ધરતીનું ઋણ
વ્રજલાલ હિરજી જોષી
ધરતીનું ઋણ
ભાગ - 2
ઘર એટલે તેઓનું માટીના ચણતરવાળું કાચા નળિયાની છતવાળું ઝૂંપડું હતુ. ઘર બહાર ઢાળિયામાં ખાટલો નાખીને તે બેભાન વ્યકિતના દેહને સુવડાવ્યો. આમીરની માએ ગરમ પાણી કર્યું અને આમીર માથા પર ચડેલી કીડીઓ સાફ કરીને ગરમ પાણીથી તેનો ‘ઘા’ સાફ કરવા લાગ્યો અને ડોસો પાસમાં રહેતા એક વૈધને તેડવા લાગ્યો.
અને ચોવીલ કલાકની સતત લગન સાથે કરેલી સેવાથી અને વૈધના ઉપચારથી તે વ્યકિત ભાનમાં આવી. પણ તેના શરીરમાં ખૂબ જ નબળાઇ હતી. તેથી બે દિવસ તે ખાટલામા જ પડ્યો રહ્યો.
ચોવીસ કલાકની મહેનત બાદ તેને ભાનમાં આવેલો જોઇ આમીન અને ડોસો-ડોશી ખૂબ જ ખુશ થયાં હતાં.
હા, તે વ્યકિત ખુદ આનંદ શર્મા હતો. એક અજનબીની પ્રેમભરી ખરા દિલથી કરેલી સેવાથી આનંદ શર્માને નવું જીવન મળ્યું હતું.
પણ આનંદ શર્માનું નસીબ બે ડગલાં પાછળ હતું.
અઠવાડિયા પછી જ્યારે ડોસાને ખબર પડી કે આ માણસ પાકિસ્તાનનો નહીં પણ ભારતીય છે, ત્યારે તે ચૂપાચૂપ પાસેના પોલીસ થાણામાં જઇને આનંદ વિષે બાતમી આપી આવ્યો એને તરત આનંદને અરેસ્ટ કરીને પોલીસ થાણામાં લઇ જવામાં આવ્યો. એટલું સારું હતું કે આનંદ શર્માના ખિસ્સામાં તેના આઇકાર્ડ કે બીજી કોઇ ઓળખાણ પત્ર ન હતા. આનંદ શર્મા અંજારથી ભાગતી વખતે જ એક જગ્યાએ તે બધું છુપાવી આવ્યો હતો. હા તેની પાસે ભારતીય કરન્સીના સો રૂપિયાની અને દસ, પચાસ રૂપિયાની નોટો મળી આવી હતી.’
આનંદ શર્મા પોતાના અતીતમાંથી પાછો ફર્યો. તેની વિચાર ધારા તૂટી. તેની આંખોમાં આંસુ ધરી આવ્યા.
‘આ બધી વિગત મને આમીરે કરી હતી. આમીર ભલો અને નેક દિલનો ઇન્સાન હતો. તે લોકોએ ભલે મને પોલીસના હવાલે કર્યો હતો, પણ મારો જીવ પણ તે લોકોએ જ બચાવ્યો હતો. ’
‘પોલીસ ખૂબ જ પૂછપરછ કરતી રહી પણ મેં મક્કમતા સાથે મોંને બંધ જ રાખ્યું આખરે મને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને પાકિસ્તાનની જાસૂસી કરવા આવ્યો હોવાનું મારી પર ઠોકી બેસાડી દેશદ્રોહના કેસમાં મને કરાંચીની સેન્ટ્રલ જેલના તહેખાનામાં પૂરી દેવામાં આવ્યો.
‘જેલરે મારા પર અમાનુષ ત્રાસ ગુજાર્યો હતો. મને ખૂબ જ ટોર્ચર કરવામાં આવ્યો હતો. આખરે થાકીને મને કાળ કોટડીમાં પૂરી દેવામાં આવ્યો. ત્યારબાદ તે ભારત સામે પાકિસ્તાન મેચ હારે કે ભારતની સરકાર પાકિસ્તાન વિશે કંઇ બોલે તો તરત જેલર કાળ કોટડીમાં ઉપસ્થિત થતો અને મને મારી-મીરને તોડી નાખતો. દસ-દસ વર્ષથી માર ખાઇને હવે હું ટેવાઇ ગયો હતો.’ હસતાં-હસતાં આનંદ બોલ્યો.
‘અરે...! તને યાર જેલમાં જ મજા આવતી હોય તો પાછા પૂરી આવીએ,’ કદમ બોલ્યો. અને સૌ કદમની વાત પર ખડખડાટ હસી પડ્યા.
‘કદમ...તારો પરિચય મળ્યા પછી મને વિશ્વાસ બેસતો ન હતો કે તે નાનો છોકરો આજ ‘‘રો’’ નો અધિકારી બની ગયો છે. ખરેખર સોમદત્તજીએ વચન નિભાવ્યું અને તને મોટો ઓફિસર બનાવ્યો...’ આનંદ શર્મા બોલ્યો.
‘આનંદ...ભાઇ એટલે જ મને સોમદત્તજીએ કરાંચી મોકલાવ્યો. કચ્છની ધરતીનું મારા પર ઋણ છે. અને મને સહારો આપી, આટલી ઉંચાઇએ પહોચાડવામાં સોમદત્તજી અને તમારો પણ ઋણી છું. અને આ ઋણ ઉતારવા તમને છોડાવી પાછા ભારત લઇ જવા માટે જ હું આવ્યો છું,’ ગદ-ગદ થઇ જતાં કદમ બોલ્યો.
બે દિવસ તો સૌ અજ્ઞાત વાસમાં રહ્યા. અબ્દુલા ટેક્ષી લઇને કરાંચીના રસ્તા પર સવારથી જ ચક્કર લગાવવા નીકળી પડતો અને પોલીસની એક્ટિવિટી પર સતત નજર રાખતો રહેતો
ત્રીજા દિવસે પોલીસ ચેકિંગ થોડું હવળુ થયું. પોલીસ પેટ્રોલિંગ ઓછું થયું તેના સમાચાર બપોરના અબ્દુલાએ આપ્યા.
‘પ્રલય હવે આપણે નીકળી જઇએ તો...?’ કદમે પૂછ્યું.
‘હા...આજ ત્રીજો દિવસ થયો છે. પોલીસને લાગ્યું હશે કે આપણે છટકી ગયા છીએ તેથી પેટ્રોલિંગ ઓછું થયું છે. કાલ વહેલી સવારના આપણે વેશપરિવર્તન કરીને ભાગી જઇએ.’
‘જુઓ, આ નેવીગેશન સિસ્ટમમાં આપણે ક્યા રસ્તેથી ભાગી છૂટવું તેનો ટાર્ગેટ મેં ફિક્સ કર્યો છે. એક વખત આપણે તે ચેક કરી લઇએ અને અબ્દુલા પણ તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લે.’ નેવીગેશન સિસ્ટમ બેગમાંથી બહાર કાઢી ચાલુ કરતાં કદમ બોલ્યો.
‘હવે જુઓ...’ નેવીગેશન સિસ્ટમ ચાલુ થતાં કદમ સૌ સામે જોઇને બોલ્યો.
નેવીગેશન સિસ્ટમમાં કરાંચીના રસ્તા અને સ્થળોના ઉલ્લેખવાળો મેપ (નકશો) ર્દશ્યમાન થતો હતો.
‘જુઓ, આ સેન્ટ્રલ જેલ અને આ આગળ લીઆરી એક્સપ્રેસ હાઇવે, હવે આ ઉસ્માનિયા કોલોની, હવે આ આવ્યો આમીદ હસીમ રજા હાઉસ ચોક ત્યાંથી આગળ જન્નતેહુર ગાર્ડન, ત્યાંથી આ અવારી ટાવર્સ, હવે, આ પોઇન્ટ જુઓ જ્યાં અત્યારે આપણે છીએ તે અબ્દુલાનું મકાન હવે આપણે લીઆરી એક્સપ્રેસ હાઇવે પર આગળ વધીશું કે આગળ બે કિલોમીટર પછી ધોબીઘાટ આવશે. ત્યાંથી આગળ પોલીસના ક્વાર્ટર એટલે રેસીડેન્સી એરિયા, તેનાથી આગળ જતાં જામા મસ્જિદ આવશે. ત્યાંથી આગળ એક ઓવરબ્રીજ નીચેથી પસાર થઇને આપણે મછાર કોલોની પહોંચશું, મછાર કોલોનીથી લગભગ દસ કિલોમીટર પછી મેગ્રોસના જંગલોમાંથી પસાર થવુ પડશે. હવે આપણે મેગ્રોસના જંગલો પૂરા થતાં જ કરાંચીની ખાડીમાં પહોંચી જશું. બસ ત્યાંથી જ બોટ વાટે આપણે સીધા દરિયાઇ માર્ગે કચ્છના કોટેશ્વરી ખાડી પહોંચી જશું.’ કદમ બોલ્યો.
