જાણે-અજાણે (16) Bhoomi Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાણે-અજાણે (16)

સાત દિવસ વીતી ગયાં હતાં. અને વરસાદ -વાવાઝોડા રુપી આફત પૂર્ણ રીતે થંભી ગઈ હતી. બેભાન અવસ્થામાંથી ભાનમાં આવતી આંખો ધીમે ધીમે પણ પૂર્ણ કોશિશ સાથે ઉચકાયી. ધીમેથી મંદ અવાજો કાન પર પડ્યાં. મંદિરમાં વાગતાં ઘંટારવ પણ સંભળાય રહ્યાં હતાં. અને એક બુલંદ નાદ 'નમામિ નર્મદે ' નો જયઘોષ થતો હતો. આંખો ખુલે એ પહેલાં આ દરેક વાત ધ્યાન પર આવી. લગભગ પાંચેક મિનિટ પ્રયત્ન પછી ખરેખર આંખો ઉચકાયી. આંખો આગળ કેટલાક તદ્દન અજાણ્યા માણસો ઉભાં હતાં. જેમને જોતાં પહેલાં તો ગભરામણ પછી આશ્ચર્યનો ભાવ તેનાં મુખ પર ચોખ્ખો દેખાતો હતો.
એ લોકોમાંથી એક માજી જેમની ઉંમર લગભગ 75-78 વર્ષ હતી તેમણે પુછ્યું "બેટા... ઠીક છે તું?... કોણ છે અને ક્યાંથી આવી છે?...." ઉંમરના લીધે થોડી કર્કશ બનેલો અને ધ્રુજારીથી ભરેલાં અવાજ પર ધ્યાન દોરાયુ. માથામાં સખ્ખત દુખાવા સાથે તે પોતાની પથારી પરથી બેઠી થવાની કોશિશ કરી રહી હતી. દરેક ની આંખો તે છોકરી પર એકીટશે ચોંટી રહી. માથું પકડી તે છોકરી બેઠી થઈ અને બોલી..." બહું જ દુખે છે... આ.... કોણ છો તમે?.. અને હું અહીંયા?..."

પેલાં માંજી એ જવાબ આપ્યો.." બેટા આ એક નાનકડું આદિવાસી ગામ છે.. જે નર્મદાના કિનારાની નજીક વસેલું છે. અને તું અમને આ નર્મદાના પાણીમાં તણાઈ અહીં સુધી ખેંચાયને આવી હોય તેમ મળી હતી. પણ એ વાતને સાત દિવસ વીતી ગયાં છે અને આ સાત દિવસથી તું બેભાન જ પડેલી હતીં. હવે બોલ તું કોણ છે?.. શું ઓળખાણ છે તારી અને તારું ઘર?..." પેલી છોકરી એકીટશે આ દરેક વાત સાંભળી રહી હતી.

ઘણાં આશ્ચર્ય સાથે તે બોલવાની કોશિશ કરતાં " હું..... મા..મારું નામ..... મારું નામ છે...." પણ દરેક વખત તે અટકી જતી. કશુંક વિચારતી અને પછી બોલવાની કોશિશ કરતાં ફરી અટકી જતી. જાણે તેને કશું યાદ જ ના હોય તેમ... "મ..મને કશું યાદ નથી આવતું.. કોણ છું હું?. નથી સમજાતું... અને મારું નામ.. શું છે મારું નામ?...." છોકરી રડતાં રડતાં બોલી. ખુબજ રડતી કગરતી છોકરીને શાંત રખાવતાં માંજી બોલ્યાં
" હા હોય શકે છે... તને માથામાં ઉંડો ઘા છે.. કદાચ કોઈ વસ્તુથી પછડાવાથી અથવા કોઈનાં જાણીતાં વારથી થયેલો ઘા છે... તું અમને સાત દિવસ પહેલાં આવેલાં તોફાની નદીની લહેરો મા મળી હતી. અને તારી હાલત અર્ધમૃત્ત હતી. આટલી ખરાબ હાલતમાં બીજું કોઈ પહેલાં જ હાર માની પોતાની મોતને આમંત્રિત કરે પણ તું... તું તો પોતાની જાતથી પોતાની હાલતથી જ ઝગડતી હતી. અને કદાચ એટલે જ કીનારે પહોચતા સુધી તું જીવી ગઈ. પહેલી નજરે એમ લાગ્યું કે કોઈ કામ.. કોઈ અધુરી વાત પુરી કરવાં તું તારી જાત સામે લડી રહી હતી. હવે બોલ તને કશું પણ યાદ આવે છે?... તારાં જીવન વિશે? "

માંજીની દરેક વાતનો ઈશારો માત્ર એક છોકરી તરફ આંગળી ચીંધી રહ્યો હતો.. જેને એ આદિવાસી ગામનાં લોકો નહીં પણ આપણે જરુર જાણતાં હતાં.. યાદ આવ્યું આપણું પાત્ર...નિયતિ!... હા એ છોકરી બીજી કોઈ નહીં પણ નિયતિ હતી.

