Niyati - 26 books and stories free download online pdf in Gujarati

નિયતિ - ૨૬

ચાલ હીરો તારે તો ગાવું જ પડશે!  જો ના ગાય તો તને ભાભીના સમ!જાણે કોઈ મોટું તીર માર્યું હોય એમ એ મુરલી સામે જોઈ હસી રહ્યો.


ભરત અને કેતુલ બંને પર શરાબ એની અસર કરવા લાગી હતી અને બંને મુરલીને મજાકનું પાત્ર બનાવવાની વેતરણમાં હતા. એમની પાર્થને વધારે લાયક, વધારે કાબિલ બતાવવાની આ ચાલ ક્રિષ્ના સમજી ગઈ હતી.


ઇટ્સ ઓકે!  એ નશામાં છે. તારી મરજી ના હોય તો ના ગાતો.” ક્રિષ્નાએ ધીરેથી ફક્ત મુરલી સાંભળે એમ કહ્યું.


મુરલી ક્રિષ્ના સામે જોઈને સહેજ હસ્યો. એની જગાએથી ઊભો થયો અને બે કદમ આગળ ખસી, ક્રિષ્નાની સામે ઊભા રહી એની સામે જોઇને ગળું ખંખેર્યું, કોઈક ના હસવાનો અવાજ આવ્યો.


એ ભરત હતો. સોરી કહી એણે મોઢું દબાવી જાણે પરાણે હસવું રોકતો હોય એવું નાટક કર્યું.


હોઠો સે છુંલો તુમ, મેરા ગીત અમર કર દો.

બનાજાઓ મીત મેરે, મેરી પ્રીત અમર કર દો..."


ઉદાસ, ગહેરો, કાનમાંથી સીધો દિલમાં ઉતરી જાય એવો મીઠો અવાજ રેલાવા લાગ્યો. ક્રિષ્નાના હોઠો પર સ્મિત ફરકી રહ્યું. મુરલીના મમ્મી પપ્પા સંગીતના જાણકાર હતા એ વાતની ક્રિષ્નાને ખબર હતી પણ મુરલી આટલું અદભુત ગાતો હશે એની એને જાણ જ ન હતી.


મુરલી હવે ચાલતો ચાલતો ભરત ઠાકોર પાસે પહોંચ્યો અને એની આંખોમાં આંખો પરોવીને ગાઈ રહ્યો,


ના ઉમ્ર કી સીમા હો, ના જનમો કા હો બંધન

જબ પ્યાર કરે કોઈ, તો સોચે કેવલ મન,”


બધા ચૂપચાપ ગીત સાંભળવામાં લાગી ગયા હતા. ધર્મેશ વારંવાર વાહ...વાહ....બોલતો હતો અને ભરત એની સામે કતરાઈને જોતો હતો. પાર્થે એક નજર ક્રિષ્ના તરફ કરી. એ ફક્ત મુરલી સામે જ જોતી હતી. એની નજરમાં આજ પાર્થને કશુંક એવું દેખાઈ રહ્યું હતું જે એ વરસોથી જોવા માંગતો હતો, એ પ્રેમ હતો...પણ અફસોસ એ પ્રેમ એના પોતાના માટે નહતો! એ થોડો ગંભીર થઈ ગયો. એ જ વખતે મુરલી એક ટેબલ પાસે જઈને થોભ્યો હતો અને આકાશ તરફ જોઈને ગાયું,


જગને છીના મુજસે, મુજે જો ભી લગા પ્યારા

જગ જીતા કિયા મુજસે, મેં હરદમ હી હારા...


અજીબ દર્દ ભરેલો હતો એ અવાજમાં. ક્રિષ્ના એની જગાએથી ઉઠી હતી, મૂર્તિવંત!  એ ક્યાં છે, શું ચાલી રહ્યું છે એ બધું જ ભૂલીને, ફક્ત મુરલીના દિલના અવાજને અનુસરીને એ ઉઠી હતી અને મુરલીની સામે જઈને, એની આંખોમાં આંખો પરોવી ઊભી રહી ગઈ. એ જ વખતે મુરલીએ છેલ્લી પંક્તિ ગાઈ,


તુમ હાર કે દિલ અપના, મેરી જીત અમર કર દો

મેરી જીત અમર કર દો, મેરી પ્રીત અમર કર દો.


