ધરતીનું ઋણ - 4 - 1 Vrajlal Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધરતીનું ઋણ - 4 - 1

ધરતીનું ઋણ

વ્રજલાલ હિરજી જોષી

છેલ્લી ચીસ

ભાગ - 1

‘પણ...પણ...તમે મને આટલા બધા પૈસા શા માટે આપો છો ?’ આશ્ચર્યથી અનવર હુસેન તે માણસને જોઇ રહ્યો.

‘હજી વધુ જોઇએ છે તો ચાલ મારા ભેગો...’ તે વ્યકિત બોલી.

‘ના...મારે નથી જોતા પણ મારા પર આટલા બધા ફિદા થવાનું કારણ જણાવશો...’

‘કારણ જાણવું હોય તો મારી લાંબી દાસ્તાન સાંભળવી પડશે ?’ તૈયાર હો તો જો સામે મોટું વૃક્ષ છે તેના ઓટલા પર બેસીએ જો તને ટાઇમ હોય તો.’ તે વ્યકિત બોલી.

‘મને ટાઇમે ટાઇમ છે. ચાલો ત્યારે...’ અનવર હુસેન બોલ્યો.

બંને તે વૃક્ષના ઓટલા પર આવીને બેઠા, અનવર હુસેન તે વ્યક્તિને એક સિગારેટ આપી અને એક સિગારેટ પોતે પણ સળગાવી. મને ભારતીય કરન્સી કામ ન લાગે, નહીં તો આ પાગલ વ્યકિત પાસે ઘણા પૈસા પડાવી શકાય તેમ છે. અનવર હુસેન વિચારી રહ્યો.

‘મને તમે પાગલ સમજો છો, નહીં...?’ તે બોલ્યો.

અનવર હુસેન ચમકીને ઊછળ્યો, માળુ આ સાલ્લા પાગલને મારા મનની વાત કેમ ખબર પડી...?’ તે આશ્ચર્યથી તાકી રહ્યો.

‘હું પાગલ છું. ખરેખર પાગલ છું. તમારો વાંક નથી. ભુજની બજારમાં બધા મને પાગલ માને છે.’ સિગારેટનો દમ મારતાં તે બોલ્યો.

પછી અનવર હુસેન તરફ હસીને બોલ્યો, ‘સાંભળ મારી દાસ્તાન. ધરતીકંપ પછી કોઇની પાસે ટાઇમ જ નથી. તું મને આજ પહેલી વ્યકિત મળી છે, જે મારી દાસ્તાન સાંભળવા તૈયાર થઇ છે. સાંભળ...’

અને તેણે પોતાની કથા શરૂ કરી.

‘હું મોરબીનો વતની હતો. મોરબીમા મારી કટલરીની દુકાન હતી. વર્ષો પહેલાંની વાત છે.’ વાત કરતાં કરતાં તે ભૂતકાળમાં સરી પડ્યો.

‘ભયાનક હોનારત મોરબી પર ઊતરી આવી. સવારથી શરૂ થયેલ વરસાદ અટકવાનુ નામ લેતો ન હતો. સાંબેલાધાર પાણી ધરતી પર વીંઝાઇ રહ્યું હતું. રાત પડી તોય વરસાદ ન અટક્યો. તે ભયાનક રાત હતી. મોરબીમાં ચારે તરફ પાણી ભરાઇ ગયાં હતાં. હું મારી પત્ની, પુત્ર અને પુત્રી મારી નાનકડી ખોલીમાં ટૂંટિયું વાળીને સૂતાં હતાં. ધડુડુડુ ધડામ અવાજે સાથે વીજળી થતી હતી. વરસાદ વધતો ગયો. આખી રાત અને ભય અને બીકથી જાગતા કાઢી. બીજા દિવસે સવારના વરસાદ ધીમો પડ્યો, ફરીથી વરસાદે જોર પકડ્યુ. ત્યારબાદ કેર વરતાઇ ગયો.’

મોરબી પાસેનો મચ્છુ ડેમ તૂટ્યો અને ડેમ તૂટતાં તેનાં પાણી ગામમાં ફરી વળ્યા. ભયાનક તારાજી સર્જાઇ ગઇ. બેબે માળા સુધી પાણી ઉપર ચડી ગયાં. માણસોને દોડીને બચાવાનો સમય મળે તે પહેલાં ડેમના પાણીએ હજારો લોકોની જિંદગી છીનવી લીધી. ચારે ચરફ લાશોની લાશો તરતી દેખાતી હતી. ઘરની બધી સામ્રગી, દુકાનોનો માલ પાણીમાં તરતો હતો. મારું ઘર ગામડેથી થોડે દૂર ગરીબોની વસ્તી જે થોડી ઊંચી જગ્યા પર હતી, ત્યાં હતું. તેથી ત્યાં એટલું પાણી ભરાયું ન હતું. એટલે મારું કુટુંબ સુરક્ષિત હતું. હું મારી પત્નીને ઘરની બહાર ન નીકળવાનું કહી ગામ તરફ ચાલ્યો ગયો.

ચારે તરફ લાશો તરતી-તરતી પાણીના વહેણ સામે જઇ રહી હતી. કેટલોય કિંમતી સામાન અને રૂપિયાની નોટો પણ પાણીમાં તરતી હતી. લાશો પર નજર પડતાં મે જોયું કો તો કોઇ લાશોના ગળામાં ચેન, કોઇના હાથમાં વીંટી, સ્ત્રીઓની લાશોના ગળામાં ઊંચી કિંમતનાં સોનાંના ઘરેણાં દેખાતાં હતાં.

સામે બચપણથી મારું દિમાગ શેતાની હતું અને મેં ઘણી ચોરી પણ કરી હતી. આટલા બધા સોનાના દાગીના જોઇને મારા નિયત ફરી અને લાલાચ મનમાં જાગી અને મેં બસ શરૂ કર્યું. લાશોનાં ઘરેણાં ઉતારવાનું. મારા ખિસ્સામાં કાયમ હું રામપુરી ચાકુ રાખતો. એક એક લાશને પાણીમાંથી ખેંચી તેના પરનાં ઘરેણાં ઉતારવામાં ઘણો ટાઇમ જાય તેમ હતો. મેં ખિસ્સામાંથી રામપુરી ચપ્પુ નિકાળ્યું અને પછી તો કોઇની આંગળીઓ કોઇના કાન, ગળાની ચેન, અંગોને વાઢી વાઢીને કાઢવાનું શરૂ કર્યું. માણસોના અંગો કોથળામાં ભરી હું ઘરે આવ્યો. મારું આ કૃત્ય જોઇને મારી પત્નીએ મારાથી ઝઘડો કર્યો. મને ઘણું સમજાવ્યું કે આપણે જે પરિસ્થિતિમાં છીએ તેમાં સુખથી જીવી શકીએ છીએ, માટે આ ઘોર પાપના ધંધા ન કરો. આ બધું પાછું નાખી આવો. ભગવાન જુએ છે. આ કૃત્યુ ઘણું ખરાબ છે. ભગવાન ક્યારેય આપણને માફ નહીં કરે. પણ હું ન જ માન્યોં મેં મારી પત્નીને મારકૂટ કરી તેની બોલતી બંધ કરી નાખી. મેં ઘણું જ સોનું ભેગું કર્યું. પછી મોરબી છોડીને ભુજ ચાલ્યો આવ્યો અહીં મેં લેન્ડ ડેવલોપિંગનો ધંધો શરૂ કર્યો. ઘણું કમાયો, ગાડી, બંગલા લીધા અને ખૂબ જ મોજથી રહેતો હતો. છોકરા મોટા થઇ ગયા હું અને મારા પત્ની તે મોરબીનું મારુ કૃત્ય ભૂલી ગયા હતા, પણ ભગવાન ભૂલ્યો ન હતો. ધરતીકંપ થયો અને મારો બંગલો તૂટી પડ્યો. મારી પત્ની છોકરા-છોકરી. છોકરાની પત્ની તેનાં પ્યારા ફૂલ જેવાં બે બાળકો બધા જ બંગલામાં દટાઇને મૃત્યુ પામ્યાં. ભગવાનનો આજ ન્યાય છે. શું કામ આવ્યું મને તે સોનું, મારું તો બધું લૂંટાઇ ગયું.આ પૈસા શું કામના, હું પાગલ જેવો થઇ ગયો. લાખો રૂપિયા મેં રસ્તા પર ઉડાડી નાખ્યા.’

તે રડતો હતો, અચાનક ઊભો થયો. ખિસ્સામાંથી સો રૂપિયાની થોકડી કાઢી ‘‘ઘા’’ કરી. શું કામના મારા માટે હવે આ રૂપિયા હા...હા...હા...હસતો હસતો તે ચાલી નીકળ્યો.

અનવર હુસેન અવાચક બનીને તેને જોઇ રહ્યો.

શું આવું બની શકે...? માણસના કર્મનો બદલો તેને મળતો હશે...? આ બધી હંબગ વાતો છે. સાલ્લા...આવાને આવા ભટકાય છે. મગજના વિચારોને ખંખેરી અનવર હુસેન ત્યાંથી ઊભો થયો અને રેલવે સ્ટેશન તરફ ચાલી નીકળ્યો. આ લાશો...ચિલ્લાતા માણસો...કાટમાળ અને ધમાધમીથી કંટાળી ગયો હતો. પોતો ફરીથી ધનની લાલચે પાછો સરહદ પાર કરી ભારતમાં આવ્યોને તેને પસ્તાવો થવા લાગ્યો. જેટલુ ધન મળ્યું એટલું ઘણું હતું, ખોટો તે હવે હેરાન થાય છે. હવે તો પોલીસ, આર્મી, બચાવ કાર્ય કરવાવાળા કાર્યકરો એટલા બધા આવી ગયા છે કે કોઇના ઘરમાંથી ઘરેણાં લૂંટવા તે જોખમકારક નીવડી શકે તેમ છે અને લૂંટ કરતાં પકડાઇ જાય તો તેનો ભાંડો પણ ફૂટી શકે. હવે હું આજ રાતના પાછો ચાલ્યો જઇશ...તે વિચારતો વિચારતો આગળ વધ્યો. રેલવે સ્ટેશનથી થોડે દૂર પાનની એક કેબિન પાસે તે આવ્યો. જ્યાંથી તેણે જતી વખતે પાંચ ગોલ્ડ ફલેકની પાકિટ ખરીદી હતી. અહીં વસ્તી ઓછી હતી. થોડે દૂર એક સોસાયટી હતી તે સિવાય ન કોઇ દુકાનો કે ન કોઇ બીજી વસ્તી હતી. ચારે તરફ સન્નાટો છવાયેલો હતો.

એક ગોલ્ડ ફલેકનું પાકિટ ખરીદી તે ત્યાં જ ઊભો-ઊભો સિગારેટ પીવા લાગ્યો.

પાનની કેબિન પર પાનના ગલ્લાવાળો ત્યાં જ ઊભેલી એક વ્યકિત સાથે વાતો કરી રહ્યો હતો. અનવર હુસેનના કાન સરવા થયો.

‘યાર તે એકલી રહે છે...?’ પાનના ગલ્લા પાસે ઊભેલી વ્યકિતે પાનના ગલ્લાવાળાને પૂછ્યું.

‘એકલી હતી નહીં પણ થઇ ગઇ છે. ધરતીકંપમાં તેના મા, બાપ અને એક બહેન દટાઇને મરી પરવાર્યા છે. અને તે છોકરી અસ્થિર મગજની છે. બોલ...કેવું કહેવાય ! જે બુદ્ધિશાળી હતા તે મરી ગયા અને આ પાગલ જીવતી રહી ગઇ. તેય એકલી જ અટૂલી. બંગલો ધન દોલત...ઘરેણાં ઘણું બધું છે પણ તેના કામનું શું ?’ આ તો પાગલ છે. જો...જો...સામે બાલ્કનીમાં ઊભી છે.’ પાનની પિચકારી બહાર ફેંકતા સામે બંગલા તરફ નજર કરી ગલ્લાવાળો બોલ્યો. તેની સાથે ઊભેલ તે વ્યકિતએ તે બંગલા તરફ નજર કરી. સાથે અનવર હુસેને પણ નજર કરી તે તરફ જોયું.

‘પાગલ છે...?’ તેણે ગલ્લાવાળાને પૂછ્યું.

‘હા, ભાઇ પહેલાથી પાગલ છે. ભગવાને તેને પણ મારી નાખી હોત તો સારું થયું હોત. જેને ખાવા-પીવાનું ભાન નથી, કોણ તેનું હવે કરશે...’ પાનવાળો બોલ્યો.

‘માલદાર ઘરની લાગે છે નહીં...?’ અનવર હુસેને પૂછ્યું.

‘હા...બાપ માલદાર હતો. ગળામાં દસ તોલાનો ચેન, પાંચે આંગળામાં પાંચ વીંટી પહેરીના ગાડીમાં ફરતો ઘણી વખત મારી પાસે પાન ખાવા આવતો હતો. સારો માણસ હતો.’

સિગારેટના ઠૂંઠાને બૂટના તળિયા નીચે કચરીને અનવર હુસેન રેલવે સ્ટેશન તરફ ચાલ્યો. સ્ટેશને આવી તે બાંકડા પર બેઠો.

જતાં જતાં આ બંગલામાં લૂંટ કરવા જેવી છે. ઘણું સોનુ મળી રેહ તેમ છે. બસ પછી અહીંથી રફુચક્કર થઇ જાઉં અને રણમાં દાટેલ તે સોનું કાઢીને પાકિસ્તાન પહોંચી જાઉ. હવે ઘણું થઇ ગયું. બસ આ છેલ્લી બાજી રમી લઉં. તે વિચારી રહ્યો અને બેઠા બેઠા તે પાગલ છોકરીને બંગલામાં લૂંટ ચલાવવાનો પ્લાન ઘડતો રહ્યો. વચ્ચે વચ્ચે તેને વિચાર પણ આવતો હતો કે લૂંટ પડતી મૂકી દઉં અને આજે જ પાછો ભાગી જઉં. ફરી વિચાર આવતો, આ છોકરી તો પાગલ છે તેની દોલત તો તેને કંઇ જ કામની નથી. હું નહીં લૂટું તો બીજો કોઇ લૂંટી જશે. અને બંગલામાં ઘૂસી લૂંટ ચલાવવી પણ સરળ છે. કોઇને ખબર નહીં પડે. રાત્રિના દોલત લૂંટી કાલ સવારના તો ભાગી પણ જઇશ અને...અનવર હુસેન રાત્રિની વાટ જોતો-જોતો રેલવે સ્ટેશનના બાંકડા પર જ ઊંઘી ગયો.

સમ...સમ...સમ...સૂનકાર અને વેરાન સન્નાટી રાત્રિનો સમય આગળ વધી રહ્યોહતો. ચારે તરફ કૂતરાના ભસવાના અવાજ આવતા હતા.

લગભગ દસ વાગ્યાનો ટાઇમ થયો હતો. રેલવે સ્ટેશનની પાસે આવેલ લોજમાં ભોજન કરી અનવર હુસેન રેલવે સ્ટેશન પર બેઠો હતો. સિગારેટનો છેલ્લો દમ ભરી. સિગારેટના ઠૂંઠાને ઘા કરી તેણે મોબાઇલમાં સમય જોયો. પછી સ્ટેશનના ગેટની બહાર આવી થોડે દૂર આવેલ સોસાયટી તરફ જવા લાગ્યો.

કાળી કાજળ ઘેરી રાત હતી ! હાથને ય હાથ ન હતો દેખાતો. બેહદ બિહામણું વાતાવરણ હતું. ચારે તરફ કૂતરા ભસતા ભસતા તેની પાછળ ચાલ્યા આવતા હતા. ઠંડી હવા ફૂંકાઇ રહી હતી. સાંજના ખરીદેલી ટોર્ચના કાચ પર રૂમાલ ઢાંકીને તેના ક્ષીણ પ્રકાશમાં તે વૃક્ષોની ઓથમાં લપાતો છુપાતો સોસાયટી તરફ જઇ રહ્યો હતો.

નીચા નમી એક પથ્થર ઉપાડી તેણે પાછળ આવતાં કૂતરાંઓને ભગાડ્યાં.

સહસા એના કાન શિકારી કૂતરાની જેમ સરવા થઇ ગયા. કાંઇક અવાજ સંભળાયો. કોઇના ચાલવાના પગલાનો અવાજ...ગાઢ અંધકાર ભર્યા ભયાનક વાતાવરણમાં તેના સિવાય પણ કોઇ તેની આજુ-બાજુમા હોય તેવો તેને ભાસ થયો. તેનું હ્રદય થડકી ઊઠ્યું. પણ પછી મનને મક્કમ કરી જે બંગલામાં તે પાગલ છોકરી રહેતી હતી તે તરફ ચાલ્યો. બંગલાના ગેટ પાસે આવીને ચારે તરફ નજર ફેરવી.

પવનને લીધે બંગલાની આજુ-બાજુ વાવેલ વૃક્ષોનાં ઝુંડનાં પાંદડાં ખખડી રહ્યાં હતાં. એક લાંબો શ્વાસ લઇ તે ગેટની બાજુની દિવાલ ટપીને કંમ્પાઉન્ડમાં ઘુસી ગયો. કંમ્પાઉન્ડમાં ઘૂસીને થોડીવાર તે દીવાલ સરસો ચૂપાચૂપ ટુંટિયુંવાણીને બેસી ગયો ચારે તરફ નીરવ સન્નાટો છવાયેલો હતો.

થોડીવાર પછી તે ઊભો થયો અને દબાતા પગલે બંગલાના પાછળના ભાગ તરફ આવ્યો.

રાત્રીના ભેંકાર વાતાવરણમાં લાકડીનો ઠક, ઠક અવાજ ગુંજી ઊઠ્યો.

લાકડીનો અવાજ સાંભળી અનવર હુસેન બંગલાના પાછળ ભાગમાં આવેલ ફૂલોના ક્યારેમાં છુપાઇને બેસી ગયો.

ઠક-ઠક અવાજ ધીરે ધીરે દૂર થઇ ગયો. સોસાયટીમાં ચોકીદાર રાઉન્ડ લગાવવા નીકળ્યો હતો. જે આગળની તરફ વધી ગયો. થોડીવાર પછી અનવર હુસેન ઊભો થયો અને પાછળના પેસેજના દરવાજા તરફ આગળ વધ્યો. દરવાજો ખુલ્લો હતો તે દરવાજાથી સાડી બંગલાના ઉપરના કમરા તરફ જતી હતી. તે સીડી ચડીને તે ઉપરના કમરાના દરવાજા પાસે પહોંચ્યો. ત્યારબાદ હેન્ડલને પકડીને ધીરેથી ફેરવ્યું એના અચરજ વચ્ચ ઉપરના કમરાનો દરવાજો ખુલ્લો હતો. સાવચેતીપૂર્વક તે ચારે તરફ નજર ફેરવતો અંદર પ્રવેશ્યો.

અંદર પ્રવેશતાં ટોર્ચના આછા પ્રકાશમાં ચારે તરફ નજર ફેરવતાં સહસા તેના પગ થીજી ગયા. ગાત્રો ઠંડાંગાર બની ગયાં. ઉત્તેજના અને ભયનું એક કારમું લખલખું વીજળીની ગતિથી તેના શરીરમાં પગથી માથા સુધી ફરી વળ્યું.

અંદર ચુડેલનો આભાસ આપતી એક સફેદ વસ્ત્રો પહેરેલી આકૃતિ ઊભી હતી. તેણે જે દેખાવ જોયો તે ભલભલાની છાતીનાં પાટિયાં બેસાડી દે તેવો હતો.

ખુલ્લા બાલ અને સફેદ વસ્ત્રોમાં લપટાયેલી એ આકૃતિ દાંત કાઢીને એની સામે જોઇને હસવા લાગી.

અનવર હુસેન પરસેવો વળી ગયો. તે તરત પાછા પગે કમરાની બહાર નીકળી ગયો. દરવાજો બંધ કરી અને સીડી પાસે આવીને જોર-જોરથી શ્વાસ લેતો ઊભો રહ્યો. ઠંડા વાતાવરણમાં તેના ચહેરા પર પરસેવો નીતરતો હતો. તે સીડી પર જ બેસી ગયો અને ઉપરના કમરાના દરવાજા તરફ જોવા લાગ્યો.

અચાનક ચીઇઇઇ...ના ડરામણાં અવાજ સાથે કમરાનો દરવાજો ખૂલ્યો. અનવર હુસેને ધડકતા દિલે જોઇ રહ્યો.

અચાનક ખુલ્લા કમરાના દરવાજામાંથી તે સફેદ વસ્ત્રધારી સ્ત્રી બહારની તરફ આવી અને દરવાજા પાસે ઊભી રહી. અંધકારભર્યા વાતાવરણમાં તે ચુડેલ જેવી જ દેખાતી હતી. અનવર હુસેનને પોતાનું દિલ જાણે હમણાં છાતીની પાંસળીઓ તોડીને બહાર આવી જશે તેવું લાગ્યુ. પગથિયાં પર શરીરને સંકોચીને તે ચૂપાચૂપ બેસી રહ્યો.

***