ટાંકણી અને તલવાર DINESHKUMAR PARMAR NAJAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટાંકણી અને તલવાર







ટાંકણી અને તલવાર .. દિનેશ પરમાર” નજર”
હજારો આંસુઓ ભેગા મળી પળવાર બોલે છે
મરેલા માનવી પાછળ જીવન વેવાર બોલે છે

કરેલા કામ જે કાળા કદીયે મ્યાન ના જાણે
સદા અળગા થઇને એટલે તલવાર બોલે છે
-દિનેશ પરમાર” નજર”
**********************************

આખી પોળમાં બે સગા ભાઇ વચ્ચેનો ઝગડો ચર્ચાનો વિષય થઇ પડ્યો.લોકો વિચારમા પડી ગયા.કારણ આજ પોળમાં જન્મેલા ને ત્યારથી લઇ આજદિન સુધી રામ-લક્ષ્મણની જેમ રહેલા ,યોગેશ અને ભદ્રેશના ઝઘડા વિષેતો સ્વપ્નમા પણ કોઇ વિચારી ના શકે.પણ એ હકીકત હતી કે બંન્ને ભાઇ વચ્ચે ઝઘડો થયો હતો.
અમદાવાદ ના રિલિફ રોડ પર કેલિકો ડોમ અને રતનપોળ ની વચ્ચેના ભાગમાં રસ્તાપર પડતી દુકાનો ની પાછળ , અંદરના ભાગે આવેલી પોળ ના ,વારાહી માતા ના ખાંચા મા મકાન નંબર ૪૬ મા રહેતા પ્રદિપભાઇ રઘુભાઇ દરજી અને હસુમતી બેનના બે દિકરા યોગેશ અને ભદ્રેશ,તેઓનો જન્મ જ આ મકાનમાં થયો હતો.
યોગેશ મોટો અને ભદ્રેશ નાનો,બંન્ને વચ્ચે બે વરસનો ફરક,પણ બંન્ને નાનપણથી જ એકમેકનાપુરક , રમવામાં ,ભણવામાં,કે કોઇ પણ ઇતર પ્રવૃતી મા સાથેને સાથે...પોળવાળા તો એમને .. જય વીરુ કે ધરમ વીર ની જોડી આવી.. એ રીતે જ સંબોધતા.
તેમની બાજુના મકાન નં ૪૫ માં જસુભાઇ શાહ અને રમીલાબેન તેમના દિકરા કુનાલ સાથે રહેતા.જસુભાઇ ને અને પ્રદિપભાઇ ને ખુબ સારી મિત્રતા એજ રીતે રમીલાબેન અને હસુમતી બેનને પણ ખુબ બનતું.
સ્વાભાવિક છે આના કારણે યોગેશ,ભદ્રેશ અને કુનાલની પણ નાનપણ થી મિત્રતા જામેલી.
બંન્ને કુટંબ એટલા હળીમળી ગયા હતા કે કયાંય બહાર ફરવા જવાનું હોય કે એકબીજા ના સગા ના લોકાચારે જવાનુ હોય, તહેવારો ઉજવવાના હોય કે જન્મદિવસની ઉજવણી કરવાની હોય બંન્ને કુટુંબ ભેગા જ હોય..