ક્રિષ્નાની આંખોમાં જોઈ રહેલો મુરલી થોભી ગયો, સમય પણ થોડીવાર જાણે થોભી ગયો, બધાની નજર ફક્ત ક્રિષ્ના અને મુરલી તરફ જ હતી સિવાય પાર્થ!  એણે બિયર ભરેલો ગ્લાસ ઉઠાવ્યો અને એક જ ઘૂંટમાં  આખો ખાલી કરી દિધો. ગ્લાસ ટેબલ પર મૂકીને એણે જોર જોરથી તાળીઓ પાડી.... બધાં જાણે કોઈ સન્મોહનમાંથી બહાર આવ્યા. પાર્થ હસતો હસતો એ ક્રિષ્ના પાસે ગયો.


ફેબ્યુલસ!  મુરલી યું આર આ બોર્ન સિંગર!  ક્રિષ્ના તારો દોસ્ત અદભુત ગાય છે... તારો દોસ્ત જ છે ને?” છેલ્લું વાક્ય એ ક્રિષ્નાની સાવ પાસે જઈને એના કાનમાં બોલ્યો.


ક્રિષ્નાને પોતાની ભૂલ સમજાઈ. બધાની વચ્ચે એ ભાન ભૂલી ગઈ હતી. એણે બંને પાંપણો નીચે ઝુકાવી હા પાડી. પાર્થ હસ્યો જરાક અને ક્રિષ્નાનો હાથ પકડીને એને એની જગા પર પાછી લઈ ગયો. આ બધુ થોડી સેકંડોમાં જ બની ગયું. બધાએ તાળીઓ પાડીને મુરલીને વધાવી લીધો.


મોડી રાતે એ લોકો ઘરે પાછા ફર્યા ત્યારે જશોદાબેન જાગતા હતા. ક્રિષ્ના એના રૂમમાં જઈને સુવાના કપડાં પહેરી બહાર આવી. મુરલી હજી સોફા પર બેઠો હતો.


રોજ રોજ આમ સોફા પર સુવાનું કેમ ફાવે બેટા તારા દોસ્તને માટે કાલે કોઈ સારી હોટેલમાં રૂમ લઈ લેજે. આવું સારું ના લાગે. નવ દિવસ રહીને ક્રિષ્નાની સગાઈ છે. ચાર પાંચ દિવસ રહીને ઘરે મહેમાન આવવા લાગ્યા હશે. તમે સગાઈ સુંધી તો રોકાશોને?”જશોદાબેને હળવે રહીને વાત ઉખેળી.


મારું કામ કાલે પતી જશે. અહીં થોડું કામ ચાલુ કરવાની ઈચ્છા છે, જે ક્રિષ્ના જ પછી સંભાળી લેશે. એને ખબર છે. બેંગલોરમાં જે કામ ચાલે છે એવું અમદાવાદ પણ થઈ શકે." મુરલીએ હસીને વાત કરી.


તમારા લોકોના કામની વાતો મારી સમજમાં નહીં આવે. ચાલો સૂઈ જાવ આજે અહીં, કાલે કંઇક વિચારીશું.” જશોદાબેને ક્રિષ્ના તરફ જોઈ કહ્યું, “બહુ રાત થઈ ગઈ છે હવે તારા રૂમમાં જઈને સૂઈ જા.


ક્રિષ્નાને હજી બહાર હીંચકે બેસી મુરલી સાથે વાતો કરવી હતી. પણ, મમ્મીનું કહ્યું માની લેવાની બાળપણથી જ આદત પાડવામાં આવી હતી. એ આદત હાલ છૂટે એમ ન હતી. એ મુરાલીને ગુડ નાઈટ કહીને પોતાના સુવાના ઓરડામાં જતી રહી.


કલાક પડખા બદલ્યા છતાં ક્રિષ્નાને ઊંઘ ન આવી. બહાર વરસાદ વરસવો ચાલું થયેલો. થોડી થોડી ઠંડી લાગી રહી હતી. ક્રિષ્નાને યાદ આવ્યું કે મુરલીને કંઈ ઓઢવાનું નથી આપ્યું. એ ઉઠી. એક ચાદર લઈને બહાર આવી. અંધારામાં જ એણે મુરલીને ચાદર ઓઢાડી.


ઊંઘી નથી હજી?” મુરલી બોલ્યો.


તું પણ જાગે છે. તને અહીં ના ફાવે તો મારા રૂમમાં જઈને સૂઈ જા. હું અહીં સૂઈ જઈશ.” ક્રિષ્ના એકદમ ધીમેથી બોલી.


એ રૂમમાંય ઊંઘ ન આવે તો?”


તો  તો શું?”


પાર્થ સારો છોકરો છે,” મુરલી ધીરેથી બોલ્યો, “તને દિલથી ચાહે છે.


મને ખબર છે!  હાલ એ બધી વાત જવાદે.” ક્રિષ્ના નીચે જમીન પર સોફાને પિંઠ ટેકવીને બેઠી, “તારું સોફ્ટવેર કેટલે પહોંચ્યું. એના માટે તું તારા ફેસબુક ફ્રેન્ડસની પાસે આઈડિયા માંગી જોને.


હાલ એ બધી વાતો જવાદે. બધું કામ પડતું મૂક્યું છે. કંઈ નવો વિચાર મગજમાં આવતો જ નથી.


જો એવું નઈ ચાલે. તારો વિચાર મસ્ત છે. એને પૂરું કર. મારી એક દોસ્ત છે ક્ષિતિજા એ કહેતી હતી કે લોકોને એમના ખાસ મેસેજ આપવાની સાથે તારે એમણે ગિફ્ટનો ઓપ્શન પણ આપવો જોઈએ.


એ વસ્તુ છે જ એમાં. એમેજોન અને ફ્લિપકાર્ટ બંને સાથે વાત ચાલુ છે.  એ લોકોના સ્ટોર પરથી ગિફ્ટ પસંદ કરી, તારીખ અને ફોન નંબર આપી દે એટલે એ તારીખે સામેવાળા વ્યક્તિને ગિફ્ટ અને મેસેજ બંને મળી જાય. મેં ગિફ્ટમાં ગણી ગેમ્સ પણ રાખી છે. ટેમ્પલ રન જેવી જ એક ગેમ મેં જાતે ડિઝાઇન કરી છે, ધ ગેમ ઓફ લાઇફ!  બીજી રેસિંગ ગેમ્સ અને છોકરીઓ માટે  મેકઅપ અને હેરસ્ટાઇલ!  મારો દોસ્ત છેને નટખટ વાંદરું એણે નવા ઇમોજીનો આઈડિયા આપ્યો છે. જેને મેસેજ મોકલવાનો હોય એના ફોટા પરથી એના માટેનું સ્પેશિયલ સ્તિકર હશે.....


હવે કંઇક વાત જામી. જોજે એક દિવસ તારું એપ પણ આખી દુનિયા વાપરતી હશે. ઓલા ઝૂકરિયા કરતાંયે તું વધારે રૂપિયા કમાઈશ.


ઝૂકર  બઉ નસીબદાર છે. એની પ્રેમિકા એની પત્ની છે! કદાચ એટલેજ એ એનું સપનું પૂરું કરી શક્યો!


આમ વાતોમાં ને વાતોમાં આખી રાત વીતી જશે. ચાલ હું મારા રૂમમાં જઉં.


એક ગુડ નાઈટ કિસ તો આપતી જા!


સૂઈ જા છાનો માનો.” ક્રિષ્ના હસીને એના રૂમમાં જતી રહી.


બાજુના રૂમમાં જશોદાબેન સૂઈ ગયા હતા પણ, વાસુદેવભાઇએ બધી વાત સાંભળી. આમેય બોલવાનું બંધ થયું ત્યારનું એમનું સાંભળવાનું વધુ ગયું હતું....

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED