ધરતીનું ઋણ - 4 - 3

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

છેલ્લી ચીસ

ભાગ - 3

લગભગ બાર વાગ્યાના ટાઇમ પોલીસ સ્ટેશને ફોનથી કોઇએ એક પાગલ છોકરી મરી ગયાના સમાચારની જાણ કરી. અનિલ પરમારે પ્રેસ રિપોર્ટરને ફોન કરી તે બંગલા પર આવવાનું જણાવીને તરત ત્રણ પોલીસ કર્મી સાથે એચ.ઓ.વી. શાખાના ફોટોગ્રાફર અને ફિંગર પ્રિન્ટ બ્યુરો વિગના એક્સપર્ટ સાથે તે બંગલા તરફ જવા માટે રવાના થયો,

બંગલામાં પહોંચીને અનિલ પરમારે લાશનું નિરીક્ષણ કર્યું.

સફેદ કપડામાં પરાધીન તે છોકરી લગભગ અઢાર વર્ષની લાગતી હતી. તેની લાશ ફર્શ પર ચત્તીપાટ પડી હતી. હાથનાં આંગળાંઓ ખેંચાણથી વળી ગયેલાં હતાં. આંખો ખુલ્લી ફટાક હતી. તેના ગળાને કોઇએ ખૂબ જોશથી દબાવી દીધું હોય તેવાં આછા કાપાનાં નિશાન પણ હતાં.

પડેલી લાશની બાજુમાં જ દીવાલ પર જડેલ એક કપબોર્ડ હતો અને તે ખુલ્લો હતો અને તેનું અંદરનું બોક્સ ખાલી અવસ્થામાં પડ્યું હતુ.

હં...ચોક્કસ કોઇએ લૂંટ ચલાવી છે.

પછી અચાનક તે ચોંક્યો, સવારના રેલવેના ટ્રેક પરથી મળી આવેલ લાશ સાથે દાગીના ને સોનાનાં બિસ્કિટવાળી થેલી તેને યાદ આવી.

તેમ બની શકે...? તે વિચારવા લાગ્યો.

તે ચોર અહીં દાગીના લૂંટવા આવ્યો હોય અને દાગીના લૂંટતાં તેનો સામનો આ છોકરી સાથે થયો હોય અને તેણે આ છોકરીનું ગળું દબાવીને મારી નાખી હોય અને દાગીના થેલીમાં ભરીને ભાગ્યો હોય અને રેલવેના પાટા પર ભાગતાં-ભાગતાં તેનો પગ ચેંજ થતી ક્રોસ લાઇનના પાટામાં ફસાયો હોય અને તે આવતી ટ્રેનમાં કચડાઇને મર્યો હોય.

અનિલ પરમાર ઉત્સાહમાં આવી ગયો. તેને ખૂટતી કડી મળતી જતી હતી.

આજુ-બાજુના બંગલોઝમાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તે છોકરીનાં મા-બાપ, અને બહેન ગામમાં ધરતીકંપમાં દટાઇને મરી ગયાં હતાં અને તે છોકરી પાગલ હતી.

છોકરીની લાશના ફિંગર પ્રિન્ટ અને તેના ફોટો લેવડાવવામાં આવ્યા અને ખુલ્લા કબાટ, અંદરનું તિજોરીનું ખાલી પડેલ બોક્સના પણ પાવડર છાંટી તેના પરના ફિંગર પ્રિન્ટ લેવામાં આવ્યાં. પછી તેણે છોકરીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલાવી અને પંચની હાજરીમાં તે બંગલાના ઉપરના ખંડમાં સિલ મરાવીને અનિલ પરમાર બંગલાની બહાર આવ્યો અને ગાડીમાં બેસી આગળ વધ્યો. આગલ એક કેબિન પાસે ગાડી ઊભી રખાવી. તેણે તે કેબિન પરથી ફોરસ્કવેરની પાકીટ ખરીદી.

અચાનક રેલવે ટ્રેક પરતી મળી આવેલ લાશના ખિસ્સામાંથી મળી આવેલ ગોલ્ડ ફ્લેકની સિગારેટ પાકીટ યાદ આવી.

‘તારું નામ શું છે...’ તેણે પાનની કેબિનવાળાને પૂછ્યું.

‘લખમણ સાહેબ...કેમ મારી કાંઇ ભૂલ થઇ...?’

‘ના રે ના...લખમણ મારે તને પૂછવું હતું કે કાલ તારી પાસેથી ગોલ્ડ ફ્લેકની પાકિટ કોઇ યુવાન લઇ ગયો હતો...?’

‘સાહેબ સિગારેટ લેવા તો ઘણા આવતા હોય છે. મને થોડું યાદ રહે કે...પણ પણ...સાહેબ હા...હા...યાદ આવ્યું કાલે એક પડછંદ લાગતી એક જુવાન વ્યકિત સિગારેટ ગોલ્ડ ફ્લેકનું પાકિટ લઇ ગઇ હતી અને તે તો અહીં ઊભીને એક સિગારેટ પણ પીધી હતી.’

‘તારી સાથે તેણે કાંઇ વાતચીત કરી હોય તેવું યાદ આવે છે...?’

‘સાહેબ, તે તે ઊભા-ઊભો સિગારેટ પીતો હતો અને અમારી વાત સાંભળતો હતો. બાકી તેણે અમારી સાથે કોઇ જ વાત કરી ન હતી.’

‘તમારી સાથે વાત કરનાર વ્યકિત કોણ હતી...?’

‘સાહેબ...એ તો મારો ખાસ મિત્ર છગનલાલ હતો.’

‘તેનું એડ્રેસ મને આપજે અને તે કહે કે તમારા વચ્ચે શું વાત થઇ હતી...?’

‘સાહેબ...અમે સામે બંગલામાં જે પાગલ છોકરી જે અત્યારે મરણ પામી છે. તેના માં, બાપ, બહેન ધરતીકંપમાં મરી ગયાં. તે બિચારી પાગલ હતી અને બંગલો સાથે પુષ્કળ ધન છે, પણ તે પાગલ છે. તેવી વાતો કરતા હતા.’

તેની વાત સાંભળીને અનિલ પરમાર ચમક્યો.

‘ઠીક છે. તારા મિત્રનું એડ્રેસ લખી દે.’ તેણે કહ્યું અને પછી એડ્રેસ લખાવી તેણે ડ્રાઇવરને ગાડી રેલવે સ્ટેશન તરફ લઇ જવા જણાવ્યુ.

આખા કેસની કડીઓ તેના દિમાગમાં જોડાઇ ગઇ હતી.

ટ્રેનમાં કચડાઇ જનાર ગોલ્ડ ફ્લેક પીતો હતો અને તે પાનવાળા પાસે સિગારેટ લેવા આવ્યો અને એક સિગારેટ કાઢી સળગાવી તે પાનની કેબિન પાસે સિગારેટ પી રહ્યો હતો અને તે પાનવાળાની તે બંગલા પર પાગલ છોકરીની વાત સાંભળી અને રાત્રે બંગલામાં ચોરી કરવા ઘૂસ્યો. પાગલ છોકરીએ રાડા-રાડ કરી હશે અને તેણે તે છોકરીની ગરદન દબાવી છોકરી મરણ પામી અને તે ચોરી કરીને ભાગ્યો અને રેલવેના પાટા પર ચાલતો જતો હશે અને ટ્રેક ક્રોસ થતાં તેનો પગ બે પાટા વચ્ચે ફસાઇ ગયો હશે અને ટ્રેનમાં તે કચડાઇ ગયો હશે.

હં તેમ જ થયું લાગે છે. હવે ફોરેન્સી લેબોરેટરીનો રિપોર્ટ અને ફિંગર પ્રિન્ટનો રિર્પોટ આવી જાય એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય અને કેસ સોલ થઇ જાય.

વિચારતાં-વિચારતાં તેણે એક સિગારેટ સળગાવી અને એક દમ લીધો. અને સિગારેટના ધુમાડાને ફેફસામાં ઉતાર્યા.

અંજારમાં બચાવકાર્ય અને ઘાયલોની સારવારનું કામ જોર શોરથી ચાલી રહ્યું હતું. ચારે તરફ મેડિકલ કેમ્પ શરૂ થયેલ હતા. તો સરકાર લોખંડના પતરા, ટેન્ટ મામલતદારના નેજા હેઠળ આપતા હતા અને ગામની બહારે ચારે તરફ હંગામી આવાસો બનવાના શરૂ થયા હતા.

પરશુરામ યુવા સંસ્થાના પ્રમુખ દિનેશભાઇ રાવલ, તથા અંજાર બ્રહ્મ સમાજના પ્રમુખ જગદીશભાઇ વ્યાસના નેજા હેઠળ ધરતીકંપમાં બેહાલ અને બેઘર થયેલ દુ:ખી બ્રાહ્મણો માટે કેમ્પની શરૂઆત કરવામાં આવી તેમજ અંજાર તાલુકાનાં ગામડાંઓમાં સહાય પહોંચતી કરી. તે સેવા કાર્યમાં મહિલા પાંખના પ્રમુખ મૃદુલાબહેન પાંડે, યુવા પાંખના પ્રમુખ નિતીનભાઇ પંડ્યા તથા સર્વ કાર્યકરો જીતુભાઇ જોષી, કમલેશ અબોટી, મૂળશંકર અબોટી, વિજય રાવલ, અશ્વિન પંડ્યા, જગદીશ ભટ્ટ. તથા સ્વ. રામેશ્વરભાઇ જેવા અનેક હોશિલા કાર્યકરોએ જહેમત ઉઠાવી કેમ્પની શરૂઆત કરી અને પછી સરકારી સહાયથી મળેલ પતરાંઓમાંથી બ્રાહ્મણો માટે હંગામી આવાસ ઊભા થયા જેની મુલાકાત ભૂતપૂર્વ સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીસે લીધી હતી.

અંજારમાં રચાયેલ અંજાર ભૂકંપ રાહત સમિતિના પ્રમુખ ભરતભાઇ શાહે ખૂબ જહેમત ઉઠાવી હતી. જૈન સમાજમાં અગ્રણી ચંપકલાલભાઇ શાહ, ભરતભાઇ શાહ, વગેરે અગ્રણીઓએ જૈન સમાજને ઊભું કરવા માટે હંગામી આવાસો બનાવ્યા. તેમ લોહાણા મહાજન સમાજના પ્રમુખ રાજુભાઇ કોડરાણી તથા રઘુવંશી સોશ્યલ ગ્રુપના પ્રમુખ વસંતભાઇ કોડરાણી તથા ઉદ્યોગપતિ જગદીશભાઇ ઠક્કર જેવા લોહાણ સમાજના અગ્રણીઓ ભેગા થઇ સમાજ માટે હંગામી આવાસ તથા બીજી અન્ય સુવિધાઓ માટે જહેમત ઉઠાવી. મીસ્ત્રી સમાજના અગ્રણી કાંતિભાઇ મહાત્મા, અનિલભાઇ ટાંક, બલરામભાઇ વગેરેએ મીસ્ત્રી સમાજને ઊભું કરવા માટે તનતોડ મહેનત શરૂ કરી. તેમજ સોરઠિયા સમાજના અગ્રણીઓ ધનજીભાઇ સોરઠિયા અને માવજીભાઇ સોરઠિયા વગેરેએ મહેનત કરી સોરઠિયા સમાજને ઊભું કરવા પ્રયત્નશીલ થયા.

1956માં થયેલ ધરતીકંપ વખતે થયેલા બચાવ કાર્ય તથા તેની પદ્ધતિભરી સેવાનું અમૃતલાલભાઇ હિરજીભાઇ પંડ્યાએ બ્રહ્મસમાજને માર્ગદર્શન આપ્યું.

તેવી જ રીતે અન્ય સમાજો જેમ કે ગુર્જર સુથાર સમાજ પ્રજાપતિ સમાજ, લુહાર સમાજ, દરજી સમાજ, મહેશ્વરી સમાજ ભાટીયા સમાજ, ક્ષત્રીય સમાજ, મુસ્લિમ સમાજ વગેરે.

અન્ય સમાજોના કેમ્પ તથા હંગામી આવાસો ચારે તરફ બની ગયા. સ્થિતિ ધીરે ધીરે થાળે પડવા લાગી. લોકો ઘણા જ દુ:ખી હતા. છતાં સર્વ સમાજોના આશ્રયથી થોડું દુ:ખ દૂર થયું. પણ મનમાં સૌને એક વિચાર આવતો હતો કે પોતાનું ઘર ક્યારે બનશે...?

રઘુ અને મીરાદ એક સ્મશાન બહાર ઓટલા પર બેઠા બેઠા બીડી પી રહ્યા હતા. બંને તુરંતમાં મલબામાંથી નીકળેલ એક લાશને અગ્નિદાહ દેવા માટે તેમના સંબંધીઓ મદદ કરવા સ્મશાનમાં આવ્યા હતાં. બંનેએ ખોટા ધંધાને ત્યજી દીધા હતા અને સેવાકાર્યમા જોડાઇ ગયા હતા. સવારથી સાંજ કોઇને મલબામાં ફસાયેલ સંબંધીને કાઢવામાં તો કોઇના ઘરના સામાન માટે કે કોઇને સારવાર કરવા મેડિકલ કેમ્પમાં લઇ જવા માટે સતત આખો દિવસ મદદમાં જોડાયેલ રહેતા હતા.

ઠન...ઠન...ઠન...ઠન...અચાનક ઢોલ શરણાઇના અવાજ સાંભળી બંને ઓટલા પરથી ઊભા થયા અને ચારે તરફ નજર કરી જોવા લાગ્યા.

સ્મશાનતી થોડે દૂર ઝૂંપડપટ્ટીમાં ઢોલ વાગી રહ્યાં હતાં. બંને તે તરફ જઇને જોવા લાગ્યા. બંને છક્ક થઇને જોઇ જ રહ્યાં.

ઢોલ નગારા સાથે એક ઘરની ડેલી પાસે સજીધજી તૈયાર થઇ હાથમાં તલવાર, નારિયેળ, માથા માથે સાફો બાંધી એક વરરાજા લગ્નના માંડવે જઇ રહ્યો હતો.

એક તરફ સ્માશાનમાં લાશો બાળવા માટે લાઇનો લાગતી હતી અને તેની પાસે જ લગ્નનો માંડવો સજાવેલો હતો.

હરામખોર સાલ્લો...જાણે લગ્ન કર્યા વગર રહી જતો હોય તેમ નીકળ્યો છે.

આ...આ… લાશોના ઢગલા આ છવાયેલો માતમ શરમ પણ નથી આવતી.

હાક...થૂ...મીરાદ ગુસ્સા સાથે થુંક્યો પછી મોં ફેરવીને સ્મશાન તરફ ચાલતો થયો. રઘુ ઊભો-ઊભો તિરસ્કારથી તે વરરાજાને જોતો રહ્યો.

‘મા ખાવાનું આપ જલદી ભૂખ લાગી છે.’ હાથ ધોઇ પલાંઠી વાળી બેસતાં મીરાદ બોલ્યો.

‘હા...ભાઇ...હા... તૈયાર જ છે. હવે જલદી લગ્ન કરી લે, બાકી તો મારો શું ભરોસો બેટા...વાવાઝોડામાં બચ્યા તે ધરતીકંપમાં ગયા અને ધરતીકંપમાં બચ્યા તે...’

‘ના...મા એવું ન બોલ. હજી તો મારે નિકાહ કરવા છે. તારા આશીર્વાદ જોશે ને કેમ રઘુ...?’ મીરાદ બોલ્યો.

‘હા.ભાઇ હા...મારે પણ લગ્ન કરવાં છે. તારા નિકાહ અને મારા લગ્ન સાથે કરશું.’ રઘુ બોલ્યો.

‘રઘુ...આપણે હવે કોઇ જ ખોટા ધંધા કરવા નથી, હવે સેવાનું કામ પૂરું થાય એટલે કોઇ ધંધો શોધી લઇએ.’

‘હા...મીરાદ, હવે થોડા દિવસ સેવા કાર્ય કરી લઇએ, પછી મહેનત કરીને ખાશું. પણ મીરાદ આપણને હજી ઋણ ઉતારવાનું બાકી છે. ડોશી સામે ઇશારો કરતાં રઘુ બોલ્યો.’

‘હા...રઘુ એકવાર અનવર હુસેન અને ચોથો સાલ્લો હરામખોર હાથમાં આવે એટલી જ વાર, સાલ્લાઓને મારી-મારીને ધોઇ નાખું અને બધો માલ ઓકાવું, બસ હવે એજ એક કામ બાકી રહે છે.’

‘ચાલો હવે વાતો બંધ કરો અને જલદી જલદી ખાવા લાગ્યો. બંનેની થાળી પીરસતાં ડોશી બોલી.’

‘અને બેટા હવે કોઇનેય મારવાની જરૂર નથી. હવે હું તમને મારપીટ, લડાઇ, ઝઘડા જેવાં કોઇ કામ કરવા નહીં દઉં.’ બંનેના માથા પર હાથ ફેરવતાં ડોશી બોલી.

મિત્રો...સમય કોઇની રાહ જોતો નથી. અને સમય જિંદગીના બધા જખ્મ રુઝાવી નાખે છે.

સમય ધીરે ધીરે વીતતો ગયો. તેમ કચ્છની પરિસ્થિતિ થાળે પડતી ગઇ. લોકો ધરતીકંપનો ગમખ્વાર બનાવ ધીરે ધીરે ભૂલી જઇને કામ ધંધે વળી ગયા હતા. કચ્છનાં નાનાં નાનાં ગામડાઓ, સંસ્થાઓ દત્તક લીધાં અને ખૂબ જ મહેનત સાથે ફરીથી બનવા લાગ્યું.

અંજારના સેવાભાવી ર્ડોક્ટરે અંજારને ફરીથી ગામતળથી દૂર વસાવવા માટે ગ્રુપ 2001ની રચના કરી.

ઘરબાર વગરના દુ:ખી લોકો ગ્રુપ 2001માં જોડાયા અને ગ્રુપ સાથે રેલીમાં જોડાઇને પોતાની વેદના બતાવવા પગપાળા ગાંધીનગર જવા કૂચ કરી. ગવર્નમેન્ટ અંજારને ફરીથી ખૂબસૂરત શહેર બનાવવા માટે પુનર્રચના કરવા માટે ભરપૂર દિલાસો આપ્યો.

અંજારમાં સંત શ્રી મોરારીબાપુએ નવા આવાસની રચના કરી. જેનું નામ પડ્યું સીતારામ પરિવાર આવાસ તથા સંતશ્રી રમેશભાઇ ઓઝાએ રાધાનગર તથા લાયન્સ ક્લબ અને રોટરી ક્લબ પર નવા આવાસો બનાવી જરૂરિયાતમંદ લોકોને મકાનો સોંપ્યાં.

સીતા-રામ પરિવારના મકાનોનું લોકાર્પણ કરવા આવેલ સંત શ્રી મોરારીબાપુ સાથે અંજાર તાલુકાના ધારાસભ્ય વાસણભાઇ આહીર અને નરેન્દ્રભાઇ મોદી પધાર્યા અને તેઓના હસ્તે બેઘર લોકોને મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે નરેન્દ્રભાઇ મોદીની આંખો છલકી આવી અને તેમણે કચ્છના દુ:ખી લોકોની પીડામાં સહભાગી બનવાનું નક્કી કર્યું.

થોડા સમય બાદ ગુજરાત સરકારની પુર્નરચના કરવામાં આવી અને ગુજરાતના મુખ્યમંત્રી પદે નરેન્દ્રભાઇ મોદી બિરાજમાન થયા. અને ધરતીકંપની પહેલીવર્ષીએ તેઓ ફરીથી અંજાર ધ્વજવંદન કરવા આવ્યા ત્યારે તેઓના સામે કચ્છના દુ:ખી લોકો ભીની આંખે ઘણી જ આશા સાથે હાજર રહ્યા હતા. તેઓ ફક્ત એટલું જ બોલ્યા હતા, ‘હું કચ્છની પ્રજાના આંખનાં આંસુ લૂંછવા અહીં આવ્યો છું અને તેઓ કચ્છમાં બે દિવસ રોકાય હતા.

ધરતીકંપે કચ્છમાં ઘણી તબાહી મચાવી. તે પહેલાં 1998માં 120 કિ.મી.ની ઝડપે ભયાનક વાવાઝોડું ફૂંકાયું હતું અને કચ્છમાં ખૂબ તારાજી સર્જી હતી.

કુદરત કચ્છ પર રૂઠી હતી, એક પછી એક કુદરતી આફતો આવી હતી. પણ કુદરતી આફતોનો સામનો કરતી કચ્છની ખમીરવંતી પ્રજાને સાથ આપી કચ્છને ઝડપથી ફિનિક્સ પક્ષીની જેમ બેઠું કરવાનું પણ લઇને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છમાં મોટા-મોટા ઉદ્યોગો લેવવાનું શરૂ કર્યું, અને વડાપ્રધાન બાજપાઇજીએ તેમને સાથ આપતાં કચ્છમાં આવતા ઉદ્યોગો માટે ટેક્ષ ફ્રી કર્યો.

આજ પણ મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ ‘‘હુ કચ્છની માયાળુ માનવીનો રોટલો ખાવા આવ્યો છું.’’ એમ કહી આત્યીયતા જગાડે છે. કચ્છની ઓળખ પૂરી દુનિયાને કરાવવા તેમણે ટુરીઝણ સ્થળોનો વિકાસ કર્યો અને ભારતના મહાન અભિનેતા અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા અને કચ્છને નવું સ્લોગન આપ્યું, ‘‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.’’

ખરેખર નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનો નાથ બનીને રહ્યા છે. તેઓ કચ્છની પ્રજાના પિતા બનીને રહ્યા છે. તેઓને કચ્છની પ્રજા ક્યારેય નહીં ભૂલે. આજ તેમની જહેમતથી કચ્છ પેરિસ બનવા જઇ રહ્યું છે. ‘‘જય ગુજરાત, જય કચ્છ’’

ધરતીકંપ પછી કચ્છમાં ઘણા એવો બનાવો બન્યા હતા કે લોકો પોતાના પુત્ર, પિતા વગેરેને શોધતા હતા. બહારથી આવેલ સંસ્થાઓ ઘાયલ લોકને પૂના, બોમ્બે, દિલ્હી લઇ ગયા હતા. ત્યારે કોણ ક્યાં ગયું તે કોઇને ખબર ન હતી. ઘણા મૃત લોકોને અગ્નિદાહ અપાઇ ગયો હતો. જે કોણ હતા તે કોઇને ખબર પડી ન હતી. એટલે ઘણા પોતાનાં બાળકો, ભાઇ, પિતાની શોધ કરતા હતા. તેઓને એવી આશા હતી કે તેઓ જીવંત હશે અને કોઇ સંસ્થા સારવાર માટે કચ્છની બહાર લઇ ગઇ હશે, અને ખરેખર તો તેઓ મરી પરવાર્યા હતા. કેટલાયે પોતાના ઘરના લોકો મરી પરવાર્યા એમ માની લીધેલ જે પાછળની જીવિત મળી આવ્યા. એક પિતાએ છાપામાં મૃતકોનું લીસ્ટ વાંચીને પોતાનો પુત્ર મરી પરવાર્યો. સમજ્યા, ઘરનાં સૌ દુ:ખી થયાં. મુંડન કરાવ્યું અને થોડા દિવસો પછી તેનો છોકરો પૂના હોસ્પિટલમાં સારવાર લઇ પરત ફર્યો.

આપણી આ કથામાં પણ કાંઇક એવો જ બનાવ બનેલ છે. હવે કચ્છની ધરતીકંપની દુ:ખ યાતનાઓને ભાર વધુ તમને આપવાને બદલે કથામાં આગળ વધીશું.

તે પાગલ છોકરીના મર્ડરનો કેસ ઉકેલાઇ ગયો હતો. તેના ઘરમાં જે વ્યકિત રેલવે ક્રોસિંગ પર એક્સિડન્ટમાં મરણ પામી હતી. તેના ફિંગર પ્રિન્ટનાં નિશાન મળી આવ્યા હતાં. તે પાગલ છોકરીનું ગળું દબાવવાથી તેનું મોત થયુ હતું. પણ ચોંકાવનાર વાત તો એ હતી કે જે વ્યકિત રેલવે એક્સિડન્ટમાં મરણ પામી હતી તેની પાસેથી મળેલ એક હાઇરેન્જના કેમેરામાં કચ્ચના મહત્ત્વના સ્થળના ફોટા પાડેલા મળી આવ્યા હતા. અને તે હોટલમાંથી તેનાં જૂનાં અને ફાટેલાં કપડાં મળી આવ્યાં હતાં. તે કપડાંની સિલાઇના માર્કા જે ટેઇલરન હતા તે પાકિસ્તાનના હોવાનું જાણવા મળ્યું હતું. તેથી જ પોલિસ ચોંકી ઊઠી હતી અને તે કેશને ગુપ્તચર સંસ્થાને સોંપવામાં આવ્યો હતો. અને તેની જાણ મેજર સોમદત્તને કરવામાં આવી હતી.

મેજર સોમદત્ત કદમને લઇને તરત દિલ્હી ચાલ્યા ગયા હતા અને કદમને દિલ્હી સી.બી.સી. સ્કૂલમાં ઉચ્છ શિક્ષણ લેવા માટે દાખલ કરી દીધો હતો અને કદમ પણ બધું જ ભૂલી જઇ ભણવામાં એક ધ્યાન થઇ ગયો.

પણ મેજર સોમદત્ત ભૂલ્યા ન હતા.

હા તેનો આસિસ્ટન્ટ આનંદ શર્મા જે દિલ્હી પરત આવ્યો ન હતો અને તેનો કોઇ જ સમાચાર પણ ન હતા. સોમદત્ત એક ચક્કર પણ કચ્છમાં લગાવી ગયા. આનંદ શર્માની ઘણી જ શોધખોળ કરવામાં આવી પણ પરિણામ ઝીરો આવ્યું.

શું થયું આનંદ શર્માનું...?

શું ધરતી તેને ગળી ગઇ કે આસમાન ઉડાવી ગયું ?

કે પછી ધરતીકંપમાં ક્યાંક ફસાઇને મૃત્યુ પામ્યો...?

બની શકે કે તે કોઇ પણ સંજોગોમાં મૃત્યુ પામ્યો હોય અને ધરતીકંપમાં ઢગલાઓના સ્વરૂપમાં લાશોને સ્મશાનમાં અગ્નિદાહ આપતો હતો તે સાથે તેને પણ અગ્નિદાહ અપાઇ ગયો હોય. ખૂબ ચિંતાતુર રહેતા હતા મેજર સોમદત્ત.

ન રહસ્ય ઉકેલાયું તે પાટા પર મરી ગયેલ તે વ્યકિતનું, ન રહસ્ય ઉકેલાયું આનંદ શર્માનું.

મીરાદ અને રઘુએ જમીન દલાલીનો ધંધો શરૂ કરી દીધો હતો.

ડોશીના બંને છોકરા આફ્રિકાથી અંજાર ચક્કર લગાવી ગયા અને ડોશી માટે નવું મકાન પણ બંધાવી ગયા રઘુ અને મીરાદ ડોશીના બંને દીકરાઓના ખૂબ આગ્રહથી ડોશી સાથે નવા મકાનમાં ચાલ્યા ગયા હતા. ડોશી અને તેમના દીકરાઓએ રઘુ અને મીરદને તે સોનું ભૂલી જવા માટે સમજાવ્યું હતું. આમે ખૂબ શોધખોળ પછી અનવર હુસેન મળ્યો ન હતો.

***

***

રેટ કરો અને રિવ્યુ આપો

Sudhirbhai Patel 5 દિવસ પહેલા

Alpesh Thakar 1 અઠવાડિયા પહેલા

dayaljikacha624@gmail.com 1 અઠવાડિયા પહેલા

Kinjalpathak 2 અઠવાડિયા પહેલા

Kishor Rathod 2 અઠવાડિયા પહેલા