મુહૂર્ત - (પ્રકરણ 21) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુહૂર્ત - (પ્રકરણ 21)

હું મારા મિત્રો સાથે એ જંગલમાં આમ અને તેમ ભટકી રહ્યો હતો. શિકારીઓની બુમો અને એમના ગન ફાયરના અવાજે જંગલની શાંતિ ડહોળી નાખી હતી. જમીન પર સુકાઈને પડી ગયેલ જે વ્રુક્ષો પર અમે સરકતા અને રેસ લગાવતા એ જ ઝાડ અમને અવરોધ બની રહ્યા હતા..

અમે માનવ રૂપે જ ભાગતા હતા કેમકે શિકારીઓ મદારી હતા. અમે નાગ રૂપ લઈને પણ એમનાથી બચી શકીએ તેમ નહોતા. અમે મોટી ફલાંગો સાથે જમીન પર આડા પડેલા વ્રુક્ષોને કુદતા હતા. અમારા પગ પણ જમીનને ક્યારેક જ અડતા હતા એ સ્પીડે અમે જતા હતા.

મને ડર લાગતો હતો. એ માટે નહિ કે હું મરી જઈશ. એક નાગ મૃત્યુથી ક્યારેય નથી ડરતો પણ મારી સાથે મારા દોસ્તોનું જીવન પણ મારા લીધે જોખમમાં હતું. મારા ગયા પછી અનન્યાનું જીવન પણ જોખમમાં હતું. અમારો પ્રેમ અધુરો રહી જવાનો હતો.

અમે ભાગતા રહ્યા. શિકારી અમારી પાછળ હતા. એ ઘાતકી શિકારી... જેમનામાં ન દયા હતી ન કોઈ લાગણી... કદાચ એ શિકાર કરવા માટે જ બન્યા હતા.

એ શિકારી અંધકાર ભરી રાતમાં અમારી પાછળ અંધારા પડછાયાની માફક આવતા હતા... અધૂરામાં પૂરું વરસાદ એનું કામ કરતો રહ્યો. મને મૃત્યુની આહટ સંભળાવા લાગી હતી.

મેં એક ધડાકો સાંભળ્યો... એ ગન ફાયરનો અવાજ હતો અને બીજી જ પળે મેં બાલુને જમીન પર ફસડાઈ પડતો જોયો.

“બાલુ....” મેં અને ઓજસે એક સાથે ચીસ પાડી.

“તમે ભાગતા રહો... મારી ફિકર ન કરો.. શિવ મંદિર જાઓ આજે શિવરાત્રી છે ત્યાં બહુ ભીડ હશે ત્યાં સુધી પહોચી જશો તો કોઈ તમને કાઈ નહિ કરી શકે. શિવ ભક્તો ક્યારેય કોઈ નાગનો શિકાર થવા નહી દે કેમકે નાગ એ શિવના ગળાનું પવિત્ર જીવ છે.” બાલુએ કહ્યું હતું.

“અમે તને છોડીને નહિ જઈએ...” મેં કહ્યું.

મેં અને ઓજસે એને ઉભો કર્યો. એ ગોળી એના ખભાને વીંધીને નીકળી ગઈ હતી. કોઈ માનવ માટે એ જખમ સાથે ભાગવું અશક્ય હતું પણ અમે નાગ હતા અમારા માટે એ અશક્ય ન હતું.

મેં ફરી એક બુલેટની હવાને ચીરીને નીકળી જવાથી થયેલ વિશલ સાંભળી. હવે નાગ સ્વરૂપ ધારણ કરવા સિવાય કોઈ રસ્તો ન હતો. કોઈ પણ રીતે ત્યાંથી એ વિના નીકળી શકાય તેમ ન હતું. એ જન્મે મારી પાસે નાગમણી નહોતી. અમારા ત્રણમાંથી એક પણ નાગમણી ધરાવતા નાગ ન હતા. અમે માત્ર અમારી ઈચ્છા મુજબ માનવ અને નાગ સ્વરૂપ લઇ શકતા હતા અને મારામાં સામાન્ય માનવ કરતા અનેક ગણી શક્તિ હતી પણ અમારી પાસે ભાગવા સિવાય કોઈ માર્ગ ન હતો કેમકે જે મદારીઓ અમારી પાછળ હતા એ શિકારી હતા. તેઓ રાજવી શિપાહી હતા. ભલે રાજાશાહી ચાલી ગઈ હતી પણ હવેલીમાં રહેતા એ જાગીરદાર વંશજો માટે જીવન રાજા જેવું જ હતું. આમ પણ કહેવાતું કે રાજ પરિવાર તો વર્ષો પહેલા નાશ પામ્યો હતો અને ગોરાઓના સમયથી જાગીરદાર પરિવાર જ નાગપુર માટે રાજા સમાન હતો.

