વાંચકોને...
સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં, આલીશાન મહેલમાં અને પહાડીઓમાં જીવ્યો છું.
ક્યારેક આગળ શું લખવું એ ન સુજે તો જાણે આ કથાની જ નાગમતી નદીના નિર્મળ જળમાં કલમ બોળીને આગળ લખતો અને આગળ લખાતું.
નયના એક રૂપાળી છોકરી નાગપુર સ્ટેશન ઉપર ઉતરે ત્યાંથી શરુ થઈને આ કથા આગળ ચાલી. પછી તેમાં કપિલ, વિવેક, જાદુગર સોમર, કિંજલ, ડોક્ટર સ્વામી, કદંબ આવ્યા. ભેડાઘાટ અને નાગપુર શહેર તેમાં વણાયા. જોકે એક સ્પસ્ટતા અહી કરવી રહી કે આ કથામાં આવતું નાગપુર શહેર કે ભેડાઘાટ એ અત્યારના વાસ્તવિક નાગપુર શહેર કે ભેડાઘાટ નથી. નાગપુર શહેરનું નામ ‘નાગ’ શબ્દથી શરુ થતું હતું એટલે મેં કથાના મુખ્ય સ્થળ તરીકે ‘નાગપુર’ નામ વાપર્યું છે. તેવી જ રીતે ભેડાઘાટ પણ માત્ર મને નામ સારું લાગ્યું તેથી જ લીધો છે. અહી વાસ્તવિક નાગપુર શહેર કે ભેડાઘાટ સાથે કોઈ લેવાદેવા નથી.
નાગમણી સિરીઝનો પ્રથમ ભાગ લખ્યો ત્યારે તેમાં મારી ગણતરી બે ભાગની જ હતી - નક્ષત્ર અને મુહુર્ત. પણ પછી મને તેમાં કઈક ખૂટતું લાગ્યું. મને બરાબર સંતોષ ન થયો. જયારે કથાના પાત્રો ભૂતકાળ – લાંબા ભૂતકાળ સાથે જોડાયેલા હોય ત્યારે આખીયે કથામાં માત્ર અત્યારનો આધુનિક જમાનો જ આવે તે તો કથા સાથે કરેલો સરાસર અન્યાય કહેવાય...!! તેવું મને સતત થયા કર્યું. પણ માત્ર ન્યાય તોળવા માટે કઈ કલમ ચાલતી નથી. મગજને કસરત આપવી પડે. તેમાય આવડી મોટી કથાના દરેક પાત્રને ધ્યાનમાં રાખીને કશુંક ઘડવું એ સાવ સરળ વાત નથી. કઈક રાતોની રાતો બે બે વાગ્યા સુધી મને ઊંઘ ન આવતી.
પંદરેક દિવસ નિરાશામાં ગયા પછી એક રાત્રે વિચારીને થાકીને આંખો મળી અને આંખના પરદામાં મને એક રાજકુમાર દેખાયો. ના એ સપનું નહોતું પણ જાગૃત મનમાં જ એક કલ્પના જન્મી હતી. અને આખરે સ્વસ્તિક રચાયું. કદાચ એ રાત્રે આકાશમાં તારા એ રીતે ગોઠવાયા હશે જેથી મને સ્વસ્તિક વિષે કલ્પના આવી.
એ પછી રાજકુમાર સુબાહુ, રાજમાતા ધૈર્યવતી, જશવંત, દિવાન ચિતરંજન, બિંદુ, નાગલોકની રાણી ઇધ્યી અને રાજા ઇયાવસુ, સુનયના, સત્યજીત, સરદાર અશ્વાર્થ, ચિત્રલેખા, પ્રતાપ, સુરદુલ, જીદગાશા, કેપ્ટન હેનરી ઓબેરી, જોગસિહ, ઇન્સ્પેકટર રૂકસાના, બીપીન, અરુણ, મહેબુબ, આયુષ્યમાન વગેરે પાત્રોને હું કથામાં કેદ કરતો ગયો. વિવિધ રંગી અસંખ્ય પાત્રો કાળા અક્ષરો બની એકઠા થતા ગયા અને આખરે નાગમણી સિરીજ પૂરી લખાઈ.
