવી કહ્યું " બોલો સાહેબ ક્યાં અને કેવો મંડપ બાંધવાનો છે!
કૌશલ કશું બોલે તે પહેલાં રેવા બોલી ઉઠી " ચાલો હું બતાવું તમને.." તરત રેવા એકદમ ઉત્સાહી બની કામે લાગી ગઈ. કૌશલની વાત કાપવા છતાં તે કશું બોલ્યો નહીં અને ત્યાં જ ઉભો જોતો રહ્યો. વંદિતા અને પ્રકૃતિ ને રચનાનાં ઘેર કામ હોવાથી તેઓ પણ ચાલતાં થયાં. એટલે અનંતે એકલતાનો ફાયદો ઉઠાવતાં કહ્યું " કૌશલ મારાં ભાઈ... કામ કરવાનું છે ગુસ્સો નહીં હા!.. થોડું સમજથી કામ કરજે. રેવા એટલી પણ ખરાબ નથી જેટલું તું સમજે છે. " કૌશલે થોડું હસીને કહ્યું " હા, સારી તો એ જ છે. ભલે પછી મારાં બધાં કામમાં ખોટ કાઢે, મારી દરેક વાત કાપે, મને ખરું ખોટું સંભળાવે કે બધો શ્રેય પોતે જ લઈ જાય! "

કૌશલને સમજાવતાં અનંતે વધાર્યું " પણ તું એકવાર જો ત્યાં રેવા તરફ ( રેવા તરફ ઈશારો કરતાં) તને લાગે છે કે તે કોઈ ચાલાકી કરી શકે!.. હમણાં પણ તેને માત્ર રચનાદીદી માટે જ ઉત્સાહ છે. અને તેણે ભલે જે કર્યું હોય પણ તું વિચારને તેણે કોઈ પણ કામ પોતાનાં માટે નથી કર્યું. તેનાં દરેક કામમાં બીજાની જ ભલાઈ હોય છે. અને બીજી વાત તે પોતે જ આટલાં મોટાં ઘાત માંથી ઉભરી આવી છે. ભલે કશું કહેતી નથી પણ તેનાં મનમાં દુઃખ તો હશે જ ને.." અનંતની એકએક વાત કૌશલ સમજી રહ્યો હતો. અને પોતે રેવા વિશે ખોટું ના વિચારવું જોઈએ તેમ સમજવા લાગ્યો. અનંત તો આટલું બોલી ચાલ્યો ગયો પણ કૌશલ હજું ત્યાં ઉભો માત્ર રેવાને જોતો રહ્યો. કામ કરી રહેલી રેવાને અવલોકન કરવાં લાગ્યો અને તેની દરેક હલચલમાં તેને નિસ્વાર્થ રેવા નજરે પડવા લાગી. કૌશલની આંખોમાં રેવા પ્રત્યે ભાવ બદલાવા લાગ્યાં . ગુસ્સામાંથી નિર્દોષતા તરફ વળવા લાગ્યાં.

રેવાનાં બતાવવા મુજબ કામ આગળ વધવા લાગ્યું. સવારનું બપોર અને બપોરની સાંજ પડી ગઈ. ભૂખ ,તરસ અને થાક તો જાણે રેવાને અસર જ નહતો કરતો. પોતે કામ કરતી જતી પણ સાથે બધાંની સંભાળ પણ રાખતી. પાણી, નાસ્તો કે અન્ય કોઈ પણ વસ્તુની ખોટ પડવા ના દીધી. પણ પોતે કશું ધ્યાન રાખ્યાં વગર બસ તેનું ધ્યાન એક સુંદર મંડપ સર્જન માટે હતું. કૌશલનું ધ્યાન જ્યારે આ બધી વાત તરફ ખેંચાયું તો તેણે રેવાને સમજાવી. આરામ કરવાં કહ્યું પણ તે માની નહીં . એટલે જબરજસ્તી કરી કૌશલે રેવાને એક જગ્યા બેસાડી પરાણે નાસ્તો કરાવ્યો.

બીજી તરફ જમવાની યાદી અને એ યાદી મુજબ પકવાન બનવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી. અનંત અને પ્રકૃતિનાં વિચારો ઘણેઅંશે એકસરખા હતાં એટલે તેમનું કામ જલદી જલદી આગળ વધી રહ્યું હતું. જાતજાતના પકવાન રાખવાં છતાં હજું કશુંક ખૂટતું હતું. સમજાતું નહતું. એટલામાં પ્રકૃતિ એ એક વધારે મીઠાઈ ઉમેરવા કહ્યું. રેવા પોતાનું કામ પતાવી ઘરે જતી હતી. પણ અનંત અને પ્રકૃતિ ને જોતાં તે રોકાઈ ગઈ અને તેમની વાત સાંભળવા લાગી. પ્રકૃતિ ને બે મીઠાઈ હોવાં છતાં એક બીજી મીઠાઈ ઉમેરવી હતી. જ્યારે અનંતને તે યોગ્ય નહતું લાગી રહ્યું. રેવાએ વિચાર્યું અને કહ્યું " મીઠાઈ તો એક હોય કે બે તેનાંથી કોઈ ફર્ક નહીં પડે. મને લાગે છે કોઈ એવી વસ્તુ ઉમેરો જે અહીંયાની ખાસિયત હોય. મતલબ કે જે બધાને ભાવે અને જેનો સ્વાદ બસ મનમાં ઉતરી જાય..અને..." રેવા હજું કશું બોલે તે પહેલાં પ્રકૃતિ એ તેને વચ્ચે જ અટકાવી અને કહ્યું "રેવા... અમેં આ કરી લઈશું. તું વધારે થાકી હશે ને તો ઘેર જા આરામ કર.. " અનંતને આ વાત પસંદ ના આવી પણ તે કશું બોલ્યો નહીં. રેવા હકારમાં માથું હલાવ્યું અને ત્યાંથી ચાલી ગઈ.

બીજે દિવસે રેવાની આંખો ખુલે તે પહેલાં વંદિતા તેનાં માંથા પાસે આવી બેસી ગઈ. અને જેવી જ રેવા જાગી વંદિતાને જોઈ તે ઝબકીને ઉભી થઈ અને અડધાં ઊંઘમાં બોલી " વંદિતા.... તું આટલી જલદી અહીં શું કરે છે! " વંદિતા એ રેવાને જોરથી હલાવી કહ્યું " દીદી... ઉઠો હવે... આજે બજારમાં જવાનું છે ખરીદી કરવાં. રચનાદીદીનાં કપડાં સાથે સાથે આપણાં પણ નવાં કપડાં જોઈશે ને!... ચાલો, ...હું, રચનાદીદી, પ્રકૃતિ દીદી અને તમેં. " રેવા એકદમ ઉછળી પડી અને કહ્યું " હા ચાલો જઈએ. " વંદિતા વધારેમાં બોલી " હા જલદી કરો કૌશલભાઈ આવતાં જ હશે. આપણને લઈ જશે " આ સાંભળી રેવાનું મોં પડી ગયું અને કહ્યું " કૌશલ?! તેનું શું કામ છે આપણી જોડે? " વંદિતા એ જવાબ આપ્યો " તો તેમનાં વગર કોણ જવાં દેશે આપણને?! કોઈક તો સાથે જોઈશે જ. એટલે રચનાદીદી એ તેમને કહ્યું છે સાથે આવવાં " રેવા હવે કશું બોલી નહીં અને તૈયાર થઈ. વંદિતા અને બાકી લોકો ઘરની બહાર ભેગાં થયાં. રેવા દાદીમાં ને કહેવાં ગઈ કે તે બજાર જાય છે એટલે દાદીમાં એ રેવાને એક હજાર રૂપિયા પોતાનાં એકદમ સાચવેલા સંદૂકમાંથી કાઢી આપ્યા. રેવાએ તે લેવાની ના પાડી છતાં દાદીમાં બોલ્યાં " આ પૈસા રાખ બેટાં. તારાં માટે પણ તું ખરીદી કરી લેજે. તારી પાસે તો ક્યાંથી હોય. મારી પાસે પણ વધારે નથી પણ આટલાં થી કામ ચલાવી લે જે!.. બધાં પોતાનાં માટે નવાં કપડાં, નવાં ચપ્પલ કે ખબર નહીં જાતજાતની વસ્તુઓ ખરીદશે. તને પણ મન થશે. અને તું તારું મન મારી ચુપચાપ જોતી રહીશ એ હું નથી ઈચ્છતી. " દાદીનાં કહેવાથી તે પૈસા લઈ રેવા બધાં સાથે બજાર પહોચી.
ઘણીબધી દુકાને ફર્યાં. ઘણીબધી ખરીદી કરી બધાં એ. પણ રેવાની મુઠ્ઠીમાં એ થોડાંક અમથાં પૈસા રેવાને બહું ધ્યાનથી વાપરવાનાં હતાં. તેની પાસે વધારે વિકલ્પ નહતાં કશું ખરીદવાં માટે. ફરતાં ફરતાં એક દુકાને રેવાને એક સુંદર સાડી નજરે પડી. લીલાં રંગની એ સાડી જેમાં સોનેરી રંગનું ભરતકામ કરેલું હતું. એક નજરમાં જ ગમી જાય તેવો રંગ અને એ કરતાં પણ વધારે સુંદર તેનું ભરતકામ હતું. દુકાનદારને પુછવા પર તેણે એ સાડીનો ભાવ 2500/- કહ્યો. રેવા એકદમ ઉદાસ થઈ ગઈ. પોતાની પાસે પુરતાં પૈસા નહતાં. પણ ઘણાં સમય પછી તેને કોઈ વસ્તુ લેવાની ઈચ્છા થઈ હતી. બીજાં લોકો તો પોતાની વસ્તુઓમાં વ્યસ્ત હતાં. કોઈનું ધ્યાન રેવા તરફ નહતું. રેવા વિચારવા લાગી " પહેલેથી જ આ લોકોના ઉપકારો છે મારી પર. મારો જીવ બચાવ્યો, તેમનાં ઘેર રાખી, પરિવારનો ભાગ બનાવી. હવે હું વધારે કશું નથી માંગી શકતી. ચાલશે મારી પાસે જે છે તે કપડાં પહેરી લઈશ. કાશ પપ્પા તમેં પણ મારી સાથે હોત. મારે પણ કપડાંનાં ભાવ જોવાની જરૂર ના પડતી. " રેવા ત્યાંથી દુર ખસી ગઈ. પણ તેની નજર હજું એ સાડી પર અટકેલી હતી. કૌશલે રેવાને ઘડી ઘડી એ સાડી તરફ જોતાં જોઈ પણ કશું બોલ્યો નહીં. બધાં ઘર તરફ પાછા ફર્યાં.

દરેક લોકોએ પોતાની પસંદ અનુસાર વસ્તુ લીધી પણ રેવાએ કશું જ ના ખરીદ્યું. એટલે વંદિતાએ પુછ્યું " રેવાદીદી તમેં કશું ના ખરીદ્યું? તમને નવાં કપડાં નહતાં જોઈતાં? " રેવાએ બહું ધીમેથી જવાબ આપ્યો " ના, મને કશું નહતું જોઈતું. મારી પાસે ઘણાં કપડાં છે. અને દાદીએ મારાં માટે એક ડ્રેસમાં ભરતકામ કરી આપ્યું છે તે હું પહેરીશ. " કૌશલ આ સાંભળી સમજી રહ્યો હતો કે રેવાને તે સાડી ગમી હતી પણ તેનાં ઓછાં પૈસાને કારણે તે ખરીદી ના શકી. વંદિતા સહિત બધાં ને રેવાની વાત પર ભરોસો થઈ ગયો અને આગળ કોઈ પ્રશ્ન પુછાયા નહીં. આખો દિવસ ખરીદીમાં ગયાં પછી બધાં ફરીથી પોતાનાં કામે લાગી ગયાં. રચનાનું લગ્ન એકદમ નજીક આવી ગયું હતું. બધીવાત ની તૈયારીઓ એકદમ પૂરી થવાની અણીએ હતું. એટલાંમાં રેવા કૌશલ પાસે દોડીને પહોંચી.

રેવા: કૌશલ સાંભળી. મને એક મસ્ત વિચાર આવ્યો છે.

કૌશલ: ના હો, હવે કશું સુધારો નહીં થાય. પહેલાં થી જ તું ત્રણ વખત સુધારો કરાવી ચુકી છું. હવે જે છે તે રાખ.

રેવા: અરે સુધારો કરવાં નથી કહેતી. અને એમ પણ જરુર પડે તો સુધારો કરવો પણ પડે. એમાં ગણવાનું શું!

કૌશલ: તો શેનો વિચાર છે?

રેવા: જો લગ્ન તો એક દિવસનું જ છે. અને આગળની જે પણ વિધિ થશે તે આગળનાં દિવસે સવારે પુરી થઈ જશે. તો હું વિચારતી હતી કે આપણે રાત્રે ઉત્સવ કરીએ. દીદી ના લગ્ન નો.

કૌશલ: એટલે શું કરવાનું?

રેવા: જો લગ્નનાં દિવસે જાન આવશે તો દીદી પાસે બેસવાનો સમય નહીં મળે. એટલે દીદી સાથે થોડો સમય વિતાવવા આપણે રાત્રે ઉત્સવ જેવો માહોલ બનાવીએ જેમાં બધાં એખસાથે બેસે, પોતાની વાતો કહે, નૃત્ય થાય, ગીતો ગવાય અને જમવાનું હોય.

કૌશલ ( થોડું વિચારીને): વાત તો સાચી છે. પણ બધાં તૈયાર થશે?

રેવા: હું હોય ત્યાં જોવાનું ના હોય! હું છું ને બધાને કહી દઈશ. અને સજાવટ તો પહેલેથી જ છે.

કૌશલ: સારું તો કહીં દે બધાં ને. હું આગલી રાતનું જમવાની વ્યવસ્થા કરું.

રેવા: સારું. અને બીજી વાત, ઘણીબધી લાઇટની રોશની કરજે. એકદમ ઝગમગી ઉઠવું જોઈએ બધી દિશામાં. મને એવો રોશની બહું ગમે છે.

કૌશલ: હા મેડમ. હજું કોઈ નખરાં બાકી હોય તો એ પણ કહીં દો. હું તો પુરાં કરવાં જ બેઠો છું ને!

રેવા(હસીને) : ના ના. આટલું કર એ બહું છે.

રચનાનું લગ્ન તો ધીમે ધીમે ઉત્સવનું સ્થાન લેવાં માંડ્યું હતું. જ્યાં જોવો ત્યાં જાહોજલાલી થઈ ગઈ. જેમ જેમ દિવસો નજીક આવતાં તેમ તેમ ઉત્સાહ અને ઉમંગ વધતો જતો. છેવટે એ દિવસ આવી પહોચ્યો.
રચનાનાં લગ્નનો આગલો દિવસ. સવારની પોકાર સાથે ગણેશ સ્થાપનની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ચારે તરફ લગ્નગીતો ગૂંજી ઉઠ્યાં. પંડિતજી પોતાનાં મંત્રો સાથે આસન ગ્રહણ કરી તૈયાર હતાં. સ્થાપનાની બધી તૈયારીઓ થઈ એટલે રચનાને બોલાવવામાં આવી. સુંદર સોહામણી લાગતી રચના એક અલગ જ ખુશીથી તરબતર હતી. નવાં કપડાં, હાથમાં પંડિતજીએ બાંધેલી રક્ષાપોટલી અને આંખોમાં સપનાં સાથે ગણેશજીની સ્થાપના થઈ. મંગલ ગાન થયાં. હવે વારો હતો પીઠી(હળદળમાં પાણી, ચંદન, સુગંધિત પદાર્થોનું મીક્ષણ) ચોળવાનો. એકે એકે ગામની દરેક સ્ત્રી આવી રચનાને પીઠી ચોળતી અને કાનમાં ધીમેથી મંગલમય આશીર્વાદ આપતી. રચનાને આટલાં આશીર્વાદ મળતાં જોઈ દિવાળીબેનની આંખોમાંથી પાણી ખસતું જ નહતું. દુર ઉભાં પોતાની દિકરીને નિહાળી રહેલાં રચનાનાં માં ને રેવાનો પુરેપુરો ટેકો હતો. રચનાને પીઠી ચોળાયાં પછી વધેલી પીઠીથી ગામની સ્ત્રીઓ પણ પીઠી રમવાં બેસી ગયા. ધેળેટીની જેમ આજે જાણે પીળાં રંગે ધૂળેટીની મજા લેતાં હોય તેમ બધાં એકબીજાને પ્રેમથી કે જબરજસ્તી પીઠી લગાવવાં લાગ્યાં. પીઠી રમવામાં તો પ્રકૃતિ, વંદિતા સહિત રેવા પણ પાછા ના પડ્યાં. રેવા માટે આ દરેક રસમ નવી હતી. એટલે તે તેની ભરપૂર આનંદ ઉઠાવતી હતી. રમતાં રમતાં દૂર ઉભેલાં કૌશલ અને અનંતને પ્રકૃતિ એ જોયાં એટલે પ્રકૃતિ અનંતને પીઠી લગાડવા જવાં લાગી. રેવાને આ વાતની જાણ નહતી. અને તે પ્રકૃતિને પાછળથી પકડવાની કોશિશ કરતાં ધીમેથી પાછળ ચાલી. જેવી જ પ્રકૃતિ એ અનંત તરફ હાથ લંબાવ્યો કે પાછળથી રેવાને ઠોકર વાગતાં તે અનંત પર ઢળી પડી અને પ્રકૃતિને ધક્કો વાગતાં તે દૂર ખસેડાઈ ગઈ. રેવાની હાથની બધી પીઠી અનંત પર ચોંટી ગઈ. આ વાત જોઈ પ્રકૃતિ ને સારું ના લાગ્યું. અને જોડે ઉભેલાં કૌશલનાં મનમાં પણ કંઈક ખુચતું હોય તેમ અનુભવાયું. રચનાનાં ધ્યાનમાં આ બન્ને વાત આવી. તેને આભાસ હતો કે આ વાત કોઈ મોટું રુપ ના લે તો સારું. ભગવાનને એટલી પ્રાર્થના કરી કે જે જેનાં માટે યોગ્ય હોય તે તેને મળજો .

સાંજ થતાં થતાં લગભગ બધી વિધિઓ પુરી થઈ ચુકી હતી. થાંભલી પુજન, ગણેશ સ્થાપન, પીઠી, મહેંદી બધું કામકાજ પુરું થવાં આવ્યું હતું. રાત્રે ઉત્સવ રાત્રીનો પ્રોગ્રામ હોવાથી બધાં તેની તૈયારી કરવાં અને તૈયાર થવાં પોતાનાં ઘેર ચાલ્યા ગયાં. રાત થઈ એટલે કૌશલ અને અનંત સૌથી પહેલાં સ્થળે પહોચી ગયાં. ધીમે ધીમે બાકી બધાં મહેમાનો આવી પોતાની જગ્યા લેવાં લાગ્યાં. વંદિતા અને રચના પણ પહોચ્યા એટલે વંદિતાએ પુછ્યું " કૌશલભાઈ રેવા ક્યાં છે? " કૌશલને આશ્ચર્ય થયું કે મને કેમ પૂછે છે! એટલે તેણે જવાબ આપ્યો " મને નથી ખબર. હું તેનું જોઈ થોડો બેસી રહ્યો છું! " વંદિતા એ ચોખવટ કરી " એમ નહીં. આ રાત્રીનો વિચાર રેવાદીદીનો જ હતો એટલે તમેં સાથે આયોજન કર્યું છે તો કદાચ ખબર હોય. વાંધો નહીં ઘેર હશે. (અનંતને પુછતા) અનંતભાઈ તમેં બોલાવી આવશો!?" રચનાને સમજાઈ ગયું કે વંદિતા હજું રેવા અને અનંત પાછળ પડી છે. એટલે રચનાએ કહ્યું " કૌશલ તું જા. બોલાવી આવ રેવાને. અનંતનુ કામ છે મારે થોડું " કૌશલ રચનાની વાતનો ઈન્કાર નહતો કરી શકતો એટલે તે રેવાને ઘેર પહોચ્યો. જોયાં વગર એકદમ અંદર ઘુસી ગયો જ્યાં રેવા તૈયાર થતી હતી. રેવાને થોડું ગભરાતી જોઈ કૌશલે નજર ફેરવી લીધી. પણ એક ઝલક રેવાની જોતાં જ કૌશલનાં મનમાં જોરદાર હલચલ થઈ. ગુલાબી રંગનાં ઘાઘરો અને ભૂરાં રંગની ઓઢણી રેવાની સુંદરતામાં વધારો કરી રહ્યા હતાં. વિખરાયેલા વાળ અને કોઈ જાતનો શણગાર વગર પણ રેવાનું નુર ટપકી રહ્યું હતું. કૌશલે નીચી નજરે પુછ્યું " હજું કેટલી વાર લાગશે? બધાં આવી ગયાં છે. રચનાદીદીએ તને લેવાં મોકલ્યો છે." રેવાએ કહ્યું " થોડી વારમાં આવું છું. આ કંદોરો (કમરબંધ) પહેરવાની કોશિશ કરું છું પણ તેનો આંકડો બંધ જ નથી થતો. તું કોઈકને બોલાવી દે ને મારી મદદ માટે. " કૌશલે થોડો વિચાર કરી કહ્યું " આસપાસ તો કોઈ નથી બધાં ચોકમાં ભેગાં થઈ ગયાં છે. દાદીમાં નથી ઘરમાં? " રેવાએ પોતાની પર જ અકડાઈને બોલી " તે તો હમણાં જ ગયાં. તેમણે મને સાથે આવવાં જ કહ્યું હતું પણ મેં કહ્યું હું પછી આવું તે જાય. "
રેવાએ હજું વધાર્યું " મને આ કંદોરો પહેરવો જ છે. મને ગમે છે... શું કરું! " કૌશલ થોડું અસમંજસમાં પડી ગયો પછી એકદમ રેવા પાસે જઈને ઉભો રહ્યો.
અરીસા તરફ મોં કરીને ઉભેલી રેવાને પોતાની તરફ મોં કરતાં ફેરવી રેવાની હાથમાંથી કંદોરો લઈ જાતે જ પહેરાંવાં લાગ્યો. કૌશલની આ હરકત જોઈ રેવા આશ્ચર્યથી તેની તરફ જ જોતી રહી. રેવાની કમર ફરતે વીંટળાયેલા કૌશલનાં હાથ રેવાને આજે અડચણરૂપ નહતાં લાગી રહ્યાં. તે તો ભાન ભૂલી બસ કૌશલને જ તાકી રહી. આંકડો બંધ થતાં ની સાથે જ કૌશલ દુર ખસ્યો અને ફરી નીચી નજર રાખી બોલ્યો " લે થઈ ગયું તારું કામ. હવે જલદી કર મોડું થાય છે." રેવાનું ધ્યાન તૂટ્યું અને બોલી " હ...હા...હા.. ત..તું જા હું આવું છું થોડીવારમાં " સ્થિતિ થોડી અયોગ્ય બનવા લાગી એટલે કૌશલ ત્યાથી ચાલ્યો ગયો.

ચોકમાં બધાં ભેગાં થયાં અને પ્રોગ્રામ શરૂ થવાની રાહમાં હતાં. એટલામાં રેવા દૂરથી આવતી દેખાઈ એટલે રચના બોલી " લો, રેવા પણ આવી ગઈ " રેવાનું નામ સાંભળી કૌશલ, અનંત અને વંદિતા તથા પ્રકૃતિ નું ધ્યાન તેની તરફ વળ્યું. દૂરથી આવતી રેવાને જોઈ કૌશલ અને અનંતનાં હોંશ ઉડી ગયાં. ચાલતાં ચાલતાં હવામાં લહેરાતો તેનો ઘાઘરો, ખભે ટેવાયેલા તેનાં વાળ અને કમરમાં લટકતો તેનો કંદોરો કોઈપણનો મોહને પાત્ર બને તેમ હતું. રાત્રીનાં અંધકારમાં ઝગમગતી રોશની સાથે રેવા પણ ઝગમગી રહી હતી. ઝગમગતી રોશની જોઈ રેવા ખુશ થઈ ગઈ. પોતે વિચાર્યું હતું તેનાથી વધારે સુંદર રાત્રી હતી. રેવાને પાસે આવી એટલે,

વંદિતા: રેવાદીદી મસ્ત લાગી રહ્યાં છો આજે.

રચના : હા રેવા. આજે મારાં કરતાં વધારે સુંદર લાગી રહી છે.

રેવા: ના દીદી. દૂલ્હન કરતાં વધારે સુંદર કોઈ ના હોય.
વંદિતા: અને આ કંદોરો પણ શોભી રહ્યો છે.

કંદોરો જોઈ રેવાને કૌશલની કરેલી વાત યાદ આવી અને કૌશલ પણ પોતે કરેલી હરકત વિશે વિચારવા લાગ્યો " આખરે શું કામ આટલો હક જતાવ્યો મેં! હું રેવાને તેની હાલત પર છોડી શકતો હતો પણ મારાંથી એવું થયું કેમ નહીં! " રેવાએ કૌશલનું નામ ના જણાવ્યું અને વાત બદલાતા ઉત્સવ પર ધ્યાન અપાવ્યું. મોંડી રાત સુધી આ ઉત્સવ ચાલ્યો. નાચ ગાન અને ઢગલાબંધ વાતોથી રાત પછી આખરે લગ્નનો દિવસ દરવાજો ખટખટાવી રહ્યો હતો.

કેટલાં રંગ બતાવશે આ લગ્ન!


ક્રમશઃ