એમના પાસે એ સમયે પણ શિકારી હતા જેમને શસ્ત્રવિધાનું જ્ઞાન હતું.

રાજા અને રજવાડામાં એ સમય સુધી પણ એ વિદ્યા જળવાઈ રહી હતી. એ લોકોને રાજવી ગુરુઓ દ્વારા એ માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવેલ હતી જે કળા મહાભારતમાં કરણ અને અર્જુન તથા અર્જુન અને દુર્યોધનના દંગલના શ્લોકોમાંથી રચવામાં આવેલ હતી. એ વિદ્યાના ઉપયોગ વડે એ લોકો ગમે તેં નાગ સામે લડવા સક્ષમ હતા. કદાચ એક મણીધારી નાગનો સામનો કરવા માટે પણ તેઓ સક્ષમ હતા. અમારા માટે એમની સામે લડી શકવાનો કોઈ ચાન્સ ન હતો. અમારી પાસે સર્વાઇવિગ માટે માત્ર એક જ વિકલ્પ હતો - રન એઝ ફાસ્ટ એઝ યું કેન.

અમે શિવ મંદિર નજીક પહોચી ગયા હતા. હવે અમારે ફરી માનવ સ્વરૂપ લેવાની જરૂર પડે એમ હતી. અમે ફરી માનવ સ્વરૂપે આવ્યા એ જ સમયે બાલુની છાતી વીંધીને એક બુલેટ નીકળી ગી. હું ઓજસ તરફ કુદ્યો અને એને લઈને જમીન પર પટકાયો.

અમારી સાથે જ બાલુ પણ જમીન ઉપર ફસડાયો અને એના મોમાંથી એક અંતિમ ચીસ નીકળી - એ મરણ ચીસ હતી.

મેં શિકારીઓ તરફ એક નજર કરી અને જે શિકારીએ ગોળી ચલાવી હતી એના પર એક જંગલી દીપડાને કૂદતો જોયો. હું એને જાણતો હતો એ બાલુંનો મિત્ર હતો. બાલુ જયારે પણ જંગલમાં રખડવા નીકળતો એ આ દીપડા સાથે ઘણીવાર જોવા મળતો.

મેં બીજા પણ ત્રણ ચાર દીપડાઓને આસપાસની જાડીઓમાંથી ફલાંગો સાથે ભયાનક ગર્જના અને ઘૂરકાટ સાથે આવતા જોયા. કદાચ અમે બચી જઈશું મને થયું હું અને ઓજસ આંધળાની જેમ મંદિર તરફ જવા લાગ્યા. મને અફસોસ થઇ રહ્યો હતો કે અમે બાલુને છોડીને જઇ રહ્યા હતા પણ હું જાણતો હતો કે શિકારીઓ એનું કઈ બગાડી શકે તેમ ન હતા. એની પવિત્ર આત્મા નાગલોક પહોચી ગઈ હતી. એને હવે પૃથ્વીલોક સાથે કોઈ સંબંધ રહ્યો ન હતો.

મેં દોડતા જ પાછળ નજર કરી એ શિકારીઓ દીપડાઓ સાથે ભીડતા હતા. એક શિકારી ઝાડ પર ચડીને બચવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો પણ દીપડાએ તેનો પગ પોતાના મોમાં લઇ લીધો હતો.

દીપડો એને જમીન પર પછાડી દેશે એમ લાગી રહ્યું હતું એ જ ક્ષણે મેં એક ગન ફાયર સાંભળ્યો અને એ દીપડાને જમીન પર પછડાતા જોયો.

