ધરતીનું ઋણ
વ્રજલાલ હિરજી જોષી
જેલમાંથી છટક્યા
ભાગ - 2
શુક્રવાર, તા.11-3-2011
અચાનક જાપાનમાં ભયાનક ભૂકંપ આવ્યો અને ઉત્તર જાપાનનાં કેટલાંય શહેર ધણધણી ઊઠ્યાં. ભૂકંપની તીવ્રતા 8.9 ની હતી. લગભગ એકસો પચાસ વર્ષ બાદ આટલો ભયાનક ભૂકંપ આવ્યો હતો. લોકો પોતાના પગ પર સ્થિર રહી શકતા ન હતા. કેટલાંય મકાનો, ઓફિસો તૂટી પડતા દેખાતા હતા.
એટલાથી પૂરું ન થયું અને જાપાનમાં દરિયામાં અચાનક ઊંચી-ઊંચી લહેરો ઊઠવા લાગી. ત્યારબાદ ભયાનક તબાહી સાથે સુનામીનું આગમન થયું અને કાળો કેર વરતાઇ ગયો.
ત્યારબાદ સાત સેકન્ડમાં જ જાપાનમાં ફુફુસીમા શહેરમાં તેરથી તેત્રીસ ફૂટ ઊંચા ઊછળતાં સમુદ્રનાં પાણી ફરી વળ્યાં. સુનામીથી ઊછળતા દરિયાનાં પાણી સાથે નાની-નાની બોટો અને મોટાં જહાજો પણ શહેરમાં ઘૂસી આવ્યા.
પાણીના ભયાનક વેગમાં મકાનો અને કેટલીય સંખ્યામાં રસ્તા પર ચાલતી ગાડીઓ રમકડાંની જેમ ઊછળતી ભયાનક વેગ સાથે વહી નીકળી. ભૂકંપનું એપી સેન્ટર જાપાનના ઉત્તરમાં મિયાગી વિસ્તાર બતાવતુ હતું. થોડી જ વારમાં ફુફુસીમાં શહેરને તબાહ કરી દરિયાનાં પાણી આગળ વધ્યાં. ત્યારબાદ સેન્ડઇ શહેર તબાહ થયું.
જાપાનમાં લગભગ 2100 કિલોમીટરની રેન્જમાં આવતાં નાનાં-મોટાં બધાં જ શહેરો તબાહ થઇ ગયા. લોકો સમજે વિચારે કે ભાગવાની કોશિશ કરે તે પહેલાં ‘’ ‘’ફુફુસીમા શહેર પૂરું ડૂબી ગયું. મકાનો, રસ્તા,ગાડીઓ બાગ-બગીચા બધું જ સમાપ્ત થઇ ગયું. ઇલેક્ટ્રિક પોલના તાર સુધી દરિયાનાં પાણી ભરેલાં દેખાતાં હતાં. એરપોર્ટ ડૂબી ગયુ. એરપોર્ટના કર્મચારી, મુસાફરો બચવા માટે એરપોર્ટની બિલ્ડિંગની છત પર ચડી જઇ ફાંફા મારતા દેખાયા હતા. મોટી બિલ્ડિંગમાં બારીમાંથી બચાવવા માટે કેટલીય જગ્યાએ ચિલ્લાતા લોકો નજરે પડતા હતા. કેટલીક જગ્યાએ આગની જવાળા દેખાઇ રહી હતી. તેલ રિફાઇનરીના આગના લબકારા દેખાતા હતા. તો જાપનના ઇચીધરા પરમાણુ મથકમાં આગ લાગી હતી. પૂરૂં જાપાન જ્યારે અમેરિકાએ હિરોસીમા, નાગાસાકી પર અણુ હુમલો કર્યો હતો, તે સમયે સ્તબ્ધ થઇ ગયુંહતું. તેમ આજ એકદમ સ્તબ્ધ થઇ ગયું હતું. હવાઇસેવા, ટ્રેનસેવા ઠપ થઇ ગયાં. ઇલેક્ટ્રિસિટી તથા સેલ્યુલર ફોન સેવા બંધ થઇ ગયા. તરત સેનાની મદદ લેવાઇ હતી અને ચારે પરમાણું મથકન બંધ કરી દેવામાં આવ્યા હતા. એટલું સારું હતું કે રેડીએશન ક્યાંય લીક થયું ન હતું. દરિયાઇ સીમાના બાજુના દેશમાં મદદ માટે કહેવામાં આવ્યું તો કિનારાના કરીબ દેશો જાવ, સુમાત્રા, ઇન્ડોનેશિયા, તાઇવાન જેવા વીસ દેશોને સુનામીથી એલર્ટ કરાયા હતા. અમુક દેશોને તો સુનામી આવવાનો સમય પણ આપી દેવામાં આવ્યો. ઇન્ડોનેશિયા 4-30 વાગ્યે, ઓસ્ટ્રેલિયા 6-30 વાગ્યે, ફીઝી 9.7 વાગ્યે, અમેરિકા 8-30 વાગ્યે, ન્યુઝીલેન્ડ 7 વાગ્યાના ટાઇમે સુનામી આવવાનો ખતરો તોળાતો હતો. ભયાનક તબાહી ફેલાઇ ગઇ હતી. પણ જાપાનમાં વસતા પચીસ હજાર ભારતીય સુરક્ષિત હતા. અણુ મથક પર રેડીએશન લીક થવાનો ખતરો તોળાઇ રહ્યો હતો.