**********************************
પ્રદિપભાઇને પાંજરાપોળની પાસે ટેલરીંગની દુકાન હતી.જે ખુબ સરસ ચાલતી હતી.જ્યારે જસુભાઇએ સોહરાબજી મિલ કમ્પાઉન્ડની બહાર ના ભાગે આવેલી હારબંધ દુકાનમાંની પાંચમી દુકાન ભાડે થી રાખેલ ત્યાં સિઝનેબલ તહેવાર મુજબ માલ લાવી વેચતા.જેમાંથી તેમનુ ગાડું વ્યવસ્થિત ચાલતુ.
જસુભાઇનો કુનાલ અને પ્રદિપભાઇનો નાનો ભદ્રેશ ઉંમરમા સરખા ,તેઓ જ્યોતિ હાઇસ્કુલમાં બારમા સુધી સાથે ભણેલા,જ્યારે પ્રદિપભાઇનો મોટો દિકરો યોગેશ ડેમોક્રેટિક સ્કુલમાં ભણેલો.
જસુભાઇને આજથી સાત વર્ષ અગાઉ અકસ્માતમાં જમણા પગે ફ્રેકચર થતા સળિયો નાંખવો પડેલો.તેથી તેમની દુકાન સંભાળવામાં મદદકરવા કુનાલે કોલેજ માં અધવચ્ચેથી અભ્યાસ છોડવો પડેલો.જ્યારે પ્રદિપભાઇના મોટા દિકરા યોગેશને ગ્રેજ્યુએટ થતા બેંકમા નોકરી મળી ગયેલ.અને નાનો ભદ્રેશ પણ આઇ.ઓ.સી.માં લાગી ગયેલ. પરંતુ તેઓની દોસ્તીમાં કે પારિવારિક સબંધો માં આ બાબત કોઇ રીતે આડી આવતી નહતી.તેઓ વચ્ચેના ભાઇચારામાં વધારો થતો ગયો હતો.
કાળક્રમે ત્રણેના લગ્ન કરવામાં આવ્યા. નસિબજોગે તેઓની પત્નીઓ પણ ખુબ સારીને સંસ્કારી હોઇ તેઓના સબંધ વધુ મિઠા થતા ગયા.પ્રદિપભાઇના બેઉ પુત્રો સારુ કમાતા હોઇ , લગ્ન બાદ સારી રીતે રહી શકે તે આશયથી જુના પતરાં વાળુ મકાન ઉતારી , મેડીબંધ બે માળનું મકાન નવેસર થી બનાવ્યું.
જ્યારે મિલો બંધ થવાના કારણે સિઝનેબલ ધંધામા થોડી મંદી આવી હતી ,જોકે કુનાલ પહેલે થી જ સંતોષી હોઇ ઘર ચલાવવામાં કોઇ તકલીફ પડતી નહતી .પરંતુ પોળનું જુનું મકાન રીપેર કરાવી શકે કે નવું બનાવી શકે તે જોગવાય આ ધંધામા હાલે શક્ય નહતી.ખાનગી માં ઘણીવાર યોગેશ અને ભદ્રેશે ,ઘર રીપેરીંગ કરવા નાણાંકિય મદદ કરવાની તૈયારી દર્શાવેલ પણ કુનાલ ઘસી ને ના જ પાડતો."શું જરુર છે?હાલ ચાલે એવું તો છે?"

************************************
સમયચક્ર કયાં અટકતું હોય છે? સમય જતાં ઉંમરના કારણે પ્રદિપભાઇ કામથી થાકયા હતા તેમના પત્ની મ્રુત્યુ પામ્યા હતા .હવે બંન્ને દિકરા પણ ઠરીઠામ થયા હતા આથી તેઓ ઉંઝા પાસે આવેલા પોતાના વતનમાં રહેવા ચાલ્યા ગયા.
જયાં પોતાના બાળપણ ના મિત્રો ,સગા,વ્હાલા સાથે સમય પસાર કરવા લાગ્યા. જોકે વાર તહેવારે તેમના દિકરા પુત્રવઘુ ને તેમના પાડોસી જસુભાઇ સહકુટુંબ ખબરઅંતર લેતા રહેતા.હવે કુનાલ દુકાન સંભાળતો હોઇ ફુરસદમાં જસુભાઇ ને મુડ આવે એટલે સવારે સીધા એસ.ટી. સ્ટેન્ડ પહોંચી પ્રદિપભાઇને મળવા ઉપડી જતા.
**************************************
અચાનક રોકકળ સાંભળીને જસુભાઇ પ્રદિપભાઇને ત્યાં ગયા .તો રડતા રડતા યોગેશે સમાચાર આપ્યા કે, " ગામડેથી હમણાં જ ફોન આવ્યો છે કે ,પપ્પા ગુજરી ગયા છે".બેઉ ભાઇ અને વહુઓ હિબકા ભરતા બોલ્યા,"અત્યારે જ નિકળીએછે"જસુભાઇ તરતજ બોલ્યા,"હું ,તારા કાકી ને કુનાલ પણ તરત જ પાછળ નિકળીએ છે.તમે ચિંતા કર્યા વગર ફટાફટ નિકળો".
જીવનમાં જે મિત્ર સાથે લાંબો સમય પસાર કર્યો તે નિશ્ચેતન શરીર ને બાઝી જસુભાઇ રોઇ પડ્યા.
આખુ ઘર રડી ઉઠ્યું ,સગા વ્હાલા ,પાડોશી ,ગામના લોકોથી આંગણુ ઉભરાઇ રહ્યું. જીવનના અંતિમ પ્રયાણની સામાજિક ,લૌકિકક્રિયા પતાવી તેઓ પંદર દિવસે અમદાવાદ પરત ફર્યા.
*****************************************************
એક દિવસ ખાનગીમાં ભદ્રેશને બોલાવી જસભાઇએ જણાવ્યુ," તારા પપ્પાની ખબર જોવા હું ,તે ગુજરી ગયા તેના બે દિવસ પહેલા ગયેલો ત્યારે તેઓ કોઇ ચિંતામા હોય તેમ લાગતું હતુ.મેં પુછયુ પણ ખરા,પણ તેઓ કંઇજ ના બોલ્યા." થોડી વાર અટકી જસભાઇ આગળ બોલ્યા,
" પરંતુ હું અમદાવાદ આવવા નિકળ્યો ત્યારે ધીરે રહીને મને આ ચિઠ્ઠી હાથમાં પકડાવી કહ્યું કે આ મારા નાના ભદ્રેશને ખાનગી માં આપજો, જો જો કોઇને પણ ખબર ના પડે."આટલુ બોલી જસુભાઇએ ધીરે રહીને ચિઠ્ઠીનુ સિલબંધ કવર ભદ્રેશના હાથમા સરકાવી દીધુ. " જોજે બેટા આ કવરની જાણ તુ કોઇને કરતો ના." એટલું બોલી ને પીઠ ફેરવી લીધી.

**************************************
ઘરે જઇ ખાનગીમાં ચિઠ્ઠૂી વાંચતા જ ભદ્રેશને કાળ ચઢી ગયો .તેનો પોતાનો માજણ્યોભાઇ કેજે નાનપણથી સાથેને સાથે રહ્યો છે.તે આવું કરે ખરો?? પણ પિતાજી કે જે હવે આ દુનિયામાં નથી તેમણે લખેલી ચિઠ્ઠીને ખોટી કેમ માનવી?
પિતાજી એ લખ્યા મુજબ, મોટો ભાઇ યોગેશ છેલ્લા ત્રણ મહિના થી ખાનગીમા, ગામડે પિતા પાસે ગયો હતો અને અમદાવાદ પોળનુ મકાન વેચી મારવા દબાણ કરતો હતો હવે તે દુર નારણપુરા બાજુ કે સેટેલાઇટ તરફ મોટા ફલેટમા રહેવા જવા માંગતો હતો.
પિતાએ લખેલુ કે ,"મારા મરણ પછી આ મકાન વેચવાનું થાય તો આપણા પૂ્ર્વજોની આ મિલ્કત ની સારી રીતે જાળવણી થાય તે માટે જેવા તેવા ને ન આપતા ભલે થોડા ઓછા પૈસા મળે પણ મારા મિત્ર જસુભાઇ લેવા ઇચ્છતો હોય તો તેને આપવા તુ યોગેશ પર દબાણ કરજે,કારણ તે વધારે રકમની લાલચમા કોઇ એલફેલને વેચી ન મારે."
તે રાત્રે બંન્ને ભાઇ વચ્ચે ઉગ્રબોલાચાલી થઇ.મોઘમમા ભદ્રેશે સામેથી વાત છેડી આ મકાન વેચી બીજે રહેવા જવાની વાત કરી.યોગેશ સમજાવતો રહ્યો પણ ભદ્રેશને તેની વાત પર હવે કોઇ વિશ્ર્વાસ રહ્યો નહોતો.
છેવટે અઠવાડિયુ રકઝક ચાલ્યા પછી આ મકાન ના છુટકે વેચવાનુ નક્કી કર્યુ.જયારે આ મકાન જસુભાઇ ને વેચાણ આપવાની વાત કરી ત્યારે તેમણે શરુઆત માં પૈસાના અભાવે આનાકાની કરી પણ વર્ષોજુના તેમના સબંધને ધ્યાનમા રાખી જેટલા થાય તેટલા અત્યારે કરી આપવા બાકીની જેમજેમ સગવડ થાય તેમ તેમ રકમ આપવાનુ નક્કી થયું.જો કે જસુભાઇનો કુનાલ તો મિત્રોથી છુટા પડવાની વાતથી જ ખુબ દુઃખી અને નારાજ થઇ ગયો હતો.તે તો છેલ્લા બે દિવસ થી ઘરની બહાર નિકળ્યો નહતો.

**********************************
જે દિવસે વેચાણ દસ્તાવેજમા સહી કરવા જવાનું હતુ તે દિવસે જસુભાઇ નાહીધોઇને મહાદેવના મંદિરે દર્શન કરવા ગયેલા. પોતાના બાળપણ ના મિત્રો થોડા સમયમાંજ ચાલ્યા જશે ના દુઃખ અને ટેન્શનમાં ,ગઇકાલે દુકાનમા ઉતારેલા માલનુ આડુઅવળુ મુકાઇ ગયેલ ચલણ શોધવામા પલંગ ના ગાદલા નીચે એક કવરબંધ ચિઠ્ઠી હાથમાં આવી.
ચિઠ્ઠી પ્રદિપકાકા એ લખી હતી.કુતુહલવશ તેણે ચિઠ્ઠી વાંચી ને તે સ્થિતપજ્ઞ થઇ ગયો.ચિઠ્ઠી તેમણે તેઓના દિકરાઓને ઉદે્શી ને લખી હતી
" વ્હાલા..
આ દેહનો ભરોસો નથી ગમે ત્યારે ઉકલી જવાય , મને જીવનમાં દરેક વાતે ભગવાને સંતોષ આપ્યો છે .કોઇ વાતનુ દુઃખ નથી .પરંતુ મારા મરણ બાદ આજ રીતે તમે સંપીને રહેશો તેવી આશા રાખુ છું.
તમે હવે પરણી ને સ્થાયી થયા છો .કાલ તમે બંન્ને વસ્તારી થશો .તમારા બાળકોને તમારી જેમજ ખુબ ભણાવજો. અને તમે આપણા બાપદાદાની અમદાવાદની મિલ્કત જે રીતે જાળવી તે રીતે આગળ પણ જળવાય તે જોજો .
સમય મળે તો ખબર અંતર લેતા રહેજો.
લી.
તમારા બાપુજી ...."
કદાચ પપ્પા મિત્રના મરણની ધમાલમા આપવાની ભુલી ગયા હશે તેમ વિચારી , ચિઠ્ઠી લઇ કુનાલ સીધોજ ભદ્રેશ પાસે પહોંચી ગયો.ચિઠ્ઠી વાંચી તેની આંખો ભરાઇ આવી , તે મનમા જ બોલ્યો," હજુ કંઇ મોડુ નથી થયુ?"
અગાઉ જે ચિઠ્ઠી જસુભાઇએ તેને ખાનગીમાં આપી હતી તે બનાવટી હતી , ને બે માળનુ આ મકાન તેમના ઓછુ કમાતા દિકરા ની સલામતી માટે સસ્તામા લઇ લેવા આ કુનાલની જાણ બહાર જ આ કારસો રચ્યો છે તે સમજતા ભદ્રેશને વાર ન લાગી. પણ આ વાત ઉઘાડી પડી જાય તો...કુનાલને આધાત લાગે. તેમજ બન્ને કુટુંબ ના સબંધ , દુધમાં લીંબુનુ ટીપુ પડે તેમ ખાટા થઇ જાય એટલે કોઇ પણ વાતનો ઉલ્લેખ કર્યા વગર ચિઠ્ઠી ગજવામા સેરવી .તે દસ્તાવેજ કરવા જવા તૈયાર થઇ રહેલા યોગેશ પાસે ગયો અને બોલ્યો," મોટાભાઇ આ બાપદાદા નું મકાન નથી વેચવું આપણે હવે જીવન પર્યંત સાથેજ રહેશું.મને માફ કરી દો ."
યોગેશ આ અચાનક થયેલા પરિવર્તનથી અવાચક બની જોતો રહી ગયો પછી ભદ્રેશને બાઝી પડ્યો .રુમમા હાજર ત્રણેની આંખમાં જળજળિયા હતા.
તેજ સમયે રુમમાં દાખલ થતા જસુભાઇએ જ્યારે મકાન ન વેચવાની વાત જાણી ત્યારે બનાવટી હસતા હસતા બોલ્યા ," હાશ... સારુ થયુ ..મને આ નિ્ર્ણય ગમ્યો."
ભદ્રેશ એકજ અંશ માંથી પ્રગટેલા... જુદા પાડતી તલવાર જેવા જસુભાઇને..... અને ઉડાઉડ કરી છુટા પડતા કાગળને એક સાથે જોડી રાખતી ટાંકણી જેવા કુનાલને....... વારાફરથી જોતો જ રહી ગયો.....

***************************************