ધરતીનું ઋણ - 7 - 3 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધરતીનું ઋણ - 7 - 3

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

જેલમાંથી છટક્યા

ભાગ - 3

હોસ્પિટલની લોબીમાં લાઇન સર પડેલી બેન્ચ પર કેદીઓને બેસાડવામાં આવ્યા હતા. આદિત્ય અને પ્રલય પણ કેદીઓ સાથે બેન્ચ પર બેસી ગયા હતા.

બંનેના દિલ જોર-જોરથી ધડકતા હતાં.

અચાનક મહેમૂદ તેમની બાજુમાંથી પસાર થયો.

‘હવાલદાર સાહેબ...’ પ્રલય ઊંચા અવાજે બોલ્યો.

આગળ ચાલ્યા જતા મહેમૂદે પોતાના ભારે બૂટ પછાડ્યા પછી તેમની પાસે આવીને ઊભો રહ્યો.

‘શું છે ?’ તેણે કડક શબ્દમાં પૂછ્યું.

‘પેશાબ કરવા જેવું છે.’

‘ર્ડોક્ટરી તપાસ થઇ જાય પછી જજે’ મહેમુદે કર્કશ અવાજે કહ્યું.

‘પણ...પણ...મને બહુ જ જોરદાર લાગી છે. રોકી શકાય તેમ નથી.’

‘સાલ્લા....હરામખોર બેરેકમાંથી પેશાબ કરીને આવવામાં તારા બાપનું શું જતું હતું.’

‘સાહેબ...ભૂલ થઇ ગઇ,’ બંને હાથે પેટ દબાવતાં પ્રલય બોલ્યો.

‘હવે ચૂપાચૂપ બેઠો રહે ઉલ્લુના પઠ્ઠા.’ મહેમૂદ બોલ્યો.

‘સાહેબ...ખુદાને ખાતીર મહેરબાની કરો, નહીંતર અહીં જ મારું પેશાબ નીકળી જશે અને હજી મારા વારાને ઘણીવાર છે.

મહેમુદ એક ક્ષણ અચકાયો પછી બોલ્યો, ‘સારું મર અને ચાલ જલદી મારી સાથે.’

અને પેટ દબાવતાં પ્રલય ઊભો થયો અને મહેમુદ સાથે બાથરૂમ તરફ આગળ વધ્યો. થોડા કેદીઓ તેને વિચિત્ર નજરે તાકી રહ્યા હતા.

‘મહેમુદ, સવારના મને મળવા ન આવ્યો...? શું વાત છે.પ્લાન તો તૈયાર છે ને...’ બાથરૂમમાં પહોંચતો જ પ્રલયે પૂછ્યું.

અરે યાર...તૈયાર જ છે. પણ સવારના ઘણી હલચલ ચાલુ હતી, એટલે હું આવ્યો નહીં.

‘તો હવે કેટલીવાર છે...’ પેશાબ કરતા-કરતાં પ્રલયે પૂછ્યું.

‘સાંભળ કેદી નંબર 107 ર્ડોક્ટરની ઓફિસમાં પહોંચશે કે તરત બહાર કેદીઓમાં ઝઘડો ચાલું થઇ જશે. એટલે બધાનું ધ્યાન તે તરફ હશે. હું ગાર્ડોને ત્યાં જવાનું કહીશ કે તરત તું ર્ડોક્ટરની ઓફિસમાં ઘૂસી જજે અને ડોક્ટરના લમણા પર રિવોલ્વર મૂકી દેજે અને ડોક્ટર સાથે તે કેદીને લઇને લોબીમાં પાછળના ભાગમાં ભાગવા માંડજે અને હું તારી પર રાયફલ વડે ગોળીઓ પણ છોડીશ, તું ગભરાતો નહીં તને નહીં લાગે. કેમ કે મારો નોકરીનો સવાલ છે અને બીજું ર્ડોક્ટર ભલો માણસ છે, તેને ઇજા ન પહોંચે તેનો ખ્યાલ રાખજે.’

‘ઠીક છે, પણ તમે ખ્યાલ રાખજો અમને ગોળી ન લાગે’

‘ભલે...ચાલ હવે જલદી નહીંતર કોઇને વહેમ જશે.’

અને બંને પાછા ફર્યા પ્રલય-આદિત્યની બાજુમાં જઇને બેસી ગયો.

લગભગ અડધો કલાક થયો.

ત્યારબાદ કેદી નં. 107ના નામની બૂમ પડાઇ.

પ્રલય અને આદિત્ય એકદમ સાવધાન બની ગયા. પ્રલયનો હાથ પોતાના ખિસ્સા તરફ સર્યો. બંનેની ધડકન તેજ થઇ ગઇ.

કેદી નંબર 107 ડોક્ટરની ચેમ્બર્સમાં ગયો.

‘કેમ છો...? કહેતાં ર્ડોક્ટર તેના બાવડામાં બી.પી. કફ બાંધવા લાગ્યો.’

‘બસ...ર્ડોક્ટર સાહેબ દિવસો પસાર કરું છું. હવે તો એમ થાય છે કે મોત આવી જાય તો આ જેલના ત્રાસમાંથી છૂટી જાઉ’

અને તે જ વખતે કેદીઓની લાઇનના છેવાડે ભયાનક રાડારાડ અને શોરબકોર શરૂ થયો.