ટી.વી.ના લાઇવ પ્રસારણે જોઇ તેના શરીરનાં રૂંવાટાં ઊભાં થઇ ગયાં હતા. તેના હાથ કંપી રહ્યા હતા. તેને કચ્છના ધરતીકંપની તબાહી યાદ આવતી હતી. તેની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. દહેશતથી તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. અચાનક હાથની આંગળીઓ બળવાનો અહેસાસ થતાં ચોંકી જઇને તેણે હાથને ઝાટકો આપ્યો. હાથમાં પકડેલી સિગારેટ પૂરી થઇ ગઇ હતી અને હાથને દઝાડતી હતી. તે એકદમ વિચારમાંથી બહાર આવ્યો. એ.સી.ચાલુ હતું, છતાં તેનું શરીર પરસેવાથી રેબઝેબ થઇ ગયુ હતું. કપાળ પર હાથેથી પરસેવાને લૂછીને તેણે માથાને ઝાટકો આપ્યો. ત્યારબાદ બાજુમાં પડેલી પાણીની પૂરી બોટલ ગટગટાવી ગયો. મિશન પૂરું કર્યા વગર હું પાકિસ્તાનની બહાર પગ નહીં મૂકું, તે બબડ્યો.
‘આવો, આવો મહેમુદ મિયાં શું સમાચાર છે, ભાઇ...?’
‘સાંભળો...મુસ્તફાએ પ્લાન બનાવી નાખ્યો છે. પાંચ તારીખના મેડિકલ ચેક-અપ વખતે કેદી નં. 107 ને હોસ્પિટલમાં લઇ આવવામાં આવશે, ત્યારે તમારે તેમને લઇ જેલમાંથી ભાગી છૂટવાનું છે.’
‘શું મિયાં હોસ્પિટલમાંથી બહાર ભાગવાનો કોઇ રસ્તો છે. ?’ આદિત્યે પૂછ્યું.
‘ના...ડાયરેક કોઇ રસ્તો નથી. પણ હોસ્પિટલની પાછળના ભાગની બાઉન્ડરી પાછળ જેલની ગટરનું મેઇન જંકશન આવેલું છે. જે જંકશન કરાંચી શહેરની મેઇન ગટર લાઇન કરાંચીના દરિયાઇ ખાડીમાં જાય છે. તેમાં જોડાયેલ છે.’
‘મિયાં...ગટર લાઇન કેટલી મોટી છે...?’ પ્રલયે પૂછ્યું.
‘જુઓ, હોસ્પિટલની દીવાલ પાછળ જે મેઇન જંકશન છે. ત્યાંથી કોઇપણ માણસ ચાર પગે એટલે કે બે હાથ-બે પગે ચાલી શકે તેટલી મોટી છે. ત્યારબાદ શહેરની મેઇન ગટર લાઇનમાં જોઇન્ટ થતાં તે ગટર લાઇન એક ગાડી આરામથી અંદર દોડી શકે તેટલી મોટી છે. હવે જેલની ગટર લાઇનનું જ્યાં જંકશન છે, તે જગ્યાએ દસ બાય દસ ફૂટ અને પંદર ફૂટ ઊંડાઇ ધરાવતો લોખંડની પ્લેટના દરવાજાવાળો સિમેન્ટ લોખંડથી બનાવેલ મજબૂત 10 બાય 10 ના રૂમ જેવો ખાડો છે. તેના દરવાજો લોખંડની પ્લેટનો બનેલ છે અને તે લોખંડની પ્લેટ તેના ગેડર પર સ્લાઇડની જેમ સરકી જાય અને રસ્તો ખૂલે છે તે લોખંડના દરવાજા ખોલવા માટેની સ્વીચ જેલરની ઓફિસમાં આવેલી છે. દરવાજો ખૂલતાં નીચે ઊતરવા માટે અંદર એક લોખંડની સીડી ફિટ કરેલી છે. તેના વાટે અંદર ઊતર્યા બાદ આગળ વધતાં જ્યાં જેલની કિલ્લા જેવી દીવાલ બનાવેલી છે. તે જગ્યાની નીચે ગટર લાઇનમાં લોખંડની જાળી ફીટ કરેલ છે. તે જાળી તોડીને સીધા તમે શહેરની મેઇન ગટર લાઇનમાં પહોંચી જશો. ત્યાંથી મેઇન ગટર લાઇનમાં દક્ષિણ તરફ આગળ વધતા રહેજો. થોડા આગળ જતાં એક ગટરનું મોટું ઢાંકણું ખુલ્લું જોવા મળશે. તે ઢાંકણાના ઉપર એક ગાડી ઊભી હશે. તે ગાડીના તળિયામાં એક ગોળ કાપેલ ખાંચો હશે. તે ખાંચામાં થઇ તમે ડાયરેક ગાડીમાં ચડી જજો, તે ગાડી ખુદ મુસ્તફા લઇને આવશે.’
‘ઠીક છે પણ ગટરનો દરવાજો ખૂલશે કેવી રીતે ?’ પ્રલયે પૂછ્યું.
એના માટે ગટર સાફ કરાવવાનો કોન્ટ્રાક અપાયેલો છે. હું ત્રણ તારીખથી ગટર સાફ કરાવવાનું ચાલુ કરાવીશ, લગભગ સાફ કરાવવામાં પાંચ દિવસ નીકળી જાય છે તેથી પાંચ તારીખના ગટરની ચેમ્બર્સના દરવાજા ખુલ્લા હશે.
‘અને જેલ હોસ્પિટલની દીવાલ ટપવા માટે શું વ્યવસ્થા ગોઠવશું...?’ આદિત્યે પૂછ્યું.
‘હા...તેના માટે આગલા દિવસે હોસ્પિટલની બાઉન્ડરીની દીવાલ પર લાગેલી ટ્યૂબલાઇટો તોડી નાખીશ અને પાંચ તારીખના ત્યાં નવી ટ્યૂબલાઇટો ફીટ કરાવવા માટે કારીગરને બોલાવીશ તેની પાસે જે ગાડી છે તે ગાડીમાં એક સીડી આવેલી છે, તમને તે સીડી દીવાલ ઓળંગવામાં તેમને મદદરૂપ થશે. બોલો તે સિવાય કાંઇ પૂછવું છે ?’
‘મહત્ત્વની વાત...તે દિવસે હોસ્પિટલમાં તમારા સિવાય બીજા કેટલા ગાર્ડ હશે અને તે ગાર્ડ અમને ભાગવામાં અડચણરૂપ થશે તો તેનું શું કરશું ?’ આદિત્યે કહ્યું.
‘ગાર્ડ તે દિવસે લગભગ સાત જેટલા હશે. પણ હું ત્યારે કેદીઓમાં ડખો ઊભો કરાવીને તેનું ધ્યાન તે તરફ દોરવાની કોશિશ કરીશ. બાકી તો તમારે સંભાળી લેવું પડશે.’
‘ઠીક છે...ભાઇ મહેમૂદ, તેને અમે પહોંચી વળશું, અમને એક રિવોલ્વર, સ્મોક બોમ્બ, એક નાની ટોર્ચ અને ગટરની અંદર લોખંડની જાળી તોડવા માટેની કટરની વ્યવસ્થા કરી આપજે.’
‘એ થઇ જશે...બરાબર....હવે હું જાઉં છું, પાંચ તારીખના તૈયાર રહેજો.’
‘હા...હા...લગ્ન કરવા હોય તો લાડીને મંડપમાંથી ભગાડી તો જવી જ પડશેને.’ હસતાં-હસતાં આદિત્ય બોલ્યો.
‘ભલે ત્યારે તો હું જાઉં...?’ મહેમૂદ બોલ્યો.
‘આવજે હો ભાઇ, મારા લગ્નમાં હાજર અચૂક રહેજે...’ આદિત્યે બોલ્યો, અને ત્રણે હસી પડ્યા.
બીજા દિવસે સવારના હોટલ નુરાનીમાં ઊતરેલ તે લેન્ડ ડેવલોપર્સ લીઆરી એક્સપ્રેસ હાઇવે પર ફરતાં-ફરતાં ત્યાં આવેલી અવારી ટાવર્સ નામની દસ માળની બિલ્ડિંગમાં ચક્કર લગાવી આગળ હાઇવે પર ધોબીઘાટ થઇ પોલીસ ક્વાર્ટસથી જામા મસ્જિદ અને મચ્છાર કોલોની સુધી ચક્કર મારી આવ્યો.
તે જ દિવસની સવારના જેલનો વોર્ડન, મહેમૂદ સેન્ટ્રલ જેલથી બે કિલોમીટર દૂર પોતાની મોટર સાયકલ બંધ કરીને ઊભો રહ્યો, તેની સાથે મુસ્તફા પણ હતો. રોડની એક તરફ મોટરસાયકલ ઊભી રાખી મુસ્તફાએ મહેમૂદની મોટરસાયકલના પાછળના વ્હીલમાં ટાંચણી ભરાવીને પંચર કરી, ત્યારબાદ તે નજીકની ઝાડીમાં છુપાઇ ગયો અને મહેમૂદ મોટરસાયકલ પાસે ઊભી રહીને સિગારેટ સળગાવીને પીતાં-પીતાં કોઇની રાહ જોવા લાગ્યો.
ઘુઉ...ઉ...ઉ...એન્જિનના ગગડાટીના અવાજ સાથે મહેમૂદની આંખમાં ચમક આવી.
જેલની સામેના રોડથી એક ટ્રક આવી રહી હતી.
ટ્રક નજદીક આવતાં મહેમૂદ સિગારેટને ઘા કરી રોડ તરફ આગળ વધ્યો, પછી તે ટ્રકના નંબર વાંચીને બંને હાથ હલાવી ટ્રકને ઊભી રાખવા સંકેત આપવા લાગ્યો.
તે ટ્રક જેલનો માલ-સામાન લઇને કાયમ આવતી હતી, તેનો ડ્રાઇવર મહેમૂદને ઓળખતો હતો.
ડ્રાઇવરે નજીક આવીને ટ્રકને ઊભી રાખી.
‘અરે...મહેમૂદ સાહેબ તમે અહીં કેમ ઊભા છો ?’ આશ્ચર્યથી મહેમૂદ સામે જોતાં ડ્રાઇવર બોલ્યો.
‘અરે...ખાન મારી મોટરસાયકલમાં પંચર પડી ગયું છે. મને જેલમાં જવાનું મોડું થાય છે, હું કોઇ વાહનની વાટ જોતો ઊભો હતો.’ ડ્રાઇવર સામે જોતાં મહેમૂદ બોલ્યો.
‘વાંધો નહીં સાહેબ મારી ટ્રકમાં આવી જાવ. હું સેન્ટ્રલ જેલમાં માલ પહોંચાડવા જ જઇ રહ્યો છું અને વળતાં તમારી મોટર સાયકલ ખાલી ટ્રકમાં નાખી લઇ જઇશ અને સાંજના પંચર કરાવી તમને પહોંચતી કરી દઇશ.’
‘મહેમૂદ ટ્રકના ડ્રાઇવર સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે મુસ્તફા ચુપા-ચુપ રોડની સાઇડમાં ઊગેલા બાવળની ઝાડીમાંથી બહાર આવ્યો અને અને બિલ્લી પગે ટ્રકમાં પાછળના ભાગમાં ચડી ગયો.’
મહેમૂદ ડ્રાઇવરની કેબિનમાં બેસી ગયો અને ટ્રક આગળ સેન્ટ્રલ જેલના રસ્તા તરફ ચાલતી થઇ.
ટ્રકના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ મુસ્તફાએ શર્ટના ઉપરનાં બે બટન ખોલ્યાં અને અંદર છુપાવેલ એક રિવોલ્વર, સ્મોક બોમ્બ, એક ટોર્ચ અને લોખંડ કાપવાની નાની કટરને બહાર કાઢ્યા અને પછી એક ઘઉંના લોટની બોરીને ખોલી અને બધી વસ્તુ તેની અંદર વચ્ચે છુપાવી દીધી ત્યારબાદ બોરીને બંધ કરી તેના પર એક લાલ કલરનું નાનું સ્ટીકર બરાબર દબાવીને ચીપકાડી દીધુ. ત્યારબાદ તે નીચે બેસી ગયો.
ટ્રક સેન્ટ્રલ જેલ પાસે આવી પહોંચી અને જેલના ગેટ પાસે ઊભી રહી. મહેમૂદ અને ડ્રાઇવર તે ગેટની કેબિન તરફ ચાલતા થયા અને મુસ્તફા ટ્રકના પાછળના ભાગમાંથી ચૂપાચૂપ નીચે ઊતરીને લપાતો-છુપાતો જેલના ગેટની સામેની ઝાડીમાં ઘૂસી ગયો અને રોડ તરફ આગળ વધી ગયો.
