સંગમા - કર્ણાટકનું વણ સ્પર્શયું પ્રવાસ સ્થળ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંગમા - કર્ણાટકનું વણ સ્પર્શયું પ્રવાસ સ્થળ

સંગમ પ્રવાસ, કર્ણાટક

કર્ણાટકનું એક virgin કહી શકાય તેવું સુંદર સ્થળ 'સંગમા' અથવા સંગમ. કાવેરી, નેત્રાવતી અને પ્રેમાવતી નદીઓનો સંગમ આ સ્થળે થાય છે.

શોલે ફ્રેઇમ રામનગર જિલ્લામાં તે આવેલું છે અને નજીકનું શહેર કનકપુરા છે. સ્થળ ફોરેસ્ટ ખાતાની હદમાં છે.

અમે 31.8.19 ના રવીવારે આ સ્થળની મુલાકાત લીધી. તે બેંગ્લોરથી 125 કીમી. જેવું દૂર અવેલુંછે. જતાં આશરે અઢી કલાક જેવો સમય લાગે છે.

રસ્તો લીલોતરીથી એટલો તો ભરેલો હતો કે જાણે માટીએ લીલો રંગ જ ધારણ કરી લીધો હોય! પણ ના, એ લીલા રંગોમાં પણ ખૂબ વિવિધતા.

રસ્તો આખો સોપારી, નારીએળી, ચોખા વ. નાં ખેતરોથી આચ્છાદિત. બેંગ્લોરમાંથી બહાર નીકળતાં જ દોઢ કલાક જેવો સમય જાય. પછી અહીં તો અમુક જગ્યાએ એક કીમી. માં જ બે ટોલબુથ આવે! 60 થી 70 રૂ. નો ટોલ ટેક્સ ખરો.

રસ્તે ગામડાંઓ આવે તેમાં ઢાળ વાળાં છાપરાં, ઓસરીની બહાર ઉપરથી સાંકડા, નીચેથી પહોળા 'ટડ' આકારના સ્તંભો જે ચમકતો પોલિશ કરેલા હોય, ઘરની બહાર પહોળી, ઊંધા કેળાથી લચી પડેલી કેળ કે ક્યાંક ઊંચા, લાંબાં પણ વાળા શેરડીના રોપાઓ અવશ્ય જોવા મળ્યા. ખેતીના બળદો અને ગાય સીધાં શીંગડાં વાળાં હતાં. ક્યાંક ગલગોટાનાં ખેતરો પણ જોયાં.

રામનાગરનો બાયપાસ આવી જાય. પછી કનકપુરા તરફ અંતમાં ગુડ્ડી કે હાલ્લી શબ્દ વાળાં નામ (બોલતાં પણ ન ફાવે તો યાદ ક્યાંથી રહે?) ધરાવતાં ગામ પસાર થયાં. એક ખૂબ જાણીતી ઢોસાની હોટેલ આવી જે સામેની બાજુ તો નાનકડી ઢાબા જેવી મુળ હાલતમાં હતી પણ તેની બરાબર સામે જ પુરા રિસોર્ટ જેવી હોટેલ હતી. અહીં લોકો કાર થંભાવી નાસ્તો લે અને ટોયલેટ વ. પતાવી આવે. અમે સહેજ આગળ MTR એટલે કે માલવલ્લી ટિફિન રૂમ્સ (દક્ષિણમાં ટિફિન એટલે નાસ્તો કે ઉપહાર) આવ્યું ત્યાં ચગ પાણી કરી, 'હળવા' થયાં અને આગળ વધ્યાં.

સંગમ જાવા કનકપુરા મુકો એટલે ત્રીસેક કીમી. પછી ફોરેસ્ટ વિભાગની ચેકપોસ્ટ આવે ત્યાં નામ અને કારની એન્ટ્રી કરાવવાની. હવે રસ્તા એકદમ hairpin curves એટલે કે તીવ્ર વળાંકો વાળા, થોડી વારે ઉતરાણ તો થોડી વારે ચઢાણ વાળા શરૂ થયા. બેય બાજુલીલા છમ્મ ડુંગરો તો ખરા જ. તમે સાઈડમાં જુઓ તો ખબર પડે કે કેટલા ઊંચે ચડ્યા છો. ખેતરો, મકાનો વગેરે નીચે ને નીચે દેખાતાં જાય.

ફરી સપાટ ભૂમિ પરંતું વળાંકો તો ખરા જ.

આખરે સંગમા આવ્યું. નજીક વિશાળ થડો વાળાં ખૂબ ઊંચાં વૃક્ષોએ સ્વાગત કર્યું. સામે જ નદીનો પ્રવાહ અને તેની સામે કાંઠે KSRTC ની બસો. ગૂગલમાં તમને આ બાજુનો જ રસ્તો બતાવે છે પણ અંતરિયાળ ગામો માંથી અહીં સામા કાંઠે સીધા લઈ જતી બસો છે.

હા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની કોઈ ટિકિટ નથી પણ નજીકની ગ્રામપંચાયત કે તેના નામે નાનકડી ગુલાબી સ્લીપ ફાડી 40 રૂ. પર કાર માંગતા લોકો તે આપ્યા વગર અંદર ન જવા દે.

સામા કાંઠે જ સાચો સંગમ, તરવા નહાવાનું હોઈ ત્યાં જવા ગોળ આકારની હોડી 50 રૂ. ખાલી બે વખત નદી ક્રોસ કરવાના આપી ગયાં. વચ્ચે પાણી પર થપાટ મારવાની, પંજાથી જાણે હલેસાં મારવાની મઝા આવી. મેં તો પાણી અંજલિ લઈ પીધું પણ ખરું. એકદમ મીઠું અને પ્યોર. મિનરલ વૉટર પણ તેની પાસે 'પાણી ભરે'!

સામે કાંઠે બે પ્રવાહ તો ચોખ્ખા અલગ રંગના દેખાય. પહોળી અને મોટી બહેન હેવી કાવેરી થોડી શ્વેત લીલાશ પડતી અને તોફાની રમતિયાળ કિશોરી જેવી, વાછડીની જેમ કૂદાકૂદ કરતી નેત્રાવતી સહેજ રતાશ પડતી, શેરડીના રસ ને મળતા રંગની. વચ્ચે એક ટાપુ જેવા ખડકો પણ હતા અને ત્યાં મોટાં વૃક્ષો ઉગેલાં. તેની નજીકથી વળી ધસમસતા સમુદ્રના મોજાંઓ જેવો ત્રીજો પ્રવાહ પણ ચોખ્ખો કળી શકાતો હતો.

આસપાસ પીળા, કથ્થાઈ, રાતા ખડકો હતા અને કાંઠે જાણે અનેક.લાલ પીળા શાલિગ્રામ હોય તેવા સહેજ મોટા કાંકરા કે નાના પથ્થરો પર સાચવતા ચાલી નહાવા જવાનું હતું.

અમે નહાયાં, એક પથ્થરની પાળ ની આડશે કપડાં બદલ્યાં. દૂર બેય કાંઠે લીલા પર્વતો અને વચ્ચેથી જતી નદી. કહો કે ત્રણ ત્રણ એક બીજીને સમાંતર જઈ એક બીજામાં ઓગળી જતી નદીઓ.

કહે છે નદીના વહેણની વચ્ચે વમળ પણ છે જેમાં ગયા તો ક્યારેય હાથ ન આવો એટલે લોકો કાંઠા નજીક જ ગોઠણ સમાણા પાણીમાં નહાતા હતા.

મન ભરી એ સૌંદર્ય માણી, ખડકો પર બેસી આખરે એ જ ગોળ આકારની બોટમાં પરત ફર્યા.

કાંઠે ઉતારતાએક સ્ત્રી મોટું માટીનું માટલું લઈ તાજી વલોણાની કોથમીર, મરચાં નાખેલી છાશ 10 રૂ. મોટો ગ્લાસ વેંચતી ઉભેલી તે પીધી. તેણીએ આગ્રહ કરી થોડી વધારે પણ આપી.

કાંઠાથી થોડે જ આગળ હોટેલ મયુર સંગમા છે પણ ત્યાં મોટે ભાગે માચ્છી અને ચિકન રાઈસ જ મળતું હતું. ગોબી મન્ચુરિયન કે પનીર મસાલા જેવી વસ્તુ હતી પણ 180-200 જેવી. અમે આગળ ગયાં અને એક રિસોર્ટ જેવી હોટેલમાં આપણી વેજિટેરિયન ડીશ ખાધી. ત્યાં અંદર જૂનું ગાડું, કૃત્રિમ બકરીઓ, મગર અને સાચાં શ્વેત કમળો ની તલાવડી જોઈ. રસ્તે મળતી ગાયો લગભગ બધી જ સફેદ અને કાળા ધબ્બા વાળી હતી. બની શકે, વિદેશી સાંઢ નું કૃત્રિમ ગર્ભાધાન કરાવવામાં આવ્યું હોય, વધુ દૂધ માટે. સામે જ લીલા છમ્મ ડુંગરો જોયા અને ફરી એ લીલોતરી માણતા કનકપુરા અને નાનાં ગામો ક્રોસ કરી બેંગ્લોરમાં પ્રવેશ્યાં ત્યારે સાંજના પાંચનો કુણો તડકો હતો અને સામાન્ય ટ્રાફિકમાંથી પસાર થઈ ઘર પાસે પહોંચ્યાં ત્યારે 6 વાગે સૂર્યાસ્તની તૈયારી હતી.

બેંગ્લોરથી એક રવિવાર કે રજા માં લોન્ગ ડ્રાઇવનો આનંદ લેવા એક વાર આ પીકનીક જરૂર કરવા જેવી.

-સુનીલ અંજારીયા