‘ત્યાં શું થઇ રહ્યું છે...? જાવ ત્યાં જુવો હું અહીંનું સંભાળું છું,’ આદેશાત્મક અવાજે મહેમૂદ બોલ્યો.

અને ત્યાં ઊભેલ ગાર્ડો લોબીના છેવાડે દોડ્યા.

ચાર કેદીઓ વચ્ચે ભયાનક મારા-મારી જામી હતી. એક ગાર્ડ જેલરને બોલાવવા માટે દોડ્યો.

તે જ વખતે પ્રલય અને આદિત્ય ઊભા થયા અને ર્ડોક્ટની કેબિન તરફ દોડ્યા.

‘એય...એય...ક્યાં જાવ છો ?’ મહેમુદ બરાડા પાડતો તેઓની પાછળ ધસી આવ્યો.

તે જ વખતે પ્રલયે ખિસ્સામાંતી બે સ્મોક બોમ્બ કાઢીને જોરથી જમીન પર પછાડ્યા.

ધડાકા સાથે બંને બોમ્બ ફૂટ્યા અને ચારે તરફ ગાઢ અને સફેદ ધુમાડો ફેલાવા લાગ્યો.

ઉહ...ઉહ… ઉધરસ ખાતાં અને આંખો ચોળતો મહેમુદ ત્યાં જ અટકી ગયો.

ધડામ...અવાજ સાથે પ્રલય અને આદિત્ય ર્ડોક્ટરની કેબિનમાં ઘૂસી ગયા.

અવાજ સાંભળી ર્ડોક્ટર અને કેદી નં. 107 બંને ચોંક્યા.

‘અરે..કોણ છો ? બહાર નીકળો. ગેટ આઉટ...ગેટ આઉટ’ ગુસ્સા સાથે ર્ડોક્ટર જોરથી ચિલ્લાયો.

‘ર્ડોક્ટર...અમે ગેટ-આઉટ થવા જ આવ્યા છીએ પણ જેલમાંથી,’ પ્રલય જોરથી ચિલ્લાયો અને રિવોલ્વર કાઢીને ર્ડોક્ટરના લમણા પર ઝીંકી દીધી.

‘આ શું તમાશો માંડ્યો છે...? તારું મોત તને બોલાવતું લાગે છે. તું જેલમાંથી નહીં પણ આ ધરતી પરથી વિદાય થવા માંગતો લાગે છે.’ ર્ડોક્ટરનો ચહેરો ગુસ્સાથી તમતમતો હતો.

‘ર્ડોક્ટર...સીધી રીતે અમારી સાથે ચાલ. અમે તો કેદી નં. 107 ને છોડાવવા માટે આવ્યા છીએ. અમને તારા સાથે કોઇ દુશ્મની નથી પણ જો આનાકાની કરીશ તો મારે રિવોલ્વર ચલાવવી પડશે...’ ગરજતા અવાજે પ્રલય બોલ્યો.

‘ઠીક છે...’ હતાશા અને કંઇક કેદી નં. 107 ના છુટકારાથી રાહતના ભાવ સાથે ર્ડોક્ટર બોલ્યો.

‘એલ લંગુ, જલદી ઉભો થા અને દોડવા માંડ...ચાલ ઝડપ કર.’ કેદી નં. 107ની સામે જોઇ આંખ મારતા પ્રલય બોલ્યો.

કેદી નંબર 107 હેબતાઇ ગયો. તેના મોં પર મૂંઝવણના ભાવ છવાયેલા હતા. પણ પછી ર્દઢ નિશ્ચય સાથે તે ઊભો થયો. તેના મોં પર મક્કમતાના ભાવ છવાયા. ‘ચાલો...’ તે બોલ્યો.

અને પછી ર્ડોક્ટરના લમણા પર રિવોલ્વર મૂકી પ્રલય ર્ડોક્ટરની ઓફિસ બહાર આવ્યો. તેની પાછળ આદિત્ય અને કેદી નંબર 107 પણ સાથે હતા.

બહાર આવતાં જ પ્રલયે બે સ્મોક બોમ્બને જોરથી દિવાલ પર ઘા કર્યા. ધડીમ...અવાજ સાથે સ્મોક બોમ્બ ફાટ્યા.

‘એય...એય...થોંભી જા...’ પ્રલયને પોતાની પાછળ મહેમુદનો ચેતવણીભર્યો અવાજ સંભળાયો, નહીંતર ગોળી મારી દઇશ.’

પ્રલય ર્ડોકટરનું બાવડું પકડીને ચેતવણીની પરવા કર્યા વગર લોબીના પાછળના ભાગ તરફ દોડ્યો. દોડતાં-દોડતાં બીજી બે સ્મોક બોમ્બનો તેણે ઘા કર્યો.

પ્રલય ચેતવણીની પરવા કર્યા વગર ભાગતો હતો. ધુમાડો હતો ઘણો ગાઢ થઇ ગયો હતો. હોસ્પિટલની આખીય લોબીમાં ધુમાડાથી ભરાઇ ગઇ હતી. પ્રલયને લોબીની દીવાલ તો શું એક ફૂટ આગળનો ભાગ પણ દેખાતો ન હતો.

‘આદિત્ય...જલદી ભાગ’ તેણે જોરથી રાડ નાખી.

પોતાની પાછળ તેને આદિત્ય અને કેદી નંબર 107નો દોડવાનો અવાજ સંભળાતો હતો.

‘તું ચિંતા ન કર...અમે તારી સાથે જ છીએ.’ આદિત્ય ચિલ્લાયો.

અને પછી ધડામ...ધડામ...અવાજ સાથે પાછળથી બે ફાયર થયા.

ગોળી સર...ર..કરતી પ્રલયના કાન પાસેથી પસાર થઇ ગઇ.

‘હરામખોર...’ પ્રલયના મોંમાંથી ગુસ્સા સાથે ગાળ નીકળી, એ બાલ-બાલ બચી ગયો હતો.

ચારે બાજુ ધમાલ-ધમાલ મચી ગઇ હતી. ધુમાડામાં ભાગતા કદમોના અવાજો સાથે પાછળ થતી રાડા-રાડના અવાજથી લોબી ગુંજતી હતી.

ધડામ...ધાય...ધાય...પાછળથી ગોળીઓની આતશબાજી થઇ.

ઓમાં...પ્રલયે પાછળ કોઇની ચીસનો અવાજ સંભળાયો. અને તેની પાછળ આવતા આદિત્ય કેદી નં. 107 નાં પગલાંનો અવાજ બંધ થઇ ગયો.

પકડો...પકડો...હરામખોરોને કોઇ જ ભાગી જવું ન જોઇએ, પકડાય નહીં તો ગોળી મારી દ્યો. અચાનક પાછળથી જેલરના ગર્જના સંભળાઇ અને ફરીથી ગોળીબાર થયો.

પ્રલય એક ક્ષણ અચકાયો. પાછળ ફરીને ‘આદિત્ય...આદિત્ય...’ તે જોરથી ચિલ્લાયો.

અને પાછળ ફરીને દોડતો પ્રલય ધડામ કરતો. હોસ્પિટલની બાઉન્ડરીની દિવાલ સાથે ભટકાયો.

‘પ્રલય...લોબીનો ઓટલો ઊતરતાં આ કેદી નીચે પડી ગયો હતો. ચિંતા ન કર અમે આવી ગયા છીએ...’ આદિત્યનો અવાજ પ્રલયે સંભળાયો. કેદીનું નામ આનંદ શર્મા છે, તે ભૂલેચૂકે કોઇને ખબર ન પડે તે માટે તેઓ તેને કેદી નં. 107 કહીને જ બોલાવતા હતા.

એટલું સારું જ થયું હતું કે તેઓ લોબી ઊતરતાં નીચે પડી ગયા હતા. જે સમયે તેઓ ઓટલો ચાતરીને નીચે પડ્યા તે જ વખતે તેના માથા પરથી કેટલીય ગોળીઓ પસાર થઇ ગઇ હતી.

દીવાલ પાસે ધુમાડાનું પ્રમાણ ઓછું હતું. પ્રલયે દીવાલ પર હાથ ફેરવતાં-ફેરવતાં સીડી ચેક કરી રહ્યો હતો. દીવાલ સાથે ભટકાવાથી તેનું નાક છોલાઇ ગયું હતું.

અચાનક આદિત્યને પાછળથી કોઇએ પકડ્યો અને બંને હાથ ફેલાવીને આદિત્યન વળગી પડ્યો અને ‘પકડાઇ ગયો. પકડાઇ ગયો...’ કહી કોઇ ચિલ્લાવા લાગ્યો.

તે જ વખતે પ્રલયને દીવાલ પર ચડવા માટે ઇલેક્ટ્રિસિટી વાળાઓએ મૂકેલી સીડી મળી ગઇ.

અને ત્યાં જ પકડી રાખજે, સાલ્લાઓ છટકી ન જાય. નો મહેમુદનો અવાજ વાતાવરણમાં ગુંજી ઊઠ્યો. મહેમુદે પોતાની રાયફલમાંથી બે ફાયર કર્યા ત્યારબાદ આદિત્ય તરફ દોડ્યો.

‘મારી નાખો, સાલ્લાઓને ખતમ કરી નાખો.’ મહેમુદની પાછળ જેલરનો કાળઝાળ કોપથી ભરેલા અવાજ સંભળાયો.

તે જ વખતે આખી જેલમાં ખતરાની સાયરન જોર-જોરથી વાગવા લાગી.

આદિત્યને જેલનો કોઇ ગાર્ડ પાછળથી જળોની જેમ વળગ્યો હતો.

આદિત્યએ પોતાના બંને હાથને પાછળની તરફ ફેરવીને તે ગાર્ડની ગરદન ફરતે વીંટાળ્યા બાદ જોર લગાડયું.

ફુદરડીની જેમ ગોળ ફરીને ગાર્ડનુ શરીર તેના આગળના ભાગ તરફ ફેંકાયુ અને તરત આદિત્યએ પગને ઘૂંટણથી વાળીને જોરથી તેના પેટમાં માર્યો.

તે ગાર્ડની પકડ છૂટી ગઇ, અને તે સીધો જમીન પર ફેંકાયો કે તરત આદિત્યે એક ભરપૂર લાત તેના પેટમાં ફટકારી.

તે ગાર્ડની ચીસ વાતાવરણમાં ગુંજી ઉઠી.

‘આદિત્ય જલદી કર...ચાલ...’ ર્ડોક્ટરને સીડી પર ધકેલતાં પ્રલયે રાડ નાખી અને આદિત્ય અને કેદી નં. 107 સીડી તરફ દોડ્યા.

તે જ વખતે મહેમુદ ત્યાં પહોંચી આવ્યો અને પ્રલય સામે રાયફલ તાકી તે જ વખતે પ્રલયે ખિસ્સામાંથી બે સ્મોક બોમ્બને જમીન પર ઘા કર્યા.

ધડામ...ધડામ...અવાજ ગુંજી ઊઠ્યો, સ્મોક બોમ્બ ફાટ્યા તે સાથે સાથે મહેમુદની રાયફલમાંથી ગોળીઓ પણ છૂટી.

પ્રલયનાં રુંવાટાં ઊભા થઇ ગયાં. ગોળીઓ તેના શરીરની આજુબાજુથી પસાર થઇ ગઇ. એક ગોળી તો તેનો કાન ગરમ કરતી ગઇ.

‘સાલ્લા હરામખોરોને જીવતા ન મૂકજે.’ પાછળથી જેલરનો અવાજ સંભળાયો. પણ સ્મોક બોમ્બના ધુમાડાથી આખું વાતાવરણ ભરાઇ ગયું હતું અને કાંઇ જ દેખાતું ન હતું.

પ્રલય ર્ડોક્ટરને લઇને દીવાલની ઉપર પહોંચી ગયો હતો. તેની પાછળ કેદી નં. 107 અને આદિત્ય પણ ઉપરની તરફ લગભગ અડધે પહોંચી ગયો હતો.

ગોળીઓના ધમાકા સાથે રાડા-રાડ અને ચીસોના અવાજ ચારે તરફ ગુંજતા હતા. સાથે-સાથે જેલમાં સાયરનનો અવાજ પણ ગાજી રહ્યો હતો.

અચાનક છેલ્લે સીડીની ઉપર ચડતા આદિત્યનો કોઇને નીચેથી પગને મજબૂત રીતે પકડ્યો અને મરડીને નીચેની તરફ ખેંચવા લાગ્યો.

આદિત્યના બંને પગ સીડી પરથી ઉખડી ગયા. તેણે સીડીની બંને સાઇડ પર આવેલી લોખંડની પટ્ટીને બંને હાથ મજબૂતાઇથી પકડી હતી, નહીંતર અત્યારે તે નીચે પટકાયો હોત.

‘પકડાઇ ગયો સુવર. પકડાઇ ગયો. મહેમુદ..ગોળી ચલાવ સાલ્લાની ખોપરીના ભુક્કા કરી નાખ...’ નીચેથી જેલરની રાડનો અવાજ સંભળાયો.

પ્રલય ચોંકી ઊઠ્યો તે દીવાલ પર ચડી ચૂક્યો હતો. ધુમ્મસમાં આદિત્ય અને તેનો પગ પકડીને ખેંચતા જેલરની આછી આકૃતિ દેખાતી હતી. પ્રલય ધ્રજી ઊઠયો.

આદિત્ય બંને હાથે સીડીની પટ્ટીને પકડીને હવામાં અધ્ધર લટકતો હતો. નીચેથી જેલર તેના પગને ખેંચતા-ખેંચતા મચકોડી નાખવાની કોશિશ કરતો હતો. આદિત્યના છક્કા છૂટી ગયા.

જેલર સીડીના એક પગથિયે ચડીને થોડો ઉપર આવ્યો અને આદિત્યને તેનું બાલ વગરનું ટાલિયું માથું દેખાયું.

તે કેદી નં. 107 પણ દીવાલ પર ચડી ચૂક્યો હતો.

હવામાં હાથના ટેકે લટકતા આદિત્યએ પોતાના શરીરનું બધું જ બળ એકઠું કરીને પોતાનો જે પગ છૂટો હતો તેને ઘૂંટણથી વાળીને અધ્ધર કર્યો. પછી પૂરી તાકાત લાગીવને જેલરમાં માથામાં ફટકાર્યો.

તડાક...અવાજ સાથે બૂટના તળિયામાં લગાવેલ લોખંડના ખીલા જેલરના માથામાં જોશ સાથે લાગ્યા અને જેલરના હાથમાંથી આદિત્યનો પગ છૂટી ગયો અને બેલેન્સ જાળવી ન શકતાં તે ધડામ કરતો નીચે જમીન પર પટકાયો.

તે જ વખતે મહેમુદની રાયફલમાંથી બે ગોળી ધમાકા સાથે છૂટી એક ગોળી લોખંડની સીડી સાથે ટકરાઇ અને બીજી ગોળી દીવાલના પ્લાસ્ટરને તોડતી અંદર ઘૂસી ગઇ.

સિમેન્ટ અને પથ્થરની કરચો આદિત્યના મોં પર ઊડી. પણ તેની પરવા કર્યા વગર આદિત્ય દીવાલ પર ચડી ગયો.

‘ર્ડોક્ટર કૂદી પડો.’ પ્રલય જોશ સાથે ચિલ્લાયો હતો.

‘નહીં હું કૂદી નહીં શકું. આટલા ઊંચેથી નીચે કૂદવાની મને પ્રેક્ટીસ નથી. મારા હાથ-પગ ભાંગી જશે, આમે મારો એક પગ ફ્રેક્ચર વાળો છે.’

‘ર્ડોક્ટર, ભાંગેલા હાથ-પગ પાછા સંધાઇ જશે, પણ ખોપરીમાં આ ગરમ-ગરમ ગોળી ઘૂસી ગઇ તો ખોપરી ક્યારેય નહીં સંધાય.’ પ્રલય ગુસ્સા સાથે ચિલ્લાયો.

‘ર્ડોક્ટરને અહીં જ રહેવા દો...આપણે જલદી કૂદી જઇએ. જો એકવાર જેલરના હાથમાં આવી ગયાને તો આપણા હાથ-પગ તોડીને ભુક્કો કરી નાખશે...’ કેદીં નં. 107 બોલ્યો.

‘ઠીક છે, આદિત્ય....તું પહેલાં કૂદી પડ પછી આ કેદીને પણ સાથે લેતો જા, અને ર્ડોક્ટર હું કહું નહીં ત્યાં સુધી હાથ ઊંચા કરીને દીવાલ પર એમ ને એમ ઊભા રહેજો,’ આદેશ ભર્યા અવાજે પ્રલય બોલ્યો.

ત્યારબાદ આદિત્ય, તે કેદી આનંદ શર્મા અને છેલ્લે પ્રલય હોસ્પિટલની બાઉન્ડરીની દીવાલ પરથી જમ્પ લગાવીને પાછળ કૂદી પડ્યા. બિચારો ર્ડોક્ટર બંને હાથ ઊંચા કરીને એમ ને એમ ઊભો હતો.

દીવાલ પાછળ જ્યાં તેઓ કૂદ્યો હતા, તેની બાજુમા જ ગટરની તે મોટી ચેમ્બર હતી. ત્રણે જણાં અંદર ઊતરવાની લોખંડની સીડી વાટે ગટરની ચેમ્બર્સમાં ઊતરવા લાગ્યા.

‘ચાલો...પાછળ જાઓ જલ્દી...કેદીઓ પાછળના ભાગમાં ક્યાંક છુપાયા હશે...જલદી કરો, છટકી ન જવા ન જોઇએ નહીંતર તમને બધાને સસ્પેન્ડ કરી નાખીશ.’

જેલરના જોર-જોરથી ચિલ્લાવાનો અવાજ સંભળાયો હતો.

જેલના સુરક્ષા કર્મીઓ-ગાર્ડો સૌ હોસ્પિટલના દરવાજા તરફ પાછળના ભાગમાં આવવા માટે દોડતા હતા.

સૌની નજર ચુકાવીને મહેમુદ જેલરની ઓફિસમાં ઘૂસી ગયો અને જેલની તે મેઇન ગટરની ચેમ્બર્સમાં દરવાજાને બંધ કરવા માટે જે જેલરની ઓફિસમાં સ્વીચ મૂકવામાં આવી હતી તે દબાવી દીધી અને પછી ચુપાચુપ બહાર નીકળીગયો.

ધમાલમાં કોઇને તેનો ખ્યાલ ન આવ્યો. ફરીથી રાડો નાખતો મહેમુદ ગાર્ડ અને સિપાઇઓ સાથે દોડતો હોસ્પિટલના પાછળના ભાગ તરફ દોડતો હતો.

ઘરરર...ઘરરર… ગટરની ચેમ્બર્સની સીડી ઊતરતાં સૌ ચોંક્યા અને ઉપર નજર કરી. ગટરની ચેમ્બર્સનો સ્લાઇડવાળો દરવાજો આછી ગરગરાટી સાથે ધીરે-ધીરે બંધ થઇ રહ્યોહતો.

પ્રલય સમજી ગયો હતો કે ચોક્કસ આ મહેમુદનું કામ છે. તેણે મનમાંને મનમાં મહેમુદનો આભાર માન્યો. ત્યારબાદ ખિસ્સામાંથી પેન્સિલ ટોર્ચને બહાર કાઢી.

ગટરની ચેમ્બર્સ બંધ થતાં અંદર સર્વત્ર ગાઢ અંધકાર છવાઇ ગયો અને બહારથી આવતો રાડો-રાડ અવાજ બંધ થઇ ગયો.

પ્રલયે ટોર્ચને સળગાવી તેનો પ્રકાશ ચારે તરફ ફેંક્યો. પ્રકાશના ગોળ વર્તુળમાં ગટરમાં આગળ જતાં મોટો પાઇપ તેની નજરે ચડ્યો.

‘ચાલો મારી પાછળ આવો,’ કહી ઘૂંટણિયે બેસીને પ્રલય ગટરના પાઇપમાં ઘૂસી ગયો. તેની પાછળ આનંદ શર્મા અને આદિત્ય પણ અંદર ઘૂસ્યા.

ગટર લાઇનમાં ભયાનક દુર્ગંધ આવી રહી હતી. અંદર મોટો-મોટા દેટકા ડ્રાઉં-ડ્રાઉંના અવાજ સાથે ચારે તરફ ઊછળતા હતા. ગટરના પાઇપની ઉપરની તરફ કરોળિયાની જાળો બંધાયેલી હતી.

ધીમે-ધીમે સૌ ચારે પગે (બે હાથ-બે પગ) આગળ વધવા લાગ્યા. કરોળિયાની જાળો તેઓનાં મોં પર ચોંટતી હતી.

ગટરમાં તેઓને ઘૂસતા જોઇને ર્ડોકટર દીવાલ પરથી સીડી વાટે નીચે ઊતરવા લાગ્યો.

ર્ડોક્ટર...ર્ડોક્ટર...કેદીઓ કઇ તરફ ગયા. અચાનક બહારની તરફ ગાર્ડોની સાથે ધસી આવેલ જેલર જોરથી ચિલ્લાયો.

એક ક્ષણ માટે ર્ડોક્ટર મૂંઝવણમાં પડી ગયો પણ પછી તેણે ગટરની ચેમ્બર્સ તરફ આંગળી ચીંધી.

‘ચાલો...જલદી જાવ મારી ઓફિસમાં અને ગટરની ચેમ્બર્સ ખોલો જલદી...’ જેલરે ઘાંટા નાખ્યા.

અને બે સિપાઇઓ તેની ચેમ્બર્સ તરફ દોડ્યા.

ધીરે-ધીરે ઘૂંટણિયે ચાલતા તેઓ આગળ વધતાં હતા. કાદવથી તેઓનાં કપડાં પૂરાં ભરાઇ ગયાં હતાં અને કરોળિયાનાં જાળાંથી માથું, મોં ભરાઇ ગયું હતું. ભયાનક દુર્ગંધ આવતી હતી અને એકદમ થતા બફારાથી તેઓ પરસેવો રેબઝેબ થઇ ગયા.

થોડું આગળ વધ્યા બાદ આગળ લોખંડની જાળી આવી.

પ્રલયે ટોર્ચને આનંદ શર્માના હાથમાં થમાવી અને ખિસ્સામાંથી કટર કાઢી ઝડપથી લોખંડની જાળી કાપવા લાગ્યો.

પાંચ જ મિનિટમાં તેણે જાળી કાપી નાખી. પછી કટરને ખિસ્સામાં મૂકી ધીરે-ધીરે તૂટેલી જાળી વચ્ચે સાચવીને આગળ વધવા લાગ્યો. તેની પાછળ આનંદ શર્મા પણ તૂટેલી જાળી પાર કરી ગયો. અત્યારે આદિત્ય તે જાળીમાંથી પસાર થતોહતો.

અચનાક તૂટેલી જાળીને લોખંડનો સળિયો આદિત્યના કમરની ઉપર ઘૂસી ગયો. તીવ્ર પીડા સાથે આદિત્યના મોંમાંથી આછી ચીસ સરી ગઇ.

‘શું થયું...આદિત્ય...’ આગળ વધતાં પ્રલયે અટકી જઇ પાછળની તરફ મોં ફેરવીને પૂછ્યું.

મારી પીઠમાં લોખંડનો સળિયો ઘૂસી ગયો છે. પીડા સાથે ઘૂસેલા સળિયાને બહાર કાઢવા નીચેની તરફ નમતાં આદિત્ય બોલ્યો.

હજી થોડી નીચો નમ...સળિયો બહાર નીકળી જશે. ટોર્ચનો પ્રકાશ તેના પર નાખતાં પ્રલય બોલ્યો.

થોડી મહેનત બાદ પીઠમાં ઘૂસેલો સળિયો નીકળી ગયો અને તે ઘામાંથી લોહી વહેવા લાગ્યું. માંડ-માંડ આદિત્યે તે તૂટેલી જાળીમાંથી પસાર થઇ આગળ વધ્યો.

ધીરે-ધીરે સૌ ગટર લાઇનમાં આગળ વધતા હતા.

અચાનક આદિત્યના શરીરમાં ગુદ-ગુદી થઇ, જાણે તેના પરથી કોઇ ચીકણી વસ્તુ સરી રહી હોય તેવું લાગ્યું. ત્યારબાદ તેના પૂરા શરીરની આજુબાજુ એવું કોઇ સરતું હોય તેમ તેને અહેસાસ થયો. આદિત્યએ હાથને પાછળની તરફ વાળીને શરીરની આજુબાજુ ફેરવી ઝાટકો આપ્યો. કદાચ દેડકા હશે. તેવું તેને વિચાર્યુ.

અને ત્યારબાદ અચાનક તેની પીઠમાં નાના અણીદાર ખીલા ભોંકાયા હોય તેવું લાગ્યું અને તે તીવ્ર પીડા થઇ.

આદિત્યએ આગળ વધતા અટકીને પોતાના હાથને પીઠ પર ફેરવ્યો. કોઇ ચીકણી વસ્તુનો તેને સ્પર્શ થયો. તે વસ્તુને તેણે હાથથી પકડાવાની કોશિશ કરી પણ તે હાથમાંથી સરી ગઇ.

અચાનક તેની પીઠ પર કોઇ બચંકુ ભરતું હોય તેવું લાગ્યું. પીઠમાં ભોંકાયેલા લોખંડના સળિયાવાળો ઘાની આજુબાજુ તીક્ષ્ણ દાંત ભોંકાવા લાગ્યા અને ઘાની આજુબાજુ ચામડી સાથે માંસના લોચા નીકળવા લાગ્યા. દળદળ કરતું લોહી નીકળવા લાગ્યું.

તીવ્ર પીડાથી તે છટપટી ઊઠ્યો, તેનો ચહેરો તરડાઇ ગયો અને દહેશત સાથે તેના મોં માંથી ભયાનક ચીસ નીકળી ગઇ.

તે ગટરનો પાઇપ જેલમાં દીવાલ ફરતે બનાવેલી ખાડીમાંથી પસાર થતો હતો, અને ત્યાં પાઇપ થોડો તૂટી જતાં નાનાં બાકોરાં પડ્યાં હતા. આદિત્યને લોખંડનો સળિયો પીઠમાં વાગતાં લોહી નીકળ્યું હતું. લોહી પાણીમાં ભળતાં તે ખાડીમાં પીરાના નામની માનવભક્ષી માછલીઓ હતી, તેને લોહીની ગંધ આવતાં જ તે તૂટેલા ગટરના પાઇપમાં ઘૂસી આવી હતી અને આદિત્યને પીઠમાં થયેલા ‘ઘા’ ની આજુબાજુનો શરીરનો ભાગ કાપીને ખાવા લાગી. પીઠમાં જખ્મ થતાં એકદમ વધુ પ્રમાણમાં લોહી વહેલા લાગ્યું અને પછી જાણે ભોજન માટે આમંત્રણ મળ્યું હોય તેમ ઢગલાબંધ પીરાના માછલીઓ ગટર પાઇપમાં ઘૂસી આવી અને આદિત્યની પીઠમાં ચોંટી બટકાં ભરી-ભરીને માંસ તોડી ખાવા લાગી.

‘ઓ...ઓ...ઓ...મા’ પીડાથી છટપટતા આદિત્યના મોં માંથી ચીસો નીકળવા લાગી. તે બંને હાથ પીરાના માછલીઓને હટાવવાની કોશિશ કરતો હતો. પણ બે-ચાર માછલીઓ દૂર થાય ત્યાં તો આઠ-દસ માછલીઓ તેની પીઠમાં વળગી પડતી હતી.

પ્રલય અને આનંદ બંને ચોંકી ઊઠ્યા.

‘શું થયું...શું થયું...?’ પાછળની તરફ ફરી પ્રલયે ટોર્ચનો પ્રકાશ તેના પર નાખ્યો.

‘પ્રલય...પ્રલય...મારી પીઠ પર કાંઇ ચોંટ્યું છે, અને બચકાં ભરી મારી પીઠનો ભાગ તોડીને ખાઇ રહ્યું છે.’

ટોર્ચના પ્રકાશ તેના પર પડતાં તેનાથી આગળ રહેલા આનંદે આદિત્યની કમર તરફ નજર ફેરવી.

તે હેબતાઇ ગયો. અનેક ઘણી સંખ્યામાં પીરાના માછલીઓ આદિત્યની પીઠ પર જળોની જેમ ચોંટેલી હતી અને તેના તીક્ષ્ણ દાંત ભરાવી બટકા ભરી આદિત્યના પીઠનું માંસ ખાઇ રહી હતી.

‘બાપ રે ભાગો...આદિત્ય જલદી ભાગ, નહીંતર આ પીરાના માછલીઓ તને થોડીવારમાં જ ખાઇ જશે.’ આનંદ જોરથી ચિલ્લાયો.

આદિત્ય પૂરો લોહી-લુહાણ થઇ ગયો હતો. તેને કારમી વેદના થતી હતી.

‘પ્રલય...પ્રલ...જલદી આગળ ભાગવા માંડો. એક-એક ક્ષણ કિંમતી છે. ભાગો...નહીંતર આદિત્યને આ માનવભક્ષી માછલીઓ પોતાનો ખોરાક બનાવી દેશે...’ તે ચિલ્લાયો.

આદિત્ય ધ્રૂજી ઊઠ્યો.

માછલીઓને ભગાડવાનો તેઓ પાસે કોઇ જ ઉપાય ન હતો. ચારે પગે તેઓ ગટરના પાઇપમાં ભાગી રહ્યા હતા. સૌથી આગળ આવતો આદિત્ય પીડાથી ચિલ્લાઇ રહ્યો હતો. તેને પોતાનું મોત નજદીક દેખાઇ રહ્યું હતું. તેને પીડાને લીધે અંધારાં આવતાં હતાં. આખું શરીર પરસેવાથી અને લોહીથી ખરડાઇ ગયું હતું. પીઠમાં થતી કારમી પીડાની પરવા કર્યા વગર તે ઘૂંટણને આધારે પાઇપમાં દોડતો જતો હતો.

‘આદિત્ય...હિમત ન હારતો આપણે હમણાં આ પાઇપમાંથી બહાર નીકળી જશું. હિંમત રાખ તને કાંઇ જ નહીં થા,’ સૌથી આગળ ઘૂંટણ અને બે હાથના સહારે દોડતો પ્રલય ચિલ્લાતો હતો.

‘પ્રલય...પ્રલય...દોસ્ત મને અંધારા આવે છે. મારાથી હવે એક ડગલું પણ આગળ વધી શકાય તેમ નથી. હવે પીડા સહન થતી નથી...તમે ભાગી જાવ...મને પડતો મૂકી દ્યો.’

‘પ્રલય...પ્રલય...તું આનંદને બચાવીને ભારત લઇ જજે...

‘ઓ મા...ઓ...ઓ...ઓ...બચાવો...રે બાપ રે...મરી ગયો ઓ મા...પીડાથી તેનો અવાજ ફાટી ગયો.

પ્રલય...પ્રલય...મારું મોત નજીક આવી ગયું છે. તું જા દોસ્ત...આદિત્યની આંખોમાંથી આંસુ ટપકતા હતાં. તેનો ચહેરો સફેદ પડી ચૂક્યો હતો. તેનો અવાજ બેસતો જતો હતો.

‘નહીં...આદિત્ય...નહીં...દોસ્ત તને કાંઇ જ નહીં થાય. હિંમત રાખ...મા ભવાનીને યાદ કર આદિત્ય, મા ભવાનીને યાદ કર...’ પ્રલય ચિલ્લાયો અને આગળ વધતો તે અટકી ગયો.

‘પ્રલય...જલદી ભાગ...આગળ વધ...’ આનંદ ચિલ્લાયો.

આનંદ તું મારા પરથી થઇને આગળ ચાલ્યો જા...જલદી કર કાંઇક નિર્ણય લેતાં પ્રલય ગટરના પાઇપમાં ચતો સૂઇ ગયો.

‘પણ...પણ...’ આનંદ થોથવાતાં બોલ્યો.

‘આનંદ...હું તને કહું છું. તેમ જલદી કર...’ ચીસ નાખતાં પ્રલય બોલ્યો.

અને આનંદ પ્રલયના શરીર પર સૂતાં-સૂતાં તેનાથી આગળ વધી ગયો.

‘આદિત્ય...આદિત્ય...ચાલ તું પણ મારા શરીર પર થઇને આગળ વધ...સાંભળે છે...? આદિત્ય...’ પ્રલયે ચીસ નાખી.

પ્રલયની ચીસથી લુપ્ત થતી આદિત્યની ચેતનામાં સંચાર થયો. તેણે આંખો ખોલી. દાંત ભીંસીને મનને મક્કમ કરી ‘મા ભવાની’ નું નામ લેતા તે પ્રલયના શરીર ઉપરથી આગળ વધ્યો.

આદિત્ય તેના શરીર પરથી પસાર થઇ જતાં જ પ્રલય ફરીથી બેઠો થયો અને ટોર્ચનો પ્રકાશ તેણે આદિત્યની પીઠ પર નાખ્યો.

તે હેબતાઇ ગયો. સંખ્યાબંધ પીરાના માછલીઓ આદિત્યની પીઠ પર વળગી બચકાં ભરી તેના શરીરના ભાગને તોડીને ખાતી હતી. આદિત્યના પીઠના અમુક ભાગની ઉપરની ચામડી ગુમ થઇ ગઇ હતી. અને માંસના લોચા દેખાતા હતા. તેમાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હતું. પ્રલયનું શરીર ધ્રૂજી ઊઠ્યું. તાત્કાલિક બેઠા-બેઠા તેણે પોતાનું ખમીશ ઉતાર્યું. જેલમા કેદીઓને આપતા જાડા ખાદીનું તે ખમીસ હતું. ધીરે-ધીરે આગળ વધીને પ્રલય આદિત્યની કમર પાસે પહોંચ્યો અને એક હાથેથી ટોર્ચનો પ્રકાશ નાખી બીજા હાથેથી આદિત્યના પીઠ પર ચોંટેલી માછલીઓને તેણે ઝડપથી દૂર કરી અને ફટાફટ પોતાનું ખમીસ આદિત્યને પહેરાવી દીધું.

‘આદિત્ય...આદિત્ય...જો મેં તારી પીઠ પર ચોંટેલી માછલીઓને દૂર કરી નાખી છે. ચાલ હિંમત રાખ અને જલદી આગળ વધ.’ માથા પર હાથ ફેરવી તેને ટેકો આપી આગળ વધારતાં પ્રલય બોલ્યો.

બચકાં ભરતી માછલીઓ દૂર થતાં આદિત્યની પીડા થોડી ઓછી થઇ અને હિંમતનો સંચાર થયો અને તે આગળ વધવા લાગ્યો. હજી તેનું શરીર આખું ધ્રૂજતું હતું અને પીઠમાંથી લોહી નીકળતું હતું.

‘શાબાશ...આદિત્ય...હિંમત રાખ, આગળ વધ...’ પાછળ આવતો પ્રલય તેની હિંમત વધારી રહ્યો હતો.

ત્યારબાદ થોડી જ વારમાં જેલનો તે ગટરનો પાઇપ વટાવી શહેરની મેઇન ગટર લાઇનમાં પહોંચી ગયા.

હવે તેઓ ઊભા થઇને ગટર લાઇનમાં દક્ષિણ તરફ દોડતા ભાગતા હતા. થોડું આગળ વધ્યા બાદ ગટર લાઇનમાં આગળ તેઓને આછો અજવાસ દેખાયો. દોડીને તેઓ ત્યાં પહોંચી ગયા. ત્યાં ગટર લાઇનનું ઉપરનું ઢાંકણું ખુલ્લું હતું અને તેની ઉપર એક ગાડી ઊભેલી નજરે પડતી હતી.

ગટર લાઇનમાં ઢાંકણ સુધી ઉપર ચડવા માટે લોખંડની સીડી બનાવેલી હતી. સીડી ચડીને તેઓ ઉપર આવ્યા, ઉપર ઊભેલી ગાડીના તળિયામાં માણસ પ્રવેશી શકે એટલો એક મોટો હોલ કરવામાં આવ્યો હતો. બંને હાથેથી ઊંચા થઇને વારાફરતી તેઓ ગાડીમાં ઘૂસી ગયા.

‘હલ્લો...વેલકમ....વેલકમ ટુ કરાંચી જરા જલદી આવજો.’ ગાડીની આગળની સીટ પરથી મુસ્તફાનો અવાજ સંભળાયો.

તે ટોયેટો ગાડી હતી. પાછળની સીટને ધકેલી વચ્ચેની જગ્યામાં તળિયે એક ઢાંકણું બનાવવામાં આવ્યુ હતું.

પ્રલયે આરામથી આદિત્યને પાછળની સીટ પર ઊંઘો સુવડાવ્યો અને તેની પાસે આનંદને બેસાડી પોતે આગળ સીટ પર ચાલ્યો ગયો. ગાડીના ગ્લાસ ગોગલ્સ હતા અને બંધ હતા. એ.સી. ચાલુ હતું.

***