મુહૂર્ત (પ્રકરણ 6) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુહૂર્ત (પ્રકરણ 6)

અમને કારમાં ગોઠવી વિવેક પોતાનો ધર્મ નિભાવવા નીકળી પડ્યો.

થેંકસ ટુ વિવેક... એના વિના અમારા માટે જીવિત હોવું અશકય હતું. હું કારમાં પાછળની સીટ પર હતો. નયના મારા બાજુમાં હતી. મારી નજર બહાર ન ગઈ કેમકે બારીના કાચ રોલ ડાઉન નહોતા અને કદાચ કાચ રોલ ડાઉન હોત તો પણ હું બહાર ન દેખી શકત કેમકે હું નયનાને દેખવા માંગતો હતો.

એક યુગ એની આંખોમાં જોતા વીતી ગયો અને મને પૂર્વજન્મની યાદો દેખાવા લાગી. મેં એ ચહેરાને જોતા રહેવા શું શું કર્યું હતું?

એ રાત્રે હું ઓજસ અને બાલુ લગભગ દસેક મીનીટમાં શિવ મંદિર પહોચી ગયા હતા. અમે ત્રણેય શિવ મંદિર બહારના બીલીપત્રની ડાળીઓ પર વીંટળાઈને બેઠા. મારી આંખો સતત અનન્યાને શોધતી હતી. મને એ પરસાળમાં દેખાઈ. અનન્યાએ ફાનસ સળગાવ્યું. એના આછા અજવાળામાં એ મારા સ્ટોર પરથી જ ખરીદેલ પુસ્તક વાંચવા બેઠી. તેના ચહેરા ઉપર ફાનસનો પ્રકાશ રેલાતો હતો અને તે ચાંદ જેમ ચમકતો હતો.

અનન્યા પોતે એક નાગિન હતી છતાં એ હકીકતથી અજાણ હતી કે એ જંગલમાં ફરતા નાગ માનવ સ્વરૂપ ધારણ કરી શકતા હતા. એને ઈચ્છાધારી નાગ વિશે કોઈ માહિતી નહોતી.

હું વ્રુક્ષોના ઘેરાવામાંથી અનન્યાને જોઈ રહ્યો હતો. કદાચ કોઈ માનવ એટલે દુરથી કલીયર વ્યુ મેળવી ન શકે પણ મારા માટે એ કામ આસાન હતું. મને વ્રુક્ષોની ઘટાઓ બાધારૂપ બની શકે તેમ નહોતી.

કાશ! મારી પાસે એક બાયનોક્યુલર હોત!

કમ-સે-કમ એક ફોટો કેમેરા હોત તો પણ મને મારા એ વિચાર પર હસવું આવ્યું કેમકે હું ત્યાં નાગ સ્વરૂપે હતો અને નાગ સ્વરૂપે એ બેમાંથી એક પણ ચીજનો ઉપયોગ કરી શકવો શકય નહોતો.

અનન્યા સફેદ ડ્રેસમાં હતી. કદાચ એ નાગલોકમાં હોત તો એને કોઈ રાજકુમાર પસંદ કરતો હોત. એ ચહેરો ફાનસ અને ચાંદની બંનેના મિશ્ર થયેલ ઉજાસમાં ચમકી રહ્યો હતો. એના ચહેરાને એ બેમાંથી એક પણ ઉજાસની જરૂર નહોતી કેમકે એનો ચહેરો તેજસ્વી હતો. એ અંધકારમાં પુનમના ચાંદ જેમ દેખાઈ આવતી હતી. પુસ્તકમાં એની નજર જડાયેલી હતી અને એનો એક હાથ તેના વાળને પવનની લહેરખી સાથે ઉડતા બચાવવામાં વ્યસ્ત હતો.

એ પહેલી નજરનો પ્રેમ હતો કે સૃષ્ટિની રચના પહેલા અમારો પ્રેમ રચાયો હશે એ હું નક્કી ન કરી શક્યો. એ ગગન, એ ચાંદ અને એ સિતારા અમારા પ્રેમની કેટલાય યુગોથી સાક્ષી ભરતા હતા એમ મને લાગ્યું. કદાચ સુરજ ઉગવો શરુ થયો, ચાંદે એની ચમક મેળવી, અને ધરતી જ્યારથી સુરજની પ્રદક્ષિણા કરતી થઇ એ પહેલાનો અમારો પ્રેમ અસતિત્વ ધરાવતો હતો.

“અનન્યા..?” એની મમ્મીનો અવાજ સંભળાયો. હું દુર સુધી સાંભળી શકતો હતો. તમે કદાચ અફવાઓ સાંભળી હશે કે સાપ ચક્ષુશ્રવા હોય છે પણ એ વાત તદન ખોટી છે. નાગ જોઈ અને સાંભળી શકે છે અને એ પણ તમારા કરતા વધુ.

“હા, મા..” અનન્યા એની મમ્મીને જવાબમાં મીઠો ટહુકો આપ્યો. એનો અવાજ મીઠા ઝરણા જેવો હતો. વસંતમાં જો એ બોલે તો કોઈ તેને કોયલનો અવાજ જ સમજી લે.

“બેટા અંદર આવી જા ઠંડી છે.”

“મા... મને બહાર બેસીને વાંચવું ગમે છે.. તને ખબર છે ને?” ફરી અનન્યાનો કોઈ પહાડ પરથી વહેતા ઝરણા જેવો અવાજ સંભળાયો. મને લાગ્યું હું કોઈ ફૂલોથી ખીલેલા બાગમાં છું અને ચારે તરફ બુલબુલ બપૈયા મધુર અવાજે ગીતો ગાઈ રહ્યા છે પણ ખરેખર તો એ અન્યનાના અવાજની અસર હતી.

“યાર, એનો આવાજ તો એકદમ અદભૂત છે.” ઓઝસે કહ્યું, “એકદમ ચાંદીની ઘંટડી જેવો..” એ મારી પાસેની એક પાતળી ડાળ પર લટકતો હતો. એના ઉપરના ભાગે ડાળી પર કેટલાક બીલીપત્રના પાકા ફળ લટકી રહ્યા હતા.

“હા, એ દેખાય પણ સુંદર છે.” બાલુએ કહ્યું. એ મારી જ ડાળ પર હતો.

“પણ એને ખબર નથી કે એ કોણ છે એનું શું કરવું...??” મેં કહ્યું, “એને ખબર પડે કે એ નાગિન છે તો એક નાગના પ્રેમમાં પડે ને?”

“તારો પ્રશ્ન વાજબી છે.. પણ શું કરીએ?” ઓઝસ એની ડાળ પરથી સરકીને મારી ડાળ પર આવ્યો.

“શું કરીએ શું? શિવના આશીર્વાદ લેવા આવતી કાલે મારા સાથે મંદિર આવ અને એની સાથે માનવ સ્વરૂપે મિત્રતા કર. એકવાર દોસ્તી થઇ જાય પછી એને હકીકત જણાવવાનો કોઈ માર્ગ મળી જશે.” બાલુના દરેક વાકયમાં એના શિવની હાજરી હોય જ. અનન્યાને મળવાના ઉપાયમાં પણ એના શિવ તો હાજર જ હતા. એની દરેક વાતમાં એના શિવ તો હમેશા સાથે જ હોય.

“હા, વરુણ.. એ જ ઠીક રહેશે.. એને એકવાર ખયાલ આવી જાય કે એ નાગિન છે તો તાલીમ આપણે આપી દઈશું. આપણે એને નાગ અને માનવ એ બંને સ્વરૂપમાં રૂપ બદલતા શીખવી દઈશું.” ઓજસે પણ બાલુની વાતને ટેકો આપ્યો.

“મા... હું બીલીપત્ર લઈને આવું.” લગભગ એક કલાક સુધી એ વાંચે ગઈ અને માને ટહુકો કર્યો.

મેં એના મનમાં ડોકિયું કર્યું. એ રોજ સુતા પહેલા શિવને બીલીપત્ર ચડાવતી અને રોજ સવારે ઉઠીને પણ શિવને બીલીપત્ર ચડાવતી. એટલી તો મને પણ ખબર હતી કે શિવને બીલીપત્ર પ્રિય છે કેમકે હું એક શિવ ભક્તનો મિત્ર હતો.

“હા, બેટા પણ સંભાળીને જજે.. કોઈ નાગ ન હોય... નાગપુરનું આ જંગલ નાગથી ભરેલ પડ્યું છે.” એની મમ્મીએ જવાબ આપ્યો.