બીજો દીપડો એ ગનવાળા શિકારી પર કુદ્યો. તેનો પંજો શિકારીના શરીરને ચીરવા લાગ્યો હતો. અમે ફરી આગળ જોઇને દોડવા લાગ્યા. અમને અમારી પાછળ દીપડાના ઘૂરકાટ અને શિકારીઓનો કોલાહલ સંભળાઈ રહ્યો હતો. અમે મંદિરથી જરાક જ દુર હતા. બસ વીસેક યાર્ડ અને અમે સલામત હતા.

“વરુણ..” મેં અનન્યાને અમારાથી થોડેક દુર ઉભી બુમ પાડતી જોઈ.

“તું અહી શું કરે છે?” મેં એની તરફ દોડતા પૂછ્યું.

“મેં બાલુની ચીસ સાંભળી હતી.. મને અંદાજ આવી ગયો કે કઈક થયું છે..”

“વરુણ..” અનન્યા એની વાત પૂરી કરે એ પહેલા મને એક ચીસ સંભળાઈ.

એ ચીસ - એ અવાજ ઓજસનો હતો. મેં એ તરફ જોયું... એ જમીન પર પડી રહ્યો હતો.. બુલેટ એને વીંધીને નીકળી ગઈ હતી.. હું પાછો ફરી એની તરફ દોડવા લાગ્યો... મારા મસલ્સ તંગ થઇ ગયા.. મારા દાંત ભીડાઈ ગયા હતા. એ અંધકારમાં પણ મને ઓજસની છાતીમાંથી વહી જતું લોહી દેખાઈ રહ્યું હતું.

“વરુણ...” નાગ બની જા.” મને અનન્યાના શબ્દો સંભળાયા.

“હા, વરુણ... તારી જાતને બચાવ નાગ બની...” ઓજસ મહામહેનતે બોલી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ હતા... મારી પાસે નાગ બનવા સિવાય કોઈ રસ્તો ન હતો.. હું મારા મિત્રોને મરતા દેખવા સિવાય કઈ કરી શક્યો નહી.. મારી પાસે કોઈ રસ્તો ન હતો.

હું નાગ બન્યો.. અને અનન્યા તરફ જોયું.. એ ત્યાં ન હતી.. એ ક્યાં છે એ જોવા મેં આમતેમ નજર કરી એ સાથે મેં મારા શરીરને જમીન પરથી ઉંચકાતા જોયું.. અનન્યા મને લઈને મંદિર તરફ દોડવા લાગી હતી..

“અનન્યા તું શું કરી રહી છે? મને જમીન પર મૂકી તું સ્વરૂપ બદલ.. તું એમની ગોળીથી માનવ સ્વરૂપે હોઈશ તો નહિ બચી શકે..” મેં કહ્યું પણ એ વ્યર્થ હતું.

“ખબર છે પણ તને એ લોકો કઈ નહી કરી શકે...”

મને અનન્યાના શબ્દો સંભળાયા. હું એના હાથમાં હતો.. મેં એના ચહેરા તરફ જોયું એ જ સમયે એક બુલેટ એની છાતીમાંથી આરપાર થઈ... એ બુલેટ એના હૃદયના લોહીથી ખરડાયેલ હતી.

“મારા મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે.. એ લોકો જાણે છે હું એમની પોતાની દીકરી નથી છતાં મને હમેશા સગી દીકરી જેમ રાખી છે.” અનન્યા મંદિર તરફ દોડ્યે જતી હતી અને બોલ્યે જતી હતી.

મેં બીજી બુલેટ એને વાગતા જોઈ અને ત્યારબાદ અનન્યાએ મને મંદિર તરફ ઉછાળ્યો... હું મંદિરના ગર્ભગૃહમાં જઈને પડ્યો.

હું ત્યાંથી અનન્યાને મરતી જોઈ રહ્યો.. મને મરવાનો ડર ન હતો પણ અનન્યા જતા પહેલા મને એક કામ સોપીને ગઈ હતી એના મમ્મી પપ્પાની કાળજી રાખવાનું. હું એની અંતિમ ઈચ્છા અધુરી રહે એની કુરબાની નકામી જાય એમ ઈચ્છતો ન હતો.

શિકારીઓ પણ જાણતા હતા કે શિવ મંદિરમાં દાખલ થઇ તેઓ કોઈ નાગને મારી શકવાના નથી માટે તેઓ પાછા ફરવા લાગ્યા કે કદાચ એમણે લાગ્યું હતું કે હું મરી ગયો છું.

અનન્યાએ મને બચાવવા માટે પોતાનું જીવન કુરબાન કરી નાખ્યું. હું મંદિર બહાર અનન્યા અને મારા મિત્રો જ્યાં ચીર નિદ્રામાં સુતેલ હતા ત્યાં જવા ઈચ્છતો હતો પણ મારામાં ઉભા થવાની શક્તિ ન હતી. મેં ઉભા થઇ બહાર જવા ઘણા પ્રયાસ કર્યા પણ હું નિષ્ફળ રહ્યો. મારી આંખો બંધ થઇ ગઈ અને જયારે મારી આંખો ખુલી ત્યારે મારા શરીર પર મલમ લગાવેલ હતો. એ કામ અનન્યાના મમ્મી પપ્પાએ કર્યું હતું. એ જીવદયા પ્રેમી હતા.

મેં મંદિરની બહાર બીલી પત્રના ઝાડ નીચે ત્રણ નાની ચિતાઓ સળગાવેલ જોઈ. આસપાસ કોઈ નથી એની ખાતરી કરી હું માનવ સ્વરૂપ લઇ બીલીપત્રના ઝાડ નીચે ગયો. મંદિરના પુજારી અને સ્વયં સેવકોએ ત્રણ નાગના શરીરને અગ્નિદાહ આપી દીધો હતો. જે લોકો નાગને પવિત્ર માને છે એ લોકો ક્યાય નાગને મરેલ જુએ તો તેને અગ્નિદાહ આપે છે.

મારી આંખો સામે મારી અનન્યા મારા મિત્રો બાલુ અને ઓજસ નાનકડા રાખના ટીંબા બનીને પડ્યા હતા.. એ બધું મારા લીધે થયું હતું. મેં અનન્યાને આપેલ વચન મુજબ એના મમ્મી પપ્પાની કાળજી લેવાનું નક્કી કર્યું પણ તેઓ એમની દીકરી ક્યાય ગુમ થઇ ગઈ છે એ દુઃખમાં હતા. મારે એમની સામે પણ નાગ અને માનવ સ્વરૂપે પ્રગટ થઇ એમને સમજાવવું પડ્યું કે અનન્યા નાગિન હતી અને એના અગ્નિસંસ્કાર એમણે જ સામેના બીલીપત્ર નીચે કર્યો હતો.

કેટલું અજીબ હતું જે નાગિનની દીકરી સમજી એ લોકોએ મોટી કરી હતી એ જ દીકરીને નાગિન સમજીને અગ્નિદાહ આપ્યો અને બંનેમાંથી એક પણ વાત તેઓ જાણતા ન હતા. જીવનભર એમણે અનન્યાને માનવ બાળ સમજીને ઉછેરી હતી અને અંતિમ ક્ષણે એને નાગિન સ્વરૂપે અગ્નિદાહ આપ્યો ત્યારે એમને ખબર ન હતી કે એ તેમની વહાલી દીકરી અનન્યા જ છે.

એ હકીકત જાણ્યા પછી એના મમ્મી પપ્પા એ મંદિર છોડી ચાલ્યા ગયા.. એ લોકો એ મંદિરમાં રહી શકે તેમ ન હતા કેમકે સામેનું બીલીપત્રનું ઝાડ એમને અનન્યાની યાદ અપાવ્યે જતું હતું. મેં એમની સાથે જવાનો મારો ફેસલો એમને સંભળાવ્યો પણ એમણે મને ના કહી. તેઓ બાકીનું જીવન તીર્થયાત્રા કરીને અને દેવદર્શનમાં વિતાવવા માંગતા હતા. તેઓ કદાચ એ સવાલનો જવાબ જાણવા માંગતા હતા કે ભગવાને અનન્યા સાથે એ કેમ થવા દીધું?

જયારે તેઓ મંદિર છોડી ચાલ્યા ગયા તેમના અંતિમ શબ્દો હતા આ જંગલ છોડી ન જઈશ. અમારી અનન્યા આ બીલીપત્ર નીચે સુઈ રહી છે એનું ધ્યાન રાખજે. એમના ગયા પછી હું એ ઝાડ નીચે બેસી રહેતો.

મને અનન્યા, બાલુ અને ઓજસના ચહેરા દેખાયા કરતા. મારા માટે જીવન એક શ્રાપ બની ગયું હતું પણ કદાચ શિવ દયાળુ હતા. મારું એ શ્રાપરૂપ જીવન લાંબુ ન ચાલ્યું. એક વરસાદી રાત મને એ સજારૂપ જીવનમાંથી મુકત કરાવી ગઈ અને બીજી સવારે મેં જયારે આંખ ખોલી ત્યારે હું ફરી નાગપુરમાં જ હતો પણ વરુણ સ્વરૂપે નહિ કપિલ બનીને હું ફરી જન્મ્યો હતો અને મારું એ જીવન શ્રાપ ન હતું કેમકે હું ફરી જન્મ્યો ત્યારે મારી પાસે પૂર્વજન્મની કોઈ યાદ ન હતી.

જયારે મારી ઉમર તેર વર્ષની થઇ અને ધીમેધીમે મને એ યાદો મળવા લાગી એ પછી પણ મારું જીવન શ્રાપ ન હતું કેમકે હું જાણી ગયો કે અનન્યા પણ ફરી જન્મી છે પણ એ આ વખતે માનવ સ્વરૂપે જન્મી હતી - એ પણ નાગપુરમાં જ.

આ જન્મે એનું નામ નયના હતું. મને લાખ ઇચ્છાઓ એને મળવાની થતી પણ હું ક્યારેય એને જોવા પણ ગયો નહી કેમકે મને પાછળના જન્મમાં શું થયું હતું એ થોડું ઘણું યાદ હતું.

મેં ભેડા પાસેના એ શિવ મંદિરેથી અનન્યાની એક એક ચીજો ભેગી કરી. એ ચીજો મને પૂર્વ જન્મની વિઝન આપતી રહેતી. કદાચ સાચો પ્રેમ ગમે તે ભોગે પણ એકબીજા સામે આવી જ જતો હોય છે અને નયના મારી કોલેજમાં દાખલ થઇ. એ પહેલે જ દિવસે આવીને મારી બેંચ પર ગોઠવાઈ હતી નયનાને મળીને મને ગયા જન્મની સંપૂર્ણ યાદો તાજી થઇ ગઈ. મેં મારા કારણે અનન્યાને મરતા જોઈ હતી અને નયનાને મરતા જોવા માંગતો ન હતો પણ હું મારી જાતને નયના નજીક જતા રોકી ન શક્યો અને આજે એ જ થયું જે મને ડર હતો. નયનાનું જીવન જોખમમાં હતું એ પણ મારા લીધે.

“આ લોકોના હથિયાર તો લઈ લે..” નવા આવનારમાંથી મફલરવાળા શિકારીના અવાજે ફરી મને યાદ અપાવ્યું કે હું કોઈકની કેદમાં છું.

“હા, એ તે સારું યાદ અપાવ્યું કેમકે એમના પાસે હથિયાર હોય એ સ્થિતિમાં હું એમને કદંબ પાસે લઇ ગયો હોત તો એ મારો જીવ લઇ લેત.” મને અને વિવેકને પકડીને લઇ જતા એક શિકારીએ કહ્યું જે ઊંચાઈમાં થોડોક ઠીગણો હતો.

મેં વિવેક તરફ જોયું. એણે હકારમાં માથું હલાવ્યું. અમે કોઈ પણ પ્રતિકાર કર્યા વિના એમને હથિયાર સોપી દીધા. મને દુર નયનાનું ઘર દેખાવા લાગ્યું. અમે બંદી બની એ તરફ જઇ રહ્યા.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky