વિનયે દરેકએદરેક વાત પાછળનું કારણ સમજાવ્યું. જેમ જેમ વિનયે દરેક પળનો હિસાબ આપતો ગયો રચના તેની દરેક વાત સમજતી ગઈ. ધીમે ધીમે રચનાનાં ભાવ ગુસ્સામાંથી સંવેદના તરફ પલટાવાં લાગ્યાં. પોતાનાં પિતાની મોત પાછળનાં સત્યથી લઈને વિનયનાં રચના પ્રત્યેનાં કડવાં બોલ સુધીની દરેક વાત જાણી રચના વિનય પ્રત્યેનાં વિચારો પર જ શરમ અનુભવી રહી હતી.
પોતાનાં જીવનની સૌથી મોટી ભૂલ પર પસ્તાઇ રહી હતી અને એકદમ તે જમીન પર ઢળી પડી. બે હાથ જોડી વિનય પાસે માફી માંગવા જતાં વિનયે તેને અટકાવી. અને જોતજોતામાં પરિસ્થિતિ પલટાઈ ગઈ. આ જોઈ બાકી બધાં રચના અને વિનય પાસે દોડી આવ્યા. રચનાએ પોતાનાં આંસુ લૂછી કહ્યું " આ બધું બન્યું કેવી રીતે?.. કોણ ગયું હતું વિનય પાસે? " વંદિતાએ ઝપાટાભેર જવાબ આપ્યો " રેવાદીદીને કારણે.... તેમને જ વિશ્વાસ હતો કે તમારી સાથે ઘટેલી ઘટનાઓ પાછળ કશુંક સત્ય બાકી છે. તેમણે જ પોતાનાં જીવનાં જોખમે તમારી તકલીફ દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. અને એ પણ એવાં સમયે જ્યારે અહીં ઉભેલાં દરેક એ પોતાનાં હાથ પાછાં ખેંચી લીધાં હતાં. " રચનાને આ સાંભળી વિશ્વાસ ના થયો સાથે સાથે પોતે કરેલાં વ્યવહાર પર તેને પસ્તાવો થયો. એટલામાં કૌશલ બોલ્યો " ઓ વંદિતા.... રેવા એકલી જ દેખાય છે.?.. હું પણ ગયો હતો જોડે.. એ કોણ કહેશે?!..."
વંદિતા : હા, હા કહું છું કૌશલભાઈ જરાં શાંતિ રાખો... રચનાદીદી કૌશલભાઈ પણ રેવાદીદીની પાછળ પાછળ ગયાં હતાં.. તેને પાછી લાવવાં..
રચના (કૌશલ ને જોઈ): થેંક્યુ કૌશલ.. તારી એક કોશિશથી મારું જીવન સુધરી ગયું.
પ્રકૃતિ: વાહ કૌશલ, જે રીતે તું સંધ્યા આરતીએ બોલીને ગયો હતો કે તું મદદ નહીં કરે મને લાગ્યું નહતું કે તું ફરી આ તરફ ડાફેળ મારીશ!..
અનંત: એ તો રેવાનો આભાર માનવો જોઇએ કે આપણાં ના કહેવાં છતાં પણ તેણે હીંમત ના છોડી.
રચના: પણ રેવા છે ક્યાં?!....
બધાં રેવાને આમતેમ શોધવા લાગ્યા પણ તે દેખાયી નહીં . શોધતાં શોધતાં બધાં અલગ અલગ દિશામાં વહેંચાઈ ગયાં. કૌશલ મંદિરની અંદર શોધવા ગયો અને તેણે જોયું કે રેવા હજું પ્રાર્થના જ કરી રહી હતી. અને તેની આંખોમાં આંસુ હતાં. ફટાફટ તે રેવા પાસે પહોચ્યો અને હાથ જોડી રેવા જેવી જ સ્થિતિમાં ઉભો રહ્યો આંખો બંધ કરી બોલ્યો " રચનાદીદી માની ગયાં છે.. હવે તું ભગવાન આગળથી ખસી શકે છે.. અને બીજી કોઈ વાત હોય તો મને કહીં શકે છે... " રેવાની આંખો ખુલી અને કૌશલ તરફ નજર ફરી. "શું બોલ્યો!.. રચનાદીદી....." રેવાનાં ચહેરાં પર ખુશીનો ભાવ ઉભરાઈ આવ્યો. કૌશલ ફરી બોલ્યો " હા... હવે તું બોલ તને શું થયું?.." રેવાએ એક ઊંડો શ્વાસ લીધો અને નકારમાં મોં હલાવ્યું. ફટાફટ બહાર નિકળી રચનાને શોધવા લાગી.
દૂર ઉભેલી રચનાને જોરથી સાદ હંકારી દોડીને તેની પાસે પહોંચી. રેવાને આવતાં જોઈ રચના પોતાનાં હાથ લંબાવી તેનાં સ્વાગત કરવાં ઉભી હોય તેમ ઉભી રહી. આ જોઈ રેવા એક પળમાટે આશ્ચર્ય સાથે જરાં દુર ઉભી રહી ગઈ પણ રચનાનાં ઈશારા પર તે દોડીને તેને ભેટી પડી.
રેવા: આજે પહેલીવાર... પહેલીવાર દીદી તમેં મને પ્રેમથી બોલાવી છે..નહીં તો મારી પર ગુસ્સો કરતાં જ જોયાં છે તમને...
રચના: મને માફ કરી દે રેવા... મારાં દરેક વ્યવહાર માટે. મારો ઇરાદો તને દુઃખી કરવાનો ક્યારેય નહતો.
રેવા(રચનાને અટકાવતા): દીદી તમેં આમ ના બોલો. હું જાણું છું કે તમેં ક્યારેય કોઈને જાણી જોઈને દુઃખ ના આપી શકો. અને એટલે જ અહીં ઉભેલાં દરેક તમારી કોઈ વાતથી દુઃખી નથી થતાં. અમેં સમજીએ છીએ તમને... અને દીદી કહું છું તો મોટી બહેનને હક હોય છે નાનાં ને બોલવાનો, ગુસ્સો કરવાનો...
રચના(રેવાનો ચહેરાં પર પ્રેમથી હાથ મુકીને): મને તો ખબર જ નહતી કે દરેક વાતોમાં ભૂલ કરવાં વાળી છોકરી આટલી સમજદાર છે!...
એટલામાં કૌશલ આવ્યો..
કૌશલ: સમજદાર શું દીદી!.. આ તો એકદમ વિપરિત મગજની છે... એક તો શેરસિંહનાં ગામમાં જઈને તેમની જ આગળ તેમનાં નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવતી હતી. એકવાર પણ કશું બોલવાં પહેલાં વિચારતી નથી... સરપંચજીને સમજાવવાની બદલામાં એ શર્ત માની ગઈ કે જો તે પોતાની વાત ના સમજાવી શકે તો બંદૂકની ગોળી ખાવાં તૈયાર છે...
આ સાંભળી પ્રકૃતિ, અનંત અને વંદિતાની આંખો પહોળી થઈ ગઈ. રચના પણ અચંબામાં હતી કે આવી વાતનો સ્વીકાર કોઈ કેવી રીતે કરી શકે...
રેવાએ વાત બદલાતા ...
રેવા: અરે તું ખાલી મારાં કારનામા વિશે શું બોલે છે?!... પોતાનાં ગુસ્સા વિશે શું?... ખબર છે દીદી મારી પાછળ પાછળ આવ્યો તો હતો પણ મારી મદદ કરવાં નહીં પણ મારાં કામમાં વિઘ્ન પાડવાં. મારી કોઈ વાત માને નહીં ને ઉપરથી મને જ બોલે કે તું ખોટું કરે છે...
કૌશલ: હા તો માનવામાં આવે એવી વાત કરવી જોઈએ ને.. ખબર દીદી!.. વિનય ને કહે છે કે તે તમારાં માટે ઘરથી ભાગી જાય... અને સરપંચજી એ પકડી લીધાં હોય તો?.. મેં ના પાડી તો વિનયની બહેનને જ પોતાનાં કામ માટે ઉશ્કેરવા લાગી.
રેવા: તો ખોટું શું હતું?... પ્રેમ કરે તો એટલું રિસ્ક તો લઈ જ શકે ને... તારાં જેમ તો નહીં કે બંદૂક લઈને ઉભેલાં સરપંચજીની સાથે જ ઝઘડવા બેસી જાય...
કૌશલ: એ પણ કોનાં લીધે?.. તારાં... તને કહ્યું હતું કે રૂમની બહાર ના નિકળીશ પણ ના... તું તો વાત માને તો નાની થઈ જાય ને...
રેવા: તો હું પકડાઈ છતાં મેં તને બુમ નહતી પાડી ... શું કામ બચાવવા આવ્યો. હવે મારી જ પર બડાઈ કરે છે!...
કૌશલ: એક તો બચાવી અને ઉપરથી મને જ દાદાગીરી......
બીજી વાતો તો બાજુ પર રહી રહે રેવા અને કૌશલ ઝઘડી પડ્યા. રચના, વિનય અને બાકી બધાં આ જોઈ જોર જોરથી હસવા લાગ્યા. આ જોઈ કૌશલ અને રેવા ચુપચાપ તેમનું મોંઢું જોવાં લાગ્યા.
રચના(હસતાં હસતાં): કૌશલ... રેવા.... બસ... કેટલું ઝઘડશો!... એકબીજાની મદદ પણ કરી અને એકબીજા પર આંગળી પણ કરી દીધી?!...
પ્રકૃતિ: દીદી તમેં જોયું?... ગુસ્સો જેની નાક પર જ બેઠેલો હોય તેવાં કૌશલને ટક્કર આપવાં માટે કોઈ છે ખરું!...રેવાને બરાબર આવડે છે કૌશલનાં ગુસ્સાને શાંત કરતાં...
વંદિતા: હા અને રેવાદીદીને કાબુમાં રાખી તેમનું રક્ષણ કરતાં પણ કૌશલભાઈ ને આવડે છે... બાકી રેવાદીદી જેવી જંગલી બિલ્લીને કાબુમાં કરવું સહેલું નથી.
રચના: હા બંનેની વાત તો સાચી છે... દરેક ઘટના કશુંક નવું શીખવાડે છે.. અને આજે આ બંને પણ પોતાનાં સ્વભાવથી તદ્દન વિપરીત જઈ એકસાથે કામ કર્યું છે...
રેવા: દીદી આ માત્ર તમારાં માટે હતું. બાકી આ કૌશલ જોડે તો એક મીનીટ પણ રહેવું શક્ય નથી.
કૌશલ: હા દીદી આ મેં પણ ખાલી તમારાં માટે કર્યું. આ પાગલ છોકરી માટે હું મારી શક્તિ ના વાપરું.
રેવા( અકળાઇને) : સારું છે.. મને પણ તારી જરુર નથી...
રચના: બસ.... હવે ફરી ચાલું ના કરશો... હજું એક કામ બાકી છે..
બધાએ એકસાથે " શું?..."
રચના: મારાં મમ્મી ને સમજાવવાનું...
રેવા: દીદી ચિંતા ના કરો... એ તો પહેલેથી જ થઈ ગયું છે...
રચના (આશ્ચર્યથી) : કેવી રીતે?...
રેવા: મેં અહીં આવતાં પહેલાં દાદીને બધી વાત સમજાવી હતી અને તેમણે કાકી ને...
અનંત: વાહ... આટલી દૂરનું વિચારી રાખ્યું હતું?!...
કૌશલ ( અનંત સામે ગુસ્સામાં જોઈને) : સારું કામ કર્યું છે રેવાએ!...
વંદિતા: તો ચાલો જઈને વાત કરીએ કાકી જોડે...
રચના થોડી ચિંતામાં આવી ગઈ " હું મમ્મીનો સામનો કેવી રીતે કરીશ?.. આજે તેમનાં દરેક દુઃખનું કારણ હું જ છું... તેમની સામે વિનય સાથે જવું કેવી રીતે?..." વિચારોનો વંટોળ આવવાં લાગ્યો...
આ વંટોળમાંથી કેવી રીતે બહાર નિકળશે રચના... અને કેવાં વ્યવહારની આશા રહેશે બધાને રચના પાસેથી?...
ક્રમશઃ