રચના અને કૌશલ થોડાં ગરમ મિજાજનાં હતાં એટલે તે કશું બોલ્યા નહીં. અને છેવટે બધાં ઘર તરફ પાછા ફર્યા.
પાછા ફરતાં, રચના એ યાદ કરાવ્યું " સાંજે સંધ્યા આરતી છે. હું જઉં છું મને થોડું કામ છે. સાંજે મળું તમને. એમ પણ ઘણો સમયનો બગાડ થઈ ગયો છે ( રચનાની બધી વાતો કટાક્ષમાં બોલાતી) " રચના ચાલી ગઈ અને વંદિતા બોલી " હા પ્રકૃતિ દીદી. આજે તો વિશેષ બનશે આ આરતી. રેવાદીદી ની પહેલીવાર છે ને એટલે. પણ..." " પણ શું વંદિતા? " પ્રકૃતિ એ પુછ્યું. " પણ રેવાદીદીની હાલત તો જોવો. ના કપડાંના ઠેકાણાં, ના તેમનાં વાળ કે ના તેમનું મોંઢું. " વંદિતા ખુલાસાથી બોલી ગઈ. " હા .. એ વાત તો સાચી કહી તેં. ચલો ને કંઈક કરીએ. ઘણાં દિવસોથી ખાટલામાં હતી એટલે હવે સાજી કરવી પડશે ને.." પ્રકૃતિ કંઈક વિચારતા વિચારતા મંદ મુસ્કાન થી બોલી. આવી વાતો સાંભળી અનંત અને કૌશલ કંઈક પણ બોલ્યા વગર પોતાનાં કામે નિકળી ગયા.
સાંજ પડીગઈ હતી. સૂરજ ઢળતો હતો એટલે લાલઘૂમ આકાશ બની ગયું. મંદિરની ઘંટડી અને ઢોલના નાદ હવામાં ગૂંજી રહ્યાં હતાં. એકદમ અલૌકિક વાતાવરણ સર્જાય રહ્યું હતું. દરેક ગામવાસીઓ આ નાદ સાંભળી પૂજા માટે મંદિરે પહોચવા લાગ્યાં. રચના, અનંત અને કૌશલ પણ મંદિરની બહાર વંદિતા, પ્રકૃતિ અને રેવાની રાહ તાકી રહ્યા હતાં.
રચના: આરતીનો સમય થયો હજું આ લોકો દેખાતાં નથી. આટલું તો શું જરૂરી કામ છે તે મોડું થાય!
અનંત: આવી જશે દીદી. તમે આમ નાની નાની વાતે ચિડાઈ ના જાવ.
કૌશલ (દૂરથી તેમને આવતાં જોઈ) : લો... એ આવે પેલાં...
ત્રણેવની આંખો તેમને આવતાં જોઈ રહી. પ્રકૃતિ અને વંદિતા આગળ ચાલતાં હતાં એટલે તેમની પાછળ આવતી રેવા દેખાતી નહતો. થોડાં નજીક આવ્યા એટલે રેવા પર નજર પડી .
નાનાં નાનાં અને ખચકાટથી ભરેલાં પગલે એક સુંદર છોકરી દેખાયી. એકદમ સાદાં અને સરળ કપડાંમાં પણ રેવા સ્વર્ગની અપ્સરાથી ઓછી નહતી અંકાઈ રહી. તેની આંખોમાં રહેલું કાજળ જાણે નજરોની ચોકીદારી કરતું હોય તેમ ભાસી રહ્યું હતું. કાળા લાંબા વાળ તેની સુંદરતામાં વધારો કરતાં શોભી રહ્યા હતાં. હોઠોની મુસ્કાન સમી સાંજે એક નવો જ ઉજાસ ફેલાવી રહ્યો હતો. અનંત સામેથી આવતી રેવા પરથી તો જાણે આંખો હટાવી જ નહતો શકતો. ભાન ભૂલી બે પળ માટે રેવાની સાદગીથી પરીપૂર્ણ સુંદરતામાં ખોવાય ગયો. રેવા નજીક આવી છતાં હજું અનંતનુ ધ્યાન તેને નિહાળવામાં જ હતું. જાણે આજથી પહેલાં આટલી સુંદર છોકરીની કલ્પના જ કરી હોય તેમ જણાય રહ્યું હતું. એટલામાં રચના બોલી " ચાલો બધાં અંદર. આરતીનો સમય થઈ ગયો છે. " એટલે અનંતનુ ધ્યાન તૂટ્યું અને એકદમ નજર રેવા પરથી દુર કરી ફટાફટ મંદિરમાં ચાલ્યા ગયાં.
અનંતનું મન આજે પોતાનાં કાબુમાં નહતું. અને આજથી પહેલાં તેને આવો અહેસાસ પણ નહતો થયો . મંદિરમાં પૂજા સમયે આંખો બંધ કરતાંની સાથે ફરીથી તેને રેવાની એક ઝલક દેખાઈ અને તે એકદમથી ગભરાઈ ને આંખો ખોલી . પોતાની આગળ ઉભેલી રેવાને જોઈ ફરીથી મન વ્યાકુળ થવાં લાગ્યું. પણ છતાં તેને બેચેની નહતી. જાણે રેવાને જોતાં જ વર્ષો જુની મનનાં ભારને એક જ વારમાં ઉતરી ગયો હોય અને શાંત થતું હોય મન તેમ અનુભવાયું. બંધ આંખે અને જોડાયેલાં હાથે પણ રેવા એક અલખ જ નૂર ટપકી રહ્યું હતું જેને જોતાં જોતાં ક્યારે આરતી પુરી થઈ તેનું ભાન પણ અનંતને રહ્યું નહીં.
આરતી પુરી થઈ અને બધાં દર્શન કરી પોતાનાં ઘેર પાછા જવાં લાગ્યાં. રાત થવાને કારણે કૌશલ અને અનંત રચના, વંદિતા, પ્રકૃતિ ને પોતાનાં ઘેર મુકવા જતાં. એ રોજનો નિત્યક્રમ હતો. અને આજે તો રેવા પણ હતી. બધાં ચાલતાં ચાલતાં ઘર તરફ જતાં હતાં. બધાનાં ઘર રસ્તામાં જ હતાં અને સૌથી છેલ્લે રેવા જ્યાં રહે છે તે ઘર એટલે પેલાં માજીનું ઘર આવતું. એટલે છેલ્લે માત્ર અનંત, કૌશલ અને રેવા જ રહ્યાં હતાં.
" કૌશલ તારે ખાલી રેવા માટે આટલે દૂર આવવાની જરૂર નથી. હું માંજીને રેવાની દવા સમજાવવા જઉં છું તો રેવા મારી સાથે જ આવી જશે. તું પણ ઘેર જા " અનંતે ધીમેથી કહ્યું. કૌશલ પણ સહમતી ભરી પોતાનાં ઘર તરફ ચાલ્યો ગયો. રેવા અને અનંત પણ આગળ ચાલ્યા.
" તો રેવા... કેવી લાગી આજની આરતી? " અનંતે વાત ચાલુ કરી. " બહુ જ મસ્ત. મને યાદ નથી કે મેં પહેલાં આવી આરતી જોઈ છે કે નહીં. બહું મજા આવી. અને આ કપડાં, ઘર, મંદિર અને અહીં ના લોકો બધું જ મને ગમી રહ્યું છે." રેવાએ પોતાનાં અનુભવો રજૂ કરવાનાં ચાલું કર્યાં. અને અનંત સાંભળતો ગયો. રેવા બોલાતી ગઈ ને અનંત સાંભળતો ગયો. આખાં રસ્તે રેવાની વાતો સાંભળીને છેવટે ઘર આવ્યું એટલે અંદર જતાં રેવાને અટકાવી અને અનંત બોલ્યો " ચલો હું જઉં હવે.." "અરે પણ દાદીને દવા વિશે..." રેવા પ્રશ્નાર્થ ભાવે બોલી. " એ કાલે બતાવી દઇશ. હજું બીજી દવા પણ ઉમેરવાની છે તો તેની સાથે જ..." અનંત હજું કશું બીજું પણ બોલવાં માંગતો હતો. પણ રેવા હા પરોવી અંદર જવા લાગી એટલે પાછળથી ફરી ટોકી " રેવા... " " હા બોલ.." રેવા નિસ્વાર્થ ભાવે બોલી.
" તું આજે અલગ લાગે છે.. એટલે.. કે... સુંદર લાગે છે " અનંતે ગભરાતાં કહ્યું. રેવાએ ફક્ત એક મુસ્કાનથી તેનો જવાબ આપ્યો અને અનંત ત્યાંથી ચાલ્યો ગયો. એક નવી લાગણીની શરૂઆત અનંત ના મનમાં થઈ ગઈ હતી. પણ આ લાગણી કોને કેટલે સુધી લઇ જશે તેનો નિર્ણય સમય આધારિત હતો.
દિવસો વીતતા જતાં હતાં અને તેની સાથે જ રેવાની બધાં સાથે ઓળખાણ સારી થવાં લાગી હતી. પોતાનાં હસમુખા સ્વભાવ અને મદદની આદતને કારણે તે બધાનાં મન જીતવામાં સફળ રહેતી. ગામની સ્ત્રીઓ ઘેરબેઠાં કરતી કાપડ પર ભરતકામ અને ઘણીવાર ખેતરોના કામ પણ રેવા સારી રીતે શીખી ગઈ હતી. તેને પણ મજા આવવા લાગી અને હવે તો પોતાની ઓળખાણ યાદ કરવાનો સમય પણ તેને મળતો નહીં. આવો જ એક દિવસ રેવા, પ્રકૃતિ, રચના ને બાકી બધાં ભરતકામ કરવા બેઠા હતાં. અને રેવા જે કપડું લઈને બેઠી હતી તેમાં તેની ભૂલનાં કારણે આખું કામ બગડી ગયું. દોરાં ગુંચવાય ગયાં, અને કાપડ પણ કાણાં પડી ગયાં.
આ જોઈ રચના ગુસ્સામાં " રેવા... આ શું કર્યું તે?... ખબર ના પડતી હોય તો ના કરીશ..પણ અમારું કામ વધારે ના બગાડીશ. જ્યાં જોવો કૂદતી ફરે છે.. બધાંના કામોમાં માથું નાખ્યા કરે છે!... એક બાજું ચુપચાપ બેસી રહેતી હોય તો...." આ બધું સાંભળી રેવા થોડી દુઃખી થઈ ગઈ. પણ હદ તો ત્યારે થઈ જ્યારે રચના વધારેમાં બોલી" મહેમાન છું. તો એ જ બનીને રહે... તારાં યાદશક્તિના બ્હાના મારી આગળ તો કરીશ જ નહીં. " બધાંની સામે આવી બધી વાતો સાંભળી રેવાની આંખોમાં આંસુ આવી ગયાં. અને તે રડતી રડતી ત્યાંથી ચાલી ગઈ. તેની પાછળ વંદિતા પણ ગઈ. પણ રેવા એટલી ઝડપી હતી કે કયી બાજું વળી તેનો ખ્યાલ જ ના રહ્યો. સામેથી અનંતને આવતાં જોઈ રેવાને શોધી રહેલી વંદિતાએ તેને બધી વાતો જણાવી.
અનંતનુ મન તો જાણે માત્ર સાંભળીને જ પોતાનાં કાબુમાં નહતું રહેતું. હવે તેને રેવાની ચિંતા થવાં લાગી. લગભગ બધે જ શોધ્યા પછી પણ રેવા જડી નહીં. અનંતને મનથી ખબર હતી કે તે ક્યાં હશે. અને અનુમાન સહીત અનંત તે જ નદી તટ પર ગયો જ્યાં પહેલાં પણ રેવા ભાગીને છૂપાયેલી હતી. અને આજે પણ તે ત્યાં જ મળી. અનંત તેની પાસે જઈને બેસી ગયો. પોતાનો રૂમાલ તેનાં હાથમાં આપી તેને શાંત કરાવવાની કોશિશ કરવાં લાગ્યો. પણ રેવાને રડતાં જોઈ તેની આંખો ભરાઈ રહી હતી. કશું બોલાયું નહીં એટલે માત્ર તેનો હાથ પોતાનાં હાથમાં લઈ ધીમેથી થપથપાવી માત્ર એટલું જ બોલ્યો " શાંત ". હજું કશું બોલે તે પહેલાં વંદિતા આવી પહોચી . અનંત તેને જોઈ રેવાની પાસેથી ઉભો થયો અને વંદિતાને બેસવા જગ્યા કરી.
વંદિતા: દીદી તમે અહીં આમ કેમ આવતાં રહ્યાં. મને કેટલી ચિંતા થતી હતી!
વંદિતા એ છેવટે કહ્યું " એવું નથી દીદી... રચનાદીદી ને તમે જેવું સમજો છો તેવો સ્વભાવ નથી. આ તો માત્ર પરિસ્થિતિનો અસર છે જે આટલાં વર્ષે પણ ગયો નથી. " કેવી પરિસ્થિતિ? " રેવાએ તરફ પૂછ્યું.
અનંત અધીરો બની બોલી ઉઠ્યો " કશું નહીં એ તો આ વંદિતાને નાની વાતને મોટી કરીને કહેવાની આદત છે. તું ધ્યાન ના આપ" અનંતને વચ્ચે અટકાવી વંદિતા એ વાત ચાલું કરી " ના અનંતભાઈ... હવે રેવાને કહેવા દો. અતીતના પાનાં ખોલવાનો સમય છે. રેવાને પણ પુરી અધિકાર છે જાણવાનો. તે આપણી મિત્ર છે... "