Dhartinu Run - 9 - 4 books and stories free download online pdf in Gujarati

ધરતીનું ઋણ - 9 - 4

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

મોતની બાજી

ભાગ - 4

પાચંમી મંજિલનું ર્દશ્ય જોવા જેવું હતું.

ગંજી અને ચડ્ડી પહેરેલ ઈ. આફ્રિદી લોબીમાં વચ્ચે બે પગ બે હાથના સહારે ચોપગો બનીને ઊભો હતો. બધા પોલીસવાળા લોબીની ફરેત લાઈનસર હાથ ઊંચા રાખીને ઊભા હતા. કદમ સૌની રાયફલો લિફટમાં મુકાવ્યા પછી લિફટને 21મી મંજિલ પર ધકેલી દીધી હતી. ઈ. આફ્રિદીનો ચહેરો રોષ અને દહેશતથી ચકળ-વકળ થતો હતો. પોલીસ બેડામાં તે ખતરનાક ઈન્સ્પેક્ટર લેખાતો, પોલીસ સ્ટાફમાં તેની ધાક હતી. સૌ તેનાથી બીને ચાલતા તે ઈ. આફ્રિદી આજ તેમના જ પોલીસવાળાઓની સામે ચડ્ડી, ગંજીમાં ચોપગો જાનવરની જેમ ઊભો હતો.

‘ચાલ બેટા, આફ્રિદી વાંદરાની જેમ ચારે પગે ઉછળકૂદ કરતો નાચવાનું ચાલુ કર... જો સારું નાચ્યો તો તને જરૂર ઈનામ આપીશ. ચાલ મારા વીરા... આજ તો હો જાય રંગીલી રાત...’ કદમ બોલ્યો.

‘હરામખોર... મારા બાપના સોગંદ તને હું વતો નહીં મૂકું,’ અચાનક ઊભો થવાની કોશિશ કરતો ઈ. આફ્રિદી ચિલ્લાયો.

ધાંય... અચાનક કદમની રિવોલ્વરમાંથી ભયાનક શોર મચાવતી એક ગોળી છૂટી અને ઈ. આફ્રિદીના ગાલ પર ઘસરકો કરતી પસાર થઈ સામેની દીવાલમાં ઘૂસી ગઈ.

ઈ. આફ્રિદી હક્-બક્કો રહી ગયો. તે ધ્રૂજી ઊઠ્યો. તેના ગાલમાં પડેલ ચીરામાંથી લોહી દળ... દળ... કરીને વહેવા લાગ્યું.

‘ચાલ... ચાલ... યાર આફ્રિદી, હવે તો મારાથી રહેવાતું નથી. જલદી નાચ...ચાલ... તાક થૈયા... તાક થૈયા... શાબાશ હવે તો નાચવામાં કરાંચી આખામાં તારો પહેલો નંબર આવશે... શાબાશ...’

ખૂબ જ હાસ્યભર્યું તે ર્દશ્ય હતું. ઈ. આફ્રિદી બે હાથ – બે પગે વાનરની જેમ આમ-તેમ ઠેકડા મારતો હતો. પ્રલય, આદિત્ય અને આનંદ શર્મા હસી-હસીને બેવડા વળી જતા હતા. ઘણાય પોલીસના યુવાનો પણ સાથે હસતા હતા.

‘બસ.... બસ.. બાટ આફ્રિદી, જા તને પહેલો નંબર આપ્યો. થા રાજી તુંય યાદ કરીશ કે હતો કોઈ ભડનો દીકરો જેણે મારી કદર કરી...’ જાણે આફ્રિદીને લાખોનું ઈનામ ખુશ થઈને આપ્યું હોય તેમ છાતી ફુલાવતાં કદમ બોલ્યો.

બીક અને દહેશત સાથે ધ્રૂજતો ઈ. આફ્રિદી ઊભો થયો. હવે તેને કદમની બીક લાગવા મંડી હતી, તેને સમજાતું ન હતું કે માણસ કેક છે કે પછી...

‘ભાઈ... મારી આ રિવોલ્વરને પકડ,સ આ ઈન્સ્પેક્ટરની અદાથી ખુશ થઈને મને પણ નાચવાનું મન થાય છે.’ પરલયનો રિવોલ્વર આપતાં કદમ બોલ્યો.

‘બસ હવે ઘણું થયું. આપણે હવે જલદી અહીંથી નાસી છૂટવું પડશે..’ કદમને સમજાવતાં પ્રલય બોલ્યો.

‘ના... ભાઈ ના મારે તો ડાન્સ કોમ્પિટેશનમાં ભાગ લેવો છે. અરે... આજ તો કરીચીના પોલીસના યુવાનોને આનંદ કરાવવો છે. ચાલો સૌએ મારી સાથે નાચવાનું છે. પણ કોઈએ પોતાની જગ્યા મૂકવાની નથી. ચાલ.... ચાલ... આફ્રિદી તું પણ યાર નારાજ થયા વગર આનંદથી નાચ.... ચલો.... શરૂ....’

“માય નેમ ઈઝ શીલા... શીલા કી જવાની... આંખો સેક્સી બોય હો તું મૈં તેરે હાથ ન આઈ”.... રરર....પમમમ....શીલા... શીલા કી જવાની...” કદમ જોર-જોરથી ઠેકડા મારતો નાચતો હતો. સાથે ઈ. આફ્રિદી અને બધા પોલીસના યુવાનો એક તે પેટવાળા જમાદાર વાય સૌ નાચતાં હતાં.

થોડીવાર તો સૌ ભૂલી ગય કે પોતે પોલીસવાળા છે અને તેઓ કેદીઓને પકડવા આવેલ ચે.

ધાપ.... ધાપ... ધાપ... અચાનક પ્રલયે હવામાં ફાયર કર્યા.

શીલા કી જવાની અટકી ગઈ... સૌ એકાએક થંભી ગા.

‘કદમ... હવે બહુ થયું ચાલ બંધ કર તારો બકવાસ....’

‘ભલે ભાઈ, જેવી તારી આજ્ઞા પણ મારે રેલગાડી તો બનાવવી જ પડશે...’ કદમ કહ્યું.

‘રેલગાડી.... એ વળી ક્યં નવું નાટક છે?’

‘જો ભાઈ... મેં પુરાણા ખંડેર કિલ્લામાં રેલગાડી બનાવી હતી અને જેલરના બધા સૈનિકોને કિલ્લા પર ચડાવી દીધા હતા અને તે સુવ્વર જેલરને સ્પેશિયલ ખુદાગંજ એક્સપ્રેસમાં રવાનો કરવો પડ્યો હતો.’

‘તેં જેલરને મારી નાખ્યો...?’ આનંદ શર્મા બોલ્યો.

‘હા... આનંદ તેણે મારા મિત્ર મુસ્તફાને મારી નજર સામે જ મારી નાખ્યો હતો.’

‘મુસ્તફા મૃત્યુ પામ્યો છું...?’ પ્રલયે આશ્ચર્ય અને દુઃખ સાથે પૂછ્યું.

‘હા... ભાઈ, તે જેલરે મુસ્તફાના પેટમાં કેટલીયવાર ખંજર ભોંકાવી તેને મારી નાખ્યો. એટલે જ જેલરને મારી નાખ્યો છે, અને હવે આ ઈ આફ્રિદનો વારો છે. તેણે તમને ખૂબ જ માર માર્યો છે. કેમ... આફ્રિદી... બરાબરને....’ આફ્રિદી સામે ગુસ્સાભેર જોતાં કદમ બોલ્યો.

‘ના...ના ના.... મને મારશો નહીં...’ હેબતાયેલ ઈ. આફ્રિદી બોલ્યો. તેના લોહીથી ખરડાયેલા ચહેરા પર પરસેવાનાં બુંદો ટપકી રહ્યાં હતાં.

એમ... લે... કર વા... તને ન મારું ... હં... પણ આફ્રિદી તેં મારા આ દોસ્તોને બંદકના બટથી પિટાવ્યા ત્યારે તને એમ ન થયું કે આ ઈન્સાન છે... હેં, ન થાય કેમ કે તું ઈન્સાન નથી શેતાન છો શેતાન અને આ દુનિયામાં શેતાનોને જીવવાનો કોઈ અધિકાર નથી. આ દુનિયામાં પ્રેમ અને માનવતા વસે છે સમજ્યો...

‘મને માફ કરો... મને એક મોકો આપ...’ કરગરતાં ઈ. આફ્રિદી બોલ્યો.

‘ઠીક છે... આફ્રિદી જા તને માફ કર્યો, પણ તારે રેલવેનું એન્જિન તો બનવું પડશે અને તારા બધા ડબ્બાઓને 21મી મંજિલ પર લઈ જવા પડશે. બોલ કબૂલ છે, તો જ તને જીવતો મૂકું નહીંતર....’ પ્રલયના હાથમાંથી રિવોલ્વર લઈ ઈ. આફ્રિદી સામે તાકતાં દમ બોલ્યો.

‘તતત તું... તમે કહેશો તેમ કરીશ...’ થોથવાતાં ઈ. આફ્રિદી બોલ્યો.

‘શાબાશ.... મારા દીકરા શાબાશ... ધન્ય છે. તારી જનતાને ઠીક છે,’ કહી કદમે ત્યાં ઊભેલા બધા પોલીસના યુવાનો સામે જોઈને બોલ્યો... ચાલો સૌ ઈ. આફ્રિદીની પાછળ જોડાઈ જાવ અને એક લાંબી ટ્રેઈન બનાવો અને પછી સૌ છુક-છઉક કરતા પગથિયાં મંડો ચડવા અને હા... ટ્રેન વચ્ચે ક્યાંય ઊભી ન રહેવી જોઈએ. છેક 21મી મંજિલ પર પહોંચવી જોઈએ, હં હમણાં જ તમારી પાછળ લિફટમાં એક-એક માળમાં તમને ચેક કરતો ઉપર આવીશ બરાબર... હા, તો ચાલો શરૂ થઈ જાવ અને સૌ સાંભળો...’

સૌએ કદમ તરફ નજર ફેરવી જોયું.

‘દોસ્તો.... મને માફ કરજો... મારે તમારા કોઈની સાથે દુશ્મની નથી. મારાથી કાંઈ ભૂલ થઈ હોય તો સૌની હું ક્ષમા માગું છું. દોસ્તો... ખરેખર ખરા દિલથી હું ક્ષમા માગું છું.’ હાથ જોડી કદમ બોલ્યો.

કદમની આ દિલેરી જોઈ સૌ છક થઈ ગયા.

‘ચાલો ટન...ટન...ટન... ટ્રેન ઊપડવાનો ટાઈમ થઈ ગયા છે.’

‘ચાલો, પો....ઓઓઓ....’ મોંએથી પાવો વગાડતાં કદમ બોલ્યો અને પછી સૌથી આગળ ઈ. આફ્રિદી અને તેની પાછળ જોડાયેલા સૌ પોલીસ યુવાનો છુક-છુક કરતા પગથિયાં ચડવા લાગ્યા.

હા... હા... હા.... પ્રલય આદિત્ય અને આનંદ શર્મા આ ર્દશ્ય જોઈને ખડખડાટ હસતા હતા, પણ ઈ. કદમ ગંભીર મુદ્રામાં આંખો પટપટાવતો ઊભો હતો.

સૌ પોલીસવાળા ગોળાકાર સીડી ચડતા ઉપરની મંજિલ પર પહોંચ્યા કે તરત કદમે લિફટને પાંચમા માળ પર લેવા માટે બટન દબાવ્યું... સરરર... તરત લિફટ પાંચમા માળ પર હાજર થઈ.

‘ચાલો સૌ ફટાફટ લિફટમાં પડેલ હથિયારને ઉપાડો અને સામેની ખંચારીમાં ફેંકી દ્યો, હરીઅપ...’ કહેતાં કદમ લિફટ તરફ દોડ્યો અને એ ભેગા થઈને રાયફલો ઊંચકી અને પાંચમા માળમાં ઓટીએસની બનેલી ખંચારીમાં “ઘા” કરી દીધી.

‘ચાલો સૌ લિફટમાં બધાને એકવીસમાં માળ પર ચડાવી આવીએ, પછી તરત આપણે અહીંથી નાસી છૂટીશું,’ લિફટમાં પ્રવેશતાં કદમ બોલ્યો.

સૌ લિફટમાં પ્રવેશ્યા અને કદમે લિફટને છઠ્ઠા માળ પર લીધી.

ઈ. આફ્રિદીની ટ્રેન છઠ્ઠા માળથી સાતમા માળ તરફ જઈ રહી હતી. સાતથી આઠ, આઠથી નવ એમ કદમે લિફટ દ્વરા છેક વીસમી મંજિલ સુધી તેમનો પીછો કર્યો.

વીસમી મંજિલમાં ઈ. આફ્રિદી એન્ડ કંપનીને એકવીસમી મંજિલ તરફ જતાં જોયા બાદ તરત કદમે લિફટને ગ્રાઉન્ડ ફલોરમાં ઉતારવા માટેનું બટન દબાવ્યું, સરરર... ફટાફટ,... લિફટ 20મી મંજિલથી ગ્રાઉન્ડ ફલોર તરફ સરકવા લાગી.

કદમે હાથમાં પહેરેલા ઘડિયાળ પર એક નજર ફેરવી કરાંચીની આ ધમા-ધમીમાં લગભગ ત્રણ વાગવા આવ્યા હતા.

લિફટ ગ્રાઉન્ડ ફલોર પર આવતાં જ ચારે જણ ઝડપથી લિફટમાંથી નીચે ઊતર્યા.

ગ્રાઉન્ડ ફલોર પર અંધકાર છવાયેલો હતો. ચારે જણા ચુપાચુપ બિલ્ડિંગમાંથી બહાર આવ્યા. બહાર તીવ્ર સન્નાટો છવાયેલો હતો. બિલ્ડિંગના ગેટ પર બે મરક્યુરી લાઈટ બળી રહી હતી. ધીમે-ધીમો વરસાદ પડી રહ્યો હતો. બિલ્ડિંગ કમ્પાઉન્ડનો લોખંડનો ગેટ બંધ હતો. ચોકીદાર આઉટહાઉસમાં બેઠો-બેઠો ઝોકાં ખાઈ રહ્યો હતો.

સૌ કમ્પાઉન્ડમાં આવ્યા, કમ્પાઉન્ડની દીવાલ ફરતે ઊગેલાં લીમડાનાં વૃક્ષોની ઓટમાં છુપાતા સૌ કમ્પાઉન્ડના પાછળના ભાગ તરફ સરક્યા. સૌથી આગળ હાથમાં રિવોલ્વરને મજબૂત રીતે પકડીને કદમ ચાલતો હતો. તેની પાછળ પ્રલય, આનંદ શર્મા અને આદિત્ય સૌ વરસાદમાં ભીંજાતા દીવાલની ઓથે-ઓથે આગળ વધી રહ્યા હતા.

અચાનક આઉટ-હાઉસના કમરામાં ખખડાટ થયો.

સૌ ચોંક્યા અને આગળ વધતા અટકી જઈ એક લીમડાના ઝાડની પાછળ દીવાલના ઓથે ઘૂંટણિયે બેસી ગયા.

કદમના હાથમાં કોઈપણ ક્ષણે ગોળીઓનો વરસાદ વરસાવવા માટે રિવોલ્વર તૈયાર હતી.

આઉટ-હાઉસના કમરામાંથી બે ચોકીદાર આંખો ચોળતા-ચોળતા ઝડપથી બહાર આવ્યા અને દોડીને ગેટ પાસે ગયા.

ખોલો... જલદી ખોલો... ગેટના બહારથી એક રૂઆબદાર અવાજ આવી રહ્યો હતો.

‘કદમ, ઈ. આફ્રિદીએ મોબાઈલ કરી દીધો છે. જેથી બિલ્ડિંગની બહાર રહેલી પોલીસ તેમની મદદ માટે આવી રહી છે.’ પ્રલયે ધીમા અવાજે હ્યું.

ચલો ચૂપાચૂપ.... આગળ વધવાનું ચાલુ રાખો. આપણે બિલ્ડિંગના પાછળના ભાગમાં પહોંચી દીવાલ ઓળંગીને બહાર જવાનું છે. ત્યાં મારો એક મિત્ર ટેક્ષી લઈને આપણી રાહ જોતો હશે. હરીઅપ“ કદમ બોલ્યો અને સૌ ઝડપથી બિલ્ડિંગના પાછળના ભાગ તરફ સરકવા લાગ્યા.

ખટાક... અવાજ સાથે ઈમારતના કમ્પાઉન્ડના ગેટનું તાળું ખૂલ્યું અને તેનો તોતિંગ દરવાજો તેની પેનલ પર સરક્યો.

‘ચાલો... જલદી કેદીઓ છટકવા ન જોઈએ. તેઓ હજી અહીં હીં કમ્પાઉન્ડમાં જ ક્યાંય હોવા જોઈએ.’

ચાર સેલની મોટી બે ટોર્ચને ચમકાવતો 6 ફૂટની હાઈટ અને ભરાવદાર શરીરવાળો એક ઈન્સ્પેક્ટર ગેટની અંદર પ્રવેશ્યો. ‘ઈમ્તિયાઝ, તું પાચ જણને લઈને ડાબી બાજુ તરફ જા અને હુસેન તું પાંચ જણને લઈને ઈમારતના ગેટ પર જા, અને ત્રણ જણા મારી સાથે આવો. લે ઈમ્તિયાઝ આ એક ટોર્ચ તું રાખ...’ કહી ઈમ્તિયાઝ ખાન નામના પોલીસવાળાને ટોર્ચ પકડાવી તે પોતે ત્રણ પોલીસ વાળાઓને લઈને જમણી તરફ કમ્પાઉન્ડમાં આગળ વધ્યો.

એક હાથમાં રિવોલ્વર અને બીજા હાથમાં ટોર્ચ પકડીને તે ઈન્સ્પેક્ટર આગળ વધ્યો. તેનો દેખાવ ભયાનક હતો. તેના શરીરનો રંગ એકદમ મેશ જેવો કાળો હતો અને તેની આંખો લાલચોળ અને મોટી દેખાતી હતી, ચહેરા પર ભરાવદાર મૂછો અને દાઢી રાખેલા હતા. વરસાદ ચાલુ હોવાથી તેનો દેહ પૂરો ભીંજાઈ ગયો હતો અને ટોર્ચના પ્રકાશમાં સીસમ જેવું કાળું શરીર ચમકતું હતું અને લાલચોળ આંખોના ડોળા તગતગતા હતા, તેઓના ચાલવાથી નીચે પડેલા ઝાડનાં સૂકાં ડાળખાં કચરાતાં હતાં અને તેનો અવાજ આવતો હતો.

તે જ રીતે દીવાલના ઓથે સરકતા કદમ, પ્રલય, આદિત્ય અને આનંદ ખૂબ જ સાવચેતીથી ચાલતા હતા. છતાંય થોડા-થોડા સમયના અંતરે કચટ... કચટ... નો અવાજ એકદમ શાંત વાતાવરણમાં સંભળાતો હતો.

‘તે આ તરફ આવી રહ્યો છે.’ ખૂબ ધીમા સુસવાતા અવાજે પ્રલય બોલ્યો.

સસસસ.... નાક પર આંગળી મૂકી કદમે પ્રલયને ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ધીમે-ધીમે પાછલા પગે સૌ પાછળના ભાગ તરફ વધતા જતા હતા.

સામેથી આવતા ઈન્સ્પેક્ટરના વજનદાર પૂટો નીચે કચરાતાં સૂકાં ડાળખાંના કચરાનો કચર... કચર... અવાજ ધીમે-ધીમે આગળ આવતો જતો. હતો, અને અંધકારમાં લખલૂંટ પ્રકાશ વેરતા ટોર્ચના પ્રકાશનું ગળ વર્તુળ ધીરે-ધીરે નજીક આવતું જતું હતું.

અચાનક તે ઇન્સ્પેક્ટર આગળ વધતો અટકી ગયો અને કાન સરવા કરીને શાંત સન્નાટા ભર્યા ભેંકાર વાતાવરણમાં કાંઇ અવાજ સાંભળવાની કોશિશ કરતો હતો.

જંગલમાં કોઇ રાની પશું લપાતું-છુપાતું આગળ વધતું હોય તેવો આછો અવાજ વાતાવરણમાં આવી રહ્યો હતો.

‘ત્યાં આગળ કોઇ છે, ચાલો જલદી...’ અચાનક તે ઇન્સ્પેકટરનો પહાડી અવાજ સન્નાટાભર્યા વાતાવરણમાં ગુંજી ઊઠ્યો અને પછી દીવાલના ટેકે ઇમારતની પાછળની તરફ સરકતા કદમ, પ્રલય, આદિત્ય અને આનંદની દિશા તરફ ટોર્ચનો લખલૂંટ પ્રકાશ વેરતો રિવોલ્વરને મજબૂતાઇથી હાથમાં પકડીને ઇન્સ્પેક્ટર તે દિશા તરફ દોડ્યો.

‘સાવચેત...તે ઇન્સ્પેક્ટર આપણી તરફ આવી રહ્યો છે. સુસવાતા ધીમા અવાજે કદમ બોલ્યો અને તેની સાથે તે લીમડાના ઝાડની ઓથે છુપાઇ ગયો અને તેણે સામેથી દોડી આવતા ઇન્સ્પેક્ટરના હાથ તરફ રિવોલ્વર તાકી, પ્રલય, આદિત્ય અને આનંદ ત્યાં પડેલા પથ્થરોના ઢગલાની આડમાં છુપાઇ ગયા.

ધડામ...વાતાવરણમાં ગોળીબારનો અવાજ ગુંજી ઊઠ્યો અને સૌથી આગળ દોડતા આવતા ઇન્સ્પેક્ટરના હાથમાંની ટોર્ચ ઊડી ગઇ

ધુમ્મ...અવાજ સાથે ટોર્ચ સાથે ગોળી વાગતાં ટોર્ચનો આગળનો કાચ તૂટીને વેરાયો.

ગોળીબારના અવાજ સાથે જ ઇન્સ્પેક્ટર અને સાથે આવતા તેના ત્રણે સાથીદારો આડ લેવા આમતેમ દોડીને આજુબાજુના વૃક્ષોની આડમાં છુપાયા.

ધાપ...ધાપ...ધાપ..ધડામ...અને પછી કદમ, પ્રલય જ્યાં છુપાયા હતા તે તરફ ગોળીઓનો વરસાદ વરસ્યો.

વાતાવરણ ગોળીઓના ધમાકાથી ગુંજી ઊઠ્યું અને હવામાં આગના લિસોટાઓની આતશબાજી શરૂ થઇ.

પ્રલય, કદમ તરફ વરસતા ગોળીબારને લીધે ત્યાં પડેલા પથ્થરોના ઢગલા પર ગોળીઓ વાગવાથી પથ્થરો ચારે તરફ ઊડતા હતા. સાથે ધૂળોનાં ઢેફાં પણ ચારે તરફ ધરતી પર વેરાંતા હતા.

કદમ...પોલીસ કમ્પાઉન્ડમાં ચારે તરફ ફેલાયેલી છે અને કોઇપણ સમયે ઇ.આફ્રિદી પણ પોતાની ફરજ સાથે કમ્પાઉન્ડમાં આવી જશે માટે આપણે જલદી અહીંથી ભાગી છૂટવું પડશે.

‘હા...પ્રલય આમે મારી પાસે હવે કારતૂસ ખૂટી ગયાં છે. હવે રિવોલ્વરમાં ફક્ત ત્રણ જ ગોળીઓ છે.’

ધાંય...ધાંય...ધાંય...સામેથી ફરીથી ગોળીઓની આતશબાજી થઇ.

ધાંય..સામેથી છૂટેલી ગોળોઓનો વળતો જવાબ આપતાં કદમ બોલ્યો, ‘ચાલો જલદી કરો.’

અને ધીમે-ધીમે તેઓ પાછળ ખસતા-ખસતા એક પછી એક લીમડાના ઝાડ પર ચડવા લાગ્યા.

‘ક્યાં છે, કેદીઓ ભાગી ન જવા જોઇએ...જરૂર પડે તો ગોળીથી ઉડાવી દો,’ અચાનક વાતાવરણમાં ઇ.આફ્રિદીના રાડારાડનો ગુસ્સાભર્યા અવાજ સંભળાયો.

તે સમયે ઝાડ પરથી દીવાલ પર ચડીને આનંદ શર્મા અને આદિત્ય દીવાલ કૂદી ગયા.

કદમ...ચાલ જલદી કર...લીમડાના ઝાડ પર ચડેલા પ્રલયે નીચે હાથ લંબાવીને કદમને ઉપર ખેંચતા ચિલ્લાયો.

‘પ્રલય...આપણે બધા હવે અહીંથી છટકી નહીં શકીએ તું આદિત્ય અને આનંદ શર્મા...’

ધાપ...ધાપ...ધાપ...અચાનક સામેથી ભીષણ ગોળીબાર શરૂ થયો અને પગલાનો અવાજ પણ નજીક આવતો જતો હતો.

તે જ સમયે ડાબી તરફ ગયેલ ઇમ્તીયાઝ ખાન નામનો પોલીસ જમાદાર પાછળના ભાગ તરફ આવતો હતો. ઇન્સ્પેક્ટરની બૂમો અને ગોળીઓના અવાજ સાંભળી તે ઝડપથી દોડતો આવી રહ્યા હતો, તેની પાછળ પાંચ પોલીસવાળા પણ હતા તેના એક હાથમાં રિવોલ્વર હતી અને બીજા હાથમાં ભરપૂર લખલૂંટ પ્રકાશ વેરતી ટોર્ચ હતી.

ટોર્ચના લખલૂંટ પ્રકાશમાં જમાદાર ઇમ્તીયાઝ ખાને કદમને જોયો અને પછી તેણે કદમનું નિશાન તાકી ગોળીબાર શરૂ કર્યો.

ધાંય...ધાંય...ધાંય...ચારે તરફથી કદમ તરફ ગોળીઓનો વરસાદ થયો.

ઇમ્તીયાઝ ખાને છોડેલી ગોળીઓ કદમના શરીરમાં ઘૂસી જાય તેની બે જ ક્ષણ પહેલા ઝાડ પર પગન ભીડો દઇ નીચે માથે અધ્ધર લટકેલા પ્રલયે ખૂબ જ ઝડપથી કદમને ઉપર ખેંચી લીધો.

કદમ ઉપર ખેંચાયો તેની બીજી જ ક્ષણે જયાં કદમ ઝાડ પાછળ ઊભો હતો તે જગ્યાએ ગોળીઓનો વરસાદ થયો.

વરસતા વરસાદમાં ભીંજાયેલ કદમના શરીરે પરસેવો છૂટી ગયો, તેનું પૂરું શરીર ધ્રૂજી ઊઠ્યું. જો પ્રલયે તેને ઉપર ખેંચવામાં એક પળનો પણ વિલંબ કર્યો હોત તો તેનું પૂરું શરીર ગોળીઓથી છલની થઇ ગયું હોત.

ઉપર ખેંચાઇ આવેલા કદમને બાથમાં ઘાલીને પ્રલયે ગુલાંટ ખાધી. હવે તે ઝાડની એક મજબૂત ડાળી પર કદમ સાથે ઊભો હતો.

તે જ ક્ષણે જમાદાર ઇમ્તીયાઝના નામના તે જમાદારે ટોર્ચના પ્રકાશમાં પ્રલય અને કદમને જોઇને જોરથી ચિલ્લાયો અને પછી કદમ પ્રલયની દિશામાં નિશાન તાકી અને રિવોલ્વરનો ગોળો દબાવ્યો.

તે જ ક્ષણે પ્રલયે કદમને પકડીને દીવાલ તરફ જમ્પ લગાવી.

ધાંય...ધાંય...તેઓના માથા પરથી આગ ઝરતી બે ગોળીઓ પસાર થઇ ગઇ.

વરસતા વરસાદને લીધે કમ્પાઉન્ડની દીવાલો ભીની અને લીસી થઇ ગઇ હતી. માંડ-માંડ પ્રલય અને કદમ લપસીને નીચે પડતા બચ્યા.

ધાંય...ધાંય...ધાંય...તેઓના પર ગોળીઓનો વરસાદ થયો, પણ તે જ ક્ષણે પ્રલય અને કદમ એકબીજાના હાથ પકડીને દીવાલ પરથી જમ્પ લગાવીને બહારની તરફ કૂદી ગયા હતા.

ટપ...ટપ...ટપ...સૌ ભયાનક વેગ સાથે દોડતા હતા. પ્રલય લગભગ કદમને ખેંચતો જતો હતો. બિલ્ડિંગના જમણી તરફથી રાઉન્ડ કરીને તેઓ પાછળના ભાગમાં આવ્યા. હજી પણ સૌ ભયાનક વેગથી દોડતા સામેની તરફ ભાગી રહ્યા હતા. તેઓની પાછળ બૂમ-બરાડાના અવાજો સંભળાઇ રહ્યા હતા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED