ઢળતી ઉંમરે સંસાર ના દરેક પ્રકાર ના ચડાવ ઉતાર જોઈ ચૂકેલા જગમોહન પંડ્યા, હાથ માં કંકોત્રી લઈ ને બેઠા છે. અને એ કંકોતરી વાંચતા વાંચતા આંખોમાંથી આંસુ છલકાઈ ને કંકોત્રી ના કાગળ પર પડી રહ્યા છે. ધીરે ધીરે એમની નજર સામે ભૂતકાળ સફાળો જાગી તરવા લાગે છે.
સિત્તેરી વટાવી ચૂકેલા જગમોહનજી ને પરિવાર માં બે દીકરા અને બે દીકરીઓ, એ જમાના માં પોતાની ગંભીર બીમારી ના કારણે પંદર વર્ષ ની વયની દીકરી કરુણા ના હાથ પીળા કરાવી નાખ્યા હતા. બીમારી માંથી બહાર આવ્યા બાદ જીવન નૈયા ને કુશળ કપ્તાન ની જેમ હંકારતા ગયા અને દીકરા ડેનિલ અને બીજી દીકરી ટીના ના લગ્ન પણ કરાવી દીધા. જગમોહનજી ના પરિવાર નો માળો વધતો ગયો મોટી દીકરી ના ત્રણ સંતાનો, નાની દીકરી ના ત્રણ સંતાનો અને ડેનિલ ના બે દીકરા. જગમોહનજી એ છેલ્લો પ્રસંગ સૌથી નાના દીકરા ના લગ્ન પણ ધામધૂમ થી કર્યા હતા અને હા એજ પ્રસંગ માં ડેનિલ ના બે દીકરાઓ ની જનોઈ પણ દેવાઈ ગઈ હતી.
બંને દીકરીઓ અને જમાઈ આર્થિક સ્થિતિ સારી અને સમજદાર પણ ખરા, એટલે જગમોહનજી ને અને એમના દીકરાઓ ને જ્યાં જરૂર પડી ત્યાં હંમેશા ખડે પગે રહ્યા.
અત્યાર સુધી બધું બરાબર હતું પરંતુ દીકરાની વહુઓ એ અસલી રંગ બતાવવાનો શરૂ કર્યો ત્યાં જગમોહનજી ની માઠી શરૂ થઈ. નંણદો પોતાને ત્યાં આવે એ વહુઓ ને ગમે નહીં, કોઈને કોઈ રીતે પતિદેવો ના કાન ભર્યા કરે, અને આમ ધીરે ધીરે ડેનિલ ભાઈ પોતાની બહેનો ને તિરસ્કાર કરતા થયા. એણે એમનો સ્વભાવ અને વર્તન એવા કરી નાખ્યા કે બહેનો કોઈ અનિવાર્ય પ્રસંગો સિવાય એના ઘરે જતી નોહતી.
અલબત્ત નાના ભાઈ એ બહેનો સાથે સબંધ જાળવી અને સાચવી રાખ્યા હતા. અચાનક બન્યું એવું કે કોઈ કારણોસર જગમોહનજી ના બંને પુત્રો વચ્ચે મોટો ખટરાગ ઉભો થયો અને મોટા ભાઈ ડેનીલે નાના ને ફોન પર એમ પણ કહી દીધું કે તારૂ સ્નાન મેં કરી નાખ્યું છે. આમ ડેનીલે ત્રણે ભાઈ બહેન ના સાથેના સંબંધો નો જાણે અંત કરી નાખ્યો. જગમોહનજી વારંવાર માં અંબે ને પ્રાર્થના કરે કે મેં ક્યારે કોઈ નું ખરાબ નથી કર્યું તો મારા પરિવાર માં કેમ આવું છે? મારા મોટા દીકરા ની લાલચ નો અંત ક્યારે આવશે?
ત્યાં દીકરી કરુણા ના ઘરે લગ્ન પ્રસંગ આવ્યો , એ એના દીકરા દીકરી નું લગ્ન કરાવતી હતી અને સમાજ ના રિવાજ મુજબ મામાઓ એ મામેરૂ લઈ ને આવવાનું હતું, જગમોહનજી એ દીકરાઓ ને કહ્યું તમારે મામેરા માટે રૂપિયો આપવાનો નથી બધો ખર્ચો હું કાઢીશ તમે સમાજ માં સારૂ લગાડવા ફક્ત આવી ને ઉભા રહેજો, છતાં પણ લગ્ન ની શરૂઆત ડેનીલે અને લગ્ન નો અંત નાના એ બગાડ્યો, અને લગન માં રિસાયેલા સગા હોય જ એ પરંપરા બંને ભાઈઓ એ બખૂબી નિભાવી.
ખેર પ્રસંગ પૂરો થયો રક્ષાબંધન નો તહેવાર આવતો હતો જગમોહનજી દીકરા ડેનિલ ને ઘરે હતા, બહેન ટીના ભાઈ ડેનિલ ના ઘરે રાખડી બાંધવા આવી હતી પરંતુ ડેનિલ અને એના બંને સંસ્કારી દીકરાઓ એ ટીના ને હાથ પકડી કાઢી મૂકી અને કહ્યું અમારે તારી રાખડી ની જરૂર નથી. દુઃખી થતી છતાં પણ આશિષ આપતી બહેન પોતાના ઘરે ગઈ. અને ડેનીલ મામા ની દીકરી ને ઘરે જઈ રક્ષાબંધન મનાવી આવ્યો અને ભાણા, ભાણી ઓ ને બતાવવા સ્ટેટ્સ માં ફોટા મુકવા લાગ્યો. જગમોહનજી મુક પ્રેક્ષક બની આ તમાશો જોઈ રહ્યા હતા. પરંતુ દીકરા આગળ લાચાર હતા, જ્યારે મોટી બહેન તો રાખડી બાંધવા આવી જ ન હતી.
જગમોહનજી પોતાના દીકરાઓ વચ્ચે ખટરાગ દૂર થાય અને સંપી ને રહે એટલે બે વાર ચાર ધામ ની જાત્રા એ જઈ આવ્યા. અને ભગવાને એમનું સાંભળ્યું પણ ખરૂ. દીકરાઓ બંને સંપી ગયા, એમણે એકબીજા માટે નાહી નાખેલું, એ પાછું ખેંચી લીધું. અને હવે તો જગમોહનજી નાના દીકરાએ એમની માટે લીધેલા મકાન માં રહેવા પણ આવી ગયા હતા. અને હવે ચારે ભાઈ બહેન એક સંપ થી રહે એટલે એમણે વધુ એક જાત્રા કરવાનું વિચાર્યું.
ફરી એકવાર રક્ષાબંધન આવી રહી હતી, બહેનો ડેનીલે કરેલા અપમાન ને ક્યારેય ભૂલી શકે એમ નૉહતી, અને કદાચ ભૂલી પણ જાય અને રાખડી બાંધવા જાય ત્યારે ડેનિલ ફરી થી ઘરની બહાર કાઢી ન મૂકે એની શુ ખાતરી? આ પ્રશ્ન ઉભો જ હતો. પરંતુ બંને બહેનો એ નાના ભાઈ ને રાખડી બાંધવા જવાનું નક્કી કર્યું, પરંતુ ભ્રાતૃપ્રેમ માં ડૂબેલ નાના ભાઈ ને થયું મારા મોટા ભાઈ ને રાખડી નહીં તો મને પણ નહીં. અને એણે બંને બહેનો ને ઘસી ને ના કહી દીધી તમારે રાખડી બાંધવા આવવાની જરૂર નથી, મને ખોટું નહીં લાગે.
બંને બહેનોએ નક્કી કર્યુ જ્યાં મન થી સબંધો ન હોય ત્યાં ફોર્મલિટી કરવાના કોઈ મતલબ નથી. પરંતુ જગમોહનજી ને ખોટું ન લાગે એટલે એમને ફોન કરી જણાવ્યું કે અમે તમને રાખડીઓ મોકલીએ છીએ તમારી ઈચ્છા થાય તો તમારા દીકરાઓ ને બાંધવા આપજો, અમે આવીશું નહીં, બહેનોએ જગમોહનજી છે ત્યાં સુધી આ ક્રમ જાળવવાનું નક્કી કર્યું.
આજે દીકરી ના દીકરા ના લગ્ન છે, દીકરી કંકુચોખા પીળી ને કંકોત્રી મુકવા ઘરે નથી આવી, ટપાલ માં પ્રિન્ટેડ કંકોત્રી આવી છે. અને એમાં લખેલું હતું "અમારે ત્યાં મામેરૂ પ્રથા બંધ છે'. આ શબ્દો જગમોહનજી ના આંસુ થી કંકોત્રી ના કાગળ પર ઉપસી રહ્યા હતા.
*સમાજ માં જોયેલા જાણેલા અનુભવો પરથી આ વાર્તા ઘડી છે, કોઈએ આ અનુભવો પોતાના પર લેવા નહીં.*
લેખક:- મેહુલ જોષી
બોરવાઈ, મહીસાગર
9979935101