‘પણ...આપણા માટે બોટની વ્યવસ્થા કેવી રીતે થશે...?’ આદિત્યે પૂછ્યું.
‘આદિત્ય...મચ્છાર કોલોની પર ચારે તરફ માછીમારો રહે છે અને તે કરાંચીની ખાડીમાં માછીમારી કરે છે. આપણને ત્યાંથી બોટ ચોક્કસ મળી જશે.’ પ્રલયે કહ્યું.
‘બરાબર...મારો એક ખારવો મિત્ર માછીમાર છે. આપણને તેની પાસેથી બોટ મળી જશે...’ ચપટી વગાડતાં અબ્દુલ્લા બોલ્યો.
‘પણ તે પોતાની બોટ આપણને આપી દેશે...?’ પ્રલયે પૂછ્યું.
‘હા, એ વાત તો છે. કારણ કે તમે તો ભારત ચાલ્યા જશો, પછી તેની બોટ તેને પાછી ક્યાંથી મળે...પણ હા...આપણે તેને સારા પૈસા આપીને વેચાતી લઇ શકીએ છીએ.’
‘નહીં...પાછળથી પોલીસ તેને હેરાન કરશે. તેના કરતાં બોટ ચોરાવી લેવી સારી રહેશે...’ પ્રલયે કહ્યું.
સવારના પાંચ વાગ્યાના ટાઇમે સૌ અબ્દુલાની ગાડીમાં લીઆરી એક્સપ્રેસ હાઇવે પર આગળ વધી રહ્યા હતા. સૌ પઠાણના વેશમાં પરાધીન થયેલ હતાં. મોં પર દાઢી-મૂછ, આંખો પર કાળાં ચશ્મા અને પઠાણી ઝભ્ભો અને સુરવાલમાં કોઇ જ તેમને ઓળખી શકે તેમ ન હતા. લગભગ અડધા કલાકમાં જ તેઓ આમીર હસીમ રજા હાઉસ સર્કલ પાસેથી વિધ્ને પસાર થઇને આગળ નીકળી ગયા. પોલીસ રોડ પર ગાડી માખણની જેમ સરકતી પૂરપાટ વેગે આગળ વધી રહી હતી.
સવારનો મંદ-મંદ ગતિથી ઠંડો પવન વાઇ રહ્યો હતો. આજ આસમાન ચોખ્ખું દેખાતું હતું. વરસાદ પડી ગયો હોવાતી પ્રકૃતિ સોળે કળાએ ખીલી હતી. સવારના સાડાસાત વાગ્યાના ટાઇમે સૂર્યનારાયણે કરાંચીની ધરતી પર દર્શન આપ્યા. ત્યારે તેઓ અવારી ટાવર્સને પાછળ મૂકીને ઘણા આગળ વધી ગયા હતા. ધોબીઘાટ પાસે પહોંચ્યા ત્યારે નવ વાગ્યાનો સમય થયો હતો. ધીરે-ધીરે હાઇવે પર ટ્રાફિક વધી રહ્યો હતો. હાઇવે પરની એક હોટલ પાસે અબ્દુલાએ ગાડી ધીમી કરી અને નજર ફેરવી. કોઇ પોલીસના માણસો તેમની નજર ન ચડ્યા એટલે તેમણે હોટલ પાસે ગાડી ઊભી રાખી. સૌએ હોટલ પર ચા-નાસ્તો કર્યો. ત્યારબાદ આગળ વધ્યા.
ગાડી પૂરપાટ વેગે દોડી રહી હતી. સૌ વાતો કરતા-કરતા નિરાંતે બેઠા હતા. કદમ અને આનંદ સિગારેટ પી રહ્યા હતા.
‘કદમ તારી પાસે બે સિગારેટનાં પેકેટ ખિસ્સામાં છે. એક પેકેટમાં ફક્ત બે જ સિગારેટ છે. જે હાથમાં આવતાં તું તેને ફરીથી ખિસ્સમા મૂકી દે છે અને બીજા પાકિટમાંથી સિગારેટ કાઢીને સળગાવે છે, તેનું રાજ શું છે...?’ આનંદે પૂછ્યું.
‘ભાઇ...આનંદ તું આનંદથી સિગારેટ પી બાકીનું બધું તને સમય બતાવશે...’ હસતાં-હસતાં કદમ બોલ્યો.
ચિઇઇઇ..એકા-એક અબ્દુલાએ ગાડીને બ્રેક મારી અને બ્રેક લાગતાં ટાયરો ડામરના રોડ સાથે ભયાનક ચીસો નાખતાં-નાખતાં ચોંટી ગયાં.
પોલીસ...સર જુવો સામે ચેક-પોસ્ટ પાસે પોલીસ ઊભી છે...હવે...? માથા પરનો પરસેવો એક હાથે લૂછતાં અબ્દુલા બોલ્યો.
‘અબ્દુલા...ગાડી આગળ જવા દે ચહેરા પરના હાવ-ભાવ નોર્મલ કરી નાખ...પડશે તેવા દેવાશે ચિંતા ન કર...’ પેન્ટના ખિસ્સામાં મૂકેલી રિવોલ્વર પર હાથ ફેરવતાં પ્રલયે કહ્યું.
‘ચાલ...નોર્મલી ગાડીને આગળ જવા દે...વાંધો નહીં...કદમે કહ્યું અને અબ્દુલાએ ગાડીને આગળ ધપાવી. તેની આગળ એક મારુતિ અને એક એમ્બેસેડર ગાડી ઊભી હતી. અબ્દુલાએ ગાડીને તેની પાછળ લાઇનમાં ગોઠવી.’
‘ચાલો..નેકસ્ટ...’ અબ્દુલા તરફ ઇશારો કરતાં ત્યાં ઊભેલો ઇન્સ્પેક્ટર બોલ્યો, અને અબ્દુલાએ તેની સાઇડમાં ગાડીને આગળ ચલાવી ઊભી રાખી.
‘ક્યાંથી આવો છો...?’ તે ઇન્સ્પેકટરે કડક શબ્દમાં પૂછ્યું.
‘સર...અમે લાહોરથી આવ્યા છીએ...’ એકદમ શાંતિથી કદમે જવાબ આપ્યો. અને સર...આગળ જામા મસ્જિદ નમાઝ અર્જ કરવા જઇએ છીએ.’
‘ગાડીના કાગળ બતાવ...’ અબ્દુલા તરફ જોઇ તે ઇન્સ્પેક્ટર બોલ્યો અને અબ્દુલા ડેસ્ક બોર્ડમાંથી ગાડીના કાગળો કાઢી તે ઇન્સ્પેક્ટરના હાથમાં મૂક્યા, ઇન્સ્પેક્ટર કાગળો ચેક કરવા લાગ્યો.
અચાનક પ્રલય ર્હદયના બે-ચાર ધબકારા ચૂકી ગયો અને સ્તબ્ધ થઇને લાઇનમાં આગળ ઊભેલી મારુતિને ચેક કરતા ઇન્સ્પેક્ટરને જોઇ રહ્યો.
પ્રલયના ચહેરા પર બદલાયેલા હાવ-ભાવ જોઇને કદમ પણ ચોંકયો અને તેણે પણ પ્રલય જે તરફ નજર કરી જોઇ રહ્યો હતો. તે તરફ ચહેરો ફેરવી નજર કરી.
ધક...ધક...ધક...તેના ર્હદયના ધબકારા પણ તે જ થઇ ગયા.
આગળ લાઇનમાં ઊભેલી મારુતિને ચેક કરતો ઇન્સ્પેક્ટર આફ્રિદી ઊભો હતો.
‘ચાલો...આગળ જવા દ્યો...નેકસ્ટ...’ અબ્દુલાને ગાડી આગળ વધારવા અને તેના પાછળ ઊભેલી ગાડીને તેની પાસે આવવા માટે તે ઇન્સ્પેક્ટરે ઇશારો કર્યો.
અબ્દુલાએ ગાડીને ગીયરમાં નાખી આગળ વધારી. જેવી તે મારુતિ ચેક કરતા ઊભેલા ઇ.આફ્રિદી પાસેથી પસાર થઇ કે તરત આફ્રિદીએ પોતાની નજર ફેરવી અને અબ્દુલાની ગાડી તરફ જોયું અને તે સંગદિત ભાવ સાથે જોતો જ રહ્યો અને અબ્દુલાની ગાડી પસાર થઇ ગઇ. ગાડી ચેક-પોસ્ટ પાસે મૂકેલા પીપ વચ્ચે આડી અવળી રસ્તેથી પસાર થઇ આગળ નીકળી ત્યારબાદ અબ્દુલાએ લીવર પર એકદમ પગનું દબાણ આપ્યું અને ગાડી છૂટેલી ગોળીની ગતિથી આગળ વધી ગઇ.
‘તે આપણને ઓળખી ગયો..ખૂબ જ સંગદિત હાવભાવ સાથે આપણી સામે જોઇ રહ્યો હતો..’ પ્રલય બોલ્યો.
‘તેને વહેમ આવ્યો હોય તેવું તો લાગ્યુ, પણ તેણે આપણને રોક્યા નહીં અને જવા દીધા. તે ઓળખવામાં ચોક્કસ થાપ ખાઇ ગયો છે.’ હસતાં-હસતાં કદમ બોલ્યો.
‘કોણ હતું...?’ ગાડીના કાગળ ચેક કરતા ઇન્સ્પેક્ટર તરફ ધ્યાન આપતા બેઠેલા આદિત્ય અને આનંદે એક સાથે પૂછ્યું.
આપણો કાકો આફ્રિદી આગળ ઊભો હતો...’ હસતાં હસતાં કદમ બોલ્યો.
‘શું...? ઇ.આફ્રિદી અહીં ઊભો હતો...? બંને ઊછળી પડ્યા.
‘હા, અને આપણી સામે સંગદિત ભાવે જોઇ પણ રહ્યો હતો.’
‘હાશ...બાલ-બાલ બચી ગયા. મારી નજર તો ઇ.આફ્રિદી પર પહેલાં જ પડી ચૂક હતી. પણ હું આપ સૌને ચેતવું તો તેને વહેમ જાય એટલે નોર્મલ હાવ-ભાવ સાથે જ તે ચેક કરતા ઇન્સ્પેકટરે જવાબ આપી રહ્યો હતો.’ અબ્દુલા બોલ્યો.
‘થેન્કસ...દોસ્ત તે અમને ઘણી મદદ કરી છે.’ પ્રલયે કહ્યું.
ધીરે-ધીરે કરાંચી શહેર પાછળ રહી ગયું, સીટીમાંથી બહારના રસ્તા પર તેઓ આગળ વધતા રહ્યા, બપોર પડી ચૂકી હતી. પોલીસ હેટ ક્વાર્ટર વિના વિધ્ને પસાર કરી જામા મસ્જિદ પાસે કારમાંથી જ માથું ઝુકાવી તેઓ આગળ વધી ગયા.
સતત મુસાફરી કરી સૌ થાકી ગયા હતા પણ રાત પહેલાં તેઓને મચ્છાર કોલોની પહોંચવાનું હતું.
સાંજ પડવા આવી. હાઇવે પાછળ રહી ગયો. એક મોટા ઓવરફ્લાય બ્રિજને પસાર કરી તેઓ હવે સિંગલ પટી રોડ પર આગળ વધતા હતા. અહીં ટ્રાફિક નહીંવત હતો.
રોડની બંને તરફ ગીચ બાવળની ઝાડી ઊગેલી હતી અને દરિયાઇ ઠંડો પવન વાઇ રહ્યો હતો. ધીરે-ધીરે સૂર્યનો લાલગોળો પૃથ્વીની ક્ષિતિજ તરફ ઢળતો જતો હતો. સૂર્ય આથમી ગયો અને તે સાથે જ ચારે તરફ ગાઢ અંધકાર છવાઇ ગયો.
સુ...ઉ...ઉ..ઉ...બાવળની ઝાડીઓમાંથી પસાર થતો પવન ભયાનક શોર મચાવતો હતો અને દૂર-દૂર પાણીના ઘુઘવાટોનો અવાજ પણ સંભળાતો હતો. દૂર-દૂર ટમ-ટમતા તારલિયા જેવી મચ્છાર કોલોનીના દીવા બળતા પણ દેખાઇ રહ્યા હતા.
‘હવે આપણે મચ્છાર કોલોની પાસે પહોંચી ગયા છીએ...’ એક સાઇડ રસ્તા તરફ ગાડીને વાળતાં અબ્દુલા બોલ્યો.
‘યાર...ખૂબ જ ભૂખ લાગી છે. કાંઇ જમવાનો બંદોબસ્ત કર...’ આનંદ બોલ્યો.
‘બસ...આપણે હમણાં જ મચ્છાર કોલોની પહોંચી જશું, પછી મારા મિત્રના ઘરે જમી લેશું...’
થોડીવારમાં જ તેઓ મચ્છાર કોલોની પહોંચી ગયા.
તે કરાંચીની ખાડી હતી. અહીં દરિયો છીછરો હતો. તેથી મોટા જહાજ આ તરફ આવતાં ન હતાં. પણ મચ્છુઆરા અહીં નાની બોટો દરિયામાં લઇ જઇ મચ્છીમારી કરતા હતા.
દરિયાનો ભયાનક ઘુઘવાટ સાથે પવન જોર-શોરથી વાઇ રહ્યો હતો. ચારે તરફ નાનાં-નાનાં ઝૂંપડાં બનેલાં હતાં. અંધકારમાં લાલટેનનો આછો-પીળો પ્રકાશ ચારે તરફ ફેલાયેલો હતો. અને હવામાં મચ્છીની દુર્ગંધ ફલાયેલી હતી.
અબ્દુલાએ ગાડીને એક ઝૂંપડાં પાસે ઊભી રાખી. તે માટીની દીવાલો પર એસ્બેસ્ટોસનાં પતરાં રાખીને ઝૂંપડું બનાવેલું હતું. તે ઝૂંપડાની બહાર ફરતે બાવળનાં કાંટા ભર્યા ડાળખાથી વાડ બનાવેલી હતી. ઝૂંપડાનાં ટોડલા પર એક લાલ ટેન પીળો મંદ પ્રકાશ વેરી રહી હતી. ઝૂંપડાની બહાર બે નાના છોકરા ટૂંકી ચડ્ડી અને ગંજી પહેરીને મેલા-ઘેલા શરીર સાથે રમી રહ્યા હતા. એક મજબૂત બાંધાનો અને પહોળા સિનાવાળો માણસ ખાલી લુંગી પહેરીને પથ્થર પર મૂકેલા એક લાકડાના પાટિયા પર બેઠો હતો.
અબ્દુલા બાવળનાં ડાળખાંઓની બનાવેલી વાડના લાકડાના પાટિયાથી બનાવેલ નાનો ગેટ ખોલીને અંદર ગયો.
‘અબે ઓ અલ્લારખા અસલ્લા માલે કમ સલામ,’ સામે બેઠેલા તે શખ્સ તરફ હાથ હલાવી અબ્દુલ્લા બોલ્યો.
‘અરે...અરે...અબ્દુલા...વાલે કમ સલામ...આવ...આવ...ભાઇ ઘણા સમય પછી આ તરફ દેખાયો.’ ઊભો થઇને સામે આવતા તે શખ્સ જેનું નામ અલ્લારખા હતું તે બોલ્યો, અને દોડીને અબ્દુલાને ભેટી પડ્યો.
અબ્દુલાને જોઇને ત્યાં રમતાં તે બે છોકરાં પણ અબ્દુલા પાસે દોડી ગયાં, ‘કાકા...કાકા...’
‘આવો...આવો...મારા જીગર લ્યો તમારા માટે હું યાદ કરીને ઘણી બધી ટ્રોફીઓ લાવ્યો છું. ખિસ્સામાંથી મૂઠી ભરીને ચોકલેટો કાઢી છોકરાઓને આપતાં અબ્દુલા બોલ્યો.
‘ભાઇ જાન...આવો...આવો...કેમ છો...?’’ અલ્લારખાની પત્ની બહારનો અવાજ સાંભળી ઝૂંપડાની અંદરથી બહાર આવતાં બોલી.
‘ભાભીજાન, બસ અલ્લાતાલાની દુવાથી મઝામાં છું. આપ પણ ખેરિયતમાં હશો...’ અબ્દુલા નીચા નમી પગે લાગતાં બોલ્યો.
‘હા, ભાઇ જાન...અલ્લા વાડો આય. અમે સૌ આનંદ ખેરિયતમાં છીએ.’
‘ભાભી જાન...મારા સાથે મારા મિત્રો પણ આવ્યો છે અને ભાભી અમે સૌ એકદમ ભૂખ્યા છીએ જલદી ખાવાનું બનાવો.’
‘અરે...તમારા દોસ્તો ક્યાં છે. તેઓને અંદર બોલાવો ચા-પાણી પીઓ હું હમણાં જ ભોજન બનાવી નાખું છું.’ ડોકને ઊંચી કરી બહારની તરફ જોતાં અલ્લારખાની પત્ની બોલી અને જલદી-જલદી અંદર પાણી લેવા માટે ચાલી. તે કાળી ડિંબાગ રાત્રી હતી. આકાશમાં વાદળો છવાયેલા હતાં. વાતાવરણમાં એકદમ ઉકળાટ થતો હતો. દરિયાનાં પાણી ભયાનક શોર મચાવતાં ઊછળી રહ્યાં હતા. હમણાં જ વરસાદ તૂટી પડશે તેવું લાગતું હતું.
જમી પરવારીને સૌ અલ્લારખાના ઝૂંપડાની બહાર મૂકેલા મોટા પથ્થરો પર બેઠા-બેઠા વાતો કરતા હતા.
રાત્રીના ભોજન લઇ એક-બે કલાક આરામ કરીને સૌ આગળ જવા રવાના થવાના હતા. અબ્દુલાએ અલ્લારખાને સમજાવ્યું હતું કે તેઓ જામા-મસ્જિદ પર નમાઝ અદા કરવા માટે આવ્યા હતા અને ઘણા સમયથી તને મળ્યો ન હોવાથી તને મળવા માટે અને ભોજન કરવા માટે જ તેઓ મચ્છાર કોલોની પર આવ્યા હતા.
પ્રલયે પોતાના રેડિયમ યુક્ત ઘડિયાળના કાંટા તરફ નજર ફેરવી.
‘ચાલો હવે આપણે નીકળવું જોઇએ. અડધી રાત્રીની મુસાફરી કર્યા બાદ આપણે કરાંચી સિટીમા પહોંચીશું...’ સૌ તરફ નજર ફેરવી પ્રલય બોલ્યો.
‘હા...દોસ્ત મારે આખી રાત ગાડી ચલાવવાની છે. ઘણું અંતર કાપવાનું છે. ચાલો...ચાલો...’ ઊભા થતાં અબ્દુલા બોલ્યો. પછી અલ્લારખા તરફ નજર ફેરવી બોલ્યો. ‘ચાલ દોસ્ત અમે હવે નીકળશું. તું ભાભીજાન અને મારા ભત્રીજાઓને લઇને જલદી મારા ઘરે બે-ચાર દિવસ રોકવવાનું કહીને આવજે.’
‘ચોક્કસ...દોસ્ત,’ વળાવવા માટે ઊભા થતાં અલ્લારખા બોલ્યો.
કદમે અલ્લારખાના બાળકોના હાથમાં પાકિસ્તાન કરન્સીના બસો રૂપિયા આપ્યા, ત્યારબાદ અલ્લારખાની વિદાય લઇ સૌ ગાડીમાં બેઠા અને અબ્દુલાએ ગાડી મારી મૂકી.
ધૂળોની ડમરીઓ ઉડાડતી ગાડી પૂરપાટ વેગે મંજિલ તરફ દોડી રહી હતી.
‘ભાઇ જાન સાંભળો આગળ વીસ કિલોમીટર પછી મેગ્રોસનાં જંગલ શરૂ થશે. હું તમને તે જંગલ અંદર જ્યાં સુધી રસ્તો જાય છે ત્યાં સુધી મૂકીને પાછો વળી જઇશ, ત્યારબાદ લગભગ દસથી બાર કિલોમીટર તમારે તે ભયાનક ગાઢ જંગલમાં પગપાળા ચાલવું પડશે. પછી તમને દરિયાદેવનાં દર્શન થશે. કરાંચીનો તે ખાડી પર ઘણી બોટો પડી હશે. તમારે ચૂપાચૂપ એક બોટને છોડાવીને ભાગવાનું થશે. રાત્રીનો આ ગાઢ અંધકાર તમને સાથ આપશે...બરાબર...?’
‘દોસ્ત...અબ્દુલ્લા, તારો આ અહેસાન મને જિંદગીભર યાદ રહેશે...તું મને મળ્યો ન હોત તો અમારું કરાંચીમાંથી ભાગી છૂટવાનું કદાચ શક્ય ન બન્યું હોત દોસ્ત, તારો ખૂબ ખૂબ આભાર...’
‘અરે...ભાઇજાન એક તરફ દોસ્ત કહો છો, અને બીજી તરફ આભાર માનો છો...ખુદા કસમ, તારા માટે કદાચ જાન પણ આપવી પડતને તો આપી દેત દોસ્ત...’
ધીરે-ધીરે મેગ્રોસનાં ગાઢ જંગલોની શરૂઆત થતી હતી.
‘દોસ્તો...જંગલની શરૂઆત થઇ ચૂકી છે. આ મેગ્રોસનાં જંગલો કહેવાય છે. અહીં એક વિચિત્ર વનસ્પતિ થાય છે. જે વનસ્પતિને પાંદડાં હોતાં નથી અને તે વનસ્પતિ શ્વસનક્રિયા માટે પોતાનાં મૂળિયાંનો ઉપયોગ કરે છે.’ અબ્દુલ્લાએ માહિતી આપી.
આગળ રસ્તો પૂરો થતો હતો. અબ્દુલાએ ગાડી થોભાવી.
સૌ ગાડીમાંથી નીચે ઊતર્યા.
અબ્દુલા પણ નીચે ઊતર્યો અને કદમ પાસે આવીને ભેટી પડ્યો.
‘ખુદા તારી રક્ષા કરે...દોસ્ત તું હેમખેમ પહોંચી જા, એટલે મને જરૂર ફોન કરજે...’ અબ્દુલા બોલ્યો. તેનો સ્વર એકદમ ગળગળો થઇ ગયો અને આંખમાં ભીનાશ તરી આવી.
‘ચોક્કસ...દોસ્ત...હવે તો તું મારો જીગર દોસ્ત બની ગયો છે, હું તને અવાર-નવાર ફોન કરતો રહીશ, મારી જરૂર પડે તો બેધડક મને જાણ કરજે, અને આ લે પૈસા તું રાખ. હવે મારે પાકિસ્તાન કરન્સીની જરૂર નથી પડવાની છતાં જરૂર પૂરતા રાખું છું, બાકીના આ પાંચ હજાર તું રાખી લે...’
‘નહીં દોસ્ત...મને પૈસાની જરૂર નથી, તારા જેવા દોસ્તની જરૂર છે...’ આંખોમાં આવેલ આંસુના બે બુંદને આંગળી વડે લૂછતાં અબ્દુલા બોલ્યો.
‘અરે...યાર રાખ, તને કામ આવશે...તું ઘરે ભાભીજાનને આપી દેજે, બસ... ‘અબ્દુલાના ખિસ્સામાં રૂપિયા નાખતાં કદમ બોલ્યો.
ત્યારબાદ અબ્દુલા પ્રલય, આદિત્ય અને આનંદ શર્માને પ્રેમપૂર્વક ભેટ્યો પછી સૌની વિદાય લઇ ગાડીમાં બેઠો.
અબ્દુલાએ ગાડી ચાલુ કરી ગિયરમાં નાખી સૌ તરફ હાથ હલાવી મૌક વિદાય લીધી અને યુ ટર્ન લઇને ફરીથી ગાડીને કરાંચી તરફ મારી મૂકી.
***