એક બે વાર તો મને સાવ અંધશ્રદ્ધાળુ જેવો વિચાર આવેલો. આ નાયક અને નાયિકાની એક નહી બે નહી પણ ત્રણ જન્મોની કહાનીનો વિચાર મને ક્યાંથી આવ્યો હશે? શું કોઈ મારી જોડે આ કથા લોકો સમક્ષ રજુ કરાવવા માંગતું હશે? આ પ્રશ્નનો જવાબ મને આધ્યાત્મિક કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર્યા પછી પણ નથી મળ્યો કદાચ તમને મળે એવી આશા રાખું છું.....!
- વિકી ત્રિવેદી
પ્રકરણ 1
કપિલ કથાનક
કયારેક મને એમ લાગતું હું બધાથી અલગ છું. એનો અર્થ એ હતો કે બીજા મારા જેવા ન હતા અથવા હું બીજા જેવો ન હતો. મારા અને અન્ય લોકો વચ્ચે કોઈક તફાવત હતો - કોઈક મોટો તફાવત.
હું હમેશા એકલા રહેવાનું જ પસંદ કરતો પણ એક દિવસ બધું બદલાઈ ગયું. મેં કોલેજમાં એક સુંદર છોકરી જોઈ... એ મારી જ બેંચ પર આવી ગોઠવાઈ... એને જોતા જ હું જાણી ગયો કે એ કોણ હતી - એ ત્યાં કેમ હતી અને અમારા વચ્ચે શું સંબંધ હતો... પણ એને કઈ યાદ નહોતું કેમકે તે માનવ સ્વરૂપે જન્મી હતી... માનવને ભૂતકાળ યાદ રાખવાની ક્ષમતા કુદરતે આપી છે પણ પોતાનો પાછળનો જન્મ યાદ નથી હોતો જોકે અમને હોય છે. એક નાગમાં પુનર્જન્મ યાદ રાખવાની અદભુત શક્તિ હોય છે. મારામાં પણ હતી. જોકે એ શક્તિઓ અભિજ્ઞાન જેવી હોય છે. જેમ જેમ એ છોકરી મારી નજીક આવતી ગઈ હું ગયા જન્મની ઘટનાઓ એક બાદ એક વિઝન સ્વરૂપે જોવા લાગ્યો.
મેં એ સુંદર છોકરીથી મારી જાતને દુર રાખવાનો પ્રયાસ કર્યો પણ હું નિષ્ફળ રહ્યો... ગયા જન્મની જેમ જ આ જન્મે પણ હું એનાથી દુર રહેવામાં નિષ્ફળ ગયો... હું કયારેય ઈચ્છતો નહોતો કે હું નયનાના જીવનમાં દાખલ થાઉં કેમકે મને ગયા જન્મે શું થયું હતું એ બધું યાદ હતું પણ નયના મારી નજીક આવતી ગઈ કેમકે એને યાદ ન હતું કે ગયા જન્મે મારા લીધે એને જીવન ગુમાવવો પડ્યો હતો. એને ખબર નહોતી કે એવું કોઈ મુર્હત હતું જ નહિ જે અમને બંનેને એક કરી શકે. અમારા વચ્ચે મિલન કરાવી શકે તેવું મુર્હત રચતા સિતારા કુદરતે આકાશમાં મુકયા જ નહોતા.
હું કપિલ... લગભગ તમે બધા મને ઓળખતા થઇ જ ગયા હશો કેમકે મને ખાતરી છે કે નયનાએ તમને મારો પરિચય કરાવ્યો હશે. એ છે જ એવી. કયારેય એના મનમાંથી મારા વિચારો દુર કરી નથી શકતી. હું પણ એને મારા હૃદયથી કયારેય અળગી કરી શકયો નથી. કદાચ એટલે જ મારી જાતને રોકવાના અનેક પ્રયાસો કર્યા છતાં પણ હું નિષ્ફળ ગયો. હું મારી જાતને નયનાથી દુર રાખવામાં સફળ ન થયો. અમે બંને એકબીજાની નજીક આવી ગયા. જે કિસ્મતને કયારેય મંજુર ન હતું – ન ગયા જન્મે ન આ જન્મે.
ક્યારેક મને થતું કે હું એકલો નાગ જ આ દુનિયામાં બચીશ કેમકે હું દિવસે ને દિવસે મારી જાતિની સંખ્યા ઓછી થતી જોઈ રહ્યો હતો.
તમને નવાઈ લાગશે કોઈ જાતી એમ એકાએક નાશ પામે?
કેમ નહિ?
તમે ડાયનોસોર વિશે નથી સાંભળ્યું?
ના. કદાચ તેઓ આખી જાતિને મારવામાં સફળ નહિ રહે... હું કયારેય દુનિયા પરનો છેલ્લો નાગ નહિ બનું... હું મારા મનને સતત સાંત્વના આપતો રહેતો...
મારું નામ કપિલ જે એક ઋષિનું નામ છે. જેનો અર્થ છે સુંદર, સૂર્ય, કપિલા એટલે કે વાસ્તુથી ઉત્પન્ન થયેલ - વાસ્તુ મુજબનું - મુર્હત મુજબનું.
કેટલું અજીબ?
કદાચ મમ્મી પપ્પાએ આ નામ રાખ્યું ત્યારે એમણે એનો અર્થ નહિ જોયો હોય. તેમને નામ પસંદ આવ્યું હશે એટલે રાખી લીધું હશે. મારું નામ મારા જીવન સાથે કેટલું વિરોધાભાસી હતું. મારા જીવનમાં એ મુર્હત હતું જ નહિ જે હું ઈચ્છતો અને નામ હતું મુર્હત મુજબનું...!
મારા નામ મુજબ મારો લકી દિવસ બુધવાર છે... કદાચ એટલે જ નયના મને પહેલી વાર બુધવારના દિવસે મળી હતી. પણ એ મારો લકી દિવસ ગણી શકાય? મારા મળવાથી નયનાનું જીવન જોખમમાં મુકાઈ જતું હોય તો હું એને મળ્યો એ દિવસ લકી કહી શકાય..?
હું બધું જ ખોઈ ચુકયો હતો... અશ્વિની... રોહિત.. અશોક... રોહિણી... કૃણાલ ભાઈ.. ભાવના ભાભી અને કેટલાય પોતાના જેમને ભૂલવા શકય નહોતા. પણ નયનાને ગુમાવવી મને મંજુર નહોતું. નયનાને ખોયા પછી હું જીવી શકું તેમ ન હતો.
હું નયના સાથે રહેવા માંગતો હતો પણ એનું જીવન જોખમમાં મૂકી શકું તેમ પણ શકય ન હતું.... કદાચ આ જ અમારું નશીબ હતું. અમે એકબીજા માટે તો બન્યા હતા પણ એકબીજા સાથે રહેવાનું અમારા નશીબમાં લખાયુ નહોતું. મારે એને મારાથી દુર કરવી પડી. કોઈ સલામત સ્થળે એને મોકલવી પડી જયાં એના જીવન પર કોઈ જોખમ ન હોય.
હું એને કયાં મૂકી શકું? કોઈ એવું સ્થળ હતું જ નહિ જયાં નયના સુરક્ષિત રહી શકે. કમ-સે-કમ હું મણી પાછું મેળવી લઉં ત્યાં સુધી તો નહિ જ. મણી પાછુ મેળવ્યા પહેલા હું એને નાગલોક લઇ જઈ શકું નહી કેમકે નાગલોક જવા માટે નયનાને પાછળનો જન્મ યાદ હોવો જરૂરી હતો. નયના મણીને પોતાના માથા પર ન લગાવે ત્યાં સુધી તેને અમારો ગયા જન્મનો પ્રેમ યાદ આવી શકે તેમ ન હતો. મારે ગમે તે ભોગે એ મણી પાછું મેળવવું જ હતું અને એ મણી મળી જાય ત્યાં સુધી નયનાને સલામત રાખવી હતી જે સૌથી મુશ્કેલ કામ હતું... એ પણ આ દુનિયામાં રહીને જ... આ દુશ્મનો વચ્ચે ઘેરાયેલા રહીને જ... જે કદાચ અશકય હતું. તમે માનવ છો એટલે તમને એ ખ્યાલ હશે જ કે માનવ કેટલો ક્રૂર છે? કેટલો ઘાતકી છે?
હું નાનો હતો ત્યારે મને આકાશના તારાઓ દેખવાનો બહુ શોખ હતો. મમ્મી મને ઘણીવાર અગાસી પર લઇ જઇ આકાશ તરફ આંગળી કરી કેટલાક તારાઓ બતાવતી. તારો જન્મ આ તારાઓ અંગ્રેજીના ડબલ્યુ આકારમાં ગોઠવાયેલા હતા એ સમયે થયો હતો એટલે તારે હમેશા લડતા રહેવું પડશે. એ કહેતી. ત્યારે મને એની વાત સમજાતી નહી પણ એ સાચી હતી... જીંદગી મારા માટે કયારેય આસાન હતી જ નહિ. ધ વોર..... એ ડબ્લ્યુ નો અર્થ હતો વોર એન્ડ ઓન્લી વોર....!
પપ્પાએ મને અગિયારમાં જનમ દિવસે એક કેલિડોસ્કોપ લાવી આપ્યું હતું. હું રોજ રાત્રે એ કેલિડોસ્કોપ લઇ અગાસી પર જતો અને એ ડબલ્યુ આકારમાં ગોઠવાયેલ તારાઓને જોતો. હું ખુશ થતો કે હું એ મુર્હતમાં જન્મ્યો હતો. મને કયાં ખબર હતી કે હું પાછળના જન્મની જેમ એ જ મુર્હતમાં જન્મ્યો હતો જે મુર્હતમાં જન્મનાર વ્યક્તિ કયારેય પોતાના પ્રેમને મેળવી શકતો નથી. તેનો પ્રેમ તેણે ગુમાવવો જ પડે છે. પણ હું હાર માની શકું તેમ ન હતો... ભલે મુર્હત ગમે તે કહેતું હોય ભલે અમારા સ્ટારમાં ફોલ્ટ હોય હું આ વખતે મારા પ્રેમને બચાવી લઈશ.. હું તેને મરવા નહિ દઉં.. પછી ભલે એ માટે મારે ગમે તે કરવું પડે.. હું તૈયાર હતો.
કદાચ હું પાગલ લાગતો હોઈશ કે કોઈ સ્ટાર (કિસ્મત) સામે કઈ રીતે લડી શકે? કોઈના સ્ટારમાં ફોલ્ટ હોય તો એ કઈ રીતે સુધારી શકે? પણ હું લડ્યો... મેં નયનાને બચાવવા એ બધું કર્યું જે મારે કરવું જોઈએ... જે એક નાગ કરી શકે... એ નાગ પોતાના જોડાને બચાવવા કઈ હદ સુધી જઇ શકે છે એ કદાચ તમને ખયાલ નહિ હોય એટલે તમને હું પાગલ લાગતો હોઈશ કે કોઈ નશીબ સામે કઈ રીતે લડી શકે? કોઈ નિયતિને કઈ રીતે બદલી શકે?
તમે સાચા છો નિયતિને બદલી શકાતી નથી... નશીબ સામે લડી શકાતું નથી... છતાં હું લડ્યો... વિવેક પણ લડ્યો... એણે આખરી દમ સુધી નયનાને બચાવવાનો પ્રયાસ કર્યો... મેં મારા આખરી દમ સુધી નયનાને બચાવવા પ્રયાસ કર્યો પણ હું એક વાત ભૂલી ગયો.. એક ચૂક થઇ ગઈ.
હું ભૂલી ગયો કે અમારા એક ન થઇ શકવા માટે નયનાનું જ મરવું જરૂરી ન હતું... કદાચ આ વખતે ગયા જન્મ કરતા ઉલટો પેતરો નશીબે ગોઠવ્યો હતો.. તે આ વખતે નયનાને મારવા નહિ એના કરતા પણ વધુ દર્દ આપવા ઇચ્છતું હતું... તે નયના પાસેથી મને છીનવી લેવા માંગતું હતું. આ વખતે નસીબ મને મારી નાખવા માંગતું હતું... કદાચ અમે ફરીથી મળ્યા એના ગુસ્સામાં નસીબ નયનાને મોટી સજા આપવા માંગતું હતું...
હું નસીબના એ ઉલટા પેતરાને સમજવામાં નિષ્ફળ રહ્યો. હું એ ચારે તરફ વ્રુક્ષોથી ઘેરાયેલ સ્થળે મોત સાથે લડ્યો... મારા અંતિમ શ્વાસ સુધી લડ્યો.. મેં નયના તરફ જતા મોતને રોકી લીધું... પણ... નશીબ છતાંય જીતી ગયું કેમકે એ મુર્હત રચતા સિતારા આકાશમાં કુદરતે મુકયા જ નહોતા જે કપિલ અને નયનાનું મિલન કરાવી શકે... એ મુર્હત બન્યું જ ન હતું જે અમને એક કરી શકે.
હુ જમીન પર પડ્યો હતો.. મારા શ્વાસ વધી રહ્યા હતા – એ ઝડપી બની ગયા હતા... મેં એક નજર મારાથી થોડેક દુર મૃત્યુની ચીર નિંદ્રામાં સુઈ રહેલા વિવેક તરફ કરી.. એના શ્વાસ બંધ થઇ ગયા હોય તેમ લાગ્યું... પણ એના હોઠ પર સ્મિત હતું... એના ચહેરા પર મૃત્યુનું દુ:ખ ન હતું... તેનો ચહેરો લોહીથી ખરડાયેલ હોવા છતાં તે સુંદર લાગી રહ્યો હતો... નાગલોકમાં રાજ કરતા કોઈ રાજાના લાડકોડમાં ઉછરેલા એકના એક રાજકુમાર જેવો સોહામણો એ ચહેરો હું કયારેય નહિ ભૂલી શકું... મને ખાતરી હતી નશીબ ગમે તે કરે અમે એકવાર ફરી ભેગા થવાના હતા - સ્વર્ગમાં... ના, પૃથ્વી પર જ.. કદાચ આવતા જન્મે!
મારી આંખો હજુ પલકી રહી હતી જે મને કહી રહી હતી કે હજુ હું મૃત્યુની ગોદમાં નથી. જોકે મારા અને મૃત્યુ વચ્ચે કાઈ ખાસ અંતર પણ નહોતું. મારી પાંસળીઓ તૂટી ગઈ હતી. કદાચ ઇન્ટરનલ બ્લીડીંગ થઇ રહ્યું હતું જેથી મને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. અને સૌથી ગંભીર હાલત મારા મગજની હતી. કદાચ કોઈ સર્જન પણ એને ઠીક કરી શકે તેમ ન હતો છતાં મારા ચહેરા પર એક સ્મિત ફરકી ગયું કેમકે એ હજુ નયના વિશે જ વિચારી રહ્યું હતું.
મેં આકાશ તરફ નજર કરી. બાળપણમાં મમ્મીએ બતાવેલા તારા શોધતા મને વાર ન લાગી. એ તારાઓનું ઝુમખું મને એકદમ નજીક હોય તેમ દેખાયુ. બાળપણમાં મારા કેલીડોસ્કોપથી જોતો અને દેખાતું એનાથી પણ વધુ નજીક. કરોડો કિલોમીટર દુરના એ તારાઓ મને નજીક દેખાઈ રહ્યા હતા એટલા નજીક કે હું તેમને અડકી શકું.
કેમ ન દેખાય?
મારો એમના સાથે સંબંધ જ એવો હતો ને. કદાચ જનમ જનમનો. તેઓ ફરી એજ ડબલ્યુ આકાર બનાવી એ જ મૂર્હતની રચના કરી રહ્યા હતા જે મુર્હત તેમણે મેં દુનિયામાં પહેલીવાર આંખ ખોલી ત્યારે રચ્યું હતું. મને થયું કદાચ એ મને વિદાય આપવા આવ્યા હશે?
મેં એક નજર ચારે તરફ કરી પણ ત્યાં એ જ વ્રુક્ષો દેખાયા જેમને હું બાળપણથી જોતો આવ્યો હતો. એ પણ કદાચ મને વિદાય આપી રહ્યા હતા. મને દુર નયનાનું ઘર દેખાઈ રહ્યું હતું. અમારા વચ્ચે પહેલી વાર એના ઘર પાછળના જે બગીચામાં વાત થઇ હતી એ બગીચો દેખાયો.
એ વખતે એ સાંભળી શકે તેમ નહોતી અને કદાચ હવે હું સાંભળી શકું તેમ નહોતો. હૃદયમાં નયનાના નામ સાથે મારા નયન બંધ થઇ ગયા. નયનાના ચહેરાને જીવનભર આંખોમાં ભરી જીવવાના સપના જોયા હતા તેને બદલે માત્ર મારી આંખો આસપાસના અંધકારને પોતાનામાં સમાવી શકી. મારી આંખો બંધ થઇ ગઈ. છતાં... હું ખુશ હતો કેમકે મેં નયના તરફ આગળ વધી રહેલ મોતને રોકી નાખ્યું હતું... નયના સલામત હતી.
- કપિલ