ખોફનાક ગેમ - 7 - 2 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોફનાક ગેમ - 7 - 2

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ખૌફનાક ટાપુ પર

ભાગ - 2

“અરે વાત કરોને યાર...હું આજ સૌને સ્વાદિષ્ટ ભોજન બનાવીને ખવડાવું...” ઊભા થતાં વિનય બોલ્યો અને પછી બોટમાં બનાવેલ કિચન તરફ ચાલવા લાગ્યો.

“ચાલ હુ પણ તને મદદ કરાવું...” સિગારેટનો એક ઊંડો કશ લઇ ઊભા થતાં, કદમ બોલ્યો.

પ્રલય પણ ઊભા થઇ બોટના એન્જિનરૂમમાં મોગલો પાસે જવા લાગ્યો.

ડેનિયલ બેઠો-બેઠો વાઇન પી રહ્યો હતો. તેના હાથમાં સિગારેટ સળગતી હતી.

ઘૂઘવાતો સમંદર ધીરે ધીરે શાંત પડતો જતો હતો

પવન પણ સાવ બંધ થઇ ગયો હતો. આકાશ હજુ ઘેરાયેલુ હતું અને એકદમ ધીમી ગતિની વરસાદ ચાલુ હતો.

“અત્યારે આપણે ક્યાં છીએ તે કહી શકશો, મિ.ડેનિયલ જમતાં-જમતાં પ્રલયે પૂછ્યું.

“આપણે માર્ગમાં ભૂલી પડી ગયા છીએ. તોફાનને લીધે દિશા વિહીન થઇ બોટ જઇ રહી હતી. છતાં પણ આપણે હવે બરાબર આપણી મંઝીલ તરફ વધી રહ્યા છીએ. હવે કોઇ વિધ્ન ન આવ્યું તો કાલ સાંજ સુધીમાં ટાપુ સુધી પહોંચી જશું...” રોટલીના ટુકડાને શાકમાં બોળી મોંમાં નાખતાં ડેનિયલ બોલ્યો.

જમવાનું તૈયાર થતાં બધા જમવા બેઠા હતા અને વાતો કરતા હતા. સ્વદેશી ભોજન ખાઇ સૌને આનંદ થયો. ડેનિયલને પણ ભોજન ગમ્યું.

ભોજન કરી સૌ કેબિનમાં આવ્યા. કદમે સિગારેટ સળગાવી અને ડેનિયલને સિગારેટ સળગાવી, બેઠા-બેઠા સૌ વાતો કરવા લાગ્યા.

“રાત્રીના બે વાગ્યાનો સમય થયો છે સૌ થાક્યા પણ છીએ તો હવે આપણે આરામ કરીશું...?” ઘડિયાળ તરફ જોતાં વિનય બોલ્યો.

“હા...હવે આપણે સૌ આરામ કરીએ. કદમ તું હવે મોટરબોટ ચલાવ, મોગલોએ ખૂબ જ મહેનત કરી છે. તે પણ થાક્યા હશે. તેને થોડા આરામની જરૂર છે...” હાથ ઊંચા કરી આળસ મરોડતાં પ્રલય બોલ્યો.

કદમ એન્જિન રૂમમાં ગયો અને મોટરબોટનું સુકાન સંભાળ્યું તેના સિવાય સૌ આરામ કરવા લાગ્યા.

પક્ષીઓના કલરવથી સૌ જાગી ઊઠ્યા.

ભગવાન સૂર્યનારાયણ ધીરે-ધીરે પૃથ્વીની ક્ષિતિજમાંથી બહાર આવી રહ્યા હતા. સૂર્યનો લાલ સિંદૂરિયો કલર, દરિયાના પાણી પર ચારે તરફ છવાઇ ગયોહતો. વાતાવરણ એકદમ ખુશનુમા ભર્યું હતું. ઠંડો શીતળ પવન વ્હાઇ રહ્યો હતો.

સવારનો નિત્યક્કમ, પતાવી ડેક પર આવી સૌ બેઠા, મોગલો સૌ માટે કોફી બનાવી લાવ્યો. સૌએ કોફી સાથે બિસ્કિટને ન્યાય આપ્યો. ત્યારબાદ મોગલોએ કદમને ફ્રી કરી બોટનું સુકાન સંભાળ્યું. કદમ તરત નાહી-ધોઇ સૌ પાસે ડેક પર આપ્યો અને કોફી પીંતાં-પીતાં સિગારેટ સળગાવી દમ ભરવા લાગ્યો.

“પક્ષીઓને જોઇને મને લાગે છે કે આપણે લગભગ ખોપરીની નિશાનીવાળા ટાપુથી નજદીક આવી ગયા છીએ...” સિગારેટની દમ લેતાં ડેનિયલ બોલ્યો.

કદમે હાઇરેન્જનું પાવરફુલ દૂરબીન સામાનમાંથી બહાર કાઢ્યું અને પછી ડેક પર ઊભા રહી ચારે તરફ નિરીક્ષણ કરવા લાગ્યો પણ ચારે તરફ દરિયાના ઊછળતાં પાણી સિવાય કશું જ દેખાતું ન હતું.

“કદમ...તું આખી રાત જાગ્યો છે. તો કેબિનમાં જઇ આરામ કર અમે સૌ બેઠા છીએ...” વાત્સલ્યભરી નજરે કદમ સામે જોતાં પ્રલય બોલ્યો.

“ભલે...ચાલો ત્યારે...” કહેતાં હાથમાં પકડેલું દૂરબીન પ્રલયને આપી કદમ કેબિન તરફ ચાલ્યો.

“મિ.ડેનિયલ...આપણે તે ટાપુ પર પહોંચવા હજુ કેટલો સમય લાગશે...” દૂરબીનથી ચારે દિશામાં નિરીક્ષણ કરતાં પ્રલય બોલ્યો.

“મારી ગણતરી સાચી પડે તો આપણે કાલ સવાર સુધી તે ટાપુ પર પહોંચી જઇશું...”

“તો...તો...ટાપુ હજી દૂર છે...?”

“નહિ ટાપુ તો બહુ દૂર નથી પણ આપણે કાલ તુફાનમાં ફસાયા હતા. તેથી મોટરબોટ આપણા નકશા મુજબ જવાને બદલે દિશા વિહીન થઇને ભટકી ગઇ હતી, તેથી આપણે થોડો ફેરો ખાઇને ટાપુ પર પહોંચીશું...”

આમ ને આમ રાત પડી ગઇ. સૌ જમી પરવારીને આરામ કરવા લાગ્યા. આજની રાત બોટનું સંચાલન ડેનિયલ કરવાનો હતો. તેથી તેના ભરોસે બોટને મૂકી સૌ કેબિનમાં આરામ કરવા ગયા. કેમ કે કાલ ટાપુ પર પહોંચ્યા પછી આરામ કરવા મળશે કે કેમ તે નક્કી ન હતું. તેથી પ્રલયે નિર્ણય લીધો હતો.

આજ દરિયો એકદમ શાંત હતો. આકાશ છૂંટા-છવાયાં વાદળોથી છવાયેલું હતુ. પણ વરસાદ આવે તેવું લાગતું ન હતું. મોટરબોટ સ્પીડથી અંતર કાપી રહી હતી. એક હાથમાં વાઇનનો ગ્લાસ, બીજા ગ્લાસમાં બોટનું સ્ટિયરિંગ, મોંમાં સળગતી સિગારેટ સાથે ડેનિયલ સતત બેરોમીટર (કંપાસ) માં જોતા ચિવટતાપૂર્વક બોટને આગળ વધારી રહ્યો હતો.

બીજા દિવસે સવારના ખુશનુમા વાતાવરણ ઠંડા પવનનો આનંદ લેતા સૌ ડેક ઉપર ઊભા હતા. ચારે તરફ ધુમ્મસ છવાયેલું હતું. વિનય દૂરબીનથી ચારે બાજુ જોઇ રહ્યો હતો.

ધીરે-ધીરે ધુમ્મસનું પ્રમાણ વધતું જતું હતું.

“આજ ધુમ્મસનું પ્રમાણ ઘણું છે. દૂરબીનમાં કાંઇ જ દેખાતું નથી.” ચારે તરફ નજર ફેરવતાં વિનય બોલ્યો.

“મિ.વિનય...આપણે ખોપરીના ચિહ્નવાળા ટાપુની નજદીક આવી પહોંચ્યા છીએ. જો આપ સૌને પહેલાં જણાવેલું કે તે ટાપુની આજુ-બાજુ ગાઢ ધુમ્મસ છવાયેલું રહે છે. તેના કારણે દૂરથી પસાર થતાં જહાજોને તે ટાપુ દેખાતો નથી, તેથી તે ટાપુ અજ્ઞાત રહી શક્યો છે...” ડેનિયલે કહ્યું.

“શું વાત કરો છો...આપણે ટાપુની નજદીક પહોંચી આવ્યા છીએ...?” આનંદ સામે કદમ બોલ્યો.

“યસ...થોડીવારમા જ આપણે તે ટાપુ પર પહોંચી જઇશું પણ...” બોલતાં-બોલતા ડેનિયલ અટકી ગયો.

અચાનક એક ઝાપટો લાગ્યો અને બોટની સ્પીડ વધવા લાગી. સૌ ચોંકી ઊઠ્યા.

“મિ.પ્રલય...પ્રલય...” અચાનક મોગલો એન્જિનરૂમમાંથી બહાર આવ્યો. સૌ પ્રશ્નાર્થભરી નજરે તેને જોઇ રહ્યાં.

“મિ.પ્રલય...મોટર બોટની સ્પીડ વધતી જાય છે. મેં લીવર મૂકી દીધું છેં. છતાં સ્પીડ ઓછી થતી નથી...” મોગલો બોલ્યો. તેના ચહેરા પર ચિંતાના વાદળ છવાયેલા હતાં.

“આમ કેમ થઇ રહ્યું છે...?” અચાનક બોટની સ્પીડ વધવા લાગી છે. બોટના એન્જિનમાં ખામી પેદા થઇ છે કે પછી બીજું કોણ કારણ છે...?” ચમકી જઇ પ્રલય બોલ્યો.

“મિ.પ્રલય...આ ટાપુના કિનારે પાણીના પ્રવાહનો કરંટ છે.”

“શું...? પાણીના પ્રવાહમાં કરંટ...?” ચોંકી ઊઠતાં કદમ બોલ્યો.

“હા...કદમ...સોમદત્ત સરે પણ આ વાતનો એક વખત ઉલ્લેખ કર્યો હતો, પ્રલય બોલ્યો, તેના ચહેરા પર ચિંતાના ભાવ છવાયેલા હતા.

પૃથ્વી પર ગજબ-ગજબની ચીજો જોવા મળે છે. દુનિયામાં દરિયાની વચ્ચે અંધારયુગના એવા ટાપુઓ આવેલા છે કે ત્યાં કોઇ જઇ શકતું નથી. ઘણા ટાપુઓનો પોતાનો ચુંબકીય પ્રભાવ હોય છે. આવા ટાપુઓની ફરતે અમુક માઇલો સુધી દરિયાના પાણીની અંદર તેનો ચુંબકીય પ્રભાવ હોય છે. તેના દાયરામાં કોઇપણ વસ્તુ જો આવી જાય તો તરત જ ચુંબક તરફ લોખંડ ખેંચાય તેમ તે ટાપુની તરફ ઝડપથી ખેંચાવા લાગે છે. આનું કારણ ટાપુની આજુ-બાજુ માઇલો સુધીનું દરિયાનું પાણી સતત ટાપુના ચુંબકીય કરંટમાં ખેંચાય છે. અને ટાપુના કિનારે વેગથી અથડાય છે. જો આ કરંટની રેન્જમાં કોઇ મોટું જહાજ પણ આવી જાય તો તે પણ પાણી સાથે વેગથી ખેંચાય અને ટાપુના કિનારે એટલા વેગ સાથે અથડાય કે તેના ચૂરેચૂરા બોલી જાય છે.

“મોગલો...જલદી બોટનો સઢ ઉતારી નાખો અને કોશિશ કરો કે સ્પીડમાં થોડો ધટાડો થાય...” એન્જિન રૂમ તરફ ધસી જતાં કદમ્ બોલ્યો.

મોગલો અને વિનય ફટાફટ સઢ ઉતારવા લાગ્યા અને કદમ એન્જિન રૂમમાં જઇ બોટને કંટ્રોલ કરવા કોશિશ કરવા લાગ્યો.

મોટર બોટની સ્પીડ ધીરે ધીરે વધતી જ જતી હતી. બોટનું એન્જિન બંધ કરી નાખવામાં આવ્યું હતું. સઢ ઉતારી લેવામાં આવ્યા છતાં પણ સ્પીડમાં ઘટાડો થવા બદલે વધારો થતો જતો હતો.

“પ્રલય...જો બોટને કંટ્રોલ કરવામાં નહીં આવે તો બોટ પાણીમાં પ્રવાહમાં ખેંચાઇને દરિયાના પાણી સાથે ટાપુના કિનારે એટલા જોશ સાથે અથડાશે કે બોટની સાથે-સાથે આપણે પણ બચી નહીં શકીએ...” વિનય બોલ્યો.

પ્રલય પણ દહેશતથી ધ્રુજી ઊઠ્યો. જો મોટરબોટ કંટ્રોલમાં ન રહે તો આટલી મહેનત કર્યા પછી પણ મિશન નિષ્ફળ જાય અને તે તથા કદમ, વિનય સાથે સાથે મોગલો અને ડેનિયલ મોતને હવાલે થઇ જાય અને મોતના સમાચાર પણ ઇન્ડિયામાં સોમદત્ત સર સુધી ન પહોંચે.

કદમે મોટરબોટનું સ્ટિયરિંગ પોતાના હાથમાં લીધું અને બોટને પ્રવાહના કરંટમાંથી બહાર કાઢવાની કોશિશ કરવા લાગ્યો. સવારના ઠંડા વાતાવરણમાં પણ તેના ચહેરા પર પરસેવો નીતરતો હતો. ટેન્શનમાં તે ઉપરા-ઉપરી સિગારેટના કશ ખેંચી રહ્યો હતો.

બોટની સ્પીડ કંટ્રોલ બહાર વધતી જતી હતી. સ્પીડો મીટરનો કાંટો ધ્રૂજતો હતો. સાઠ… સિત્તેર… એંસી… સો… કદમે સિગારેટનો ‘ઘા’ કર્યો, અત્યારે તેના હાથ ધ્રૂજતા હતા.

“પ્રલય...પ્રલય...મોટરબોટ કંટ્રોલની બહાર જઇ રહી છે...” બંને હાથ સ્ટિયરીંગને મજબૂતાઇથી પકડતાં મોં ભીંસી કદમ બોલ્યો. પ્રલય પણ ચિંતામાં હાથ ઘસતો રહી ગયો. એક વખત તો તેને વિચાર આવ્યો કે મરજીવાનો પોષાક પહેરી દરિયામાં ત્રણે જણ કૂદી પડે, પણ...મોગલોનું શું...? ડેનિયલનું શું...? પોષાકના ત્રણે જ સેટ હતા, ના એવું ન કરી શકાય...મનને મક્કમ કરતા તે મનમાં બબડયો.

‘મિ.કદમ...કદમ...સાહેબ શું થયું બોટ કંટ્રોલમાં નથી આવતી...?’ સઢ ઉતારી એન્જિન રૂમમાં દોડી આવેલ મોગલો બોલ્યો. તેની પાછળ વિનય અને ડેનિયલ પણ એન્જિન રૂમમાં ધસી આવ્યા. મોગલોએ તરત જ કદમના હાથમાંથી બોટનું સ્ટિયરિંગ લઇ લીધું અને ભરપૂર પ્રયાસ કરવા લાગ્યો. તેનો ચહેરો ટેન્શનના તણાવને લીધે ખેંચાઇ ગયો હતો. હોઠ સખ્તાઇથી ભીંસાઇ ગયા હતા. છેવટે તેમણે પણ હાથ ઊંચા કરી લીધાં.

‘મિ.પ્રલય...હવે આ બોટ કોઇ પણ સંજોગોમાં કંટ્રોલ થવાની નથી...’ ઊંચી નજર કરી વિષાદભર્યા ચહેરે તેણે પ્રલય સામે જોયું.

‘સ્પીડ...’

બોટની સ્પીડ વધતી જ જતી હતી.

સો...એક સો વીસ...એક સો ચાલીસ...

બોટની સ્પીડને લીધે ભયાનક વેગ સાથે પાણીને કાપતી હોવાથી બોટની બંને સાઇડમાં વેગ સાથે પાણી ઊડતું હતું અને છમમ...મમ...મમ...જેવો અવાજ ઊઠતો હતો.

‘પ્રલય...હવે...હવે શું કરશું...?બોટનો વેગ એકદમ વધતો જાય છે...’ ચિલ્લાતા સ્વરે દહેશત સાથે વિનય બોલ્યો.

“વિનય...કદમ...સૌ બોટના એન્જિનરૂમમાંથી બહાર આવો, ચાલો જલદી...મિ. મોગલો...મિ. ડેનિયલ... ચાલો... બહાર નીકળો...” હાથ પકડી, પકડી લગભગ બહાર ખેંચતા, મનમાં કાંઇ નિર્ણય કરી મક્કમતા સાથે પ્રલય ચિલ્લાયો.

એન્જિનરૂમની બહાર આવતાં સૌ હેબતાઇ ગયા.

બોટની સ્પીડને લીધે બંને સાઇડમાંથી ઊછળતુ પાણી એટલા ફોર્સ સાથે બોટ પર ઊડતું હતું કે કાંઇ જ દેખાતું ન હતું. વધારામાં પૂરું ચારે તરફ ગાઢ ધુમ્મસ છવાયેલું હતું. પાણીના વેગના શોર સિવાય વાતાવરણ એકદમ સ્તબ્ધ હતું. વેગને લીધે પૂરી બોટ ધ્રૂજતી હતી.

‘ચાલો...જલદી કરો...’ હાથ પકડી-પકડી ખેંચતાં પ્રલય સૌને બોટના આગળના મોરા પાસે લઇ જતો હતો.

“સાંભળો...સૌ સાંભળો...તમે સૌ એકદમ તૈયાર થઇ જાવ. જે ક્ષણે બોટ કિનારા સાથે અથડાય તે જ સેકન્ડ સૌએ જમ્પ મારીને કિનારા તરફ કૂદવાનું છે. સાંભળો છો ને સૌ...” બોટની રેલિંગ પકડી-પકડી સૌને મોરા તરફ ધકેલતાં પ્રલય ચિલ્લાતો હતો.

હવે બોટ બેફામ ગતિથી કિનારા તરફ ધસમસતી હતી. આગળના મોરા પર તેના પ્રેશરને લીધે પાણીનો ફુવારો જોશ સાથે ઊડતો હતો.

‘મ...મ...મારું સોનું...’ વ્યાકુળતા સાથે કદમની પાસે રેલિંગ પડી બેબાકળા બનેલ ડેનિયલ કદમ સામે જોઇ બોલ્યો.

‘ડેનિયલ સાહેબ...તમે જીવતા રહેશો તો સોનું તમને ઉપયોગમાં આવશે. પણ તમે જ ન રહ્યા તો...? શા માટે છેલ્લી ઘડીએ સોનું...સોનું...કરો છો...’ ડેનિયલ તરફ જોઇ નજર ફેરવી લેતા ગ્લાગ્નિના ભાવ સાથે કદમ બોલ્યો.

“સૌ તૈયાર છો...? હવે થોડી જ પળોમાં બોટ સ્પીડે સાથે ટાપુના કિનારે અથડાશે...સાવધાન...તૈયાર થાવ...મોત સામે જડબું ફેલાવીને બેઠું. તમે સૌ મોતના મરજીવા છો...આજ મોત સામે ટકરાવાનું છે...” બોટની સ્પીડ અને પાણીના પ્રેશરના સુસવાટા વચ્ચે પ્રલયનો છે...’’ બોટની સ્પીડ અને પાણીના પ્રેશરના સુસવાટા વચ્ચે પ્રલયનો “ધનુષ્યના ટંકાર” જેવો પહાડી અવાજ ગુંજી રહ્યો હતો.

‘પ્રલય...અમે સૌ તૈયાર છીએ....’ “જય મા ભવાની” યુદ્ધની ઘોષણા કરતા શૂરવીરની જેમ કદમ ચિલ્લાયો.

“જય મા ભવાની” પ્રલય ચિલ્લાયો.

બોટ વેગ સાથે કિનારા તરફ ધસમસતી હતી.

‘ચાલો...હું કાઉન્ટ-ડાઉન્ટ કરું છું. તૈયાર...’ પ્રલયે રાડ નાખી.

‘દસ...નવ...આઠ...સાત...છ...’ પ્રલય કાઉન્ટ-ડાઉન્ટ કરતો જોરથી ચિલ્લાતો હતો. બોટ વેગ સાથે કિનારા સામે ધસમસી હતી. ‘પાચ...ચાર...ત્રણ...બે...એક...કૂદી પડો...’’ પ્રલય જોરથી ચિલ્લાયો.

તે જ ક્ષણે સૌએ એક સાથે જમ્પ લગાવી.

તે જ ક્ષણે ધડાંગ...જોરદાર અવાજ સાથે મોટરબોટ કિનારા સાથે અથડાઇ અને એ જ સ્પીડમાં કિનારાથી ટાપુ પર ધસમસતી આગળ નીકળી ગઇ.

પ્રલય...કદમ...વિનય...મોગલો અને ડેનિયલનું બોટ કિનારા સાથે અથડાતાં જ જમ્પ માપી કૂદ્યા.

કિનારા સાથે બોટને અથડાવાથી લાગેલ આંચકો અને મારેલી જમ્પથી તેઓ લગભગ જમીનથી વીસ ફૂટ ઊંચે ઊછળ્યા.

વેગ સાથે કિનારાની ઉપર ધસી ગયેલી બોટ વંટોળમાં ઊડતા કાગળના કચરાની જેમ ગોળ-ગોળ ફરતી વેગ સાથે એક મોટા ટેકરા સાથે અથડાઇ ધડામ અવાજ સાથે એક જોરદાર વિસ્ફોટ થયો અને બોટ તૂટીને ચારે તરફ વીખરાઇ ગઇ. ધડુમ...ધડુમ ભયાનક અવાજ સાથે ચારે તરફ આગની જવાળાઓ લબકારા મારતી ફેલાવા લાગી.. અથડાવાની પ્રેશરથી એન્જિનમાં આગ લાગી હતી અને ડીઝલની ટેન્ક ફાટી ગઇ હતી.

વિસ્ફોટનો ધડાકો એટલો ખતરનાક હતો કે ભયાનક અવાજ આખા ટાપુ પર ગુંજી ઊઠ્યો

કેટલાય સમય સુધી તે ગુમનામ ટાપુ પર ધડાકાઓના શોરનો અવાજ ગુંજતો રહ્યો અને આગના જોરદાર લકારા ઊઠતાં રહ્યાં.

***