તે દિવસે બપોરના મહેમુદ, પ્રલય અને આદિત્યને તેની બેરેકમાં મળવા માટે આવ્યો.
‘મહેમૂદ સાહેબ...લગ્નની કંકોત્રીઓ વહેંચી આવ્યા...?’ હસતાં-હસતાં આદિત્ય બોલ્યો.
‘હા, ભાઇ...કંકોત્રી વહેંચી આવ્યો અને તમારા સારું નાળિયેરની જોડ અને ફૂલોની માળા પણ લેતો આવ્યો છું.’ હસતાં મહેમૂદ બોલ્યો, અને તેણે ચૂપાચૂપ એક રિવોલ્વર, આઠ સ્મોક બોમ્બ અને લોખંડ કાપવાની કટર તથા નાની ટોર્ચ તેમને આપી દીધા બાદ તરત તે ચાલ્યો ગયો.
ત્યારબાદ પ્રલયે બાથરૂમમાં જઇ મેજર સોમદત્તનો કોન્ટેક્ટ કર્યો અને વિગતવાર બધી જાણ કરી દીધી.
તા. પ ની સવારના
હોટલ નુરાનીમાં ઊતરેલ તે યુવાને ટેક્ષી ડ્રાઇવરને ફોન કર્યો...
‘હલ્લો સર...આજ ક્યાં ચક્કર લગાવવા જવું છે. કેટલા વાગ્યે આપને લેવા આવું...?’ સામેથી તે ઉત્સાહિત ટેક્ષી ડ્રાઇવરનો અવાજ ફોનના રિસીવરમાં આવ્યો.
‘સાંભળ...આજ મને મોટરસાયકલની જરૂર છે. તું ભાડે મોટર સાયકલ લાવી આપ. એડવાન્સ જે આપવાનું થશે તે આપી દઇશું.’
‘સાહેબ...મોટર સાયકલ ભાડે લેવાની જરૂર નથી. અલ્લાતાલાની મહેરબાનીથી મેં થોડા દિવસ પહેલાં જ યામાની બાઇક ખરીદી છે. હું હમણાં આપને આપી જઉં છું’
અને તે ડ્રાઇવર થોડી જ વારમાં મોટર સાયકલ લઇને આવી પહોંચ્યો. તે યુવાને તેને 5000 રૂં. પાકિસ્તાન કરન્સીના આપ્યા.
‘લે...આ તને ભેટ અને હું તૈયાર થઇ જાઉં ત્યાં સુધી તું ટાંકી ફુલ કરાવી આવ, પછી પહેલાં તને તું કહે ત્યાં મૂકી આવું,’ તે યુવાને ડ્રાઇવરને પાંચ હજાર આપતાં કહ્યું.
‘સાહેબ...મોટર સાયકલની ટાંકી ફુલ કરાવી આવ્યો છું અને ટેક્ષી કરીને ચાલ્યો જઇશ...તમે ચિંતા ન કરો અને મોટરસાયકલની જરૂર ન હોય ત્યારે મને ફોન કરજો હું આવીને લઇ જઇશ.’
‘થેંક્યું દોસ્ત...અને હા કરાંચીમાં તું એકમાત્ર મારો મદદગાર છો, મેં નક્કી કર્યુ છે કે હું સોસાયટી બનાવીશ તેમાં તને એક પ્લોટ ફ્રીમાં આપીશ...’ તે યુવાન બોલ્યો.
તે ટેક્ષી ડ્રાઇવર ખુશ થઇ ગયો અને તે યુવાનનો આભાર માની ચા પીને ચાલતો થયો.
આજ પાંચ તારીખ હતી. કેદીઓને મેડિકલ ચેક-અપ કરવાન દિવસ હતો.
પ્રલય અને આદિત્ય સવારથી જ ખૂબ આતુરતાપૂર્વક તેમને બોલાવવામાં આવે તેની વાટ જોઇ રહ્યા હતા.
જેલની તે અંડરગ્રાઊન્ડ બેરેકમાંથી તે કેદીને લઇને બે રાયફલધારી ગાર્ડ હોસ્પિટલ તરફ લઇ જતાં બંનેએ થોડા સમય પહેલાં જ જોયા હતા.
તે કેદી બિચારાને ખબર પણ ન હતી કે આજ તેની મુક્તિનો દિવસ છે.
થોડી જ વારમાં પ્રલય તથા આદિત્યને પણ હોસ્પિટલમાં લઇ જવા માટે બે ગાર્ડ આવ્યા. બંને તે ગાર્ડ સાથે હોસ્પિટલ તરફ ચાલ્યા.
***