ઝડપી વહેણમાં તે તણાઈ એક ગામમાં આવી પોહચી હતી. પણ પ્રશ્ન એ હતો કે તેને કશું યાદ નથી જેથી ગામલોકોની પાસે કોઈ માર્ગ નથી તેને પોતાનાં ઘેર પહોંચાડવાનો.

નિયતિની બધી વાતો સાંભળી ત્યાં ઉભાં દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત રહી ગયાં માત્ર એક ને છોડીને. કેમકે પિક્ચર માં અને ટીવી પર તો યાદશક્તિ ગુમાવવાની ઘટના જોઈ હતી પણ પોતાની આંખો સામે આવો કેસ ક્યારેય નહીં. નિયતિને સાત દિવસથી જે ઝુંપડી મા રાખી હતી ત્યાં તેને શાંત કરી સુવડાવી દરેક વ્યક્તિ બહાર આવ્યા. અંદરોઅંદર વાતો કરવા લાગ્યા કે હવે શું કરવું!.. જે થકી ત્રણ છોકરીઓ, બે છોકરાં અને એક પેલાં માંજી હતાં.
બે છોકરાંમાંથી એક છોકરો અનંત. જે ગામમાં રહેતાં વૈૈદ્ય નો દિકરો હતો. રોગની પરખ અને તેનો ઈલાજ કરવાની કળા તેને બાપ-દાદાના વંશજ બનીને જ મળી હોય તેમ ભાસે. દેખાવે એકદમ સીધો અને સરળ. સ્વભાવે શાંત અને નિર્મળ. પોતે કહેવા માટે તો ઘણો હોશિયાર. પોતાની પિતાની ઉંમર વધવાને કારણે જાતે જ તેમનાં કામકાજ અને ઘરની જવાબદારી ઉપાડી લીધી હતી. ગામ નાનું હતું એટલે જે ગણો એ એક જ વૈૈદ્ય અથવા ડોક્ટર હતો. શહેરોના મોટાં મોટાં ડોક્ટર ને પાછળ પાડી દે એટલી શક્તિ અને જ્ઞાન હોવા છતાં પોતાનાં પિતા વૈધનાથના કારણે તે ગામ છોડીને જવાં નહતો માંગતો. પોતે એક વૈૈદ્ય હોવાને લીધે તેને નિયતિની હાલત જોઈ કોઈ આશ્ચર્ય નહતું.

બીજો હતો કૌશલ. દેખાવે એક તાકતવર વ્યક્તિત્વ. જોતાં જ જાણે કોઈ પોલીસ કે આર્મી ઓફીસર જણાય. સ્વભાવે થોડો તીખો અને કઠણ. પણ દિલથી બધાની ચિંતા અને સેવામાં તત્પર. જે તેને ઓળખતાં ન હોય તે તેનો સ્વભાવ એકવારમાં ખોટો જ અંકન કરે.

છોકરીઓની વાત કરે તો એક પ્રકૃતિ. નામ પ્રમાણે જ જાણે ગુણ ભરાયેલાં હતાં. ઝાડપાન અને પ્રકૃતિની દરેક ગતિવિધિ પર ભારણ વધારે. સ્વભાવે શાંત અને કોમળ. પણ ખોટી વાતમાં નિડર અને સજ્જ.

બીજી હતી રચના. દિવાળીબેનની દિકરી. દેખાવે સુંદર, કોમળ અને સાદગીથી ભરપૂર. પણ પિતાનાં પ્રેમથી વંચિત. સ્વભાવે કડક અને ઉંડાણભર્યો.
અને ત્રીજી છોકરી વંદિતા. આ પાંચેયમાં સૌથી નાની. અને બીજી બસ એક ઓળખાણ કે રચનાનો પડછાયો. હંમેશા તેની પાછળ ને પાછળ. રચનાનાં સ્વભાવને કારણે કોઈ તેની સાથે વધું ના રહી શકે પણ વંદિતા ને રચના વગર ચાલે જ નહીં. અને રચના પણ તેની સાથે એકદમ નરમ વ્યવહાર કરતી. વ્યવહારું બુધ્ધિ થોડી ઓછી પણ નિર્ણય હંમેશા પાક્કા અને સાચાં.

અને છેલ્લે વાત કરીએ તે માંજીની તો તે ગામમાં રહેતાં સૌથી જુનાં માણસો માંથી એક. જેમણે પોતાની અડધાથી વધારે ઉંમર ત્યાં જ વિતાવી હતી અને દરેક વાતનાં સાક્ષી. એટલે બધાં તેમની ઘણી ઈજ્જત કરતાં અને કોઈ વાર જરુર પડતાં તેમનાં અનુભવી સલાહો પણ લેતાં.

માંજી: હવે શું કરીશું આ છોકરીનું?.. કોઈ નામ સરનામું પણ નથી ખબર...

અનંત: હા, પણ અત્યારે તેને પોતાના હાલ પર છોડાય તેમ નથી. ઘણી કમજોર અને અભાન જણાય છે. હજું તેને સ્વસ્થ થતાં થોડાં દિવસ લાગશે.

રચના: હા..હા.. હજું કરો મદદ અજાણ્યા લોકોની. જેને જોવો તેને ઉઠાવીને ઘેર લાવી દે છે.. કોણ લાવ્યો તો આને ઘેર!.. કૌશલ ને.. તો બોલ કૌશલ શું કરીશું હવે આ અનામી આફત નુ?..

કૌશલ (થોડાં ગુસ્સામાં): બસ રચનાદીદી. તમે મોટાં છો એટલે કશું બોલતો નથી. એટલે મને ખોટો નહીં સમજવાનું. હા લાવ્યો હું તેને ઘેર.. તો શું કરતો? ત્યાં મરવા છોડી દેતો?... તમે મારી જગ્યા હોત તો શું કરતાં?

વંદિતા: બસ કૌશલ ભાઈ.. તમે આમ રચનાદીદી જોડે કેવી રીતે વાત કરી શકો છો?.. એ પણ એક અજાણી છોકરી માટે...

કૌશલ: ના વંદિતા.. એ અજાણી છોકરી માટે નહીં. મારાં નિર્ણય પર શક કરવાં માટે. જે રચનાદીદીને લાગે છે કે મેં તે છોકરીને બચાવી ભૂલ કરી..

માહોલ ગરમ થવાં લાગ્યો હતો અને ઝઘડાના મૂડ દેખાતાં હતાં એટલે માંજી બોલ્યાં,

" બસ.... બધાં ચૂપ. કોઈ નહીં બોલે હવે. આ શું કૂતરાં બિલાડીની જેમ ઝઘડો છો!... કૌશલ તે સારું કર્યું જો તેને અહીં લઈ આવ્યો. અને રચના આપણે આપણી જવાબદારીથી ભાગી ના શકીયે ને!.. એ વાત મારે તને ના સમજાવવી પડે ( કટાક્ષમાં બોલાયું) ."

પ્રકૃતિ કહે " સાચી વાત છે. કૌશલે જે કર્યું તે પ્રાકૃતિક ઘટના માત્ર જ હતી. રચનાદીદી શાંત થાવ."
બધાં થોડીવાર માટે મૌન થઈ ગયાં અને વિચારવા લાગ્યા હવે શું કરવું. જે છોકરીનું નામ પણ નથી ખબર તેને મોકલવી ક્યાં?..

ત્યાં અનંત બોલ્યો " ચલો રઘુવીર કાકાને પૂછીએ. તે જે નિર્ણય કરશે તેમ વર્તીશુ. "
રઘુવીર તે ગામના સરપંચ હતાં. ગામમાં સરપંચની બોલબાલા એટલી જ હોય જેટલી દેશમાં પ્રધાનમંત્રીની. એટલે હવે સરપંચ રઘુવીર પર નિર્ધારિત હતું કે નિયતિ જે તદ્દન અજાણી છે તેને ગામમાં રહેવા મળશે કે તેને પોતાની હાલત પર છોડી દેવામાં આવશે!

શું નિર્ણય કરશે રઘુવીર કાકા.?...શું થશે નિયતિનુું..?..


ક્રમશઃ