“મા, તું પણ શું ડરાવે છે... નાગ વિશે કેમ યાદ કરાવ્યું હમણાં બે દિવસ પહેલા જ એક નાગ એકાએક મારી સામે આવી ગયો હતો... મારો તો જીવ એકદમ ઉંચો થઇ ગયો હતો.” અનન્યા બીલીપત્રના ઝાડ તરફ આવવા લાગી. અમે ત્રણેય ડાળી પર રહેવાને બદલે પાંદડામાં છુપાઈ ગયા.

અનન્યાએ નીચે નમેલી ડાળ પરથી ચાર પાંચ બીલી પત્ર તોડ્યા... હું એને જોઈ રહ્યો... સફેદ દૂધ જેવી ચાંદની અને એના કરતા પણ સુંદર એનો ચહેરો મને એમ લાગ્યું કે ચાંદ અમારા માથા પર નહિ પણ જાણે એ ઝાડ પરથી બીલીપત્ર તોડી રહ્યો છે. ધરતી પર કોઈ ચાંદનો મુકાબલો કરવા તૈયાર હતું પણ આકાશનો ચાંદ મુકાબલો હારી જવાની બીકે ધરતી પર આવી મુકાબલામાં ઉતારવા તૈયાર નહોતો.

અનન્યા બીલીપત્ર લઇ મંદિરમાં ગઈ.. અમે થોડીક વાર એ બહાર આવે એની રાહ જોઈ પણ એ મંદિરમાંથી બહાર ન આવી.

“એ સાચી શિવ ભક્ત છે, એક કલાક કરતા પણ વધુ પૂજા કરશે.” બાલુએ કહ્યું.

“તને શું ખબર?” ઓજસે પૂછ્યું, અમે ફરી પાંદડાઓમાંથી નીકળીને ડાળી પર આવી ગયા હતા.

“કેમકે હું પણ સાચો શિવ ભક્ત છું. હવે ચાલો નહિતર તમારા બંનેના પપ્પા તમને મોડા જશો તો ઘરમાં પેસવા નહિ દે આપણે તો કોઈ ચિંતા નથી પપ્પા ઘરે જ નથી.” બાલુએ બીફીકરાઈથી કહ્યું.

પપ્પાનું નામ સાંભળતા જ મને અને ઓજસ બંનેને ધ્યાનમાં આવ્યુ કે મોડું થઇ ગયુ હતું. હું નહોતો ઈચ્છતો કે ફરી ક્યારેય પપ્પા મને રાત્રે બહાર ન જવા દે માટે વહેલા ઘરે જવું જરૂરી હતું. અમે જે ઝડપે ત્યાં ગયા હતા એ જ ઝડપે પાછા એ સ્થળ પર જવા લાગ્યા જ્યાં અમે ભેગા થયા હતા.

“વિવેક.. આપણે કયાં જઇ રહ્યા છીએ?” પુના બહાર કાર હાઈવે પર પહોચી એ સાથે જ નયનાએ પૂછ્યું.

મને નવાઈ લાગી કે નયનાએ હજુ સુધી કેમ પૂછ્યું ન હતું કે અમે ક્યાં જઇ રહ્યા હતા. એ ઓવર એક્ટીવ હતી એને બધુ જ જાણી લેવાની ઈચ્છા રહેતી. એ ક્યાંક સડક પર ઉભેલા એકલા બાળકને જોતી તો પણ વિચારવા લગતી કે એ બાળક ત્યાં એકલું કેમ હશે? એ બાળકની મમ્મી ક્યાં હશે? શું એ ખોવાઈ ગયું હશે? એ રસ્તો ભૂલી ગયું હશે? એની મમ્મીએ એને જાણી જોઇને રેઢું મૂકી દીધું હશે? એવા કેટલાય સવાલો એના મનને પરેશાન કરવા લાગતા અને એ બાળકના મમ્મી કે પપ્પા બેમાંથી એક તેને ન દેખાય ત્યાં સુધી નયના ત્યાં જ ઉભી રહેતી.

છતાં આજે કદાચ તેના એ ઓવર એક્ટીવ કેરેકટર પર જરાક કાપ લાગ્યો હતો. બહુ મોડો તેણીએ એ સવાલ કર્યો હતો. કદાચ એકબીજાથી દુર થઇ જવાના દુઃખને લીધે તે ઉદાસ હતી અને એને લીધે એના એ જન્મ જાત ગુણમાં કાપ મુકાઈ ગયો હશે એમ મને લાગ્યું.

“મુંબઈ.” વિવેકે ટૂંકો જવાબ આપ્યો.

“મુંબઈ?” હું અને નયના બંને ચોંક્યા.

“હા, મુબઈ.”

“ત્યાં હું સલામત કઈ રીતે હોઈ શકું? મુંબઈ અને નાગપુર વચ્ચે લાંબુ અંતર છે જ ક્યાં?” નયનાએ પૂછ્યું.

મને નયનાની વાત યોગ્ય લાગી પણ હું કઈ ન બોલ્યો. હું જાણતો હતો વિવેકે કઈક વિચાર્યું હશે. તે કોઈ અયોગ્ય ફેસલો લે એ શક્ય નહોતું.

“તું મુંબઈમાં સલામત છે પણ માત્ર થોડાક સમય માટે. ત્યાં ઘણા જાદુગરો છે જે મેજિક કંપની માટે કામ કરે છે અને મારા પપ્પાના મિત્રો છે.” વિવેકે કહ્યું.

“થોડાક સમય માટે..??” મને નવાઈ થઈ.

“હા, થોડા સમય માટે... આપણે એરપોર્ટ જઇએ છીએ ત્યાં પપ્પા દિલ્હીની ત્રણ ટીકીટો સાથે આપણી રાહ જુએ છે. મુંબઈથી નયના માટે શોપિંગ પણ કરી લઈશું કેમકે ત્યાં ખાસ ડર જેવું નથી. આપણે થોડા સમય માટે મહેફૂસ છીએ કેમકે મુબઈમાં ઘણા જાદુગરો છે જે પપ્પાના મિત્રો છે.”

“તો હું કાયમ માટે મુંબઈ ન રહી શકું?” નયના બહુ દુર જવા માંગતી નહોતી.

“ના.”

“કેમ?” નયનાને દરેક વાત પર સવાલો વરસાવવાની આદત હતી.

“મને હવે કોઈના પર ભરોષો નથી. તને દિલ્હી મુકવી જ યોગ્ય છે.” વિવેકે કહ્યું.

“દિલ્હી બહુ દુર છે. કપિલ મને મળવા પણ નહિ આવી શકે.” નયનાએ કહ્યું.

“હા, તું ત્યાં સલામત રહીશ.” વિવેક જાણે અમારો ગાર્ડિયન હોય તેમ વાત કરતો હતો. હું પ્રાયમરીમાં હતો ત્યારે પરિઓ અને એન્જલસની વાર્તાઓ વાંચતો. એમાં એક પાત્ર આવતું ગાર્ડિયન એન્જલ જે મને યાદ છે. એ ગાર્ડિયન એન્જલ એવા લોકોની મદદ કરતો જેનું કોઈ ગાર્ડિયન ન હોય. મને એનામાં અને વિવેકમાં કોઈ ફર્ક ન દેખાયો. વિવેક અમારો સુપર હીરો હતો બસ એ કોઈ ખાસ કોસટ્યુમ પહેરતો નહી કે કદાચ હવે પહેરવાનો હતો.

“મતલબ કપિલ મને મળવા નહિ આવે?” નયનાએ ફરી મો બનાવ્યું.

“આવશે.. હું મુકીશ. હું એના માટે દર અઠવાડિયે સ્પેસીઅલ દિલ્હીની વહેલી સવારની એક ટીકીટ બુક કરાવી નાખીશ અને એ તને મળવા પહોચી જશે.” વિવેકે કહ્યું.

“હું ત્યાં બોર થઇ જઈશ.” નયનાએ નવી દલીલ કરી. હું અને વિવેક બંને જાણતા હતા કે નયનાને દિલ્હી જવું નથી. એ બહાના બનાવતી હતી. અમે પણ એને મુકવા ઇચ્છતા નહોતા પણ બીજો કોઈ વિકલ્પ ન હતો.

“તું ત્યાં બોર નહિ થાય.. એ બહુ મોટી કોલેજ છે જેમાં આપણા નાગપુર જેમ ત્રણસો નહિ પણ ત્રણ હજાર વિધાર્થીઓ છે. કોલેજ કેમ્પસ પણ બહુ મોટું છે અને ગર્લસ હોસ્ટેલ તો એકદમ આધુનિક છે.” વિવેકે કોલેજ વિશે ડીટેલ આપી.

“તને શું ખબર એ કેમ્પસ કેટલું મોટું છે? તે એ કોલેજ જોઈ છે?” નયનાએ પૂછ્યું, “તું ફરી જુઠ્ઠું બોલી રહ્યો છે ને?”

“ના. હું જુઠ્ઠું નથી બોલી રહ્યો. મેં એ કોલેજ જોઈ છે. હું ગયા વર્ષે પપ્પા સાથે મેજિક-શો કરવા દિલ્હી ગયો હતો. ત્યાં એક કોલેજમાં પપ્પાને ચેરીટી-શો માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા પણ તેમની તબિયત અચાનક બગડી જતા તે ચેરીટી-શો એટેન્ડ કરવા ન જઇ શક્યા એટલે હું ત્યાં શો એટેન્ડ કરવા ગયો અને મેં તાસ અને સ્પિનરના-શો પર કોલેજના સામાન્ય બાળકો માટે એક લાખ પાંત્રીસ હજાર રૂપિયા એકઠા કરી આપ્યા. એ દરમિયાન મારી ઓળખાણ એ કોલેજના સંચાલક મહિલા સાથે થઇ હતી. ત્યાં કેટલીક છોકરીઓ પણ મારા શોની ફેન બની હતી. હું તારી એમની સાથે ઓળખાણ કરાવીશ એ તારી સારી ફ્રેન્ડ બની જશે અને તું બોર પણ નહિ થાય.”

“તું સ્પિનરથી પણ તાસના પાના જેમ કોઈને મારી શકે છે?” નયનાએ પૂછ્યું.

“કેમ નહિ? હું જાદુગર છું એ સાથે મદારી વરીયર પણ છું. હું કોઈ પણ ચીજને હથિયાર તરીકે ઉપયોગ કરી શકું છું.”

“તું મને વચન આપ કે તું કપિલનું ધ્યાન રાખીશ.” નયનાએ વિવેક તરફ જોઈ કહ્યું. એકાએક નયનાએ મારી સલામતીની વાત ક્યાંથી વચ્ચે લાવી દીધી એ મને ન સમજાયું.

“હું વચન આપું છું કે જ્યાં સુધી મારા શ્વાસ ચાલુ હશે ત્યાં સુધી હું કપિલને કઈ નહિ થવા દઉં.” વિવેકે વચન આપ્યું ત્યારે મને ખબર હોત કે વિવેક ખરેખર મારા માટે પોતાના શ્વાસ બંધ કરી દેશે તો મેં કોઈ કાળે એને એ વચન આપવા ન દીધું હોત. પણ ભવિષ્ય ક્યાં કોઈને ખબર હોય છે! શું થવાનું હતું એ અમે ક્યાં ક્યારેય કલ્પના પણ કરી હતી!

“જે નાગ મંડળ કપિલના શરીર પર બન્યું છે એનાથી એને કોઈ નુકશાન થઇ શકે છે?” નયનાને પોતાના કરતા પણ મારી ફિકર વધુ હતી. એના શબ્દો પરથી જ દેખાઈ આવતું હતું કે એ મને લઈને કેટલી ચિંતિત છે.

“ના. એ કપિલ માટે નુકશાનકારક નથી પણ ફાયદાકારક છે. માત્ર કપિલ માટે જ નહિ પણ બાકીના બધા એ મુહુર્તમાં જન્મેલ નાગને મૃત્યુ પામેલ નાગની શક્તિઓ મળી જશે.” વિવેકે સમજાવ્યું.

“મતલબ? હું કાઈ સમજ્યો નહિ.” મેં કહ્યું. મને ખરેખર વિવેક શું કહ્યું એ સમજાયુ નહોતું.

“કુદરતનો એક નિયમ છે. તે હમેશા બધાને બચવા માટે અવસર આપે છે. જયારે પણ એક મુહુર્તમાં જન્મેલ બધા નાગને કોઈ મારવાનું નક્કી કરી નાખે છે ત્યારે જેમ જેમ એ એક બાદ એક નાગને ક્રમ મુજબ મારે જાય છે તેમ બાકી બચેલા નાગને એ મૃત્યુ પામેલ નાગની શક્તિઓ આપોઆપ મળી જાય છે જેથી તેઓ તેમની તરફ આવી રહેલ મોતથી પોતાની જાતને બચાવી શકે છે અને અંતિમ નાગમાં એકલામાં નવ નાગની શક્તિ હોય છે માટે એ કાતિલ ક્યારેય પોતાનું લક્ષ પૂરું કરી શકતો નથી.” કારની સ્પીડે વિવેક જવાબ આપ્યો.

“મતલબ જે નાગની હત્યા થઇ છે એની શક્તિઓ બાકીના આઠ નાગને મળી જશે?” નયનાએ પૂછ્યું.

“હા.. દરેક નાગમાં એ શક્તિઓ સરખા ભાગે વહેચાઈ જશે.”

“તો કોઈ એક નાગ જ આ બધું કરી રહ્યો હોય એ શક્ય નથી?” નયનાએ સવાલ કર્યો.

“ના, એ શકાય નથી કેમકે તેને એવું કરવાથી કઈ મળતું નથી. એક નાગ શક્તિની લાલચમાં બીજા નાગને મારી નાખે તો પણ એ નાગને કોઈ શક્તિઓ મળતી નથી.”

“કદંબને રોકવા તમે શું કરશો?” નયનાએ એકાએક ટોપિક બદલ્યો.

“એ વિશે હજુ વિચાર્યું નથી પણ અમારે નંબર બેને શોધવો પડશે.. અમારે એ મુહુર્તમાં જન્મેલ બાકીના બધા નાગને શોધવા પડશે અને તેમને ચેતવવા પડશે.. એમને બધાને એક કરવા પડશે જેથી તેઓ કદંબનો સામનો કરી શકે.” વિવેકે હવે આગળ શું કરવાનું હતું એ કહ્યું.

“તું બધા નાગ સુધી કઈ રીતે પહોંચીશ?” નયનાના સવાલ ખૂટતા જ નહોતા.

“આકાશી કેલેન્ડરની મદદથી.. મારા પપ્પા જાદુગર ગોપીનાથને જાણે છે જેની પાસે નાગ લોકોનું આકાશી કેલેન્ડર છે. એ અશ્વાર્થના વંશજ પાસે એવી અનેક ચીજો છે જે મદારી ઇતિહાસની અમુલ્ય ચીજો છે. કદાચ એની મદદથી અમે એ નાગને શોધી શકીશું. તું એ બધી ફિકર ન કર બસ તારે પોતાની જાતને સાચવવાની છે જયારે અમે બધું થાળે પાડી પાછા આવીએ ત્યારે તું સલામત હોવી જોઈએ.” વિવેકે કહ્યું.

ત્રણેક કલાકની મુસાફરી વાતો વાતોમાં પૂરી થઇ. અમે મુબઈ એરપોર્ટ પહોચ્યા. એરપોર્ટ બહાર જ વિવેકના પપ્પા અમારા માટે ટીકીટો સાથે રાહ જોતા હતા. સફેદ શર્ટ અને પેન્ટ ઉપર કાળા કોટમાં છ ફૂટના મજબુત આધેડ જાદુગર સોમરના તેજસ્વી ચહેરા ઉપર અરધી સફેદ થયેલી મૂછો જચતી હતી.

“પપ્પા અમે પાછા આવીએ ત્યાં સુધી તમે જાદુગર ગોપીનાથ પાસે જઇ આકાશી કેલેન્ડરમાં તપાસ કરો કે કપિલના જ જન્મના મુહુર્ત દરમિયાન જન્મેલ નવ નાગ કયાં છે.” વિવેકે જાદુગર સોમરના હાથમાંથી ટીકીટો લીધી.

“હું આકાશી કેલેન્ડરની તપાસ કરી આવું પણ ટીકીટો કાલ સવારની ફલાઈટની છે.” સોમર અંકલે કહ્યું અને બંને હાથ કોટના ખિસ્સામાં નાખ્યા.

“વાંધો નહિ આમ પણ નયના માટે શોપિંગ કરવાની છે.” વિવેકે કહ્યું.

“તમારા માટે આજની રાત એ હોટલમાં રૂમ બૂક કરી રાખ્યા છે જ્યાં મોટાભાગે જાદુગરો જ રહે છે ત્યાં તમને કોઈ જોખમ નથી. બધા આપણા ઓળખીતા માણસો છે. એ કઈ હોટલ છે તું જાણે છે ને?” વિવેકના પપ્પાએ સાંકેતિક રીતે વાત ચલાવી. તેઓ કેટલી સાવચેતી વાપરતા હતા એ જોઈ મને પણ નવાઈ લાગી. ખરેખર તેઓ એ ભીડમાં એ હોટલનું નામ ન બોલ્યા એ જોઈ મને લાગ્યું કે જો તેઓ નાગલોકમાં હોત તો તેમને જાદુના શો કરવાની જરૂર ન પડે. તેમને જરૂર નાગલોકના રાજાએ તેમના ગુપ્તચર વિભાગના મુખ્ય અધિકારી બનાવી નાખ્યા હોત.

“મને એ હોટલ ખબર છે પણ તમે આકાશી કેલેન્ડર મેળવવા પ્રયાસ કરો, પપ્પા એ આપણા માટે બહુ જરૂરી છે.”

“કપિલના જન્મનું મુહુર્ત કયું છે? વિવેકના પપ્પાએ પૂછ્યું. વિવેકે મારા તરફ જોયું. તેને ખબર નહોતી કે મારા જન્મ સમયે કયું મુહુર્ત હતું.

“આકાશમાં સાત તારા અંગ્રેજીના ડબલ્યુ આકારે ગોઠવાયેલા હતા અને એ દિવસે શરદ પૂનમની રાત હતી.” મેં કહ્યું.

“કેટલા વર્ષ પહેલા?” એમણે પૂછ્યું અને કોટના એક ખિસ્સામાંથી સિગારેટ અને લાઈટર કાઢી એક સિગારેટ સળગાવી.

“આજથી 24 વર્ષ પહેલા... રાત્રે એક વાગ્યાનો સમય હતો. સામાન્ય કેલેન્ડર મુજબ સોમવાર હતો.” મેં જવાબ આપ્યો.

“તું શરદ પૂનમને દિવસે જન્મેલ નાગ છે? એ પણ ત્યારે જયારે તારાઓ ડબલ્યુ આકારે ગોઠવાયેલ હતા. પૂર્વ તરફના સાત તારાઓ.” વિવેકના પપ્પા એકદમ ડઘાઈ ગયા.

“હા, કેમ?” મેં પૂછ્યું.

“કઈ નહિ.. ખાલી એમ જ.” એમણે કહ્યું.

“હું જાણું છું એ મુહુર્તમાં જન્મવાનો શું અર્થ થાય છે.” મેં કહ્યું, “છુપાવવાની કોઈ જરૂર નથી.”

“તને ખબર હતી તો તારે નયનાથી દુર રહેવું જોઈતું હતું.” એમણે ધીમેથી કહ્યું. નયના અમારાથી થોડે દુર હતી. નયનાએ સાંભળ્યું ન હતું નહીતર એના સવાલો ફરી શરુ થઇ ગયા હોત.

અમે ફરી કારમાં ગોઠવાયા એ પહેલા વિવેકના પપ્પાએ વિવેકને અને મને એક હગ આપી. નયના પણ એમને ભેટી પડી હતી. વિવેકના પપ્પાની આંખમાં વિવેક માટે ચિંતા દેખાતી હતી. એ ચિંતા કેમ હતી હું જાણતો હતો. સોમર અંકલ ચિંતામાં હતા કેમકે તેમણે મારા જન્મના મુહુર્ત વિશે જાણ્યું હતું. તે જાણતા હતા એ મુહુર્તમાં જન્મેલ નાગે પોતાનો પ્રેમ ગુમાવવો જ પડે છે. એ ક્યારેય પોતાના પ્રેમને પૂરો કરી શકતો નથી. અધૂરા કોન્ટેસ્ટેલરમાં જન્મેલ નાગનો પ્રેમ ક્યારેય પૂરો થતો નથી. એ ક્યારેય પૂરો થતો નથી અને એ વાત માત્ર વિવેકના પપ્પા જ નહિ હું અને વિવેક પણ એટલી જ સારી રીતે જાણતા હતા.

અમે બંને અશક્ય કામ કરવા માટે નીકળ્યા હતા. નશીબ ભાગ્ય કે નિયતિ જે કહો તેની સામે લડવા માટે. મને ખબર હતી કે કોઈના સ્ટારમાં ફોલ્ટ હોય તો એ સુધારી શકાતો નથી છતાં હું અને વિવેક એ અશક્ય કામ માટે નીકળી પડ્યા હતા પણ મને ક્યાં ખબર હતી કે સ્ટારનો ફોલ્ટ સુધારવા માટે ફરી જન્મ લેવો પડે છે અને એ પણ સારા સ્ટાર દરમિયાન - કોઈ સારા મુહુર્તમાં.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky