મુહૂર્ત (પ્રકરણ 9) Vicky Trivedi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુહૂર્ત (પ્રકરણ 9)

અમે મેઈન બઝાર પહોચ્યા ત્યાં ખાસ્સી ભીડ હતી. મુંબઈની બઝારમાં ભીડ ન હોય એવું બને પણ નહી. વિવેકે સ્ત્રીઓની ભીડ તરફ આગળ વધતા કહ્યું, “સામેની શોપ.”

મેં અને નયનાએ એ શોપ પર નજર કરી. એની બહાર લાઈટીંગવાળું વુમન્સ વિયર બોર્ડ લાગેલ હતું. શોપ જાણે ઇંટ અને સિમેન્ટ નહિ પણ આખી કાચથી ઉભી કરી હોય એમ સજાવેલ હતી. અંદર વેચાતી અલગ અલગ આઈટમનું પ્રદર્શન કરવા બહારના ભાગે મેનીકીલ ઉભા કરેલા હતા. ત્રીજા નંબરના મેનીકીલ પર લાગેલ કપડા જોઈ મને નવાઈ થઇ. શું હજુ લોકો એ જૂની ફેશનના કપડા પહેરતા હશે?

એ મેનીકીલ પર જૂની સ્ટાઈલના કપડા લાગેલ હતા જે અનન્યાને પસંદ હતા.. ડ્રેસ મેનીકીલના ખભા સુધીના ભાગને એ જ રીતે ઢાંકી રહ્યો હતો જે રીતે અનન્યાના શરીર પર એ જોવા મળતું. તેના ફેન્સી કી-હોલ નેકલાઈનમાં અદભુત દેખાતી. અનન્યાના શરીર પર એ ડ્રેસ એ રીતે ફીટ રહેતો કે એ અદભુત લાગતી.

એ દિવસે પણ અનન્યા એ જ સ્ટાઈલના ડ્રેસમાં હતી. એના ડ્રેસની સ્લીવ્સ તેના પુરા હાથને ઢાંકતી હતી અને જેમ જેમ કાંડાની નજીક પહોચે તેમ સ્લીવ પહોળી થયે જતી હતી. કાંડાથી જરાક ઉપરના ભાગે એ સ્લીવ પૂરી થઇ જતી હતી જાણે એ અનન્યાના કાંડા પર રહેલ બ્રેસલેટને અવરોધ બનવા ન માંગતી હોય. અનન્યાને વેસ્ટ પરથી જરાક લૂઝ ડ્રેસ પહેરવાનું ગમતું અને એના પર એ સમયની એસીની ખાસ સ્ટાઈલ જેમ બેલ્ટ બાંધતી જે એને એક રાજકુમારી જેવો દેખાવ આપતો. હું એને જયારે પણ જોતો મને લાગતું એ એ ડ્રેસ જ એના માટે દરેક ઘરેણા સમાન હતો. એ ક્યારેય એકાદ જોડ ગોળ ઈયરરીંગ કરતા વધુ ઘરેણા ન પહેરતી અને કદાચ એને સુંદર દેખાવા કોઈ ઘરેણાની જરૂર પણ ન હતી.

હું અનન્યાને મળવા મંદિર ગયો હતો પણ એ દિવસે અનન્યા એ ડ્રેસમાં પણ સુંદરને બદલે એકદમ ફિક્કી દેખાઈ હતી. એના ચહેરા પરથી મને એની ઉદાસી દેખાઈ આવી હતી.

“શું વાત છે અનન્યા?” મેં પૂછ્યું. અમે મંદિર બહાર બીલીપત્રના ઝાડ નીચે હતા.

“આપણે સાથે ન ફરવું જોઈએ વરુણ.” તેણીએ એની ઉદાસ આંખો મારી સામે ફેરવીને કહ્યું હતું. તેમાં ખુબ વેદના હતી.

“કેમ?” મેં પૂછ્યું. અમે ધીમે ધીમે ઝરણા તરફ જવા લાગ્યા. અનન્યાના મમ્મી પપ્પાને અમારા પ્રેમથી કોઈ વાંધો ન હતો. તેમને ખબર હતી કે હું અને અનન્યા એકબીજાને ચાહવા લાગ્યા હતા.

“કેમકે વ્રજરાજ આપણા પર નજર રાખી રહ્યો છે અને એ આપણને એક થતા રોકવા માંગે છે.”

“કોણ વ્રજરાજ??” મેં નવાઈથી પૂછ્યું કારણ હું એ નામ પહેલી વાર સાંભળતો હતો.

“એ જ વ્યક્તિ જે તું પહેલીવાર મંદિર આવ્યો અને મેં તને પ્રસાદ આપી એ દિવસે ત્યાં પૂજા માટે આવ્યો હતો. નાગપુરની હવેલીનો એ એકમાત્ર વારીસ છે.” અનન્યાના અવાજમાં ચિંતા સ્પસ્ટ દેખાઈ આવ્યો હતો.

“મને એનાથી કોઈ ફરક પડતો નથી... એ હવેલીમાં રહે છે એનો અર્થ એ નથી કે એ ચાહે એ જ નાગપુરમાં થશે.” મેં કહ્યું. નાગપુરમાં રાજમહેલ સિવાય બીજી ઘણી હવેલીઓ હતી.

“હું એ કઈ નથી જાણતી. એ મને મેળવવા માટે તારી સાથે ગમે તે કરી શકે છે. તારા પર જોખમ આવે એવું હું કાઈ નહિ થવા દઉં.” અનન્યાએ કહ્યું. અનન્યા હતી ત્યારે પણ નયના આવી જ હતી, “એ હવેલી જાગીરદાર જોગસિંહની છે અને તે એ પરિવારનો એક માત્ર વારીસ છે. હજુ નાગપુરમાં એક રાજા જેટલી સત્તા એની પાસે છે.”

“અનન્યા મને કાઈ નહિ થાય...” મેં એનો હાથ કાંડાથી પકડયો.

“એ લોકોને તું જાણતો નથી. છેલ્લી વખતે જયારે એણે શિવ મંદિરમાં હથિયારોની પૂજા રાખી હતી ત્યારે મેં જોયું હતું જેટલા આપણા ઘરોમાં વાસણ છે એના કરતા પણ વધુ હથિયાર એની હવેલીમાં છે..” અનન્યાએ મારા હાથ પર એનો બીજો હાથ મુક્યો.

“પણ એ હથિયાર મારું કાઈ નહિ બગાડી શકે.” હું એની આંખોમાં જોઈ રહ્યો. કદાચ હવેલીના હથિયાર મને મારી શકે એમ હોય તો પણ હું એ આંખો માટે મારવા તૈયાર હતો.

“કેમ તું માણસ નથી? તને તલવારનો ઘા નથી લાગતો? તીર તને વીંધી નથી શકતું?” અનન્યાએ ગુસ્સે થઈ એનો હાથ મારા હાથમાંથી ખેચી લીધો. એ બીજી તરફ ફરી ગઈ.

“હા, હું માણસ નથી.” મેં એને મારા તરફ ફેરવી, એનો ચહેરો મારી બંને હથેળીઓ વચ્ચે હતો, એના આંસુ એના ગાલ પર વહેવાને બદલે મારા હાથ પરથી સર્યા.

“તું શું કહી રહ્યો છે?” એનો અવાજ આંસુને લીધે એકદમ તરડાઇ ગયો, એની સજળ આંખો મને અનિમેષ તાકી રહી.

“હા, હું માણસ નથી અનન્યા કે ન તું માણસ છે આપણે નાગ છીએ...” મેં એ દુનિયાની સૌથી સુંદર આંખોના આંસુ લૂછ્યા.

“એ માત્ર દંતકથાઓ છે વરુણ... નાગ અને માણસ અલગ અલગ છે.” તે મારાથી દુર ખસી, “તું પાગલ થઇ ગયો છે.”

“આપણે ઈચ્છાધારી નાગ નાગિન છીએ બસ તને એ ખબર નથી.” મેં નજીકની શીલા પર બેસી જતા કહ્યું.

“વરુણ હું તને પ્રેમ કરું છું અને તારા પર મને વિશ્વાસ છે પણ તું જે કહી રહ્યો છે અશક્ય છે. હું ભરોષો કરી શકું તેમ નથી.” અનન્યાને મારી વાત પર વિશ્વાસ નહોતો થઇ રહ્યો.

“તું મારી સાથે શિવ મંદિરના પાછળના ભાગે આવ હું તને સમજાવું.” હું શીલા પરથી ઉભો થયો. અમે મંદિર પાસેના ઝરણા નજીક હતા.

“પણ તું મને શું સમજાવીશ?”

“તું ચાલ તો ખરા.” હું અનાન્યાનો હાથ પકડી એને જંગલ તરફ લઇ જવા લાગ્યો.

અમે પચાસેક યાર્ડ જેટલા ઊંડા સુધી જંગલમાં ગયા. ઝરણું જે પર્વતના ઢોળાવ પરથી વહેતું હતું એના પેલી તરફ પહોચી મેં કહ્યું, “અનન્યા હું ખરેખર ઈચ્છાધારી નાગ છું.”

હું જાણતો હતો કે એને વિશ્વાસ થવાનો નથી. હું એનાથી બે ત્રણ ડગલા પાછળ હટી ગયો. મેં એક ઊંડો શ્વાસ લીધો અને બીજી જ પળે મારું શરીર સુરજના કિરણોમાં ફેરવાઈ ગયું હોય એમ ચમકવા લાગ્યું. અનન્યા મને જોઈ રહી. મેં મારું દૈવી રૂપ ગ્રહણ કર્યું હતું અને મારું શરીર કોઈ પ્રકાશ પુંજ જેમ ચમકી રહ્યું હતું જાણે કે મારું શરીર હજારો ડાયમંડને ભેગા કરીને બનાવવામાં આવ્યું હોય અને એ દરેક ડાયમંડ સુરજના પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન કરી રહ્યો હોય.

અનન્યાની આંખો મને જ જોઈ રહી. એનું મન ગભરાઈ રહ્યું હતું અને એ જે વાસ્તવીકતા જોઈ રહી હતી એ માનવા તૈયાર નહોતું પણ એનું હૃદય એ માની રહ્યું હતું. હું એના ધબકારા સુધી અનુભવી શકતો હતો.

પવન એકદમ ઠંડો હતો. અનન્યા મારી આંખોથી પોતાની આંખો હટાવવા ઇચ્છતી નહોતી. એ આગળ વધી અને મારા ચમકતા હાથને પોતાના હાથમાં લીધો. મને અડતા જ એ પ્રકાશ તેના હાથમાં પણ દાખલ થવા લાગ્યો. એ મારા દૈવત્વને અનુભવી શકતી હતી. મેં એની આંખોમાં જોયું એની આંખો એકદમ મોટી થઇ મને જ જોઈ રહી હતી. એના હોઠ એક સ્મિતમાં મલકી રહ્યા હતા.

“મેં તને ડરાવી તો નથી દીધીને?” મારો હાથ એના હાથમાં હતો, એ દૈવી ઔરા એના દેહમાં દાખલ થઇ રહી હતી.

“ના, જો હું પણ તારા જેમ જ એક નાગિન હોઉં તો મારે એક નાગથી કેમ ડરવું જોઈએ?” અનન્યાએ મારા ચહેરાને પોતાના હાથથી સ્પર્શતા કહ્યું, એના હાથ મારા ચહેરા પર હતો. હું એનો સુવાળો સ્પર્શ મારા બંને ગાલ પર મહેસુસ કરતો હતો.

તે મારી નજીક આવી અને મારો ચહેરો એના બંને હાથમાં લીધો. મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી એટલો એ સુખદ અનુભવ હતો. એના સ્પર્શમાં કોઈ ડિવાઈન ટચ હતો... મેં આંખો બંધ કરી નાખી.

“નાગ જીવન કેટલું અદભુત છે... માનવ કરતા એકદમ અલગ..” મેં અનન્યાના એ શબ્દો સાંભળી આંખો ખોલી અને મને અનિમેષ જોઈ રહેતી એની આંખોમાં મારું ચમકતું પ્રતિબિંબ નિહાળ્યું.

“નાગ જીવન મુશ્કેલ પણ છે. આપણે માણસોથી છુપાઈને રહેવું પડે છે. બધા લોકો આપણી પૂજા કરનારા કે આપણને દેવ માનનારા નથી હોતા.”

“કેમ?” અન્યનાએ મારા ચહેરા પરથી હાથ ખસેડી મારા ખભા પર મુક્યાં, કદાચ એ મને મુશ્કેલ જીવનમાં સાંત્વના આપવા ઈચ્છતી હતી. એની એ ક્રિયાની પ્રતિક્રિયા રૂપે મે રાહત અનુભવી. મેં પહેલા ક્યારેય ન અનુભવી હોય એવી રાહત મારું હૃદય અનુભવી રહ્યું હતું.

“કેમકે આપણી પાસે ઘણી શક્તિ એવી છે જે માનવ પાસે નથી હોતી એટલે માનવ આપણાથી ડરે છે અને દરેક પ્રાણીના નિયમ મુજબ એ જે ચીજથી ડરે છે એ ચીજનો નાશ કરવા હમેશા તૈયાર રહે છે.” માનવ કોઈ કારણ વિના અમને દુશ્મન સમજે છે એ યાદ કરતા મારી આંખો ઉદાસ થઇ, મારા આસપાસની ઔરા ઓછી થવા લાગી, એ દિવ્ય તેજ ઝાંખું થયું.

“કઈ ચીજો?” અન્યના માનવ તરીકે જીવી હતી માટે કુદરતે ઈચ્છાધારી નાગને આપેલી શક્તિથી અજાણ હતી.

અનન્યાના શબ્દો એના હોઠ બહાર આવ્યા એ સાથે જ હું ત્યાંથી અદશ્ય થઇ ગયો. એની આંખો વ્યાકુળ બની મને આમ તેમ શોધવા લાગી.

“વરુણ... વરુણ તું ક્યાં છે...?” એના એ શબ્દો પુરા થાય એ પહેલા માત્ર ત્રણેક સેકંડ જેટલા સમયમાં હું ફરી એની સામે આવ્યો.

“તે મને ડરાવી દીધી હતી..” અનન્યાએ કબુલ્યું કે એ ડરી ગઈ હતી. કોઈ પણ માટે એ ડર વાજબી હતો. પોતાને ન સમજાય એવી ચીજથી દરેકને ડરનો અનુભવ થાય છે.

“સો સોરી પણ લોકો આપણાથી એના લીધે જ ડરે છે અને એથી જ કેટલાક લોકો આપણા જાની દુશ્મન છે. કેટલાક શિકારી અને કેટલાક મદારી તો હંમેશા આપણા શિકારની તાકમાં જ રહે છે.” મારી આંખો વધુ ફિક્કી બની.

“તારી આંખો રંગ કેમ બદલે છે?”

“નાગ જયારે ઉદાસ થાય એના મણીની ચમક ઓછી થઇ જાય છે અને એની આંખો ફિક્કી પડે છે.” મેં સમજાવ્યું.

“તું નાગ કઈ રીતે બને છે?”

“એના માટે તાલીમની જરૂર પડે છે..” મેં કહ્યું અને બીજી પળે અનન્યા સામે હું નાગ સ્વરૂપે ફેરવાયો.

હવે અનન્યા મારાથી ડરતી ન હોય એમ મને લાગ્યું. એ મારી પાસે આવી અને એની હથેળી મારી ફેણ પર મૂકી. હું એના હાથની સુવાશને અનુભવી શકતો હતો. એના શ્વાસ મારા ચહેરા પર ફેકાઈ રહ્યા હતા. એ હવે જરાય ડરતી નહોતી.

“સો વન્ડર ફૂલ...” એના મોમાંથી શબ્દો સરી પડ્યા. એ અવાજ જાણે છેક નાગલોકથી આવ્યો હોય એમ મને લાગ્યું.

હું ફરી માનવ સ્વરૂપે આવ્યો.

“હું તને પણ તાલીમ આપવા માંગું છું જેથી તું પણ નાગ સ્વરૂપે આવી શકે..” મેં એને તાલીમ આપવાની મારી ઈચ્છા જાહેર કરી.

“હું ખરેખર નાગિન છું?” અનન્યાને કદાચ હજુ વિશ્વાસ ન હતો.

“તું નગીન ન હોય તો હું તારી સામે ક્યારેય આમ રૂપ બદલું? તું માનવ હોય તો હું તારાથી આ હકીકત હમેશા છુપાવીને રાખુ.” મેં એને વિશ્વાસ અપાવ્યો.

“હું નાગિન કઈ રીતે હોઈ શકું? મારા મમ્મી પપ્પા તો માનવ છે...!!” તે પણ નયના જેમ સવાલો પૂછવામાં તેજ હતી.

“કદાચ તારા નાગ મમ્મી પપ્પા બાળપણમાં જ તને છોડી ગયા હશે અને એ લોકો તારા પાલક માતાપિતા હશે.. હું એક નાગ છું... હું તને ઓળખવામાં ભૂલ ન કરી શકું... તું નાગિન જ છે.” મેં એને સમજાવી.

મેં જે કહ્યું એ સંભળાતા જ એની આંખમાં આંસુ આવ્યા.

“શું થયું?”

“મારા નાગ માતા પિતા..” અનન્યાએ માથું મારી છાતી પર ઢાળી દીધું, “એમને શું થયું હશે?”

“ખબર નહિ પણ આ સવાલ તારા મમ્મી પપ્પાને ક્યારેય ન પુછીશ.”

“કેમ?”

“કદાચ એમને ખબર પણ ન હોય કે તું નાગિન છે..” મેં સમજાવ્યું, “એ તને માનવ સમજીને ઉછેરતા હોય.”

“એ મને માનવ જ સમજે છે.” અનન્યાએ કહ્યું, “એ તો મને અંધારું થયા પછી બીલીના ઝાડ નજીક પણ નથી જવા દેતા કેમકે ત્યાં સાપ હોય છે. હું નાગિન છું એ હકીકત એમને પણ ખબર નથી.”

“તો એ ખબર ક્યારેય પડવા પણ ન દઈશ..”

“કેમ?”

“કેમકે એમનું દિલ તૂટી જશે..”

ફરી અનન્યાની આંખો વરસવા લાગી.

“હવે શું થયું?”

“હું મારા માતા પિતાને ક્યારેય ખબર નહી પડવા દઉં કે હું એમની પોતાની દીકરી નથી એ હું જાણું છું.”

“હમમ..” હું અનાન્યાનું મન સમજી શકતો હતો. એના માટે એના માનવ માતા પિતા પ્રત્યે ઊંડી લાગણી હતી. એ એમને દુખી જોઈ શકે એમ નહોતી. અને એ હકીકત સામે આવે તો તેઓ દુઃખી થયા વિના કઈ રીતે રહી શકે?

“અનન્યા, હું તારા માટે કઈક લાવ્યો છું.” મેં એની ઉદાસી દુર કરવા કહ્યું.

હું એના માટે એક ભેટ લઈને આવ્યો હતો પણ એને ઉદાસ જોઈ અમે બીજી જ ચર્ચામાં પડી ગયા હતા.

“શું?” એની ઉદાસી જરા ઓછી થઈ પણ આંખો હજુ સજળ હતી.

“બેંગલ્સ..” મેં જાકીટના ખિસ્સામાંથી બેંગલ્સ નીકાળી.

“તું રેડ બેંગલ્સ લાવ્યો છે?” એની સજળ આંખોમાં એકદમ ખુશીની ચમક દેખાઈ.

“હા...” મેં કહ્યું, “હું રેડ બેંગલ્સ લાવ્યો છું.”

“તને શું ખબર મને રેડ બેંગલ્સ પસંદ છે?”

“કેમ હું તને પ્રેમ નથી કરતો?”

“તું તો રોમેન્ટિક બુકો નથી વાંચતો તને આ બધું કઈ રીતે યાદ આવ્યું?”

“નાગના હ્રદયમાં જ આ બધું હોય છે.” મેં બેંગલ્સ એના હાથમાં આપતા કહ્યું.

“હા, પણ એક બે એવા પુસ્તકો વાંચ્યા હોત તો કઈક શીખ્યો હોત.” અનન્યાએ બેંગલ્સ ન લીધા અને ઉભી થઇ ગઈ.

“હવે શું થયું?” મને કઈ સમજાયું નહિ, “તારા ગમતા રંગના બેંગલ્સ લાવ્યા અને તે લીધા નહિ.”

“એક બે રોમેન્ટિક બુકો વાંચી આવ પછી તને સમજાશે.”

“પણ શું?”

“એ હું નહિ કહું.” અનન્યાએ છણકો કર્યો, “આખી બુક સ્ટોર ચલાવે છે અને આટલો બુધ્ધુ હશે મને ખબર નહોતી.”

“પણ તું કહે તો ખબર પડે ને?”

“પ્રેમ કરે છે તો જેમ મને કયો રંગ પસંદ છે એમ આ પણ ખબર પાડી લે.”

મેં અનન્યાનું મન વાંચ્યું.

ઓહ! માય ગોડ!

હું એટલી સામાન્ય વાત કઈ રીતે ભૂલી ગયો? એ ચાહતી હતી કે બેંગલ્સ હું એને મારા હાથથી પહેરાવું. મેં બેંગલ્સ એના હાથમાં પહેરાવ્યા.

“તું મારું મન વાંચી શકે છે?”

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky