Dhartinu Run - 6 - 2 books and stories free download online pdf in Gujarati

ધરતીનું ઋણ - 6 - 2

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

દુશ્મન દેશની ચાલ કે પછી...!

ભાગ - 2

ચાંદની ચોક...દિલ્હીનો ખૂબ જ ભીડ-ભાડવાળો એરિયા...ચારે તરફ વિશાળ રસ્તા ભરપૂર વાહનોથી ઘેરાયેલા હતા. ઊભરાતી માનવ મેદની અને ફૂટપાથની બાજુમા ચીજવસ્તુ વેચતા લોકોના અવાજ જાણે મેળામાં આવ્યા હોઇએ તેવું લાગે. ચાંદની ચોક પાસે આવેલ લાલ કિલ્લો દિલ્હીની પ્રતિષ્ઠાની મહોર લગાવતો હતો. દેશ-વિદેશનાં કેટલાંય સહેલાણીઓ સવારના પહોંરમાં લાલ કિલ્લા તરફ જતાં નજરે પડતાં હતાં.

ચાંદની ચોક સ્થિત એક બહુમાળી બિલ્ડિંગમા આવેલ ‘‘રે-બેન્કર્સ એન્ડ કેમિકલ્સની એક્સપોર્ટ-ઇમ્પોર્ટ કરતી કંપની’’ આવેલી હતી. તે કંપનીની આલીશાન ઓફિસમાં કંપનીના ચેરમેન નિરાંતે બેઠા બેઠા કોફીની ચુસકીઓ લઇ રહ્યા હતા. અને તેની ચેરની એક તરફની દીવાલ પર જડાયેલ કાચની મોટી બારીમાંથી દેખાતો ચાંદની ચોકનો નજારો નિહાળી રહ્યા હતા. વાતાનુકૂલીન ઓફિસમાં એ.સી.ના આછા ઘરઘરાટીના અવાજ સિવાય ચિર શાંતિ છવાયેલી હતી.

તે મેજર સોમદત્ત હતા. ભારતની જાસૂસી સંસ્થા રો, ના તેઓ ચીફ અધિકારી હતા. તેઓ પહેલાં સી.બી.આઇ.ના ચીફ ઓફિસર હતા. તેમની કાર્યદક્ષતા અને જીવના જોખમે ગમે તેવા ખતરનાક કેસોને પાર પાડવાની કુશળ અને બહાદુરીભર્યા કારનામાથી પ્રસન્ન થઇ ભારત સરકારે તેઓને ભારતની જાસૂસી સંસ્થા રોના અધ્યક્ષ પદે નીમેલ હતા અને તેમના કાબેલ અને ચુનંદા સાથીદારોને પણ ‘‘રો’’ માં ટ્રાન્સફર કર્યા હતાં.

‘‘સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા.’’ અચાનક તેનો મોબાઇલ રણકવા લાગ્યો. ટેબલ પર પડેલા સેલફોનને ઉઠાવી નંબર જોઇ તેમણે મોબાઇલ ઓન કર્યો.

‘હલ્લો...ગુડ મોર્નિંગ સોમદત્તજી...’

‘ગુડ મોર્નિંગ...મલ્હોત્રા સાહેબ કેમ છો...? ઘણા દિવસે મને યાદ કર્યો...પ્રસન્નતા ભર્યા અવાજે સોમદત્ત બોલ્યા.

‘અભિનંદન સોમદત્તજી, તમે રોના અધ્યક્ષ બન્યા તે બદલ.’

‘થેંક્યુ...સર...કેમ છો તમે...? શું હજી કચ્છમાં છો કે ક્યાંય ટ્રાન્સફર થઇ...’

‘સોમદત્તજી...હું કચ્છમાં જ છું. મને સમાચાર મળ્યા કે તમે રોના અધ્યક્ષ બન્યા છો, એટલે ફોન કરવાનો વિચારતો હતો જ, ત્યાં જ તમારા માટે એક અગત્યનું કામ આવી ગયું. મોબાઇલમાંથી મલ્હોત્રા સાહેબનો પ્રેમાળ અવાજ આવતો હતો.

‘બોલો...મલ્હોત્રા સાહેબ...શું ફરમાન છે...?’

‘સોમદત્તજી...પહેલાં તો મને સાહેબ કહેવાનું બંધ કરો અને રહી કામની વાત તો આજ જખૌથી એક માછીમાર મને મળવા આવ્યો હતો. તે હમણાં થોડા દિવસ પાકિસ્તાનની કરાંચીની જેલમાં રહી આવ્યો હતો. તેમણે કહેલી વાતથી મારું મગજ કામ કરતું બંધ થઇ ગયું હતું.’

‘એવી તે શું વાત કરી કે તમારું મગજ કામ કરતું બંધ થઇ ગયું...’ હસતાં-હસતાં સોમદત્ત બોલ્યા.

‘સોમદત્તજી, તેની વાત તમને કરીશ તો તમારું પણ મગજ કામ કરતું બંધ થઇ જશે.’

‘તો તો જલદી બતાવો.’

‘સાંભળો...તે મચ્છીમારને દરિયાઇ સરહદ ઓળંગવાના ગુના હેઠળ પાકિસ્તાન કોસ્ટલ ગાર્ડવાળાઓને પકડ્યા હતા અને તેને કરાંચીની સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ત્યાં કરાંચીની જેલમાં મેડિકલ ચેક-અપ માટે જેલની હોસ્પિટલમાં તેમને લઇ જવામાં આવ્યા, તે વખતે એક કેદીએ પોતાની નસ કાપી નાખી હતી. તેથી ર્ડોકટર તેઓને પોતાની ચેમ્બર્સમાં બેસાડી અને તે કેદીની સારવાર કરવા માટે બેરેકમાં ગયો. અને તે ર્ડોક્ટરનો નિયમ છે. કે તેની ઓફિસમાં કેદીની સાથે કોઇ ગાર્ડ કે સિપાઇ અંદર આવી શકતો નથી. તેને તેની ઓફિસની બહાર જ રહેવું પડે અને જેવો ર્ડોક્ટર તે કેદીને જોવા માટે બેરેકમાં ગયો, તરત અંદર સૂતેલા એક કેદીને આ મચ્છીમારા કચ્છના છે. તે તેમની વાતોમાંથી ખબર પડતાં, તે કેદીએ એક સંદેશ મને એટલે કે કચ્છના આઇ.જી.ને પહોચાડવા માટે વિનંતી કરી. અને તેનો સંદેશો મને કાલે મળ્યો. જાણો છો તે સંદેશો શું હતો ? મેજર સાહેબ, તેણે સંદેશો મોકલ્યો છે કે, ‘‘હું આનંદ મઝામાં છું. સોમદત્તજીને સંદેશો પહોંચાડજો.’’

‘વોટ...?’ ઘડાક કરતા મેજર સોમદત્ત પોતાની ચેર પરથી ઊભા થઇ ગયા. તેમનું આખું શરીર ઉત્તેજનાથી ધ્રૂજતું હતું.’

‘હા...મેજર સાહેબ, પહેલાં તો આ સંદેશો હું સમજ્યો નહીં અને મારી ચેમ્બર્સમાં બેસીને વિચારતો જ રહ્યો પણ સોમદત્તજીને સંદેશો પહોંચાડજો. એટલે કે તમને સંદેશો પહોંચાડવાનો અને હું આનંદ એટલે તમારા આસિસ્ટન્ટ આનંદ શર્મા, મઝામા છું. એટલે જેલમાં બેઠો-બેઠો રોટલા ખાઇ દિવસ કાઢું છું.’

‘કરેક્ટ...ગુપ્તા સાહેબ, એકદમ પરફેક્ટ...પણ...પણ આ આનંદ શર્મા તો કચ્છમાં થયેલ ધરતીકંપ વખતે કચ્છમાંથી ગુમ થયેલ તો તે પાકિસ્તાનમાં કરાંચીની જેલમાં કેવી રીતે પહોંચી ગયો...ખરેખર તે આનંદ શર્મા જ તે કેદી હતો કે પછી પાકિસ્તાનની કોઇ નવી ચાલ છે...ઠીક છે. ગુપ્તા સાહેબ, હું પાકિસ્તાન તપાસ કરાવું છું. અને તાત્કાલિક ધોરણે કચ્છ આવું છું, જલદીમાં જલદી આપણે મળીએ છીએ ઓ.કે...’

‘ઓ.કે...મેજર સાહેબ, તમે કચ્છ પધારો પછી નિરાંતે વાત કરશું. અને તે મચ્છીમારને હું ભૂજ બોલાવી રાખું છું.’

‘ના...ગુપ્તા સાહેબ આપણે તેને મળવા જખૌ જશું, ઓ.કે...’

‘ઓ.કે...બાય...’ સામેથી મોબાઇલનું કનેક્શન કપાઇ ગયું.

મેજર સોમદત્તનું હ્રદય ધક ધક અવાજ સાથે જોર જોરથી ધડકતું હતું. અને તેના મગજ પર કોઇ ઘણના ઘા મારતું હોય તેમ તેની મગજની નસો ફાટ-ફાટ થઇ રહી હતી. હજી પણ ઉત્તેજના અને કંઇક અંશે આનંદની તેમનું શરીર ધ્રૂજતું હતું. તેમણે બેલ વગાડી તેની ઓફિસના પ્યુનને બોલાવ્યો અને તાત્કાલિક પ્રલય, કદમને બોલાવવાનું કહ્યું. ઓફિસનું એ.સી.ચાલું હતું.છતાં તેમના કપાળ પર પરસેવાનાં બુંદ બાઝેલા હતાં.

થોડીવારમાં જ કદમ અને પ્રલય તેમની ઓફિસમાં આવ્યા.

‘ગુડ મોર્નિંગ સર...’

‘ગુડ મોર્નિંગ...આવો બેસો.’

‘સર, શું વાત છે. આજ આપ ટેન્શનમાં દેખાવ છો.’ પ્રલયે પૂછ્યું.

‘પ્રલય...વાત કાંઇક આવી છે કે તમે સાંભળશો તો તમે પણ ટેન્શનમાં આવી જશો...’ કહી મેજર સોમદત્તે પૂરી વાત વિગતવાર કહી સંભળાવી.

‘ઓ માય ગોડ...સર પણ એવું કઇ રીતે બંને. આનંદ શર્મા તો દસ વર્ષ પહેલાં કચ્છમાં ગુમ થયો હતો. તો તે પાકિસ્તાન ક્યાંથી પહોંચી ગયો...’ પ્રલય બોલ્યો.

‘સર...મને યાદ છે. તે ધરતીકંપના દિવસો જેણ મારા ઘરનો સર્વનાશ નોતર્યો હતો. મારી મમ્મી, ભાઇ, બહેન તેમાં ભરખાઇ ગયા હતા. જો તમે મને સહારો ન આપ્યો હોત તો...તો હું આપઘાત કરીને મરી ગયો હોત, અથવા અત્યારે આવારા બની કચ્છમાં ભટકતો હોત કે મજૂરી કરતો હોત...’

કદમની આંખો ભરાઇ આવી.

પ્રલયે તેની પીઠ પર આત્મીયતાથી હાથ ફેરવી ખભો દબાવ્યો.

‘કદમ...એ બધુ ભૂલી જા મારા ભાઇ, આજ તારી મા, ભાઇ, બહેન નથી તેવું ન સમજજે. આ સોમદત્તજી તારા પિતા છે. હું તારો મોટો ભાઇ છું.’

‘હા...પ્રલય, સોમદત્તજી મને પિતાનો પ્રેમ આપ્યો. તેં મને ભાઇનો પ્રેમ આપ્યો, તમે તો છો મારા મા-બાપ, ભાઇ-બહેન,’ ગળું ખંખેરી કદમ બોલ્યો.

‘બેટા, ચિંતા ન કર. તારાં લગ્ન હું ધામધૂમથી કરાવીશ...અને હું પ્રલય તારા લગ્નમાં ખૂબ નાચશું, ખૂબ આનંદ કરશું,’ હસતાં-હસતાં સોમદત્ત વાતને બદલાવવા માટે બોલ્યા.

‘સર...આ બધું મારા લીધે થયું છે મારા ખાતર તમે આનંદને કચ્છ એકલો મૂકી ચાલ્યા આવ્યા હતા, સર...આનંદ જો જીવતો હોય તો સૌથી વધુ ખુશી મને થશે. સર...આનંદને શોધવા હું મારી જીવની બાજી લગાવી નાખીશ. હુકમ કરો, સર...પાકિસ્તાન ક્યારે જવાનું છે. સર...જો મેં આનંદને તમારી સાથે કચ્છમાં એક જ વખત જોયેલ છે. મને તેમનો ચહેરો યાદ નથી. પણ સર...તેમને મળતાં હું ચોક્કસ ઓળખી જઇશ. તેનો અવાજ સાંભળી હું તેને ચોક્કસ પિછાણી જઇશ.’

‘કદમ...જાસૂસીના કામમાં તો આવું બધું થતું જ રહે અને રહી પાકિસ્તાન જવાની વાત, તો પાકિસ્તાનમાં આપણો ભારતનો એજન્ટ મુસ્તુફા મીયાંદાદ છે, પહેલાં તેની સાથે ફોનથી વાત કરીને તપાસ કરવાનું કહીશ કે, ખરેખર કરાંચીની જેલમાં જે કેદી છે તે આનંદ શર્મા છે કે પછી પાકિસ્તાનની કોઇ ચાલ છે. તપાસ કર્યા પછી તે કેદી આનંદ શર્મા હોવાનું નક્કી થાય, ત્યારબાદ તેને છોડાવવા માટે તારે અને પ્રલય પાકિસ્તાન જવાનું થશે.’

‘ખરી વાત છે, સર...કદાચ આ કોઇ દુશ્મન દેશની ચાલ પણ હોય.’

‘કદમ, પ્રલય...પહેલાં કાલ સવારની ફ્લાઇટમાં હું ભૂજ જાઉં છું. અને સેન ગુપ્તા સાહેબને મળી તે માછીમાર પાસે પૂરી વિગત જાણી લઉં, પછી આપણે આગળ વધશું.’

‘ભલે સર...જરૂર પડે તો અમને કચ્છ બોલાવી લેજો. પ્રલય બોલ્યો.

ભુજના ‘‘રામકૃષ્ણ વર્મા’’ એરપોર્ટના રન-વે પર દિલ્હીથી આવેલું પ્લેન રન કરી એરપોર્ટની બિલ્ડિંગ પાસે ઊભું રહ્યું અને પછી એક બાદ એક મુસાફરો પ્લેનની બહાર નીકળી સીડી ઉતરવા લાગ્યા.

મેજર સોમદત્તે ઘણા સમય બાદ કચ્છની ધરતી પર કદમ મૂક્યા હતા. ભુજ આવી પહોંચતા જ તેનાં હ્રદય આનંદથી ભરાઇ આવ્યું. જાણે તે પોતાના ઘરે વર્ષો પછી પાછા આવ્યા હોય તેવું લાગતું હતું. કચ્છની ધરતી, કચ્છનું વાતાવરણ, કચ્છના માયાળું માનવી પ્રત્યે તેમને દિલથી લાગણી હતી.

‘ગુડ મોર્નિંગ...વેલકમ...કચ્છની ધરતી પર તમારું ઉષ્મા ભર્યું સ્વાગત છે. સોમદત્તે રિસીવ કરવા ખુદ આઇ.જી.સાહેબ આવ્યા હતા. તેઓ સોમદત્ત સાથે હાથ મલાવતા બોલ્યાં.’

‘ગુડ મોર્નિંગ...ગુપ્તા સાહેબ....ખૂબ આનંદ થયો. કચ્છની ધરતી પર પગ મૂકતાં અને આપને મળતાં...’ સોમદત્ત હાથ મિલાવતાં બોલ્યા.

પછી થોડીવારમાં જ તેઓ આઇ.જી.સાહેબની ક્વોલીસમાં બેસીને તેમના ઘરે પહોંચ્યા. મેજર સોમદત્ત નાહી-ધોઇને ફ્રેશ થયા બાદ બંને સાથે વાતો કરતા કરતા ચા સાથે નાસ્તો કરવા બેઠા. નાસ્તાને ન્યાય આપી તરત તેઓ જખૌ જવા રવાના થયા. લગભગ બે કલાક બાદ તેઓ જખૌ પોર્ટ પહોંચી ગયા.

જખૌ પોર્ટ ખૂબ જ નાનુ હતું. અહીં કોઇ મોટાં જહાજ આવી શકે તેવી શક્યતા ન હતી. કેમ કે દરિયો છીછરો હતો. ફકત માછીમારો માટે જ આ પોર્ટનો ઉપયોગ થતો હતો. જખૌ પોર્ટની ઓફિસ જૂની ખખડધજ છતાયં પાકી છતવાળી, ચાર રૂમની બિલ્ડિંગ હતી. આઇ.જી.સાહેબ પધારવાના છે તેવી સૂચના પહેલાંથી જ આપી દેવામાં આવી હતી તેથી પોર્ટનો અધિકારી ત્યાં જ હાજર હતો. તે આઇ.જી.સાહેબ તથા મેજર સોમદત્તને આવકારીને પોતાની ઓફિસમાં લઇ ગયો. સૌએ ચાને ન્યાય આપ્યો.

‘સર...આપ અચાનક જખૌની મુલાકાતે આવ્યા. તે અધિકારીએ વિવેક સાથે પૂછ્યું, તેનું નામ વેંકટેશરાવ હતું.

‘વેંકટેશજી...અમારે રામજીભા નામના માછીમારને મળવું છે, અને તે પણ અંગતમાં સોરી...તમારે પણ ત્યારે તમારી ઓફિસથી બહાર બેસવું પડશે.’

‘નો પ્રોબ્લેમ સર...’

‘તો...તમે રામજીભાને જલદી બોલાવી આપો, કહેજો કે આઇ.જી.સાહેબ તમને મળવા માટે આવ્યા છે. અને હા...તેની બોટ તમે પરત આપી દીધી...?’

‘સર...તેનું ડોક્યમેન્ટરી વર્ક થોડું બાકી છે. બે-ત્રણ દિવસમાં અમે તેને પરત આપી દેશું.’

‘વેંકટેશજી...જે વિધી બાકી હોય તે હાલ જ પૂરી કરો, અને અમે અહીંથી જઇએ તે પહેલાં તેની બોટ મળી જવી જોઇએ.’

‘ઓ...કે...સર મળી જશે. હું હમણાં જ પોર્ટના માણસને રામજીભાને લેવા માટે મોકલું છું.’ કહી તે ઊભો થયો અને બહાર ચાલ્યો.

થોડીવારમાં જ રામજીભા આવી ગયા.

પહેલાંથી આપેલી સૂચના મુજબ પોર્ટ અધિકારીની ઓફિસમાં તેમને બોલાવવામાં આવ્યા. પોર્ટનો અધિકારી ઓફિસની બહાર ચાલ્યો ગયો.

‘નમસ્તે...નમસ્તે...સાહેબ’ બે હાથ જોડતાં રામજીભા બોલ્યા અને સાહેબની ટેબલ ખુરશીથી થોડે દૂર નીચે ફર્શ પર બેસી ગયા.

‘રામજીભા...સામે ખુરશી પર બેસો...’

‘ના...સાહેબ હું નાનો માણસ અહીં જ બરાબર છુ.’

‘પ્લીઝ...રામજીભા તમે અમારા બાપ જેવા છો, તમે નીચે બેસો તો અમને ખરાબ લાગશે,’ સોમદત્ત બોલ્યા.

રામજીભા તેમની વિનંતીને માન આપવા ઊભા થઇને ખુરશી પર બેઠા પછી પહેલી વખત સોમદત્ત સામે નજર કરીને જોયું.

‘રામજીભા, આ દિલ્હીથી આવ્યા છે, તેમનું નામ મેજર સોમદત્તજી છે, જેને સમાચાર પહોંચાડવા માટે તે કેદીએ ક્હયું હતું, તે આ સાહેબ પોતે...’

‘નમસ્તે...સાહેબ...’

‘નમસ્તે...રામજીભા, મને તમે પૂરી વિગત કહો, હા,તેમાં નાની-નાની વાતો જે તમારા જાણમાં આવી હોય તેય કહો,’ મેજર સોમદત્ત બોલ્યા.

અને રામજીભાએ તે કેદી અને ર્ડોક્ટર સાથે થયેલી વાતચીત પછી ર્ડોક્ટર બહાર ગયા પછી તે કેદીએ તેની સાથે કરેલી વાતચીત પૂરેપૂરી મેજર સોમદત્તને જણાવી.

‘રામજીભા, તેણે કોઇ એવો ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે કચ્છમાં ધરતીકંપ થયો ત્યારે તે કચ્છ આવેલો પછી કચ્છથી પાકિસ્તાન કેમ પહોચ્યો. એવી કોઇ વાત થયેલી ? જરા યાદ કરો.’

‘ના સાહેબ...બાકી અમે કચ્છીમાં વાતો કરતા હતા, તેથી તરત તેમણે અમને આશ્ચર્ય સાથે પૂછ્યું હતું કે તમે કચ્છના છો...? અને હા કહી પછી તેમણે કહ્યું કે હું પણ ભારતનો છું અને અંહી જેલમાં દસ વર્ષથી સડું છું, બાકી તો તે દિવસે તેને ઝાડા-ઊલટી થઇ ગયા હતા અને સાહેબ તેમને જેલર હંટરથી મારેલ, તેના શરીર પર ચારે તરફ કાપા પડેલા હતા, એક વાત સાહેબ તે કેદીનો નંબર 107 હતા.’

‘ઓહ...ભગવાન તમારી વાત કચ્છીમાં થઇ હતી. તેથી તે જાણી ગયો કે તમે કચ્છી છો અને દસ વર્ષથી તે જેલમાં છે તો કચ્છમાં આવેલ ધરતીકંપને પણ દસ વર્ષ થયાં...’ ફોટો..

‘હવે આ ફોટો જુઓ, રામજીભા તે કેદીનો છે કે નહીં...’ ખિસ્સામાંથી આનંદનો ફોટો કાઢીને બતાવતાં મેજર સોમદત્ત બોલ્યા.

રામજીભા ફોટાને નીરખી-નીરખીને જોવા લાગ્યા.

‘સાહેબ...મેં તેનું મોં બરાબર નીરખીને જોયું ન હતું, વળી આ ફોટામાં જે વ્યકિત છે. તેનું શરીર એકદમ હષ્ટ-પુષ્ટ લાગે છે અને તે કેદી તો શરીરમાં સાવ નબળો દેખાતો હતો. તેના શરીરના એક-એક હાડકાં ગળી શકાય તેવાં અને તેના ગાલ પણ સાવ બેસી ગયેલા હતા, એટલે ચોક્કસ હું નક્કી કરી શકતો નથી.’

રામજીભાના ચહેરા પર મૂંઝવણના ભાવ છવાયેલા હતા.

ત્યારબાદ રામજીભાના પુત્ર તથા યુસુફકાકાના બંને પુત્રોને પણ બોલાવવામાં આવ્યા અને તેને ફોટા બતાવ્યા, પણ કોઇ જ આનંદ જ તે કેદી છે તેવું નક્કી કરી શક્યું નહીં.

‘ઠીક છે મારે પાકિસ્તાન તપાસ કરાવવી પડશે...’ થાકેલા ચહેરે સોમદત્ત ઊભા થયા અને રામજીભાનો આભાર માની ભુજ જવા રવાના થયા.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED